સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહના મંડળમાં જ રક્ષણ મળે છે

યહોવાહના મંડળમાં જ રક્ષણ મળે છે

યહોવાહના મંડળમાં જ રક્ષણ મળે છે

“હું મહા મંડળીમાં તારી ઉપકારસ્તુતિ કરીશ.”—ગીત. ૩૫:૧૮.

૧-૩. (ક) કેવી બાબતોથી અમુક ભાઈ-બહેન યહોવાહ સાથેનો તેમનો નાતો ખતરામાં મૂકી દે છે? (ખ) આપણને ક્યાંથી રક્ષણ મળે છે?

 જૉભાઈ અને તેમની પત્ની રજાઓમાં એક દરિયા કિનારે પરવાળાં (કૉરલ) જોવા ગયાં હતાં. કાચ જેવા ચોખ્ખા પાણીમાં તેઓ રંગબેરંગી નાની-મોટી માછલીઓ જોતાં જોતાં તરતાં હતાં. એની વધારે મઝા માણવા તેઓ થોડા આગળ વધ્યા અને અચાનક ઊંડા પાણીમાં આવી ગયા. જૉભાઈની પત્નીએ તેમને કહ્યું: ‘મને લાગે છે આપણે વધારે આગળ નીકળી ગયા છીએ.’ જૉએ કહ્યું: ‘ગભરાઈશ નહિ. મને ખબર છે હું શું કરું છું.’ તે કહે છે: ‘મેં એમ કહ્યું એની અમુક પળોમાં તો બધી માછલીઓ ગાયબ થઈ ગઈ. હું વિચારવા લાગ્યો કે તેઓ ક્યાં ગઈ?’ એવામાં કંઈક જોઈને તેમની આંખો ફાટી ગઈ. ઊંડા પાણીમાંથી સીધી તેમની તરફ શાર્ક માછલી આવતી હતી! તેમને લાગ્યું કે ‘હવે તો મર્યા, બીજો કોઈ રસ્તો જ નથી.’ શાર્ક માછલી તેમની એકાદ મીટર દૂર હતી અને અચાનક બીજી બાજુ વળી ગઈ.

આ દુનિયા પણ ઊંડા પાણી જેવી છે જે નોકરી-ધંધો, માલમિલકત કે મોજશોખની લાલચથી આપણને એમાં ખેંચે છે. જો આવી બાબતોમાં તમે ધ્યાન નહિ રાખશો તો, એમાં જ મશગૂલ થઈ જશો. પછી ખબર પણ નહિ પડે એમ શેતાનની દુનિયાના “ઊંડા પાણીમાં” પહોંચી જશો. જૉભાઈ એક મંડળમાં વડીલ તરીકે સેવા આપે છે. તે કહે છે: ‘એ અનુભવ પછી વિચારવા લાગ્યો કે હું કેવા લોકોની સંગત રાખું છું! આપણું મંડળ દરિયાના એવા પાણી જેવું છે જ્યાં તરવું સલામત છે અને મજા પણ ખૂબ આવે છે.’ બીજી બાજુ, જગતની લાલચો દરિયાના ઊંડા પાણી જેવી છે, જે ખતરાથી ભરપૂર છે. એમાં જરાય તરવું ન જોઈએ. જો એમાં તરવા જશો તો મંડળથી દૂર ચાલ્યા જશો. એનાથી યહોવાહ સાથેનો તમારો નાતો નબળો થઈ જશે. જો અજાણતા તમે મંડળથી દૂર જઈ રહ્યા હોવ તો તરત જ ‘પાછા ફરવું જોઈએ.’ નહિ તો યહોવાહ સાથેનો તમારો નાતો ખતરામાં આવી જશે.

આ દુનિયા આજે યહોવાહના ભક્તો માટે ખતરો છે. (૨ તીમો. ૩:૧-૫) શેતાન જાણે છે કે તેની ઘડીઓ ગણાઈ રહી છે. એટલે જેઓ સાવધ નથી તેઓને ભૂખ્યા સિંહની જેમ ફાડી ખાવા તે શોધતો ફરે છે. (૧ પીત. ૫:૮; પ્રકટી. ૧૨:૧૨, ૧૭) પણ આપણી પાસે તો પૂરતું રક્ષણ છે. યહોવાહે આપણને તેમનું મંડળ આપ્યું છે, જે તેમની સાથેનો નાતો મજબૂત રાખવા મદદ કરે છે.

૪, ૫. ઘણાને તેઓના ભવિષ્ય વિષે કેવું લાગે છે અને શા માટે?

આ દુનિયા આપણને અમુક અંશે જ રક્ષણ કે મનની શાંતિ આપે છે. દાખલા તરીકે, હિંસા, ગુનાખોરી ને મોંઘવારી દિવસે દિવસે વધતા જાય છે. પૃથ્વી પર પ્રદૂષણ વધી રહ્યું છે. આ જોઈને ઘણા માને છે કે સલામતી જેવું હવે કંઈ રહ્યું નથી. બીમારી અને ઘડપણને લીધે બધાએ તકલીફો સહેવી પડે છે. જેઓ પાસે સારી નોકરી, ધંધો, રહેવાને ઘર છે, પૈસે-ટકે સુખી અને શરીરે તંદુરસ્ત છે તેઓને પણ ચિંતા છે કે એ રાતોરાત છીનવાઈ તો નહિ જાય ને!

એ જ રીતે ઘણાને આજે મનની શાંતિ નથી. ઘણા લોકો માનતા હતા કે લગ્‍ન કરવાથી, કુટુંબ વસાવવાથી મનની શાંતિ અને આનંદ મળશે. પણ એનાથીયે તેઓ સુખી થઈ શક્યા નથી. ઘણા લોકો સલામતી માટે ચર્ચમાં જઈને ઈશ્વરનું શરણ શોધે. ત્યાં પણ તેઓને નિરાશા જ મળે છે. કેમ કે પાદરીઓ બાઇબલનું શિક્ષણ આપવાને બદલે કંઈક બીજું જ શીખવે છે. અરે, તેઓના વાણી-વર્તન પણ બાઇબલ પ્રમાણે નથી. ક્યાંય સલામતી જોવા મળતી ન હોવાથી ઘણા લોકો છેલ્લા ઉપાય તરીકે વિજ્ઞાન તરફ મીટ માંડે છે. અથવા તેઓને લાગે છે કે બીજાઓનું ભલું કરો, તો તમારુંય ભલું થશે. તેથી એમાં કોઈ નવાઈ નથી કે ઘણા લોકોએ ભાવિનો વિચાર કરવાનું જ છોડી દીધું છે. તેઓ એટલી તો અસલામતી અનુભવે છે કે કાલનો વિચાર જ કરવો નથી.

૬, ૭. (ક) જેઓ યહોવાહને ભજે છે અને જેઓ ભજતા નથી તેઓમાં શું ફરક છે? (ખ) આપણે હવે શાનો વિચાર કરીશું?

યહોવાહના ભક્તો અને દુન્યવી લોકોના વિચારોમાં આભ-જમીનનો ફરક છે! ખરું કે લોકો પર આવે છે એવી દુઃખ-તકલીફો અને મુશ્કેલીઓ યહોવાહના ભક્તો પર પણ આવે છે. તોય એ વિષે દુનિયાના લોકોથી તેઓના વિચારો સાવ જુદા છે. (યશાયાહ ૬૫:૧૩, ૧૪; માલાખી ૩:૧૮ વાંચો.) કેમ એવું? કારણ કે આપણને બાઇબલમાંથી ખરી સમજણ મળે છે કે મનુષ્ય પર કેમ દુઃખ-તકલીફો આવે છે. તેમ જ એ સહેવા આપણે સારી રીતે તૈયાર છીએ. તેથી ભાવિ વિષે આપણે વધારે પડતી ચિંતા કરતા નથી. આપણે યહોવાહના ભક્તો હોવાથી ખોટા વિચારો અને ખોટાં ઉપદેશથી દૂર રહેવા મદદ મળે છે. અનૈતિક કામો કરતા નથી એટલે એનાં ફળ પણ ભોગવતા નથી. આ રીતે આપણને મંડળમાં એવી શાંતિ મળે છે જેના વિષે લોકો સાવ અજાણ છે.—યશા. ૪૮:૧૭, ૧૮; ફિલિ. ૪:૬, ૭.

ચાલો અમુક દાખલાઓ જોઈએ કે યહોવાહના ભક્તો કેવી સલામતી અનુભવે છે, અને જેઓ ભજતા નથી તેઓ કેવા જોખમમાં છે. આ દાખલાઓ પર વિચાર કરવાથી આપણને પોતાનું દિલ અને કાર્યો તપાસવા મદદ મળશે. એ પણ જોઈ શકીશું કે આપણા રક્ષણ માટે યહોવાહ જે માર્ગદર્શન આપે છે એને પૂરેપૂરી રીતે દિલમાં ઉતારીએ છીએ કે કેમ.—યશા. ૩૦:૨૧.

‘મારા પગે લગભગ ઠોકર ખાધી હતી’

૮. યહોવાહના ભક્તો શરૂઆતથી શું કરતા આવ્યા છે?

માનવ ઇતિહાસની શરૂઆતથી જ જોવા મળ્યું છે કે યહોવાહના માર્ગમાં ચાલતા ભક્તો દુન્યવી લોકો સાથે ગાઢ સંબંધ રાખતા નથી. યહોવાહે પહેલેથી જ જણાવ્યું હતું કે તેમના ભક્તો અને શેતાનને માર્ગે ચાલતા લોકો વચ્ચે દુશ્મની રહેશે. (ઉત. ૩:૧૫) યહોવાહના ભક્તો તેમના સિદ્ધાંતોને વળગી રહેતા હોવાથી દુનિયાના લોકોની જેમ વર્તતા નથી. (યોહાન ૧૭:૧૫, ૧૬; ૧ યોહાન ૨:૧૫-૧૭) જોકે યહોવાહના સિદ્ધાંતોને વળગી રહેવું હંમેશાં સહેલું નથી. તેમના અમુક ભક્તોને પણ કોઈ વાર સવાલ થયો છે કે ‘ઈશ્વરની ભક્તિ માટે પોતાની સુખ-સગવડ જતી કરવી શું યોગ્ય છે?’

૯. ગીતશાસ્ત્ર ૭૩ના લેખકે શું અનુભવ્યું?

યહોવાહના એક ભક્તને સવાલ થયો હતો કે તેમણે લીધેલો નિર્ણય યોગ્ય હતો કે કેમ. તે કદાચ આસાફના વંશમાંથી હતા અને ઈશ્વરની પ્રેરણાથી ગીતશાસ્ત્ર ૭૩ લખ્યું હતું. તેમણે એ ભજનમાં પૂછ્યું કે દુષ્ટ લોકો કેમ મોટે ભાગે સફળ થાય છે. તેઓ કેમ સુખી અને પૈસાદાર થાય છે. જ્યારે કે દિલથી ઈશ્વરને ભજે છે તેમના પર કેમ કસોટીઓ અને દુઃખ-તકલીફો આવે છે.—ગીતશાસ્ત્ર ૭૩:૧-૧૩ વાંચો.

૧૦. ગીતશાસ્ત્ર ૭૩ લખનારને જે સવાલ થયો એનો તમારે કેમ વિચાર કરવો જોઈએ?

૧૦ શું તમને પણ એ લેખક જેવો સવાલ થયો છે? જો એમ હોય તો, ‘મારી શ્રદ્ધા નબળી પડી રહી છે’ એમ વિચારીને પોતાને દોષિત ઠરાવશો નહિ. હકીકતમાં યહોવાહના અનેક ભક્તોને એવો સવાલ થયો હતો. જેઓ પાસે યહોવાહે બાઇબલ લખાવ્યું તેઓને પણ એવો સવાલ થયો હતો. (અયૂ. ૨૧:૭-૧૩; ગીત. ૩૭:૧; યિર્મે. ૧૨:૧; હબા. ૧:૧-૪, ૧૩) એટલે જે કોઈ યહોવાહની ભક્તિ કરવા ચાહે છે તેમણે આ સવાલ પર જરૂર વિચાર કરવો જોઈએ, જે જવાબ મળે એને રાજીખુશીથી સ્વીકારવો જોઈએ: શું યહોવાહની ભક્તિ કરવી અને તેમના માર્ગે ચાલવું સૌથી સારો નિર્ણય છે? શેતાને પણ એદન બાગમાં એને લગતો જ સવાલ ઉઠાવ્યો હતો. તેનો સવાલ હતો કે ઈશ્વર બધાના ભલા માટે રાજ કરી શકે છે કે કેમ. (ઉત. ૩:૪, ૫) એટલે ગીતશાસ્ત્ર ૭૩ લખનારને જે સવાલ થયો એનો આપણે દરેકે વિચાર કરવો જોઈએ. દુષ્ટ લોકો પોતાની સફળતા વિષે બડાઈ મારે ત્યારે શું આપણે મનમાં બળવું જોઈએ? શું યહોવાહની ભક્તિ છોડીને આપણે પણ તેઓના પગલે ચાલવું જોઈએ? શેતાન ચાહે છે કે આપણે એવું જ કરીએ.

૧૧, ૧૨. (ક) ગીતશાસ્ત્ર ૭૩ના લેખકને કઈ રીતે તેમના સવાલનો જવાબ મળ્યો અને એમાંથી આપણે શું શીખી શકીએ? (ખ) ગીતશાસ્ત્રના લેખકની જેમ ખરા નિર્ણય પર આવવા તમને શામાંથી મદદ મળી છે?

૧૧ ગીતશાસ્ત્ર ૭૩ના લેખકને થયેલા સવાલનો જવાબ મેળવવા ક્યાંથી મદદ મળી? તે “ઈશ્વરના પવિત્રસ્થાનમાં” કે મંદિરમાં જઈને બીજા ભક્તો સાથે સંગત માણવા લાગ્યા ત્યારે એનો જવાબ મળ્યો. તેમણે સ્વીકાર્યું કે પોતે ન્યાયીપણાના માર્ગમાંથી ફંટાઈ જવાની અણી પર હતા. પણ યહોવાહના બીજા ભક્તોની સંગતથી તે ભાનમાં આવ્યા. સાથે સાથે ઈશ્વરના મકસદ પર મનન કરવાથી તેમના વિચારોમાં સુધારો થયો. ત્યારે તેમને સમજણ પડી કે દુષ્ટો તો ‘લપસણા માર્ગ’ પર છે, તેઓની જેમ મારે એનાં ફળ ભોગવવા નથી. તે એ પણ જોઈ શક્યા કે જેઓ વંઠી જઈને યહોવાહને છોડી દે છે તેઓનો ‘એક ક્ષણમાં નાશ થશે.’ પણ યહોવાહ પોતાના ભક્તોની સંભાળ રાખશે. (ગીતશાસ્ત્ર ૭૩:૧૬-૧૯, ૨૭, ૨૮ વાંચો.) તમે પણ જીવનમાં એવો પુરાવો જરૂર જોયો હશે. આજે ઘણાને ઈશ્વરના નિયમો બાજુ પર મૂકીને મન ફાવે એમ જીવવાનું વધારે પસંદ છે. પણ એ ભૂલવું ન જોઈએ કે તેઓ જેવું વાવશે એવું જ લણશે.—ગલા. ૬:૭-૯.

૧૨ આ લેખકના અનુભવમાંથી આપણે બીજું શું શીખી શકીએ? યહોવાહના લોકો સાથે સંગત રાખવાથી તેમને ઈશ્વરનું જ્ઞાન મળ્યું, અને ખોટાં કામોમાં ન ફસાવા રક્ષણ મળ્યું. યહોવાહની ભક્તિ કરવા મંદિરે ગયા ત્યારે તેમને ખરી સમજણ મળી. એનાથી તે ખરું-ખોટું પારખી શક્યા. એ જ રીતે આજે પણ સભામાં જવાથી યહોવાહનું જ્ઞાન મળે છે અને તેમના માર્ગે ચાલતા ભાઈઓ પાસેથી સારી સલાહ મળે છે. યહોવાહ આપણા જ ભલા માટે સભામાં આવવાનું કહે છે. ત્યાં જ તેમના માર્ગે ચાલતા રહેવા આપણને ખાસ ઉત્તેજન મળે છે.—યશા. ૩૨:૧, ૨; હેબ્રી ૧૦:૨૪, ૨૫.

સમજી-વિચારીને મિત્રો પસંદ કરો

૧૩-૧૫. (ક) દીનાહને કેવો અનુભવ થયો? એ શું બતાવે છે? (ખ) યહોવાહના ભક્તોની સંગત રાખવાથી કઈ રીતે આપણું રક્ષણ થાય છે?

૧૩ દુન્યવી લોકો સાથે સંગત રાખવાથી યાકૂબની દીકરી દીનાહ પર મોટી તકલીફ આવી પડી હતી. ઉત્પત્તિનો અહેવાલ બતાવે છે કે યાકૂબનું કુટુંબ જ્યાં રહેતું હતું એની બાજુમાં કનાની લોકો રહેતા હતા. તેઓની છોકરીઓ સાથે દીનાહ સંગત રાખતી હતી. યહોવાહના ભક્તોના નૈતિક ધોરણો ઊંચા હતા, જ્યારે કે કનાની લોકોના ધોરણો સાવ કથળી ગયા હતા. પુરાતત્ત્વશાત્રીઓએ જે શોધી કાઢ્યું એનાથી જોવા મળે છે કે કનાન દેશ મૂર્તિપૂજા, વ્યભિચાર અને હિંસાથી ભરેલો હતો. ત્યાંના લોકો ભક્તિમાં ધૃણાથી ભરેલાં અનૈતિક કામોમાં મશગૂલ હતા. (નિર્ગ. ૨૩:૨૩; લેવી. ૧૮:૨-૨૫; પુન. ૧૮:૯-૧૨) તેઓની સંગતથી છેવટે દીનાહ સાથે શું થયું એનો વિચાર કરો.

૧૪ શેખેમ નામનો કનાની જુવાન “તેના બાપના ઘરમાં સર્વ કરતાં માનીતો હતો.” તેણે દીનાહને જોઈ અને “તેની સાથે સૂઈને તેની આબરૂ લીધી.” (ઉત. ૩૪:૧, ૨, ૧૯) કેવો કરૂણ અંજામ! શું દીનાહે કદી એવો વિચાર કર્યો હશે કે તેની સાથે આવું કંઈક બનશે? તમને શું લાગે છે? કદાચ દીનાહને મન ત્યાંના યુવાનો કોઈ ખતરો ન હતા. તે તેઓને ફક્ત મિત્ર બનાવવા ઇચ્છતી હશે. ભલે ગમે એ હોય, પણ દીનાહ છેતરાઈ ગઈ.

૧૫ આ અહેવાલમાંથી આપણને શું શીખવા મળે છે? દુન્યવી લોકો સાથે વધારે સંગત રાખીશું તો, એનું પરિણામ પણ ભોગવવું પડશે. બાઇબલ કહે છે કે “દુષ્ટ સોબત સદાચરણને બગાડે છે.” (૧ કોરીં. ૧૫:૩૩) બીજી તરફ, યહોવાહના ઊંચા સંસ્કાર પ્રમાણે જીવતા ભક્તો સાથે સમય પસાર કરીશું તો આપણું રક્ષણ થશે. તેઓની સંગત રાખવાથી યહોવાહને જ વળગી રહેવા આપણને ઉત્તેજન મળશે.—નીતિ. ૧૩:૨૦.

‘તમને શુદ્ધ કરવામાં આવ્યા છે’

૧૬. કોરીંથ મંડળના અમુક ભાઈ-બહેનો વિષે પ્રેરિત પાઊલે શું કહ્યું?

૧૬ યહોવાહના મંડળોએ ઘણા લોકોને ખરાબ કામોથી દૂર થવા મદદ કરી છે. પ્રેરિત પાઊલે કોરીંથ મંડળને લખેલા પહેલા પત્રમાં જણાવ્યું કે યહોવાહના ધોરણો પ્રમાણે જીવવા એ મંડળમાં અમુકે ઘણો સુધારો કર્યો છે. ખ્રિસ્તી બન્યા પહેલાં તેઓમાંથી અમુક તો વ્યભિચારી, મૂર્તિપૂજક, પુરુષ-પુરુષ સાથે જાતીય સંબંધ બાંધનારા, ચોર અને દારૂડિયા હતા. પાઊલે તેઓને કહ્યું કે તમને “શુદ્ધ” કરવામાં આવ્યા છે.—૧ કોરીંથી ૬:૯-૧૧ વાંચો.

૧૭. બાઇબલના ધોરણો પ્રમાણે જીવવાથી ઘણા લોકોમાં કેવો ફેરફાર થયો?

૧૭ જેઓ યહોવાહને ભજતા નથી, તેઓ તેમનાં ધોરણો જાણતા નથી. તેઓ કોરીંથના લોકો જેવા છે, જેઓ ખ્રિસ્તી બન્યા પહેલાં ખરાબ કામોમાં લાગુ રહેતા હતા. તેઓ મન ફાવે એમ જીવે છે કે પછી ધીમે ધીમે પાપી લોકોની જેમ જીવવા લાગે છે. (એફે. ૪:૧૪) પરંતુ જેઓ બાઇબલમાંથી યહોવાહ અને તેમના મકસદ વિષે શીખે છે, એને જીવનમાં ઉતારે છે તેઓમાં ઘણો સુધારો થાય છે. (કોલો. ૩:૫-૧૦; હેબ્રી ૪:૧૨) આજે મંડળમાં ઘણા ભાઈ-બહેનો તમને કહેશે કે યહોવાહનું શિક્ષણ લીધા પહેલાં તેઓ પણ મન ફાવે એમ જીવતા હતા. એમ પણ કબૂલ કરશે કે એનાથી તેઓ સુખી ન હતા. પણ તેઓ બાઇબલના સિદ્ધાંતો પ્રમાણે જીવવા લાગ્યા અને યહોવાહના લોકોની સંગતમાં આવ્યા ત્યારે જ તેઓને ખરી શાંતિ મળી.

૧૮. એક બહેને શું અનુભવ્યું અને એનાથી શું સાબિત થાય છે?

૧૮ યહોવાહનું મંડળ ‘સલામત પાણી’ જેવું છે. અમુક લોકો એ છોડીને બહાર ગયા હતા. એ માટે તેઓ હવે પસ્તાય છે. એક બહેનનો અનુભવ જોઈએ. તેને આપણે તાનિયા કહીશું. તે કહે છે: ‘હું નાનપણથી મંડળમાં જતી હતી અને સત્ય જાણતી હતી.’ પણ તે સોળ વર્ષની થઈ ત્યારે મંડળમાં જવાનું બંધ કર્યું અને ‘દુનિયાના મોજશોખ પાછળ પડી ગઈ.’ સ્વચ્છંદી જીવન જીવતી હોવાથી તે ગર્ભવતી થઈ. તેણે ગર્ભપાત કરાવવો પડ્યો. તે હવે કહે છે: ‘મંડળ છોડ્યા પછી ત્રણ વર્ષ સુધી હું પાછી ન આવી. એ સમયમાં જે બન્યું એનાથી મારી લાગણીઓ પર ઊંડા જખમો રહી ગયા છે જે જતા જ નથી. એક વાત મને હજી કોરી ખાય છે કે કૂખમાં રહેલાં બાળકને મેં મારી નાખ્યું. જે યુવાનો થોડી વાર માટે દુનિયાને ચાખવા, અનુભવવા ચાહે છે તેઓ સર્વને હું અરજ કરું છું: “એવું કરશો નહિ!” શરૂ શરૂમાં દુનિયા કદાચ મીઠ્ઠી લાગશે, પણ પછીથી એ ઝેર જેવી લાગશે. દુનિયા પાસે સુખ નહિ પણ દુઃખ, દુઃખ ને દુઃખ જ છે. મને ખબર છે કેમ કે મેં એનો અનુભવ કર્યો છે. યહોવાહનું સંગઠન છોડશો નહિ! તેમના માર્ગે ચાલવામાં જ ખરી સુખ-શાંતિ મળે છે.’

૧૯, ૨૦. મંડળમાં કેવું રક્ષણ મળે છે અને કેવી રીતે?

૧૯ મંડળનું રક્ષણ છોડીને બહાર જાવ તો તમારું શું થઈ શકે એનો જરા વિચાર કરો. ઘણા ભાઈ-બહેનો યહોવાહના ભક્ત બન્યા પહેલાં ખોટા માર્ગે ચાલતા હતા. પણ હવે એનો વિચાર કરવાથી જ તેઓ કંપી જાય છે. (યોહા. ૬:૬૮, ૬૯) શેતાનની દુનિયામાં રક્ષણ કે સલામતી જેવું કંઈ જ નથી. શેતાન પાસેથી દુઃખ જ મળે છે. જ્યારે કે યહોવાહના મંડળમાં ભાઈ-બહેનો પાસેથી ખરું રક્ષણ, ખરી શાંતિ મળે છે. મંડળમાં ભાઈ-બહેનની સંગત રાખવાથી અને નિયમિત સભામાં જવાથી તમને યહોવાહના ન્યાયી ધોરણો વારંવાર યાદ કરાવવામાં આવશે. એ પ્રમાણે જીવવા તમને ઉત્તેજન મળશે. ગીતશાસ્ત્ર ૩૫ના લેખકની જેમ ‘મહા મંડળીમાં યહોવાહની ઉપકારસ્તુતિ કરવા’ તમારી પાસે પણ અનેક કારણો છે.—ગીત. ૩૫:૧૮.

૨૦ ખરું કે મંડળના ભાઈ-બહેનોને કોઈ કારણને લીધે યહોવાહને વળગી રહેવું ક્યારેક ખૂબ જ અઘરું લાગે છે. આવા સમયે તેઓને ફક્ત સાચો માર્ગ બતાવનાર કોઈની જરૂર હોય છે. તમે અને આખું મંડળ તેઓને કેવી રીતે મદદ કરી શકો? હવે પછીનો લેખ જણાવશે કે તમે કઈ રીતે તેઓને ‘ઉત્તેજન આપીને વૃદ્ધિ પામે તે માટે મદદ’ કરી શકો.—૧ થેસ્સા. ૫:૧૧, IBSI. (w10-E 06/15)

તમે કેવો જવાબ આપશો?

• ગીતશાસ્ત્ર ૭૩ના લેખકના અનુભવમાંથી આપણે શું શીખ્યા?

• દીનાહના અનુભવમાંથી આપણે શું શીખ્યા?

• મંડળમાં જ કેમ ખરું રક્ષણ મળે છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૧ પર ચિત્રનું મથાળું]

સલામત પાણીમાં જ તરીએ, મંડળમાં જ રહીએ!