કુટુંબમાં બીમાર વ્યક્તિની સંભાળ લેતા લેતા યહોવાહની ભક્તિમાં ઠંડા ન પડો
કુટુંબમાં બીમાર વ્યક્તિની સંભાળ લેતા લેતા યહોવાહની ભક્તિમાં ઠંડા ન પડો
સ્ટીવ અને તેની પત્ની કીમ યહોવાહના ભક્તો છે. કીમને કરોડરજ્જુ પાસે ગાંઠ થઈ અને ખબર પડી કે તેમને કૅન્સર છે. * સ્ટીવ કહે છે, ‘ગાંઠ કાઢવા ઑપરેશન કરવું પડ્યું. પછી કીમને રેડિયોથેરપી અને કેમોથેરપીની સારવાર લેવી પડી. એની આડઅસરને લીધે તેનામાં બહુ કમજોરી આવી ગઈ. તેનામાં ચાલવાની પણ શક્તિ ન હતી.’
સ્ટીવનો વિચાર કરો. આવી જીવલેણ બીમારી સાથે લડતી પોતાની વહાલી પત્નીને જોઈને, તેમને કેટલું દુઃખ થયું હશે! કદાચ તમારું કોઈ સગું-વહાલું પણ એવી કોઈ બીમારી સહન કરતું હોય અથવા ઘડપણની તકલીફો સહન કરતું હોય. (સભા. ૧૨:૧-૭) જો એમ હોય, તો તેમની સારી રીતે સંભાળ રાખવા, પહેલા તો તમારે પોતાની સંભાળ રાખવી પડશે. જો તમે યહોવાહની ભક્તિમાં કમજોર થઈ જશો, તો એની અસર તમારી લાગણીઓ પર પડી શકે. અરે, તમારી તબિયત પર પણ એની અસર પડી શકે છે. એટલું જ નહિ, તમારા સગાં-વહાલાંને જરૂરી મદદ પણ નહિ આપી શકો. બીમાર અથવા વૃદ્ધ સગાંની સંભાળ લેવાની સાથે સાથે, તમે કેવી રીતે યહોવાહની ભક્તિ પણ કરતા રહી શકો? એવી બીમાર વ્યક્તિઓ માટે મંડળના ભાઈબહેનો શું કરી શકે?
સમજી-વિચારીને વર્તો
બીમાર સગાની સંભાળ લેવાની સાથે સાથે યહોવાહની ભક્તિ પણ કરતા રહેવા, તમારો સમય અને શક્તિ સમજી-વિચારીને વાપરવા પડશે. “નમ્ર જનો પાસે જ્ઞાન હોય છે,” અથવા તેઓ સમજી-વિચારીને વર્તે છે. (નીતિ. ૧૧:૨) આ કિસ્સામાં “નમ્ર” હોવાનો અર્થ એ થાય કે પોતાની મર્યાદા સ્વીકારવી. તમે હદ ઉપરાંત થાકી ન જાઓ માટે તમારા રોજિંદા કામો અને જવાબદારીઓ પર નજર રાખો.
સ્ટીવે તેમની જવાબદારીઓ વિષે સમજી-વિચારીને
પગલાં લીધાં. તે નોકરી કરતા હતા. આયર્લૅન્ડમાં યહોવાહના સાક્ષીઓના મંડળમાં વડીલોના સેવક હતા. પ્રચાર કામની દેખરેખ કરતા હતા. તે પોતાના વિસ્તારમાં હૉસ્પિટલ લિએઝન કમિટીના સભ્ય પણ હતા. સ્ટીવ કહે છે કે ‘હું આ બધી જવાબદારીઓ નિભાવવા ઘણો સમય આપતો હતો. તોપણ કીમે કદીએ ફરિયાદ નહોતી કરી કે હું એને પૂરતો સમય આપતો નથી. પણ મને ખબર હતી કે હું વધારે પડતું કામ કરી રહ્યો છું.’ સ્ટીવે શું કર્યું? તે કહે છે કે, ‘પ્રાર્થના કરીને મેં નિર્ણય લીધો કે વડીલોના સેવક તરીકેની જવાબદારી હું બીજા કોઈને સોંપી દઈશ. હું વડીલ તરીકે સેવા આપતો રહ્યો, પણ મંડળની અમુક જવાબદારીઓ બીજા ભાઈઓને સોંપી દીધી. આ રીતે કીમની સંભાળ રાખવામાં હું સમય આપી શક્યો.’અમુક સમય પછી કીમની તબિયત સુધરી. સ્ટીવ અને કીમે પોતાના સંજોગો પર ફરી વિચાર કર્યો. પછી પત્નીના સાથથી સ્ટીવ પહેલાંની જવાબદારીઓ ફરીથી ઉપાડી શક્યા. સ્ટીવ સમજાવે છે કે ‘અમે બીમારીને લીધે ઊભા થએલા સંજોગોની મર્યાદામાં રહીને જીવતા શીખ્યા. યહોવાહની મદદ માટે હું તેમનો ઘણો આભાર માનું છું. તેમ જ, મારી પત્નીનો આભાર માનું છું કે તેણે બીમારી છતાં કોઈ ફરિયાદ વિના મને સાથ આપ્યો.’
હવે સરકીટ ઑવરસીયર જેરી અને તેમની પત્ની મારિયાનો અનુભવ જોઈએ. તેઓએ પોતાના ઘરડાં માબાપની સંભાળ રાખવા પોતાના ધ્યેયોમાં ફેરફાર કરવો પડ્યો. મારિયા કહે છે કે ‘અમારા બંનેનો ધ્યેય મિશનરિ બનવાનો હતો. પણ મારા પતિ તેમનાં માબાપનું એકનું એક સંતાન હતા. હવે તેઓની સંભાળ રાખવા કોઈકની જરૂર હતી. એટલે અમે આયર્લૅન્ડમાં જ રહેવાનો નિર્ણય કર્યો. જેરીના પપ્પા ગુજરી ગયા એ પહેલાં તેમણે હૉસ્પિટલમાં રહેવું પડ્યું. એ સમયે અમે તેમની સાથે ને સાથે જ હતા. હવે અમે જેરીનાં મમ્મી સાથે દરરોજ વાતચીત કરીએ છીએ. તેમ જ, તેમને મદદની જરૂર પડે કે તરત જ અમે પહોંચી શકીએ, એટલા નજીક હોઈએ છીએ. જેરીનાં મમ્મી જે મંડળમાં છે, ત્યાંના ભાઈબહેનો તેમને બહુ મદદ કરે છે ને સાથ આપે છે. એટલે જ અમે સરકીટનાં મંડળોની આ રીતે મુલાકાત લઈ શકીએ છીએ.’
બીજાઓ કેવી મદદ કરી શકે?
મંડળમાં મોટી ઉંમરની વિધવાઓને કેવી ચીજવસ્તુઓની મદદ આપી શકાય, એની ચર્ચા કરતા પાઊલે લખ્યું: ‘જે માણસ પોતાના કુટુંબની સંભાળ રાખતો નથી, તેણે વિશ્વાસનો ત્યાગ કર્યો છે, એમ સમજવું; તે તો અવિશ્વાસી કરતાં પણ ભૂંડો છે.’ પાઊલે ભાઈ-બહેનોને યાદ કરાવ્યું કે તેઓ ‘ઈશ્વરને જે પ્રિય છે’ એ કરવા માંગતા હોય તો, પોતાનાં માબાપ અને દાદા-દાદી કે નાના-નાનીને પૈસેટકે મદદ કરવી જ જોઈએ. (૧ તીમો. ૫:૪, ૮) મંડળના ભાઈબહેનો પણ મદદ કરી શકે છે અને કરવી જોઈએ.
સ્વીડનમાં રહેતા મોટી ઉંમરના યુગલ હૉકન અને ઈન્જરનો અનુભવ લઈએ. હૉકન કહે છે, “મારી પત્નીને કૅન્સર છે એમ ખબર પડી ત્યારે અમને બંનેને આઘાત લાગ્યો. ઈન્જરની તબિયત પહેલા તો સારી હતી. પણ પછી અમારે દરરોજ સારવાર લેવા હૉસ્પિટલે જવું પડતું. દવાની આડઅસર પણ બહુ ખરાબ હતી. એ સમય દરમિયાન ઈન્જરે ઘરે રહેવું પડતું અને હું તેની સાથે તેની સંભાળ રાખવા ઘરે રહ્યો.” તેઓને મંડળના ભાઈબહેનોએ કેવી મદદ કરી?
હૉકન અને ઈન્જર ઘરેથી જ ટેલિફોન દ્વારા મિટિંગો સાંભળી શકે એવી ગોઠવણ મંડળના વડીલોએ કરી. ભાઈબહેનો તેઓને મળવા આવતા અને ફોન પણ કરતા. તેઓ પત્ર લખતા અને કાર્ડ મોકલતા. હૉકન કહે છે, ‘અમે ભાઈબહેનોના પ્રેમનો અહેસાસ કરી શક્યા. યહોવાહની ભક્તિમાં મંડ્યા રહેવા આવા સાથની અમને ખૂબ જરૂર હતી. સાચે જ યહોવાહે ઘણી મદદ કરી. ખુશીની વાત છે કે ઈન્જરને હવે સારું છે. અમે ફરીથી કિંગ્ડમ હૉલમાં જઈ શકીએ છીએ.’ બીમાર લોકોને અને મોટી ઉંમરનાને મંડળમાં બધા બનતી મદદ કરે ત્યારે, તેઓ આ સાબિત કરે છે: ‘મિત્ર સદા મિત્ર જ રહે છે; તે આફત સમયનો ભાઈબંધ છે.’—નીતિવચનો [સુભાષિતો] ૧૭:૧૭, સંપૂર્ણ.
યહોવાહ આપણા પ્રયત્નોની કદર કરે છે
બીમાર સગાંની સંભાળ લેતા લેતા ઘણા થાકી પણ જાય છે. તોપણ, બીમારી જેવી તકલીફોને લીધે દુઃખી લોકોને મદદ કરવી જ જોઈએ. દાઊદ રાજાએ લખ્યું કે “જે દરિદ્રીની [લાચારની] ચિંતા કરે છે તેને ધન્ય છે.”—ગીત. ૪૧:૧.
બીમાર કે લાચારની સંભાળ રાખનારને કેમ ધન્ય અથવા સુખી કહેવામાં આવે છે? બાઇબલ કહે છે કે “ગરીબ [લાચાર] પર દયા રાખનાર યહોવાહને ઉછીનું આપે છે, તે તેને તેના સુકૃત્યનો બદલો આપશે.” (નીતિ. ૧૯:૧૭) યહોવાહ પોતાના બીમાર ભક્તોની ખાસ સંભાળ રાખે છે. બીમાર ભક્તોને મદદ કરનારાને તે આશીર્વાદ આપે છે. દાઊદે કહ્યું: “બીમારીના બિછાના પર યહોવાહ તેનો આધાર થશે; તેના મંદવાડમાં આખી પથારી તું બિછાવે છે.” (ગીત. ૪૧:૩) આપણે ખાતરી રાખી શકીએ કે બીમારની સંભાળ રાખનાર પર કોઈ તકલીફ કે આફત આવી પડે તો, યહોવાહ ચોક્કસ તેમને મદદ કરશે.
કેટલી ખુશીની વાત છે કે આપણે બીમાર સગાંની સંભાળ રાખીએ એ યહોવાહ જુએ છે. એના લીધે તે આપણને આશીર્વાદ આપે છે. ખરું કે, કોઈ બીમારની સંભાળ રાખવી સહેલી નથી. તોપણ શાસ્ત્ર જણાવે છે કે આપણા એવા પ્રયત્નોથી યહોવાહ ખુશ થાય છે.—હેબ્રી ૧૩:૧૬. (w10-E 05/15)
[ફુટનોટ્સ]
^ નામ બદલવામાં આવ્યાં છે.
[પાન ૨૨ પર ચિત્રનું મથાળું]
યહોવાહની ભક્તિમાં પોતાની મર્યાદા સ્વીકારો અને બીજાની મદદ લો