સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ગુસ્સા પર કાબૂ રાખીને ‘ભૂંડાનો પરાજય કરીએ’

ગુસ્સા પર કાબૂ રાખીને ‘ભૂંડાનો પરાજય કરીએ’

ગુસ્સા પર કાબૂ રાખીને ‘ભૂંડાનો પરાજય કરીએ’

‘ઓ વહાલાઓ, તમે સામું વૈર ન વાળો, પણ સારાથી ભૂંડાનો પરાજય કરો.’—રૂમી ૧૨:૧૯, ૨૧.

૧, ૨. વિમાનમાં મુસાફરી કરી રહેલા સાક્ષીઓએ કઈ રીતે સારો દાખલો બેસાડ્યો?

 યહોવાહના ચોત્રીસ સાક્ષીઓ કોઈ બેથેલના ઉદ્‍ઘાટન માટે વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા. વચ્ચે એ કોઈ નાના એરપોર્ટ પર એકાદ કલાક માટે ઇંધણ ભરાવવા ઊતર્યું. પણ ઍંજિનમાં કોઈ તકલીફ હોવાથી વિમાન એક કલાકને બદલે ૪૪ કલાક ત્યાં પડી રહ્યું. ત્યાં ખોરાક-પાણી કે બાથરૂમની પૂરતી સગવડ ન હતી. ઘણા મુસાફરો ગુસ્સેથી ઊકળી ઊઠ્યા અને એરપોર્ટના કર્મચારીઓને ધમકી આપવા લાગ્યા. પણ આપણા ભાઈ-બહેનોએ શાંતિ રાખી.

આખરે તેઓ બેથેલ પહોંચ્યા, પણ એ પ્રસંગના છેલ્લા ભાગનો જ આનંદ માણી શક્યા. તેઓ ઘણા થાકી ગયા હતા તોય વધારે રોકાઈને ત્યાંના ભાઈ-બહેનોની સંગત માણી. પછીથી તેઓને ખબર પડી કે તેઓ જે રીતે શાંતિથી વર્ત્યા હતા એ બીજા મુસાફરોના ધ્યાન બહાર ગયું ન હતું. એક મુસાફરે વિમાન કંપનીના અધિકારીને કહ્યું કે ‘જો આ વિમાનમાં યહોવાહના ચોત્રીસ સાક્ષીઓ ન હોત તો એરપોર્ટ પર ધમાલ મચી ગઈ હોત.’

ગુસ્સાથી ભરેલી દુનિયામાં આપણું જીવન

૩, ૪. (ક) ગુસ્સાને લીધે હિંસા પર ઊતરી આવ્યા હોય એવો પહેલો બનાવ ક્યારે બન્યો હતો? એની મનુષ્ય પર કેવી અસર થઈ છે? (ખ) ગુસ્સાને કાબૂમાં રાખવો શું કાઈનના હાથમાં હતું? સમજાવો.

આ દુષ્ટ દુનિયામાં ચારેય બાજુથી જીવનમાં દબાણ હોવાથી લોકો નાની નાની વાતમાં પણ ગુસ્સે થઈ જાય છે. (સભા. ૭:૭) ગુસ્સાથી નફરત અને હિંસા ભડકે છે. ગુસ્સાને લીધે અમુક દેશોમાં અંદરોઅંદર લડાઈ ફાટી નીકળે છે. અથવા બીજા દેશો સામે યુદ્ધે ચઢે છે. એ જ રીતે કુટુંબમાં પણ તણાવ વધવાથી ઝગડાઓ થાય છે. જોકે ઝગડો અને મારામારી તો મનુષ્યની શરૂઆતથી જ ચાલતા આવ્યા છે. કાઈનનો વિચાર કરો. તે આદમ અને હવાનો મોટો દીકરો હતો. તેણે ઈર્ષાથી સળગી ઊઠીને પોતાના નાના ભાઈ હાબેલને મારી નાખ્યો. જોકે એ પહેલાં યહોવાહે કાઈનને તેનો ગુસ્સો કાબૂમાં રાખવા અરજ કરી હતી. તેને વચન પણ આપ્યું હતું કે તે તેમની સલાહ માનશે તો આશીર્વાદ પામશે. તોપણ કાઈને યહોવાહનું સાંભળ્યું નહિ.—ઉત્પત્તિ ૪:૬-૮ વાંચો.

ખરું કે કાઈનમાં આદમના પાપની અસર હતી. તોપણ યહોવાહનું સાંભળવું કે નહિ એ તેના હાથમાં હતું. તે પોતાના ગુસ્સાને કાબૂમાં રાખી શક્યો હોત. પણ એમ કર્યું ન હોવાથી તે હાબેલના ખૂન માટે જવાબદાર હતો. તેની જેમ આપણામાં પણ આદમના પાપની અસર આવી છે. એના લીધે ગુસ્સો કાબૂમાં રાખવો અઘરું બને છે અને બીજાઓ પર એ ઠાલવીએ છીએ. તેમ જ આ “સંકટના વખતમાં” બીજી તકલીફોને લીધે પણ આપણા પર ઘણું દબાણ આવે છે. (૨ તીમો. ૩:૧) દાખલા તરીકે, પૈસાની તંગીને લીધે વ્યક્તિ માનસિક તાણ અનુભવે છે. કુટુંબને મદદ આપતી સંસ્થાઓ અને પોલીસને જોવા મળ્યું છે કે આર્થિક મંદી આવે છે ત્યારે કુટુંબમાં ઝગડા અને મારામારીના કિસ્સાઓ વધતા જાય છે.

૫, ૬. ગુસ્સા વિષે દુનિયાનું કેવું વલણ છે? એની આપણા પર કેવી અસર થઈ શકે?

એ ઉપરાંત આજે ચારેય બાજુ ઘણા લોકો ‘સ્વાર્થી, ગર્વિષ્ઠ અને ક્રૂર’ છે. તેઓના ખરાબ ગુણોની અસર લાગીને આપણને પણ ગુસ્સો આવી શકે. (૨ તીમો. ૩:૨-૫) તેમ જ, ટીવી અને ફિલ્મોમાં પણ બતાવવામાં આવે છે કે પોતાના હક માટે કે વેર વાળવા મારામારી કરવામાં કંઈ ખોટું નથી. મોટા ભાગે એવું બતાવવામાં આવે છે કે વિલનના ખોટાં કામોનો હિસાબ હીરો મારપીટ કે ખૂનખરાબીથી ચૂકતે કરે છે.

આવું શિક્ષણ અને મનોરંજન ઈશ્વરના નહિ, પણ દુનિયાના વલણ અને વિચારો ફેલાવે છે. એની પાછળ તો શેતાનના વિચારો છે, જે કોપાયમાન થઈને દુનિયા પર રાજ કરે છે. (૧ કોરીં. ૨:૧૨; એફે. ૨:૨; પ્રકટી. ૧૨:૧૨) તેના વિચારો ખોટાં કામો કરવા પ્રેરે છે જે યહોવાહ અને તેમના ગુણોની તદ્દન વિરુદ્ધ છે. જ્યારે કે ઈસુનું શિક્ષણ એવું શીખવે છે કે કોઈ આપણને ગુસ્સે કરે ત્યારે સામે બદલો લેવો ન જોઈએ. (માત્થી ૫:૩૯, ૪૪, ૪૫ વાંચો.) તો શું કરવાથી આપણે ઈસુનાં શિક્ષણને પૂરી રીતે જીવનમાં ઉતારી શકીએ?

સારા અને ખરાબ દાખલાઓ

૭. શિમઓન અને લેવીએ પોતાનો ક્રોધ કાબૂમાં ન રાખ્યો ત્યારે શું બન્યું?

ગુસ્સો કાબૂમાં રાખવા વિષે બાઇબલ પુષ્કળ સલાહ આપે છે. એને કાબૂમાં રાખવાથી કે ન રાખવાથી કેવાં પરિણામો આવે છે એ પણ જણાવે છે. ચાલો આપણે યાકૂબના દીકરા શિમઓન અને લેવીનો વિચાર કરીએ. શખેમે તેઓની બહેન દીનાહ આબરૂ લૂંટી ત્યારે તેઓએ શું કર્યું? બાઇબલ જણાવે છે કે તેઓએ “શોક કર્યો, ને તેઓને બહુ રોષ ચઢ્યો.” (ઉત. ૩૪:૭) પછી તેઓ અને યાકૂબના બીજા દીકરાઓએ શખેમ શહેર પર હુમલો કર્યો અને એને લૂટી લીધું. ત્યાંથી સ્ત્રીઓ અને બાળકોને ઉપાડી ગયા. તેઓએ કંઈ દીનાહની આબરૂ લૂંટાઈ હોવાથી જ એમ કર્યું ન હતું. પણ બની શકે કે સમાજમાં નીચું જોવું ન પડે માટે એમ કર્યું હતું. તેઓને થયું કે શખેમે સમાજમાં તેઓનું અને પિતા યાકૂબનું નામ બદનામ કર્યું છે. પરંતુ આ બે દીકરાઓના વર્તન વિષે યાકૂબને કેવું લાગ્યું?

૮. વેર લેવાથી કેવું પરિણામ આવી શકે એ વિષે શિમઓન અને લેવીનો અહેવાલ શું શીખવે છે?

દીનાહની સાથે જે બન્યું એનાથી યાકૂબનું દિલ વીંધાઈ ગયું. પરંતુ તેમના બે દીકરાઓએ વેર વાળ્યું એનાથી નારાજ થઈને યાકૂબે તેઓને ઠપકો આપ્યો. ત્યારે શિમઓન અને લેવીએ પોતાનાં કામોને ન્યાયી ઠરાવતા કહ્યું: ‘વેશ્યાની સાથે વર્તે તેમ અમારી બહેનની સાથે વર્તે શું?’ (ઉત. ૩૪:૩૧) તેઓનું એમ કહેવું વાજબી ન હતું. યહોવાહ પણ તેઓથી નાખુશ હતા. એ બનાવના ઘણાં વર્ષો પછી યાકૂબે ભાખ્યું કે શિમઓન અને લેવીએ જે ક્રૂર વર્તાવ કર્યો એના લીધે તેઓના વંશજો ઈસ્રાએલના કુળોમાં વિખેરાઈ જશે. (ઉત્પત્તિ ૪૯:૫-૭ વાંચો.) તેઓએ પોતાનો ગુસ્સો કાબૂમાં ન રાખ્યો હોવાથી યાકૂબ અને યહોવાહ ખૂબ જ નારાજ થયા.

૯. દાઊદ ક્યારે ગુસ્સાથી સળગી ઊઠીને વેર લેવાની અણી પર હતા?

ચાલો હવે દાઊદ રાજાનો વિચાર કરીએ. તેમને વેર વાળવાની અનેક તકો મળી હતી પણ તેમણે એમ ન કર્યું. (૧ શમૂ. ૨૪:૩-૭) પરંતુ એક સમયે દાઊદ ગુસ્સાથી સળગી ઊઠીને વેર લેવાની અણીએ આવી ગયા હતા. આવું ક્યારે બન્યું? દાઊદના માણસો ધનવાન નાબાલ પાસે ખાવાનું લેવા ગયા ત્યારે. તેઓએ નાબાલના ઢોરઢાંક અને માણસોનું રક્ષણ કર્યું હતું. તોપણ નાબાલે તેઓને જેમતેમ બોલીને તોડી પાડ્યા. કદાચ પોતાના માણસોનું અપમાન થયું હોવાથી દાઊદ સખત ક્રોધે ભરાયા અને વેર લેવાનો વિચાર કર્યો. એવામાં એક ચાકરે નાબાલની પત્ની અબીગાઇલ પાસે જઈને જે બન્યું એ જણાવ્યું, જેથી તે કાંઈક કરે. એટલે તરત જ અબીગાઇલ ખાવા-પીવાનું લઈને દાઊદને મળવા નીકળી. તેણે દાઊદ પાસે આવીને નાબાલના ખરાબ વર્તાવ માટે માફી માગી અને વિનંતી કરી કે તે ગુસ્સામાં એવું કંઈ કરી ન બેસે જેનાથી યહોવાહ નારાજ થાય. દાઊદે ઠંડા પડ્યા પછી અબીગાઇલને કહ્યું: ‘તને ધન્ય હો, કેમ કે તેં મને આજ ખૂનના દોષથી અટકાવ્યો છે.’—૧ શમૂ. ૨૫:૨-૩૫.

ઈસુ જેવો સ્વભાવ કેળવીએ

૧૦. વેર વાળવા વિષે આપણું વલણ કેવું હોવું જોઈએ?

૧૦ આપણે આગળ જોઈ ગયા કે શિમઓન અને લેવીએ પોતાનો ગુસ્સો કાબૂમાં રાખ્યો નહિ અને લોકોને મારી નાખ્યા. એનાથી યહોવાહ તેઓ પર નારાજ થયા. પણ દાઊદે પોતાનો ગુસ્સો કાબૂમાં રાખીને અબીગાઇલ સાથે જે રીતે શાંતિ કરી એનાથી યહોવાહના આશીર્વાદ તેઓ પર આવ્યા. સદીઓ પછી પાઊલે શાંતિ જાળવી રાખવા વિષે આમ લખ્યું: ‘જો બની શકે, તો ગમે તેમ કરીને સઘળાં માણસોની સાથે હળીમળીને ચાલો. ઓ વહાલાઓ, તમે સામું વૈર ન વાળો, પણ ઈશ્વરના કોપને સારૂ માર્ગ મૂકો; કેમ કે લખેલું છે, કે પ્રભુ યહોવાહ કહે છે, કે વૈર વાળવું એ મારૂં કામ છે; હું બદલો લઈશ. પણ જો તારો વૈરી ભૂખ્યો હોય તો તેને ખવાડ; જો તરસ્યો હોય તો તેને પાણી પા; કેમ કે એવું કરવાથી તું તેના માથા ઉપર ધગધગતા અંગારાના ઢગલા કરીશ. ભૂંડાથી તું હારી ન જા, પણ સારાથી ભૂંડાનો પરાજય કર.’—રૂમી ૧૨:૧૮-૨૧. *

૧૧. એક બહેન ગુસ્સાને કાબૂમાં રાખતા કઈ રીતે શીખી?

૧૧ આપણે એ સલાહ દિલમાં ઉતારીએ. એક દાખલો લઈએ. એક બહેને મંડળના વડીલ પાસે પોતાની નવી મેનેજર વિષે અમુક ફરિયાદ કરી. તેણે કહ્યું કે મેનેજર ખોટી રીતે હેરાન કરે છે, તેનામાં દયાનો છાંટોય નથી. એ બહેનને એટલો તો ગુસ્સો આવ્યો હતો કે નોકરી છોડી દેવા તૈયાર થઈ ગઈ હતી. વડીલે તેને ઉતાવળે નિર્ણય ન લેવા સલાહ આપી. વડીલ જોઈ શક્યા કે બહેનના મેનેજર જ્યારે પણ ખરાબ રીતે વર્તતા ત્યારે, બહેનનો ગુસ્સો ભભૂકી ઊઠતો હતો. (તીત. ૩:૧-૩) પછી વડીલે તેને સમજાવ્યું કે ભલે તે બીજી નોકરી શોધે, પણ તેણે પોતાનો ગુસ્સો કાબૂમાં રાખવાની જરૂર છે. નહિ તો તકલીફ એની એ જ રહેશે. પછી તેમણે ઈસુના શબ્દો યાદ કરાવીને બહેનને કહ્યું કે જેમ તે ચાહે છે કે મેનેજર તેની સાથે વર્તે, તેમ તેણે પણ મેનેજર સાથે વર્તવું જોઈએ. (લુક ૬:૩૧ વાંચો.) બહેન એમ કરવા તૈયાર થઈ. એનું શું પરિણામ આવ્યું? સમય જતા મેનેજરનો સ્વભાવ બદલાયો અને તેમણે એ બહેનના કામની કદર પણ કરી.

૧૨. મંડળમાં કોઈ આપણને ખોટું લગાડે ત્યારે કેમ વધારે દુઃખ લાગી શકે?

૧૨ આવું કંઈક મંડળની બહાર બને તો એનાથી આપણને નવાઈ લાગતી નથી. આપણે જાણીએ છીએ કે શેતાની દુનિયામાં લોકો અયોગ્ય રીતે વર્તે છે. અને આપણે હંમેશાં ખરાબ વર્તનથી દૂર રહેવા સખત પ્રયત્ન કરવો પડે છે. (ગીત. ૩૭:૧-૧૧; સભા. ૮:૧૨, ૧૩; ૧૨:૧૩, ૧૪) પણ જ્યારે મંડળમાં જ કોઈ ભાઈ-બહેન સાથે આવી મુશ્કેલી ઊભી થાય ત્યારે આપણને ઘણું માઠું લાગે છે. એક બહેન જણાવે છે: ‘હું સત્યમાં આવી ત્યારે, મને એ સ્વીકારવું બહુ અઘરું લાગતું હતું કે યહોવાહના લોકો પણ ભૂલો કરે છે.’ આપણે ઇચ્છીએ છીએ કે મંડળમાં બધા આપણી સાથે પ્રેમભાવથી વર્તે, કેમ કે આપણે નિષ્ઠુર દુનિયા છોડીને એમાં આવ્યા છીએ. એટલે મંડળમાં અને ખાસ કરીને વધારે જવાબદારી છે એવા ભાઈ આપણને ખોટું લગાડે તો એનાથી દુઃખ થઈ શકે. ગુસ્સો પણ આવી શકે. આપણને થાય કે ‘યહોવાહના લોકો મધ્યે પણ આવું કેવી રીતે થઈ શકે?’ જોકે પહેલી સદીમાં અભિષિક્ત પ્રેરિતો વચ્ચે પણ આવું જ કંઈક થયું હતું. (ગલા. ૨:૧૧-૧૪; ૫:૧૫; યાકૂ. ૩:૧૪, ૧૫) આપણી સાથે આવું કંઈક બને ત્યારે કેવી રીતે વર્તવું જોઈએ?

૧૩. ભાઈ-બહેનો સાથે કોઈ તકરાર ઊભી થાય ત્યારે શું કરવું જોઈએ? શા માટે?

૧૩ આગળ જે બહેન વિષે વાત કરી તે જણાવે છે: ‘જો કોઈ મને ખોટું લગાડે તો હું તેમના માટે પ્રાર્થના કરવાનું શીખી. એનાથી મને હંમેશાં મદદ મળે છે.’ આપણે એ પણ જોઈ ગયા કે ઈસુએ આપણી સતાવણી કરનારાઓ માટે પ્રાર્થના કરવાનું શીખવ્યું હતું. (માથ. ૫:૪૪) જો આપણે બીજાઓ માટે પ્રાર્થના કરતા હોઈએ, તો પછી મંડળના ભાઈ-બહેનો માટે પ્રાર્થના કરવી કેટલું મહત્ત્વનું છે! જેમ એક પિતા ઇચ્છે છે કે તેમનાં બાળકો એક-બીજા માટે પ્રેમ રાખે, તેમ યહોવાહ પણ ઇચ્છે છે કે તેમના પૃથ્વી પરના સંગઠનમાં બધા એકબીજા માટે પ્રેમ રાખે. આપણે એ સમયની આતુરતાથી રાહ જોઈએ છીએ જ્યારે સર્વ લોકો હળીમળીને, સુખ-શાંતિમાં હંમેશ માટે જીવશે. અને યહોવાહ આપણને એ રીતે જીવવાનું હમણાંથી શીખવી રહ્યા છે. તે ઇચ્છે છે કે એ મહાન કામમાં આપણે બધા દિલથી સાથ આપીએ. તેથી ચાલો આપણે જે કોઈ મુશ્કેલી હોય એને હલ કરીએ. બીજાઓની ભૂલચૂક માફ કરીએ અને કાયમ સંપીને રહીએ. (નીતિવચનો ૧૯:૧૧ વાંચો.) એટલે જ્યારે કોઈ તકરાર કે મુશ્કેલી ઊભી થાય ત્યારે ભાઈ-બહેનોથી દૂર જવાને બદલે તેઓની સાથે જ રહીએ, તેઓને મદદ કરીએ. આમ કરીને આપણે યહોવાહના ‘અનંત હાથ’ નીચે રક્ષણ મેળવીશું.—પુન. ૩૩:૨૭.

સારા વર્તનથી આવતું સારું પરિણામ

૧૪. શેતાનની ચાલાકીઓ સામે ટકી રહેવા આપણે શું કરવું જોઈએ?

૧૪ આજે શેતાન અને તેના દૂતો આપણું પ્રચાર કામ અટકાવવા ખૂબ જ મથી રહ્યા છે. એ માટે તેઓ કુટુંબો અને મંડળોમાં ફાટફૂટ પડાવવા બધી જ તરકીબો અજમાવે છે. (માથ. ૧૨:૨૫) તેઓની એ ચાલાકીનો સામનો કરવા આપણે પાઊલની આ સલાહ પાળવી જોઈએ: ‘પ્રભુના દાસે વિખવાદ કરવો નહિ, પણ તેણે સર્વ માણસો પ્રત્યે માયાળુ’ બનવું જોઈએ. (૨ તીમો. ૨:૨૪) એ ભૂલવું ન જોઈએ કે ‘આપણે લોહી અને માંસના બનેલા માનવીઓ સામે લડતા નથી, પણ આપણી લડાઈ શેતાન’ અને તેના અસંખ્ય દૂતો સામે છે. આ લડાઈમાં જીતવા માટે આપણે ઈશ્વરના સર્વ હથિયારો સજી લેવાની જરૂર છે. એમાં ‘શાંતિનો શુભસંદેશ પ્રગટ કરવાનો’ પણ સમાવેશ થાય છે.—એફે. ૬:૧૨-૧૮, IBSI.

૧૫. દુશ્મનો આપણા પર હુમલો કરે ત્યારે શું કરવું જોઈએ?

૧૫ યહોવાહના સાક્ષીઓ શાંતિથી રહે છે. તોપણ તેમના દુશ્મનો અનેક રીતે તેઓ પર હુમલા કરતા રહે છે. અમુક તો તેઓની મારપીટ કરે છે. તો અમુક સમાચારો દ્વારા કે અદાલતોમાં આપણા પર ખોટા આરોપ મૂકે છે. ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું હતું કે આવું તો થશે જ. (માથ. ૫:૧૧, ૧૨) આવા સંજોગોમાં આપણે શું કરવું જોઈએ? આપણે કદી પોતાના વાણી-વર્તનથી ‘ભૂંડાઈને બદલે ભૂંડું ન કરવું’ જોઈએ.—રૂમી ૧૨:૧૭; ૧ પીતર ૩:૧૬ વાંચો.

૧૬, ૧૭. એક મંડળ સામે કેવી મુશ્કેલી આવી?

૧૬ શેતાન ભલે આપણા પર કોઈ પણ રીતે હુમલો કરે, પણ આપણે ‘સારાથી ભૂંડાનો પરાજય કરવો’ જોઈએ. એમ કરવાથી આપણે સારી સાક્ષી આપી શકીશું. પૅસિફિક મહાસાગરના એક ટાપુ પર આવેલા મંડળનો દાખલો લઈએ. એ મંડળના ભાઈઓએ મેમોરિયલ માટે હૉલ ભાડે રાખ્યો હતો. એ જાણીને ત્યાંના એક ચર્ચના પાદરીઓએ મેમોરિયલ હતું એ જ સમયે એ હૉલમાં ચર્ચની સભા રાખી અને પોતાના સભ્યોને આવવા જણાવ્યું. ત્યાંના પોલીસ અધિકારીએ પાદરીઓને હુકમ કર્યો કે મેમોરિયલના સમયે યહોવાહના સાક્ષીઓ માટે હૉલ ખાલી કરી દે. તેમ છતાં તેઓએ એ સમય દરમિયાન હૉલ ખાલી કર્યો નહિ પણ પોતાની સભા ચાલુ રાખી.

૧૭ પોલીસ તેઓને જબરજસ્તીથી હૉલ ખાલી કરાવવાની તૈયારી કરતી હતી ત્યારે એ ચર્ચના પ્રમુખે આવીને આપણા એક વડીલને પૂછ્યું: ‘આજ સાંજ માટે તમે શું કોઈ ખાસ ગોઠવણ કરી છે?’ આપણા ભાઈએ તેમને મેમોરિયલ વિષે જણાવ્યું. પ્રમુખે કહ્યું: ‘અરે, મને તો એ વિષે ખબર જ ન હતી!’ એ સાંભળતા જ એક પોલીસ બોલી ઊઠ્યો: ‘અમે તો તમને એના વિષે આજ સવારે જ જણાવ્યું હતું!’ પ્રમુખે પછી વડીલ તરફ ફરીને લુચ્ચું સ્મિત આપતા કહ્યું: ‘હવે તમે શું કરશો? અમારા માણસોથી તો હૉલ ભરેલો છે. શું પોલીસના ડંડાથી અમને બહાર ધકેલી મૂકશો?’ તેણે લુચ્ચાઈથી એવી ગોઠવણ કરી હતી જેનાથી દેખાય કે યહોવાહના સાક્ષીઓ તેઓની સતાવણી કરે છે! આવા સંજોગમાં ભાઈઓએ શું કર્યું?

૧૮. ઝગડો કરવા ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા ત્યારે તેઓએ શું કર્યું? એનું શું પરિણામ આવ્યું?

૧૮ ભાઈઓએ ચર્ચના પાદરીઓને જણાવ્યું કે તમે હજી અડધો કલાક સભા ભરી શકો, પછી અમે અમારું મેમોરિયલ ઊજવીશું. તોય તેઓએ વધારે સમય લઈ લીધો. તેઓ નીકળી ગયા પછી ગોઠવણ પ્રમાણે મેમોરિયલ ઉજવવામાં આવ્યું. બીજા દિવસે સરકારી અધિકારીઓએ એ બનાવની તપાસ કરી. બધી હકીકતો જાણ્યા પછી સરકારી અધિકારીઓએ ચર્ચને એમ જાહેર કરવાનું કહ્યું કે યહોવાહના સાક્ષીઓએ નહિ, પણ ચર્ચના પ્રમુખે એ મુશ્કેલી ઊભી કરી હતી. પછી એ અધિકારીઓએ યહોવાહના સાક્ષીઓનો આભાર માન્યો કે તેઓએ શાંતિથી મામલો થાળે પાડ્યો. આપણા ભાઈઓએ ‘સઘળાં માણસોની સાથે હળીમળીને ચાલવાની’ સલાહ લાગુ પાડી એનું સારું પરિણામ આવ્યું.

૧૯. હળીમળીને રહેવા બીજું શું મદદ કરી શકે?

૧૯ બધાની સાથે હળીમળીને રહેવાની બીજી એક ચાવી છે, પ્રેમભાવથી બોલવું. હવે પછીનો લેખ બતાવશે કે સારી વાણી શાને કહેવાય અને આપણે એ કેળવવા શું કરી શકીએ. (w10-E 06/15)

[ફુટનોટ્‌સ]

^ પ્રાચીન સમયમાં લોકો કાચી ધાતુને પીગાળવા ઉપર-નીચે “ધગધગતા અંગારા” મૂકતા. એનાથી શુદ્ધ ધાતુ મળી આવતી. જેઓ આપણી સાથે સારો વર્તાવ કરતા નથી તેઓ સાથે સારી રીતે વર્તાવ કરીશું તો, છેવટે તેઓનું દિલ પીગળીને સારા ગુણો બહાર આવશે.

તમે કેવી રીતે સમજાવશો?

• આજે દુનિયામાં લોકો કેમ નાની નાની વાતમાં ગુસ્સે થઈ જાય છે?

• ગુસ્સો કાબૂમાં રાખવાથી અને ન રાખવાથી કેવાં પરિણામો આવી શકે? બાઇબલમાંથી દાખલાઓ આપીને સમજાવો.

• મંડળમાં કોઈ આપણને ખોટું લગાડે ત્યારે શું કરવું જોઈએ?

• દુશ્મનો આપણા પર હુમલો કરે ત્યારે શું કરવું જોઈએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૦ પર ચિત્રનું મથાળું]

ક્રોધને કાબૂમાં ન રાખ્યો હોવાથી શિમઓન અને લેવી ખૂનખરાબી કરીને પાછા આવ્યા

[પાન ૨૨ પર ચિત્રનું મથાળું]

સારું વર્તન રાખવાથી બીજાઓ નરમ પડે છે