બાઇબલમાં સુવાર્તાના પુસ્તકો ભરોસાપાત્ર છે
બાઇબલમાં સુવાર્તાના પુસ્તકો ભરોસાપાત્ર છે
‘એ દુનિયાને ખૂણે ખૂણે વખણાઈ ગયું છે. એના પર ફિલ્મ બનાવવા કંપનીઓએ પાણીની જેમ પૈસા વાપર્યા છે. એના પર લખેલા પુસ્તકો ખરીદવા લોકો પડાપડી કરે છે. ખ્રિસ્તી પંથોએ ખુલ્લા હાથે એનું શિક્ષણ સ્વીકાર્યું છે. એના લીધે ઘણા પંથો ઊભા થયા છે અને રહસ્યથી ભરપૂર માન્યતાઓ ફૂટી નીકળી છે.’—સુપર ઇન્ટરેસાન્તે, બ્રાઝિલનું ન્યૂઝ મૅગેઝિન.
શાને લઈને આટલી બધી ચહલ-પહલ મચી ગઈ છે? એ મૅગેઝિન જણાવતું હતું કે વીસમી સદીની મધ્યે ઉત્તર ઇજિપ્તના, નાગા હમેડી ગામ અને બીજા વિસ્તારોમાંથી અમુક પત્રો, બનાવટી સુવાર્તા અને પ્રકટીકરણના અમુક લખાણો મળી આવ્યાં હતાં. લોકોને એમાં ખૂબ રસ પડ્યો હોવાથી તેઓ એના તરફ ઢળી રહ્યા છે. આ અને એના જેવાં બીજાં લખાણોને મોટે ભાગે નોસ્ટિક અથવા ઍપૉક્રિફલ કહેવામાં આવે છે. *
શું કોઈ કાવતરું રચાયું હતું?
બાઇબલ અને રૂઢિચુસ્ત ધર્મો સામે લોકોને જ્યારે પણ શંકા ઊભી થાય છે ત્યારે, ઘણાના દિલને “નોસ્ટિક” અને “ઍપૉક્રિફલ” લખાણો દિલને અસર કરી જાય છે. એના લીધે તેઓ ઈસુ ખ્રિસ્તનું શિક્ષણ અને ખ્રિસ્તી ધર્મને જુદી રીતે જોવા લાગ્યાં છે. એ વિષે એક સામયિકે આમ કહ્યું: “થોમસની સુવાર્તા અને બીજાં ઍપૉક્રિફલ [લખાણો]ની લોકોના દિલ પર ઊંડી અસર પડતી હોવાથી આધુનિક સમયમાં એમાં માનતા લોકોની સંખ્યા વધતી જાય છે. તેઓ ઈશ્વરને ઓળખવા ચાહે છે પણ ધર્મમાં ભરોસો નથી.” એક ગણતરી પ્રમાણે, ફક્ત બ્રાઝિલમાં “ઓછામાં ઓછા ૩૦ ગ્રૂપ છે જેઓની માન્યતા ઍપૉક્રિફલ પુસ્તકો પર આધારિત છે.”
આવાં લખાણો મળી આવવાથી એવી માન્યતા પ્રચલિત થઈ કે ચોથી સદીમાં ઈસુ વિષેનું સત્ય છુપાવવા કેથલિક ચર્ચે કાવતરું રચ્યું હતું. જેમ કે, ઈસુ વિષે ઍપૉક્રિફલ લખાણોમાં જે અહેવાલો હતા એને દબાવી દેવામાં આવ્યા હતા. અને આધુનિક બાઇબલમાં મળી આવતાં સુવાર્તાનાં પુસ્તકો પહેલા જેવા નથી, એમાં ઘણો ફેરફાર કરવામાં આવ્યો છે. ધર્મની એક પ્રોફેસર ઈલેન પેગલ્સ કહે
છે: ‘આપણે જેને ખ્રિસ્તી ધર્મ કે રીતરિવાજો કહીએ છીએ એ તો ફક્ત સુવાર્તાઓના અમુક પસંદ કરેલા પુસ્તકોને આધારે જ રચાયો છે. પરંતુ એ ધર્મમાં સુવાર્તાનાં બીજાં અનેક પુસ્તકોની માહિતી જોવા મળતી નથી.’પેગલ્સ જેવા વિદ્વાનો પ્રમાણે, ખ્રિસ્તીઓએ ફક્ત બાઇબલમાં જ નહિ, ઍપૉક્રિફલ જેવાં બીજાં લખાણોમાં પણ માનવું જોઈએ. દાખલા તરીકે, બીબીસીએ બાઇબલ મિસ્ટરિઝ—“ધ રિઅલ મેરી માગ્દાલેન” પ્રોગ્રામમાં બતાવ્યું કે ઍપૉક્રિફલ લખાણો પ્રમાણે મરિયમ માગદાલેણ “બીજા શિષ્યોને ધર્મનો ઉપદેશ અને માર્ગદર્શન આપતી હતી. તે પોતે ફક્ત ઈસુની શિષ્ય જ ન હતી, પણ પ્રેરિતોની પ્રેરિત હતી.” મરિયમ માગદાલેણની ભૂમિકા વિષે ટીકા આપતા વૉન આર્યાસે બ્રાઝિલના એક છાપામાં (ઑ ઇસ્ટાડૉ ડિ એસ. પાઊલો) લખ્યું: “આજે બધા જ પુરાવા બતાવે છે કે શરૂઆતનો ખ્રિસ્તી પંથ સ્થાપનાર ઈસુ પોતે નારીવાદી હતા. તેમણે સ્ત્રીઓનાં ઘરોને દેવળ બનાવ્યા હતા જ્યાં એ સ્ત્રીઓ પાદરીઓ અને બિશપ તરીકે સેવા બજાવતી હતી.”
એવું લાગે છે કે ઘણા લોકો માટે બાઇબલ કરતાં ઍપૉક્રિફલ લખાણો વધારે મહત્ત્વનાં છે. તેઓની એ પસંદગીને લીધે અમુક મહત્ત્વના સવાલો ઊભા થાય છે: શું ખ્રિસ્તીઓએ ઍપૉક્રિફલ લખાણોમાં માનવું જોઈએ? એ લખાણો જ્યારે બાઇબલની વિરુદ્ધ શીખવે ત્યારે આપણે શામાં માનવું જોઈએ? બાઇબલમાં કે ઍપૉક્રિફલ લખાણોમાં? શું સાચે જ ચોથી સદીમાં ઍપૉક્રિફલ જેવાં લખાણો દબાવી દેવા કાવતરું થયું હતું? તેમ જ, સુવાર્તાના ચાર પુસ્તકો સાથે ચેડા કરીને શું ઈસુ, મરિયમ માગદાલેણ અને બીજી વ્યક્તિઓ વિષેની મહત્ત્વની માહિતી દબાવી દેવામાં આવી હતી? આ સવાલોના જવાબ મેળવવા ચાલો આપણે બાઇબલમાં સુવાર્તાના ચાર પુસ્તકોમાંથી યોહાનની સુવાર્તાની તપાસ કરીએ.
યોહાનની સુવાર્તામાંથી મળતો પુરાવો
વીસમી સદીની શરૂઆતમાં ઇજિપ્તમાંથી યોહાનની સુવાર્તાનો અમુક ભાગ મળી આવ્યો. હસ્તપ્રતનો એ મહત્ત્વનો ભાગ આજે પપાઈરસ રાઈલેન્ડ ૪૫૭ (પી૫૨) નામથી ઓળખાય છે. આ હસ્તપ્રત માન્ચેસ્ટર, ઇંગ્લેન્ડમાં જોન રાઈલેન્ડ લાઇબ્રેરીમાં રાખવામાં આવી છે. એનું લખાણ આજના બાઇબલમાં યોહાન ૧૮:૩૧-૩૩, ૩૭, ૩૮ કલમો તરીકે જોવા મળે છે. ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં મળી આવેલી એ સૌથી જૂની હસ્તપ્રત છે. ઘણા વિદ્વાનોનું માનવું છે કે એ હસ્તપ્રત લગભગ ઈસવીસન ૧૨૫માં લખાઈ હતી. એટલે કે પ્રેરિત યોહાનના મરણના પચીસેક વર્ષ પછી એ લખાઈ હતી. એ હસ્તપ્રતને સદીઓ પછી નકલ થયેલી બીજી હસ્તપ્રતો સાથે સરખાવીએ તો, એનું લખાણ મોટા ભાગે એક સરખું જ છે. આ હસ્તપ્રતથી સાબિત થાય છે કે યોહાનની સુવાર્તાની નકલ ઈસવીસન ૧૨૫ સુધીમાં ઇજિપ્ત પહોંચી ગઈ હતી. એ સાબિતી આપે છે કે બાઇબલના જણાવ્યા પ્રમાણે યોહાનની સુવાર્તાનું પુસ્તક પહેલી સદીમાં યોહાને લખ્યું હતું. આમ, એ પુસ્તકમાં યોહાને નજરે જોયેલો અહેવાલ નોંધેલો છે.
હવે ઍપૉક્રિફલનાં લખાણોનો વિચાર કરો જે બીજી સદીથી લખાયા હતા. પણ એમાં જણાવેલા બનાવો તો એ સમયથી સોએક વર્ષ પહેલાં થઈ ગયા હતા. અમુક નિષ્ણાતો એવી દલીલ કરે છે કે શરૂઆતનાં લખાણો અને રિવાજોને આધારે ઍપૉક્રિફલ લખવામાં આવ્યું છે. પણ એનો કોઈ પુરાવો નથી. તેથી મહત્ત્વનો સવાલ થાય છે કે તમે કયાં લખાણો પર ભરોસો મૂકશો? નજરે જોઈને લખ્યું હોય એમાં કે પછી ઘટના બની ગયાના સોએક વર્ષ પછી લખ્યું હોય એમાં? જવાબ સહેલો છે. *
ઈસુના જીવન વિષે અમુક માહિતી દબાવી દેવા બાઇબલની સુવાર્તામાં ફેરફારો કરવામાં આવ્યા છે એ આરોપ વિષે શું? શું એવો કોઈ પુરાવો છે કે ચોથી સદીમાં યોહાનની સુવાર્તામાં ફેરફાર કરવામાં આવ્યો હતો? એનો જવાબ જોતા પહેલાં યાદ રાખો કે આધુનિક બાઇબલ તૈયાર કરવા ચોથી સદીના બાઇબલ લખાણે સૌથી મોટો ભાગ ભજવ્યો છે. એ લખાણો વેટિકન ૧૨૦૯ નામથી ઓળખાય છે. ચોથી સદીમાં જો ફેરફાર કરવામાં આવ્યા હોય અને આપણા બાઇબલમાં પણ એ હોય તો, વેટિકન ૧૨૦૯માં પણ એ ફેરફાર હોવા જોઈએ. પણ એવું નથી. એ ઉપરાંત, આપણી પાસે બીજી એક હસ્તપ્રત છે જેમાં લુક અને યોહાનની સુવાર્તા છે. એ લખાણ બૉડમેર ૧૪, ૧૫ (પી૭૫) નામથી ઓળખાય છે, જે ઈસવીસન ૧૭૫-૨૨૫માં લખાયું હતું. નિષ્ણાતોના કહેવા પ્રમાણે બૉડમેર ૧૪, ૧૫ અને વેટિકન ૧૨૦૯નું લખાણ બહુ જ મળતું આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો, બાઇબલની સુવાર્તામાં એવો કોઈ મોટો ફેરફાર કરવામાં આવ્યો નથી. એનો પુરાવો આપણી પાસે વેટિકન ૧૨૦૯ છે.
આજે એવું કોઈ લખાણ કે પુરાવો નથી જેનાથી સાબિત થઈ શકે, કે ચોથી સદીમાં યોહાનની કે બીજી કોઈ સુવાર્તામાં ફેરફાર થયો હતો. ઇજિપ્તના ઑક્ઝરિન્કસ ગામમાંથી મળી આવેલા હસ્તપ્રતોના ટુકડાઓ તપાસ્યા પછી, કેમ્બ્રિજ યુનિવર્સિટીના ડૉ. પીટર એમ. હૅડે આમ લખ્યું: ‘આ હસ્તપ્રતો સામાન્ય રીતે મહત્ત્વના અન્સિયલ્સ [ચોથી સદીમાં કેપિટલ અક્ષરોમાં લખાયેલી હસ્તપ્રતો] લખાણોને મળતી આવે છે. આ અન્સિયલ્સ લખાણ પ્રાચીન ગ્રીક લખાણની આધુનિક આવૃત્તિઓમાં જોવા મળે છે. અહીંયા એવું કંઈ જ નવું જોવા મળતું નથી જે બતાવે કે નવા કરારમાં ફેરફાર કરવામાં આવ્યો છે.’
આપણે કયા નિર્ણય પર આવીશું?
લગભગ ઈસવીસન ૧૫૦માં બધા જ ખ્રિસ્તીઓ માત્થી, માર્ક, લુક અને યોહાન એમ ચાર પુસ્તકોને બાઇબલની સુવાર્તા તરીકે માનતા હતા. ટેશીઅન નામના લેખકે ઈસવીસન ૧૬૦-૧૭૫માં લખેલું ડાએટેસ્સારોન (આ ગ્રીક શબ્દનો અર્થ થાય, “ચારમાંથી”) પુસ્તક ખૂબ જાણીતું હતું. એ પુસ્તક ફક્ત માત્થી, માર્ક, લુક અને યોહાનની સુવાર્તાને આધારે તૈયાર કર્યું હતું, નહિ કે “ઍપૉક્રિફલ” લખાણોને આધારે. (“શરૂઆતથી જ સુવાર્તાના પુસ્તકોનો બચાવ કરનારા” બૉક્સ જુઓ.) બીજી સદીના અંત ભાગમાં થઈ ગયેલા આઈરીનિયસે જે કહ્યું હતું એ પણ યાદ રાખવા જેવું છે. તેમણે કહ્યું હતું કે જેમ પૃથ્વીનો ગોળો ચાર ભાગનો બનેલો છે, જેમ દુનિયાના ચારે ખૂણામાંથી પવન આવે છે, તેમ સુવાર્તાના પુસ્તકો ચાર જ હોવા જોઈએ. ખરું કે તેમણે કરેલી સરખામણી કદાચ સાવ સાચી ન હતી, તોપણ તેમના વિચારો બતાવતા હતા કે શરૂઆતથી બાઇબલમાં ફક્ત ચાર જ સુવાર્તાઓ છે.
આ બધા પુરાવા શું સાબિત કરે છે? એ જ કે બીજી સદીમાં ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો અને એમાંની ચાર સુવાર્તાઓ જેવી હતી એવી જ આજે આપણી પાસે છે. એમાં કોઈ ફેરફાર થયો નથી. ઈશ્વરે આપેલા શાસ્ત્રનો કોઈ ભાગ દબાવી દેવા કે એમાં ફેરફાર કરવા ચોથી સદીમાં કોઈ કાવતરું થયું ન હતું. તેથી એવી શંકા કરવાને કોઈ કારણ નથી. એના બદલે, બાઇબલના વિદ્વાન બ્રુસ મેત્ઝગરે લખ્યું: ‘બીજી સદી પૂરી થવા આવી ત્યારે, મોટા ભાગે વિખરાયેલા ખ્રિસ્તી મંડળો નવા કરારમાં પૂરી રીતે માનતા હતા. ફક્ત ભૂમધ્ય વિસ્તારના જ નહિ, પણ
બ્રિટનથી લઈને મેસોપોટેમિયા સુધી વિખરાયેલાં મંડળો એમાં માનતા હતા.’ઈશ્વરભક્ત પાઊલ અને પીતરે પણ છેલ્લા શ્વાસ સુધી બાઇબલ વિષે શીખવવામાં આગેવાની લીધી હતી. તેઓએ ખ્રિસ્તી ભાઈ-બહેનોને કડક ચેતવણી આપી હતી કે તેઓને જે શીખવવામાં આવ્યું છે એ સિવાય બીજી કોઈ વાતો સાંભળવી કે માનવી પણ નહિ. દાખલા તરીકે, પાઊલે તીમોથીને લખ્યું: “હે તીમોથી, જે સત્ય તને સોંપવામાં આવ્યું છે તે સંભાળી રાખ, અને અધર્મી લવારાથી તથા જેને ભૂલથી જ્ઞાન કહેવામાં આવે છે તેના વાદવિવાદથી દૂર રહે, એને કેટલાએક સત્ય માનીને વિશ્વાસથી” ભટકી ગયા છે. પીતરે પણ કહ્યું હતું: “અમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી આગમન વિષે જણાવવાને ઉપજાવી કાઢેલી બનાવટી કથાઓ પર આધાર રાખ્યો નથી. અમે તો અમારી પોતાની આંખે જ તેમનો મહિમા નિહાળ્યો હતો.”—૧ તીમોથી ૬:૨૦, ૨૧; ૨ પીતર ૧:૧૬, કોમન લેંગ્વેજ.
સદીઓ પહેલાં ઈશ્વરની પ્રેરણાથી યશાયાહ પ્રબોધકે આમ કહ્યું હતું: ‘ઘાસ સુકાઈ જાય છે, ફૂલ ચીમળાય છે; પણ આપણા ઈશ્વરનું વચન સર્વકાળ સુધી કાયમ રહેશે.’ (યશાયાહ ૪૦:૮) આપણને પણ તેમના જેવો ભરોસો છે કે ઈશ્વરે પવિત્ર શાસ્ત્ર આપ્યું છે અને તેમણે આજ સુધી એનું રક્ષણ કર્યું છે, જેથી “સઘળાં માણસો તારણ પામે, ને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય.”—૧ તીમોથી ૨:૪. (w10-E 03/01)
[ફુટનોટ્સ]
^ બીજી સદીમાં ફિલસૂફી ફેલાવતો ધર્મ “નોસ્ટિનિઝમ” થી ઓળખાતો. “નોસ્ટિક” અને “ઍપૉક્રિફલ” ગ્રીક ભાષામાંથી આવે છે. એનો અર્થ આવો પણ થઈ શકે, “ગુપ્ત જ્ઞાન” અને “સાચવીને છૂપાવી રાખેલું જ્ઞાન.” આ ગ્રીક શબ્દો બનાવટી અને બાઇબલનો ભાગ ન હોય એવાં લખાણોનો ઉલ્લેખ કરવા વાપરવામાં આવ્યા છે. આવાં લખાણો વિષે અમુક દાવો કરે છે કે એ બાઇબલમાં ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોનો ભાગ છે. જેમ કે, સુવાર્તાનાં પુસ્તકો (માત્થી, માર્ક, લુક અને યોહાન), પત્રો અને પ્રકટીકરણનું પુસ્તક.
^ ઍપૉક્રિફલ લખાણોને લઈને બીજી પણ એક મુશ્કેલી છે. એની અમુક જ નકલો બચી છે. મરિયમ માગદાલેણની સુવાર્તા હસ્તપ્રત એમાંની એક છે. આ હસ્તપ્રતના મળી આવેલાં ત્રણ ટુકડામાં એક મોટો અને બે સાવ નાના છે. મોટા ટુકડામાં લગભગ અડધી જ માહિતી છે. અને બીજા બે તો સાવ નાના ટુકડા છે. એ ઉપરાંત પ્રાપ્ય છે એવી ઍપૉક્રિફલ હસ્તપ્રતો કોઈ રીતે એકબીજાના સુમેળમાં નથી.
[પાન ૯ પર ચિત્રનું મથાળું]
પપાઈરસ રાઈલેન્ડ ૪૫૭ (પી૫૨), બીજી સદીમાં લખાયેલી યોહાનની સુવાર્તાની હસ્તપ્રતનો ટુકડો છે. અસલ સુવાર્તા લખાયાને અમુક દાયકાઓ પછી આ હસ્તપ્રત લખાઈ હતી
[પાન ૧૧ પર ચિત્રનું મથાળું]
શરૂઆતથી જ સુવાર્તાના પુસ્તકોનો બચાવ કરનારા
ખ્રિસ્તી ધર્મ શરૂ થયો એના થોડાં જ વર્ષોમાં ટીકાકારો દલીલ કરવા લાગ્યા કે ચાર સુવાર્તા એકબીજાથી કંઈક જુદું જ જણાવતી હોવાથી એ ભરોસાપાત્ર નથી. પરંતુ અરામી લેખક ટાશીઅને (લગભગ ઈ.સ. ૧૧૦-૧૮૦) સુવાર્તાના પુસ્તકોનો બચાવ કર્યો. તેમને થયું કે જો ચાર સુવાર્તાના વિચારોને લઈને એક સુવાર્તા બનાવવામાં આવે તો, એમાં કોઈ વિરોધાભાસ જોવા મળશે નહિ.
ટાશીઅને એ કામ હાથમાં લીધું. તેમણે મૂળ લખાણ ગ્રીક ભાષામાં કર્યું કે અરામી ભાષામાં, એ ચોક્કસ ખબર નથી. ભલે ગમે એ ભાષા હોય, પણ તેમણે લગભગ ઈ.સ. ૧૭૦માં એ લખાણ પૂરું કર્યું. એ લખાણ ગ્રીક ભાષામાં ડાએટેસ્સારોનથી ઓળખાયું. એનો અર્થ થાય, “ચારમાંથી” બનાવેલું. ખરું કે આ લખાણ ઈશ્વરની પ્રેરણાથી લખાયું નથી, તોપણ આપણે કેમ એમાં રસ લેવો જોઈએ?
૧૯મી સદીમાં બાઇબલના ટીકાકારો એવી વાત ફેલાવવા લાગ્યા કે સુવાર્તાના ચારેય પુસ્તકોમાંથી એક પણ ઈ.સ. ૧૫૦ પહેલાં લખાયું ન હતું. તેથી ઇતિહાસની નજરમાં એની કોઈ જ કિંમત નથી. પરંતુ, પ્રાચીન સમયના ડાએટેસ્સારોન લખાણો મળ્યા ત્યારથી પૂરી સાબિતી મળી છે કે ચાર સુવાર્તાઓ, ફક્ત ચાર સુવાર્તાઓ જ ઈ.સ. ૧૫૦ સુધીમાં સારી રીતે જાણીતી હતી અને લોકો એમાં માનતા હતા.
ડાએટેસ્સારોન લખાણ અને એના પર વિવેચન કરતા અરબી, આર્મેનિયન, ગ્રીક અને લેટીન ભાષાઓમાં પુસ્તકો મળી આવ્યા એના પર વિચાર કર્યા પછી, બાઇબલ વિદ્વાન સર ફ્રેડ્રિક કેનિયને લખ્યું: ‘આ શોધખોળથી હવે એવી કોઈ શંકા રહેતી નથી કે ડાએટેસ્સારોન શું છે. આ પુસ્તકથી એ સાબિત થાય છે કે લગભગ ઈ.સ. ૧૭૦ સુધીમાં તારણહાર ઈસુના જીવન વિષે બીજાં લખાણો કરતાં બાઇબલની સુવાર્તાનાં ચાર પુસ્તકો ચઢિયાતા હતા.’
[પાન ૮ પર ચિત્રનું મથાળું]
ઈ.સ. ૩૩
ઈસુ મરણ પામ્યા
લગભગ ૪૧
માત્થીનું પુસ્તક લખાયું
લગભગ ૫૮
લુકનું પુસ્તક લખાયું
લગભગ ૬૫
માર્કનું પુસ્તક લખાયું
લગભગ ૯૮
યોહાનનું પુસ્તક લખાયું
૧૨૫
રાઈલેન્ડ ૪૫૭ (પી૫૨)
લગભગ ૧૪૦
ઍપૉક્રિફલ લખાવાનું શરૂ થયું
લગભગ ૧૭૫
બૉડમેર ૧૪, ૧૫ (પી૭૫)
ચોથી સદી
વેટિકન ૧૨૦૯
[પાન ૧૦ પર ચિત્રનું મથાળું]
વેટિકન ૧૨૦૯
ચોથી સદીમાં લખાયેલી ઉપરની હસ્તપ્રત, વેટિકન ૧૨૦૯થી જોવા મળે છે કે સુવાર્તાના લખાણોમાં નહિ જેવો ફેરફાર થયો છે
[પાન ૧૦ પર ચિત્રનું મથાળું]
From the book Bibliorum Sacrorum Graecus Codex Vaticanus, 1868
[પાન ૯ પર ચિત્રનું મથાળું]
© The Trustees of the Chester Beatty Library, Dublin
[પાન ૧૧ પર ચિત્રનું મથાળું]
ટાશીઅન
[પાન ૧૧ પર ચિત્રનું મથાળું]
અરામી ભાષામાં ડાએટેસ્સારોન