સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈસુના બલિદાનથી કઈ રીતે આપણો ઉદ્ધાર થાય છે?

ઈસુના બલિદાનથી કઈ રીતે આપણો ઉદ્ધાર થાય છે?

ઈસુના બલિદાનથી કઈ રીતે આપણો ઉદ્ધાર થાય છે?

‘દીકરા પર જે વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે; પણ દીકરાનું જે નથી માનતો, તે જીવન નહિ દેખશે, પણ તેના પર ઈશ્વરનો કોપ રહે છે.’—યોહા. ૩:૩૬.

૧, ૨. ઝાયન્સ વૉચ ટાવર મૅગેઝિન બહાર પાડવામાં આવ્યું એનું એક કારણ શું હતું?

 “જો કોઈ ખંતથી બાઇબલનો અભ્યાસ કરે તો જોઈ શકશે કે એમાં ઈસુના મરણ પર કેટલો ભાર મૂકવામાં આવ્યો છે,” એવું ઑક્ટોબર ૧૮૭૯માં આ મૅગેઝિનના ચોથા અંકમાં કહેવામાં આવ્યું હતું. એ લેખના અંતમાં આ મહત્ત્વનો વિચાર હતો: ‘ઈસુનું મરણ તો પાપ માટે બલિદાન અને પ્રાયશ્ચિત છે. એટલે તેમના મરણને તુચ્છ કે સામાન્ય ગણતી હોય એવી કોઈ પણ બાબતથી આપણે સાવધ રહીએ.’—૧ યોહાન ૨:૧, ૨ વાંચો.

જુલાઈ, ૧૮૭૯માં પ્રથમ વાર ઝાયન્સ વૉચ ટાવર મૅગેઝિન બહાર પાડવાનું એક કારણ આ હતું: ‘ઈસુના બલિદાન વિષે બાઇબલનું શિક્ષણ ખરું છે એ સાબિત કરવા માટે.’ ઓગણીસમી સદીના અંત ભાગમાં એ લેખો જાણે “વખતસર ખાવાનું” હતા. કેમ કે એ સમયે પોતાને ખ્રિસ્તી કહેવડાવતા વધુને વધુ લોકો એ શિક્ષણ વિષે શંકા ઉઠાવવા લાગ્યા હતા. તેઓ માનવા તૈયાર ન હતા કે ઈસુનું બલિદાન આપણને પાપમાંથી છોડાવી શકે છે. (માથ. ૨૪:૪૫) વધુમાં, એ સમયે ઘણા લોકો ઉત્ક્રાંતિના શિક્ષણમાં માનવા લાગ્યા હતા. એ તો બાઇબલના શિક્ષણની વિરુદ્ધ હતું, કે ‘ઈશ્વરની આજ્ઞા તોડી હોવાથી માણસ પાપી બન્યો અને સંપૂર્ણ રહ્યો નહિ.’ ઉત્ક્રાંતિનું શિક્ષણ ફેલાવનારા એવું શીખવતા હતા કે મનુષ્યમાં પોતાની મેળે જ સુધારો થતો હોવાથી તેઓને બલિદાનની કોઈ જરૂર નથી. આવા શિક્ષણથી સાવધ રહેવા પાઊલે તીમોથીને આપેલી સલાહ આપણે ખાસ ધ્યાનમાં લેવી જોઈએ: ‘જે સત્ય તને સોંપવામાં આવ્યું છે તે સંભાળી રાખ, અને અધર્મી લવારાથી તથા જેને ભૂલથી જ્ઞાન કહેવામાં આવે છે તેના વાદવિવાદથી દૂર રહે. એને કેટલાએક સત્ય માનીને વિશ્વાસથી ભટકી ગયા છે.’—૧ તીમો. ૬:૨૦, ૨૧.

૩. હવે આપણે કયા સવાલોની ચર્ચા કરીશું?

‘વિશ્વાસથી ભટકી’ ન જવાય માટે તમે ખૂબ ધ્યાન રાખતા હશો. તોપણ તમારા વિશ્વાસને મજબૂત રાખવા આ સવાલોની ચર્ચા કરવી ખૂબ જરૂરી છે: મને શામાંથી છુટકારાની જરૂર છે અને શા માટે? એ માટે કેવી કિંમત ચૂકવવી પડી? ઈશ્વરના કોપથી બચાવતી આ અમૂલ્ય ગોઠવણનો લાભ લેવા હું શું કરી શકું?

ઈશ્વરના કોપથી આપણે બચી શકીએ

૪, ૫. આજની દુષ્ટ દુનિયા પર યહોવાહનો કોપ રહેલો છે એનો શું પુરાવો છે?

બાઇબલ અને માનવ ઇતિહાસ પુરાવો આપે છે કે આદમે પાપ કર્યું ત્યારથી સર્વ મનુષ્ય પર ઈશ્વરનો ‘કોપ રહેલો છે.’ (યોહા. ૩:૩૬) આપણે જોતા આવ્યા છીએ કે કોઈ માણસ મરણથી બચી શક્યું નથી. મનુષ્ય પર આવતી આફતો અટકાવવામાં શેતાનનું રાજ સાવ જ નિષ્ફળ ગયું છે. મનુષ્યની એવી કોઈ સરકાર નથી જે પોતાના દરેક નાગરિકની જીવન જરૂરિયાતો પૂરી પાડી શકે. (૧ યોહા. ૫:૧૯) એટલે જ મનુષ્ય પર યુદ્ધ, ગુનાખોરી અને ગરીબી જેવી આફતો આવતી જ રહે છે.

એ પુરાવો આપે છે કે આજની દુષ્ટ દુનિયા પર યહોવાહનો આશીર્વાદ નથી. પ્રેરિત પાઊલે ખરું જ કહ્યું છે: “સર્વ અધર્મીપણા પર તથા દુષ્ટતા પર સ્વર્ગમાંથી ઈશ્વરનો કોપ પ્રગટ થએલો છે.” (રૂમી ૧:૧૮-૨૦) તેથી, જેઓ પાપી કામો છોડી દઈને પસ્તાવો કરતા નથી, તેઓએ એનાં માઠાં પરિણામ ભોગવવાં જ પડશે. આજે કઈ રીતે ઈશ્વરનો કોપ શેતાનની દુનિયા પર પ્રગટ થયો છે? દુષ્ટ લોકોનો ઈશ્વર ન્યાય કરશે એવા સંદેશાઓ દ્વારા પ્રગટ થયો છે. આ સંદેશા મરકીની જેમ શેતાનની દુનિયાને જણાવવામાં આવી રહ્યા છે. બાઇબલ આધારિત આપણા ઘણા સાહિત્યમાં એ જોવા મળે છે.—પ્રકટી. ૧૬:૧.

૬, ૭. આજે અભિષિક્તો કયા કાર્યમાં આગેવાની લઈ રહ્યા છે? જેઓ શેતાનની દુનિયાનો ભાગ છે તેઓ માટે કઈ તક રહેલી છે?

એનો શું એવો અર્થ થાય કે શેતાનની દુનિયામાંથી નીકળીને યહોવાહની કૃપા પામવી હવે અશક્ય છે? ના, જરાય નહિ. હજી યહોવાહની કૃપા પામવા ઘણી તકો રહેલી છે. સર્વ દેશ અને જાતિના લોકોને ‘ઈશ્વરની સાથે સમાધાન કરવાનો’ મોકો મળે એ માટે તેઓને આજે આમંત્રણ અપાઈ રહ્યું છે. એ આમંત્રણ આપવામાં “ખ્રિસ્તના એલચી” કે રાજદૂત તરીકે અભિષિક્તો આગેવાની લઈ રહ્યા છે.—૨ કોરીં. ૫:૨૦, ૨૧.

પ્રેરિત પાઊલે કહ્યું હતું કે ઈસુ ‘આવનાર કોપથી આપણને બચાવશે.’ (૧ થેસ્સા. ૧:૧૦) પણ જેઓ પાપ કરતા રહે છે અને પસ્તાવો કરતા નથી તેઓનો યહોવાહના કોપના દિવસે સર્વનાશ થશે. (૨ થેસ્સા. ૧:૬-૯) એમાંથી કોણ બચશે? બાઇબલ કહે છે: ‘દીકરા પર જે વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે; પણ દીકરાનું જે નથી માનતો, તે જીવન નહિ દેખશે, પણ તેના પર ઈશ્વરનો કોપ રહે છે.’ (યોહા. ૩:૩૬) આજે જે કોઈ ઈસુ અને તેમના બલિદાન પર વિશ્વાસ કરે છે તેઓનું ઈશ્વર રક્ષણ કરશે. દુષ્ટ દુનિયા પર આવી રહેલા ઈશ્વરના કોપના દિવસે તેઓ બચી જશે.

ઈસુના બલિદાનથી શું શક્ય બન્યું?

૮. (ક) આદમ અને હવા પાસે કેવી અજોડ તક હતી? (ખ) યહોવાહ હંમેશાં અદલ ઇન્સાફ કરે છે એ કઈ રીતે સાબિત થયું?

આદમ અને હવાને સંપૂર્ણ બનાવવામાં આવ્યા હતા. તન-મનથી તેઓમાં કોઈ ખામી ન હતી. જો તેઓએ યહોવાહની આજ્ઞા પાળી હોત તો આજે પણ જીવતા હોત. આખી ધરતી પર તેઓનાં સંતાનો સુખ-શાંતિથી રહેતા હોત. પણ દુઃખની વાત છે કે આદમ અને હવાએ જાણીજોઈને યહોવાહની આજ્ઞા તોડી અને પાપી બન્યા. એટલે યહોવાહે તેઓને મોતની સજા કરી અને સુંદર એદન બાગમાંથી કાયમ માટે બહાર કાઢી મૂક્યા. પછી તેઓને બાળકો થયા ત્યારે તેઓમાં પણ પાપની અસર આવી. છેવટે આદમ અને હવા ઘરડાં થઈને મરણ પામ્યાં. આ બતાવે છે કે યહોવાહ જે કંઈ કહે છે એ કરીને જ રહે છે. તે હંમેશાં અદલ ઇન્સાફ કરે છે. યહોવાહે પહેલેથી આદમને ચેતવ્યો હતો કે મના કરેલું ફળ તે ખાશે તો ચોક્કસ મરશે. અને એવું જ થયું.

૯, ૧૦. (ક) આદમના વંશજો કેમ મરણ પામે છે? (ખ) આપણે કઈ રીતે મોતની સજામાંથી બચી શકીએ?

આદમના વંશજ હોવાથી આપણે સર્વ તન-મનથી અપૂર્ણ છીએ અને પાપ કરી બેસીએ છીએ. એટલે એક દિવસ મરણ પામીએ છીએ. આદમે પાપ કર્યું એનાથી આપણે પણ પાપી બન્યા. ખરું કે એ સમયે આપણે જન્મ્યા ન હતા તોપણ આખરે તો આપણે તેના જ સંતાનો છીએ. એટલે આદમને મરણની સજા થઈ એમાં આપણે પણ આવી જઈએ છીએ. આપણી હાલત વિષે પાઊલે ખરું જ કહ્યું હતું: ‘આપણે જાણીએ છીએ કે નિયમશાસ્ત્ર ઈશ્વરે આપેલું છે; પરંતુ હું પૃથ્વીનો માનવી છું. હું ગુલામ તરીકે પાપને વેચાયેલો છું. હું કેવો દુઃખી માનવી છું! મરણને માર્ગે લઈ જનાર શરીરથી મને કોણ બચાવશે?’ (રૂમી ૭:૧૪, ૨૪, કોમન લેંગ્વેજ) જો યહોવાહ કોઈ કિંમત ચૂકવ્યા વગર ઘડપણ અને મરણ કાઢી નાખે તો તે પોતાનું જ વચન તોડે. તો તેમણે શું કર્યું?

૧૦ ફક્ત યહોવાહ આપણને ન્યાયી રીતે પાપ અને મરણમાંથી છોડાવી શકે છે. એ માટે તેમણે મોટી કિંમત ચૂકવી જેથી આપણાં પાપ માફ થાય. એમ કરવા તેમણે પોતાના સૌથી વહાલા દીકરાને સ્વર્ગમાંથી ધરતી પર મોકલ્યા. તે મનુષ્ય તરીકે જન્મ્યા. ઈસુમાં આદમના પાપનો છાંટો પણ ન હોવાથી તે સંપૂર્ણ હતા. એટલે તે પોતાનો જીવ આપી દઈને આપણને પાપ અને મરણમાંથી આઝાદ કરી શકતા હતા. આદમે તો જાણીજોઈને પાપ કર્યું, જ્યારે કે ઈસુએ “કંઈ પાપ કર્યું નહિ.” (૧ પીત. ૨:૨૨) ઈસુએ ચાહ્યું હોત તો લગ્‍ન કરીને એક એવી પ્રજા ઉત્પન્‍ન કરી શક્યા હોત જે તન-મનથી સંપૂર્ણ હોય. પણ તેમણે એમ ન કર્યું. એને બદલે ઈશ્વરના દુશ્મનોને હાથે તે મરણ પામ્યા, જેથી આદમના વંશજોને દત્તક લઈને તેઓનું પાપ દૂર કરી શકે. તેમ જ, જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેઓ અમર જીવન પામી શકે. એના વિષે બાઇબલ જણાવે છે: ‘ઈશ્વર એક જ છે, અને ઈશ્વર તથા માણસોની વચ્ચે એક જ મધ્યસ્થ પણ છે, એટલે કે એક માણસ, ઈસુ ખ્રિસ્ત, જેણે સઘળાં માણસોના ઉદ્ધારને માટે પોતાનું સ્વાર્પણ કર્યું.’—૧ તીમો. ૨:૫, ૬.

૧૧. (ક) દાખલો આપીને સમજાવો કે ઈસુના બલિદાનથી આપણને કઈ રીતે લાભ થાય છે. (ખ) ઈસુના બલિદાનથી કોને કોને લાભ થાય છે?

૧૧ ઈસુએ પોતાનો જીવ આપી દઈને સ્વાર્પણ કર્યું એનાથી આપણે પાપ અને મરણમાંથી આઝાદ થઈ શકીએ છીએ. એ સમજવા એક દાખલો લઈએ. માની લો કે લોકોએ પોતાની જીવનભરની બચત એક બૅંકમાં મૂકી છે. પણ અમુક સમય પછી બૅંકના માલિકો એ પૈસા ખાઈ જાય છે અને લોકો દેવામાં ડૂબી જાય છે. એટલે માલિકોને જેલની લાંબી સજા થાય છે. પરંતુ જેઓ દેવામાં ડૂબી ગયા તેઓનું શું? તેઓને તો હવે જીવનનો કોઈ આધાર રહ્યો નહિ. પણ જો કોઈ ભલો ધનવાન માણસ દેવાળામાં ગયેલી બૅંક ખરીદી લે અને બધા લોકોને તેઓના દેવામાંથી બહાર કાઢે તો તેઓને કેવો મોટો સહારો મળે! એવી જ રીતે યહોવાહ અને તેમના દીકરા ઈસુએ આદમના વંશજોને ખરીદી લીધા છે અને ઈસુએ વહેવડાવેલા લોહીને આધારે સર્વ મનુષ્યના પાપ માફ કર્યા છે. એટલે જ ઈસુ વિષે યોહાન બાપ્તિસ્મકે કહ્યું: ‘ઈશ્વરનું હલવાન, કે જે જગતનું પાપ દૂર કરે છે!’ (યોહા. ૧:૨૯) સર્વ મનુષ્યોમાં જેઓ જીવે છે તેઓનાં જ નહિ, પણ જેઓ ગુજરી ગયા છે તેઓના પાપ પણ માફ કરવામાં આવે છે.

આપણા ઉદ્ધાર માટે કેવી કિંમત ચૂકવવામાં આવી?

૧૨, ૧૩. ઈસ્હાકનું બલિદાન આપવા ઈબ્રાહીમ તૈયાર હતા એમાંથી આપણે શું શીખી શકીએ?

૧૨ યહોવાહ અને તેમના દીકરાએ કેટલી મોટી કિંમત ચૂકવી, એ આપણે પૂરી રીતે સમજી શકીએ એમ નથી. પણ થોડી હદે એને સમજવા બાઇબલના અમુક અહેવાલો આપણને મદદ કરે છે. ઈબ્રાહીમ અને ઈસ્હાકનો અહેવાલ લઈએ. યહોવાહે ઈબ્રાહીમને આજ્ઞા કરી હતી: “હવે તારો દીકરો; તારો એકનોએક દીકરો, ઇસ્હાક, જેના પર તું પ્રીતિ કરે છે, તેને લઈને મોરીયાહ દેશમાં ચાલ્યો જા; અને ત્યાં જે પર્વતો હું તને બતાવું તેઓમાંના એક પર તું તેનું દહનીયાર્પણ કર.” (ઉત. ૨૨:૨-૪) આ આજ્ઞા પાળવા ઈબ્રાહીમ ત્રણ દિવસની લાંબી મુસાફરી કરીને મોરીયાહ જતા હતા ત્યારે તેમણે કેવું અનુભવ્યું હશે એની કલ્પના કરો.

૧૩ લાંબી મુસાફરી કરીને છેવટે યહોવાહે જણાવેલી જગ્યાએ ઈબ્રાહીમ પહોંચ્યા. ત્યાં તેમણે વેદી બાંધી. જરા વિચાર કરો: ઈસ્હાકના હાથ-પગ બાંધીને પોતે જ બનાવેલી વેદી પર તેને સુવડાવતા ઈબ્રાહીમનું કાળજું કેવું વીંધાઈ ગયું હશે. પછી એકનાએક દીકરાને મારવા હાથમાં છરો લેતી વખતે ઈબ્રાહીમને કેટલું દુઃખ થયું હશે! જરા કલ્પના કરો કે વેદી પર સૂતા સૂતા તીક્ષ્ણ છરાથી મરવાની રાહ જોતા ઈસ્હાકને કેવી લાગણી થતી હશે. ઈબ્રાહીમ છરો ચલાવવાની અણીએ જ હતા ત્યાં યહોવાહના સ્વર્ગદૂતે તેમને રોક્યા. ઈબ્રાહીમ અને ઈસ્હાકે જે કર્યું એનાથી આપણને થોડી હદે એ સમજવા મદદ મળે છે કે યહોવાહે આપણા માટે કેવી મોટી કિંમત ચૂકવી છે. શેતાનના માણસોને હાથે યહોવાહે પોતાના દીકરાને મરવા દીધો ત્યારે તેમને કેવું દુઃખ થયું હશે! જેવી રીતે ઈસ્હાકે ઈબ્રાહીમને સાથ આપ્યો એ જ રીતે ઈસુ પણ રાજી-ખુશીથી દુઃખ સહીને આપણા માટે મરણ પામ્યા.—હેબ્રી ૧૧:૧૭-૧૯.

૧૪. યાકૂબના જીવનનો કયો બનાવ આપણને ઈસુના બલિદાનની કિંમત સમજવા મદદ કરે છે?

૧૪ ઈસુનું બલિદાન આપીને યહોવાહે કેવી મોટી કિંમત ચૂકવી એ સમજવા યાકૂબનો અહેવાલ પણ મદદ કરે છે. યાકૂબને બધા દીકરાઓમાં યુસફ સૌથી વહાલો હતો. પણ દુઃખની વાત છે કે યુસફની તેના ભાઈઓ અદેખાઈ કરતા હતા અને તેને ધિક્કારતા હતા. તેમ છતાં, એક વાર પિતાના કહેવાથી યુસફ પોતાના ભાઈઓની ખબર કાઢવા ગયો. એ સમયે તેના ભાઈઓ તેઓના ઘર હેબ્રોનથી સોએક કિલોમીટર દૂર ઉત્તર બાજુએ પિતા યાકૂબના ઘેટાં ચરાવતા હતા. જરા કલ્પના કરો, યુસફના ભાઈઓ તેનો ઝભ્ભો લોહીથી રંગીને યાકૂબ પાસે લાવ્યા ત્યારે તેમને કેટલું દુઃખ થયું હશે! તેમણે કહ્યું: “તે મારા દીકરાનો ઝભ્ભો છે; કોઈ રાની પશુએ તેને ફાડી ખાધો છે; નિશ્ચે યુસફ ફાડી નંખાયો છે.” એ બનાવની યાકૂબ પર ઊંડી અસર પડી. તેમણે યુસફના મરણનો ઘણા દિવસો સુધી શોક કર્યો. (ઉત. ૩૭:૩૩, ૩૪) ખરું કે આવા સંજોગોમાં યહોવાહ માણસની જેમ વર્તતા નથી. તેમ છતાં, યાકૂબના આ અહેવાલ પર વિચાર કરવાથી આપણને અમુક અંશે એ સમજવા મદદ મળે છે કે લોકોએ ઈસુ સાથે ક્રૂર વર્તાવ કરીને તેમને મારી નાખ્યા ત્યારે યહોવાહને કેટલું દુઃખ થયું હશે.

ઈસુના બલિદાનથી કેવો લાભ થાય છે

૧૫, ૧૬. (ક) યહોવાહે કઈ રીતે બતાવ્યું કે તેમણે ઈસુના બલિદાનને માન્ય કર્યું છે? (ખ) ઈસુના બલિદાનથી તમને કેવો લાભ થયો છે?

૧૫ યહોવાહે પોતાના વહાલા દીકરાને સજીવન કર્યા. આપણી જેમ હાડ માંસના શરીરમાં નહિ, પણ દેવદૂત તરીકે સજીવન કર્યા. (૧ પીત. ૩:૧૮) પછી ચાળીશ દિવસ સુધી ઈસુએ પોતાના શિષ્યોને મળીને તેઓની શ્રદ્ધા મજબૂત કરી. તેમ જ આવનાર દિવસોમાં જોરશોરથી પ્રચાર કરવા તેઓને તૈયાર કર્યા. પછી તે સ્વર્ગમાં ચઢી ગયા અને યહોવાહની આગળ જઈને પોતે વહેવડાવેલા લોહીની કિંમત રજૂ કરી. એ રીતે ઈસુએ પોતાના બલિદાનમાં વિશ્વાસ મૂકતા શિષ્યો માટે ઉદ્ધારનો માર્ગ ખોલ્યો. ઈસુએ રજૂ કરેલા એ મૂલ્યને યહોવાહે માન્ય કર્યું એની પહેલી સાબિતી પેન્તેકોસ્ત ૩૩ના દિવસે જોવા મળી. એ દિવસે યરૂશાલેમમાં ભેગા થયેલા શિષ્યો પર આશીર્વાદ રેડવા યહોવાહે ઈસુનો ઉપયોગ કર્યો.—પ્રે.કૃ. ૨:૩૩.

૧૬ એ શિષ્યો યહોવાહની શક્તિથી ભરપૂર થયા પછી તરત જ લોકોને અરજ કરવા લાગ્યા કે ઈશ્વરના કોપથી બચવું હોય તો ઈસુના નામે બાપ્તિસ્મા લો અને પોતાનાં પાપની માફી પામો. (પ્રેરિતોનાં કૃત્યો ૨:૩૮-૪૦ વાંચો.) એ મહત્ત્વના દિવસથી લઈને આજ સુધી સર્વ પ્રજાઓમાંથી લાખોને લાખો લોકો ઈસુના બલિદાન પર વિશ્વાસ મૂકીને યહોવાહ સાથે નાતો બાંધવા દોરાઈ રહ્યા છે. (યોહા. ૬:૪૪) આટલી ચર્ચા કર્યા પછી આપણે હજી બે સવાલો પર વિચાર કરવાની જરૂર છે: શું આપણા પોતાના સારાં કામોને લીધે આપણને અમર જીવનની આશા મળી છે? આ સુંદર આશા મળ્યા પછી શું એવું બની શકે કે આપણે એને ખોઈ બેસીએ?

૧૭. યહોવાહ સાથે નાતો જાળવી રાખવા આપણે શું કરવું જોઈએ?

૧૭ ઈસુનું બલિદાન આપીને યહોવાહે કેવી અપાર કૃપા બતાવી છે! આપણે પોતાની મેળે ક્યારેય એને લાયક બની ન શકીએ. પણ એ બલિદાનમાં વિશ્વાસ મૂકીને આજે લાખો લોકો ઈશ્વર સાથે નાતો બાંધી શક્યા છે. તેઓને સુંદર ધરતી પર અમર જીવનની આશા છે. પરંતુ એક વાર યહોવાહ સાથે નાતો બંધાયા પછી એવી કોઈ ખાતરી મળતી નથી કે એ હંમેશા ટકી રહેશે. ઈશ્વરના કોપના દિવસથી બચવું હોય તો, આપણે “ઈસુ ખ્રિસ્તથી જે ઉદ્ધાર” મળે છે એની ઊંડી કદર બતાવતા રહેવું જોઈએ.—રૂમી ૩:૨૪; ફિલિપી ૨:૧૨ વાંચો.

ઈસુના બલિદાનમાં વિશ્વાસ બતાવતા રહીએ

૧૮. ઈસુના બલિદાનમાં વિશ્વાસ મૂકવાનો શું અર્થ થાય?

૧૮ આ લેખની મુખ્ય કલમ યોહાન ૩:૩૬ બતાવે છે તેમ, ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ મૂકવાનો અર્થ એ પણ થાય કે તેમના કહેવા પ્રમાણે કરવું. ઈસુના બલિદાનની કદર હશે તો આપણે તેમના શિક્ષણ અને સંસ્કાર પ્રમાણે જ જીવવા દોરાઈશું. (માર્ક ૭:૨૧-૨૩) પરંતુ જેઓ પોતાનાં પાપી કામ છોડીને પસ્તાવો કરતા નથી તેઓનો ઈશ્વર ન્યાય કરશે. વ્યભિચાર, નિર્લજ્જ વાણી-વર્તન કે પોર્નોગ્રાફી તો ‘સર્વ પ્રકારનાં મલિન કામો’ છે. એવાં કામોમાં લાગુ રહેનારાઓ પર ‘ઈશ્વરનો કોપ’ આવી રહ્યો છે.—એફે. ૫:૩-૬.

૧૯. શું કરવાથી આપણે ઈસુના બલિદાન માટે કદર બતાવી શકીશું?

૧૯ ઈસુના બલિદાનની આપણને કદર હશે તો આપણે ‘પવિત્ર આચરણમાં’ મંડ્યા રહીશું. (૨ પીત. ૩:૧૧) એ માટે ચાલો આપણે નિયમિત રીતે દિલથી પ્રાર્થના કરવા, વ્યક્તિગત બાઇબલનો અભ્યાસ કરવા, સભાઓમાં જવા, કુટુંબ તરીકે ભક્તિ કરવા અને પૂરા ઉત્સાહથી રાજ્યનો પ્રચાર કરવા પૂરતો સમય કાઢીએ. તેમ જ આપણે ‘ઉપકાર કરવાનું તથા દાન વહેંચી આપવાનું ભૂલીએ નહિ. કેમ કે એવા યજ્ઞોથી ઈશ્વર બહુ સંતુષ્ટ થાય છે.’—હેબ્રી ૧૩:૧૫, ૧૬.

૨૦. ઈસુના બલિદાનમાં વિશ્વાસ કરનારા માટે ભાવિમાં કેવો સુંદર આશીર્વાદ રહેલો છે?

૨૦ આ દુષ્ટ દુનિયા પર યહોવાહનો કોપ પ્રગટ થશે ત્યારે આપણા માટે ગભરાવાનું કોઈ કારણ નહિ હોય. આપણે તો ઈસુના બલિદાનમાં વિશ્વાસ અને કદર બતાવતા આવ્યા હોવાથી બહુ ખુશ હોઈશું! કોપના દિવસથી બચવા યહોવાહે આપણા માટે ઈસુના બલિદાનની કેવી સુંદર ગોઠવણ કરી છે! ઈશ્વરે વચન આપેલી નવી દુનિયામાં આપણે એ ગોઠવણ માટે કાયમ યહોવાહનો ઉપકાર માનતા રહીશું.—યોહાન ૩:૧૬; પ્રકટીકરણ ૭:૯, ૧૦, ૧૩, ૧૪ વાંચો. (w10-E 08/15)

તમે કેવો જવાબ આપશો?

• આપણને શા માટે છુટકારાની જરૂર છે?

• આપણા ઉદ્ધાર માટે યહોવાહે કેવી કિંમત ચૂકવી?

• ઈસુના બલિદાનથી આપણને કેવા લાભ થાય છે?

• ઈસુના બલિદાનમાં વિશ્વાસ બતાવવા આપણે શું કરવું જોઈએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૭ પર ચિત્રનું મથાળું]

યહોવાહની કૃપા પામવા હજી ઘણી તક રહેલી છે

[પાન ૧૯ પર ચિત્રનું મથાળું]

ઈબ્રાહીમ, ઈસ્હાક અને યાકૂબના જીવનમાં થયેલા બનાવો પર વિચાર કરવાથી આપણને ઈસુના બલિદાનની કદર કરવા મદદ મળે છે