સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શોકમાં ડૂબેલાને ઈસુની જેમ દિલાસો આપીએ

શોકમાં ડૂબેલાને ઈસુની જેમ દિલાસો આપીએ

શોકમાં ડૂબેલાને ઈસુની જેમ દિલાસો આપીએ

બેથાનીઆમાં રહેતો લાજરસ સખત બીમાર પડ્યો. તેની બહેનો મારથા અને મરિયમે તેઓના ખાસ મિત્ર ઈસુને સંદેશો આપવા માણસ મોકલ્યો. પણ ઈસુ આવે એ પહેલાં જ લાજરસ બીમારીથી મરણ પામ્યો. તેને કબરમાં દફનાવ્યા પછી, મિત્રો અને પાડોશીઓ મારથા અને મરિયમને ‘દિલાસો આપવા માટે આવ્યા.’ (યોહાન ૧૧:૧૯) બેએક દિવસ પછી ઈસુ પણ બેથાનીઆમાં લાજરસની ખબર જોવા આવી પહોંચ્યા. તેમણે જે કહ્યું અને કર્યું, એના પર વિચાર કરવાથી આપણે શીખી શકીશું કે શોકમાં ડૂબેલાને કઈ રીતે દિલાસો આપી શકાય.

તમારી હાજરીથી દુઃખ હળવું થાય છે

યરેખોથી બેથાનીઆ પહોંચવા ઈસુએ બે દિવસ મુસાફરી કરી હતી. તે યરદન નદી પાર કરીને આકરા ચઢાણવાળા રસ્તે ચાલીને આવ્યા હતા. મારથા ઈસુને મળવા ગામની ભાગોળે દોડી ગઈ. ઈસુ આવી પહોંચ્યા છે એ સાંભળીને મરિયમ પણ તેમને મળવા દોડી ગઈ. (યોહાન ૧૦:૪૦-૪૨; ૧૧:૬, ૧૭-૨૦, ૨૮, ૨૯) આ દુઃખી બહેનો માટે ઈસુની હાજરી જ એક દિલાસો હતો.

આપણી હાજરી પણ શોકમાં ડૂબેલા લોકોને દિલાસો આપે છે. સ્કૉટ અને લીડિયાનો વિચાર કરો. તેમનો છ વર્ષનો દીકરો ઍક્સિડન્ટમાં મરણ પામ્યો એ સમયને યાદ કરતા તેઓ કહે છે: ‘એ સમયે અમને મિત્રો અને સગાં-વહાલાના સહારાની જરૂર હતી. તેઓ અડધી રાત્રે સીધા હૉસ્પિટલે ઉતાવળે આવી પહોંચ્યા.’ ત્યાં પહોંચીને તેઓએ શું કહ્યું? ‘એ સમયે અમને તેમના શબ્દોની નહિ, પણ સાથની જરૂર હતી. તેઓની હાજરીએ જ બતાવી આપ્યું કે તેઓને અમારી કેટલી ચિંતા છે.’

બાઇબલ જણાવે છે કે લાજરસ માટે લોકોને રડતા જોઈને ઈસુ પણ ‘વ્યાકુળ થયા’ અને ‘રડી પડ્યા.’ (યોહાન ૧૧:૩૩-૩૫, ૩૮) તેમણે એવું ન વિચાર્યું કે પુરુષ તરીકે બધાની સામે રડવું ન જોઈએ. લાજરસને ગુમાવવાથી લોકોને કેવું દુઃખ થયું હતું એ ઈસુ સમજી શક્યા. તેઓના દુઃખમાં પોતે સહભાગી પણ થયા. એમાંથી આપણને શું શીખવા મળે છે? કોઈની ખોટ અનુભવતા લોકોને મળવા જઈએ ત્યારે તેઓ સાથે રડવામાં કોઈ શરમ ન અનુભવવી જોઈએ. (રૂમી ૧૨:૧૫) એનો અર્થ એ પણ નથી કે, શોકમાં ડૂબેલી વ્યક્તિને રડવા ઉશ્કેરીએ. કેમ કે અમુક લોકો એકાંતમાં જ રડવાનું પસંદ કરે છે.

પ્રેમથી સાંભળો

મરિયમ અને મારથાને મળ્યા ત્યારે, તેઓને દિલાસો આપવા ઈસુના મનમાં ચોક્કસ કંઈક હશે. પણ તેમણે મરિયમ અને મારથાને પહેલાં બોલવા દીધા. (યોહાન ૧૧:૨૦, ૨૧, ૩૨) મારથા સાથે વાત કરતા ઈસુએ સવાલ પૂછ્યો અને પછી ધ્યાનથી સાંભળ્યું.—યોહાન ૧૧:૨૫-૨૭.

ધ્યાનથી સાંભળવું બીજાઓ માટે હમદર્દી બતાવે છે. કોઈને દિલાસો આપવાનો હોય ત્યારે આપણે તેમનું ધ્યાનથી સાંભળીએ. એમ કેવી રીતે કરી શકીએ? યોગ્ય સવાલો પૂછીને તેઓને પોતાની લાગણીઓ વ્યક્ત કરવા દઈએ. સાથે સાથે એ પણ યાદ રાખીએ, કે તેઓને વાત ન કરવી હોય તો પરાણે વાતચીત ન લંબાવીએ. કદાચ તેઓ થાકી ગયા હોય અને તેમને આરામની પણ જરૂર હોય.

કેટલીક વાર શોકગ્રસ્ત વ્યક્તિ લાગણીશૂન્ય બની જાય અને એકની એક વાત વારંવાર બોલવા લાગશે. તો વળી અમુકને પોતે શું બોલે છે એનું ભાન જ ન રહે. મરિયમ અને મારથા સાથે પણ એવું જ થયું હતું. તેઓએ “ઈસુને કહ્યું, કે પ્રભુ, જો તું અહીં હોત, તો મારો ભાઈ મરત નહિ.” (યોહાન ૧૧:૨૧, ૩૨) ઈસુએ શું કર્યું? તેમણે દયાથી પ્રેરાઈને ધીરજથી તેઓનું સાંભળ્યું. એવું કંઈ કહ્યું નહિ કે તેઓએ આવું વિચારવું ન જોઈએ. ઈસુ તેઓનું દુઃખ સારી રીતે જાણતા હતા.

આવા સમયે ચોક્કસ શું કહેવું, એની ખબર ન હોય તો તમે આ રીતે વાતચીત શરૂ કરી શકો: ‘તમારે કંઈ વાત કરવી છે?’ પછી પૂરા ધ્યાનથી તેઓનું સાંભળો. વાતચીત કરતી વખતે વ્યક્તિની સામું જુઓ અને તેમને સમજવાનો પ્રયત્ન કરો.

શોકમાં ડૂબેલા લોકોની લાગણી સમજવી સહેલું નથી. લીડિયા જણાવે છે કે “સમય જતા અમારી જરૂરિયાતો પણ બદલાઈ. લોકો મળવા આવે ત્યારે કોઈ વાર અમે ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડતા. આંસુ રોક્યા રોકાય નહિ. અમે બસ એટલું જ ઇચ્છતા કે બીજાઓ અમને સમજે, ઉત્તેજનભર્યા બે બોલ કહે. અમારા મિત્રોએ પણ એવું જ કર્યું હતું.”

ઈસુ પૂરેપૂરી રીતે બીજાઓની લાગણી સમજતા હતા. તે જાણતા હતા કે દરેકને ‘પોતાની પીડા અને પોતાનું દુઃખ’ હોય છે. (૨ કાળવૃત્તાંત ૬:૨૯) બે બહેનો મળી ત્યારે ઈસુ તેઓ સાથે કઈ રીતે વર્ત્યા? મારથા વાત કરવા લાગી ત્યારે ઈસુ પણ તેની સાથે વાત કરવા લાગ્યા. જ્યારે કે મરિયમ રડતી હોવાથી ઈસુએ તેની સાથે વાત લંબાવી નહિ. (યોહાન ૧૧:૨૦-૨૮, ૩૨-૩૫) આપણે આ પ્રસંગ પરથી શું શીખી શકીએ? જ્યારે શોકમગ્‍ન વ્યક્તિ સાથે વાત કરીએ ત્યારે તેમને બોલવા દઈએ અને ધ્યાનથી સાંભળીએ. એમ કરવાથી તેમનું દુઃખ હળવું થાય છે.

મલમ જેવા શબ્દો

મરિયમ અને મારથાએ ઈસુને કહેલા આ શબ્દો પર વિચાર કરો: ‘જો તું અહીં હોત તો.’ શું ઈસુએ એ સામે કોઈ વાંધો ઉઠાવ્યો? કે વાંક કાઢ્યો? ના. તે આ બહેનોનું દુઃખ સમજતા હતા. એટલે તેમણે મારથાને ખાતરી આપી કે “તારો ભાઈ પાછો ઊઠશે.” (યોહાન ૧૧:૨૩) આમ, ઈસુએ ભવિષ્યમાં જે બનવાનું છે એની આશા રાખવા મારથાને મદદ કરી.

શોકમય લોકો સાથે વાત કરીએ ત્યારે ભલે થોડું કહીએ, પણ સમજી વિચારીને ઉત્તેજન આપનારા શબ્દો કહીએ. એ આપણે લખીને પણ જણાવી શકીએ. વ્યક્તિ પત્ર કે કાર્ડ વારંવાર વાંચી શકે છે. એ તેમને વરસોવરસ દિલાસો આપશે. કેથબહેનનો વિચાર કરો. તેમના પતિ બોબ ગુજરી ગયા એના નવ મહિના પછી, કેથ દિલાસો આપતા કાર્ડ ફરીથી વાંચવા લાગી. એ વિષે તે જણાવે છે: “એ સમયે કાર્ડ વાંચીને મને ઘણી જ મદદ મળી. એનાથી મને પુષ્કળ દિલાસો મળ્યો.”

તમે દિલાસો આપવા કાર્ડમાં શું લખી શકો? ગુજરી ગયેલી વ્યક્તિ વિષે લખી શકો. જેમ કે, તેમની સાથેનો કોઈ યાદગાર પ્રસંગ લખી શકો. એ વ્યક્તિના સારા ગુણો વિષે જણાવી શકો. કેથ જણાવે છે, “બૉબ વિષે સારા શબ્દો વાંચીને હું મલકી ઊઠું છું, સાથે સાથે આંખમાં આંસુ પણ ધસી આવે છે. તેમના વિષે અમુક રમૂજી પળો વાંચીને હું મનમાં મલકાઉ છું અને યાદ કરું છું કે એ દિવસો કેટલા ખુશીના હતા. ઘણા કાર્ડમાં બાઇબલની કડીઓ છે, જેનાથી ખૂબ ઉત્તેજન મળે છે.”

જરૂરી મદદ પૂરી પાડીએ

લાજરસને જીવતો કરીને ઈસુએ તેના કુટુંબની ખોટ પૂરી દીધી. ખરું કે એ આપણાથી શક્ય જ નથી. (યોહાન ૧૧:૪૩, ૪૪) પણ આપણે બીજી કેટલીક બાબતો જરૂર કરી શકીએ. જેમ કે, તેઓ માટે રસોઈ બનાવવી, મહેમાનો માટે રહેવાની વ્યવસ્થા કરવી, કપડાં કે વાસણો ધોઈ આપવાં, બાળકોને સાચવવા, નાના-મોટા કામ માટે દોડધામ કરવી, અથવા કોઈને લાવવા-લઈ જવાની ગોઠવણ કરવી. જો પ્રેમથી પ્રેરાઈને આવા કામ કરીશું તો દુઃખી વ્યક્તિ ચોક્કસ એની કદર કરશે.

સમજી શકાય કે શોકમય વ્યક્તિને કેટલોક સમય એકલું રહેવું હોય છે. પણ આપણે તેઓને સાવ એકલા ન છોડી દઈએ. યોગ્ય સમયે તેઓને સામેથી મળવા જઈએ, ફોન કરીએ. એક દુઃખી માતા જણાવે છે કે “આ એવું દુઃખ નથી કે અમુક સમયમાં પૂરાઈ જાય. એને વર્ષો પણ લાગી શકે.” અમુક જણ આવા લોકોની લગ્‍નતિથિ કે મરણતિથિ યાદ રાખીને એ સમયે તેઓને સહારો આપે છે. આવી દુઃખદ પળોમાં તમે જે કંઈ સાથ કે ટેકો આપશો એ તેઓ કદી ભૂલશે નહિ.—નીતિવચનો ૧૮:૨૪.

ઈસુએ તેમના શિષ્યોને સુંદર આશા વિષે શીખવ્યું હતું, “આપણો મિત્ર લાજરસ ઊંઘી ગયો છે; પણ હું તેને ઊંઘમાંથી જગાડવા સારૂ જવાનો છું.” (યોહાન ૧૧:૧૧) મરિયમ અને મારથાને દિલાસો આપતી વખતે પણ ઈસુએ એ આશા વિષે જણાવ્યું હતું. તેમણે તેઓને ખાતરી અપાવી કે લાજરસ ચોક્કસ પાછો ઊઠશે. તેમણે મારથાને પૂછ્યું કે “તું શું એવો વિશ્વાસ રાખે છે?” મારથાએ કહ્યું, “હા, પ્રભુ.”—યોહાન ૧૧:૨૪-૨૭.

શું તમે પણ એવું માનો છો કે ઈસુ ગુજરી ગયેલાઓને સજીવન કરશે? એમ હોય તો, ચાલો એ વિષે શોકમાં ડૂબેલા લોકોને જણાવીએ અને સાથે સાથે મદદ પણ પૂરી પાડીએ. તમારા શબ્દો અને કાર્યો તેઓને જરૂર દિલાસો પૂરો પાડશે.—૧ યોહાન ૩:૧૮. (w10-E 11/01)

[પાન ૯ પર નકશો]

લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ

સમરૂન

પેરીઆ

યરેખો

યરૂશાલેમ

બેથાનીઆ

યરદન નદી

ખારો સમુદ્ર