સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘પ્રભુ યહોવાહનું મન કોણે જાણ્યું છે?’

‘પ્રભુ યહોવાહનું મન કોણે જાણ્યું છે?’

‘પ્રભુ યહોવાહનું મન કોણે જાણ્યું છે?’

“પ્રભુનું [યહોવાહનું] મન કોણે જાણ્યું છે, કે તે તેને બોધ કરે? પણ અમને તો ખ્રિસ્તનું મન છે.”—૧ કોરીં. ૨:૧૬.

૧, ૨. (ક) ઘણા લોકોને શું અઘરું લાગે છે? (ખ) યહોવાહના અને આપણા વિચારો વિષે શું યાદ રાખવું જોઈએ?

 કોઈ વ્યક્તિ કેવી રીતે વિચારે છે એ સમજવું તમને કોઈ વાર અઘરું લાગ્યું છે? કદાચ તમે હમણાં હમણાં જ લગ્‍ન કર્યા હોય અને લાગે કે તમે તમારા લગ્‍નસાથીને કદીયે સારી રીતે સમજી શકશો નહિ. ખરું કે પુરુષ અને સ્ત્રી બંનેની વિચારવાની અને બોલવાની રીત અલગ અલગ હોય છે. અરે અમુક સમાજમાં તો પુરુષ અને સ્ત્રી એક જ ભાષા બોલતા હોવા છતાં, બોલવાની રીત જુદી હોય છે. એ ઉપરાંત, જુદા જુદા સમાજ કે રીતભાત અને ભાષાને લીધે લોકોના વાણી-વર્તન અને વિચારો અલગ હોઈ શકે. તેમ છતાં, તમે તે વ્યક્તિને વધારે સારી રીતે ઓળખતા થાવ, તેમ તેની વિચારવાની રીત સારી રીતે સમજતા થાવ છો.

એટલે નવાઈ પામવું ન જોઈએ કે યહોવાહ અને આપણા વિચારોમાં આભ-જમીનનો ફરક છે. યહોવાહે પ્રબોધક યશાયાહ દ્વારા ઈસ્રાએલીઓને આમ કહ્યું: “મારા વિચારો તે તમારા વિચારો નથી, તેમ તમારા માર્ગો તે મારા માર્ગો નથી.” પછી યહોવાહે દાખલો આપીને સમજાવ્યું કે “જેમ આકાશો પૃથ્વીથી ઊંચા છે, તેમ મારા માર્ગો તમારા માર્ગોથી, ને મારા વિચારો તમારા વિચારોથી ઊંચા છે.”—યશા. ૫૫:૮, ૯.

૩. કઈ બે રીતે યહોવાહ સાથેનો નાતો પાકો કરી શકીએ?

શું એનો અર્થ એવો થાય કે યહોવાહ જે રીતે વિચારે છે, એ સમજવાનો પ્રયત્ન પણ ન કરીએ? ના, એવું નથી. ખરું કે આપણે યહોવાહના વિચારો કદીયે પૂરેપૂરી રીતે સમજી નહિ શકીએ, તોપણ બાઇબલ આપણને તેમની સાથે નાતો બાંધવા ઉત્તેજન આપે છે. એમ કરવા એક તો તેમના વિષે બાઇબલમાંથી શીખીએ. તેમણે જે કંઈ કર્યું છે એના પર વિચાર કરીએ અને એની કદર બતાવીએ. આમ યહોવાહ સાથે આપણો નાતો પાકો કરી શકીશું. (ગીત. ૨૮:૫) એમ કરવાની બીજી એક રીત છે કે “ખ્રિસ્તનું મન” સમજીએ, જે ‘અદૃશ્ય ઈશ્વરની પ્રતિમા’ છે. (૧ કોરીં. ૨:૧૬; કોલો. ૧:૧૫) બાઇબલમાંના બનાવો વાંચવા સમય કાઢીએ અને એનો વિચાર કરીએ. એ રીતે યહોવાહના ગુણો અને વિચારોને સમજવા લાગીશું.

ખોટા વલણથી ચેતીને ચાલીએ

૪, ૫. (ક) આપણે કેવું વલણ ન રાખવું જોઈએ? સમજાવો. (ખ) ઈસ્રાએલીઓ વારંવાર કેવી ભૂલ કરી બેઠા?

યહોવાહે જે કંઈ કર્યું છે, એના પર જેમ વિચાર કરીએ, તેમ આપણી રીતે તેમનો ન્યાય ન કરીએ. ઇન્સાનના એવા વલણ વિષે યહોવાહે ગીતશાસ્ત્ર ૫૦:૨૧માં જણાવ્યું: “તેં ધાર્યું છે કે હું છેક તારા જેવો છું.” આજથી ૧૭૫ વર્ષો પહેલાં એક બાઇબલ વિદ્વાને આવું કહ્યું હતું: “મનુષ્ય વાતવાતમાં પોતાની રીતે ઈશ્વરનો ન્યાય કરવા બેસી જાય છે. તેઓ ઈશ્વરને પણ મનુષ્યને લાગુ પડતા નિયમોથી બાંધી દેવા માંગે છે.”

આપણે સાવચેત રહીએ કે યહોવાહને આપણી ઇચ્છાઓ અને આપણાં ધોરણોથી બાંધી ન દઈએ. એવું કેમ ન કરવું જોઈએ? જેમ બાઇબલ વાંચીએ અને વિચારીએ, તેમ આપણી મર્યાદિત સમજણ પ્રમાણે કદાચ એવું લાગે કે યહોવાહે જે નિર્ણયો લીધા એ યોગ્ય ન હતા. પહેલાંના ઈસ્રાએલીઓ પણ વારંવાર એવી ભૂલ કરી બેઠા અને યહોવાહ તેઓ સાથે જે રીતે વર્ત્યા, એનો દોષ કાઢ્યો. એ વિષે યહોવાહે તેઓને આમ કહ્યું: ‘તમે કહો છો, કે યહોવાહનો વ્યવહાર વાજબી નથી. હે ઈસ્રાએલ લોક, હવે સાંભળો: શું મારો વ્યવહાર વાજબી નથી કે તમારા માર્ગો વાજબી નથી?’—હઝકી. ૧૮:૨૫.

૬. અયૂબ શું શીખ્યા અને તેમના અનુભવમાંથી આપણે શું શીખી શકીએ?

એવા ફાંદામાં ન પડવા આપણે શું કરવું જોઈએ? એ સ્વીકારવું જોઈએ કે આપણે બધું જ જાણતા નથી. નહિ તો આપણે અમુક વાર એકદમ ખોટા નિર્ણય પર આવી જઈશું. અયૂબને એ શીખવાની જરૂર પડી. તેમના જીવનમાં ભારે દુઃખ પડ્યું હોવાથી, તે બહુ નિરાશ થઈ ગયા હતા. એટલે તેમણે પોતાના સિવાય બીજા કશાનો વિચાર ન કર્યો. ખાસ તો તેમણે એવી બાબતોનો વિચાર કર્યો નહિ, જે યહોવાહની નજરે મહત્ત્વની હતી. તોપણ, યહોવાહે પ્રેમથી અયૂબને એ સમજવા મદદ કરી. તેમણે અયૂબને એક પછી એક સિત્તેર સવાલો પૂછ્યા, જેમાંના એકેયનો જવાબ તે આપી ન શક્યા. યહોવાહે બતાવ્યું કે અયૂબની સમજણ કેટલી મર્યાદિત હતી. અયૂબે નમ્રતાથી પોતાના વિચારો બદલ્યા.—અયૂબ ૪૨:૧-૬ વાંચો.

ખ્રિસ્તનું મન પારખીએ

૭. યહોવાહનું મન પારખવા ઈસુનાં કામો કઈ રીતે મદદ કરે છે?

ઈસુના વાણી-વર્તન બધી રીતે યહોવાહ જેવા જ હતા. (યોહા. ૧૪:૯) ઈસુએ જે કંઈ કર્યું એના પર વિચાર કરવાથી, આપણને યહોવાહના વિચારો પારખવા મદદ મળશે. (રૂમી ૧૫:૫, ૬; ફિલિ. ૨:૫) ચાલો યોહાન અને માર્કના પુસ્તકોમાંથી બે બનાવો પર વિચાર કરીએ.

૮, ૯. યોહાન ૬:૧-૫ પ્રમાણે ઈસુએ કેવા સંજોગોમાં ફિલિપને સવાલ કર્યો? શા માટે?

આ દૃશ્યની કલ્પના કરો. ઈસવીસન ૩૨ના પાસ્ખાપર્વ પહેલાંનો સમય છે. ઈસુના પ્રેરિતો ગાલીલમાં જોરશોરથી પ્રચાર કરીને પાછા ફર્યા છે. તેઓ થાકીને લોથપોથ થઈ ગયા છે. ઈસુ તેઓને ગાલીલના સમુદ્રની ઉત્તર-પૂર્વે એકાંતમાં લઈ જાય છે. લોકોનું ટોળું ત્યાં પણ પહોંચી જાય છે. ઈસુ તેઓમાંના માંદાઓને સાજા કરે છે અને ઈશ્વર વિષે ઘણું શીખવે છે. જોકે એક મુશ્કેલી ઊભી થાય છે. ગામથી દૂર એ જગ્યાએ લોકો ખાવાનું ક્યાંથી મેળવી શકે? એ જોઈને ઈસુએ ત્યાંના રહેવાસી ફિલિપને પૂછ્યું, “તેમને ખાવાને માટે આપણે રોટલી ક્યાંથી વેચાતી લઈએ?”—યોહા. ૬:૧-૫.

તેમણે ફિલિપને કેમ એ સવાલ પૂછ્યો? શું ઈસુ ગભરાઈ ગયા હતા? ના, એવું ન હતું. એ સમયે પ્રેરિત યોહાન ત્યાં હતા. તે સમજાવે છે કે ‘ઈસુએ તેને પારખવા માટે એ પૂછ્યું; કેમ કે તે શું કરવાના હતા એ પોતે જાણતા હતા.’ (યોહા. ૬:૬) ઈસુ પોતાના શિષ્યોની શ્રદ્ધા ચકાસતા હતા. તેમણે એ સવાલથી તેઓને વિચારતા કર્યા. ઈસુ જે કરી શકતા હતા, એ જણાવવાની તેઓને તક આપી. પરંતુ, તેઓ એ તક ચૂકી ગયા અને દેખાઈ આવ્યું કે તેઓ ઈસુનું મન પૂરી રીતે જાણતા ન હતા. (યોહાન ૬:૭-૯ વાંચો.) પછી શિષ્યોએ ધાર્યું પણ નહિ હોય એ રીતે ચમત્કાર કરીને, ઈસુએ હજારો ભૂખ્યા લોકોને જમાડ્યા.—યોહા. ૬:૧૦-૧૩.

૧૦-૧૨. (ક) ઈસુએ કેમ એક ગ્રીક સ્ત્રીની માંગ તરત જ પૂરી ન કરી? સમજાવો. (ખ) હવે આપણે શાનો વિચાર કરીશું?

૧૦ એ બનાવ કદાચ સમજવા મદદ કરશે કે બીજા એક પ્રસંગે ઈસુના મનમાં શું ચાલતું હતું. હજારોને જમાડ્યા એના થોડા સમય પછી, ઈસુ અને પ્રેરિતોએ ઉત્તર તરફ મુસાફરી કરી. તેઓ ઈસ્રાએલની હદ પાર કરીને તૂર અને સીદોનના વિસ્તારમાં પહોંચ્યા. ત્યાં એક ગ્રીક સ્ત્રી પોતાની દીકરીને સાજી કરવા માટે ઈસુને કાલાવાલા કરવા લાગી. પ્રથમ તો ઈસુએ તેને ધ્યાન ન આપ્યું. પણ તે સ્ત્રીએ વારંવાર વિનંતી કરી. એટલે ઈસુએ તેને કહ્યું, “છોકરાંને પહેલાં ધરાવા દે; કેમ કે છોકરાંની રોટલી લઈને કૂતરાંને ફેંકવી એ વાજબી નથી.”—માર્ક ૭:૨૪-૨૭.

૧૧ ઈસુએ કેમ એ સ્ત્રીને મદદ કરવાની ના પાડી? ફિલિપની શ્રદ્ધાની કસોટી કરી તેમ, શું ઈસુ એ સ્ત્રીની પણ કસોટી કરતા હતા? બાઇબલ એ જણાવતું નથી, પણ ઈસુ જે રીતે બોલ્યા, એનાથી તેમણે એ સ્ત્રીની હિંમત તોડી પાડી નહિ. મૂળ ભાષામાં ‘કૂતરાં’ માટે વાપરેલા શબ્દનો અર્થ અપમાન કરે એવો ન હતો. કદાચ ઈસુ એક માબાપની જેમ વર્તતા હોઈ શકે. બાળક માબાપ પાસે કંઈ માંગે ત્યારે તેઓ તરત જ આપી દેતા નથી. પણ તેઓ જુએ છે કે બાળકને મન એ કેટલું મહત્ત્વનું છે. બાબત ભલે ગમે એ હોય, પણ તે સ્ત્રીની શ્રદ્ધા જોયા પછી, ઈસુએ રાજીખુશીથી તેની માંગ પૂરી કરી.—માર્ક ૭:૨૮-૩૦ વાંચો.

૧૨ યોહાન અને માર્કના પુસ્તકમાંના આ બે બનાવો ‘ખ્રિસ્તના મન’ વિષે કેટલી સરસ સમજણ આપે છે! એ બનાવો યહોવાહનું મન સમજવા કેવી મદદ કરી શકે છે, એ હવે જોઈએ.

મુસા સાથે યહોવાહ કઈ રીતે વર્ત્યા?

૧૩. ઈસુનું મન પારખવાથી આપણને કઈ મદદ મળે છે?

૧૩ ઈસુનું મન પારખવાથી, આપણને બાઇબલની એવી કલમો સમજવા મદદ મળશે જે કદાચ અઘરી લાગે. ચાલો આપણે એ સમયનો વિચાર કરીએ, જ્યારે ઈસ્રાએલીઓએ ભક્તિ કરવા સોનાનું વાછરડું બનાવ્યું. એ પછી યહોવાહે મુસાને કહ્યું, “મેં આ લોકોને જોયા છે, ને જો, તે તો હઠીલા લોક છે; મારો કોપ તેઓ પર તપી ઊઠે ને હું તેઓનો સંહાર કરૂં, માટે મને અટકાવીશ મા; અને હું તારાથી એક મોટી દેશજાતિ કરીશ.”—નિર્ગ. ૩૨:૯, ૧૦.

૧૪. યહોવાહની વાત સાંભળીને મુસાએ શું કહ્યું?

૧૪ બાઇબલ આગળ આમ જણાવે છે: ‘મુસાએ પોતાના ઈશ્વર યહોવાહને વિનંતી કરીને કહ્યું, હે યહોવાહ, તારા જે લોકોને તું મોટા પરાક્રમ વડે અને બળવાન હાથે મિસર દેશમાંથી કાઢી લાવ્યો છે, તેઓની વિરૂદ્ધ તારો કોપ કેમ તપી ઊઠે છે? મિસરીઓ શું કરવા આ પ્રમાણે બોલે કે તે તેઓને હાનિને માટે, એટલે પર્વતોમાં મારી નાખવા અને પૃથ્વીની પીઠ પરથી તેઓનો સંહાર કરવા કાઢી લાવ્યો? તારા બળતા કોપથી ફર, ને તારા લોક પર આફત લાવવાનો ઇરાદો ફેરવ. તારા સેવકો ઈબ્રાહીમ, ઈસ્હાક અને ઈસ્રાએલનું સ્મરણ કર, જેઓની આગળ તેં પોતાના સમ ખાઈને કહ્યું, કે આકાશના તારાઓ જેટલા હું તમારા સંતાન વધારીશ, ને આ જે સર્વ દેશ વિષે મેં કહ્યું છે તે હું તમારા સંતાનને આપીશ, ને તેઓ સદાને માટે તેનું વતન પામશે. અને જે આફત યહોવાહે પોતાના લોક પર લાવવાનું કહ્યું હતું તે વિષે તેણે પોતાનું મન ફેરવ્યું.’—નિર્ગ. ૩૨:૧૧-૧૪. *

૧૫, ૧૬. (ક) યહોવાહે જે કહ્યું એનાથી મુસાને કઈ તક મળી? (ખ) યહોવાહે કયા અર્થમાં “પોતાનું મન ફેરવ્યું”?

૧૫ શું મુસાએ યહોવાહના વિચારો સુધારવાની જરૂર હતી? ના, જરાય નહિ! ખરું કે યહોવાહે જણાવ્યું કે પોતે શું કરવા વિચારે છે, પણ એ આખરી ફેંસલો ન હતો. યહોવાહ તો મુસાને ચકાસતા હતા, જે રીતે ઈસુએ સદીઓ પછી ફિલિપ અને ગ્રીક સ્ત્રીની ચકાસણી કરી. યહોવાહે મુસાને પોતાના વિચારો જણાવવાની તક આપી. * યહોવાહે ઈસ્રાએલીઓને માર્ગદર્શન આપવા મુસાને પસંદ કર્યા હતા. યહોવાહને પારખવું હતું કે મુસા આવા સંજોગોમાં શું કરશે. શું તે કંટાળી જઈને ઈસ્રાએલીઓનો નાશ કરવા યહોવાહને ઉશ્કેરશે? શું તે એવી ઇચ્છા રાખશે કે પોતાનામાંથી જ મોટી પ્રજા બને?

૧૬ મુસાએ જે કહ્યું એમાંથી દેખાઈ આવ્યું કે તેમને યહોવાહના ન્યાયમાં પૂરી શ્રદ્ધા હતી અને ભરોસો હતો. એમાંથી જોવા મળ્યું કે તે પોતાનો વિચાર કરતા ન હતા. તેમને તો એવી ચિંતા હતી કે યહોવાહનું નામ બદનામ ન થાય. મુસાએ બતાવી આપ્યું કે આ બાબતે તે ‘યહોવાહનું મન’ સમજી શક્યા હતા. (૧ કોરીં. ૨:૧૬) પછી શું બન્યું? આપણે જોઈ ગયા કે આ કિસ્સામાં યહોવાહે આખરી ફેંસલો કર્યો ન હતો. બાઇબલ જણાવે છે કે તેમણે “પોતાનું મન ફેરવ્યું,” એટલે કે ઈસ્રાએલનો નાશ ન કર્યો.

ઈબ્રાહીમ સાથે યહોવાહ કઈ રીતે વર્ત્યા?

૧૭. યહોવાહે ઈબ્રાહીમ સાથે કઈ રીતે ધીરજ બતાવી?

૧૭ ચાલો હવે સદોમ વિષે ઈબ્રાહીમે કરેલી વિનંતીનો દાખલો લઈએ. એ જણાવશે કે યહોવાહ કઈ રીતે પોતાના ભક્તોને તેઓની શ્રદ્ધા અને ભરોસો બતાવવાની તક આપે છે. ઈબ્રાહીમ સાથે ધીરજથી વર્તીને યહોવાહે તેમને અનેક સવાલો પૂછવાની તક આપી. એમાંના એકમાં ઈબ્રાહીમે દિલથી આવી અરજ કરી: “એવી રીતે કરવું તારાથી વેગળું થાઓ, એટલે દુષ્ટોની સાથે ન્યાયીઓનો સંહાર કરવો, અને એમ ન્યાયીઓને દુષ્ટોની બરાબર ગણવા; એ તારાથી વેગળું થાઓ; આખી પૃથ્વીનો ન્યાયાધીશ શું ન્યાય નહિ કરશે?”—ઉત. ૧૮:૨૨-૩૩.

૧૮. ઈબ્રાહીમ સાથે યહોવાહ જે રીતે વર્ત્યા એમાંથી આપણે શું શીખી શકીએ?

૧૮ આ બનાવ યહોવાહના વિચારો વિષે શું શીખવે છે? શું ખરો નિર્ણય લેવા યહોવાહને ઈબ્રાહીમની મદદની જરૂર હતી? બિલકુલ નહિ. યહોવાહ પોતાના નિર્ણયનાં કારણો પહેલેથી જ જણાવી શક્યા હોત. પરંતુ તેમણે ઈબ્રાહીમને સવાલો પૂછવા દીધા. એનાથી ઈબ્રાહીમને મોકો આપ્યો કે તે યહોવાહના નિર્ણય અને વિચારો સમજી શકે. ઈબ્રાહીમને યહોવાહની કૃપા અને ન્યાય પૂરેપૂરી રીતે સમજવા મોકો મળ્યો. યહોવાહ ઈબ્રાહીમ સાથે મિત્રની જેમ વર્ત્યા.—યશા. ૪૧:૮; યાકૂ. ૨:૨૩.

આપણે શું શીખ્યા?

૧૯. અયૂબ જેવા બનવા આપણે શું કરવું જોઈએ?

૧૯ ‘યહોવાહના મન’ વિષે આપણે શું શીખ્યા? આપણે યહોવાહનું મન પારખવા બાઇબલમાંથી ખરી સમજણ મેળવીએ. કદીયે આપણાં ધોરણોથી યહોવાહને બાંધી ન દઈએ અને આપણી અધૂરી સમજણથી તેમનો ન્યાય ન કરીએ. અયૂબે કહ્યું હતું કે ‘ઈશ્વર મારા જેવા માણસ નથી કે હું તેમને ઉત્તર આપું, કે તેમના ન્યાયાસન આગળ વાદ-વિવાદ કરું.’ (અયૂ. ૯:૩૨) અયૂબની જેમ આપણે યહોવાહનું મન સમજવા લાગીએ ત્યારે, આમ પોકારી ઊઠીએ છીએ: ‘આ તો તેમના માર્ગોનો માત્ર ઇશારો છે; આપણે તેમનો ઝીણો ગણગણાટ સાંભળીએ છીએ ખરા, પણ તેમના પરાક્રમની ગર્જના કોણ સમજી શકે?’—અયૂ. ૨૬:૧૪.

૨૦. બાઇબલ વાંચીએ તેમ, અમુક કલમો સમજવી અઘરી લાગે તો શું કરીશું?

૨૦ બાઇબલ વાંચીએ તેમ, અમુક કલમો સમજવી અઘરી લાગે તો શું કરીશું? ખાસ કરીને યહોવાહના વિચારો સમજવા અઘરા લાગે ત્યારે શું કરીશું? એ બાબતે સંશોધન કર્યા પછી પણ આપણા સવાલનો ચોખ્ખો જવાબ ન મળે તો, એમ માનવું કે એ આપણી શ્રદ્ધાની કસોટી છે. એવી કલમો આપણને યહોવાહમાં શ્રદ્ધા બતાવવાની તક આપે છે. નમ્રતાથી સ્વીકારીએ કે યહોવાહ જે કરે છે એ બધું જ આપણે સમજતા નથી. (સભા. ૧૧:૫) પછી આપણે પણ પાઊલના આ શબ્દો સાથે સહમત થઈશું, જેમણે કહ્યું કે ‘આહા! ઈશ્વરની બુદ્ધિની અને જ્ઞાનની સંપત્તિ કેવી અપાર છે! તેમના ઠરાવો ને તેમના માર્ગો કોણ સમજી શકે! કેમ કે પ્રભુ યહોવાહનું મન કોણે જાણ્યું છે? અથવા તેમનો મંત્રી કોણ થયો છે? અથવા કોણે તેમને પહેલાં કંઈ આપ્યું, કે તે તેને પાછું ભરી આપવામાં આવે? કેમ કે તેમનામાંથી, તેમના વડે અને તેમને માટે સર્વસ્વ છે. તેમને સર્વકાળ મહિમા હો. આમેન.’—રૂમી ૧૧:૩૩-૩૬. (w10-E 10/15)

[ફુટનોટ્‌સ]

^ એવો જ અહેવાલ ગણના ૧૪:૧૧-૨૦માં જોવા મળે છે.

^ અમુક વિદ્વાનોના કહેવા પ્રમાણે, નિર્ગમન ૩૨:૧૦ની હિબ્રૂ કહેવત “મને અટકાવીશ મા” મુસાને પોતાના વિચારો જણાવવા તક આપતી હોઈ શકે. એ રીતે જાણે કે તે યહોવાહ અને ઈસ્રાએલીઓ ‘વચ્ચે પડે.’ (ગીત. ૧૦૬:૨૩; હઝકી. ૨૨:૩૦) એમ હોય તોપણ, મુસા ખુલ્લા મને યહોવાહને પોતાના વિચારો જણાવતા અચકાયા નહિ.

ચાલો આપણે યાદ કરીએ

• આપણાં ધોરણોથી યહોવાહનો ન્યાય કરવા ન લાગીએ એ માટે શું મદદ કરશે?

• ઈસુનાં વાણી-વર્તનની સમજણ આપણને યહોવાહ સાથે નાતો બાંધવા કઈ રીતે મદદ કરે છે?

• મુસા અને ઈબ્રાહીમ સાથે યહોવાહે જે રીતે વાત કરી એમાંથી તમે શું શીખ્યા?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૩ પર ચિત્રનું મથાળું]

મુસા અને ઈબ્રાહીમ સાથે યહોવાહ જે રીતે વર્ત્યા, એમાંથી તેમના વિચારો વિષે શું શીખવા મળે છે?