સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહના સંગઠન વિષે જાણવા બાળકોને મદદ કરો

યહોવાહના સંગઠન વિષે જાણવા બાળકોને મદદ કરો

યહોવાહના સંગઠન વિષે જાણવા બાળકોને મદદ કરો

બાળકોને શીખવું ગમે છે. મિસરમાં પહેલી વાર ઈસ્રાએલી લોકોએ પાસ્ખા પર્વ ઊજવ્યું એ રાતે બાળકોએ કેવા સવાલો પૂછ્યા હશે, એની કલ્પના કરો. તેઓએ પૂછ્યું હશે: ‘હલવાનને કેમ મારી નાખ્યું? પિતાજી કેમ બારસાખ પર લોહી લગાડે છે? આ બધું શું કામ કરીએ છીએ?’ યહોવાહની નજરે બાળકો આવા સવાલો પૂછે એમાં કંઈ ખોટું ન હતું. આવનાર પાસ્ખા પર્વ ઊજવવા વિષે યહોવાહે ઈસ્રાએલી પિતાઓને આમ કહ્યું હતું: ‘જ્યારે તમારાં છોકરાં તમને પૂછે, કે એ વિધિનો અર્થ શો છે? ત્યારે તમારે એમ કહેવું કે એ યહોવાહનો પાસ્ખાયજ્ઞ છે. જ્યારે તે મિસરીઓ ઉપર નાશ લાવ્યા ને આપણાં ઘરો બચાવ્યાં, ત્યારે તેણે મિસરમાં રહેનાર ઈસ્રાએલપુત્રોનાં ઘરોને ટાળી મૂક્યાં.’ (નિર્ગ. ૧૨:૨૪-૨૭) એના અમુક સમય પછી માબાપને યાદ કરાવવામાં આવ્યું કે યહોવાહે આપેલા “વિધિઓ તથા કાનૂનો” વિષે તમારાં બાળકો પૂછે ત્યારે, એનો જવાબ આપવો મહત્ત્વનો છે.—પુન. ૬:૨૦-૨૫.

યહોવાહ સાચે જ ઇચ્છતા હતા કે બાળકો સાચી ભક્તિને લગતા સવાલો પૂછે ત્યારે એના સંતોષ મળે એવા જવાબ આપવામાં આવે. એનાથી બાળકોના દિલમાં યહોવાહ ઈશ્વર, તેઓના તારનાર માટે પ્રેમ જાગશે. આજે પણ બાળકો અને યુવાનો માટે યહોવાહ એવું જ ઇચ્છે છે. એમ કરવાની એક એ રીત છે કે માબાપ પોતાનાં બાળકોના દિલમાં યહોવાહ માટે, તેમના લોકો માટે અને તેમના સંગઠન માટે પ્રેમ કેળવે. તેમ જ, બાળકોને એ પણ સમજાવવું જોઈએ કે એ ગોઠવણથી તેઓને કેવા આશીર્વાદો મળી શકે છે. ચાલો આપણે જોઈએ કે યહોવાહના સંગઠન વિષે વધારે જાણવા તેઓને કઈ રીતે મદદ કરી શકીએ.

તમારું મંડળ

તમારા મંડળથી તમારાં બાળકોને સારી રીતે જાણકાર બનાવો. એમ કરવા માટે તમારાં બાળકોને બધી જ સભાઓમાં લઈ જાવ. આમ તમે પણ ઈસ્રાએલી માબાપની જેમ યહોવાહની આ આજ્ઞા પાળો છો: ‘પુરુષોને, સ્ત્રીઓને અને બાળકોને એકઠા કરજે. એ માટે કે તેઓ સાંભળે અને શીખે, ને યહોવાહ તારા ઈશ્વરથી બીએ, ને આ નિયમનાં સર્વ વચનો પાળે અને અમલમાં મૂકે; અને તેઓનાં છોકરાં કે જેઓ જાણતાં નથી તેઓ પણ સાંભળીને યહોવાહ તારા ઈશ્વરથી બીતા શીખે.’—પુન. ૩૧:૧૨, ૧૩.

બાળકો બચપણથી જ યહોવાહ વિષે શીખી શકે છે. પ્રેરિત પાઊલે તીમોથી વિષે આમ કહ્યું: “તું બાળપણથી પવિત્ર શાસ્ત્ર જાણે છે.” (૨ તીમો. ૩:૧૫) મંડળની સભાઓમાં જે શીખવવામાં આવે છે, એ બાળકો પણ ધીમે ધીમે સમજશે. આપણાં ગીતોથી પણ જાણકાર બનશે. તેઓ બાઇબલ અને આપણું સાહિત્ય સાચવીને વાપરતા શીખશે. તેઓ મંડળમાં જોઈ શકશે કે ઈસુના પગલે ચાલનારા લોકોમાં ખરો પ્રેમ છે. ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું હતું કે “હું તમને નવી આજ્ઞા આપું છું, કે તમે એકબીજા પર પ્રેમ રાખો; જેવો મેં તમારા પર પ્રેમ રાખ્યો તેવો તમે પણ એકબીજા પર પ્રેમ રાખો. જો તમે એકબીજા પર પ્રેમ રાખો, તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો.” (યોહા. ૧૩:૩૪, ૩૫) બાળકો મંડળમાં એવો જ ખરો પ્રેમ અને સલામતી અનુભવશે. એના લીધે તેઓને સભાઓમાં આવવાનું મન થશે અને એ તેઓના જીવનનો ભાગ બની જશે.

તમે સભાઓમાં વહેલા આવવાની અને સભા પછી થોડી વાર રોકાવાની આદત પાડી શકો. એ રીતે તમારાં બાળકોને ભાઈ-બહેનો સાથે દોસ્તી બાંધવાનો મોકો મળશે. બાળકોને શીખવી શકો કે તેઓ ફક્ત પોતાની ઉંમરના સાથે જ હળે-મળે નહિ. તમે બધી જ ઉંમરના ભાઈ-બહેનો સાથે તેઓની ઓળખાણ કરાવી શકો. તેઓ મોટી ઉંમરના ભાઈ-બહેનો પાસેથી ઘણું જ્ઞાન અને અનુભવ મેળવી શકશે. જેમ કે, પહેલાના જમાનામાં ઈશ્વરભક્ત ઝખાર્યાહની યહુદાના રાજા ઉઝ્ઝીયાહ પર ઘણી સારી અસર થઈ હતી. એવી જ રીતે, આજે પણ ઘણાં વર્ષોથી યહોવાહને ભજનારા ભક્તોની બાળકો પર સારી અસર થઈ શકે છે. (૨ કાળ. ૨૬:૧, ૪, ૫) મંડળમાં લાઇબ્રેરીનો કઈ રીતે લાભ લેવો, નોટિસ બોર્ડ ઉપર કેવી માહિતી હોય છે, વગેરે બાળકોને સમજાવી શકો.

આખી દુનિયામાં ફેલાયેલું યહોવાહનું સંગઠન

તમારાં બાળકોને જણાવો કે તમારું મંડળ યહોવાહના સંગઠનનો એક ભાગ છે. એમાં એક લાખથી વધારે મંડળો છે. તેઓને સમજાવો કે યહોવાહના સંગઠનમાં કેવી કેવી બાબતો છે, એ કેવી રીતે કામ કરે છે અને બાળકો એને કેવી રીતે ટેકો આપી શકે. તેઓને જણાવો કે તમે કેમ સરકીટ અને ડિસ્ટ્રીક્ટ ઍસેમ્બલી અને સરકીટ ઑવરસીયરની મુલાકાતની આતુરતાથી રાહ જુઓ છો.—“ કુટુંબ તરીકે ભક્તિ કરતી વખતે ચર્ચા કરવાના વિષયો” પાન ૨૮નું બૉક્સ જુઓ.

તમને મોકો મળે તેમ સરકીટ ઑવરસીયર, મિશનરીઓ, બેથેલમાં સેવા આપનારા અને પાયોનિયરોને જમવા માટે ઘરે બોલાવી શકો. એવું ન વિચારશો કે તેઓ પાસે યુવાનો માટે સમય નથી. તેઓ તો ઈસુને પગલે ચાલવાનો પ્રયત્ન કરે છે, જેમણે હંમેશાં બાળકો માટે સમય કાઢ્યો. (માર્ક ૧૦:૧૩-૧૬) એવા ભાઈ-બહેનોના અનુભવો અને યહોવાહની ભક્તિમાં મળતા આનંદ વિષે સાંભળીને બાળકો પર ઘણી સારી અસર પડશે. તેઓને પણ કદાચ પૂરો સમય સેવા કરવાનું મન થશે.

યહોવાહના સંગઠન વિષે બાળકોને વધારે શીખવવા કુટુંબ તરીકે તમે બીજું શું કરી શકો? આ અમુક સૂચનો છે: કુટુંબ તરીકે તમે આ પુસ્તિકા વાંચી શકો, એક બની જગતવ્યાપી દેવની ઇચ્છા પૂરી કરી રહેલા યહોવાહના સાક્ષીઓ. યહોવાહના ભક્તોએ બતાવેલી નમ્રતા વિષે અને તેઓ જે રીતે તેમને વળગી રહ્યા એ વિષે જણાવો. યહોવાહે કઈ રીતે તેઓ દ્વારા દુનિયામાં બધી બાજુ ખુશખબર ફેલાવી એ જણાવો. તેમ જ આપણી વિડીયોથી શીખવો કે પહેલા અને આજે તે કઈ રીતે માર્ગદર્શન આપી રહ્યા છે. બની શકે તો તમારા દેશના કે બીજા કોઈ દેશના બેથેલની મુલાકાત લો. એનાથી બાળકો જોઈ શકશે કે પૃથ્વી પર યહોવાહનું સંગઠન કેવી રીતે કામ કરે છે. તેમ જ, પહેલી સદીની જેમ આજે પણ કઈ રીતે વિશ્વાસુ અને શાણો ચાકર આખી દુનિયામાં ભાઈઓને શિક્ષણ અને માર્ગદર્શન પહોંચાડે છે.—માથ. ૨૪:૪૫-૪૭; પ્રે.કૃ. ૧૫:૨૨-૩૧.

બાળકોની સમજણ પ્રમાણે માહિતી જણાવીએ

એક વખતે ઈસુએ પોતાના શિષ્યોને આમ કહ્યું: ‘હજી મારે તમને ઘણી વાતો કહેવાની છે, પણ હમણાં તે તમે સમજી શકતા નથી.’ (યોહા. ૧૬:૧૨) ઈસુએ પોતાના શિષ્યોને બધી માહિતી એક સાથે જણાવી નહિ. તેમણે થોડી થોડી માહિતી આપીને મહત્ત્વનું સત્ય જણાવ્યું. એનાથી તેઓ એ બરાબર સમજી શક્યા. એવી જ રીતે, તમે પણ બાળકોને શીખવતી વખતે બધી માહિતી એક સાથે આપી દેશો નહિ. નિયમિત રીતે સંગઠન વિષે થોડી થોડી માહિતી આપવાથી બાળકોને એ જાણવાનો રસ જાગશે. યહોવાહના સંગઠન વિષે તેઓને જાણવાની મજા આવશે. તમારાં બાળકોની સમજણ વધે તેમ, એ માહિતી ફરીથી જણાવો. તેમ જ, જે વિષે તેઓ જાણે છે એની વધારે સમજણ આપો.

યહોવાહ સાથેના સંબંધને ગાઢ બનાવવા મંડળ સૌથી સારી જગ્યા છે. એમાં બાળકોને યહોવાહની ભક્તિમાં ઉત્સાહ વધારવા અને શેતાનની દુનિયામાં ફસાઈ ન જવા માર્ગદર્શન મળે છે. (રૂમી ૧૨:૨) અમને પૂરી ખાતરી છે કે યહોવાહના સંગઠન વિષે તમારાં બાળકોને જણાવતા રહેવાથી તમને ઘણો આનંદ થશે. અમારી પ્રાર્થના છે કે યહોવાહના આશીર્વાદ હંમેશાં બાળકો પર રહે અને તેઓ તેમની ભક્તિ કરતા રહે. (w10-E 10/15)

[પાન ૨૫ પર ચિત્રનું મથાળું]

પહેલાના ઈસ્રાએલી માબાપની જેમ, આજે પણ માબાપ યહોવાહના સંગઠન વિષે બાળકોના સવાલોના સંતોષભર્યા જવાબ આપે છે

[પાન ૨૭ પર ચિત્રનું મથાળું]

ઘણા સમયથી સેવા આપતા ભાઈ-બહેનો સાથે દોસ્તી બાંધવાથી તમારાં બાળકોને ઘણો લાભ થશે

[પાન ૨૭ પર ચિત્રનું મથાળું]

 કુટુંબ તરીકે ભક્તિ કરતી વખતે ચર્ચા કરવાના વિષયો

કુટુંબ તરીકે એક સાંજે ભક્તિ કરતી વખતે યહોવાહના સંગઠન વિષે આવા વિષયો પર ચર્ચા કરી શકો:

▪ તમારું મંડળ ક્યારે અને કેવી રીતે શરૂ થયું? મંડળ કયા કયા કિંગ્ડમ હૉલ વાપરતું? તમારાં બાળકોના આવા સવાલોના જવાબ આપવા, ઘણાં વર્ષોથી મંડળમાં સેવા આપતા ભાઈ-બહેનોને બોલાવી શકો.

▪ એ જણાવો કે મંડળની સભાઓ અને સંમેલનો કેમ રાખવામાં આવે છે. એ પણ સમજાવો કે બાળકો એમાંથી કઈ રીતે લાભ મેળવી શકે.

▪ યહોવાહના સંગઠને કરેલી જુદી જુદી સ્કૂલોની ગોઠવણ વિષે જણાવો. એના દ્વારા યહોવાહના ભક્તોને કેવા લાભ થયા છે એ જણાવો.

▪ યુવાનોને એ સમજવા મદદ કરો કે યહોવાહના રાજ્ય વિષે લોકોને નિયમિત રીતે જણાવવું કેમ મહત્ત્વનું છે. તેઓને બતાવો કે આપણી રાજ્ય સેવામાં આખા વર્ષનો જે રિપોર્ટ આવે છે, એમાં તેઓ પણ કઈ રીતે ભાગ લઈ શકે.

▪ યહોવાહના સંગઠનમાં યુવાનો કઈ રીતે પૂરા સમયની સેવા કરી શકે એ જણાવો. આપણું સેવાકાર્ય સિદ્ધ કરવા સંગઠિત થયેલા પુસ્તકનું દસમું પ્રકરણ એ વિષે વધારે માહિતી આપે છે.

▪ બાળકોને એ સમજવા મદદ કરો કે મંડળમાં કેમ અમુક ગોઠવણો પ્રમાણે બાબતો કરવામાં આવે છે. એ પણ સમજાવો કે નાની નાની બાબતમાં પણ કેમ યહોવાહના સંગઠનની દોરવણી પ્રમાણે જ નિર્ણય લેવા જોઈએ. એ પણ શીખવો કે તેઓ વડીલોના માર્ગદર્શન પ્રમાણે ચાલે તો મંડળ માટે આશીર્વાદ બની શકે છે.