સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પાપની સમજણ કઈ રીતે બદલાઈ?

પાપની સમજણ કઈ રીતે બદલાઈ?

પાપની સમજણ કઈ રીતે બદલાઈ?

‘આજે લોકોને એ વિચાર ગમતો નથી કે આપણા પ્રથમ માતા-પિતાએ કરેલા પાપની અસર આપણે ભોગવવી પડે છે. અરે, લોકોને પાપનો વિચાર જ ગમતો નથી. બની શકે કે એડલ્ફ હિટલર અને જોસેફ સ્ટાલીને પાપ કર્યા હશે. બીજા બધા તો સંજોગોનો ભોગ બનેલા છે. આપણે બધા તો નિર્દોષ છીએ.’—ધ વૉલ સ્ટ્રીટ જર્નલ છાપું.

ઉપરની માહિતી બતાવે છે કે આજે લોકો માટે પાપનો વિષય અણગમતો બની ગયો છે. પણ એવું કેમ? લોકોનું વલણ શા માટે બદલાયું છે? સૌથી મહત્ત્વનું તો, પાપની એ માન્યતા શું છે જેમાં માનવું લોકોને આજે જરાય ગમતું નથી?

પાપના બે પ્રકાર છે. વારસામાં મળેલું પાપ અને આપણું પાપી વલણ. પહેલા પ્રકારનું પાપ આપણને વારસામાં મળ્યું છે, પછી ભલે આપણને એ ગમે કે ન ગમે. બીજા પ્રકારનું પાપ આપણે પોતે કરીએ છીએ. ચાલો આ બન્‍ને પ્રકાર પર વધારે સમજણ મેળવીએ.

શું પ્રથમ માબાપના પાપની અસર આપણને થાય છે?

બાઇબલ કહે છે કે પ્રથમ માબાપે ઈશ્વરનો નિયમ પાળ્યો ન હોવાથી પાપ કર્યું, જેની અસર સર્વ મનુષ્ય પર પડી છે. પરિણામે, આપણા બધામાં જન્મથી જ પાપનો ડાઘ છે. બાઇબલ કહે છે: “દરેક પ્રકારની ભૂંડાઈ એ પાપ છે.”—૧ યોહાન ૫:૧૭, IBSI.

પરંતુ ચર્ચમાં જતા ઘણા લોકોને એ સમજવું કે સ્વીકારવું અઘરું લાગે છે કે સદીઓ પહેલા કોઈએ કરેલા પાપની અસર આપણા જેવા નિર્દોષ ઇન્સાને ભોગવવી પડે. ખ્રિસ્તી ધર્મના પ્રોફેસર એડવર્ડ ઑક્સ કહે છે: ‘જો ચર્ચ પાપ વિષે કંઈ શીખવે તો એ સાંભળીને મોટા ભાગે લોકોને નવાઈ લાગે છે. અમુક તો એમાં માનવાનો નકાર કરી દે છે. તો અમુક કહેવા પૂરતું કહેશે કે તેઓ પાપમાં માને છે અને પાપ કરી ન બેસે એવો પ્રયત્ન કરશે. તોપણ તેમને જે કરવું હોય એ જ કરે છે અને પોતાના જીવનમાં કોઈ ફેરફાર કરતા નથી. કેમ કે તેઓને ખબર જ નથી કે ઈશ્વર ચાહે છે એમ જીવવા શું કરવું.’

પ્રથમ માબાપે કરેલા પાપની અસર આપણે ભોગવવી પડે છે એ માનવું લોકોને કેમ અઘરું લાગે છે? એક તો, ચર્ચ જે શીખવે છે એના લીધે. દાખલા તરીકે, કાઉન્સિલ ઑફ ટ્રેન્ટમાં (૧૫૪૫-૧૫૬૩) ચર્ચ એવા લોકોને દોષિત ઠરાવતું જેઓ નવાં જન્મેલાં બાળકને પાપની માફી માટે બાપ્તિસ્મા આપવાને જરૂરી ગણતા ન હતા. ધર્મગુરુઓ જણાવતા કે બાપ્તિસ્મા લેતા પહેલાં બાળક ગુજરી જાય તો તેનાં પાપ ધોવાયા ન હોવાથી તે કદી પણ સ્વર્ગમાં ઈશ્વરની સમક્ષ જઈ શકશે નહિ. જોન કૅલ્વીન તો એ હદે શીખવવા લાગ્યો કે ‘માની કૂખમાંથી નવું જન્મેલું બાળક પોતાની સાથે પાપ લાવે છે. તેનાં પાપ એટલા ઘોર છે કે ઈશ્વર પણ તેને ધિક્કારે છે.’

નવું જન્મેલું બાળક સાવ માસૂમ હોવાથી તેને વારસામાં મળેલા પાપને લીધે સહેવું પડે, એ વિચાર ગળે ઉતારવો ઘણા લોકોને અઘરું લાગે છે. આપણે સમજી શકીએ છીએ કે શા કારણથી લોકો પાપ વિષેની ચર્ચની માન્યતાથી દૂર ભાગે છે. ખરું કહીએ તો, ચર્ચના અમુક પાદરીઓ પાસે એમ કહેવાની હિંમત નથી કે બાપ્તિસ્મા લીધા વગર બાળક ગુજરી જાય તો તે નરકમાં પીડાશે. એવાં બાળકોનું આખરે શું થશે એ વિષે પાદરીઓ સમજાવી શકતા નથી. ખરું કે ચર્ચની માન્યતા ન હતી તોપણ કૅથલિક શિક્ષણમાં સદીઓથી શીખવવામાં આવતું કે બાપ્તિસ્મા લેતા પહેલાં માસૂમ બાળક ગુજરી જાય તો તેનો આત્મા સ્વર્ગમાં નહિ પહોંચે, પણ નરક પાસે આવેલી લીમ્બો નામની જગ્યાએ જશે. *

ઓગણીસમી સદીમાં ફિલોસોફર, વિજ્ઞાનીઓ અને ધર્મના વિદ્વાનો શંકા ઉઠાવવા લાગ્યાં કે બાઇબલનો અહેવાલ ખરો છે કે કેમ. આ બીજું કારણ છે જેના લીધે પ્રથમ માબાપે કરેલા પાપની માન્યતા નબળી પડી ગઈ. ઘણા લોકો ડાર્વિનના ઉત્ક્રાંતિના શિક્ષણમાં માનવા લાગ્યા હોવાથી આદમ-હવાના અહેવાલને તેઓ દંતકથા માનવા લાગ્યા. આવાં કારણોથી ઘણા એવું માનવા લાગ્યા છે કે બાઇબલમાં એના લેખકોએ એ જમાનાના રિવાજો અને પોતાના વિચારો લખ્યા છે, નહિ કે ઈશ્વરના વિચારો.

તો સવાલ થાય કે પ્રથમ પાપની માન્યતાનું શું થયું? જો ચર્ચમાં એવું શીખવવામાં આવે કે આદમ અને હવા કાલ્પનિક છે, તો સ્વાભાવિક રીતે જ તેઓ એ તારણ પર આવશે કે પ્રથમ પાપ કદી થયું જ નથી. અરે, અમુક તો એમ સ્વીકારે છે કે મનુષ્યમાં ખામી છે, પણ એ કબૂલ કરવા તૈયાર નથી કે એ પ્રથમ પાપને લીધે છે.

આદમ-હવાએ પાપ કર્યું હતું કે નહિ, એ વિષે આપણે ઘણું જોયું. ચાલો હવે આપણા પાપી વલણ વિષે જોઈએ, જેનાથી ઈશ્વર નારાજ થાય છે.

શું આવાં કામોને પાપ કહેવાય?

જ્યારે લોકોને પૂછવામાં આવે કે તમે કેવાં કામોને પાપ કહેશો ત્યારે, ઘણા દસ આજ્ઞાઓનો ઉલ્લેખ કરશે. જેમ કે, ખૂન, બેવફાઈ, કામવાસના, લગ્‍ન પહેલાં જાતીય સંબંધ, ચોરી અને એનાં જેવાં કામો પાપ કહેવાય. મોટા ભાગે ચર્ચમાં એવું શીખવવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિએ પાપ કર્યું હોય અને એનો પસ્તાવો કર્યા વગર ગુજરી જાય તો તે નરકમાં કાયમ માટે રિબાશે. *

કૅથલિક ચર્ચ એવું શીખવવા લાગ્યું કે આવી સજાથી બચવા વ્યક્તિએ પાદરી પાસે જઈને પોતાનાં પાપ કબૂલ કરવા જોઈએ, કેમ કે પાદરી પાસે પાપ ક્ષમા કરવાની શક્તિ છે. તેમ છતાં, આજે ઘણા કૅથલિકો માટે પાપ કબૂલ કરવાની, માફી માગવાની અને પસ્તાવો કરવાની વિધિ જૂની પુરાણી થઈ ગઈ છે. તાજેતરના એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું કે ઇટાલીના ૬૦ ટકાથી વધારે કૅથલિકો પોતાનાં પાપની કબૂલાત કરવા જતા નથી.

એ સ્પષ્ટ જોઈ શકાય છે કે પાપી કામો અને એનાં પરિણામ વિષે ચર્ચે જે શીખવ્યું એનાથી લોકોને મદદ મળી નથી. લોકો હજી એવાં પાપ કરતા જ રહે છે. ચર્ચમાં જતા ઘણા લોકો હવે માનતા નથી કે આવાં કામો ખોટા કહેવાય. દાખલા તરીકે, અમુક લોકો કહે છે કે બે પુખ્ત વ્યક્તિ સહમત થઈને જાતીય સંબંધ બાંધે જેમાં ત્રીજી વ્યક્તિને કોઈ નુકસાન ન થતું હોય તો એવા સંબંધોમાં શું ખોટું છે?

એવું વિચારવા પાછળ એક કારણ એ હોઈ શકે કે તે વ્યક્તિને પાપ વિષે જે શીખવવામાં આવ્યું છે એની સાથે તે પૂરી રીતે સહમત નહિ હોય. દાખલા તરીકે, જો ઈશ્વર પ્રેમાળ હોય તો, તે કઈ રીતે પાપી વ્યક્તિને નરકમાં કાયમ માટે રિબાવી શકે? ઘણાને એ માનવામાં નથી આવતું. લોકોમાં ઊઠતી આવી શંકાઓને લીધે તેઓ પાપને જરાય ગંભીરતાથી લેતા નથી. બીજાં પણ અનેક કારણો છે જેના લીધે પાપ વિષેની સમજણ લોકોએ ગુમાવી દીધી છે.

જૂના સંસ્કારો તરછોડી દીધા

પાછલી અમુક સદીઓમાં મોટા મોટા ફેરફારો થયા હોવાથી લોકોના અને સમાજના વિચારોમાં ખૂબ જ પરિવર્તન આવ્યું છે. જેમ કે, બે મોટાં મોટાં વિશ્વયુદ્ધો, અગણિત નાની નાની લડાઈઓ અને અનેક દેશોમાં થયેલો જાતિસંહાર જોઈને ઘણાના મનમાં સવાલ થાય છે કે જૂના નીતિ-નિયમો પ્રમાણે જીવવામાં શું ફાયદો? ‘આધુનિક યુગમાં જ્યારે ટેકનોલોજીની ક્રાંતિ થઈ રહી છે ત્યારે સદીઓ જૂનાં ધોરણોને વળગી રહેવું શું વાજબી છે? એ ધોરણો નક્કી કરનારા તો આજના જીવન વિષે કંઈ જાણતા ન હતા.’ ઘણા નીતિશિક્ષકો અને તર્કશાસ્ત્રીઓનું માનવું છે કે એ જરાય વાજબી નથી. તેઓનું માનવું છે કે સમાજે સદીઓ જૂના અમુક નીતિ-નિયમો અને અંધશ્રદ્ધાની જંજીરમાંથી આઝાદ થવાની જરૂર છે. તેમ જ શિક્ષણમાં આગળ વધીને પ્રગતિના શિખર પર પહોંચવાની જરૂર છે.

આ રીતે વિચારવાથી ઈશ્વર અને તેમના સંસ્કારોથી લોકો દૂર ચાલ્યા ગયા છે. યુરોપના મોટા ભાગના દેશોમાં લોકો ચર્ચમાં જતા જ નથી. ઈશ્વરમાં ન માનતા લોકો દિવસે દિવસે વધતા જાય છે. ઘણા લોકો ખુલ્લેઆમ ચર્ચના શિક્ષણનો નકાર કરે છે અને એનો વિરોધ કરે છે. તેઓ કહે છે કે જો માણસ ઉત્ક્રાંતિથી આવ્યો હોય અને ઈશ્વર હોય જ નહિ તો, નીતિ-નિયમો કે પાપ જેવું પણ કંઈ જ નથી.

વીસમી સદીમાં પશ્ચિમી દેશો નૈતિક ધોરણોમાં ઘણી છૂટછાટ લેવા લાગ્યા હોવાથી સમાજમાં અનેક રીતે પરિવર્તન આવ્યું. જેમ કે, સેક્સ વિષે લોકોની જીવનઢબમાં મોટું પરિવર્તન આવી ગયું છે. નીતિ-નિયમો વિરુદ્ધ વિદ્યાર્થીઓનો વિરોધ, સમાજ વિરોધી ચળવળો અને સહેલાઈથી મળી રહેતા ગર્ભનિરોધકને લીધે લોકો જૂના સંસ્કારોને તરછોડવા લાગ્યા. ઝડપથી બાઇબલના સંસ્કારોની પડતી થવા લાગી. નવી પેઢી પાપ વિષે નવા સંસ્કારો ઘડવા લાગી. એક લેખક કહે છે કે ‘ત્યાર પછી લોકોના મનમાં જાતીય પ્રેમ, એમાંય ખાસ કરીને આડા સંબંધોથી શરીરની ભૂખ સંતોષવાનો પ્રેમ જ વહે છે.’

લોકોને સારું લગાડતું શિક્ષણ

અમેરિકાની હાલત વિષે ન્યૂઝવીક મૅગેઝિન જણાવે છે: ‘લોકોને મનગમતી બાબતો વિષે જ પાદરીઓ ઉપદેશ આપે છે. જો એમ ન કરે તો લોકો તેઓનું ચર્ચ છોડીને બીજે ચાલ્યા જશે.’ પાદરીઓનું માનવું છે કે જો તેઓ ઊંચા ધોરણો પર વધુ પડતો ભાર આપશે તો લોકો ચર્ચમાં આવવાનું બંધ કરી દેશે. લોકો આવું સાંભળવા ઇચ્છતા નથી: ‘તમારું દિલ ડંખતું હોય તો પાપનો પસ્તાવો કરો, પોતાને શિસ્ત આપો અને નમ્રતા જેવા સદ્‍ગુણો કેળવો.’ તેથી, ઘણા ચર્ચ કેવી રીત અપનાવે છે એ વિષે શિકાગો સન-ટાઈમ્સ જણાવે છે: ‘ઘણાં ચર્ચ ખાલી કહેવા પૂરતો ખ્રિસ્તી ઉપદેશ આપે છે, પણ એ જ સમયે લોકોને જે ગમે એ કરવાનું કહે છે. જાણે આશ્વાસન આપે છે કે બાઇબલના સંસ્કાર વિષે બહુ ચિંતા ન કરો.’

આવા વિચારોને લીધે લોકો પોતાની રીતે નક્કી કરી લે છે કે ઈશ્વર કેવા છે. ચર્ચ હવે એના પર ભાર મૂકતું નથી કે ઈશ્વર આપણી પાસે શું ચાહે છે. પણ એના પર ભાર મૂકે છે કે માણસ પોતાનું સ્વમાન કઈ રીતે વધારી શકે. તેઓ ઈશ્વરને બદલે હવે માણસને જાણે ખુશ કરવા માગે છે. ચર્ચ ખાલી ન થઈ જાય એ માટે પાદરીઓ લોકોને મનગમતા વિષયો પર ઉપદેશ આપે છે. ધર્મમાં હવે નીતિ-નિયમો જેવું કંઈ રહ્યું નથી. ધ વૉલ સ્ટ્રીટ જર્નલ આમ પૂછે છે: ‘ખ્રિસ્તી ધર્મના સંસ્કારમાં જે બાકોરું પડી ગયું છે એ હવે શાનાથી ભરાશે? હવે ધર્મોમાં એટલું જ રહેલું છે કે બધાને દયા બતાવો અને બધાનું સહન કરો. બધાની સાથે સારી રીતે વર્તશો તો તમારી બધી જ ભૂલો માફ.’

પરિણામે, લોકો હવે એવું વિચારવા લાગ્યા છે કે તમારો દોષ ન કાઢે અને તમને સારું લાગે એવું શીખવતો કોઈ પણ ધર્મ સારો છે. ધ વૉલ સ્ટ્રીટ જર્નલના નોંધ્યા પ્રમાણે, જે કોઈ આવું માનવા લાગે છે ‘તેઓ એવા કોઈ પણ ધર્મમાં જોડાઈ શકે જે કોઈને ઊંચા સંસ્કાર પ્રમાણે ચાલવાનું કહેતો નથી. તેમ જ કોઈને દોષિત ઠરાવવાને બદલે તેઓ સાથે દયાભાવથી વર્તે છે.’ બીજી બાજુ, ચર્ચ પણ લોકોને ‘જેવા છે એવા જ’ સ્વીકારવા તૈયાર છે. તેઓ પર સુધારો કરવાની કોઈ ફરજ પાડતા નથી.

લોકોનું આવું વલણ જોઈને કદાચ બાઇબલ વાચકને પહેલી સદીમાં પાઊલે લખેલી ભવિષ્યવાણી યાદ આવશે. તેમણે કહ્યું હતું: “એવો વખત આવશે કે જે વખતે તેઓ શુદ્ધ ઉપદેશને સહન કરશે નહિ; પણ કાનમાં ખંજવાળ આવવાથી તેઓ પોતાને મનગમતા ઉપદેશકો પોતાને સારૂ ભેગા કરશે; તેઓ સત્ય તરફ આડા કાન કરશે.”—૨ તીમોથી ૪:૩, ૪.

આવા ઉપદેશકો કે ધર્મગુરુઓ ચર્ચના સભ્યોને ગંભીર નુકસાન પહોંચાડી રહ્યા છે. તેઓ શીખવે છે કે પાપ જેવું કંઈ છે જ નહિ અને એને ચલાવી લે છે. તેઓ બાઇબલનું શિક્ષણ આપવાને બદલે, ચર્ચના સભ્યોની ‘કાનની ખંજવાળ’ મટાડવા તેઓને મનગમતા વિષયો પર બોધ આપે છે. તેઓનો બોધ ખોટો છે. બાઇબલના મૂળ સત્યનો એ નકાર કરે છે. ઈસુએ અને તેમના શિષ્યોએ પાપ અને માફી મેળવવા વિષે ખાસ શીખવ્યું હતું. એ વિષે વધારે જાણવા હવે પછીનો લેખ વાંચો. (w10-E 06/01)

[ફુટનોટ્‌સ]

^ બાઇબલ લીમ્બો વિષે શીખવતું ન હોવાથી ઘણા લોકો મૂંઝાઈ ગયા છે. એટલે જ તાજેતરમાં કૅથલિક માન્યતાની યાદીમાંથી લીમ્બો વિષેની માહિતી કાઢી નાખવામાં આવી છે. “ચર્ચે પોતાની માન્યતા બદલી નાખી,” પાન દસ પર બૉક્સ જુઓ.

^ બાઇબલ શીખવતું નથી કે નરક જેવી કોઈ જગ્યા છે, જ્યાં હંમેશ માટે રિબાવવામાં આવે છે. વધુ માહિતી માટે પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું આ છઠ્ઠું પ્રકરણ જુઓ: ‘ગુજરી ગયેલા લોકો ક્યાં છે?’ આ પુસ્તક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

[પાન ૭ પર ચિત્રનું મથાળું]

લોકોને સારું લાગે એવું જ ધર્મ શીખવે છે ત્યારે એના ખરાબ પરિણામો આવે છે

[પાન ૬ પર ચિત્રનું મથાળું]

“હવે પાપ જેવું કંઈ જ નથી”

‘આજે ચર્ચ માટે સૌથી મોટી નડતર આ વિષય છે. હવે અમે એવું માનતા નથી કે આપણે “પાપી” છીએ અને એની માફીની જરૂર છે. એવું લાગે છે કે પાપ જ મોટું નડતર હતું, પણ પહેલાંની જેમ હવે આપણે અંધારામાં નથી. ભલેને ચર્ચ પાસે પાપનો ઉકેલ હોય, પણ મોટા ભાગના અમેરિકનોની નજરમાં એ કોઈ મોટી બાબત નથી. અને જો હોય તોપણ એ ચિંતા કરવા જેવું નથી.’—જોન એ. સ્ટુડબેકર, જુનિયર., ધર્મના લેખક.

“લોકો કહે છે: ‘હું ઊંચા ધોરણો પ્રમાણે ચાલવા ચાહું છું અને બીજાઓ પાસે પણ એવી આશા રાખું છું. પણ હું જાણું છું કે એ સહેલું નથી. એટલે મારાથી બનતું કરવા પ્રયત્ન કરું છું.’ જ્યારે નૈતિક ધોરણોની વાત આવે છે ત્યારે આપણે સાવ ઊંચા ધોરણોને વળગી રહેવા મથતા નથી કે એને સાવ છોડી પણ દેતા નથી. આપણે બીજાઓનું ભલું કરતા રહીએ એ જ પૂરતું છે. પણ પાપમાં દોરી જતાં કામોની વાત આવે છે ત્યારે આપણે એને બહુ મહત્ત્વ આપતા નથી.”—આલ્બર્ટ મોલેર, સધર્ન બાપ્ટિસ્ટ થીઓલૉજિકલ સેમિનરિના પ્રેસિડન્ટ.

‘લોકો પહેલાં જે બાબતો કરવાથી શરમાતા હતા એમાં આજે કંઈ ખોટું લાગતું નથી [જેમ કે, સાત સૌથી મોટાં પાપ]: મા-બાપ પોતાનાં બાળકોને સ્વમાન જાળવી રાખવા અભિમાની બનવા ઉત્તેજન આપે છે; ફ્રાન્સના રસોઈયાઓએ વેટિકનને અરજ કરી છે કે ખાઉધરાપણું એ પાપ નથી. અદેખાઈને લીધે લોકો હીરો-હીરોઈન જેવું વૈભવી જીવન જીવવા માગે છે. વસ્તુઓ વેચવા એવી જાહેરખબરો બનાવવામાં આવે છે જે લોકોના મનમાં કામવાસના જગાડે; લોકો એવું માને છે કે કોઈએ ખોટું લગાડ્યું હોય તો ગુસ્સે થવામાં કાંઈ ખોટું નથી. કોઈ કોઈ વાર મને આળસુ બનવાનું ખૂબ જ મન થાય, એ માટે હું કંઈ પણ જતું કરું.’—નેન્સી ગીબ્સ, ટાઈમ મૅગેઝિન.

[પાન ૫ પર ચિત્રનું મથાળું]

ઘણા લોકોનું માનવું છે કે આદમ અને હવાનો અહેવાલ તો ઘડી કાઢેલી વાર્તા જ છે