યહોવાહને મહિમા આપતી મંડળની એકતા
યહોવાહને મહિમા આપતી મંડળની એકતા
‘ઈશ્વરની શક્તિની દોરવણી હેઠળ એકતામાં રહેવા પ્રયત્ન કરો.’—એફે. ૪:૩, IBSI.
૧. પહેલી સદીમાં એફેસસના ખ્રિસ્તીઓએ કઈ રીતે યહોવાહને મહિમા આપ્યો?
પહેલી સદીમાં એફેસસ શહેર વેપાર-ધંધાનું કેન્દ્ર હોવાથી ઘણું સમૃદ્ધ હતું. એ શહેરના મંડળમાં ખરો સંપ અને એકતા હોવાથી, ઈશ્વર યહોવાહને મહિમા મળતો. એમાં અમુક ભાઈઓ ધનવાન હતા અને દાસો રાખતા. અમુક ભાઈઓ ખૂબ જ ગરીબ હતા, અમુક તો પોતે દાસ હતા. (એફે. ૬:૫, ૯) પાઊલે ત્રણ મહિના સુધી એફેસસના સભાસ્થાનમાં ઉપદેશ કર્યો. એ સાંભળીને અમુક યહુદીઓ ખ્રિસ્તી બન્યા. તેમ જ, જેઓ પહેલાં આર્તેમિસ દેવીની ભક્તિ કરતા અને જાદુગરો હતા, તેઓમાંથી અમુક હવે ખ્રિસ્તી બન્યા હતા. (પ્રે.કૃ. ૧૯:૮, ૧૯, ૨૬) એ બતાવે છે કે દરેક પ્રકારના લોકો ખ્રિસ્તીઓ બન્યા. પાઊલ જોઈ શક્યા કે મંડળમાં સંપ હોવાથી યહોવાહનું નામ રોશન થયું હતું. એટલે પાઊલે લખ્યું કે ‘ઈશ્વરને મંડળી દ્વારા મહિમા હો.’—એફે. ૩:૨૧.
૨. એફેસી મંડળની એકતા કઈ રીતે જોખમમાં હતી?
૨ જોકે, એફેસી મંડળની એકતા જોખમમાં હતી, એટલે પાઊલે વડીલોને આવી ચેતવણી આપી: “તમારા પોતાનામાંથી પણ કેટલાક માણસો ઊભા થશે, અને શિષ્યોને પોતાની પાછળ ખેંચી લઈ જવા માટે અવળી વાતો બોલશે.” (પ્રે.કૃ. ૨૦:૩૦) એ મંડળમાં અમુક ભાઈઓનું વલણ હજુ એવું હતું, જેનાથી તેઓમાં ભાગલા પડે. એ વિષે ચેતવણી આપતા પાઊલે કહ્યું કે ‘ઈશ્વરની આજ્ઞાઓનો ભંગ કરનારાના હૃદયમાં’ હજુ એવું વલણ છે.—એફે. ૨:૨; ૪:૨૨, IBSI.
એકતા પર ભાર મૂકતો પત્ર
૩, ૪. પાઊલે એફેસીઓને લખેલા પત્રમાં કઈ રીતે એકતા પર ભાર મૂકાયો છે?
૩ પાઊલ જાણતા હતા કે ખ્રિસ્તીઓએ હળીમળીને રહેવું હોય તો, દરેકે એકતા જાળવવા ખાસ પ્રયત્ન કરવા જોઈએ. ઈશ્વરની પ્રેરણાથી પાઊલે એફેસી મંડળને પત્ર લખ્યો, જેનો મુખ્ય વિષય એકતા હતો. દાખલા તરીકે, પાઊલે લખ્યું કે ‘સઘળાં વાનાં ખ્રિસ્તમાં’ ફરીથી ભેગા કરવાનો ઈશ્વરનો મકસદ છે. (એફે. ૧:૧૦) તેમણે ખ્રિસ્તીઓને અલગ અલગ પથ્થરો સાથે સરખાવ્યા, જેનાથી ઇમારત બને છે. એમાં ‘દરેક બાંધણી એકબીજાની સાથે યોગ્ય રીતે જોડાઈને પ્રભુ યહોવાહમાં વધતા વધતા પવિત્ર મંદિર બને છે.’ (એફે. ૨:૨૦, ૨૧) વળી, પાઊલે યહુદીઓ અને બિનયહુદીઓમાંથી બનેલા ખ્રિસ્તીઓના સંપ પર ભાર મૂક્યો. તેઓને યાદ કરાવ્યું કે સર્વ મનુષ્યોને યહોવાહે જ સરજન કર્યા હોવાથી, તે આપણા ‘પિતા’ છે. તેમ જ, ‘તેમના નામ પરથી સ્વર્ગમાંના અને પૃથ્વી પરના દરેક કુટુંબને નામ આપવામાં આવે છે.’—એફે. ૩:૫, ૬, ૧૪, ૧૫.
૪ આ લેખમાં આપણે એફેસીના ચોથા અધ્યાયમાંથી શીખીશું કે એકતા રાખવા કેમ સખત પ્રયત્નો જરૂરી છે. યહોવાહ આપણને કઈ રીતે એકતામાં રહેવા મદદ કરે છે. તેમ જ, કેવો સ્વભાવ કેળવવાથી આપણને હળીમળીને રહેવા મદદ મળશે. જો તમે ચોથો અધ્યાય વાંચશો, તો આ લેખમાંથી ઘણો લાભ મેળવી શકશો.
એકતા રાખવા કેમ સખત પ્રયત્નો જરૂરી છે?
૫. સ્વર્ગદૂતો કેમ ઈશ્વરની ભક્તિ સંપીને કરી શકે છે? આપણા માટે સંપ રાખવો કેમ અઘરું બને છે?
૫ પાઊલે એફેસસના ભાઈઓને અરજ કરી કે ‘ઈશ્વરની શક્તિની દોરવણી હેઠળ એકતામાં રહેવા પ્રયત્ન કરો.’ (એફે. ૪:૩, IBSI.) એમ કરવા કેમ સખત પ્રયત્નો જરૂરી છે, એ સમજવા સ્વર્ગદૂતોનો દાખલો લઈએ. ધરતી પર એવી કોઈ બે વ્યક્તિ નથી જે એકદમ સરખી હોય. એ જ રીતે સ્વર્ગમાં ભલે લાખો દૂતો છે, પણ તે દરેકનો સ્વભાવ અને ગુણો અલગ અલગ છે. (દાની. ૭:૧૦) તોપણ તેઓ બધા સંપીને યહોવાહને ભજે છે, કેમ કે તેઓ તેમની આજ્ઞાઓ પાળીને તેમની ઇચ્છા પ્રમાણે વર્તે છે. (ગીતશાસ્ત્ર ૧૦૩:૨૦, ૨૧ વાંચો.) ખરું કે દૂતોનો સ્વભાવ અને ગુણો જુદા જુદા છે, પરંતુ મનુષ્યમાં તો આદમથી મળેલા પાપના વારસાને લીધે અનેક નબળાઈઓ પણ છે. એને લીધે સંપ રાખવાનું અઘરું બને છે.
૬. આદમના પાપની અસર હોવા છતાં આપણે હળીમળીને રહેવા કેવો સ્વભાવ કેળવવો જોઈએ?
૬ આપણા સર્વમાં આદમના પાપની અસર હોવાથી, હળીમળીને રહેવામાં અનેક મુશ્કેલીઓ આવી શકે છે. દાખલા તરીકે, એક મંડળના બે ભાઈઓનો વિચાર કરો. એક ભાઈ નમ્ર સ્વભાવના છે, પણ મોટે ભાગે બધે જ મોડા પડે છે. બીજા ભાઈ ક્યારેય મોડા પડતા નથી, પણ વાતવાતમાં ગુસ્સે થઈ જાય છે. બંને એકબીજા વિષે કદાચ વિચારે કે તેને સુધારો કરવાની જરૂર છે. પરંતુ, પોતાને પણ સુધારો કરવાની જરૂર છે એ તેઓ ભૂલી જાય છે. કઈ રીતે તેઓ મંડળમાં સંપીને યહોવાહની ભક્તિ કરી શકે? સારો સ્વભાવ કેળવવા વિષેની પાઊલની આ સલાહ તેઓને મદદ કરી શકે: ‘હું તમને વિનંતી કરું છું કે તમે યોગ્ય રીતે ચાલો. સંપૂર્ણ દીનતા, નમ્રતા અને સહનશીલતા રાખીને પ્રેમથી એકબીજાનું સહન કરો. શાંતિના બંધનમાં એકતા રાખવાને પ્રયત્ન કરો.’ (એફે. ૪:૧-૩) હવે વિચારો કે આપણે પણ કઈ રીતે એવો સ્વભાવ કેળવીને મંડળની એકતામાં વધારો કરી શકીએ.
૭. મંડળના ભાઈબહેનો સાથે સંપીને ભક્તિ કરવી કેમ ખૂબ જ જરૂરી છે?
૭ મંડળના ભાઈબહેનો સાથે સંપીને ભક્તિ કરવી ખૂબ જ જરૂરી છે. સાચા ભક્તોનું સંગઠન એક શરીર જેવું છે. એ વિષે બાઇબલ આમ કહે છે: ‘જેમ તમારા તેડાની એક આશામાં તમને તેડવામાં આવ્યા છે, તેમ એક શરીર અને એક પવિત્ર શક્તિ છે. એક પ્રભુ, એક વિશ્વાસ, એક બાપ્તિસ્મા, એક ઈશ્વર જે સર્વના પિતા છે.’ (એફે. ૪:૪-૬) યહોવાહ શરૂઆતથી એક જ સંગઠન દ્વારા માર્ગદર્શન આપે છે, જેના પર તેમની કૃપા છે. તેથી જો મંડળમાં કોઈની સાથે તકલીફ ઊભી થાય, તો યહોવાહનું સંગઠન છોડીને આપણે બીજે ક્યાં જઈશું? આ સંગઠન સિવાય બીજા કોઈની પાસે અમર જીવનનું શિક્ષણ નથી.—યોહા. ૬:૬૮.
સંપ જાળવવા “માણસોને દાન” તરીકે આપ્યા છે
૮. મંડળમાં સંપ જાળવી રાખવા ઈસુ કોના દ્વારા મદદ કરે છે?
૮ ઈસુએ મંડળમાં એકતા જાળવી રાખવા “માણસોને દાન” તરીકે આપ્યા છે. એ સમજાવવા પાઊલે જૂના જમાનાના સૈનિકોનું ઉદાહરણ આપ્યું. સૈનિકો જીતીને પાછા આવતા ત્યારે, ઘણી વાર ત્યાંના લોકોને દાસો તરીકે પકડી લાવતા. એ દાસો સૈનિકની પત્નીને ઘરકામમાં મદદ કરતા. (ગીત. ૬૮:૧, ૧૨, ૧૮) એવી જ રીતે, ઈસુએ પણ આ જગત પર જીત મેળવી છે. એમાંના ઘણા લોકો રાજીખુશીથી દાસો તરીકે તેમની સેવા કરે છે. (એફેસી ૪:૭, ૮ વાંચો.) એ દાસોને ઈસુ કેવું કામ સોંપે છે? બાઇબલ આમ કહે છે: ‘સંતોની સંપૂર્ણતા કરવાને અર્થે, સેવાના કામને માટે, ખ્રિસ્તના શરીરની ઉન્નતિ કરવાને માટે, ઈસુએ કેટલાએક પ્રેરિતો, કેટલાએક પ્રબોધકો, કેટલાએક સુવાર્તિકો, કેટલાક પાળકો અને ઉપદેશકો આપ્યા; ત્યાં સુધી કે આપણે સહુ વિશ્વાસથી એક થઈએ.’—એફે. ૪:૧૧-૧૩.
૯. (ક) મંડળમાં એકતા જાળવી રાખવા વડીલો કઈ રીતે મદદ કરે છે? (ખ) મંડળમાં દરેકે એકતા રાખવા કેમ પૂરો સાથ આપવો જોઈએ?
૯ ઈસુએ મંડળમાં એકતા જાળવી રાખવા વડીલોને ‘દાન તરીકે’ આપ્યા છે. દાખલા તરીકે, કોઈ વડીલ મંડળમાં એવા બે ભાઈઓને જુએ, જેઓ ‘એકબીજાની અદેખાઈ કરીને’ ચડિયાતા બનવાનો પ્રયત્ન કરે છે. એવા કિસ્સામાં વડીલ મંડળમાં સંપ જાળવી રાખવા, તેઓને પ્રેમથી એકાંતમાં સલાહ આપશે. આમ, તે ‘તેઓમાં નમ્ર ભાવે’ સુધારો કરવા મદદ કરે છે. (ગલા. ૫:૨૬–૬:૧) શિક્ષકો તરીકે વડીલો આપણી શ્રદ્ધા વધારવા બાઇબલમાંથી શિક્ષણ આપે છે. આમ, તેઓ મંડળમાં એકતા જાળવવા અને શ્રદ્ધા વધારવા મદદ કરે છે. આપણને એનાથી બીજો કેવો લાભ થાય છે? પાઊલે જણાવ્યું કે ‘જેથી હવે પછી આપણે બાળકોના જેવા માણસોની ઠગાઈથી, ભમાવનારી કાવતરાં ભરેલી યુક્તિથી, દરેક જુદા જુદા મતરૂપી પવનથી ડોલાં ખાનારા અને આમતેમ ફરનારા ન થઈએ.’ (એફે. ૪:૧૩, ૧૪) શરીરનાં અવયવો એકબીજાને જોઈતી મદદ પૂરી પાડી સાથ આપે છે. એવી જ રીતે, આપણે દરેકે મંડળમાં પ્રેમ અને સંપ જાળવી રાખવા પૂરો સાથ આપવો જોઈએ.—એફેસી ૪:૧૫, ૧૬ વાંચો.
નવો સ્વભાવ કેળવીએ
૧૦. કઈ રીતે વ્યભિચારી વલણ આપણી એકતા માટે મોટો ખતરો છે?
૧૦ પાઊલે એફેસીના ચોથા અધ્યાયમાં એમ પણ જણાવ્યું કે મંડળમાં એકતા વધારવા પ્રેમ બહુ જ મહત્ત્વનો છે. એ અધ્યાય આગળ જણાવે છે કે એમાં શાનો સમાવેશ થાય છે. પ્રેમના માર્ગે ચાલીશું તો વ્યભિચાર અને લંપટતા જેવાં ખોટાં કામો નહિ કરીએ. પાઊલે અરજ કરી કે દુનિયાના લોકો “ચાલે છે, તેમ હવેથી તમે ન ચાલો.” ‘તેઓએ સર્વ પ્રકારના દુરાચાર કરવાને પોતાને લંપટપણાને સોંપ્યા હતા.’ (એફે. ૪:૧૭-૧૯) આજની વ્યભિચારી દુનિયા આપણી એકતા સામે મોટો ખતરો છે. લોકો વ્યભિચાર જેવા કામોને હસી કાઢે છે. એના પર જોક્સ બનાવે છે, ગીતો રચે છે અને એવી ફિલ્મો કે પ્રોગ્રામો જુએ છે. અરે, જાહેરમાં કે છૂપી રીતે વ્યભિચાર પણ કરે છે. ઘણા તો જાતીય ભૂખ સંતોષવા લગ્નના ઇરાદા વગર બીજાઓ સાથે પ્રેમનો ડોળ કરે છે, જેનાથી વ્યક્તિ સહેલાઈથી વ્યભિચાર કરવા લલચાઈ જઈ શકે. એવાં કામો તેને યહોવાહ અને મંડળથી દૂર લઈ જાય છે. તેમ જ, જો કોઈ પરણેલી વ્યક્તિ પોતાના લગ્નસાથી સિવાય બીજા કોઈ સાથે પ્રેમના નખરાં કરે, તો વ્યભિચારમાં પડશે. એનાથી કુટુંબનો માળો વિખેરાઈ જઈ શકે. નિર્દોષ સાથી અને બાળકોએ કદાચ છૂટા થવું પડે. એટલે જ પાઊલે લખ્યું કે ‘તમે ખ્રિસ્ત પાસેથી એવું શીખ્યા નથી.’—એફે. ૪:૨૦, ૨૧.
૧૧. બાઇબલ આપણને શું કરવા ઉત્તેજન આપે છે?
૧૧ પાઊલે ભાર મૂક્યો કે આપણે ભાગલા પાડતું વલણ છોડીને, એવું વલણ કેળવીએ જે હળીમળીને રહેવા મદદ કરે. તેમણે આમ પણ જણાવ્યું: ‘છેતરામણી વાસનાઓથી ભ્રષ્ટ થતો તમારો આગલી વર્તણૂકનો જૂનો સ્વભાવ દૂર કરો, અને તમારા સ્વભાવમાં નવા થાઓ; અને નવો સ્વભાવ જે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે ન્યાયીપણામાં અને સત્યની પવિત્રતામાં સરજાએલો છે તે પહેરી લો.’ (એફે. ૪:૨૨-૨૪) કઈ રીતે આપણે ‘સ્વભાવમાં નવા થઈ શકીએ’? એ માટે આપણે પ્રથમ તો બાઇબલમાંથી શીખીએ, સત્યમાં અડગ હોય એવા ભાઈઓના દાખલામાંથી શીખીએ. એના પર મનન કરીએ, એની કદર કરીએ અને એ પ્રમાણે ચાલીએ. એમ કરીશું તો ‘ઈશ્વરની ઇચ્છા પ્રમાણે’ નવો સ્વભાવ કેળવી શકીશું.
વાણી-વર્તનમાં સુધારો કરતા રહીએ
૧૨. સાચું બોલવાથી કઈ રીતે એકતા વધે છે? અમુક વ્યક્તિ માટે સાચું બોલવું કેમ અઘરું છે?
૧૨ કુટુંબ અને મંડળમાં બધાની સાથે સાચું બોલવું ખૂબ જ મહત્ત્વનું છે. ખુલ્લા દિલ અને પ્રેમથી વાત કરવાથી સારા સંબંધો બંધાય છે. (યોહા. ૧૫:૧૫) પણ જો કોઈ કુટુંબ કે મંડળમાં કોઈની સાથે જૂઠું બોલે, તો એની ખબર પડતા તેઓ વચ્ચેનો સંબંધ નબળો પડી જશે. એટલે જ પાઊલે આ સલાહ આપી: “દરેક પોતાના પડોશીની સાથે સાચું બોલો; કેમ કે આપણે એકબીજાના અવયવો છીએ.” (એફે. ૪:૨૫) જો કોઈને નાનપણથી જૂઠું બોલવાની ટેવ હોય, તો તેના માટે સાચું બોલવું અઘરું બની શકે. પણ જો તે સુધારો કરવા પ્રયત્ન કરશે, તો યહોવાહને એ ગમશે અને તે તેને ચોક્કસ મદદ કરશે.
૧૩. ‘કડવાં વચન’ ન બોલીએ એ માટે આપણે શું કરવું જોઈએ?
૧૩ યહોવાહ શીખવે છે કે આપણે સમજી-વિચારીને બોલવું જોઈએ. એનાથી કુટુંબ અને મંડળમાં એકબીજા માટે માન અને એકતા વધે છે. બાઇબલ કહે છે કે ‘તમારા મુખમાંથી કંઈ કડવાં વચન ન નીકળે. સર્વ પ્રકારની કડવાશ, ક્રોધ, કોપ, ઘોંઘાટ અને નિંદા, તેમ જ સર્વ પ્રકારની વેરઝેર તમારામાંથી દૂર કરો.’ (એફે. ૪:૨૯, ૩૧) આપણે બીજાઓ માટે ઊંડું માન કેળવીશું તો તેઓને કડવાં વચન નહિ કહીએ. દાખલા તરીકે, કોઈ પતિ પોતાની પત્ની સાથે જેમતેમ બોલતો હોય તો, સત્ય શીખ્યા પછી પોતાના સ્વભાવમાં સુધારો કરવો જોઈએ. પોતાની પત્નીને માન આપવું જોઈએ, કેમ કે યહોવાહ સ્ત્રીઓને માન આપે છે. ઈસુ સાથે સ્વર્ગમાંથી રાજ કરવા, યહોવાહે આપણી અમુક બહેનોને પણ પસંદ કરી છે. (ગલા. ૩:૨૮; ૧ પીત. ૩:૭) જો કોઈ પત્નીને પતિ સામે થવાની અને બૂમાબૂમ કરવાની ટેવ હોય તો તેણે પણ ઈસુના દાખલામાંથી શીખવું જોઈએ. ઈસુને ઉશ્કેરવામાં આવ્યા ત્યારે, તે સામે થયા નહિ.—૧ પીત. ૨:૨૧-૨૩.
૧૪. ગુસ્સે થવાથી શું નુકસાન થશે?
૧૪ ગુસ્સાને જો કાબૂમાં ન રાખીએ તો જેમ તેમ બોલી જવાય અને સંબંધો બગડી શકે. ગુસ્સો આગની જેમ વિનાશક છે. એને કાબૂમાં ન રાખીએ તો સહેલાઈથી નુકસાન થઈ શકે. (નીતિ. ૨૯:૨૨) કદાચ ગુસ્સે થવાનું યોગ્ય કારણ હોય પણ ખરું. તોય વ્યક્તિએ એને કાબૂમાં રાખવો જોઈએ, જેથી સંબંધો બગડે નહિ. આપણે દિલમાં ખાર ન રાખીએ, પણ માફ કરતા શીખીએ. એ વિષે બધી બાજુ વાતો ન ફેલાવીએ. (ગીત. ૩૭:૮; ૧૦૩:૮, ૯; નીતિ. ૧૭:૯) એટલે પાઊલે એફેસી મંડળને આમ લખ્યું: “ગુસ્સે થાઓ, પણ પાપ ન કરો; તમારા ક્રોધ પર સૂર્યને આથમવા ન દો; અને શેતાનને સ્થાન ન આપો.” (એફે. ૪:૨૬, ૨૭) ગુસ્સાને કાબૂમાં નહિ રાખીએ તો, શેતાન એનો ફાયદો ઉઠાવીને મંડળમાં અશાંતિ ફેલાવશે.
૧૫. બીજાની વસ્તુ ચોરી લેવાથી કેવું પરિણામ આવી શકે?
૧૫ મંડળમાં સંપ વધારવા આપણે બીજાની ચીજવસ્તુઓ ચોરી નહિ લઈએ. બાઇબલ કહે છે: “ચોરી કરનારે હવેથી ચોરી ન કરવી.” (એફે. ૪:૨૮) યહોવાહના ભક્તો આ સલાહ દિલમાં ઉતારતા હોવાથી, તેઓ એકબીજાનો ભરોસો કરે છે. જો કોઈ આ સલાહ ન પાળે અને બીજાની વસ્તુ ચોરી લે, તો તે મંડળની એકતા તોડે છે.
ઈશ્વર પરનો પ્રેમ એકતાનું બંધન
૧૬. કેવી વાણીથી મંડળમાં સંપ વધશે?
૧૬ મંડળમાં એકતા વધારવા આપણે ઈશ્વર માટે અને ભાઈબહેનો માટે પ્રેમ કેળવીએ. યહોવાહની કૃપાની કદર કરવા આપણે આ સલાહ દિલમાં ઉતારીએ: ‘જે કંઈ સારું હોય તે જ બોલીએ કે તેથી સાંભળનારાઓનું ભલું થાય. માટે તમે એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ થાઓ અને જેમ ખ્રિસ્તમાં ઈશ્વરે તમને માફી આપી તેમ તમે એકબીજાને ક્ષમા કરો.’ (એફે. ૪:૨૯, ૩૨) આપણે ભૂલો કરીએ ત્યારે યહોવાહ આપણને પૂરા દિલથી માફ કરે છે. એ જ રીતે જો કોઈ આપણા વિરુદ્ધ ભૂલ કરે, તો શું તેને માફી આપવી ન જોઈએ?
૧૭. એકતા વધારવા કેમ સખત પ્રયત્નો કરવા જોઈએ?
૧૭ આપણામાં સંપ હશે તો યહોવાહનું નામ રોશન થશે. યહોવાહ પોતાની શક્તિ દ્વારા આપણને અલગ અલગ રીતે એકતા વધારવા મદદ કરે છે. આપણે તેમની વિરુદ્ધ જવા ઇચ્છતા નથી. પાઊલે લખ્યું: ‘તમે ઈશ્વરની શક્તિની વિરુદ્ધ ન જાવ.’ (એફે. ૪:૩૦) સંપ અમૂલ્ય હોવાથી એને ઊની આંચ પણ આવવા ન દઈએ. આપણામાં આવી એકતા હશે તો આનંદથી યહોવાહની ભક્તિ કરી શકીશું. આવા સંપથી યહોવાહને મહિમા મળે છે. ચાલો ‘આપણે ઈશ્વરનાં પ્રિય બાળકો તરીકે તેમનું અનુકરણ કરનારાં થઈએ અને પ્રેમમાં ચાલીએ.’—એફે. ૫:૧, ૨. (w10-E 09/15)
તમે કેવો જવાબ આપશો?
• મંડળમાં એકતા વધારવા કેવા ગુણો કેળવવા જોઈએ?
• કેવા વર્તનથી મંડળમાં સંપ વધશે?
• કેવી વાણી આપણને હળીમળીને રહેવા મદદ કરી શકે?
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૨૧ પર ચિત્રનું મથાળું]
અનેક જાતિના લોકો હળીમળીને રહે છે
[પાન ૨૨ પર ચિત્રનું મથાળું]
શું તમે પ્રેમનો ડોળ કરવાનાં જોખમ સમજો છો?