સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સાચા ભક્તોની ઓળખ એકતા

સાચા ભક્તોની ઓળખ એકતા

સાચા ભક્તોની ઓળખ એકતા

‘હું તેઓને વાડામાંનાં ઘેટાંની જેમ એકઠા કરીશ.’—મીખા ૨:૧૨.

૧. જીવ-સૃષ્ટિ કઈ રીતે ઈશ્વરના ડહાપણની સાબિતી આપે છે?

 એક ઈશ્વરભક્તે લખ્યું કે “હે યહોવાહ, તારાં કામ કેવાં તરેહતરેહનાં છે! તેં તે સઘળાંને ડહાપણથી પેદા કર્યાં છે; પૃથ્વી તારી સંપત્તિથી ભરપૂર છે.” (ગીત. ૧૦૪:૨૪) પૃથ્વી પરની જાતજાતની જીવ-સૃષ્ટિમાં આપણે ઈશ્વરનું ડહાપણ સાફ જોઈ શકીએ છીએ. જેમ કે, એકબીજા પર આધાર રાખતા લાખો પ્રકારનાં રંગબેરંગી ફૂલ-છોડ, જીવજંતુઓ, પ્રાણીઓ અને જીવાણુઓ. આપણા સર્જનમાં પણ ઈશ્વરનું ડહાપણ જોવા મળે છે. આપણા શરીરમાં હજારો જાતની પ્રક્રિયાઓ થતી હોય છે. આપણને તંદુરસ્ત રાખવા શરીરનાં મોટાં અંગોથી લઈને નાનામાં નાના કોષો સાથે મળીને કામ કરે છે.

૨. પાન ૧૭ના ચિત્ર પ્રમાણે ખ્રિસ્તીઓની એકતા કેમ ચમત્કાર લાગી શકે?

ઈશ્વરે મનુષ્યોને પણ એકબીજા પર આધારિત રહે એ રીતે બનાવ્યા. ખરું કે તેઓનો દેખાવ, આવડત અને વ્યક્તિત્વ જુદા જુદા છે. પરંતુ, ઈશ્વરે પ્રથમ પુરુષ-સ્ત્રીને પોતાના જેવા સુંદર ગુણો સાથે બનાવ્યા હતા. એ ગુણોને લીધે જ મનુષ્યો એકબીજા સાથે હળી-મળીને રહી શકે છે અને એકબીજા પર આધાર રાખી શકે છે. (ઉત. ૧:૨૭; ૨:૧૮) જોકે, મોટા ભાગના મનુષ્યો ખરા ઈશ્વરને ભજતા નથી. આજે દુનિયામાં સંપ નથી, એમાં અનેક ભાગલા પડેલા છે. (૧ યોહા. ૫:૧૯) તેથી, પહેલી સદીનાં મંડળોની એકતાનો વિચાર કરીએ તો, જાણે એ ચમત્કાર લાગે! એ મંડળોમાં એફેસીના ગુલામો, પ્રખ્યાત ગ્રીક સ્ત્રીઓ, ભણેલા-ગણેલા યહુદી માણસો અને પહેલાં મૂર્તિપૂજા કરતા હતા એવા લોકો સંપીને રહેતા હતા.—પ્રે.કૃ. ૧૩:૧; ૧૭:૪; ૧ થેસ્સા. ૧:૯; ૧ તીમો. ૬:૧.

૩. સાચા ખ્રિસ્તીઓની એકતાને બાઇબલ શાની સાથે સરખાવે છે? આ લેખમાં કયા સવાલો પર ચર્ચા કરીશું?

બાઇબલ જણાવે છે કે જેમ શરીરનાં અવયવો સાથે મળીને કામ કરે છે, તેમ ઈશ્વરની ખરી રીતે ભક્તિ કરનારા હળી-મળીને રહી શકે છે. (૧ કોરીંથી ૧૨:૧૨, ૧૩ વાંચો.) આ લેખમાં આપણે એકતાનાં અમુક પાસાઓની ચર્ચા કરીશું: ઈશ્વરની સાચી ભક્તિ લોકોમાં કઈ રીતે એકતા લાવે છે? શા માટે એકલા યહોવાહ જ સર્વ દેશોના લાખો લોકોને એકતામાં લાવી શકે છે? એકતા સામે આવતી કઈ મુશ્કેલીઓ પર જીત મેળવવા યહોવાહ આપણને મદદ કરે છે? એકતાની વાત આવે છે ત્યારે સાચા ખ્રિસ્તીઓ કઈ રીતે ચર્ચના ખ્રિસ્તીઓથી અલગ છે?

સાચી ભક્તિ કઈ રીતે સંપ લાવે છે?

૪. કઈ રીતે સાચી ભક્તિ લોકોને એકતામાં લાવે છે?

ખરી રીતે ભક્તિ કરતા લોકો માને છે કે યહોવાહે જ આખી સૃષ્ટિનું સર્જન કર્યું હોવાથી, તે વિશ્વના રાજા છે. એકલા તેમના રાજમાં જ બધાનું ભલું છે. (પ્રકટી. ૪:૧૧) તેથી, ભલે સાચા ખ્રિસ્તીઓ જુદી જુદી જગ્યા કે જુદા જુદા સંજોગોમાં રહેતા હોય, તેઓ ઈશ્વરના નિયમો પાળે છે. બાઇબલના સિદ્ધાંતો પ્રમાણે જીવે છે. એટલે જ બધા સાચા ખ્રિસ્તીઓ યહોવાહને “પિતા” કહે છે. (યશા. ૬૪:૮; માથ. ૬:૯) આમ, તેઓ યહોવાહની ભક્તિમાં જાણે ભાઈબહેનો છે. તેઓ પૂરી રીતે એકતાનો આનંદ માણે છે. એ વિષે એક ઈશ્વરભક્તે આમ કહ્યું હતું: “ભાઈઓ સંપસંપીને રહે તે કેવું સારું તથા શોભાયમાન છે!”—ગીત. ૧૩૩:૧.

૫. કયા ગુણને લીધે ખરા ભક્તોમાં એકતા જળવાઈ રહે છે?

સાચા ખ્રિસ્તીઓ પણ બધાની જેમ ભૂલો કરે છે. તેમ છતાં, તેઓ સંપીને ભક્તિ કરી શકે છે કેમ કે તેઓ યહોવાહ પાસેથી એકબીજાને પ્રેમ બતાવવાનું શીખ્યા છે. એટલી સારી રીતે બીજું કોઈ શીખવી શકતું નથી. (૧ યોહાન ૪:૭, ૮ વાંચો.) બાઇબલ કહે છે: ‘તમારે દયા, મમતા, નમ્રતા, માયાળુપણું અને ધીરજ પહેરી લેવા જોઈએ. એકબીજાનું સહન કરો અને તમારામાંથી કોઈને બીજાની વિરુદ્ધ કંઈ ફરિયાદ હોય તો તેને ક્ષમા કરો. પ્રભુ યહોવાહે તમને માફ કર્યા છે માટે તમારે પણ માફી આપવી જોઈએ. સર્વ બાબતોને સંપૂર્ણ બનાવનાર પ્રેમને આ સર્વ બાબતો સાથે જોડી દો.’ (કોલો. ૩:૧૨-૧૪, કોમન લેંગ્વેજ) “પ્રેમ” સર્વ બાબતોને સંપૂર્ણ બનાવે છે, એનાથી સાચા ખ્રિસ્તીઓ ઓળખાય આવે છે. તમે પણ પોતાના અનુભવથી જોયું હશે કે ખરી રીતે ભક્તિ કરવામાં સંપ દેખાય આવે છે.—યોહા. ૧૩:૩૫.

૬. ઈશ્વરના રાજ્યમાં શ્રદ્ધા હોવાથી કઈ રીતે સંપ રાખવા મદદ મળે છે?

ખરા ભક્તોમાં એકતાનું બીજું કારણ એ છે કે તેઓને ઈશ્વરના રાજ્યમાં જ પૂરી શ્રદ્ધા છે. તેઓ જાણે છે કે જલદી જ ઈશ્વરનું રાજ પૃથ્વી પર આવશે અને માનવ સરકારોને કાઢી નાખશે. એ રાજમાં માણસજાતનું ભલું થશે. ઈશ્વરનું કહેવું માનનાર દરેક મનુષ્યને કાયમ માટે સુખ-શાંતિમાં જીવન મળશે. (યશા. ૧૧:૪-૯; દાની. ૨:૪૪) ઈસુએ પોતાના શિષ્યો વિષે કહ્યું હતું કે “જેમ હું જગતનો નથી, તેમ તેઓ જગતના નથી.” (યોહા. ૧૭:૧૬) એટલે જ સાચા ખ્રિસ્તીઓ કોઈ યુદ્ધમાં ભાગ લેતા નથી કે કોઈનો પક્ષ લેતા નથી. ભલે ગમે એ દેશો વચ્ચે યુદ્ધ ચાલતું હોય, સાચા ખ્રિસ્તીઓ ત્યાં પણ સંપીને રહે છે.

એકસરખું માર્ગદર્શન આપવાની ગોઠવણ

૭, ૮. બાઇબલનું શિક્ષણ કઈ રીતે એકતા જાળવવા મદદ કરે છે?

પહેલી સદીના ખ્રિસ્તીઓ એકતાનો આનંદ માણી શક્યા, કેમ કે તેઓને એકસરખું માર્ગદર્શન મળતું હતું. તેઓ જાણતા હતા કે ઈસુ મંડળોને ગવર્નિંગ બૉડી દ્વારા શિક્ષણ અને માર્ગદર્શન આપે છે. યરૂશાલેમમાં આ ગવર્નિંગ બૉડી પ્રેરિતો અને અનુભવી વડીલોની બનેલી હતી. તેઓ શાસ્ત્રવચનોને આધારે નિર્ણય લેતા. પછી અનેક દેશોનાં મંડળોને તેઓના નિર્ણય વિષે જણાવવા અમુક વડીલોને મોકલતા. આવા અમુક વડીલો વિષે બાઇબલ કહે છે: “જે જે શહેરોમાં થઈને તેઓ ગયા ત્યાંના લોકોને તેઓએ યરૂશાલેમમાંના પ્રેરિતોએ તથા વડીલોએ કરેલા ઠરાવો પાળવાને કહ્યું.”—પ્રે.કૃ. ૧૫:૬, ૧૯-૨૨; ૧૬:૪.

એ જ રીતે યહોવાહે આજે પણ અભિષિક્ત ભાઈઓમાંથી અમુકને પસંદ કરીને ગવર્નિંગ બૉડી બનાવી છે. તેઓના માર્ગદર્શનથી આખી દુનિયાનાં મંડળોમાં એકતા જળવાય રહે છે. ઈશ્વરમાં શ્રદ્ધા વધારવા ગવર્નિંગ બૉડી ઘણી ભાષાઓમાં સાહિત્ય પૂરું પાડે છે. એ બાઇબલ આધારિત હોવાથી એમાં માણસનું નહિ, પણ યહોવાહનું શિક્ષણ છે.—યશા. ૫૪:૧૩.

૯. ઈશ્વરે સોંપેલું કામ કઈ રીતે આપણને સંપીને રહેવા મદદ કરે છે?

પ્રચારમાં આગેવાની લઈને વડીલો પણ મંડળમાં સંપ વધારે છે. જેઓ સંપીને ઈશ્વરની ભક્તિમાં મંડ્યા રહે છે, તેઓનો એકબીજા સાથેનો સંબંધ ગાઢ થાય છે. મોટા ભાગે દુનિયાના લોકો ફક્ત આનંદ માણવા જ ભેગા મળે છે. જોકે, ખ્રિસ્તી મંડળનો મકસદ એ ન હતો કે બધા ફક્ત હળે-મળે, આનંદ કરે. એનો મકસદ તો ઈશ્વરે સોંપેલું કામ પૂરું કરવાનો હતો. જેમ કે, યહોવાહની ભક્તિ કરવી, ખુશખબર ફેલાવવી, શિષ્યો બનાવવા અને મંડળને ઉત્તેજન આપવું. (રૂમી ૧:૧૧, ૧૨; ૧ થેસ્સા. ૫:૧૧; હેબ્રી ૧૦:૨૪, ૨૫) એટલે જ પ્રેરિત પાઊલે ખ્રિસ્તીઓને કહ્યું: ‘તમે સર્વ એક જ વિચારમાં સ્થિર રહીને એક જીવથી સુવાર્તાના વિશ્વાસને માટે પ્રયત્ન કરો.’—ફિલિ. ૧:૨૭.

૧૦. આપણે ઈશ્વરના ભક્તો તરીકે કઈ રીતોએ સંપ જાળવીએ છીએ?

૧૦ યહોવાહના ભક્તોમાં એકતા છે, કારણ કે આપણે યહોવાહને વિશ્વના રાજા માનીએ છીએ. એ પણ જાણીએ છીએ તેમના રાજ્યમાં જ બધાનું ભલું છે. આપણને ભાઈબહેનો માટે પ્રેમ છે. તેમ જ, ઈશ્વરે જેઓને આગેવાની લેવા પસંદ કર્યા છે, તેઓને પણ માન આપીએ છીએ. ખરું કે આપણને વારસામાં પાપ મળ્યું હોવાથી, મંડળની એકતાને ખતરો ઊભો થાય એવું વલણ આવી શકે. પરંતુ, યહોવાહ એવું વલણ દૂર કરવા મદદ કરે છે.—રૂમી ૧૨:૨.

અભિમાન અને ઈર્ષા પર જીત મેળવીએ

૧૧. અભિમાન કઈ રીતે લોકોમાં ભાગલા પાડે છે? અભિમાન દિલમાંથી કાઢી નાખવા યહોવાહ કઈ રીતે મદદ કરે છે?

૧૧ અભિમાનથી લોકોમાં ભાગલા પડે છે. અભિમાની વ્યક્તિ હંમેશાં પોતાને બીજા કરતાં ચઢિયાતી ગણે છે અને પોતાની જ બડાઈ હાંક્યા કરે છે. એવી વ્યક્તિ કુસંપનાં બી વાવે છે અને એવી બડાઈથી લોકોના મનમાં ઈર્ષા જાગી શકે છે. એ વિષે શિષ્ય યાકૂબે કહ્યું કે “એવી સઘળી બડાઈ ખોટી છે.” (યાકૂ. ૪:૧૬) બીજાઓને પોતાનાથી ઊતરતા ગણવા એ ખોટું છે. યહોવાહ કોઈની સાથે એ રીતે વર્તતા નથી. તે આપણી સાથે ખૂબ નમ્રતાથી વર્તે છે. એક ઈશ્વરભક્તે લખ્યું: ‘સ્વર્ગમાં તથા પૃથ્વીમાં જે છે તે જોવાને ઈશ્વર પોતાને દીન કરે છે.’ (ગીત. ૧૧૩:૬) બાઇબલ આપણને યોગ્ય રીતે વિચારવા અને વર્તવા મદદ કરે છે, જેથી આપણે દિલમાંથી અભિમાનનાં મૂળ ઉખેડી નાખીએ. ઈશ્વરની પ્રેરણાથી પાઊલે આ સવાલો પૂછ્યા: “તમે શા માટે આટલા બધા ફૂલાઈ ગયા છો? ઈશ્વરે તમને ન આપ્યું હોય એવું કાંઈ તમારી પાસે છે? અને જો તમારી પાસેનું તમામ ઈશ્વરે તમને આપેલું છે તો પછી તમે મહાન છો અને તમે પોતાની મેળે જ તે પ્રાપ્ત કર્યું હોય એમ શા માટે વર્તો છો?”—૧ કરિં. ૪:૭, IBSI.

૧૨, ૧૩. (ક) ઈર્ષાળુ બનવું કેમ સહેલું છે? (ખ) ભાઈબહેનોને યહોવાહની નજરે જોઈશું તો આપણે કેવા નહિ બનીએ?

૧૨ ઈર્ષાના કારણે પણ લોકોમાં સંપ રહેતો નથી. વારસામાં મળેલા પાપને લીધે બધામાં “ઈર્ષાનું વલણ” રહેલું છે. અરે, વર્ષોથી સત્યમાં છે તેઓને પણ કોઈ કોઈ વાર બીજાઓના સારા સંજોગો, ધનસંપત્તિ, લહાવા કે આવડત જોઈને ઈર્ષા થઈ શકે. (યાકૂ. ૪:૫, NW) દાખલા તરીકે, મંડળમાં એક ભાઈને કુટુંબ છે, બાળકો પણ છે. તે ભાઈ મંડળમાં પૂરા સમયની સેવા આપતા બીજા એક ભાઈની ઈર્ષા કરતા વિચારે છે કે ‘મારી પાસે પણ એવા લહાવા હોત તો કેવું સારું!’ જ્યારે કે પૂરા સમયની સેવા આપનાર ભાઈને ઈર્ષા થાય છે કે ‘મારાં પણ બાળકો હોત તો કેવું સારું!’ આવી ઈર્ષા આપણો સંપ ન તોડે માટે શું કરવું જોઈએ?

૧૩ બાઇબલ આપણને દિલમાંથી ઈર્ષા કાઢી નાખવા મદદ કરે છે. તમને યાદ હશે કે બાઇબલમાં સર્વ અભિષિક્તોને શરીરનાં અવયવો સાથે સરખાવવામાં આવે છે. (૧ કોરીંથી ૧૨:૧૪-૧૮ વાંચો.) દાખલા તરીકે, બધા તમારું હૃદય જોઈ શકતા નથી, પણ આંખો જોઈ શકે છે. પણ તમારા માટે તો એ બંને અનમોલ છે. એવી જ રીતે, મંડળમાં ભલે અમુક પાસે બીજા કરતાં વધારે જવાબદારી હોય, તોપણ યહોવાહ દરેકને અનમોલ ગણે છે. તેથી, ચાલો આપણે પણ ભાઈબહેનોને યહોવાહની નજરે જોઈએ. કોઈની ઈર્ષા કરવાને બદલે, હંમેશાં તેઓનું ભલું ઇચ્છીને સુખ-દુઃખમાં સાથ આપીએ. આ રીતે સાચા ખ્રિસ્તીઓ અને ચર્ચના ખ્રિસ્તીઓ વચ્ચે ફરક દેખાય આવે છે.

ચર્ચોના ખ્રિસ્તીઓમાં ભાગલા

૧૪, ૧૫. ખ્રિસ્તીધર્મમાં કઈ રીતે ભેળસેળ થઈ અને ભાગલા પડ્યા?

૧૪ આજે ચર્ચના ખ્રિસ્તીઓમાં જરાય સંપ નથી, જ્યારે કે સાચા ખ્રિસ્તીઓમાં એકતા છે. એવું કેમ બન્યું? ચોથી સદી સુધીમાં ખ્રિસ્તીધર્મમાં ઘણી ખોટી માન્યતાઓની ભેળસેળ થઈ. એટલે સુધી કે મૂર્તિપૂજક રોમનો સમ્રાટ ખ્રિસ્તીધર્મનો વડો થઈ બેઠો. તેણે એવો ખ્રિસ્તીધર્મ દૂર દૂર સુધી ફેલાવ્યો. ઘણા દેશોએ એ ધર્મ અપનાવી લીધો, પણ પછી એમાં ઘણા ભાગલા પડવા લાગ્યા. સમય જતાં એવા અનેક દેશોએ રોમથી છૂટા પડીને, પોતાના દેશ માટે અલગ ખ્રિસ્તી પંથ ઊભો કર્યો.

૧૫ એવા ઘણા દેશો સદીઓ સુધી એકબીજા સાથે લડતા રહ્યા. સત્તર અને અઢારમી સદીમાં બ્રિટન, ફ્રાંસ અને અમેરિકાના લોકો દેશભક્તિને ઉત્તેજન આપવા લાગ્યા. એના લીધે એ દેશોમાં રાષ્ટ્રવાદ ફેલાઈ ગયો, જે લોકો માટે ધર્મ જેવો બની ગયો. ઓગણીસમી અને વીસમી સદીમાં રાષ્ટ્રવાદ મોટા ભાગે લોકોના વિચારો પર રાજ કરવા લાગ્યો. સમય જતાં ચર્ચોમાં અનેક ભાગલા પડ્યા અને નવા નવા પંથો ફૂટી નીકળ્યા. મોટા ભાગે તેઓ રાષ્ટ્રવાદ ચલાવી લેતા. ચર્ચમાં જનારા લોકો યુદ્ધમાં પણ જોડાવા લાગ્યા. બીજા દેશોમાં રહેતા પોતાના જ પંથના લોકો સામે તેઓ લડતા! એટલે આજે ચર્ચોના લોકોમાં જુદા જુદા પંથો અને રાષ્ટ્રવાદને લીધે ભાગલા છે.

૧૬. કેવી કેવી બાબતોમાં ચર્ચોના ખ્રિસ્તીઓમાં ભાગલા પડેલા છે?

૧૬ વીસમી સદીમાં અમુક ચર્ચોના ખ્રિસ્તીઓના અનેક પંથોએ ખ્રિસ્તી લોકોમાં એકતા લાવવા પ્રયત્નો કર્યા. ઘણા દાયકાઓના સખત પ્રયત્ન પછી અમુક પંથો એક થયા. તેમ છતાં, ચર્ચોના લોકો હજીયે ઘણી બાબતોમાં એક થયા નથી. જેમ કે ઉત્ક્રાંતિ, ગર્ભપાત, સજાતીય સંબંધ અને સ્ત્રીઓને પાદરી બનાવવી. તેઓના અમુક આગેવાનો તો જુદા જુદા પંથોમાં ઊભા થયેલા મતભેદો દૂર કરવા જતાં, બાઇબલના સિદ્ધાંતો એક બાજુ મૂકી દે છે. એનાથી લોકોની શ્રદ્ધા નબળી પડી જાય છે અને તેઓ એક થઈ શકતા નથી.

રાષ્ટ્રવાદ પર સાચી ભક્તિની જીત

૧૭. ‘પાછલા દિવસોમાં’ સાચી ભક્તિ લોકોમાં એકતા લાવશે એના વિષે પહેલેથી શું જણાવાયું હતું?

૧૭ ખરું કે મનુષ્યોમાં આજે ઘણા જ ભાગલા પડી ગયા છે. પણ સાચી ભક્તિ કરતા લોકોની એકતામાં ઊની આંચ પણ નથી આવી. એ વિષે પ્રબોધક મીખાહે આમ કહ્યું હતું: ‘હું તેઓને વાડામાંનાં ઘેટાંની જેમ એકઠા કરીશ.’ (મીખા. ૨:૧૨) મીખાહે ભાખ્યું હતું કે સાચી ભક્તિ માણસે બનાવેલા અનેક ધર્મો કે દેશભક્તિથી ચઢિયાતી થશે. તેમણે લખ્યું: ‘પાછલા દિવસોમાં યહોવાહના મંદિરના પર્વતની સ્થાપના પર્વતોના શિખર પર થશે, ને તેને બીજા ડુંગરો કરતાં ઊંચો કરવામાં આવશે; અને લોકોનાં ટોળેટોળાં ત્યાં ચાલ્યાં આવશે. સર્વ પ્રજાઓ પોતપોતાના દેવના નામ પર શ્રદ્ધા રાખીને ચાલે છે, પણ અમે સદાસર્વકાળ અમારા ઈશ્વર યહોવાહના નામ પર શ્રદ્ધા રાખીને ચાલીશું.’—મીખા. ૪:૧,.

૧૮. સાચી ભક્તિએ આપણને કેવા ફેરફારો કરવા મદદ કરી છે?

૧૮ સાચી ભક્તિ કઈ રીતે દુશ્મનો વચ્ચે પણ સંપ કરાવશે, એ વિષે મીખાહે આમ જણાવ્યું: ‘ઘણી પ્રજાઓમાંથી લોકો કહેશે કે ચાલો, આપણે યહોવાહના પર્વત ઉપર અને યાકૂબના ઈશ્વરના મંદિરે જઈએ. તે આપણને પોતાના માર્ગો વિષે શિખવશે, ને આપણે તેમના પંથમાં ચાલીશું. તેઓ પોતાની તરવારોને ટીપીને હળની કોશો બનાવશે, ને પોતાના ભાલાઓનાં ધારિયાં બનાવશે. પ્રજાઓ એકબીજાની વિરૂદ્ધ તરવાર ઉગામશે નહિ, ને તેઓ ફરીથી કદી પણ યુદ્ધકળા શીખશે નહિ.’ (મીખા. ૪:૨, ૩) જુદા જુદા દેવ-દેવીઓ અને દેશભક્તિને છોડીને યહોવાહની ભક્તિ કરનારા સર્વ હળીમળીને રહે છે. યહોવાહ તેઓને પ્રેમના માર્ગે ચાલવાનું શીખવે છે.

૧૯. સાચી ભક્તિને લીધે લાખો લોકો એક થયા છે એ શાનો પુરાવો આપે છે?

૧૯ દુનિયા ફરતે સાચા ખ્રિસ્તીઓમાં જોવા મળતી એકતા સાચે જ અજોડ છે. એ પુરાવો આપે છે કે યહોવાહ પોતાના લોકોને દોરે છે. સાચી ભક્તિને લીધે આજે બધા જ દેશોમાંથી આવતા અનેક લોકો એક થઈ રહ્યા છે. ઇતિહાસમાં આવું કદી બન્યું નથી! પ્રકટીકરણ ૭:૯, ૧૪ની ભવિષ્યવાણી આજે અજોડ રીતે પૂરી થઈ રહી છે. એ બતાવે છે કે થોડા જ સમયમાં ઈશ્વરના સ્વર્ગદૂતો વિનાશના ‘પવનને’ છૂટો મૂકશે, જે દુષ્ટ દુનિયાનો વિનાશ કરશે. (પ્રકટીકરણ ૭:૧-૪, ૯, ૧૦, ૧૪ વાંચો.) યહોવાહના ભક્તો તરીકે આપણે સંપીને રહીએ, એ કેટલો મોટો આશીર્વાદ છે! હવે પછીના લેખમાં જોઈશું કે સંપીને રહેવા આપણે દરેકે શું કરવાની જરૂર છે. (w10-E 09/15)

તમે કેવો જવાબ આપશો?

• સાચી ભક્તિ કઈ રીતે લોકોમાં સંપ લાવે છે?

• ઈર્ષા આપણો સંપ ન તોડે એ માટે શું કરવું જોઈએ?

• સાચા ભક્તોમાં રાષ્ટ્રવાદ કેમ ભાગલા પાડી શકતો નથી?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૭ પર ચિત્રનું મથાળું]

પહેલી સદીમાં અનેક પ્રકારના લોકો ખ્રિસ્તી બન્યા

[પાન ૧૯ પર ચિત્રનું મથાળું]

કિંગ્ડમ હૉલને લગતા કામમાં ટેકો આપીને તમે એકતા વધારો છો