યહોવાહના આશીર્વાદ પામવા બનતું બધું જ કરીએ
યહોવાહના આશીર્વાદ પામવા બનતું બધું જ કરીએ
‘જેઓ ખંતથી ઈશ્વરને શોધે છે તેઓને તે ફળ આપે છે.’—હેબ્રી ૧૧:૬.
૧, ૨. (ક) ઈશ્વરના આશીર્વાદો પામવા ઘણા લોકો શું કરે છે? (ખ) આપણે શા માટે યહોવાહના આશીર્વાદો પામવા ચાહીએ છીએ?
“સદા સુખી રહો,” એવા આશીર્વાદ બીજાઓને આપતા ઘણાને તમે જોયા હશે. ઘણા દેશોમાં તો ગુરુઓ લોકોને, પ્રાણીઓને, અરે ચીજવસ્તુઓને પણ આશીર્વાદ આપતા હોય છે. ઘણા તો આશીર્વાદ મેળવવા લાંબી મુસાફરી કરીને અમુક ધાર્મિક જગ્યાઓએ જાય છે. નેતાઓ વારંવાર પોતાના દેશ પર આશીર્વાદ માગતા હોય છે. શું તમને લાગે છે કે આ બધા લોકો જે આશીર્વાદ માગે છે એ યોગ્ય છે? શું લોકોને ખરેખર આશીર્વાદ મળે છે? ઈશ્વર કોને આશીર્વાદ આપે છે? તે કેમ તેઓને જ આશીર્વાદ આપે છે?
૨ યહોવાહે જણાવ્યું હતું કે દુષ્ટ દુનિયાના અંતના સમયમાં બધા દેશોમાંથી લોકો તેમના ભક્તો બનશે. તેઓ તન-મનથી શુદ્ધ હશે ને હળીમળીને રહેતા હશે. તેઓ વિરોધ અને નફરત સહીને પણ આખી દુનિયામાં ઈશ્વરના રાજ્યની ખુશખબર ફેલાવતા રહેશે. (યશા. ૨:૨-૪; માથ. ૨૪:૧૪; પ્રકટી. ૭:૯, ૧૪) આપણે યહોવાહના ભક્તો બન્યા, એ જ બતાવે છે કે આપણને તેમના આશીર્વાદો જોઈએ છે. એના વગર આપણે કદીએ સફળ થઈ શકીએ એમ નથી. (ગીત. ૧૨૭:૧) આપણે કઈ રીતે ઈશ્વરના આશીર્વાદો મેળવી શકીએ?
યહોવાહનું માનનારાને જરૂર આશીર્વાદ મળે છે
૩. ઈસ્રાએલી પ્રજાએ યહોવાહની આજ્ઞા પાળી હોત તો શું અનુભવ્યું હોત?
૩ નીતિવચનો ૧૦:૬, ૭ વાંચો. ઈસ્રાએલી પ્રજા વચનના દેશમાં પ્રવેશી એ પહેલાં, યહોવાહે તેઓને આ વચન આપ્યું હતું: ‘તમે મારું સાંભળશો તો હું તમારું રક્ષણ કરીશ અને તમને આબાદ કરીશ.’ (પુન. ૨૮:૧, ૨) આ બતાવે છે કે યહોવાહનું સાંભળનારા પર ચોક્કસ આશીર્વાદો આવે છે.
૪. કેવા વલણથી યહોવાહની આજ્ઞાઓ પાળવી જોઈએ?
૪ ઈસ્રાએલીઓએ યહોવાહની આજ્ઞાઓ પાળવા કેવું વલણ રાખવાની જરૂર હતી? યહોવાહે આપેલા નિયમમાં જણાવ્યું કે તેઓએ “આનંદથી તથા હૃદયના ઉલ્લાસથી” ભક્તિ કરવાની હતી. તેઓ એમ ન કરતા ત્યારે તેમને દુઃખ થતું. (પુનર્નિયમ ૨૮:૪૫-૪૭ વાંચો.) યહોવાહ ચાહે છે કે આપણે ફરજ પડ્યાથી નહિ, પણ રાજીખુશીથી તેમનું માનીએ. ફરજ પાડવાથી તો પ્રાણીઓ અને દુષ્ટ દૂતો પણ આજ્ઞા પાળે છે. (માર્ક ૧:૨૭; યાકૂ. ૩:૩) આપણને યહોવાહ પર પ્રેમ હોવાથી, રાજીખુશીથી તેમનું માનીએ છીએ. તેમની આજ્ઞાઓ ભારે નથી. વળી, આપણને પૂરી શ્રદ્ધા છે કે ‘જેઓ ખંતથી તેમને શોધે છે તેઓને તે ફળ આપે છે.’—હેબ્રી ૧૧:૬; ૧ યોહા. ૫:૩.
૫. યહોવાહના વચનમાં વ્યક્તિને પૂરો ભરોસો હોય તો પુનર્નિયમ ૧૫:૭, ૮માં આપેલો નિયમ પાળવા તે શું કરશે?
૫ ચાલો પુનર્નિયમ ૧૫:૭, ૮માં આપેલા નિયમનો દાખલો લઈએ, જે પાળવા વ્યક્તિને યહોવાહના વચનમાં પૂરેપૂરો ભરોસો મૂકવાની જરૂર હતી. (વાંચો.) ખરું કે કમને પણ મદદ કરવામાં આવે તો અમુક અંશે ગરીબને રાહત મળે. પણ શું એનાથી ઈશ્વરભક્તો વચ્ચે સારો સંબંધ બંધાઈને પ્રેમભાવ વધ્યો હોત? સૌથી મહત્ત્વનું તો, શું એમ કરવામાં એવો વિશ્વાસ જોવા મળ્યો હોત કે યહોવાહમાં પોતાના ભક્તોની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતા છે? વ્યક્તિએ કચવાતા મને કોઈને મદદ કરી હોત તો, શું યહોવાહની જેમ ઉદાર બનવાના લહાવાની કદર બતાવી શક્યા હોત? ના, જરાય નહિ! યહોવાહ ઉદાર વ્યક્તિનું દિલ જુએ છે અને એવા લોકોને વચન આપે છે, કે ‘હું તને અને તારા સર્વ કામને આશીર્વાદ આપીશ.’ (પુન. ૧૫:૧૦) વ્યક્તિને એ વચનમાં પૂરો ભરોસો હોય તો તે શું કરશે? જેઓને જરૂર છે તેઓને તરત જ બનતી મદદ કરીને, તે યહોવાહના આશીર્વાદો મેળવશે.—નીતિ. ૨૮:૨૦.
૬. હેબ્રી ૧૧:૬ આપણને શાની ખાતરી આપે છે?
૬ યહોવાહ પોતાના ભક્તોને આશીર્વાદ આપે છે, એવો વિશ્વાસ હોવો જરૂરી છે. જોકે, હેબ્રી ૧૧:૬ બીજો એક ગુણ કેળવવા પર ભાર મૂકે છે. એ કહે છે કે જેઓ ‘ખંતથી યહોવાહને શોધે છે’ તેઓને તે આશીર્વાદ આપે છે. બાઇબલની મૂળ ભાષામાં એ શબ્દોનો અર્થ એવો થાય કે જોઈતું પરિણામ ન આવે ત્યાં સુધી, મન મૂકીને એ કામમાં મંડ્યા રહેવું. આ કલમ આપણને બતાવે છે કે યહોવાહને વળગી રહેવાથી આશીર્વાદો મળશે. એ વચન આપનાર યહોવાહ ‘કદી જૂઠું બોલી શકતા નથી.’ (તીત. ૧:૨) તેમણે હજારો વર્ષોથી સાબિત કરી આપ્યું છે કે તે પોતાનાં વચનો નિભાવે છે. તેમનાં વચનો કદી નિષ્ફળ જતાં નથી, એ હંમેશાં સાચાં પડે છે. (યશા. ૫૫:૧૧) તેથી જો આપણે તેમના પર દિલથી શ્રદ્ધા મૂકીશું, તો તે જરૂર આપણને એના આશીર્વાદ આપશે.
૭. ઈબ્રાહીમના “સંતાન” દ્વારા આવતા આશીર્વાદો પામવા આપણે શું કરવું જોઈએ?
૭ યહોવાહે વચન આપ્યું હતું કે ઈબ્રાહીમના વંશમાંથી એક “સંતાન” આવશે. ઈસુ ખ્રિસ્ત એ ‘સંતાનનો’ મુખ્ય ભાગ બન્યા. સ્વર્ગમાં જવા પસંદ કરાયેલા, એટલે અભિષિક્તો એ ‘સંતાનનો’ બીજો ભાગ બન્યા. યહોવાહ તેઓને ‘અંધકારમાંથી પોતાના અજોડ પ્રકાશમાં લાવ્યા અને પોતાના સદ્ગુણો પ્રગટ કરવાનું’ કામ સોંપ્યું. (ગલા. ૩:૭-૯, ૧૪, ૧૬, ૨૬-૨૯; ૧ પીત. ૨:૯) ઈસુએ આ અભિષિક્તોને પોતાની બધી સંપત્તિનો કારભાર સોંપ્યો છે. તેઓના માર્ગદર્શનને ધ્યાન નહિ આપીએ તો, આપણે યહોવાહ સાથે પાકો નાતો નહિ બાંધી શકીએ. આપણે બાઇબલમાંથી જે કાંઈ વાંચીએ, એની ખરી સમજણ ‘વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકરની’ મદદ વગર મળશે નહિ. એ જીવનમાં કેવી રીતે લાગુ પાડવું એ પણ ખબર પડશે નહિ. (માથ. ૨૪:૪૫-૪૭) આપણે બાઇબલમાંથી જે કંઈ શીખીએ, એ જીવનમાં લાગુ પાડીને યહોવાહના આશીર્વાદ મેળવીશું.
યહોવાહની ઇચ્છા જીવનમાં પ્રથમ રાખીએ
૮, ૯. યહોવાહની ઇચ્છા પ્રમાણે જીવવા યાકૂબે શું કર્યું?
૮ ઈસ્રાએલીઓના પૂર્વજ યાકૂબે યહોવાહનો આશીર્વાદ પામવા સ્વર્ગદૂતને રોકી રાખવા ઘણો પ્રયત્ન કર્યો હતો. તે જાણતા ન હતા કે ઈબ્રાહીમને આપેલું વચન કઈ રીતે પૂરું થશે. પણ તેમને પૂરો ભરોસો હતો કે તેમના દાદા ઈબ્રાહીમનાં વંશમાંથી યહોવાહ મોટી પ્રજા ઊભી કરશે. એટલે ઈસવીસન પૂર્વે ૧૭૮૧માં યાકૂબ પત્નીની શોધમાં હારાન દેશ ગયા. તે એવી પત્નીની શોધમાં હતા, જે પૂરા દિલથી યહોવાહની ભક્તિ કરતી હોય અને તેઓનાં બાળકોની સારી મા બને.
૯ યાકૂબ હારાનમાં તેમના મામા લાબાનની પાસે ગયા. તે લાબાનની દીકરી રાહેલના પ્રેમમાં પડ્યા. તેની સાથે લગ્ન કરવા યાકૂબ સાત વર્ષ લાબાન માટે કામ કરવા તૈયાર થયા. આ કંઈ પ્રેમ-કહાની જ ન હતી. પણ યાકૂબને ખબર હતી કે તેમના દાદા ઈબ્રાહીમ અને તેમના પિતા ઈસ્હાકને યહોવાહે કયું વચન આપ્યું હતું. (ઉત. ૧૮:૧૮; ૨૨:૧૭, ૧૮; ૨૬:૩-૫, ૨૪, ૨૫) ઇસ્હાકે પણ યાકૂબને આમ જણાવ્યું હતું: ‘સર્વસમર્થ ઈશ્વર તને આશીર્વાદ દો, ને તને સફળ કરો, ને તને વધારો, કે તારાથી ઘણાં કુળ થાય; અને ઈબ્રાહીમને આપેલો આશીર્વાદ, તે તને અને તારી સાથે તારાં સંતાનને પણ આપે, કે ઈબ્રાહીમને ઈશ્વરે આપેલો દેશ જેમાં તું પ્રવાસી છે તેનું તું વતન પામે.’ (ઉત. ૨૮:૩, ૪) એટલે જ યાકૂબે યોગ્ય પત્ની શોધવા અને વંશવેલો આગળ વધારવા ખૂબ મહેનત કરી. યહોવાહે જે કહ્યું હતું, એમાં યાકૂબે આ રીતે પૂરી શ્રદ્ધા બતાવી.
૧૦. યહોવાહે શા માટે યાકૂબને આશીર્વાદ આપ્યા?
૧૦ યાકૂબ પોતાના કુટુંબ માટે માલમિલકત ભેગી કરવા પાછળ પડી ગયા ન હતા. તેમને મન તો યહોવાહનું વચન પૂરું થાય એ જ બધું હતું. યાકૂબની આગળ નડતરો આવ્યાં, તોપણ ઈશ્વરના આશીર્વાદ પામવા તેમણે બનતું બધું જ કર્યું. તેમણે ઘડપણમાં પણ એવો જ ઉત્સાહ જાળવી રાખ્યો. એટલે યહોવાહે તેમને આશીર્વાદ આપ્યા.—ઉત્પત્તિ ૩૨:૨૪-૨૯ વાંચો.
૧૧. યહોવાહની ઇચ્છા પ્રમાણે જીવવા આપણે શું કરવું જોઈએ?
૧૧ આપણે બાઇબલમાંથી પારખી શકીએ છીએ કે ‘પ્રભુ યહોવાહનો દિવસ’ આવશે. અમુક અંશે એ પણ જાણીએ છીએ કે ત્યારે શું બનશે. (૨ પીત. ૩:૧૦, ૧૭) પરંતુ, યાકૂબની જેમ આપણે બધી જ વિગતો જાણતા નથી કે યહોવાહ કઈ રીતે પોતાનો મકસદ પૂરો કરશે. દાખલા તરીકે, આપણે જાણતા નથી કે એ દિવસ ક્યારે આવશે, પણ એ નજીકમાં જ આવશે. બાઇબલ કહે છે કે સમય થોડો જ રહ્યો હોવાથી બની શકે એટલા લોકોને પ્રચાર કરીએ, જેથી આપણું અને સાંભળનારનું જીવન બચે.—૧ તીમો. ૪:૧૬.
૧૨. આપણે શાની ખાતરી રાખી શકીએ?
૧૨ આ દુષ્ટ દુનિયાનો અંત કોઈ પણ સમયે આવી શકે છે. દુનિયાની દરેક વ્યક્તિને આપણે સંદેશો જણાવી રહીએ ત્યાં સુધી યહોવાહ રાહ નહિ જુએ. (માથ. ૧૦:૨૩) આપણને સારી રીતે પ્રચાર કરવા માર્ગદર્શન મળી રહ્યું છે. એ રીતે કરવા આપણે પોતાની શક્તિ, આવડત અને સાધનસંપત્તિ વાપરીએ. ખરું કે આપણે જાણતા નથી કે આપણા વિસ્તારમાં પ્રચારનાં કેવાં પરિણામો આવશે. (સભાશિક્ષક ૧૧:૫, ૬ વાંચો.) તેમ છતાં પ્રચાર કરતા રહીએ, યહોવાહ ચોક્કસ આપણી મહેનત પર આશીર્વાદ આપશે. (૧ કોરીં. ૩:૬, ૭) આપણને પૂરી ખાતરી છે કે તે આપણા પ્રયત્નો જુએ છે અને પોતાની શક્તિ દ્વારા જરૂરી માર્ગદર્શન પણ આપશે.—ગીત. ૩૨:૮.
યહોવાહની શક્તિની મદદ માગીએ
૧૩, ૧૪. યહોવાહે પોતાના ભક્તોને જવાબદારી ઉપાડવા કઈ રીતે મદદ કરી છે?
૧૩ મંડળમાં કોઈ જવાબદારી ઉપાડવા કે પ્રચાર કરવા પૂરતી આવડત નથી એવું કોઈને લાગે તો શું? એના માટે પ્રાર્થનામાં યહોવાહની શક્તિની મદદ માગીએ. (લુક ૧૧:૧૩ વાંચો.) યહોવાહ પોતાની શક્તિ દ્વારા વ્યક્તિને કોઈ કામ કરવા કે જવાબદારી ઉપાડવા મદદ કરી શકે છે, ભલે તેના સંજોગો કે અનુભવ ગમે એવા હોય. દાખલા તરીકે, મિસરમાં ઈસ્રાએલીઓ ઘેટાંપાળક અને ગુલામ હતા. તેઓને લડાઈ કરતા આવડતું ન હતું. તોપણ ગુલામીમાંથી આઝાદ થયા પછી, ઈશ્વરની શક્તિથી તેઓ દુશ્મનોને હરાવી શક્યા. (નિર્ગ. ૧૭:૮-૧૩) એના અમુક સમય પછી યહોવાહે મંડપ બનાવવા મુસાને નકશો આપ્યો. યહોવાહે તેમની શક્તિ દ્વારા બસાલએલ અને આહોલીઆબને મદદ કરી, જેથી એ મંડપ અને એમાંની ચીજવસ્તુઓ બનાવે.—નિર્ગ. ૩૧:૨-૬; ૩૫:૩૦-૩૫.
૧૪ આપણા જમાનામાં પણ યહોવાહે પોતાની શક્તિ દ્વારા તેમની સંસ્થાને મદદ કરી છે. દાખલા તરીકે, સંસ્થાને છાપકામ શરૂ કરવાની જરૂર દેખાઈ ત્યારે, યહોવાહે પોતાના ભક્તોને મદદ કરી. સંસ્થાની ફેક્ટરીના ઓવરસિયર રૉબર્ટ જે. માર્ટિને ૧૯૨૭ સુધીમાં જે સિદ્ધ થયું હતું, એના વિષે એક પત્રમાં આમ જણાવ્યું: ‘ખરા સમયે ઈશ્વરે દ્વાર ખોલ્યું અને અમે મોટું રોટરી પ્રેસ વેચાતું લીધું. પરંતુ એ કેવી રીતે ગોઠવવું અને ચલાવવું એના વિષે અમે કંઈ જાણતા ન હતા. જોકે ઈશ્વર જાણતા હતા કે તેમના ભક્તોનું મગજ કેવી રીતે તેજ બનાવવું. અમુક અઠવાડિયાંમાં અમે એ પ્રેસ ગોઠવી દીધું અને એ સડસડાટ ચાલવા લાગ્યું. એના બનાવનારા ધારતા પણ ન હતા, એટલી સારી રીતે એ ચાલે છે.’ આપણા સમયમાં પણ યહોવાહ પોતાની ભક્તિમાં ખંતથી મહેનત કરનારને આશીર્વાદ આપે છે.
૧૫. લાલચમાં ફસાઈ ગયેલાઓને રૂમી ૮:૧૧માંથી કેવું ઉત્તેજન મળે છે?
૧૫ યહોવાહ અનેક રીતે પોતાની શક્તિ વાપરે છે. તે પોતાના ભક્તોને પહાડ જેવી મોટી મુશ્કેલીઓ આંબવા પણ પોતાની શક્તિ આપે છે. જો આપણે કોઈ લાલચમાં ફસાઈ જઈએ તો શું? રૂમી ૭:૨૧, ૨૫ અને ૮:૧૧નો વિચાર કરો. એમાંના પાઊલના આ શબ્દોમાંથી હિંમત મળે છે કે ‘જેમણે ઈસુને મૂએલાંમાંથી ઉઠાડ્યા, તેમની શક્તિ’ આપણને મદદ કરી શકે છે. એ શક્તિથી આપણી ખરાબ ઇચ્છાઓ પર જીત મેળવી શકીએ છીએ. ખરું કે પાઊલે એ શબ્દો અભિષિક્ત ખ્રિસ્તીઓને લખ્યા હતા, પણ એનો સિદ્ધાંત આપણને બધાને લાગુ પડે છે. ચાલો આપણે ઈસુએ આપેલી કુરબાનીમાં વિશ્વાસ મૂકીએ. અયોગ્ય ઇચ્છાઓ મારી નાખવા સખત મહેનત કરીએ. યહોવાહની શક્તિની દોરવણી પ્રમાણે જ જીવીએ. આમ આપણે અમર જીવનનો આશીર્વાદ પામી શકીશું.
૧૬. યહોવાહની શક્તિ પામવા આપણે શું કરવું જોઈએ?
૧૬ શું યહોવાહની શક્તિ આપણને આપોઆપ મળી જાય એવી આશા રાખી શકીએ? ના. એ માટે આપણે પ્રાર્થનાની સાથે સાથે દિલથી બાઇબલ વાંચીએ અને એના પર વિચાર કરીએ. (નીતિ. ૨:૧-૬) યહોવાહ મંડળ દ્વારા આપણને મદદ પૂરી પાડે છે. એટલે બધી જ સભાઓમાં જઈએ. એનાથી બતાવીશું કે યહોવાહ ‘પોતાની શક્તિ દ્વારા મંડળોને જે કહે છે એ સાંભળવા’ આપણે તૈયાર છીએ. (પ્રકટી. ૩:૬) મંડળમાં જે શીખીએ એ પ્રમાણે જ જીવીએ. નીતિવચનો ૧:૨૩માં ઈશ્વર આપણને સલાહ આપે છે: ‘મારો ઠપકો સાંભળીને તમે પાછા ફરો. હું તમને મારી શક્તિથી ભરપૂર કરીશ.’ જેઓ યહોવાહને જ પોતાના ઈશ્વર ગણીને તેમની ‘આજ્ઞાઓ માને છે,’ તેઓને તે પોતાની શક્તિ આપે છે.—પ્રે.કૃ. ૫:૩૨.
૧૭. આપણા પ્રયત્નો પર યહોવાહ કઈ રીતે આશીર્વાદ આપે છે, એ દાખલો આપીને સમજાવો.
૧૭ ખરું કે ઈશ્વરના આશીર્વાદો મેળવવા આપણે પ્રયત્નો કરવા જ જોઈએ. પરંતુ ફક્ત એનાથી જ કંઈ આશીર્વાદો મળી જતા નથી. એ માટે ખુદ યહોવાહ આપણને મદદ કરે છે. તે આપણા પ્રયત્નો પર કઈ રીતે આશીર્વાદ આપે છે, એ સમજવા એક દાખલો લઈએ. આપણા શરીરને પોષણ આપતા ખોરાકની જરૂર છે. ઈશ્વરે એવો ખોરાક પૂરો પાડે છે. તેમણે આપણું શરીર એવી રીતે બનાવ્યું છે કે સ્વાદિષ્ટ ભોજનની મજા પણ લઈએ અને એમાંથી શરીરને જોઈતું પોષણ મેળવીએ. આપણને બધી ખબર નથી કે અન્ન, શાકભાજી કે ફળમાં કઈ રીતે જુદા જુદા તત્ત્વો બને છે. તેમ જ, આપણામાંથી મોટા ભાગના સમજાવી શકતા નથી કે ખોરાક આપણા શરીરમાં જાય પછી, કેવી રીતે એમાંથી શક્તિ મેળવે છે. આપણે તો ફક્ત એટલું જાણીએ છીએ કે એ ક્રિયા બરાબર કામ કરે છે અને એ માટે આપણે નિયમિત ખોરાક લઈએ છીએ. આપણે જો પોષણ આપતો સારો ખોરાક લઈશું તો વધારે તંદુરસ્ત રહીશું. એવી જ રીતે, અમર જીવનનો આશીર્વાદ પામવા યહોવાહના કહેવા પ્રમાણે જીવવાની જરૂર છે. એ માટે તે આપણને જોઈતી મદદ પણ આપે છે. આપણા માટે તેમણે મોટા ભાગની તૈયારી કરી દીધી છે. આપણે હવે બસ એ પ્રમાણે કરવાનું છે. એનાથી જે આશીર્વાદ મળે એનો યશ યહોવાહને જ જવો જોઈએ. આપણે યહોવાહની ઇચ્છા પ્રમાણે જીવવા પ્રયત્ન કરીશું તો, જરૂર આશીર્વાદ પામીશું.—હાગ્ગા. ૨:૧૮, ૧૯.
૧૮. તમે શું નિર્ણય લીધો છે અને શા માટે?
૧૮ યહોવાહની ભક્તિમાં જે કંઈ કામ મળે, એ પૂરા દિલથી ઉપાડવા સખત પ્રયત્ન કરીએ. એ સારી રીતે કરવા પ્રાર્થનામાં યહોવાહની મદદ માગીએ. (માર્ક ૧૧:૨૩, ૨૪) એમ કરીશું તો ખાતરી રાખી શકીએ કે ‘જે માગે છે તે પામશે.’ (માથ. ૭:૮) ઈસુ સાથે રાજ કરવા પસંદ થયેલાને આશીર્વાદ તરીકે સ્વર્ગમાં ‘જીવનનો મુગટ’ મળશે. (યાકૂ. ૧:૧૨) ઈબ્રાહીમના સંતાન દ્વારા આશીર્વાદ પામવા ચાહતા ઈસુના બીજાં ઘેટાં વિષે શું? તેઓ પણ તેમના આ શબ્દો સાંભળીને ઝૂમી ઊઠશે: ‘મારા પિતાના આશીર્વાદિતો આવો, જે રાજ્ય જગતનો પાયો નાખ્યા અગાઉ તમારે માટે તૈયાર કરેલું છે તેનો વારસો લો.’ (યોહા. ૧૦:૧૬; માથ. ૨૫:૩૪) સાચે જ, ‘જેઓને ઈશ્વર આશીર્વાદ આપે છે તેઓ ધરતીનો વારસો પામશે અને તેમાં કાયમ માટે રહેશે.’—ગીત. ૩૭:૨૨, ૨૯. (w10-E 09/15)
તમે કેવી રીતે સમજાવશો?
• કેવા વલણથી યહોવાહની આજ્ઞાઓ પાળવી જોઈએ?
• ઈશ્વરના આશીર્વાદ પામવા શું કરવું જોઈએ?
• કઈ રીતે ઈશ્વરની શક્તિ મેળવી શકીએ? એ કઈ રીતે આપણને મદદ કરી શકે?
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૧૩ પર ચિત્રનું મથાળું]
યહોવાહનો આશીર્વાદ પામવા યાકૂબે દૂતને રોકી રાખવા ઘણો પ્રયત્ન કર્યો હતો.
[પાન ૧૩ પર ચિત્રનું મથાળું]
શું તમે પણ એવો જ પ્રયત્ન કરો છો?
[પાન ૧૪ પર ચિત્રનું મથાળું]
યહોવાહની શક્તિથી બસાલએલ અને આહોલીઆબે એકદમ સરસ કામ કર્યું