‘ઈશ્વરના ન્યાયીપણાને’ પહેલા શોધતા રહીએ
‘ઈશ્વરના ન્યાયીપણાને’ પહેલા શોધતા રહીએ
‘પહેલા ઈશ્વરના રાજ્યને અને તેમના ન્યાયીપણાને શોધો, એટલે બધી જરૂરિયાતો પણ પૂરી કરાશે.’—માથ. ૬:૩૩.
૧, ૨. ઈશ્વરના ન્યાયીપણાનો અર્થ શું થાય અને એ શાના પર બંધાયેલું છે?
ઈસુએ પહાડ પરના ઉપદેશમાં ઉત્તેજન આપ્યું કે ‘પહેલા ઈશ્વરના રાજ્યને શોધો.’ (માથ. ૬:૩૩) એ યહોવાહના ભક્તો આજે સારી રીતે જાણે છે. આપણે એ રીતે જીવવાનો પ્રયત્ન કરીએ છીએ, જેનાથી દેખાઈ આવે કે ઈશ્વરના રાજ્યમાં જ આપણું ભલું છે. તેમ જ, આપણે એને વળગી રહેવા માગીએ છીએ. જોકે એ કલમનો બીજો ભાગ, એટલે કે ‘તેમના ન્યાયીપણાને શોધો’ એ પણ યાદ રાખીએ. ઈશ્વરનું ન્યાયીપણું એટલે શું? એને પ્રથમ શોધવાનો અર્થ શું થાય?
૨ ‘ન્યાયીપણા’ માટેના મૂળ ભાષાના શબ્દનો અર્થ “ઇન્સાફ,” “વાજબીપણું” કે “પ્રમાણિકતા” પણ થઈ શકે. એટલે ઈશ્વરનું ન્યાયીપણું હંમેશાં વાજબી હોય છે. એ તેમના ગુણો અને ધોરણો પ્રમાણે હોય છે. યહોવાહ વિશ્વના સર્જનહાર હોવાથી, સારા-ખરાબ અને સાચા-ખોટાનાં ધોરણો નક્કી કરવાનો તેમનો હક્ક છે. (પ્રકટી. ૪:૧૧) એનો અર્થ એવો નથી કે યહોવાહના ન્યાયીપણામાં કોઈ લાગણી નથી. એવું નથી કે બસ એમાં કડક નિયમો છે અને હિસાબ વગરની આજ્ઞાઓ છે. એને બદલે, યહોવાહનું ન્યાયીપણું તો તેમના બીજા મુખ્ય ગુણો ન્યાય, પ્રેમ, ડહાપણ અને શક્તિ પર બંધાયેલું છે. યહોવાહનું ન્યાયીપણું તેમની ઇચ્છા અને તેમના મકસદ સાથે જોડાયેલું છે. તેમને ભજવા ચાહનારાઓ પાસેથી યહોવાહ જે આશા રાખે છે, એનો પણ એમાં સમાવેશ થાય છે.
૩. (ક) ઈશ્વરનું ન્યાયીપણું પહેલા શોધવાનો અર્થ શું થાય? (ખ) આપણે કેમ યહોવાહનાં ન્યાયી ધોરણો પ્રમાણે જીવવું જોઈએ?
૩ ઈશ્વરનું ન્યાયીપણું પહેલા શોધવાનો અર્થ શું થાય? સાદા શબ્દોમાં ઈશ્વરની દિલથી ભક્તિ કરવા તેમની ઇચ્છા પ્રમાણે જીવીએ. તેમ જ, આપણા પોતાના નહિ, પણ તેમનાં ધોરણો અને નીતિનિયમો પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરીએ. (રૂમી ૧૨:૨ વાંચો.) એમ કરીશું તો આપણા જીવનમાં યહોવાહ સાથેનો નાતો સૌથી મહત્ત્વનો બનશે. એવું નથી કે તે આપણને સજા કરશે એના ડરને લીધે તેમનું કહેવું માનીએ. આપણે પોતાનાં ધોરણો પ્રમાણે નહિ, પણ ઈશ્વરના નિયમો, ધોરણો પ્રમાણે જીવવા બનતું બધું જ કરીશું, કેમ કે આપણને તેમના પર પ્રેમ છે. આપણે જાણીએ છીએ કે એમાં જ આપણું ભલું છે, કેમ કે એ રીતે જ આપણને બનાવવામાં આવ્યા છે. યહોવાહના ન્યાયીપણા માટે તેમના રાજ્યના રાજા, ઈસુને અપાર પ્રેમ છે. આપણે પણ એવો જ પ્રેમ કેળવીએ.—હેબ્રી ૧:૮, ૯.
૪. યહોવાહના ન્યાયીપણા પ્રમાણે જીવવું કેમ મહત્ત્વનું છે?
૪ યહોવાહના ન્યાયીપણા પ્રમાણે જીવવું કેમ મહત્ત્વનું છે? એદન બાગમાં આદમ અને હવાની થયેલી કસોટીનો વિચાર કરો. ફક્ત યહોવાહને જ ખરા-ખોટાનાં ધોરણો નક્કી કરવાનો હક્ક છે. તેમને જોવું હતું કે આદમ અને હવા એ સ્વીકારે છે કે નહિ. (ઉત. ૨:૧૭; ૩:૫) તેઓએ એ હક્કનો સ્વીકાર કર્યો નહિ. એના લીધે તેઓ પોતાના પર અને આવનાર સર્વ મનુષ્યો પર દુઃખ-તકલીફો ને મરણ લાવ્યા. (રૂમી ૫:૧૨) તોપણ, બાઇબલ આપણને આ આશા આપે છે: “જે કોઈ નેકી તથા દયાનું અનુકરણ કરે છે, તેને જીવન, નેકી તથા આબરૂ પ્રાપ્ત થાય છે.” (નીતિ. ૨૧:૨૧) યહોવાહના ન્યાયીપણા પ્રમાણે જીવવાથી તેમની સાથેનો નાતો પાકો થાય છે. એનાથી આપણો ઉદ્ધાર થાય છે અને અમર જીવનની આશા મળે છે.—રૂમી ૩:૨૩, ૨૪.
પોતાને વધારે ન્યાયી ગણવાનું જોખમ
૫. આપણે કેવા જોખમથી દૂર રહેવું જોઈએ?
૫ રોમમાં રહેતા ખ્રિસ્તીઓને પ્રેરિત પાઊલે પત્ર લખ્યો. એમાં તેમણે જણાવ્યું કે યહોવાહનાં ન્યાયી ધોરણો પ્રમાણે જીવવા કેવા જોખમથી દૂર રહેવું જોઈએ. એ વિષે પાઊલે યહુદીઓની વાત કરતા આમ લખ્યું: ‘હું તેઓ વિષે સાક્ષી પૂરૂં છું, કે ઈશ્વર ઉપર તેઓની શ્રદ્ધા છે ખરી, પણ તે જ્ઞાન વગરની છે. કેમ કે ઈશ્વરના ન્યાયીપણા વિષે અજ્ઞાન હોવાથી અને પોતાના ન્યાયીપણાને સ્થાપન કરવાનો પ્રયત્ન કરીને, તેઓ ઈશ્વરના ન્યાયીપણાને આધીન થયા નહિ.’ (રૂમી ૧૦:૨, ૩) પાઊલના કહેવા પ્રમાણે એ યહુદીઓ ઈશ્વરના ન્યાયીપણાનો અર્થ સમજ્યા ન હતા. કેમ કે તેઓ પોતાનું ન્યાયીપણું જ સાચું છે, એ સાબિત કરવા માગતા હતા. *
૬. આપણે કેવું વલણ ન રાખવું જોઈએ અને શા માટે?
૬ યહોવાહની ભક્તિમાં પોતાને બીજા સાથે સરખાવીને, હરીફાઈનું વલણ રાખીશું તો આપણે પણ એવા ફાંદામાં પડી જઈશું. એવું વલણ રાખીશું તો આપણે પોતાની આવડત અને બુદ્ધિ વિષે ફુલાઈ જઈશું. પણ એ રીતે વર્તીને તો આપણે યહોવાહ કરતાં પોતાને વધારે ન્યાયી ગણીએ છીએ. (ગલા. ૬:૩, ૪) યહોવાહની નજરે જે ખરું છે એ કરવાથી તેમના પરનો પ્રેમ દેખાઈ આવશે. આપણે જો પોતાને ન્યાયી ઠરાવવા માગીશું, તો ઈશ્વર માટેનો આપણા પ્રેમનો દાવો ખોટો ઠરશે.—લુક ૧૬:૧૫ વાંચો.
૭. કોઈએ પોતાને ન્યાયી ન ગણવા વિષે ઈસુએ શું કહ્યું?
૭ ઈસુને એવા લોકોની ચિંતા હતી, જેઓ “પોતાના વિષે અભિમાન રાખતા હતા કે અમે ન્યાયી છીએ, ને બીજાઓને તુચ્છકારતા હતા.” એવું અભિમાન ન રાખવું જોઈએ, એ શીખવવા ઈસુએ આ દાખલો આપ્યો: ‘બે માણસ પ્રાર્થના કરવા મંદિરમાં ગયા; એક ફરોશી અને બીજો દાણી. ફરોશીએ ઊભા રહીને પોતાના મનમાં પ્રાર્થના કરી, કે હે ઈશ્વર, બીજા માણસોના જેવો જુલમી, અન્યાયી, વ્યભિચારી અથવા આ દાણીના જેવો હું નથી. એ માટે હું તારી ઉપકારસ્તુતિ કરું છું. અઠવાડિયામાં હું બે વાર ઉપવાસ કરું છું, અને મારી બધી આવકનો દશમો ભાગ આપું છું. પણ દાણીએ દૂર ઊભા રહીને પોતાની આંખો આકાશ તરફ ઊંચી કરવા ન ચાહતા છાતી કૂટીને કહ્યું, કે હે ઈશ્વર, હું પાપી છું. મારા પર દયા કર.’ ઈસુએ અંતે કહ્યું કે ‘હું તમને કહું છું, કે પેલા ફરોશી કરતાં એ દાણી ન્યાયી ઠરીને પોતાને ઘેર ગયો; કેમ કે જે કોઈ પોતાને ઊંચો કરે છે તેને નીચો કરવામાં આવશે. જે પોતાને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવશે.’—લુક ૧૮:૯-૧૪.
બીજું જોખમ—“ઝાઝો નેક ન થા”
૮, ૯. “ઝાઝો નેક” બનવાનો અર્થ શું થાય? એવા બનીશું તો શું થશે?
૮ બીજા કયા ખતરાથી આપણે દૂર રહેવું જોઈએ? સભાશિક્ષક ૭:૧૬ આમ કહે છે: “ઝાઝો નેક ન થા; અને દોઢડાહ્યો પણ ન થા; તેમ કરીને તું શા માટે પોતાનો નાશ કરે?” આપણે એવું વલણ કેમ ન રાખવું જોઈએ, એ વિષે વીસમી કલમ આમ કહે છે, “જે સારૂં જ કરે છે અને પાપ કરતો જ નથી એવો નેક માણસ નિશ્ચે પૃથ્વી પર એકે નથી.” જે કોઈ “ઝાઝો નેક” થાય છે, તે ન્યાયીપણા માટે પોતાનાં ધોરણો બનાવે છે અને એ પ્રમાણે બીજાનો ન્યાય કરે છે. એમ કરવાથી તે બતાવે છે કે ઈશ્વરનાં ધોરણો કરતાં પોતે વધારે ન્યાયી છે. પણ તે ભૂલી જાય છે કે આ રીતે તો તે પોતે ઈશ્વરની નજરે અન્યાયી ઠરે છે.
૯ આપણે જો ‘ઝાઝા નેક’ બનીશું તો યહોવાહ જે રીતે ન્યાય કરે છે, એના પર શંકા ઉઠાવવા લાગીશું. એમ માનવા લાગીશું કે યહોવાહ જે રીતે નિર્ણયો લે છે એ વાજબી નથી. પણ ભૂલીએ નહિ કે એમ કરવાથી યહોવાહનાં ન્યાયી ધોરણો કરતાં પોતાનાં ધોરણો ઊંચાં મૂકીએ છીએ. આપણે જાણે કે યહોવાહ પર મુકદમો ચલાવીને, ખરાં-ખોટાંનાં આપણાં ધોરણો પ્રમાણે તેમનો ન્યાય કરીએ છીએ. પરંતુ, ફક્ત યહોવાહ પાસે જ ખરાં-ખોટાંનાં ધોરણો નક્કી કરવાનો હક્ક છે, આપણી પાસે નહિ!—રૂમી ૧૪:૧૦.
૧૦. અયૂબની જેમ આપણે પણ કોઈ વાર શાને લીધે ઈશ્વરનો ન્યાય કરવા લાગીએ છીએ?
૧૦ ખરું કે આપણે જાણીજોઈને ઈશ્વરનો ન્યાય કરતા નથી. પણ વારસામાં મળેલા પાપને લીધે અમુક વાર એવું કરી બેસીએ છીએ. ખાસ કરીને એવું ક્યારે બને છે? આપણે એવું કંઈક જોઈએ જે યોગ્ય ન હોય એવું લાગે, અથવા તો કોઈ તકલીફ સહેતા હોઈએ ત્યારે, સહેલાઈથી એવું બની શકે છે. અરે, ઈશ્વરભક્ત અયૂબે પણ એવી ભૂલ કરી હતી. બાઇબલ અયૂબ વિષે જણાવે છે કે તે પહેલા તો ‘નિર્દોષ અને પ્રામાણિક હતા. તેમ જ, તે ઈશ્વરભક્ત હતા અને ભૂંડાઈથી દૂર રહેતા હતા.’ (અયૂ. ૧:૧) પણ પછી અયૂબ પર એક પછી એક આફતો આવી પડી, જેનાથી તેમને અન્યાય થયો હોય એવું લાગ્યું. એટલે અયૂબે ‘ઈશ્વર કરતાં પોતાને ન્યાયી ઠરાવ્યા.’ (અયૂ. ૩૨:૧, ૨) અયૂબને પોતાની સમજણમાં સુધારો કરવાની જરૂર પડી. આપણે પણ કોઈ વાર અયૂબની જેમ વિચારવા લાગીએ તો એમાં નવાઈ નથી. એવું બને તો, આપણા વિચારો સુધારવા શું મદદ કરી શકે?
આપણે હંમેશાં બધું જાણતા નથી
૧૧, ૧૨. (ક) આપણને કોઈ બાબત વાજબી ન લાગે તો શું યાદ રાખવું જોઈએ? (ખ) અમુકને કેમ એવું લાગી શકે કે ઈસુના ઉદાહરણમાં મજૂરો સાથે માલિક બરાબર વર્ત્યા ન હતા?
૧૧ એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે આપણી પાસે હંમેશાં બધી વિગતો હોતી નથી. અયૂબના કિસ્સામાં પણ એવું જ હતું. તે જાણતા ન હતા કે સ્વર્ગમાં બધા દૂતોની સભામાં શેતાને તેમના પર આરોપ મૂક્યો હતો. (અયૂ. ૧:૭-૧૨; ૨:૧-૬) અયૂબને એ પણ ખબર ન હતી કે શેતાન તેમના પર મુશ્કેલીઓ લાવ્યો હતો. હકીકતમાં, શેતાન કોણ છે એ અયૂબ જાણતા હતા, એવું પણ ચોક્કસ કહી ન શકીએ! તેથી, અયૂબે માની લીધું કે ઈશ્વર તેમના પર તકલીફો લાવ્યા છે. આપણી પાસે જ્યારે બધી માહિતી ન હોય, ત્યારે સહેલાઈથી ખોટા નિર્ણય પર આવી જવાય છે.
૧૨ ઈસુએ દ્રાક્ષાવાડીના મજૂરોનું ઉદાહરણ આપ્યું હતું, એનો વિચાર કરીએ. (માત્થી ૨૦:૮-૧૬ વાંચો.) અહીં ઈસુ બતાવે છે કે મજૂરોએ આખો દિવસ કામ કર્યું હોય કે એક જ કલાક, પણ દ્રાક્ષાવાડીના માલિક બધા જ મજૂરોને એકસરખી મજૂરી આપે છે. શું તમને એ વાજબી લાગે છે? જેઓએ આખો દિવસ ધગધગતા તાપમાં મજૂરી કરી હોય, તેઓ પર કદાચ આપણને દયા આવે. એમ લાગે કે તેઓને ચોક્કસ વધારે મજૂરી મળવી જોઈએ. એના પરથી કદાચ એવું લાગે કે માલિકને જરાય દયા નથી અને તે વાજબી રીતે વર્ત્યા નહિ. અરે, ફરિયાદ કરનારા મજૂરો સાથે તે જે રીતે વર્ત્યા, એનાથી લાગી શકે કે તે માલિક હોવાથી મન ફાવે તેમ વર્તે છે. પણ શું આપણે બધી હકીકત જાણીએ છીએ?
૧૩. ઈસુએ આપેલા દ્રાક્ષાવાડીના મજૂરોના ઉદાહરણ પર ફરીથી વિચાર કરવાથી શું શીખવા મળે છે?
૧૩ ચાલો આપણે એ ઉદાહરણ પર ફરીથી વિચાર કરીએ. એમાં કોઈ શંકા નથી કે દ્રાક્ષાવાડીના માલિક જાણતા હતા કે દરેક મજૂરે પોતાના કુટુંબને ખાવાનું પૂરું પાડવું પડશે. ઈસુના સમયમાં મજૂરોને રોજની મજૂરી ચૂકવાતી. તેઓનાં કુટુંબ રોજની મજૂરી પર આધાર રાખતાં. હવે માલિકે દિવસને અંતે જેઓને મજૂરીએ રાખ્યા હતા, તેઓનો ફરીથી વિચાર કરો. તેઓએ ફક્ત એક જ કલાક કામ કર્યું. તેઓ એક કલાકની મજૂરીથી પોતાના કુટુંબ માટે કંઈક ખાવાનું પણ લઈ ન શકે. તોપણ, તેઓ કામ કરવા તૈયાર હતા અને આખો દિવસ રાહ જોઈ કે કોઈક તો મજૂરીએ રાખશે. (માથ. ૨૦:૧-૭) કોઈએ આખો દિવસ મજૂરીએ ન રાખ્યા એ તેઓનો દોષ ન હતો. તેઓ કામચોર હોય એવું લાગતું નથી. કલ્પના કરો કે તમારા દિવસના પગાર પર બીજાઓ આધારિત હોય અને તમારે મજૂરી મેળવવા આખો દિવસ રાહ જોવી પડી હોય. જ્યારે કંઈક કામ મળે ત્યારે તમને કેટલો આનંદ થશે. એમાંય વળી જો તમને આખા દિવસની મજૂરી મળે, જેમાંથી કુટુંબ માટે પૂરતું ખાવાનું લઈ શકો, તો કેટલી બધી ખુશી થશે!
૧૪. દ્રાક્ષાવાડીના ઉદાહરણમાંથી આપણને શું શીખવા મળે છે?
૧૪ હવે ચાલો આપણે દ્રાક્ષાવાડીના માલિકના નિર્ણયનો વિચાર કરીએ. તેમણે કોઈને પણ ઓછી મજૂરી આપી ન હતી. હકીકતમાં તે જાણતા હતા કે દરેક મજૂરે પૂરતું કમાઈને કુટુંબની દેખભાળ કરવાની હતી. ઘણા મજૂરો કામ શોધતા હોવાથી, માલિકે તેઓનો ફાયદો ઉઠાવ્યો નહિ. દિવસના અંતે દરેક મજૂર પાસે પોતાના કુટુંબ માટે ખાવાનું લેવા પૂરતા પૈસા હતા. આ વધારાની માહિતીનો વિચાર કરવાથી માલિક વિષેના આપણા વિચારો કદાચ બદલાય પણ ખરા. માલિક મન ફાવે તેમ નહિ, પણ પ્રેમથી વર્ત્યા હતા. આપણે એમાંથી શું શીખી શકીએ? આપણી પાસે બધી જ માહિતી ન હોવાથી, કદાચ આપણે કોઈના વિષે ખોટું ધારી બેસીએ. આ ઉદાહરણ બતાવે છે કે યહોવાહનું ન્યાયીપણું કાનૂની નિયમો અથવા વ્યક્તિના હક્ક પર આધાર રાખતું નથી. તેમનું ન્યાયપણું તો સૌથી ચડિયાતું છે!
આપણી સમજણ અધૂરી કે ખોટી હોઈ શકે
૧૫. શાના લીધે આપણી સમજણ અધૂરી અને ખોટી હોઈ શકે?
૧૫ આપણે બીજું શું ધ્યાનમાં રાખવું જોઈએ? જો કોઈ બાબત વાજબી ન લાગે, તો બની શકે કે આપણી સમજણ અધૂરી કે ખોટી છે. આપણને વારસામાં પાપ મળ્યું હોવાથી, પૂર્વગ્રહ હોવાથી કે જુદા જુદા સમાજમાંથી આવતા હોવાને લીધે કદાચ ભેદભાવ રાખતા હોઈએ. તેમ જ, આપણે લોકોનું દિલ અને તેઓના વિચારો પારખી શકતા નથી, જ્યારે કે યહોવાહ અને ઈસુ દરેકનું દિલ પારખી શકે છે.—નીતિ. ૨૪:૧૨; માથ. ૯:૪; લુક ૫:૨૨.
૧૬, ૧૭. દાઊદે બાથ-શેબા સાથે કરેલા વ્યભિચારની સજા યહોવાહે કેમ પોતાના નિયમ પ્રમાણે ન કરી?
૧૬ હવે દાઊદે બાથશેબા સાથે કરેલા વ્યભિચારનો દાખલો લો. (૨ શમૂ. ૧૧:૨-૫) મુસાને આપેલા નિયમ પ્રમાણે તેઓને મોતની સજા થવી જોઈતી હતી. (લેવી. ૨૦:૧૦; પુન. ૨૨:૨૨) ખરું કે યહોવાહે તેઓને સજા કરી, પણ નિયમ પ્રમાણે મોતની સજા ન કરી. એટલે અમુક લોકોને સવાલ થાય છે કે શું યહોવાહનો નિર્ણય ખોટો હતો? શું તેમણે દાઊદનો પક્ષ લઈને પોતાનાં ન્યાયી ધોરણોનો ભંગ કર્યો હતો?
૧૭ જોકે, યહોવાહે વ્યભિચાર વિષેનો નિયમ તો ન્યાયાધીશોને ન્યાય કરવા આપ્યો હતો. તેઓ મર્યાદિત હોવાથી, કોઈનાં દિલના વિચારો પારખી શકતા ન હતા. તોપણ, આ નિયમની મદદથી વ્યભિચાર કરનારનો હરવખત યોગ્ય ન્યાય કરવામાં આવતો. પણ યહોવાહ આપણા જેવા નથી, તે તો દરેકનું દિલ પારખી શકે છે. (ઉત. ૧૮:૨૫; ૧ કાળ. ૨૯:૧૭) એટલે એવું નથી કે પાપી મનુષ્યને આપેલા નિયમોથી યહોવાહ પણ બંધાયેલા છે. કલ્પના કરો કે કોઈ વ્યક્તિ બરાબર જોઈ શકે છે. તોપણ, તેને નંબરવાળાં ચશ્માં પહેરવા દબાણ કરીએ, એ શું વાજબી કહેવાય? યહોવાહ તો દાઊદ અને બાથ-શેબાનાં દિલ જોઈ શકતા હતા કે તેઓએ સાચો પસ્તાવો કર્યો છે. એ બધું ધ્યાનમાં લઈને, યહોવાહે દયા અને પ્રેમથી તેઓનો ન્યાય કર્યો.
યહોવાહના ન્યાયીપણા પ્રમાણે જીવીએ
૧૮, ૧૯. આપણાં ધોરણો પ્રમાણે યહોવાહનો ન્યાય કરી ન બેસીએ એ માટે શું મદદ કરશે?
૧૮ તેથી, જ્યારે બાઇબલનો કોઈ અહેવાલ વાંચીને કે પછી જીવનમાં બનેલા કોઈ બનાવને લીધે એવું લાગે કે યહોવાહ વાજબી નથી, તો શું કરશો? આપણે પોતાના સિદ્ધાંતો કે ધોરણો પ્રમાણે યહોવાહનો ન્યાય ન કરીએ. હંમેશાં યાદ રાખીએ કે આપણી પાસે બધી જ હકીકતો હોતી નથી. તેમ જ, કદાચ આપણી સમજણ અધૂરી કે ખોટી પણ હોય. કદી ન ભૂલીએ કે ‘માણસના ક્રોધથી ઈશ્વરનું ન્યાયીપણું’ મળી જતું નથી. (યાકૂ. ૧:૧૯, ૨૦) એ ધ્યાનમાં રાખીશું તો આપણું દિલ કદી પણ ‘યહોવાહ વિરુદ્ધ ચિડાશે’ નહિ.—નીતિ. ૧૯:૩.
૧૯ સારું અને વાજબી શું છે એનાં ધોરણો નક્કી કરવાનો હક્ક ફક્ત યહોવાહને જ છે. ઈસુની જેમ આપણે પણ ખુશીથી એ સ્વીકારીએ. (માર્ક ૧૦:૧૭, ૧૮) આપણે “સત્યનું જ્ઞાન” મેળવવા બનતા પ્રયત્ન કરીએ. (રૂમી ૧૦:૨; ૨ તીમો. ૩:૭) યહોવાહની ઇચ્છા અને ન્યાયીપણા પ્રમાણે જીવીશું તો, આપણે ‘તેમના ન્યાયીપણાને પહેલા શોધી’ રહ્યા છીએ.—માથ. ૬:૩૩. (w10-E 10/15)
[ફુટનોટ્સ]
^ એક વિદ્વાનના કહેવા પ્રમાણે “સ્થાપન કરવાને” માટે વપરાયેલા મૂળ ભાષાના શબ્દનો અર્થ આમ પણ થઈ શકે, ‘સ્મારક ઊભું કરવું.’ હકીકતમાં, એ યહુદીઓ ઈશ્વરની સ્તુતિ માટે નહિ, પણ પોતાને માટે જાણે કે સ્મારક ઊભું કરતા હતા.
શું તમને યાદ છે?
• યહોવાહના ન્યાયીપણા પ્રમાણે જીવવું કેમ મહત્ત્વનું છે?
• આપણે કયાં બે જોખમોથી દૂર રહેવું જોઈએ?
• આપણે કઈ રીતે ઈશ્વરના ન્યાયીપણાને પહેલા શોધી શકીએ?
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૧૭ પર ચિત્રનું મથાળું]
ઈસુએ મંદિરમાં પ્રાર્થના કરતા બે માણસોનો દાખલો આપ્યો. એમાંથી આપણે શું શીખી શકીએ?
[પાન ૧૮ પર ચિત્રનું મથાળું]
આખો દિવસ કામ કરનારા અને ફક્ત એક કલાક કામ કરનારા મજૂરોને એકસરખી મજૂરી મળી. શું એમાં અન્યાય થયો હતો?