સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મંડળમાં એકબીજાને દૃઢ કરતા રહીએ

મંડળમાં એકબીજાને દૃઢ કરતા રહીએ

મંડળમાં એકબીજાને દૃઢ કરતા રહીએ

‘એકબીજાને ઉત્તેજન આપતા રહો અને વૃદ્ધિ પામે તે માટે મદદ કરતા રહો.’—૧ થેસ્સા. ૫:૧૧, IBSI.

૧. મંડળનો ભાગ હોવાથી આપણા પર કયા આશીર્વાદો આવે છે? પણ કેવી મુશ્કેલીઓ સહેવી પડે છે?

 યહોવાહના મંડળનો ભાગ હોવું એ એક મોટો આશીર્વાદ છે. એનાથી યહોવાહની નજીક આપણે રહી શકીએ છીએ. બાઇબલ યહોવાહનો શબ્દ હોવાથી એના પર ભરોસો મૂકીને એની સલાહ પ્રમાણે જ ચાલીએ છીએ. એટલે દુનિયાની રીતે જીવતા નથી, એના ખરાબ પરિણામો પણ ભોગવવા પડતા નથી. આપણું ભલું ઇચ્છતા ભાઈ-બહેનોની સંગત માણી શકીએ છીએ. આવા આશીર્વાદો તો અનેક છે. જોકે હજી પણ આપણા ઘણા ભાઈ-બહેનોએ એક કે બીજી મુશ્કેલીઓ સહેવી પડે છે. જેમ કે, અમુકને યહોવાહનું ઊંડું સત્ય સમજવા મદદની જરૂર છે. તો બીજાઓ બીમાર કે ડિપ્રેશનમાં છે. અમુક એવા પણ છે જેઓએ જીવનમાં ખોટા નિર્ણય લીધા હોવાથી એના પરિણામ ભોગવે છે. એટલું જ નહિ, આપણે બધાએ આ દુષ્ટ દુનિયામાં જીવવું પડે છે.

૨. કોઈ ભાઈ કે બહેન પર દુઃખ-તકલીફ આવે ત્યારે આપણે શું કરવું જોઈએ?

ભાઈ-બહેનો પર દુઃખ આવે એવું આપણે ઇચ્છતા નથી. મંડળને શરીર સાથે સરખાવતા પ્રેરિત પાઊલે કહ્યું, “જો એક અવયવ દુઃખી થાય, તો તેની સાથે સર્વ અવયવો દુઃખી થાય છે.” (૧ કોરીં. ૧૨:૧૨, ૨૬) કોઈ ભાઈ કે બહેન કપરા સંજોગોમાં હોય તો તેઓને આપણે બનતી બધી જ મદદ કરવી જોઈએ. બાઇબલના અનેક અહેવાલો બતાવે છે કે મંડળના સભ્યોએ બીજા ભાઈ-બહેનોને દુઃખ-તકલીફોમાં મદદ કરી હતી. ચાલો આપણે એ અહેવાલોની ચર્ચા કરીએ. એ પણ વિચારીએ કે, આજે જેઓ એવા સંજોગોમાં છે તેઓને યહોવાહની ભક્તિમાં લાગુ રહેવા કઈ રીતે મદદ કરી શકીએ. તેમ જ મંડળને પણ કઈ રીતે ઉત્તેજન આપી શકીએ.

‘તેઓએ તેને પોતાની સાથે લીધો’

૩, ૪. આકુલા અને પ્રિસ્કીલાએ કઈ રીતે આપોલસને મદદ કરી?

આપોલસ એફેસસમાં રહેવા ગયા એ પહેલેથી તે પ્રચારમાં બહુ ઉત્સાહી હતા. પ્રેરિતોના કૃત્યો જણાવે છે કે આપોલસ ‘ઘણા ઉત્સાહી હોવાથી ચોકસાઈપૂર્વક ઈસુ વિષેની વાતો પ્રગટ કરતા તથા શીખવતા હતા. પણ તે ફક્ત યોહાનના બાપ્તિસ્મા વિષે જાણતા હતા.’ ‘બાપ તથા દીકરા તથા પવિત્ર શક્તિને નામે’ બાપ્તિસ્મા લેવા વિષે તે અજાણ હતા. બની શકે કે યોહાન બાપ્તિસ્મકના કોઈ શિષ્ય પાસેથી અથવા પેન્તેકોસ્ત ૩૩ની સાલ પહેલા ઈસુના કોઈ શિષ્ય પાસેથી આપોલસ સત્ય શીખ્યા હશે. ખરું કે તે ખુશખબર ફેલાવવામાં ઉત્સાહી હતા, પણ તેમના જ્ઞાનમાં થોડી કચાશ હતી. એ દૂર કરવા બીજા ભાઈ-બહેનોની સંગતથી તેમને કઈ રીતે મદદ મળી?—પ્રે.કૃ. ૧:૪, ૫; ૧૮:૨૫; માથ. ૨૮:૧૯.

આપોલસને જોરશોરથી સભાસ્થાનોમાં પ્રચાર કરતા આકુલા અને પ્રિસ્કીલાએ સાંભળ્યા. તેઓ તેમને ઘરે લઈ ગયા અને બાપ્તિસ્મા વિષે વધારે સમજણ આપી. (પ્રેરિતોનાં કૃત્યો ૧૮:૨૪-૨૬ વાંચો.) એનાથી આપોલસને જરૂરી મદદ મળી. જોકે આકુલા અને પ્રિસ્કીલાએ સમજી વિચારીને પ્રેમથી શીખવ્યું હશે, જેથી આપોલસને એવું ન લાગે કે તેઓ તેમના શિક્ષણમાં ભૂલો કાઢે છે. તેમના જ્ઞાનમાં ફક્ત એટલી જ કચાશ હતી કે તે ખ્રિસ્તી મંડળના ઇતિહાસ વિષે જાણતા ન હતા. આકુલા અને પ્રિસ્કીલાએ તેમને જે મહત્ત્વનું જ્ઞાન આપ્યું એ માટે તે ખૂબ જ આભારી હશે. નવી સમજણથી તે વધુ સારી રીતે આખાયા મંડળને ‘સહાય કરી’ શક્યા અને લોકોના દિલને સ્પર્શી જાય એ રીતે ઉત્સાહથી પ્રચાર કર્યો.—પ્રે.કૃ. ૧૮:૨૭, ૨૮.

૫. આજે લાખો ભાઈ-બહેનો કેવી રીતે પ્રેમથી લોકોને શીખવે છે? એનું શું પરિણામ આવે છે?

આજે પણ મંડળમાં એવા ઘણા ભાઈ-બહેનો છે જેઓને બીજાઓએ બાઇબલ સત્ય સમજવા મદદ કરી હોય. એની તેઓ ખૂબ જ કદર કરે છે. એટલું જ નહિ, સત્ય શીખવ્યું એ ભાઈ-બહેનો સાથે તેઓનો કુટુંબ જેવો સંબંધ બંધાઈ ગયો છે. મોટા ભાગના કિસ્સામાં લોકોને બાઇબલ સત્ય શીખવવા નિયમિત રીતે ઘણા મહિનાઓ સમય આપવો પડે છે. જોકે એમ કરવા ભાઈ-બહેનો ઘણો ભોગ આપવા તૈયાર છે, કેમ કે તેઓ જાણે છે કે એમાં લોકોના જીવન-મરણનો સવાલ છે. (યોહા. ૧૭:૩) વ્યક્તિ જ્યારે સત્યની સમજણ લે છે, એ પ્રમાણે જીવે છે અને યહોવાહની ઇચ્છા જીવનમાં પહેલી મૂકે છે ત્યારે, એ જોઈને આપણને કેટલો આનંદ થાય છે!

“તેની શાખ સારી હતી”

૬, ૭. (ક) પાઊલે મિશનરી મુસાફરીમાં સાથી તરીકે શા માટે તીમોથીને પસંદ કર્યા? (ખ) તીમોથીને કેવી પ્રગતિ કરવા મદદ મળી?

પ્રેરિત પાઊલ અને સીલાસ બીજી મિશનરી મુસાફરી દરમિયાન લુસ્ત્રા શહેરમાં ગયા હતા. ત્યાં તેઓ વીસેક વર્ષના તીમોથીને મળ્યા. ‘લુસ્ત્રા તથા ઈકોનીમાંના ભાઈઓમાં તેમની શાખ સારી હતી.’ તીમોથીની માતા યુનીકે અને દાદી લોઈસ યહોવાહના ભક્ત હતા, પણ તીમોથીના પિતા યહોવાહમાં માનતા ન હતા. (૨ તીમો. ૧:૫) પાઊલ કદાચ બેએક વર્ષ અગાઉ પહેલી મુસાફરીમાં તીમોથીના કુટુંબને મળ્યા હશે. પણ આ વખતે પાઊલે યુવાન તીમોથીમાં વધારે રસ બતાવ્યો, કેમ કે તે મંડળમાં બહુ સારું કરી રહ્યા હતા. મંડળના વડીલોની મંજૂરી મેળવ્યા બાદ તીમોથી પાઊલની સાથે મિશનરી કામમાં જોડાયા.—પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૧-૩ વાંચો.

તીમોથીએ હવે પાઊલ પાસેથી ઘણું શીખવાનું હતું. પણ તેમણે બહુ ઓછા સમયમાં ઘણી પ્રગતિ કરીને પાઊલનો વિશ્વાસ જીતી લીધો. એટલે જ પાઊલ પોતાના પ્રતિનિધિ તરીકે તીમોથીને મંડળોની મુલાકાત લેવા મોકલતા. તીમોથી કદાચ શરૂ શરૂમાં શરમાળ હતા. પણ પાઊલ સાથે પંદરેક વર્ષ રહ્યા પછી તે ઘણી પ્રગતિ કરીને એક સારા વડીલ બન્યા.—ફિલિ. ૨:૧૯-૨૨; ૧ તીમો. ૧:૩.

૮, ૯. મંડળના ભાઈ-બહેનો કઈ રીતે યુવાનોને ઉત્તેજન આપી શકે? અનુભવ જણાવો.

આજે યુવાન ભાઈ-બહેનો પાસે મંડળમાં ઘણું કરવાની ક્ષમતા છે. યહોવાહની ભક્તિમાં સારો દાખલો બેસાડનાર ભાઈ-બહેનોએ યુવાનોને ઉત્તેજન આપીને તેઓમાં દિલથી રસ લેવાની જરૂર છે. એમ કરવાથી આ યુવાનોમાં પણ ભક્તિમાં વધારે કરવાની ઇચ્છા જાગશે અને યહોવાહના સંગઠનમાં વધારે જવાબદારી ઉપાડવા તૈયાર થશે. તમારા મંડળમાં જ નજર કરો! શું તમે કોઈ યુવાનને જોઈ શકો છો, જે તીમોથીની જેમ વધારે પ્રગતિ કરી શકે? તમારા ઉત્તેજન અને મદદથી તેઓ કદાચ પાયોનિયર, મિશનરી કે સરકીટ ઑવરસીયર બની શકે કે પછી બેથેલમાં જઈ શકે. તેઓને એવો કોઈ ધ્યેય પૂરો કરવા તમે કઈ રીતે મદદ કરી શકો?

માર્ટીનનો વિચાર કરો. તે છેલ્લા ૨૦ વર્ષથી બેથેલમાં સેવા આપી રહ્યો છે. તેને એક પ્રસંગ યાદ છે જેનાથી ખૂબ જ ઉત્તેજન મળ્યું હતું. ૩૦ વર્ષ પહેલાં સરકીટ ઑવરસીયરે માર્ટીન સાથે પ્રચારમાં કામ કરતી વખતે તેનામાં ઘણો રસ બતાવ્યો હતો. ઑવરસીયરે ખૂબ જ ઉત્સાહથી પોતાનો અનુભવ જણાવતા તેને કહ્યું હતું કે તે પણ યુવાનીમાં બેથેલમાં સેવા આપતા હતા. પછી માર્ટીનને પણ એ રીતે યહોવાહના સંગઠનમાં વધારે સેવા કરવા ઉત્તેજન આપ્યું. માર્ટીનને લાગે છે કે તેણે પછીથી જે નિર્ણય લીધો એમાં એ ઉત્તેજને ઘણો મોટો ભાગ ભજવ્યો હતો. તમે પણ યુવાન મિત્રો સાથે આવા ધ્યેય રાખવા વિષે વાત કરો તો એનું સારું પરિણામ આવી શકે.

ડિપ્રેશનમાં છે તેઓને “ઉત્તેજન આપો”

૧૦. એપાફ્રોદિતસને રોમમાં ગયા પછી કેવું લાગ્યું અને શા માટે?

૧૦ હવે એપાફ્રોદિતસનો વિચાર કરો. પ્રેરિત પાઊલ પોતાની શ્રદ્ધાને લીધે રોમની જેલમાં હતા ત્યારે, એપાફ્રોદિતસ છેક ફિલિપીથી થકવી નાખતી લાંબી મુસાફરી કરીને તેમને મળવા આવ્યા. તે ફિલિપી મંડળ વતી આવ્યા હતા અને ત્યાંના ભાઈ-બહેનોએ મોકલેલી ઘણી ભેટો પણ પાઊલ માટે લાવ્યા હતા. તેમણે રોમમાં રોકાવાની ગોઠવણ કરી, જેથી પાઊલને મુશ્કેલ સંજોગોમાં કોઈ રીતે મદદ કરી શકે. પરંતુ એપાફ્રોદિતસ ત્યાં ‘મરણતોલ માંદા’ પડી ગયા. તેમને જ્યારે લાગ્યું કે પોતે પાઊલને મદદરૂપ થવાને બદલે બોજરૂપ બની ગયા છે ત્યારે, તે ખૂબ જ હતાશ થઈ ગયા.—ફિલિ. ૨:૨૫-૨૭.

૧૧. (ક) મંડળમાં કોઈ નિરાશામાં ડૂબી ગયું હોય તો શા માટે આપણને નવાઈ ન લાગવી જોઈએ? (ખ) એપાફ્રોદિતસના કિસ્સામાં પાઊલે શું સલાહ આપી?

૧૧ આજે અનેક દબાણોને લીધે લોકો ડિપ્રેશનનો ભોગ બને છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા પ્રમાણે, દર પાંચમાંથી એક વ્યક્તિ જીવનમાં એક વાર તો ડિપ્રેશનમાં આવી જાય છે. યહોવાહના ભક્તો પણ કંઈ અલગ માટીના બનેલા નથી. તેઓને પણ ઘણી મુશ્કેલીઓ નડે છે. જેમ કે, કુટુંબની જરૂરિયાતો પૂરી પાડવી, બીમારી, કોઈ બાબતમાં નિષ્ફળ જવું કે પછી બીજા કોઈ કારણથી વ્યક્તિ નિરાશામાં ડૂબી જઈ શકે. એપાફ્રોદિતસ નિરાશ થઈ ગયા ત્યારે ફિલિપી મંડળે તેમને કઈ રીતે મદદ કરી? ત્યાંના ભાઈ-બહેનોને એ વિષે પાઊલે લખ્યું: “આનંદસહિત પ્રભુમાં તેનો આદરસત્કાર કરો; અને એવાઓને માનયોગ્ય ગણો; કેમ કે ખ્રિસ્તના કામને સારૂ તે મરણની નજીક આવી ગયો, અને મારે અર્થે તમારી સેવામાં જે અધૂરૂં હતું તે સંપૂર્ણ કરવાને તેણે પોતાનો જીવ જોખમમાં નાખ્યો.”—ફિલિ. ૨:૨૯, ૩૦.

૧૨. ડિપ્રેશનમાં હોય એવા ભાઈ-બહેનોને ક્યાંથી દિલાસો મળી શકે?

૧૨ આપણે પણ એવા ભાઈઓને ઉત્તેજન આપવું જોઈએ જેઓ ડિપ્રેશનમાં છે અથવા કોઈ કારણથી હિંમત હારી ગયા છે. તેઓએ યહોવાહની સેવામાં જે કર્યું છે એ વિષે વાત કરીને ઉત્તેજન આપી શકીએ. કદાચ તેઓએ યહોવાહના ભક્ત બનવા કે પૂરા સમયની સેવા આપવા જીવનમાં ઘણા મોટા ફેરફાર કર્યા હશે. તેઓના એ પ્રયત્નોની આપણે કદર કરવી જોઈએ. તેઓને ખાતરી અપાવીએ કે યહોવાહ પણ તેઓની ખૂબ કદર કરે છે. કોઈ ઘડપણ કે બીમારીને લીધે કદાચ યહોવાહની સેવામાં પહેલા જેટલું કરી શકતા નથી. પણ તેઓએ વર્ષોથી જે સેવા આપી હતી એ માટે આપણે ખૂબ માન આપવું જોઈએ. ભલે ગમે તે સંજોગ હોય, યહોવાહ પોતાના દરેક ભક્તને અરજ કરે છે કે નિરાશ થઈ ગયા છે તેઓને “ઉત્તેજન આપો, નિર્બળોને આશ્રય આપો, સઘળાની સાથે સહનશીલ થાઓ.”—૧ થેસ્સા. ૫:૧૪.

‘તેને માફી આપીને દિલાસો દેવો જોઈએ’

૧૩, ૧૪. (ક) કોરીંથ મંડળે કયું પગલું લીધું અને શા માટે? (ખ) એ માણસને મંડળમાંથી બહિષ્કૃત કરવાથી શું પરિણામ આવ્યું?

૧૩ પહેલી સદીના કોરીંથ મંડળમાં એક માણસ વ્યભિચારી હતો. તેને એનો જરાય પસ્તાવો ન હતો. અરે, તે એવું પાપ કરતો હતો કે જેનાથી દુનિયાના લોકો પણ ચોંકી ગયા હતા. તેના એવા પાપી કામથી મંડળની શુદ્ધતા જોખમમાં મૂકાઈ હતી. તેથી, પાઊલના માર્ગદર્શન પ્રમાણે તે માણસને મંડળમાંથી કાઢી મૂકવામાં આવ્યો.—૧ કોરીં. ૫:૧, ૭, ૧૧-૧૩.

૧૪ એમ કરવાથી સારું પરિણામ આવ્યું. એક તો, મંડળને શુદ્ધ રાખવા મદદ મળી. બીજું, એ પાપી વ્યક્તિને પોતાની ભૂલનું ભાન થયું અને તેણે દિલથી પસ્તાવો કર્યો. તે સુધરી ગયો. એટલે પાઊલે બીજા પત્રમાં જણાવ્યું કે એ માણસને મંડળમાં પાછો લો. તેમણે એવી પણ અરજ કરી કે ‘તેને માફી આપીને દિલાસો દેવો જોઈએ, નહિ તો તે કદાચ તેના અતિશય ખેદમાં ગરક થઈ જશે.’—૨ કોરીંથી ૨:૫-૮ વાંચો.

૧૫. પસ્તાવો કરીને મંડળમાં પાછી આવેલી વ્યક્તિ સાથે આપણે કેવી રીતે વર્તવું જોઈએ?

૧૫ આ અહેવાલમાંથી આપણે શું શીખીએ છીએ? જ્યારે કોઈને મંડળમાંથી બહિષ્કૃત કરવામાં આવે છે ત્યારે આપણને દુઃખ થાય છે. તેણે યહોવાહના નામને અને મંડળને કલંક લગાડ્યું હોઈ શકે. આપણી વિરુદ્ધ પણ પાપ કર્યું હોઈ શકે. પણ વડીલો સમય જતા યહોવાહના માર્ગદર્શન પ્રમાણે પારખે છે કે તેણે ખરો પસ્તાવો કર્યો છે. તેઓ નક્કી કરે છે કે એ વ્યક્તિને મંડળમાં પાછી લેવી જોઈએ. એ બતાવે છે કે યહોવાહે તેને માફ કરી છે. (માથ. ૧૮:૧૭-૨૦) આવા કિસ્સામાં આપણે શું કરવું જોઈએ? જો આપણે કઠણ દિલના બનીને એ વ્યક્તિને માફ નહિ કરીએ તો જાણે યહોવાહનો વિરોધ કરીએ છીએ. એમ કરવાથી મંડળમાં શાંતિ અને સંપ નહિ રહે. યહોવાહની કૃપા પણ ગુમાવી બેસીશું. એવું ન થાય માટે પસ્તાવો કરીને મંડળમાં પાછી આવેલી વ્યક્તિને આપણે ‘પ્રેમ બતાવવો’ જોઈએ.—માથ. ૬:૧૪, ૧૫; લુક ૧૫:૭.

‘તે મને ઉપયોગી છે’

૧૬. પાઊલ કેમ માર્કથી નારાજ હતા?

૧૬ કોઈએ આપણને ખોટું લગાડ્યું હોય તો તેઓ પ્રત્યે દિલમાં કડવાશ ન રાખવી જોઈએ. ચાલો એ વિષે બાઇબલમાંથી બીજો એક અહેવાલ જોઈએ. યોહાન માર્કથી પાઊલ બહુ જ નારાજ હતા. શા માટે? પાઊલ અને બાર્નાબાસે પ્રચારની પહેલી મુસાફરી શરૂ કરી ત્યારે, એ કામમાં સાથ આપવા યોહાન માર્કને પણ સાથે લઈ ગયા. માર્ક તેઓને અધવચ્ચે છોડીને પાછા ઘરે ચાલ્યા ગયા. શા કારણથી ચાલ્યા ગયા, એ વિષે બાઇબલ કંઈ જણાવતું નથી. ગમે તે હોય, પણ એનાથી પાઊલને બહુ જ ખોટું લાગ્યું. અમુક સમય પછી પાઊલ પ્રચારની બીજી મુસાફરી ગોઠવતા હતા ત્યારે, બાર્નાબાસ ફરીથી માર્કને સાથે લેવા ચાહતા હતા. પરંતુ પહેલી મુસાફરીમાં જે બન્યું એના લીધે માર્કને લઈ જવા પાઊલ જરાય રાજી ન હતા. એ કારણે તેમને બાર્નાબાસ સાથે તકરાર થઈ.—પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૧-૫, ૧૩; ૧૫:૩૭, ૩૮ વાંચો.

૧૭, ૧૮. આપણે કેવી રીતે જાણી શકીએ કે પાઊલ અને માર્ક વચ્ચેના મતભેદ દૂર થયા હતા? એમાંથી આપણને શું શીખવા મળે છે?

૧૭ માર્કને પાઊલ પોતાની સાથે લઈ ન ગયા. એનાથી માર્ક નિરાશ ન થયા, પણ બાર્નાબાસ સાથે બીજા વિસ્તારમાં પ્રચાર કરવા ગયા. (પ્રે.કૃ. ૧૫:૩૯) એ પછી માર્કે પોતાના કામથી બતાવી આપ્યું કે તે ભરોસાપાત્ર છે. પાઊલે પણ અમુક વર્ષો પછી લખેલા પત્રમાં એ સ્વીકાર્યું. રોમમાં કેદ થયેલા પાઊલે પત્ર લખીને તીમોથીને બોલાવ્યા હતા. એ જ પત્રમાં તેમણે લખ્યું: “માર્કને તારી સાથે તેડતો આવજે, કેમ કે સેવાને સારૂ તે મને ઉપયોગી છે.” (૨ તીમો. ૪:૧૧) માર્કે સુધારો કર્યો હોવાથી તેમના માટે પાઊલનું માન વધ્યું.

૧૮ તેઓના અનુભવમાંથી આપણને ઘણું શીખવા મળે છે. સારા મિશનરી બનવા માર્કે જરૂરી ગુણો કેળવ્યા હતા. પ્રચારની બીજી મુસાફરીમાં માર્કને સાથે લઈ જવાનો પાઊલે નકાર કર્યો ત્યારે, તેમને માઠું લાગ્યું ન હતું. પાઊલની જેમ માર્કને પણ યહોવાહમાં અતૂટ શ્રદ્ધા હતી. તેઓના દિલમાં પછી એકબીજા માટે જરાય કડવાશ ન હતી. એના બદલે પાઊલ જોઈ શક્યા કે તેમને સાથ આપવામાં માર્ક ખૂબ જ ઉપયોગી છે. એ જ રીતે, મંડળમાં આવી કોઈ મુશ્કેલી થાળે પડી જાય પછી આપણે શું કરવું જોઈએ? એ મુશ્કેલી ભૂલી જઈને ભાઈ-બહેનોને સત્યમાં પ્રગતિ કરવા મદદ આપવી જોઈએ. બધાના સારા ગુણોની કદર કરીને મંડળને ઉત્તેજન આપતા રહેવું જોઈએ.

મંડળ અને તમે

૧૯. મંડળમાં બધા એકબીજાને કેવી રીતે મદદ કરી શકે?

૧૯ આ દુષ્ટ દુનિયામાં બધા પર ‘સંકટનો વખત’ આવે છે, જે સહેવું અઘરું છે. એટલે આજે મંડળમાં બધાને એક-બીજાના સહારાની ખાસ જરૂર છે. (૨ તીમો. ૩:૧) જો મંડળમાં કોઈની સાથે અણબનાવ થાય તો, શું કરવું એ કદાચ તરત ન સૂઝે. પરંતુ યહોવાહ જાણે છે કે શું કરવું જોઈએ. એવા સમયે જોઈતું માર્ગદર્શન આપવા યહોવાહ તમારો અથવા કોઈ ભાઈ-બહેનનો ઉપયોગ કરી શકે. (યશા. ૩૦:૨૦, ૨૧; ૩૨:૧, ૨) તેથી ચાલો પાઊલની આ સલાહ આપણે દિલમાં ઉતારીએ: “એકબીજાને ઉત્તેજન આપવામાં અને તેઓ વૃદ્ધિ પામે તે માટે મદદ કરવાનું ચાલુ જ રાખો.”—૧ થેસ્સા. ૫:૧૧, IBSI. (w10-E 06/15)

તમે કેવી રીતે સમજાવશો?

• મંડળમાં કેમ એકબીજાને ઉત્તેજન આપવું જોઈએ?

• બીજાઓની કેવી મુશ્કેલીઓ દૂર કરવા તમે મદદ કરી શકો?

• શા માટે મંડળમાં આપણને બીજાઓની મદદની જરૂર છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૫ પર ચિત્રનું મથાળું]

મંડળમાં ભાઈ કે બહેન કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાં હોય તો, તેઓને મદદ કરીએ

[પાન ૧૬ પર ચિત્રનું મથાળું]

મંડળના યુવાન ભાઈ-બહેનો પાસે ઘણું કરવાની ક્ષમતા રહેલી છે