સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કાપણીના મહાન કાર્યમાં પૂરો ભાગ લઈએ

કાપણીના મહાન કાર્યમાં પૂરો ભાગ લઈએ

કાપણીના મહાન કાર્યમાં પૂરો ભાગ લઈએ

“પ્રભુના કામમાં સદા મચ્યા રહો.”—૧ કોરીં. ૧૫:૫૮.

૧. ઈસુએ પોતાના શિષ્યોને કયું ઉત્તેજન આપ્યું?

 ઈસવીસન ૩૦ની સાલનો છેલ્લો સમય છે. ઈસુ તેમના શિષ્યો સાથે સમરૂનના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા છે. સૈખાર શહેર નજીક એક કૂવા પાસે ઈસુ આરામ કરવા રોકાય છે. ત્યાં તે શિષ્યોને કહે છે: “તમારી આંખો ઊંચી કરીને ખેતરો જુઓ, કે તેઓ કાપણીને સારૂ પાકી ચૂક્યાં છે.” (યોહા. ૪:૩૫) ઈસુ અહીંયા બીજા અર્થમાં ખેતરમાં કાપણીની વાત કરી રહ્યા હતા. તે નમ્ર દિલના લોકોને ભેગા કરવાની વાત કરી રહ્યા હતા, જેથી તેઓ તેમના શિષ્યો બની શકે. તે એવા લોકોને ભેગા કરવાનું શિષ્યોને ઉત્તેજન આપતા હતા. તેઓ પાસે કામ ઘણું હતું, પણ થોડા જ સમયમાં એ પૂરું કરવાનું હતું.

૨, ૩. (ક) શું બતાવે છે કે આપણે કાપણીના સમયમાં જીવી રહ્યા છીએ? (ખ) આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

કાપણી વિષે ઈસુએ જે કહ્યું એનો આજે આપણા સમયમાં મહત્ત્વનો અર્થ રહેલો છે. આજે આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યારે આ દુનિયાના લોકો જાણે ‘કાપણી માટે પાકી ચૂક્યા છે.’ દર વર્ષે લાખો લોકોને જીવન આપતું સત્ય શીખવાનું આમંત્રણ મળે છે. એમાંથી હજારો નવા શિષ્યો બાપ્તિસ્મા લે છે. આપણી પાસે ફસલના માલિક યહોવાહની દેખરેખ હેઠળ આ સૌથી મહાન કામમાં ભાગ લેવાનો લહાવો છે. શું તમે કાપણીના આ ‘કામમાં સદા મચ્યા’ રહો છો?—૧ કોરીં. ૧૫:૫૮.

ઈસુએ તેમના સાડા ત્રણ વર્ષના સેવા કાર્યમાં અનેક શિષ્યોને ફસલ ભેગી કરવાના કામ માટે તૈયાર કર્યા. ઈસુએ તેમના શિષ્યોને ઘણી મહત્ત્વની વાતો શીખવી હતી. આ લેખમાં આપણે એમાંથી ત્રણ બાબતો પર ચર્ચા કરીશું. એ દરેક બાબત એક મહત્ત્વના ગુણ પર ભાર મૂકે છે, જે આજે આપણને શિષ્યો બનાવવાના કામમાં ખૂબ ઉપયોગી થશે. ચાલો એક પછી એક ગુણની ચર્ચા કરીએ.

નમ્ર હોવું ખૂબ જરૂરી

૪. ઈસુએ કઈ રીતે નમ્રતાનું મહત્ત્વ સમજાવ્યું?

જરા આ દૃશ્યની કલ્પના કરો: શિષ્યો હજી હમણાં જ એ વિષય પર ઝઘડીને શાંત થયા છે કે તેઓમાં સૌથી મોટું કોણ. પરંતુ તેઓના ચહેરા પર એકબીજા માટે શંકા અને ગુસ્સો દેખાઈ આવે છે. એટલે ઈસુ એક નાના બાળકને બોલાવીને તેઓ મધ્યે ઊભું રાખે છે. નાના બાળક પર ધ્યાન દોરતા તે કહે છે: “જે કોઈ પોતાને આ બાળકના જેવું દીન કરશે, [‘નાનું બનાવી દેશે,’ સંપૂર્ણ બાઇબલ] તે જ આકાશના રાજ્યમાં સૌથી મોટું છે.” (માત્થી ૧૮:૧-૪ વાંચો.) દુનિયામાં વ્યક્તિ પાસે કેટલી સત્તા, ધનદોલત અને હોદ્દો છે, એને આધારે તેનું મહત્ત્વ અંકાય છે. જ્યારે કે ઈસુના શિષ્યોએ દુનિયાની જેમ વિચારવાનું ન હતું. શિષ્યોએ એ સમજવાની જરૂર હતી કે બીજાઓની નજરમાં પોતાને ‘દીન’ કે ‘નાના’ કરવાથી જ તેઓ મહાન બની શકશે. જો તેઓ દિલથી નમ્ર બને તો જ યહોવાહ તેઓને આશીર્વાદ આપીને પોતાના કામમાં વાપરશે.

૫, ૬. કાપણીના કામમાં પૂરો ભાગ લેવા દીન હોવું કેમ ખૂબ જરૂરી છે? અનુભવથી સમજાવો.

આજે લોકો સત્તા, ધનદોલત અને હોદ્દો મેળવવા પાછળ પોતાનું જીવન ખર્ચી નાખે છે. પરિણામે તેઓ પાસે ઈશ્વરભક્તિ માટે ભાગ્યે જ કોઈ સમય બચે છે. (માથ. ૧૩:૨૨) જ્યારે કે યહોવાહના લોકો રાજીખુશીથી બીજાઓની નજરમાં પોતાને દીન કે નાના બનાવે છે, જેથી ફસલના માલિક યહોવાહની કૃપા પામી શકે.—માથ. ૬:૨૪; ૨ કોરીં. ૧૧:૭; ફિલિ. ૩:૮.

દક્ષિણ અમેરિકામાં વડીલ તરીકે સેવા આપતા ફ્રાન્સિસ્કોનો અનુભવ લો. યુવાન હતા ત્યારે તેમણે પાયોનિયરીંગ કરવા યુનિવર્સિટીનું ભણતર છોડી દીધું. તે જણાવે છે: ‘મારી સગાઈ પછી હું સારી નોકરી મેળવી શકતો હતો, જેથી લગ્‍ન પછી મારી પત્ની સાથે એશઆરામથી રહી શકું. પણ મેં એમ ન કર્યું. અમે બન્‍નેએ સાદું જીવન જીવવાનું નક્કી કર્યું, જેથી પૂરો સમય યહોવાહની ભક્તિમાં આપી શકીએ. સમય જતા અમને ચાર બાળકો થયા અને અમારા પર વધારે જવાબદારીઓ આવી. પણ અમારા નિર્ણયને વળગી રહેવા યહોવાહે ઘણી મદદ કરી. છેલ્લા ૩૦ વર્ષથી હું વડીલ તરીકે સેવા આપું છું. મને યહોવાહની સેવામાં બીજી ખાસ જવાબદારીઓ પણ મળી છે. અમને સાદું જીવન જીવવાનો જરાય અફસોસ નથી.’

૭. રૂમી ૧૨:૧૬માં આપેલી સલાહને પાળવા તમે શું કરો છો?

આપણે પણ આ દુનિયાની “મોટી મોટી બાબતો” પર ધ્યાન ન લગાડીએ. દુનિયાની નજરે ‘દીન કે નાની’ ગણવામાં આવે છે એવી બાબતોમાં લાગુ રહીએ. એમ કરીશું તો આપણે પણ યહોવાહની સેવામાં વધારે આશીર્વાદો અને જવાબદારીનો આનંદ માણી શકીશું.—રૂમી ૧૨:૧૬; માથ. ૪:૧૯, ૨૦; લુક ૧૮:૨૮-૩૦.

ખંતીલા બનવાથી મળતા આશીર્વાદ

૮, ૯. (ક) ઈસુએ આપેલું તાલંતનું દૃષ્ટાંત ટૂંકમાં જણાવો. (ખ) આ દૃષ્ટાંત ખાસ કોના માટે ઉત્તેજનભર્યું હોઈ શકે?

કાપણીના કામમાં પૂરી રીતે ભાગ લેવા આપણે ખંતીલા બનવાની પણ જરૂર છે. એ સમજાવવા ઈસુએ તાલંતનું દૃષ્ટાંત આપ્યું. * એ દૃષ્ટાંતમાં એક માણસ બહારગામ જતા પહેલાં પોતાની મિલકત સંભાળવા ત્રણ નોકરોને સોંપીને જાય છે. પહેલા નોકરને પાંચ તાલંત, બીજા નોકરને બે તાલંત અને ત્રીજાને એક તાલંત આપે છે. માલિકના ગયા પછી પહેલો અને બીજો નોકર તરત જ એ તાલંત લઈને પૂરા ખંતથી ‘વેપાર કરે’ છે. પણ ત્રીજો નોકર ‘આળસુ’ હોય છે. તે પોતાને મળેલા તાલંતને જમીનમાં દાટી દે છે. અમુક સમય પછી માલિક પાછો આવે છે ત્યારે પહેલા બે નોકરો પર ખુશ થાય છે. તેઓને બીજી માલમિલકતની દેખભાળ રાખવાની જવાબદારી સોંપે છે. જ્યારે કે ત્રીજા નોકર પાસેથી માલિક એક તાલંત લઈ લે છે અને તેને ઘરની બહાર કાઢી મૂકે છે.—માથ. ૨૫:૧૪-૩૦.

આપણે પણ ઈસુના દૃષ્ટાંતમાં જણાવેલા ખંતીલા નોકર જેવા બનવા ચાહીએ છીએ. તેમ જ, શિષ્યો બનાવવાના કામમાં થઈ શકે એટલો ભાગ લેવા માગીએ છીએ. પણ જો તમારા સંજોગો બદલાયા હોય અને ઈશ્વરની ભક્તિમાં પહેલાં જેટલું કરી શકતા ન હોય તો શું? કદાચ તમારે કુટુંબની સંભાળ રાખવા વધારે કલાકો નોકરી કરવી પડે. કે પછી હવે તમારી તબિયત સારી રહેતી નથી અને પહેલાની જેમ શરીરમાં શક્તિ રહી નથી. જો એમ હોય તો, તમારા માટે તાલંતના દૃષ્ટાંતમાં ઉત્તેજન આપતો સંદેશો રહેલો છે.

૧૦. તાલંતના દૃષ્ટાંતમાં માલિકે કઈ રીતે દરેક નોકરની ક્ષમતાનું ધ્યાન રાખ્યું? એનાથી તમને કેવું ઉત્તેજન મળે છે?

૧૦ દૃષ્ટાંત પર ધ્યાન આપો તો જોવા મળશે કે માલિક દરેક નોકરની ક્ષમતા જાણતો હતો. એટલે જ તેણે ‘દરેકને પોતપોતાની શક્તિ પ્રમાણે’ તાલંત વહેંચી આપ્યા. (માથ. ૨૫:૧૫) માલિકે આશા રાખી હતી તેમ, પહેલો નોકર બીજા નોકર કરતાં વધારે કમાયો. આમ છતાં માલિક જોઈ શક્યા કે બન્‍નેએ ખંતથી મહેનત કરી છે. એટલે બન્‍ને નોકરને તેમણે “સારા તથા વિશ્વાસુ ચાકર” કહ્યા. તેમણે બંનેને ઈનામમાં એક સરખી જવાબદારી સોંપી. (માથ. ૨૫:૨૧, ૨૩) એ જ રીતે કાપણીના માલિક યહોવાહ જાણે છે કે તમારા સંજોગો કેવા છે અને તમે તેમની ભક્તિમાં કેટલું કરી શકો છો. તમે પૂરા તન-મનથી કરેલી ભક્તિની તે કદી પણ અવગણના કરશે નહિ. એ માટે તે તમને ચોક્કસ આશીર્વાદો આપશે.—માર્ક ૧૪:૩-૯; લુક ૨૧:૧-૪ વાંચો.

૧૧. અનુભવ જણાવો કે મુશ્કેલ સંજોગોમાં પણ ખંતથી મહેનત કરવાથી કેવા આશીર્વાદ મળે છે.

૧૧ બ્રાઝિલમાં રહેતી સેલ્મીરા બહેનનો અનુભવ બતાવે છે કે મુશ્કેલ સંજોગોમાં પણ આપણે પૂરા ખંતથી યહોવાહની ભક્તિ કરી શકીએ છીએ. વીસ વર્ષ પહેલાં એક લૂટારાએ ગોળી મારીને સેલ્મીરાના પતિની હત્યા કરી હતી. પછી તેણે એકલે હાથે ત્રણ બાળકોને ઉછેર્યા. તે લોકોના ઘરે કામ કરવા જતી. એ માટે તેણે આખો દિવસ કામ કરવું પડતું અને ખીચોખીચ ભરેલા વાહનોમાં લાંબી મુસાફરી કરવી પડતી. આવી મુશ્કેલીઓમાં પણ તેણે પોતાના કામને એ રીતે ગોઠવ્યું જેથી રેગ્યુલર પાયોનિયરીંગ કરી શકે. તેના ત્રણમાંથી બે બાળકો પણ પાયોનિયરીંગ કરવા લાગ્યા. સેલ્મીરા કહે છે: ‘છેલ્લાં કેટલાંક વર્ષોમાં મેં વીસથીયે વધારે લોકોને બાઇબલ સત્ય શીખવા મદદ કરી છે. હવે તેઓ મારા “કુટુંબ” જેવા બની ગયા છે. મને તેઓ પાસેથી ખૂબ પ્રેમ મળ્યો છે. આ એક એવો ખજાનો છે જે પૈસાથી કદી ન મેળવી શકાય.’ સાચે જ, સેલ્મીરાએ ખંતથી જે મહેનત કરી એનો કાપણીના માલિક યહોવાહે આશીર્વાદ આપ્યો છે!

૧૨. આપણે કઈ રીતે પ્રચાર કામમાં ખંતથી ભાગ લઈ શકીએ?

૧૨ કદાચ તમારા સંજોગોને લીધે પ્રચાર કામમાં વધારે સમય આપી શકતા ન હોય તો શું? એમ હોય તો પ્રચારકામમાં વધારે અસરકારક બનીને તમે કાપણીના કામમાં વધારે કરી શકો. એમ કરવા દર અઠવાડિયે સેવા સભામાં અપાતાં સૂચનોને લાગુ પાડી શકો. એનાથી તમારી શીખવવાની કળા વધારે સારી બનશે અને તમે જુદી જુદી રીતોએ લોકોને સંદેશો જણાવી શકશો. (૨ તીમો. ૨:૧૫) તેમ જ, કદાચ તમે બિનજરૂરી પ્રવૃત્તિઓને ઓછી કરી શકો અથવા બીજા સમયે ગોઠવી શકો, જેથી નિયમિત રીતે મંડળ સાથે પ્રચાર કામની ગોઠવણમાં ભાગ લઈ શકો.—કોલો. ૪:૫.

૧૩. ખંતથી કામ કરવા અને એમાં લાગુ રહેવા સૌથી મહત્ત્વનું શું છે?

૧૩ આપણે કદી ભૂલીએ નહિ કે ઈશ્વર માટે પ્રેમ અને કદર હશે તો ખંતથી ભક્તિમાં લાગુ રહી શકીશું. (ગીત. ૪૦:૮) ઈસુના દૃષ્ટાંતમાં ત્રીજો નોકર પોતાના માલિકથી ડરતો હતો. તે માલિકને કઠોર અને જુલમી ગણતો હતો. એટલે માલિકે આપેલા તાલંતને વધારવાને બદલે નોકર એને જમીનમાં દાટી દે છે. આપણે તેના જેવા બેદરકાર ન બનવા માલિક યહોવાહ સાથે ગાઢ સંબંધ કેળવતા રહીએ. પ્રેમ, ધીરજ અને દયા જેવા જેમના ગુણો વિષે શીખવા અને એના પર વિચાર કરવા સમય કાઢીએ. આમ કરવાથી આપણને તેમની ભક્તિમાં દિલથી બનતું બધું કરવાનું ઉત્તેજન મળશે.—લુક ૬:૪૫; ફિલિ. ૧:૯-૧૧.

“તમે પવિત્ર થાઓ”

૧૪. કાપણીના કામમાં ભાગ લેવા માંગે છે તેઓ માટે શું કરવું બહુ જરૂરી છે?

૧૪ હેબ્રી શાસ્ત્રવચનોમાંથી ટાંકતા પાઊલે જણાવ્યું હતું કે ઈશ્વર તેમના ભક્તો માટે શું ચાહે છે: “જેણે તમને તેડ્યા છે, તે જેવો પવિત્ર છે તેવા તમે પણ સર્વ પ્રકારનાં આચરણમાં પવિત્ર થાઓ; કેમ કે લખેલું છે, કે હું પવિત્ર છું, માટે તમે પવિત્ર થાઓ.” (૧ પીત. ૧:૧૫, ૧૬; લેવી. ૧૯:૨; પુન. ૧૮:૧૩) પાઊલના આ શબ્દો બતાવે છે કે કાપણીના કામમાં ભાગ લેનારા ઈશ્વરની નજરે બધી રીતે પવિત્ર કે શુદ્ધ હોવા જ જોઈએ. યહોવાહની નજરે શુદ્ધ થવા આપણે યોગ્ય પગલાં લઈને આ મહત્ત્વની જરૂરિયાત પૂરી કરી શકીએ છીએ. કઈ રીતે? ઈશ્વરે આપેલા બાઇબલ સત્યની મદદથી.

૧૫. ઈશ્વરના સત્ય વચનોમાં આપણા માટે શું કરવાની શક્તિ રહેલી છે?

૧૫ બાઇબલ સત્યને પાણી પણ કહેવામાં આવે છે, જેનાથી શુદ્ધ થવાય છે. દાખલા તરીકે, પ્રેરિત પાઊલે લખ્યું કે જેમ ઈસુની કન્યા પવિત્ર છે, તેમ અભિષિક્ત ખ્રિસ્તીઓનું બનેલું મંડળ ઈશ્વરની નજરે પવિત્ર કે શુદ્ધ છે. એ મંડળને ઈશ્વરે ‘વચન વડે જળસ્નાનથી શુદ્ધ’ કર્યું છે, જેથી “તે પવિત્ર તથા નિર્દોષ હોય.” (એફે. ૫:૨૫-૨૭) એ પહેલાં ઈસુએ પણ શુદ્ધ કરનાર ઈશ્વરના વચન વિષે પ્રચાર કર્યો હતો. એ વચનો વિષે શિષ્યોને વાત કરતા ઈસુએ કહ્યું: “જે વચનો મેં તમને કહ્યાં છે તે વડે તમે હવે શુદ્ધ થઈ ગયા છો.” (યોહા. ૧૫:૩) આ બતાવે છે કે બાઇબલનાં સત્ય વચનો આપણને ઈશ્વરની નજરે શુદ્ધ કરી શકે છે. આપણે ઈશ્વરના સત્યને જીવનમાં લાગુ પાડીને પોતાને શુદ્ધ કરીશું, તો જ આપણી ભક્તિને તે કબૂલ કરશે.

૧૬. આપણે કઈ રીતે પોતાને યહોવાહની નજરે શુદ્ધ રાખી શકીએ?

૧૬ એટલે કાપણીના કામમાં ભાગ લેવા માટે આપણે સૌથી પહેલાં તો યહોવાહની નજરે અશુદ્ધ હોય એવાં કામો કે શિક્ષણને જીવનમાંથી કાઢી નાખવા જોઈએ. કાપણીના કામમાં લાગુ રહેવા આપણે યહોવાહના ઊંચા ધોરણોને વળગી રહેવામાં સારો દાખલો બેસાડવો જોઈએ. (૧ પીતર ૧:૧૪-૧૬ વાંચો.) આપણે શરીરને ચોખ્ખું રાખવા સતત ધ્યાન આપીએ છીએ. એ જ રીતે સત્યના પાણીથી આપણે પોતાને સતત શુદ્ધ કરતા રહેવું જોઈએ. એ માટે આપણે બાઇબલ વાંચીએ અને આપણી દરેક સભાઓમાં જઈએ. તેમ જ ઈશ્વરના સિદ્ધાંતોને જીવનમાં લાગુ પાડવા ખંતથી મહેનત કરીએ. એમ કરીશું તો આપણે ખોટી આદતો સામે લડી શકીશું અને દુનિયાની ભ્રષ્ટ અસરોનો સામનો કરી શકીશું. (ગીત. ૧૧૯:૯; યાકૂ. ૧:૨૧-૨૫) એ જાણીને આપણને કેટલો દિલાસો મળે છે કે ઈશ્વરના સત્ય વચનોની મદદથી આપણે મોટાં મોટાં પાપોથી પણ ‘શુદ્ધ થઈ’ શકીએ છીએ.—૧ કોરીં. ૬:૯-૧૧.

૧૭. શુદ્ધ રહેવા આપણે બાઇબલની કઈ સલાહ પાળવી જોઈએ?

૧૭ યહોવાહના સત્યના પાણીથી શું તમે પોતાને શુદ્ધ થવા દો છો? દાખલા તરીકે, દુનિયાના ભ્રષ્ટ મનોરંજનમાં ન ફસાવા ચેતવવામાં આવે તો તમને કેવું લાગે છે? (ગીત. ૧૦૧:૩) યહોવાહને ભજતા નથી એવા સ્કૂલના મિત્રો કે નોકરી પર કામ કરનારા સાથે હળવા-મળવામાં શું તમે વધારે સમય પસાર કરવાનું ટાળો છો? (૧ કોરીં. ૧૫:૩૩) જો તમારામાં યહોવાહની નજરે અશુદ્ધ બનાવતી કોઈ કુટેવ હોવ તો એને દૂર કરવા તમે ખંતથી પ્રયત્નો કરો છો? (કોલો. ૩:૫) શું તમે દુનિયાના રાજકારણની અસરથી પોતાને દૂર રાખો છો? દેશભક્તિની અસરથી પોતાને દૂર રાખો છો જે ઘણી રમતગમતોમાં જોવા મળે છે?—યાકૂ. ૪:૪.

૧૮. યહોવાહની નજરમાં શુદ્ધ રહેવાથી કેવું પરિણામ આવશે?

૧૮ જો તમે આવી બાબતોમાં યહોવાહને વળગી રહેશો તો એનાં સારાં પરિણામો આવશે. ઈસુએ પોતાના અભિષિક્ત શિષ્યોને એક દ્રાક્ષવેલા સાથે સરખાવતા કહ્યું: “મારામાંની હરેક ડાળી જેને ફળ આવતાં નથી, તેને તે [મારા પિતા] કાપી નાખે છે; અને હરેક ડાળી જેને ફળ આવે છે, તેને વધારે ફળ આવે માટે તે તેને શુદ્ધ કરે છે.” (યોહા. ૧૫:૨) જો તમે પોતાને બાઇબલ સત્યના પાણીથી શુદ્ધ કરશો તો વધારે ફળ આપશો.

આશીર્વાદો, હમણાં અને ભાવિમાં

૧૯. ઈસુના શિષ્યો કાપણીના કામમાં ખંતીલા હોવાથી કેવા આશીર્વાદો મળ્યા?

૧૯ જે શિષ્યો ઈસુના શિક્ષણ પ્રમાણે ચાલ્યા તેઓ ઈસવીસન ૩૩, પેન્તેકોસ્તના દિવસે ઈશ્વરની શક્તિથી ભરપૂર થયા. પરિણામે, તેઓ “પૃથ્વીના છેડા સુધી” ઈસુ વિષે સાક્ષી આપી શક્યા. (પ્રે.કૃ. ૧:૮) તેઓમાંથી અમુકે ગવર્નિંગ બોડી તરીકે, તો અમુકે મિશનરી તરીકે સેવા બજાવી. અમુક જવાબદાર વડીલો બીજાં મંડળોને ઉત્તેજન આપવા મુલાકાત લેતા. તેમ જ તેઓ બધાએ ‘આકાશ તળેનાં સર્વને’ ખુશખબર ફેલાવવામાં મુખ્ય ભાગ ભજવ્યો. (કોલો. ૧:૨૩) તેઓને કેવા સરસ આશીર્વાદ મળ્યા અને એનાથી બીજાઓને પણ કેવો આનંદ થયો હશે!

૨૦. (ક) કાપણીના કામમાં દિલથી ભાગ લેવાથી તમને કયા આશીર્વાદ મળ્યા છે? (ખ) તમે શું નક્કી કર્યું છે?

૨૦ જો આપણે નમ્ર અને ખંતીલા બનીશું, તેમ જ યહોવાહના ઊંચા ધોરણો પ્રમાણે જીવીશું તો કાપણીના મહાન કાર્યમાં દિલથી ભાગ લઈ શકીશું. આજે લોકો માલ-મિલકત અને મોજશોખ પાછળ દોડતા હોવાથી દુઃખી થાય છે અને છેવટે નિરાશા જ મળે છે. જ્યારે કે આપણને યહોવાહની ભક્તિમાં ખરો આનંદ અને સંતોષ મળે છે. (ગીત. ૧૨૬:૬) સૌથી મહત્ત્વનું તો, આપણું “કામ પ્રભુ [યહોવાહ]માં નિરર્થક નથી.” (૧ કોરીં. ૧૫:૫૮) આપણા ‘કામને તથા ઈશ્વરના નામ પ્રત્યે આપણે જે પ્રીતિ દેખાડી છે’ એ માટે કાપણીના માલિક યહોવાહ આપણને કાયમ માટે આશીર્વાદ આપશે.—હેબ્રી ૬:૧૦-૧૨. (w10-E 07/15)

[ફુટનોટ્‌સ]

^ તાલંતનું દૃષ્ટાંત મુખ્યત્વે બતાવે છે કે ઈસુ કઈ રીતે તેમના અભિષિક્ત શિષ્યો સાથે વર્તે છે. પણ એનો સિદ્ધાંત ઈસુના બધા શિષ્યોને લાગુ પડે છે.

તમે કેવો જવાબ આપશો?

કાપણીના કાર્યમાં દિલથી ભાગ લો છો તેમ,

• નમ્ર બનવું કેમ મહત્ત્વનું છે?

• તમે કઈ રીતે ખંતીલા બની શકો અને એમાં લાગુ રહી શકો?

• યહોવાહની નજરે બધી રીતે શુદ્ધ રહેવું કેમ બહુ મહત્ત્વનું છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૫ પર ચિત્રનું મથાળું]

નમ્ર બનવાથી સાદું જીવન જીવવા અને યહોવાહની ભક્તિમાં મંડ્યા રહેવા મદદ મળે છે