સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહની ભક્તિમાં તાજગી મેળવીએ

યહોવાહની ભક્તિમાં તાજગી મેળવીએ

યહોવાહની ભક્તિમાં તાજગી મેળવીએ

‘મારી ઝૂંસરી તમે પોતા પર લો અને તમે વિસામો પામશો.’—માથ. ૧૧:૨૯.

૧. સિનાઈ પર્વત પર ઈશ્વરે કઈ ગોઠવણ વિષે જણાવ્યું અને શા માટે?

 સિનાઈ પર્વત પર મુસાને નિયમો આપ્યા ત્યારે, યહોવાહે દર અઠવાડિયે સાબ્બાથ પાળવાની ગોઠવણ વિષે પણ જણાવ્યું હતું. એમાં તેમણે ઈસ્રાએલીઓને આ નિયમ આપ્યો: “છ દિવસ તું તારૂં કામ કર, ને સાતમે દિવસે વિશ્રામ લે; કે તારા બળદને તથા તારા ગધેડાને વિસામો મળે, ને તારી દાસીનો દીકરો તથા પરદેશી વિશ્રામ લે.” (નિર્ગ. ૨૩:૧૨) પોતાના લોકો આરામ લઈને તાજગી મેળવે એ માટે યહોવાહે એક દિવસ ‘વિશ્રામ લેવાની’ આ પ્રેમાળ ગોઠવણ કરી હતી.

૨. સાબ્બાથ પાળવાથી ઈસ્રાએલીઓને શું ફાયદો થયો?

શું સાબ્બાથનો દિવસ ફક્ત આરામ લેવા માટે હતો? ના. ઈસ્રાએલીઓ માટે તો એ દિવસ યહોવાહની ભક્તિમાં મહત્ત્વનો હતો. સાબ્બાથની ગોઠવણથી ઘરના વડીલ પોતાના કુટુંબને ‘ન્યાયીપણું કરવા માટે યહોવાહનો માર્ગ પાળવાનું’ શીખવી શકતા. (ઉત. ૧૮:૧૯) એ દિવસે કુટુંબના બધા સભ્યો અને મિત્રો ભેગા મળીને યહોવાહના કાર્યો પર વિચાર કરતા. તેમ જ એકબીજાની સંગતનો આનંદ માણતા. (યશા. ૫૮:૧૩, ૧૪) સૌથી મહત્ત્વનું તો સાબ્બાથનો દિવસ ભાવિમાં ઈસુ ખ્રિસ્તના હજાર વર્ષના રાજને દર્શાવતો હતો, જ્યાં ખરા અર્થમાં બધાને તાજગી મળશે. (રૂમી ૮:૨૧) પણ આપણા દિવસો વિષે શું? આજે ઈશ્વરના માર્ગે ચાલતા ઈસુના શિષ્યો ક્યાંથી અને કેવી રીતે તાજગી મેળવી શકે?

મંડળના ભાઈ-બહેનોની સંગતથી તાજગી પામીએ

૩. પહેલી સદીના ખ્રિસ્તીઓએ કઈ રીતે એકબીજાને સાથ આપ્યો? એનું શું પરિણામ આવ્યું?

પ્રેરિત પાઊલે ખ્રિસ્તી મંડળનું “સત્યનો સ્તંભ તથા પાયો” તરીકે વર્ણન કર્યું. (૧ તીમો. ૩:૧૫) પહેલી સદીના ખ્રિસ્તીઓ એકબીજાને ખૂબ ઉત્તેજન આપતા અને પ્રેમથી દૃઢ કરતા. એનાથી તેઓને ખૂબ સહારો મળતો. (એફે. ૪:૧૧, ૧૨, ૧૬) પાઊલ એફેસસમાં હતા ત્યારે કોરીંથ મંડળના અમુક સભ્યો તેમને મળવા ગયા. એ મુલાકાતથી પાઊલને ઘણું ઉત્તેજન મળ્યું. એ વિષે તેમણે કહ્યું: ‘સ્તેફાનસ, ફોતુનાતસ તથા અખાઈકસના આવવાથી હું આનંદ પામું છું. કેમ કે તેઓએ મને ઘણું ઉત્તેજન આપ્યું છે.’ (૧ કોરીં. ૧૬:૧૭, ૧૮) તીતસ પણ કોરીંથ મંડળમાં સેવા આપવા ગયા હતા ત્યારે તેમને ખૂબ ઉત્તેજન મળ્યું. પાઊલે એ મંડળને પત્રમાં લખ્યું કે ‘તમો સઘળાથી તે ખૂબ વિસામો’ કે તાજગી પામ્યો છે. (૨ કોરીં. ૭:૧૩) એવી જ રીતે આજે પણ યહોવાહના સાક્ષીઓ મંડળના બીજા ભાઈ-બહેનો તરફથી ઉત્તેજન અને તાજગી પામે છે.

૪. મંડળની સભાઓ આપણને કઈ રીતે તાજગી આપે છે?

તમે પણ ચોક્કસ અનુભવ્યું હશે કે મંડળની સભાઓમાં ખૂબ આનંદ મળે છે. ત્યાં આપણને ‘અરસપરસ એકબીજાના વિશ્વાસથી દિલાસો’ અને ઉત્તેજન મળે છે. (રૂમી ૧:૧૨) મંડળના આપણા ભાઈ-બહેનો કંઈ નામ પૂરતા જ નથી, કે જેમની સાથે ઉપરછલ્લો સંબંધ હોય. તેઓ તો આપણા ખરા મિત્રો છે. તેઓ માટે આપણને આદર ને પ્રેમ છે. સભાઓમાં નિયમિત રીતે તેઓ સાથે ભેગા મળવાથી આપણને ખૂબ જ આનંદ અને દિલાસો મળે છે.—ફિલે. ૭.

૫. નાનાં-મોટાં સંમેલનોમાં આપણે કઈ રીતે એકબીજાને તાજગી આપી શકીએ?

દર વર્ષે યોજાતા આપણા નાનાં-મોટાં સંમેલનોમાંથી પણ આપણને ઘણી તાજગી મળે છે. આવા સંમેલનોમાં બાઇબલમાંથી જીવન આપતું સત્યનું પાણી તો મળે જ છે, સાથે સાથે બીજા ભાઈ-બહેનોની સંગતથી ‘ખુલ્લા હૃદયના થવા’ પણ મોકો મળે છે. (૨ કોરીં. ૬:૧૨, ૧૩, IBSI) પણ જો આપણે શરમાળ હોઈએ અને બીજાઓને મળવું અઘરું લાગતું હોય તો શું? ભાઈબહેનો સાથે હળવા-મળવાની એક રીત છે, કે આપણે સંમેલનોમાં કોઈ પણ રીતે મદદ કરીએ. આપણી એક બહેને આંતરરાષ્ટ્રીય સંમેલનમાં બીજા દેશોથી આવેલા ભાઈબહેનોને મદદ કરવામાં ભાગ લીધો. સફાઈકામમાં પણ જોડાઈ. તે જણાવે છે: “હું મારા કુટુંબીજનો અને મિત્રો સિવાય બીજા કોઈને ઓળખતી ન હતી. પણ સંમેલનમાં સફાઈકામમાં ભાગ લીધો ત્યારે, હું ઘણા ભાઈબહેનોને મળી! તેઓ સાથે કામ કરવાની ખૂબ મઝા આવી.”

૬. કંઈક ફરવા જતા હોવ ત્યારે ખરો આનંદ મેળવવા તમે શું કરી શકો?

ઈસ્રાએલીઓ દર વર્ષે ત્રણ વાર તહેવારો ઉજવવા યરૂશાલેમની મુસાફરી કરતા હતા. (નિર્ગ. ૩૪:૨૩) એનો અર્થ એ થતો કે તેઓ પોતાનાં ખેતરો અને દુકાનો છોડીને ઘણાં દિવસો સુધી ધૂળિયા રસ્તે ચાલીને મુસાફરી કરતા. યરૂશાલેમ મંદિરે પહોંચ્યા પછી, બીજા અનેક લોકોને ‘યહોવાહની સ્તુતિ કરતા’ જોઈને તેઓના આનંદનો પાર ન રહેતો. (૨ કાળ. ૩૦:૨૧) એ જ રીતે આજે પણ યહોવાહના ઘણા ભક્તો પોતાના કુટુંબ સાથે નજીકના બેથેલની મુલાકાત લે છે ત્યારે તેઓને ઘણો આનંદ થાય છે. કંઈક ફરવા જતા હો ત્યારે શું તમે બેથેલની પણ મુલાકાત ગોઠવી શકો?

૭. (ક) કુટુંબ અને મિત્રો સાથે ભેગા મળીને આનંદ માણવાથી કયો ફાયદો થાય છે? (ખ) શું કરવાથી એ યાદગાર પ્રસંગ બની શકે?

કુટુંબ અને મિત્રો સાથે ભેગા મળીને આનંદ માણવાથી પણ એટલી જ મજા આવે છે. બુદ્ધિશાળી રાજા સુલેમાને લખ્યું: “ખાવું, પીવું તથા પોતાના કામમાં પોતાના જીવને મોજ કરાવવી, એ કરતાં માણસને માટે બીજું કશું શ્રેષ્ઠ નથી.” (સભા. ૨:૨૪) આવી ગોઠવણ કરવાથી તાજગી મળે છે. એટલું જ નહિ, આપણા સાથી ભાઈ-બહેનોને વધારે સારી રીતે ઓળખવાથી એકબીજા માટેનો પ્રેમ મજબૂત થાય છે. આવા પ્રસંગને યાદગાર અને ઉત્તેજન આપનાર બનાવવા માટે શું કરવું જોઈએ? એક તો, થોડા લોકોને બોલાવીએ. બીજું, એની સારી દેખભાળ રાખવામાં આવે એનું ધ્યાન રાખીએ. ખાસ કરીને તમે શરાબ પીરસવાના હોવ ત્યારે એ બહુ જરૂરી છે. *

સંદેશો જણાવવાથી તાજગી મળે છે

૮, ૯. (ક) ધર્મગુરુઓએ લાદેલા નિયમો અને ઈસુના સંદેશામાં શું ફરક હતો? (ખ) બીજાઓને બાઇબલ સત્ય જણાવવાથી આપણને શું લાભ થાય છે?

ઈશ્વરના રાજ્યનો સંદેશો જણાવવામાં ઈસુ બહુ ઉત્સાહી હતા. તેમણે શિષ્યોને પણ ઉત્સાહી બનવા ઉત્તેજન આપ્યું. એની સાબિતી તેમના આ શબ્દો પરથી જોવા મળે છે: ‘ફસલ પુષ્કળ છે ખરી, પણ મજૂરો થોડા છે. એ માટે તમે ફસલના ધણીને પ્રાર્થના કરો, કે તે પોતાની ફસલને માટે મજૂરો મોકલે.’ (માથ. ૯:૩૭, ૩૮) ઈસુએ જે સંદેશો આપ્યો એ તાજગીદાયક હતો. એ સંદેશો “સુવાર્તા” કે ખુશખબર હતી. (માત્થી ૪:૨૩; ૨૪:૧૪) ઈસુનો સંદેશો લોકોને તાજગી આપતો. જ્યારે કે યહુદી ધર્મગુરુઓએ લાદેલા નિયમો લોકો માટે બોજરૂપ હતા.—માત્થી ૨૩:૪, ૨૩, ૨૪ વાંચો.

લોકોને આપણે રાજ્યનો સંદેશો જણાવીએ છીએ ત્યારે ઈશ્વરના જ્ઞાનની તેઓની તરસ છીપાવીએ છીએ. સાથે સાથે બાઇબલની આપણી સમજણ વધે છે અને એના અનમોલ સત્ય માટે કદર પણ વધે છે. એક ગીતના લેખકે જે કહ્યું એ કેટલું સાચું છે: ‘યહોવાહની સ્તુતિ કરો, કેમ કે આપણા ઈશ્વરનાં સ્તોત્ર ગાવાં એ સારું છે.’ (ગીત. ૧૪૭:૧) બીજાઓને ઈશ્વરનો સંદેશો જણાવવાથી જે ખુશી મળે છે એમાં શું તમે વધારો કરી શકો?

૧૦. સમજાવો કે પ્રચારમાં આપણી સફળતા શાના પરથી મપાતી નથી.

૧૦ ખરું કે અમુક વિસ્તારોમાં લોકો આપણો સંદેશો સારી રીતે સાંભળશે, જ્યારે કે બીજા વિસ્તારમાં લોકો બહુ ધ્યાન નહિ આપે. (પ્રેરિતોનાં કૃત્યો ૧૮:૧, ૫-૮ વાંચો.) જો તમે એવા વિસ્તારમાં રહેતા હોવ જ્યાં લોકો બહુ સાંભળતા નથી તો હિંમત ન હારો. તમારા પ્રચારકામ પર જ ધ્યાન આપો, એ યહોવાહની નજરમાં અનમોલ છે. યાદ રાખો કે યહોવાહનું નામ જણાવવા તમે જે સતત પ્રયત્ન કરો છો એ નકામા નહિ જાય. (૧ કોરીં. ૧૫:૫૮) વધુમાં, પ્રચારમાં લોકો સાંભળે કે ન સાંભળે એના પરથી આપણી સફળતા મપાતી નથી. આપણે ખાતરી રાખીએ કે નમ્ર દિલના લોકોને સંદેશો સાંભળવાની તક મળે એનો યહોવાહ પૂરો ખ્યાલ રાખશે.—યોહા. ૬:૪૪.

કુટુંબ તરીકે ભક્તિ કરવાથી મળતી તાજગી

૧૧. યહોવાહે માતા-પિતાને કઈ જવાબદારી સોંપી છે, અને તેઓ એ કઈ રીતે પૂરી કરી શકે?

૧૧ યહોવાહની ભક્તિ કરતા માબાપોની જવાબદારી છે કે તેઓ પોતાનાં બાળકોને ઈશ્વર અને તેમના માર્ગો વિષે શીખવે. (પુન. ૧૧:૧૮, ૧૯) જો તમને બાળકો હોય તો શું તમે તેઓને પ્રેમાળ પિતા યહોવાહ વિષે શીખવવા યોગ્ય સમય નક્કી કર્યો છે? તમારી આ મહત્ત્વની જવાબદારી પૂરી કરવા અને કુટુંબની સંભાળ રાખવા યહોવાહ ઘણી મદદ પૂરી પાડે છે. તેમણે અઢળક પ્રમાણમાં મૅગેઝિન, પુસ્તકો, વિડીયો અને ઑડિયો રેકૉર્ડિંગ આપ્યાં છે જેથી આપણે તેમનું જ્ઞાન લઈ શકીએ.

૧૨, ૧૩. (ક) કુટુંબ તરીકે ભક્તિ કરવા એક સાંજની ગોઠવણનો બધા કેવો લાભ ઉઠાવી શકે? (ખ) કુટુંબ તરીકે ભક્તિ કરવામાં બધાને તાજગી મળે એ માટે માબાપો શું કરી શકે?

૧૨ એ ઉપરાંત, વિશ્વાસુ અને શાણા ચાકરે આપણા માટે એક સુંદર ગોઠવણ કરી છે. એમાં દર અઠવાડિયે એક સાંજે આપણે કુટુંબ તરીકે ભક્તિ કરવા ભેગા મળીએ છીએ અને બાઇબલનો અભ્યાસ કરીએ છીએ. ઘણાંએ અનુભવ્યું છે કે આ ગોઠવણથી કુટુંબમાં પ્રેમ વધ્યો છે અને યહોવાહ સાથેનો સંબંધ પણ ગાઢ બન્યો છે. કુટુંબમાં બધાને એ ભક્તિથી તાજગી મળે એ માટે માતા-પિતા શું કરી શકે?

૧૩ કુટુંબ તરીકે ભક્તિ કરીએ ત્યારે એ કંટાળાજનક અને ખૂબ જ ગંભીર ન હોવી જોઈએ. આપણા ઈશ્વર યહોવાહ આનંદથી ભરપૂર છે. તે ઇચ્છે છે કે આપણે રાજી ખુશીથી તેમની ભક્તિ કરીએ. (ફિલિ. ૪:૪) આપણને ભક્તિ માટે હવે એક વધારાની સાંજ મળી છે. એ સમયે બાઇબલમાંથી હીરા-મોતી જેવાં વિચારો પર ચર્ચા કરવી એ સાચે જ એક આશીર્વાદ છે. એ સાંજે માતા-પિતા પોતાનાં બાળકોને એક જ ઢબથી શીખવવાને બદલે એમાં કંઈક નવીનતા લાવી શકે. તેઓ અલગ અલગ રીતો વાપરી શકે. એક કુટુંબનો દાખલો લો, જેમાં દસ વર્ષનો બ્રાન્ડોન છે. તેને સાપ બહુ ગમે. પણ જ્યારે ખબર પડી કે બાઇબલમાં સાપને શેતાન સાથે સરખાવ્યો છે, ત્યારે તેને એ ગમ્યું નહિ. એ ધ્યાનમાં લઈને બ્રાન્ડોનના માબાપે તેને આ વિષય પર સંશોધન કરવા જણાવ્યું: “બાઇબલમાં શા માટે શેતાનને સર્પ કહેવામાં આવ્યો છે?” પછી એ વિષે માહિતી રજૂ કરવા કહ્યું. અમુક કુટુંબો કોઈ કોઈ વાર બાઇબલના વિષય પર નાટક ભજવે છે. જેમ કે, બાઇબલ વાંચનમાં કુટુંબનું દરેક જણ અલગ અલગ પાત્રનો ભાગ વાંચે, અથવા એને નાટકની જેમ ભજવી બતાવે. આવી રીતોએ શીખવવાથી મઝા તો આવશે જ, સાથે સાથે બાળકો ભક્તિમાં દિલથી ભાગ લઈ શકશે, બાઇબલના સિદ્ધાંતો તેઓના દિલમાં ઊતરી જશે. *

ભક્તિમાં ઠંડા પાડી દેતા મોજશોખ ટાળીએ

૧૪, ૧૫. (ક) આ છેલ્લા દિવસોમાં કઈ રીતે તણાવ અને અસલામતી વધ્યા છે? (ખ) આપણા પર શાના લીધે વધારે દબાણ આવી શકે?

૧૪ આ દુષ્ટ જગતના છેલ્લા દિવસોમાં જીવનમાં અસલામતી અને તણાવ વધતા જ જાય છે. બેકારી અને મંદીની કરોડો લોકો પર ખરાબ અસર થઈ છે. નોકરી છે તેઓની આવક કરતાં જાવક વધારે હોવાથી કુટુંબનું ભરણપોષણ કરવામાં ફાંફાં પડે છે. (વધુ માહિતી: હાગ્ગાય ૧:૪-૬) રાજકારણીઓ અને બીજા આગેવાનો પણ કંઈ કરી શકતા નથી, કેમ કે તેઓ આતંકવાદ અને બીજી બૂરી બાબતોને દૂર કરવા મથી રહ્યા છે. ઘણા લોકો તો પોતાની નબળાઈને લીધે નિરાશ થઈ ગયા છે.—ગીત. ૩૮:૪.

૧૫ શેતાનની આ દુનિયામાં યહોવાહના ભક્તો પર પણ આવી મુશ્કેલીઓ ને દબાણો આવે છે. (૧ યોહા. ૫:૧૯) યહોવાહને વળગી રહેતા હોવાથી અમુક કિસ્સામાં તેઓએ વધારે તણાવ અનુભવવો પડે છે. એનું કારણ આપતા ઈસુએ કહ્યું હતું: ‘જો તેઓ મારી પાછળ પડ્યા, તો તેઓ તમારી પાછળ પણ પડશે.’ (યોહા. ૧૫:૨૦) તોપણ એ જાણીને આપણને હિંમત મળે છે કે સતાવણી થાય તોય આપણને ‘તજી દેવામાં આવ્યા નથી.’ (૨ કોરીં. ૪:૯) કઈ રીતે આપણે તજાયેલા નથી?

૧૬. આપણો આનંદ જાળવી રાખવા શું મદદ કરી શકે?

૧૬ ઈસુએ કહ્યું: “ઓ વૈતરૂં કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાસે આવો, ને હું તમને વિસામો આપીશ.” (માથ. ૧૧:૨૮) ઈસુના બલિદાનમાં પૂરો ભરોસો મૂકવાથી આપણે જાણે પોતાને યહોવાહના હાથમાં સોંપીએ છીએ. આ રીતે આપણને તેમની પાસેથી “પરાક્રમની અધિકતા” એટલે કે અપાર શક્તિ મળે છે. (૨ કોરીં. ૪:૭) યહોવાહની શક્તિ આપણી શ્રદ્ધાને એટલી તો દૃઢ કરે છે કે આપણે ગમે એવી મુશ્કેલી કે સતાવણી સહી શકીએ છીએ. એટલું જ નહિ, એનાથી યહોવાહની ભક્તિમાં આપણો આનંદ જાળવી શકીએ છીએ.—યોહા. ૧૪:૨૬; યાકૂ. ૧:૨-૪.

૧૭, ૧૮. (ક) આપણે કેવા વલણથી સાવચેત રહેવું જોઈએ? (ખ) મોજશોખમાં ડૂબી જઈશું તો શું પરિણામ આવશે?

૧૭ દુનિયા આજે મોજશોખ પાછળ ગાંડી છે. તેથી આપણે દરેકે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે દુનિયાના વલણની આપણા પર અસર ન પડે. (એફેસી ૨:૨-૫ વાંચો.) નહિ તો આપણે ‘દૈહિક વાસના તથા આંખોની લાલસા તથા જીવનના અહંકારʼમાં ફસાઈ જઈશું. (૧ યોહા. ૨:૧૬) અથવા આપણે ભૂલથી એવું માનવા લાગીશું કે દૈહિક વાસનાઓ પૂરી કરવાથી તાજગી મળે છે. (રૂમી ૮:૬) દાખલા તરીકે, અમુક લોકો ઉત્તેજના કે નશો માણવા ડ્રગ્સ અને દારૂના બંધાણી બની ગયા છે. કે પછી જીવ જોખમમાં મૂકતી રમતો, પોર્નોગ્રાફી અથવા બીજાં ખોટા કામો તરફ વળ્યા છે. શેતાન આવી ‘કુયુક્તિઓʼથી લોકોને ગેરમાર્ગે દોરે છે. તે લોકોને એવું મનાવવા ચાહે છે કે એમાં જ ખરો આનંદ મળશે.—એફે. ૬:૧૧.

૧૮ ખરું કે હદબહાર ન જઈએ ત્યાં સુધી ખાવા-પીવામાં અને યોગ્ય મનોરંજનમાં કંઈ ખોટું નથી. પરંતુ આપણે આવી બાબતોને જીવનમાં સૌથી મહત્ત્વની બનાવતા નથી. એમાં સમતોલ રહેવું અને સંયમ રાખવો બહુ જરૂરી છે, કેમ કે આપણે કપરા સમયમાં જીવી રહ્યા છીએ. જો આપણે ધ્યાન નહિ રાખીએ તો મોજશોખમાં એટલા ડૂબી જઈશું કે ‘આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જ્ઞાન’ પ્રમાણે જીવવામાં ઠંડા પડી જઈશું. અથવા એમાં ‘નિષ્ફળ જઈશું.’—૨ પીત. ૧:૮.

૧૯, ૨૦. આપણે કઈ રીતે ખરી તાજગી મેળવી શકીએ?

૧૯ યહોવાહના ધોરણો પ્રમાણે આપણે વિચારીએ ત્યારે સમજ પડે છે, કે આ દુનિયાના ગમે એવા મોજશોખ પલ-બે-પલના છે. મુસાને પણ એનું ભાન થયું હતું. તેમની જેમ આપણે પણ એ જાણીએ છીએ. (હેબ્રી ૧૧:૨૫) હકીકત તો એ છે કે સાચી તાજગી આપણને યહોવાહ પિતાની ઇચ્છા પૂરી કરવાથી મળે છે. એનાથી આપણને એવો આનંદ ને સંતોષ મળે છે જે કાયમ માટે ટકી રહે છે.—માથ. ૫:૬.

૨૦ ચાલો આપણે યહોવાહની ભક્તિમાં તાજગી મેળવતા રહીએ. એમ કરીને આપણે ‘અધર્મ તથા વિષયવાસનાનો ત્યાગ કરીએ છીએ. એ ઘડીની રાહ જોઈએ છીએ જ્યારે આપણી આશા પૂરી થશે. તેમ જ મહાન ઈશ્વરનો મહિમા પ્રગટ થવાની તથા આપણા તારનાર ઈસુ ખ્રિસ્તનો મહિમા પ્રગટ થવાની વાટ જોઈએ છીએ.’ (તીત. ૨:૧૨, ૧૩) તો ચાલો આપણે બધા સંકલ્પ કરીએ કે ઈસુની ઝૂંસરી નીચે પોતાને રાખીશું. એટલે કે ઈસુની સત્તાને આધીન રહીશું, તેમના માર્ગદર્શન પ્રમાણે જ ચાલીશું. એમ કરવાથી આપણને જીવનમાં ખરું સુખ અને તાજગી મળશે! (w10-E 06/15)

[ફુટનોટ્‌સ]

^ નોંધ: અમુક જગ્યાએ દારૂ પીવા પર સરકારનો પ્રતિબંધ હોય છે. ઈશ્વરભક્તો આવા નિયમોને માન આપીને પાળશે.

^ કૌટુંબિક અભ્યાસને આનંદદાયક અને ઉત્તેજનભર્યો બનાવવા શું કરી શકાય એ જાણવા આ માહિતી જુઓ: આપણી રાજ્ય સેવા, ઑક્ટોબર ૨૦૦૮, પાન ૮ જુઓ.

તમે કેવો જવાબ આપશો?

• યહોવાહના ભક્તો આજે કઈ રીતે તાજગી મેળવે છે?

• પ્રચાર કરવાથી આપણને અને જેઓ સાથે વાત કરીએ એ લોકોને કઈ રીતે તાજગી મળે છે?

• કુટુંબ તરીકે ભક્તિનો બધા આનંદ માણે એ માટે ઘરના વડીલ શું કરી શકે?

• કેવા મોજશોખ આપણને યહોવાહની ભક્તિમાં ઠંડા પાડી દે છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૩૦ પર ચિત્રનું મથાળું]

ઈસુની ઝૂંસરી પોતાના પર લેવાથી આપણને અનેક રીતે તાજગી મળે છે