સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તેઓને હવે અંતનો કોઈ ડર નથી

તેઓને હવે અંતનો કોઈ ડર નથી

તેઓને હવે અંતનો કોઈ ડર નથી

ગેરી અને કેરને ૧૯૭૦ના દાયકાને અંતે માની લીધું કે દુનિયાનો અંત ઘણો જ પાસે છે. એટલે તેઓ શહેર બહાર ગામડા જેવા વિસ્તારમાં રહેવા ગયા. કોઈ બાબત માટે બીજા પર આધાર ન રાખવો પડે, એ રીતે જીવવાનો નિર્ણય કર્યો. તેઓને વિનાશમાંથી બચવું હતું.

એ માટે ઘણી આવડતો શીખવા તેઓએ પુસ્તકો ખરીદ્યાં, ક્લાસીસ અને સેમિનારમાં ગયા. તેઓએ ઘણા લોકો સાથે એના વિષે વાતચીત કરી. શાકભાજી વાવ્યાં અને નાના કદના જ રહે એવાં ફળોનાં પચાસ ઝાડ વાવ્યાં. તેઓએ જાતજાતનાં બી અને બાગ-ખેતીનાં સાધનો ભેગાં કર્યાં. અનાજ ઉગાડવાનું અને સંઘરી રાખવાનું શીખ્યા. એક મિત્રે તેઓને શીખવ્યું કે કઈ રીતે પ્રાણી કાપીને એનું માંસ સંઘરવું. કેરન જંગલનાં છોડ-પાન અને મૂળિયાં પારખતા શીખી, જેથી સંઘરેલું ખાવાનું ખતમ થઈ જાય તોપણ, તેઓ જંગલમાંથી કંઈક ખાય અને જીવી શકે. ગેરી શીખ્યો કે કઈ રીતે મકાઈમાંથી બળતણ પેદા કરવું, લાકડા પર રસોઈ કરવા લોખંડનો સ્ટવ બનાવવો અને એવું ઘર બાંધવું જેમાં બધી જ ગોઠવણ હોય, જેથી કોઈના પર આધાર રાખવો ન પડે.

કેરન કહે છે કે “તે વખતે દુનિયાની હાલત એટલી ખરાબ હતી કે મને લાગ્યું કે જલદી જ મનુષ્યનો અંત આવી જશે.” ગેરી જણાવે છે કે “બીજા યુવાનોની જેમ હું પણ ભ્રષ્ટાચાર, જાતિવાદ અને વિયેતનામમાં ચાલી રહેલા યુદ્ધને અટકાવવા આગળ પડતો ભાગ લેવા લાગ્યો. પણ મને જલદી જ સમજાયું કે માણસજાત પોતાના વિનાશ તરફ જઈ રહી છે.”

ગેરી કહે છે કે “એક સાંજે મારી પાસે થોડો સમય હોવાથી મેં બાઇબલ વાંચવાનું શરૂ કર્યું અને માત્થીથી પ્રકટીકરણ સુધી વાંચી ગયો. એ પછીની ચાર રાત્રે હું થોડું થોડું કરીને ફરીથી માત્થીથી પ્રકટીકરણ સુધી વાંચી ગયો. પાંચમી સવારે મેં કેરનને કહ્યું કે ‘આપણે છેલ્લા દિવસોમાં જીવીએ છીએ. આ ધરતીને સાફ કરવા ઈશ્વર જલદી જ પગલાં ભરશે. એમાંથી બચી જનારા લોકોને આપણે શોધવા જોઈએ.’” ગેરી અને કેરન અલગ અલગ ધર્મોની તપાસ કરવા લાગ્યા. તેઓ એવા લોકોને શોધવા લાગ્યા, જેઓ અંતમાંથી બચી જવાની તૈયારી કરતા હોય.

થોડા સમયમાં જ યહોવાહના એક સાક્ષી તેઓના ઘરે બાઇબલનો સંદેશો જણાવવા આવ્યા. ત્યારથી તેઓ બાઇબલમાંથી શીખવા લાગ્યા. કેરન કહે છે કે ‘મને એમાં ઘણી મઝા આવતી, કેમ કે બાઇબલની કલમો સારી રીતે સમજાવવામાં આવતી. અંત વિષેનું સત્ય તો હું ઘણા સમયથી શોધતી હતી અને આખરે મને મળ્યું. ભાવિની સુંદર આશા મળી. સૌથી મહત્ત્વનું તો હું સર્જનહાર સાથે સારો નાતો બાંધવા લાગી.’

ગેરી કહે છે કે “મને જીવનનો મકસદ મળ્યો. એક વાર બાઇબલમાંથી શીખવા લાગ્યો પછી એ બંધ કરવાનું જરાય મન થતું નહિ. મેં બાઇબલનાં ભવિષ્યવચનો વાંચ્યાં. એ સાચાં છે કે નહિ એની સાબિતી મેળવી. પછી મને પૂરી ખાતરી થઈ કે ઈશ્વર જલદી જ પગલાં ભરશે. મેં વિચાર્યું કે ‘લોકોએ આવનાર આફત માટે તૈયારી કરવાને બદલે, ઈશ્વર જે સુંદર જીવન આપવાના છે એની તૈયારી કરવી જોઈએ.’” ગેરી અને કેરનને ભાવિની સુંદર આશા મળી. દુષ્ટ દુનિયાના અંતનો ડર રાખવાને બદલે, તેઓને પૂરી ખાતરી મળી કે ઈશ્વર બધી દુઃખ-તકલીફો દૂર કરશે. ધરતીના રંગરૂપ બદલીને એકદમ સુંદર બનાવી દેશે.

એ વાતને પચીસેક વર્ષ વીતી ગયાં પછી, હવે ગેરી અને કેરન શું કરે છે? કેરન કહે છે કે “હું યહોવાહ માટેનો મારો પ્રેમ અને શ્રદ્ધા વધારતી રહું છું. બીજાઓને પણ એમ કરવા મદદ કરું છું. હું અને ગેરી એકબીજાને પૂરો સાથ આપીએ છીએ, જેથી ઈશ્વરની સેવા સારી રીતે કરી શકીએ. અમે દરેક રીતે સારી ગોઠવણ કરવાનો પ્રયત્ન કરીને, જીવન સાદું રાખીએ છીએ. આમ, અમે બીજાઓને મદદ કરવા વધારે ધ્યાન આપીએ છીએ.”

ગેરી જણાવે છે કે “હું હંમેશાં પ્રાર્થના કરું છું કે યહોવાહનું રાજ્ય જલદી આવે અને લાખો લોકોને દુઃખ-તકલીફોમાંથી છોડાવે. હું ઈશ્વરના રાજ્યની ખુશખબર જણાવવા જાઉં ત્યારે, એવી જ પ્રાર્થના કરું કે એકાદ વ્યક્તિને તો બાઇબલમાંથી કંઈક આશા આપી શકું. છેલ્લાં ૨૫ વર્ષથી ઈશ્વરે એ પ્રાર્થનાનો જવાબ આપ્યો છે. હું અને કેરન માનીએ છીએ કે યહોવાહ જલદી જ પગલાં ભરશે. પણ અમને હવે અંતનો કોઈ ડર નથી.”—માત્થી ૬:૯, ૧૦; ૨ પીતર ૩:૧૧, ૧૨. (w10-E 08/01)

[પાન ૯ પર ચિત્રનું મથાળું]

ગેરી અને કેરન હવે બીજાઓને બાઇબલમાંથી સુંદર આશા આપે છે