યહોવાહની ભક્તિ માટે ઉત્સાહી બનીએ
યહોવાહની ભક્તિ માટે ઉત્સાહી બનીએ
‘ફસલ પુષ્કળ છે, પણ મજૂરો થોડા છે.’—માથ. ૯:૩૭.
૧. વર્ણન કરો કે તાકીદનું કામ કોને કહેવાય.
માની લો કે તમારી પાસે એક અગત્યનો દસ્તાવેજ છે અને સાંજ સુધીમાં કોઈ સાહેબ એને જોઈ લે એ બહુ જરૂરી છે. તમે શું કરશો? કામ બહુ અર્જન્ટ હોવાથી એ જલદી પતી જાય એ માટે તમે બનતી બધી કોશિશ કરશો. વિચારો કે તમે બહુ જ મહત્ત્વના કોઈ કામ માટે જઈ રહ્યા છો, પણ તમને મોડું થઈ ગયું છે. તમે શું કરશો? ડ્રાઇવરને ગાડી ભગાવવા કહેશો: “ગાડી ભગાવ, મને મોડું થાય છે.” ઓછા સમયમાં કોઈ અર્જન્ટ કામ કરવાનું હોય ત્યારે, આપણે ટેન્શનમાં આવી જઈએ છીએ. કોઈ વાર ઉત્તેજિત પણ થઈ જઈએ. અરે, હૃદયના ધબકારા પણ વધી જાય. આપણે કામ પતાવવા બને એટલી ઉતાવળ કરીશું. કેમ નહિ, એ કામ બહુ જ તાકીદનું છે!
૨. આજે સાચા ખ્રિસ્તીઓ માટે તાકીદનું કામ શું છે?
૨ આજે સાચા ખ્રિસ્તીઓ માટે તાકીદનું કામ ઈશ્વરના રાજ્યનો સંદેશો ફેલાવવાનું અને સર્વ દેશના લોકોને શિષ્યો બનાવવાનું છે. (માથ. ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦) ઈસુના શબ્દો ટાંકતા શિષ્ય માર્કે લખ્યું કે આ કામ સૌથી “પહેલાં” એટલે કે અંત આવતા પહેલાં થવું જોઈએ. (માર્ક ૧૩:૧૦) એટલે જ ઈસુએ કહ્યું હતું કે ‘ફસલ પુષ્કળ છે, પણ મજૂરો થોડા છે.’ કાપણીનો એક યોગ્ય સમય હોય છે. એ સમય વીતી જાય એ પહેલાં કાપણી થવી જ થવી જોઈએ.—માથ. ૯:૩૭.
૩. પ્રચારકામનું મહત્ત્વ જોઈને ઘણાએ શું કર્યું છે?
૩ આ બતાવે છે કે પ્રચાર કામ આપણા માટે કેટલું મહત્ત્વનું છે. આપણે એમાં બની શકે એટલો સમય અને શક્તિ આપીએ એ બહુ જરૂરી છે. આનંદની વાત છે કે આજે ઘણા ભાઈ-બહેનો એમ જ કરી રહ્યા છે. અમુક તો પોતાનું જીવન સાદું બનાવીને પાયોનિયર કે મિશનરી તરીકે અથવા દુનિયા ફરતે કોઈ બેથેલમાં સેવા આપી રહ્યા છે. તેઓનું જીવન ખૂબ વ્યસ્ત છે. તેઓએ અનેક ભોગ આપવા પડ્યા હશે અને હજી બીજા પડકારોનો સામનો કરતા હશે. પરંતુ યહોવાહે તેઓને ઘણા આશીર્વાદ આપ્યા છે. આપણે તેઓ માટે ઘણા ખુશ છીએ. (લુક ૧૮:૨૮-૩૦ વાંચો.) પૂરા સમયની સેવા નથી કરી શકતા તેઓ પણ બની શકે એમ જીવન બચાવનારા આ કામમાં ભાગ લે છે. એમાં પોતાનાં બાળકોને મદદ કરવાનો પણ સમાવેશ થાય છે, જેથી તેઓ પણ બચી જાય.—પુન. ૬:૬, ૭.
૪. અમુક લોકોનો ઉત્સાહ કેમ ઠંડો પડી જાય છે?
૪ આપણે જોઈ ગયા તેમ, તાકીદનું કામ અમુક સમયમાં પતાવવું જ પડે છે, કેમ કે એની ચોક્કસ સમય મર્યાદા હોય છે. આપણે અંતના સમયમાં જીવી રહ્યા છીએ એની પુષ્કળ સાબિતી શાસ્ત્રમાં અને ઇતિહાસમાં જોવા મળે છે. (માથ. ૨૪:૩, ૩૩; ૨ તીમો. ૩:૧-૫) પરંતુ કોઈ પણ વ્યક્તિ ચોક્કસપણે કહી શકતી નથી કે અંત ક્યારે આવશે. દુષ્ટ ‘જગતના અંતની નિશાની’ વિષે વધારે જણાવતી વખતે ઈસુએ સાફ કહ્યું હતું: ‘તે દિવસ તથા તે ઘડી વિષે ઈશ્વરપિતા વગર કોઈ પણ જાણતું નથી, સ્વર્ગના દૂતો નહિ તેમ જ દીકરો પણ નહિ.’ (માથ. ૨૪:૩૬) અંતનો ચોક્કસ સમય કોઈ જાણતું નથી. એટલે દિવસો વીતતા જાય તેમ અમુકને, ખાસ કરીને વર્ષોથી પ્રચાર કરતા ભાઈ-બહેનોને પોતાનો ઉત્સાહ જાળવી રાખવો અઘરું લાગી શકે. (નીતિ. ૧૩:૧૨) શું તમને પણ કોઈ વાર પોતાનો ઉત્સાહ ઠંડો પડી ગયો હોય એવું લાગે છે? આજે યહોવાહ અને ઈસુએ સોંપેલા તાકીદના કામમાં આપણો ઉત્સાહ જાળવી રાખવા ક્યાંથી મદદ મળી શકે?
સારો દાખલો બેસાડનાર ઈસુનો વિચાર કરીએ
૫. ઈસુએ કઈ રીતોએ બતાવ્યું કે તેમના માટે સેવાકાર્ય ખૂબ તાકીદનું છે?
૫ ઘણાએ યહોવાહની ભક્તિને જીવનમાં પ્રથમ રાખીને બતાવ્યું છે કે તેમના માટે રાજ્યનું પ્રચાર કામ બહુ મહત્ત્વનું છે. એમ કરવામાં ઈસુએ સૌથી સારો દાખલો બેસાડ્યો છે. ઈસુ માટે રાજ્યનું સેવાકાર્ય બહુ તાકીદનું હતું, કેમ કે તેમણે ફક્ત સાડા ત્રણ વર્ષમાં ઘણું કામ કરવાનું હતું. પરંતુ ઈસુએ સાચી ભક્તિ માટે જે કર્યું એ આજ સુધી કોઈ કરી શક્યું નથી. તેમણે ઈશ્વરનું નામ જાહેર કર્યું; માણસ માટે ઈશ્વરની ઇચ્છા જાહેર કરી; રાજ્યની ખુશખબર ફેલાવી; ધર્મગુરુઓનો ઢોંગ અને તેઓનું ખોટું શિક્ષણ ખુલ્લું પાડ્યું. તેમણે છેલ્લા શ્વાસ સુધી યહોવાહનું નામ મહાન મનાવ્યું. ઈસુ જ્યાં પણ ગયા ત્યાં લોકોને શીખવવામાં, મદદ કરવામાં અને સાજા કરવામાં કોઈ કસર છોડી નહિ. (માથ. ૯:૩૫) આટલા થોડા સમયમાં આટલું બધું કામ આજ સુધી કોઈએ પણ સિદ્ધ કર્યું નથી. ઈસુએ તેમનાથી થઈ શકે એટલી સખત મહેનત કરી.—યોહા. ૧૮:૩૭.
૬. ઈસુએ જીવનમાં કયું કામ મુખ્ય રાખ્યું?
૬ ઈસુને રાત-દિન સેવાકાર્યમાં લાગી રહેવા શાનાથી પ્રેરણા મળી હશે? દાનીયેલની ભવિષ્યવાણીથી. ઈસુ એનાથી જાણકાર હતા. એ ભવિષ્યવાણીથી તે પારખી શક્યા કે યહોવાહે સેવાકાર્ય પૂરું કરવા કેટલો સમય આપ્યો છે. (દાની. ૯:૨૭) ભવિષ્યવાણી પ્રમાણે, પૃથ્વી પરનું તેમનું સેવાકાર્ય ‘અઠવાડિયાની અધવચમાં’ અથવા સાડા ત્રણ વર્ષ પછી પૂરું થવાનું હતું. ઈસવીસન ૩૩ની વસંતમાં ઈસુએ વાજતે ગાજતે યરૂશાલેમમાં પ્રવેશ કર્યો એના થોડા જ સમય પછી તેમણે કહ્યું હતું: “માણસના દીકરાને મહિમાવાન થવાની ઘડી આવી છે.” (યોહા. ૧૨:૨૩) ઈસુ જાણતા હતા કે પોતાનું મરણ હવે નજીક છે. પરંતુ એ કારણથી તેમણે સેવાકાર્યમાં અથાક મહેનત કરી ન હતી. તે તો યહોવાહની ઇચ્છા પૂરી કરવા અને લોકોને પ્રેમ બતાવવાની કોઈ પણ તક ઝડપી લેવા માંગતા હતા. એ જ પ્રેમથી પ્રેરાઈને તેમણે શિષ્યોને ભેગા કર્યા, તેઓને તાલીમ આપી અને દૂર દૂર પ્રચાર કરવા મોકલ્યા. તેમણે કેમ આમ કર્યું? જેથી પોતે જે પ્રચાર કાર્ય શરૂ કર્યું હતું એને શિષ્યો સંભાળી શકે અને પોતાના કરતાં વધારે મોટા પાયા પર એને ફેલાવી શકે.—યોહાન ૧૪:૧૨ વાંચો.
૭, ૮. ઈસુએ મંદિરમાંથી વેપારીઓને કાઢી મૂકીને એને શુદ્ધ કર્યું ત્યારે શિષ્યો પર કેવી અસર પડી? ઈસુએ કેમ એવાં પગલાં લીધાં?
૭ ઈસુના જીવનનો એક પ્રસંગ જોરદાર પુરાવો આપે છે કે યહોવાહની ભક્તિમાં તે કેટલા ઉત્સાહી હતા. ઈસવીસન ૩૦ના પાસ્ખાપર્વનો સમય હતો. ઈસુને પોતાનું સેવાકાર્ય શરૂ કર્યાને થોડો જ સમય થયો હતો. તે પોતાના શિષ્યો સાથે યરૂશાલેમમાં આવ્યા અને ‘મંદિરમાં ગોધા, ઘેટાં તથા કબૂતર વેચનારાઓને તથા નાણાવટીઓને બેઠેલા તેમણે જોયા.’ એ જોઈને ઈસુએ શું કર્યું અને એની તેમના શિષ્યો પર કેવી અસર પડી?—યોહાન ૨:૧૩-૧૭ વાંચો.
૮ એ પ્રસંગે ઈસુએ જે કહ્યું અને કર્યું એનાથી તરત જ શિષ્યોના મનમાં દાઊદની આ ભવિષ્યવાણી યાદ આવી હશે: “તારા મંદિરનો ઉત્સાહ મને ખાઈ ગયો છે.” (ગીત. ૬૯:૯) શિષ્યોને કેમ એ શબ્દો યાદ આવ્યા હશે? કેમ કે ઈસુએ જે કર્યું એમાં ઘણું જોખમ રહેલું હતું. મંદિરમાં ધમધોકાર ચાલતા વેપારને ધર્મગુરુઓ, શાસ્ત્રીઓ અને મંદિરના બીજા અધિકારીઓ અંદરખાનેથી ટેકો આપતા હતા. કેમ નહિ, એનાથી તેઓના પણ ખિસ્સા ભરાતા હતા! આ ધર્મગુરુઓ અને તેઓના ખોટા ધંધાને ખુલ્લા પાડવાથી ઈસુ તેઓની દુશ્મની વહોરી લેતા હતા. એટલે શિષ્યોએ બરાબર જ પારખ્યું હતું કે ઈસુને ‘યહોવાહના મંદિર માટે’ કે સાચી ભક્તિ માટે ઘણો ઉત્સાહ હતો. પણ આ ઉત્સાહ શું છે?
ઉત્સાહ શું છે?
૯. ઉત્સાહનું વર્ણન કરો.
૯ એક શબ્દકોશ ઉત્સાહની આમ વ્યાખ્યા આપે છે: ‘કોઈ કામ પાછળ પૂરી હોંશ, ઉમંગ અને ખંતથી લાગ્યા રહેવું.’ ઈસુના સેવાકાર્યમાં આવો જ ઉત્સાહ જોવા મળતો હતો. એટલે જ ટુડેઝ ઈંગ્લીશ વર્ઝન ગીતશાસ્ત્ર ૬૯:૯માં આમ કહે છે: ‘હે ઈશ્વર, તમારા મંદિર માટેના ઉત્સાહથી મારામાં આગ ભભૂકી ઊઠે છે.’ એ જાણવું રસપ્રદ છે કે પૂર્વ દેશોની અમુક ભાષાઓમાં “ઉત્સાહ” શબ્દ બે ભાગનો બનેલો છે: “ધગધગતું દિલ,” જાણે દિલ સળગતું હોય. એટલે એમાં કોઈ શંકા નથી કે ઈસુને જ્યારે મંદિરમાં કડક પગલાં લેતા જોયા ત્યારે શિષ્યોને દાઊદના શબ્દો યાદ આવ્યા હશે. પરંતુ એવું તો શું હતું જેણે કડક પગલાં લેવા ઈસુના દિલમાં આગ લગાડી હતી?
૧૦. બાઇબલ પ્રમાણે “ઉત્સાહ”નો અર્થ શું થાય?
૧૦ દાઊદના ગીતમાં જોવા મળતો “ઉત્સાહ” શબ્દ મૂળ હિબ્રૂમાંથી અનુવાદ થયો છે. આ મૂળ શબ્દનો બાઇબલમાં ઘણી જગ્યાએ અનેક રીતે અનુવાદ થયો છે, જેનો ઊંડો અર્થ રહેલો છે. (નિર્ગમન ૩૪:૧૪ વાંચો.) કોમન લેંગ્વેજ બાઇબલ નિર્ગમન ૨૦:૫માં આમ કહે છે: “હું યાહવે તમારો ઈશ્વર મારા પ્રત્યે અનન્ય નિષ્ઠા માગનાર છું.” એક બાઇબલ શબ્દકોશ આ મૂળ શબ્દ વિષે સમજાવે છે કે એ મોટા ભાગે લગ્ન-સંબંધને લઈને વધારે વપરાયો છે. જેમ પતિ-પત્નીને એકબીજા પર પૂરો હક્ક હોય છે તેમ, ઈશ્વર પણ તેમના ભક્તો તરફથી પૂરી ભક્તિ ચાહે છે, કેમ કે ભક્તો તેમની માલિકીના છે. ઈશ્વર પોતાનો એ હક્ક જાળવવા પૂરું ધ્યાન રાખે છે. આ બતાવે છે કે બાઇબલમાં ‘ઉત્સાહ’ શબ્દનો કેવો ઊંડો અર્થ રહેલો છે. રમતગમતના ચાહકો પોતાની મનગમતી રમત કે ખેલાડી માટે જે ઉત્સાહ કે હોંશ બતાવે છે એની બાઇબલ વાત કરતું નથી. એ તો એનાથી પણ વધારે ઉત્સાહની વાત કરે છે. દાઊદનો ઉત્સાહ બતાવે છે કે યહોવાહની સામે થનાર અથવા તેમના નામ પર કલંક લાવનારને તે કોઈ રીતે સાંખી લેતા ન હતા. કોઈ એવું કરે તો તરત કડક પગલાં લેતા હતા.
૧૧. સેવાકાર્યમાં અદમ્ય ઉત્સાહ બતાવવા ઈસુને ક્યાંથી પ્રેરણા મળી?
૧૧ ઈસુને મંદિરમાં કડક પગલાં લેતા જોયા ત્યારે, દાઊદના શબ્દો ઈસુમાં પૂરા થતા શિષ્યો જોઈ શક્યા. યહોવાહનું નામ અને તેમની ભક્તિ માટે ઈસુની સખત મહેનતનું કારણ એ જ ન હતું કે તેમની પાસે થોડો જ સમય છે. તેમને તો પોતાના સેવાકાર્ય માટે અદમ્ય ઉત્સાહ હતો. એટલે જ ઈશ્વરના નામની નિંદા થતી જોઈને તેમણે પરિસ્થિતિ સુધારવા તરત પગલા લીધા. ઈસુએ જ્યારે જોયું કે નમ્ર દિલના લોકો પર ધર્મગુરુઓ જુલમ ગુજારે છે, તેઓનું શોષણ કરે છે ત્યારે એ ઉત્સાહને લીધે જ તે એવા લોકોને દુઃખમાંથી છોડાવવા પ્રેરાયા. તેમણે લોકો આગળ કડક શબ્દોમાં ધર્મગુરુઓને ખુલ્લા પાડ્યા અને તેઓનો વિરોધ કર્યો.—માથ. ૯:૩૬; ૨૩:૨, ૪, ૨૭, ૨૮, ૩૩.
યહોવાહની ભક્તિ માટે ઉત્સાહી રહીએ
૧૨, ૧૩. (ક) ઈશ્વરના નામને લઈને ચર્ચના ધર્મગુરુઓએ શું કર્યું છે? (ખ) ઈશ્વરના રાજ્યને લઈને તેઓએ શું કર્યું છે?
૧૨ આજે પણ ઈસુના દિવસો જેવા ધર્મગુરુઓ છે, કદાચ એનાથી પણ ખરાબ છે. દાખલા તરીકે, તમને યાદ હશે કે ઈશ્વરના નામ વિષે ઈસુએ શિષ્યોને શીખવેલી પ્રાર્થનામાં સૌથી પહેલી બાબત આ હતી: ‘ઈશ્વરનું નામ પવિત્ર મનાઓ.’ (માથ. ૬:૯) શું આજે આપણને જોવા મળે છે કે ધર્મગુરુઓ, ખાસ કરીને પાદરીઓ લોકોને ઈશ્વરના નામ વિષે શીખવતા હોય? ઈશ્વરના નામને મહિમા આપવા કે એને પવિત્ર મનાવવા વિષે શું તેઓ કંઈ જણાવે છે? ના, પણ એનાથી સાવ ઊલટું તેઓએ ઈશ્વરને ખોટી રીતે રજૂ કર્યા છે. જેમ કે, તેઓ ત્રૈક્ય, અમર આત્મા અને નરક જેવું ખોટું શિક્ષણ શીખવે છે. એનાથી તેઓએ ઈશ્વરને ક્રૂર, જુલમી અને સમજી ન શકાય એવા દર્શાવ્યા છે. એટલું જ નહિ, તેઓના ઢોંગી અને શરમજનક કામોથી ઈશ્વરના નામ પર ઘણું લાંછન આવ્યું છે. (રૂમી ૨:૨૧-૨૪ વાંચો.) એ ઉપરાંત, તેઓએ ઈશ્વરના નામને છુપાવવા બનતી બધી જ કોશિશ કરી છે. અરે એટલે સુધી કે તેઓએ બહાર પાડેલા બાઇબલ અનુવાદોમાંથી ઈશ્વરનું નામ પણ કાઢી નાખ્યું છે. આમ, જે લોકો ઈશ્વરને ઓળખીને તેમની સાથે ગાઢ સંબંધ બાંધવા માગે છે તેઓને આ પાદરીઓ રોકે છે.—યાકૂ. ૪:૭, ૮.
૧૩ ઈસુએ પોતાના શિષ્યોને ઈશ્વરના રાજ્ય વિષે આમ પ્રાર્થના કરવાનું પણ શીખવ્યું હતું: ‘તમારું રાજ્ય આવો; જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ.’ (માથ. ૬:૧૦) ભલે પાદરીઓ ઘણી વાર આ પ્રાર્થનાનું રટણ કરતા હોય, પણ હકીકતમાં તેઓ લોકોને માનવીય સરકારો અને સંસ્થાઓમાં ભરોસો મૂકવા અરજ કરે છે. એ ઉપરાંત ઈશ્વરના રાજ્યનો પ્રચાર કરતા લોકોને તેઓ તુચ્છ ગણે છે. પરિણામે, પોતાને ખ્રિસ્તી કહેવડાવતા ઘણા લોકોને ઈશ્વરના રાજ્યમાં ભરોસો નથી, અરે, એના વિષે તેઓ ચર્ચા પણ કરતા નથી.
૧૪. ચર્ચના ધર્મગુરુઓ કઈ રીતે બાઇબલના શિક્ષણથી દૂર ચાલ્યા ગયા છે?
૧૪ ઈશ્વરને પ્રાર્થના કરતી વખતે ઈસુએ સાફ જણાવ્યું હતું: ‘તમારું વચન સત્ય છે.’ (યોહા. ૧૭:૧૭) સ્વર્ગમાં જતા પહેલાં ઈસુએ જણાવ્યું હતું કે તે ‘વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકરʼને પસંદ કરશે, જેઓ લોકોને ઈશ્વરનું જ્ઞાન પૂરું પાડશે. (માથ. ૨૪:૪૫) ભલે ચર્ચના ધર્મગુરુઓ બાઇબલમાંથી ઈશ્વરનું જ્ઞાન શીખવવાનો દાવો કરતા હોય, શું તેઓ ઈસુએ સોંપેલા કામને વિશ્વાસુપણે વળગી રહ્યા છે? ના. તેઓ ઘણી વાર બાઇબલ અહેવાલને દંતકથા કહે છે. તેઓએ લોકોને ઈશ્વરના જ્ઞાનથી દિલાસો અને ખરી સમજણ આપ્યા નથી. પરંતુ માનવીય ફિલસૂફીથી લોકોને મનગમતો ઉપદેશ આપ્યો છે. વધુમાં, ચર્ચના સભ્યોને ખુશ રાખવા તેઓ ઈશ્વરના ધોરણોને મચકોડીને સાવ હલકાં ધોરણો શીખવી રહ્યા છે.—૨ તીમો. ૪:૩, ૪.
૧૫. ઈશ્વરના નામે ધર્મગુરુઓએ જે કંઈ કર્યું છે એ જોઈને તમને કેવું લાગે છે?
૧૫ આ રીતે બાઇબલને નામે, ઈશ્વરને નામે થતા ખોટાં કામો જોઈને ઘણા નેકદિલ લોકો નિરાશ થઈ ગયા છે. અથવા તો ઈશ્વર અને બાઇબલમાંથી તેઓનો ભરોસો સાવ ઊઠી ગયો છે. તેઓ શેતાન અને તેની દુષ્ટ દુનિયાનો શિકાર બની ગયા છે. આપણે રોજ-બ-રોજ આ રીતે ઈશ્વરના નામનો તિરસ્કાર અને નિંદા થતા જોઈએ છીએ ત્યારે કેવું લાગે છે? યહોવાહના ભક્ત તરીકે એને દૂર કરવા શું આપણે પ્રેરાતા નથી? આજે ઘણા નેકદિલ લોકો છેતરાય છે અને જુલમનો શિકાર બને છે. શું તમે તેઓને દિલાસો આપવા ચાહતા નથી? ઈસુએ લોકોને ‘પાળક વગરનાં ઘેટાંના જેવા હેરાન થએલા તથા વેરાઈ ગએલા’ જોયા ત્યારે તેઓની દયા ખાઈને બેસી ન રહ્યા. પણ ‘તેઓને ઘણી વાતો વિષે શીખવવા લાગ્યા.’ (માથ. ૯:૩૬; માર્ક ૬:૩૪) આ બતાવે છે કે ઈસુ સાચી ભક્તિ માટે ખૂબ જ ઉત્સાહી હતા. આપણે પણ એવો જ ઉત્સાહ બતાવવો જોઈએ.
૧૬, ૧૭. (ક) પ્રચારમાં વધારે કરવા આપણને શાનાથી ઉત્તેજન મળે છે? (ખ) હવે પછીના લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?
૧૬ આપણે પ્રચારમાં ઉત્સાહી બનીએ છીએ ત્યારે પ્રેરિત પાઊલે ૧ તીમોથી ૨:૩, ૪માં લખેલા શબ્દોનો ઊંડો અર્થ સમજીએ છીએ. (વાંચો.) પ્રચારમાં આપણી સખત મહેનતનું કારણ એ જ નથી કે આપણે છેલ્લા દિવસોમાં જીવી રહ્યા છીએ. એનું મુખ્ય કારણ એ છે કે આપણે યહોવાહની ઇચ્છા જાણીએ છીએ અને એ પૂરી કરવા માંગીએ છીએ. તેમની ઇચ્છા છે કે લોકો સત્ય જાણે, ખરા ઈશ્વરને ભજે અને આશીર્વાદ પામે. આપણને પ્રચારમાં બને એટલું વધારે કરવા ઉત્તેજન મળે છે. પરંતુ એનું મુખ્ય કારણ એ નથી કે હવે બહુ સમય રહ્યો નથી. મુખ્ય કારણ તો એ છે કે આપણે ઈશ્વરનું નામ મોટું મનાવવા અને લોકોને તેમની ઇચ્છા જાણવા મદદ કરવા માંગીએ છીએ. એટલે જ આપણે ખરી ભક્તિ માટે ઉત્સાહી છીએ.—૧ તીમો. ૪:૧૬.
૧૭ યહોવાહના લોકો તરીકે આપણને કેવો સુંદર આશીર્વાદ છે! આપણે હવે જાણીએ છીએ કે માણસજાત અને આ ધરતી માટે ઈશ્વરનો હેતુ શું છે. આપણે લોકોને ખરું સુખ મેળવવા અને ભાવિમાં સુખ-શાંતિભર્યા જીવનની આશા આપવા મદદ કરી શકીએ છીએ. આપણે તેઓને બતાવી શકીએ છીએ કે શેતાનની દુષ્ટ દુનિયાનો અંત આવે ત્યારે એમાંથી બચવા શું કરવું. (૨ થેસ્સા. ૧:૭-૯) યહોવાહનો દિવસ આવતા મોડું થાય છે એવું માનીને નિરાશ થવાને બદલે, આપણે તો ખુશ થવું જોઈએ કે સાચી ભક્તિ માટે ઉત્સાહી બનવા હજી આપણી પાસે સમય છે. (મીખા. ૭:૭; હબા. ૨:૩) આપણે આવો ઉત્સાહ કઈ રીતે કેળવી શકીએ? એના વિષે હવે પછીના લેખમાં ચર્ચા કરીશું. (w10-E 12/15)
તમે સમજાવી શકો?
• સેવાકાર્યમાં સખત મહેનત કરવા ઈસુને શાનાથી પ્રેરણા મળી હતી?
• બાઇબલ પ્રમાણે “ઉત્સાહ”નો શું અર્થ થાય?
• આજે શું જોઈને આપણને યહોવાહની ભક્તિમાં ઉત્સાહી બનવા ઉત્તેજન મળે છે?
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૧૬ પર ચિત્ર]
યહોવાહની ઇચ્છા પૂરી કરવી અને લોકોને પ્રેમ બતાવવો ઈસુના જીવનનો મુખ્ય ધ્યેય હતો
[પાન ૧૮ પર ચિત્ર]
યહોવાહની ભક્તિ માટે ઉત્સાહી બનવું કેટલું જરૂરી છે!