સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સારી વાણીથી સારા સંબંધ બંધાય છે

સારી વાણીથી સારા સંબંધ બંધાય છે

સારી વાણીથી સારા સંબંધ બંધાય છે

‘તમારું બોલવું હમેશાં કૃપાથી ભરેલું હોય.’—કોલો. ૪:૬.

૧, ૨. એક ભાઈ સારી રીતે બોલ્યા એનું શું પરિણામ આવ્યું?

 એક ભાઈ પોતાનો અનુભવ જણાવતા કહે છે: “હું ઘર ઘરના પ્રચારમાં એક માણસને મળ્યો. તે મને જોતા જ એટલો ગુસ્સે થઈ ગયો કે તેના હોઠ કાંપવા લાગ્યા, તેનું આખું શરીર ગુસ્સાથી ધ્રૂજવા લાગ્યું. હું શાંતિથી તેને બાઇબલમાંથી સમજાવવા ગયો, પણ એનાથી તો તે વધારે ગુસ્સે થઈ ગયો. તેની પત્ની અને બાળકો પણ તેની જેમ ગુસ્સે થઈને મને એલફેલ બોલવા લાગ્યા. મને લાગ્યું કે હવે અહીં વધારે રોકાવા જેવું નથી. મેં કુટુંબને પ્રેમથી જણાવ્યું કે હું આવ્યો હતો એ જ રીતે શાંતિથી ચાલ્યો જઈશ. મેં તેઓને ગલાતી ૫:૨૨ અને ૨૩ કલમો બતાવી જ્યાં પ્રેમ, માયાળુપણું, સંયમ અને શાંતિ વિષે જણાવ્યું છે. પછી હું ત્યાંથી નીકળી ગયો.

“પછી હું એ ઘરની સામેની બાજુએ બીજા ઘરોમાં પ્રચાર કરવા લાગ્યો. મેં જોયું તો જે ઘરે વિરોધ થયો હતો એ આખું કુટુંબ ઘરની બહાર પગથિયાં પર બેઠું હતું. તેઓએ મને બોલાવ્યો. મને થયું, ‘હવે તેઓ શું કરશે?’ હું ગયો ત્યારે, એ માણસે મને ઠંડા પાણીનો ગ્લાસ આપ્યો. પછી તેણે પોતાના ખરાબ વર્તાવ માટે માફી માંગી અને મારી અતૂટ શ્રદ્ધાના વખાણ કર્યા. હું ત્યાંથી ગયો ત્યારે અમારા કોઈના મનમાં કડવાશ રહી ન હતી.”

૩. કોઈ આપણા પર ગુસ્સો કરે ત્યારે કેમ ઉશ્કેરાઈ ન જવું જોઈએ?

આજે દુનિયામાં ચોમેરથી બધા પર દબાણો ને મુશ્કેલીઓ આવે છે. એટલે પ્રચારમાં કે ગમે ત્યાં લોકો ગુસ્સે થઈ જાય છે. આવા લોકોનો આપણે ઘણી વાર સામનો કરવો પડે છે. આવા લોકોને મળીએ ત્યારે, એ ખૂબ જરૂરી છે કે તેઓ સાથે ‘નમ્રતાથી’ અને માનથી વર્તીએ. (૧ પીત. ૩:૧૫) ઉપરના અનુભવમાં આપણા ભાઈ પણ ઘરમાલિકની જેમ ગુસ્સે થઈને સામે બોલ્યા હોત તો શું થયું હોત? એ માણસ પછી કદાચ નરમ થયો ન હોત. બની શકે કે તે વધારે ગુસ્સે થયો હોત. આપણા ભાઈએ ઠંડો મિજાજ રાખીને એ ઘરમાલિક સાથે પ્રેમથી વાત કરી એનું સારું પરિણામ આવ્યું.

વાણીમાં મીઠાશ લાવવા શું કરવું જોઈએ?

૪. બધા સાથે કેમ મીઠાશથી બોલવું જોઈએ?

આપણે કોઈની પણ સાથે વાત કરીએ ત્યારે પ્રેરિત પાઊલની આ સલાહ પાળવી ખૂબ મહત્ત્વનું છે: ‘તમારું બોલવું હંમેશાં કૃપાથી ભરેલું હોય.’ (કોલો. ૪:૬) મંડળમાં, કુટુંબમાં કે બહાર કોઈની પણ સાથે આપણે મીઠાશથી, સમજી વિચારીને બોલવું જોઈએ. એમ કરીશું તો બીજાઓ સાથે સારી રીતે વાતચીત કરી શકીશું. એનાથી શાંતિ જળવાઈ રહેશે.

૫. સારી વાતચીતનો શું અર્થ થતો નથી? સમજાવો.

સારી વાતચીતનો અર્થ એ નથી કે જે વિચારીએ કે અનુભવીએ એ બધું જ બોલી નાખીએ. એમાંય ખાસ તો ગુસ્સે કે નારાજ હોઈએ ત્યારે વધારે ધ્યાન રાખવું જોઈએ. બાઇબલ જણાવે છે કે પિત્તો ગુમાવવો એ નબળાઈ છે, નહિ કે બહાદુરી. (નીતિવચનો ૨૫:૨૮; ૨૯:૧૧ વાંચો.) મુસા એમના જમાનામાં ‘સર્વ લોક કરતાં નમ્ર હતા.’ એક સમયે એવું બન્યું કે ઈસ્રાએલી પ્રજા કચકચ કરવા લાગી ત્યારે મુસા ગુસ્સે થઈ ગયા અને યહોવાહને જશ આપવાનું ચૂકી ગયા. મુસાએ દિલમાં જે હતું એ કહી નાખ્યું, પણ એનાથી યહોવાહ ખુશ ન હતા. એનું શું પરિણામ આવ્યું? ઈસ્રાએલી પ્રજાને ૪૦ વર્ષ સુધી દોરીને વચનના દેશને આંગણે મૂસા લઈ આવ્યા, પણ તેમને પોતાને એ દેશમાં જવાનો લહાવો ન મળ્યો.—ગણ. ૧૨:૩; ૨૦:૧૦, ૧૨; ગીત. ૧૦૬:૩૨.

૬. જીભ લગામમાં રાખવાનો શું અર્થ થાય?

બાઇબલ ઉત્તેજન આપે છે કે આપણે બોલીએ ત્યારે જીભ કાબૂમાં રાખીએ, સમજી વિચારીને બોલીએ. “બહુ બોલાય ત્યાં પાપ થવાનું જ. જીભ પર લગામ રાખનાર તે ડાહ્યો છે.” (નીતિવચનો ૧૦:૧૯, ઈઝી ટુ રીડ; ૧૭:૨૭) પણ જીભ પર લગામ રાખવાનો અર્થ એ નથી કે આપણે મનની વાત મનમાં જ રાખીએ. એનો અર્થ એ થાય કે આપણું બોલવું ‘કૃપાયુક્ત’ હોય. એટલે કે આપણી વાણી કોઈને તોડી પાડે એવી નહિ, પણ ઉત્તેજન આપનારી હોવી જોઈએ.—નીતિવચનો ૧૨:૧૮; ૧૮:૨૧ વાંચો.

“ચૂપ રહેવાનો વખત અને બોલવાનો વખત”

૭. આપણે કેવું બોલવું ન જોઈએ, શા માટે?

આપણે કામ પર કે પ્રચારમાં લોકો સાથે વાત કરીએ, ત્યારે સમજી વિચારીને બોલીએ. મંડળમાં કે ઘરમાં પણ બધાની સાથે એ જ રીતે બોલવું ખૂબ જરૂરી છે. આપણે જો આગળ પાછળનો વિચાર કર્યા વગર ગુસ્સામાં જેમતેમ બોલી જઈશું કે વર્તીશું તો શું થઈ શકે? એનાથી આપણી અને બીજાઓની શ્રદ્ધા, લાગણીઓ અને તંદુરસ્તી પર ખૂબ માઠી અસર પડશે. (નીતિ. ૧૮:૬, ૭) આપણામાં આદમના પાપની અસર હોવાથી દિલમાં ખરાબ લાગણીઓ ઊભી થઈ શકે. પણ એને આપણે પાંગરવા દેવી ન જોઈએ. કોઈની નિંદા કરવી, ઠેકડી ઉડાવવી, તિરસ્કાર કરવો કે તોછડાઈથી બોલવું ખોટું છે. (કોલો. ૩:૮; યાકૂ. ૧:૨૦) એમ કરીશું તો બીજાઓ સાથે અને યહોવાહ સાથેનો સંબંધ તોડી બેસીશું. ઈસુએ શીખવ્યું: “જે કોઈ પોતાના ભાઈ પર અમથો ક્રોધ કરે છે, તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે; અને જે પોતાના ભાઈને પાજી [બેવકૂફ] કહેશે તે ન્યાયસભાથી અપરાધી ઠરવાના જોખમમાં આવશે; અને જે તેને કહેશે કે તું મૂર્ખ છે, તે અગ્‍નિની ગેહેન્‍નાના જોખમમાં આવશે.”—માથ. ૫:૨૨.

૮. કોઈએ દુઃખ પહોંચાડ્યું હોય તો ક્યારે વાત કરવી જોઈએ અને કેવી રીતે?

એવી અમુક બાબતો હશે જેમાં આપણને લાગે કે સાફ સાફ વાત કર્યા વગર છૂટકો નથી. એવા કિસ્સામાં પણ સમજી વિચારીને વર્તીએ. માની લો કે કોઈ ભાઈના વાણી-વર્તનથી આપણને ખૂબ દુઃખ પહોંચ્યું છે. એને ભૂલી જ નથી શકતા. એમ હોય તો, તમારા દિલમાં નફરતની લાગણી ઊછરવા ન દો. (નીતિ. ૧૯:૧૧) કોઈ તમને ગુસ્સે કરે તોપણ તમારી લાગણીઓ કાબૂમાં રાખો અને બાબતને શાંતિથી થાળે પાડવા પગલાં લો. પાઊલે લખ્યું: “તમારા ક્રોધ પર સૂર્યને આથમવા ન દો.” એ તકલીફ હજી દૂર થઈ ન હોય અને દિલમાં ખટકતી હોય, તો યોગ્ય સમયે દૂર કરવા પગલાં લો. (એફેસી ૪:૨૬, ૨૭, ૩૧, ૩૨ વાંચો.) એ ભાઈ સાથે સાફ સાફ વાત કરો, પણ એવી રીતે કે તેમને ખોટું ન લાગે. ફરીથી સારા સંબંધ બાંધવા બનતું બધું કરો.—લેવી. ૧૯:૧૭; માથ. ૧૮:૧૫.

૯. બીજાઓ સાથે વાત કરતા પહેલાં આપણી લાગણીઓને વશમાં રાખવી કેમ મહત્ત્વનું છે?

જોકે તમારે વાત કરવા સમજી વિચારીને યોગ્ય સમય પસંદ કરવો જોઈએ. બાઇબલ જણાવે છે: “ચૂપ રહેવાનો વખત અને બોલવાનો વખત” પણ હોય છે. (સભા. ૩:૧,) એ ઉપરાંત “સદાચારી વિચાર કરીને ઉત્તર આપે છે.” (નીતિ. ૧૫:૨૮) એ માટે શાંતિથી યોગ્ય સમયની રાહ પણ જોવી પડે. આપણે ગુસ્સે હોઈએ ત્યારે કંઈક કહેવા જઈશું તો વાત વણસી શકે. તેમ જ વાત કરવા માટે બહુ લાંબો સમય રાહ પણ ન જોવી જોઈએ.

સારા વાણી-વર્તનથી સારા સંબંધ બંધાય છે

૧૦. સંબંધો સુધારવા આપણે શું કરી શકીએ?

૧૦ આપણી વાણીમાં મીઠાશ હશે અને દિલ ખોલીને વાત કરીશું તો સારા સંબંધો બંધાશે અને એ જળવાઈ રહેશે. બગડેલા સંબંધ સુધારવા બનતા બધા જ પ્રયત્નો કરીશું તો આપણે ખુલ્લા દિલે એકબીજા સાથે વાત કરી શકીશું. એ માટે સાચા દિલથી તેઓને મદદ કરવા યોગ્ય તક શોધીએ. તેઓને ભેટ આપીએ અને પરોણાગત બતાવીએ. એનાથી એકબીજા સાથે ખુલ્લા દિલે વાત કરવા મદદ મળશે. આમ આપણે સારા વાણી-વર્તનથી જાણે કે તેઓના માથા પર “ધગધગતા અંગારાના ઢગલા” કરીને તેઓના સારા ગુણો બહાર લાવીએ છીએ. એનાથી ખુલ્લા મને વાત કરીને સંબંધ સુધારવા મદદ મળશે.—રૂમી ૧૨:૨૦, ૨૧.

૧૧. સંબંધો સુધારવા યાકૂબે શું કર્યું? એનું શું પરિણામ આવ્યું?

૧૧ સદીઓ પહેલા થઈ ગયેલા યાકૂબ જાણતા હતા કે સંબંધો સુધારવા કેટલું મહત્ત્વનું છે. યાકૂબ પર તેમનો જોડિયો ભાઈ એસાવ ખૂબ જ ગુસ્સે હતો. એસાવ તેમને મારી નાખવા ઇચ્છતો હતો. એટલે યાકૂબ ત્યાંથી નાસી ગયા. ઘણાં વર્ષો પછી યાકૂબ પાછા ફર્યા. ત્યારે એસાવ પોતાની સાથે ચારસો માણસો લઈને તેમને સામે મળવા ગયો. યાકૂબે મદદ માટે યહોવાહને પ્રાર્થના કરી. પછી પોતાના ચાકરો દ્વારા આગળથી ભેટ તરીકે ઢોરઢાંક મોકલી આપ્યા. છેવટે બંને ભાઈઓ મળ્યા ત્યારે એસાવનું દિલ પીગળી ગયું. તે દોડીને યાકૂબને ભેટી પડ્યો.—ઉત. ૨૭:૪૧-૪૪; ૩૨:૬, ૧૧, ૧૩-૧૫; ૩૩:૪, ૧૦.

શબ્દોમાં મીઠાશ લાવીને બીજાઓને ઉત્તેજન આપીએ

૧૨. ભાઈ-બહેનોને તાજગી મળે એ રીતે આપણે કેમ બોલવું જોઈએ?

૧૨ આપણે યહોવાહની ભક્તિ કરીએ છીએ, નહિ કે માણસોની. તોપણ આપણે એવું ઇચ્છીએ છીએ કે આપણા વાણી-વર્તનથી બીજાઓ ખુશ થાય. ઉત્તેજનભર્યા બે બોલથી આપણે ભાઈ-બહેનોને તાજગી આપી શકીશું, તેઓનો બોજો હળવો કરી શકીશું. જ્યારે કે નિંદાથી કે તોડી પાડે એવી વાણીથી તો તેઓનો બોજો વધી જશે અને એવું વિચારવા લાગશે કે ‘મારા પર યહોવાહની કૃપા નથી.’ તેથી ચાલો આપણે તેઓને ઉત્તેજન મળે એ રીતે વાત કરીએ. આ સલાહ દિલમાં ઉતારીએ: “જે ઉન્‍નતિને સારૂ આવશ્યક હોય તે જ નીકળે, કે તેથી સાંભળનારાઓનું કલ્યાણ થાય.”—એફે. ૪:૨૯.

૧૩. (ક) કોઈને સલાહ આપવાની થાય ત્યારે વડીલોએ શું યાદ રાખવું જોઈએ? (ખ) વડીલોએ પત્રો લખતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ?

૧૩ ખાસ કરીને વડીલોએ મંડળમાં બધાની સાથે ‘સાલસʼથી વર્તવું જોઈએ. (૧ થેસ્સા. ૨:૭, ૮) મંડળમાં કોઈને સલાહ આપવાની થાય ત્યારે વડીલોએ તેઓ સાથે “નમ્રતાથી” વાત કરવી જોઈએ. સત્યનો ‘વિરોધ’ કરનારની સાથે પણ નમ્રતાથી વાત કરવી જોઈએ. (૨ તીમો. ૨:૨૪, ૨૫) વડીલો કોઈ વિષય પર આપણી સંસ્થાને કે બીજા મંડળને પત્ર લખે ત્યારે, એમાં પ્રેમ અને મીઠાશ હોવા જોઈએ. માત્થી ૭:૧૨ની સલાહ પ્રમાણે તેઓએ સમજી વિચારીને નમ્રતાથી લખવું જોઈએ.

કુટુંબમાં પ્રેમથી બોલીએ

૧૪. પતિઓને પાઊલ કઈ સલાહ આપે છે અને શા માટે?

૧૪ આપણા શબ્દો અને હાવભાવની આપણે ધાર્યું પણ ન હોય એટલી બીજાઓ પર અસર થતી હોય છે. દાખલા તરીકે, અમુક પુરુષોને પૂરો ખ્યાલ હોતો નથી કે તેઓના શબ્દોની સ્ત્રીઓ પર કેવી ઊંડી અસર થાય છે. એક બહેન જણાવે છે: “મારા પતિ ગુસ્સે થઈને મારી સાથે મોટેથી વાત કરે ત્યારે હું ઘણી ગભરાઈ જાઉં છું.” ગુસ્સામાં બોલેલા શબ્દોની પુરુષ કરતાં સ્ત્રીઓ પર વધારે અસર પડે છે જે જલદી ભૂલાતી નથી. (લુક ૨:૧૯) ખાસ કરીને સ્ત્રી જેમને ખૂબ ચાહતી હોય અને માન આપતી હોય તેમની પાસેથી કડવા શબ્દો સાંભળે ત્યારે તેને ઘણું દુઃખ થાય છે. પાઊલ પતિઓને સલાહ આપે છે: “તમે પોતાની પત્નીઓ પર પ્રેમ રાખો, અને તેઓ પ્રત્યે કઠોર ન થાઓ.”—કોલો. ૩:૧૯.

૧૫. સમજાવો કે પતિએ પોતાની પત્ની સાથે કેમ પ્રેમથી વર્તવું જોઈએ.

૧૫ એક ભાઈને લગ્‍ન કર્યે વર્ષો થયા છે. તે કહે છે કે સ્ત્રી જાણે “નબળું પાત્ર” હોય એમ પતિએ તેની સાથે કોમળતાથી વર્તવું જોઈએ. તે એક દાખલો આપતા કહે છે, ‘તમે કોઈ કીમતી અને નાજુક વસ્તુને સાચવીને પકડશો. જો એને જોર લગાવીને પકડશો તો તૂટી જશે. પછી એને સાંધશો તોપણ એના ઉપર તીરાડ દેખાશે. એ જ રીતે, જો પતિ પોતાની પત્ની સાથે ગુસ્સેથી બોલશે તો તેના દિલ પર ઊંડા જખમ રહી જશે. એનાથી જાણે તેઓના સંબંધ પર કાયમી તીરાડ પડી જશે.’—૧ પીતર ૩:૭ વાંચો.

૧૬. કુટુંબમાં સંપ અને પ્રેમ જાળવી રાખવા પત્ની શું કરી શકે?

૧૬ શબ્દોની અસર પુરુષો પર પણ એટલી જ થાય છે. બીજાના કે પત્નીના શબ્દો તેમને ઉત્તેજન આપી શકે અથવા નિરાશ પણ કરી શકે. સમજુ કે ‘ડાહી પત્ની’ પર પતિ ‘ભરોસો મૂકે છે.’ જેમ પત્ની ચાહે છે કે પતિ તેની લાગણીનો વિચાર કરે, એ જ રીતે તે પતિની લાગણીનો વિચાર કરે છે. (નીતિ. ૧૯:૧૪; ૩૧:૧૧) ખરેખર, પત્ની જેવું બોલશે એવી તેના કુટુંબ પર સારી કે ખરાબ અસર પડશે. બાઇબલ કહે છે: “ડાહી સ્ત્રી પોતાના ઘરની આબાદી વધારે છે; પણ મૂર્ખ પોતાના જ હાથથી તેને તોડી પાડે છે.”—નીતિ. ૧૪:૧.

૧૭. (ક) બાળકોએ પોતાના માબાપ સાથે કેવી રીતે વાત કરવી જોઈએ? (ખ) મોટાઓએ બાળકો સાથે કેવી રીતે વાત કરવી જોઈએ અને શા માટે?

૧૭ માબાપ અને બાળકોએ એકબીજા સાથે મીઠાશથી બોલવું જોઈએ. (માથ. ૧૫:૪) બાળકો સાથે સમજી વિચારીને વાત કરીશું તો એવું કંઈ નહિ કહીએ જેનાથી તેઓ ‘ચિડાઈ’ જાય. (કોલો. ૩:૨૧; એફે. ૬:૪) બાળકને શિસ્ત કે શિક્ષા આપવાની જરૂર હોય તોપણ માબાપ કે વડીલોએ તેઓ સાથે માનથી વાત કરવી જોઈએ. મોટાઓ એમ કરીને બાળકો માટે સુધરવું સહેલું બનાવશે. બાળકોનો પણ ઈશ્વર સાથેનો નાતો જળવાઈ રહેશે. આપણે તેઓ પર કદી એવી છાપ ન પડવા દઈએ કે તેઓ કદી સુધરશે જ નહિ. નહિ તો બાળકો એવું અનુભવશે કે પોતે સાવ નકામા છે, કદી સુધરશે નહિ. બાળકોને કદાચ એ યાદ નહિ રહે કે તેઓને શું સલાહ મળી હતી. પણ એ જરૂર યાદ રહેશે કે બીજાઓએ તેઓ સાથે કેવી રીતે વાત કરી હતી.

દિલથી સારું બોલીએ

૧૮. આપણા દિલમાંથી ગુસ્સો કે કડવાશ કાઢવા શું કરવું જોઈએ?

૧૮ ગુસ્સાને કાબૂમાં રાખવાનો અર્થ એ નથી કે આપણે ઉપર ઉપરથી હસતો ચહેરો રાખીએ. આપણો મકસદ એ જ ન હોવો જોઈએ કે ગુસ્સાને કાબૂમાં રાખવા એને દબાવી દઈએ. જો આપણે ગુસ્સાને દબાવી રાખીને ઉપર ઉપરથી શાંત હોવાનો દેખાડો કરીશું તો, આપણે પોતે જ તણાવમાં આવી જઈશું. એ તો જાણે કારને એક્સિલરેટર આપવાની સાથે સાથે બ્રેક મારવા જેવું છે. એવું કરીશું તો કારને જ નુકસાન થશે. તેથી ગુસ્સાને દિલમાં ભરી ન રાખો, નહિ તો એ મોડેથી જ્વાળામુખીની જેમ ફાટી નીકળશે. તમારા દિલમાંથી ગુસ્સો કે કડવાશ કાઢી નાખવા પ્રાર્થનામાં યહોવાહની મદદ માગો. એમ કરશો તો, યહોવાહની શક્તિ તમારા મન અને હૃદયને બદલવા અને તેમની રીતે વર્તવા મદદ કરશે.—રૂમી ૧૨:૨; એફેસી ૪:૨૩, ૨૪ વાંચો.

૧૯. ઝઘડો ટાળવા આપણે કેવાં પગલાં લેવા જોઈએ?

૧૯ તમારી લાગણીઓને કાબૂમાં રાખવા યોગ્ય પગલાં લો. જો તમે તણાવમાં આવી ગયા હોવ અને અંદરથી ઊકળી રહ્યા છો એવું લાગે તો, કદાચ થોડો સમય ત્યાંથી નીકળી જાઓ. થોડો સમય આપવાથી તમારી લાગણીઓ શાંત પડશે. (નીતિ. ૧૭:૧૪) સામેની વ્યક્તિ ગુસ્સે થાય તો, તમે શાંતિથી, મીઠાશથી બોલવા કોશિશ કરો. યાદ રાખો: “નમ્ર ઉત્તર ક્રોધને શાંત કરી દે છે; પણ કઠોર શબ્દો રીસ ચઢાવે છે.” (નીતિ. ૧૫:૧) તમે કટાક્ષમાં બોલશો કે તમારી જીભ કાતર જેવી હશે તો સામેની વ્યક્તિ શાંત થવાને બદલે વધારે ભડકી ઊઠશે. (નીતિ. ૨૬:૨૧) એટલે જો આવી પરિસ્થિતિ ઊભી થાય તો, તમે સંયમ રાખજો. ‘બોલવામાં ધીમા અને ક્રોધમાં ધીરા થજો.’ પ્રાર્થનામાં યહોવાહની શક્તિ માગો જેથી તમે સારું જ બોલો, ખરાબ નહિ.—યાકૂ. ૧:૧૯.

દિલથી માફ કરીએ

૨૦, ૨૧. બીજાઓને માફ કરવા શું મદદ કરી શકે? શા માટે એમ કરવું જ જોઈએ?

૨૦ દુઃખની વાત છે કે આપણે કોઈ પણ જીભને પૂરી રીતે કાબૂમાં રાખી શકતા નથી. (યાકૂ. ૩:૨) કુટુંબ અથવા મંડળમાં કોઈ વ્યક્તિ ઘણો પ્રયત્ન કરવા છતાં કોઈ વાર એવું વગર વિચાર્યું બોલી જાય જેનાથી આપણી લાગણીઓ ઘવાય. એ વખતે સામે બોલવાને બદલે આપણે શાંતિથી વિચાર કરીએ કે શા માટે તે એવું અવિચારી બોલી ગયા. (સભાશિક્ષક ૭:૮, ૯ વાંચો.) શું તેઓ કોઈ દબાણ હેઠળ હતા? કશાકની ચિંતા કે ડર હતો? કદાચ તેમને સારું નહિ હોય? અથવા કોઈ તકલીફમાં હશે જેના વિષે આપણને ખબર નથી?

૨૧ ભલે કોઈ પણ કારણ હોય, બીજાઓ પર ગુસ્સો ઉતારવાનું એ કોઈ યોગ્ય બહાનું નથી. પણ જો આપણે ગુસ્સાનું કારણ જાણતા હોઈશું તો એ સમજવા મદદ મળશે કે શા માટે લોકો કોઈ વાર એલફેલ બોલી જાય છે અથવા ન કરવાનું કરી બેસે છે. આપણે એ કારણ જાણ્યા પછી તેમને માફ કરવા પણ પ્રેરાઈશું. આપણે બધાએ કોઈ વાર તો આપણા વાણી-વર્તનથી બીજાઓને દુઃખ પહોંચાડ્યું હશે. ત્યારે આપણે એવી આશા રાખીએ છીએ કે સામેની વ્યક્તિ મોટું મન રાખીને માફ કરી દેશે. (સભા. ૭:૨૧, ૨૨) ઈસુએ કહ્યું હતું કે ઈશ્વરની માફી મેળવવા આપણે બીજાઓને પણ માફ કરવા જોઈએ. (માથ. ૬:૧૪, ૧૫; ૧૮:૨૧, ૨૨, ૩૫) એટલે આપણે ન બોલવાનું બોલી ગયા હોય તો તરત જ બીજાઓની માફી માંગવી જોઈએ. બીજાઓને માફ કરવામાં પણ મોડું ન કરવું જોઈએ. એમ કરવાથી પ્રેમ જે ‘સંપૂર્ણતાનું બંધન છે’ એને આપણે કુટુંબમાં અને મંડળમાં જાળવી રાખીએ છીએ.—કોલો. ૩:૧૪.

૨૨. મીઠાશથી બોલીશું તો કેવું સારું પરિણામ આવશે?

૨૨ આ દુષ્ટ દુનિયાનો અંત હવે નજીક આવી રહ્યો છે, એટલે લોકો વધુને વધુ ગુસ્સે થતા જાય છે. આવી પરિસ્થિતિમાં આનંદ અને સંપ જાળવી રાખવો અઘરું બને છે. પરંતુ બાઇબલમાં આપેલા સિદ્ધાંતો અમલમાં મૂકવાથી કોઈનું બૂરું નહિ પણ સારું બોલવા મદદ મળશે. આમ મંડળમાં અને કુટુંબમાં બધા સાથે સારા સંબંધો જળવાઈ રહેશે. પ્રેમ અને સંપ વધશે. એટલું જ નહિ, સારા વાણી-વર્તન જોઈને બીજાઓ પણ આનંદથી ભરપૂર યહોવાહ ઈશ્વર વિષે વધારે જાણવા પ્રેરાશે. (w10-E 06/15)

તમે કેવો જવાબ આપશો?

• મુશ્કેલી શાંતિથી હલ કરવા આપણે કેમ યોગ્ય સમય શોધવો જોઈએ?

• કુટુંબમાં બધાએ એકબીજા સાથે કેમ હંમેશા મીઠાશથી બોલવું જોઈએ?

• બીજાઓની લાગણીઓ ઘવાય એવું કંઈ પણ ન બોલવા આપણે શું કરીશું?

• બીજાઓને માફ કરવા આપણને શામાંથી મદદ મળશે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૫ પર ચિત્રનું મથાળું]

તમારી લાગણીઓ શાંત પડી જાય પછી યોગ્ય સમયે વાત કરો

[પાન ૨૭ પર ચિત્રનું મથાળું]

પત્ની સાથે પતિએ હંમેશા પ્રેમથી વાત કરવી જોઈએ