સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરની શક્તિથી લાલચ અને નિરાશાનો સામનો કરીએ

ઈશ્વરની શક્તિથી લાલચ અને નિરાશાનો સામનો કરીએ

ઈશ્વરની શક્તિથી લાલચ અને નિરાશાનો સામનો કરીએ

‘ઈશ્વરની શક્તિ તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો.’—પ્રે.કૃ. ૧:૮.

૧, ૨. ઈસુએ પોતાના શિષ્યોને શું ખાતરી આપી? શા માટે તેઓને એની જરૂર હતી?

 ઈસુના શિષ્યોને બહુ મોટા પાયે પ્રચાર કરવાનો હતો. તેઓને વિરોધનો સામનો કરવાનો હતો. તેઓની પોતાની અમુક નબળાઈઓ હતી. ઈસુ એ બધું જાણતા હતા, એટલે તેમને લાગ્યું કે તેઓ પોતાની શક્તિથી બધી આજ્ઞાઓ પાળી નહિ શકે. એ કામ પૂરું કરવા તેઓને કોઈ દિવ્ય શક્તિની જરૂર છે. તેથી ઈસુ સ્વર્ગમાં ચઢી ગયા એ પહેલાં તેમણે શિષ્યોને ખાતરી આપી કે ‘ઈશ્વરની શક્તિ તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો; અને યરૂશાલેમમાં, આખા યહુદાહમાં, સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો.’—પ્રે.કૃ. ૧:૮.

એ વચન પ્રમાણે પેન્તેકોસ્ત ૩૩માં ઈશ્વરની શક્તિ ઈસુના શિષ્યો પર આવી. ત્યાર પછી તેઓએ આખા યરૂશાલેમને ગજવી મૂક્યું. સતાવણી કે વિરોધ છતાં તેઓ પ્રચાર કરવામાં પાછા પડ્યા નહિ. (પ્રે.કૃ. ૪:૨૦) આપણે પણ ઈસુના શિષ્યો છીએ. એટલે આપણને પણ “જગતના અંત સુધી” ઈશ્વરની શક્તિની જરૂર પડશે.—માથ. ૨૮:૨૦.

૩. ઈશ્વરની શક્તિ આપણને શું કરવા મદદ કરે છે?

ઈસુએ વચન આપ્યું હતું કે ‘ઈશ્વરની શક્તિ તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો.’ યહોવાહ, પોતાના દરેક ભક્તોને આ શક્તિ આપે છે. આ શક્તિ દ્વારા આપણે સમર્પણ વખતે આપેલું વચન પૂરું કરી શકીએ છીએ. જરૂર પડે ત્યારે, દુષ્ટ બાબતોનો સામનો કરવા પણ એ આપણને સામર્થ્ય આપે છે.મીખાહ ૩:૮; કોલોસી ૧:૨૯ વાંચો.

૪. આપણા પર શાના લીધે નડતરો આવે છે? આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

ઈશ્વરભક્તિમાં ટકી રહેવા આપણે ઘણા નડતરોનો સામનો કરવો પડે છે. એ નડતરો શેતાનને લીધે, આ દુષ્ટ દુનિયાને લીધે અથવા તો આપણી નબળાઈઓને લીધે આવે છે. આપણે આવા નડતરોનો સામનો કરીશું તો યહોવાહની ભક્તિમાં ટકી રહી શકીશું. નિયમિત રીતે પ્રચારમાં લાગુ રહી શકીશું. યહોવાહ સાથે સારો સંબંધ જાળવી રાખી શકીશું. ઈશ્વરની શક્તિ કઈ રીતે લાલચ, થાક અને નિરાશાનો સામનો કરવા મદદ કરે છે? આપણે આ લેખમાં જોઈશું.

લાલચનો સામનો કરીએ

૫. પ્રાર્થના આપણને કઈ રીતે મદદ કરે છે?

ઈસુએ પોતાના શિષ્યોને પ્રાર્થના કરતા શીખવ્યું કે “અમને પરીક્ષણમાં ન લાવ, પણ ભૂંડાથી અમારો છૂટકો કર.” (માથ. ૬:૧૩) જ્યારે વિશ્વાસુ ભક્તો આવી વિનંતી કરે છે ત્યારે યહોવાહ તેઓનું ચોક્કસ સાંભળે છે. ઈસુએ બીજી એક વખત એવું પણ કહ્યું હતું કે ‘સ્વર્ગમાંના પિતાની પાસે જેઓ માગે છે, તેમને તે પોતાની શક્તિ આપે છે.’ (લુક ૧૧:૧૩) જો આપણે સારું કરવા ઈશ્વર પાસે શક્તિ માગીશું, તો તે ચોક્કસ આપશે! પણ એનો અર્થ એ નથી થતો કે આપણા પર કોઈ લાલચ નહિ આવે. (૧ કોરીં. ૧૦:૧૩) એટલે જ્યારે આપણા પર લાલચો આવે ત્યારે મદદ માટે આજીજી કરવી જોઈએ.—માથ. ૨૬:૪૨.

૬. શેતાને મૂકેલી લાલચોનો જવાબ ઈસુએ શામાંથી આપ્યો?

ઈસુ શાસ્ત્રના પૂરેપૂરા જાણકાર હતા. એટલે શેતાને મૂકેલી લાલચનો સામનો કરવા તેમણે શાસ્ત્રમાંથી જ જવાબ આપ્યો. ઈસુએ કહ્યું: “એમ લખેલું છે.” બીજી વાર કહ્યું, “એમ પણ લખેલું છે.” તેમણે ત્રીજી વાર પણ કહ્યું કે ‘શેતાન, આઘો જા; કેમ કે લખેલું છે, કે પ્રભુ તારા ઈશ્વરનું ભજન કર ને તેની એકલાની જ સેવા કર.’ તેમને શાસ્ત્ર અને યહોવાહ માટે ખૂબ જ પ્રેમ હતો. એના લીધે જ તે શેતાનની દરેક લાલચને નકારી શક્યા. (માથ. ૪:૧-૧૦) એટલે શેતાન ત્યાંથી જતો રહ્યો.

૭. લાલચનો સામનો કરવા બાઇબલ આપણને કઈ રીતે મદદ કરે છે?

શેતાનની લાલચોનો સામનો કરવા જો ઈસુએ શાસ્ત્ર પર આધાર રાખ્યો હોય, તો શું આપણે ના રાખવો જોઈએ! શેતાન અને તેના ચેલાઓનો સામનો કરવા આપણે શાસ્ત્રના નીતિ-નિયમો જાણવા જોઈએ. એ પ્રમાણે કરવું જોઈએ. ઘણા લોકો બાઇબલમાંથી ઈશ્વરના ધોરણો વિષે શીખીને એ પ્રમાણે જીવવા લાગ્યા છે. સાચે જ, ઈશ્વરના શબ્દમાં ખૂબ જ શક્તિ છે, જે ‘હૃદયના વિચારોને તથા ભાવનાઓને પારખી શકે છે.’ (હેબ્રી ૪:૧૨) જેટલું વધારે તમે બાઇબલ વાંચો અને એના પર મનન કરો, એટલું વધારે તમે યહોવાહનું જ્ઞાન મેળવી શકો છો. (નીતિ. ૨:૪, ૫) એટલે બહુ જરૂરી છે કે જો આપણામાં કોઈ નબળાઈ હોય તો બાઇબલની સલાહ પર મનન કરીએ.

૮. ઈશ્વરની શક્તિ મેળવવા આપણે શું કરવું જોઈએ?

ઈસુ શાસ્ત્રથી જાણકાર હતા. ઉપરાંત ‘ઈશ્વરની શક્તિથી પણ ભરપૂર’ હતા, એટલે લાલચનો સામનો કરી શક્યા. (લુક ૪:૧) એવી શક્તિ મેળવવા આપણે શું કરવું જોઈએ? યહોવાહને વધારે સારી રીતે ઓળખીએ. (યાકૂ. ૪:૭, ૮) બાઇબલનો અભ્યાસ અને પ્રાર્થના કરીએ. ભાઈ-બહેનોની સંગત રાખીએ, તેમ જ ઈશ્વરભક્તિને લગતી દરેક ગોઠવણમાં ભાગ લઈએ. એમાં પૂરો ભાગ લેવાથી ઘણા ભાઈ-બહેનો ભક્તિમાં પૂરું ધ્યાન આપી શક્યા છે.

૯, ૧૦. (ક) આજે આપણી સામે કેવી લાલચો આવે છે? (ખ) બહુ થાકી ગયા હોઈએ ત્યારે મનન અને પ્રાર્થના કઈ રીતે લાલચનો સામનો કરવા મદદ કરે છે?

તમારે કેવી લાલચોનો સામનો કરવો પડ્યો છે? શું તમને લગ્‍નસાથી સિવાય બીજા કોઈનામાં વધારે રસ બતાવવાનું મન થયું છે? જો તમે કુંવારા હોવ તો સત્યમાં નથી એવી વ્યક્તિ સાથે ડેટ પર જવાનું મન થયું છે? ટી.વી. જોતા કે ઇન્ટરનેટ વાપરતી વખતે જો કોઈ ખરાબ બાબત સામે આવી ગઈ હોય ત્યારે તમે શું કર્યું હતું? એક ખોટું પગલું લેવાથી આપણે ખરાબ બાબતોમાં ફસાતા જઈશું, અને છેવટે માઠા પરિણામો ભોગવવા પડશે. (યાકૂ. ૧:૧૪, ૧૫) એટલે જરા વિચારો કે પાપ કરવાથી યહોવાહને, મંડળને અને કુટુંબીજનોને કેટલું દુઃખ થશે. પણ જો આપણે યહોવાહના સિદ્ધાંતોને વળગી રહીશું તો આપણું મન સાફ રહેશે. (ગીતશાસ્ત્ર ૧૧૯:૩૭; નીતિવચનો ૨૨:૩ વાંચો.) જ્યારે કોઈ પણ લાલચો આવે ત્યારે જરૂર પ્રાર્થના કરીએ. એમ કરવાથી એનો સામનો કરવાની શક્તિ મળશે.

૧૦ ઈસુએ ૪૦ દિવસ ઉપવાસ કર્યા પછી શેતાન તેમની પરીક્ષા કરે છે. ચોક્કસ તેણે એવું વિચાર્યું હશે કે પરીક્ષણ કરવાનો આ જ “યોગ્ય સમય” છે. (લૂક ૪:૧૩ ઈઝી-ટુ-રીડ વર્ઝન) એટલે આપણે યાદ રાખવું જોઈએ કે શેતાન આપણી વફાદારી તોડવા યોગ્ય સમય શોધતો ફરે છે. એટલે ખૂબ જરૂરી છે કે આપણે યહોવાહમાં અડગ વિશ્વાસ રાખીએ. વ્યક્તિ જ્યારે કમજોર હોય ત્યારે જ શેતાન હુમલો કરે છે. એટલે જ્યારે આપણે બહુ થાકી ગયા હોઈએ કે નિરાશ હોઈએ ત્યારે ખાસ ધ્યાન રાખીએ. યહોવાહ પાસેથી રક્ષણ અને તેમની શક્તિ મેળવવા વધારે ને વધારે પ્રાર્થના કરીએ.—૨ કોરીં. ૧૨:૮-૧૦.

થાક અને નિરાશાનો સામનો કરીએ

૧૧, ૧૨. (ક) આજે આપણે શા માટે નિરાશ થઈ જઈએ છીએ? (ખ) નિરાશા સહેવા આપણને શું મદદ કરશે?

૧૧ આપણે બધાય સૌથી અઘરા સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ. (૨ તીમો. ૩:૧-૫) આર્માગેદન નજીક આવે તેમ આર્થિક તંગી અને માનસિક તણાવ વધી રહ્યા છે. અમુક માટે કુટુંબની સંભાળ રાખવી અઘરું બની રહ્યું છે. કેટલાંક પોતાની નબળાઈઓને લીધે નિરાશ થઈ ગયા છે કે જીવનથી થાકી ગયા છે. તો અમુક ખૂબ ટેન્શનમાં જીવી રહ્યા છે. જો તમને પણ એવું લાગતું હોય તો એનો સામનો કેવી રીતે કરી શકો?

૧૨ ઈસુએ તેમના શિષ્યોને ખાતરી અપાવી કે તે મદદગાર તરીકે ઈશ્વરની શક્તિ મોકલશે. (યોહાન ૧૪:૧૬, ૧૭ વાંચો.) આ શક્તિ વિશ્વમાં સૌથી શક્તિશાળી છે. તેથી ‘આપણે માગીએ કે કલ્પીએ તે કરતાં’ વધારે બળ યહોવાહ તેમની શક્તિ દ્વારા આપે છે. એનાથી આપણે હિંમતથી પરીક્ષણનો સામનો કરી શકીએ છીએ. (એફે. ૩:૨૦) પ્રેરિત પાઊલે કહ્યું કે “સામર્થ્ય અમારાં પોતાથી નહિ પણ ઈશ્વર તરફથી છે.” એટલે આપણે ‘ચારે બાજુથી દબાઈ ગયા’ હોઈએ તોપણ એ શક્તિ પર આધાર રાખવાથી આપણને ઘણું જ બળ મળે છે. (૨ કોરિં. ૪:૭, ૮, IBSI) આપણા પર આવતા તણાવને દૂર કરવાનું યહોવાહ વચન આપતા નથી. પણ તે ખાતરી આપે છે કે પોતાની શક્તિ આપશે, જેથી આપણે એ તણાવ સહી શકીએ.—ફિલિ. ૪:૧૩.

૧૩. (ક) એક યુવતીને પોતાની મુશ્કેલીઓનો સામનો કરવા શામાંથી મદદ મળી? (ખ) શું તમે આવો કોઈ અનુભવ જણાવી શકો?

૧૩ ઓગણીસ વર્ષની રેગ્યુલર પાયોનિયર સ્ટેફનીનો વિચાર કરો. તે ૧૨ વર્ષની હતી ત્યારે તેને સ્ટ્રોક આવ્યો, અને ખબર પડી કે તેને બ્રેઇન ટ્યુમર પણ છે. તેનું બે વખત ઑપરેશન થયું. રેડિયો થેરપી દ્વારા સારવાર કરવામાં આવી. તેને ફરીથી બે વાર સ્ટ્રોક આવ્યો. એના લીધે તેનું ડાબું અંગ લકવા મારી ગયું. તેની આંખોનું તેજ પણ ઓછું થઈ ગયું. આ હાલતમાં તેની પાસે જે પણ શક્તિ છે એનો ઉપયોગ મિટિંગ અને પ્રચાર માટે જ કરે છે. તે જોઈ શકે છે કે યહોવાહ તેને ઘણી રીતે મદદ કરી રહ્યા છે. તે જ્યારે ભાંગી પડે છે, ત્યારે આપણા સાહિત્યમાં આવતા અનુભવોમાંથી તેને ઘણું ઉત્તેજન મળે છે. તેને સહારો આપવા ભાઈ-બહેનો કાર્ડ લખે છે. મિટિંગ પહેલાં અને પછી તેને ઉત્તેજન મળે એવી વાતો કરે છે. સત્યમાં રસ બતાવતા લોકો પણ તેના ઘરે જઈને બાઇબલ શીખે છે. આમ તેઓ પણ તેની કદર કરે છે. આ બધી મદદ માટે સ્ટેફની યહોવાહનો ઘણો આભાર માને છે. ગીતશાસ્ત્ર ૪૧:૩ તેની ગમતી કલમ છે, જે તેના સંજોગોમાં પૂરેપૂરી બંધબેસે છે.

૧૪. આપણે તણાવમાં હોઈએ ત્યારે શું ન વિચારવું જોઈએ? શા માટે?

૧૪ નિરાશા કે તણાવમાં હોઈએ ત્યારે એવું ન વિચારવું જોઈએ કે યહોવાહની ભક્તિમાં ઓછું કરવાથી રાહત મળશે. એ તો સૌથી મોટી ભૂલ કહેવાશે. વ્યક્તિગત અને કુટુંબ સાથે અભ્યાસ કરવાથી, મિટિંગ અને પ્રચારમાં જવાથી આપણે યહોવાહની શક્તિ મેળવીએ છીએ. આવી પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી હંમેશાં તાજગી મળે છે. (માત્થી ૧૧:૨૮, ૨૯ વાંચો.) ઘણી વાર આપણે સભાઓમાં થાક્યા-પાક્યા જતા હોઈએ છીએ. પણ ઘરે જતા પહેલાં તરોતાજા થઈ જઈએ છીએ. બેટરી ચાર્જ થઈ જાય તેમ, યહોવાહની ભક્તિ કરવાથી આપણામાં ફરી જોશ આવી જાય છે.

૧૫. (ક) શું યહોવાહ એવું વચન આપે છે કે તે પોતાના ભક્તોનું જીવન સહેલું બનાવી દેશે? કલમોથી સમજાવો. (ખ) ઈશ્વર આપણને શું વચન આપે છે? એનાથી કેવા પ્રશ્નો ઊભા થાય છે?

૧૫ ખ્રિસ્તના પગલે ચાલવું એ મહેનત માગી લે છે. (માથ. ૧૬:૨૪-૨૬; લુક ૧૩:૨૪) જોકે ઈશ્વર પોતાની શક્તિ દ્વારા થાકેલાને બળ આપે છે. યશાયાહ પ્રબોધકે લખ્યું: “યહોવાહની વાટ જોનાર નવું સામર્થ્ય પામશે; તેઓ ગરૂડની પેઠે પાંખો પ્રસારશે; તેઓ દોડશે, ને થાકશે નહિ; તેઓ આગળ ચાલશે, ને નિર્ગત થશે નહિ.” (યશા. ૪૦:૨૯-૩૧) પરંતુ જો કોઈને યહોવાહની ભક્તિ બોજરૂપ લાગતી હોય તો તેણે વિચારવું જોઈએ કે શા માટે એવું લાગે છે? એનું મૂળ શું છે?

૧૬. જીવનમાં થાકી ગયા હોઈએ કે નિરાશામાં હોઈએ ત્યારે શું કરવું જોઈએ?

૧૬ બાઇબલ આપણને ‘જે શ્રેષ્ઠ છે તે પારખી’ લેવા અરજ કરે છે. (ફિલિ. ૧:૧૦) પાઊલે ખ્રિસ્તી જીવનને એક લાંબી દોડ સાથે સરખાવ્યું. ઈશ્વરની પ્રેરણાથી તેમણે લખ્યું કે ‘આપણે દરેક જાતનો બોજો નાખી દઈએ, અને આપણા માટે ઠરાવેલી શરતમાં ધીરજથી દોડીએ.’ (હેબ્રી ૧૨:૧) અહીં તે બોજાને બિનજરૂરી ધ્યેયો સાથે સરખાવે છે. જેની પાછળ પડવાથી આપણે થાકી જઈશું. અમુક લોકો એવા ધ્યેયો પૂરા કરવા સખત મહેનત કરે છે અને થાકી જાય છે. તેથી જો તમે થાકી ગયા હોવ કે તણાવમાં હોવ તો શું કરી શકો? વિચારો કે નોકરી-ધંધા માટે, ફરવા માટે, રમત-ગમત અને મોજશોખ માટે તમે કેટલો સમય ફાળવો છો. આ બાબતમાં તમારે સમતોલ બની પોતાની ક્ષમતા પારખવી જોઈએ. જરૂરી ના હોય એવી બાબતો ટાળવી જોઈએ.

૧૭. અમુક શા માટે નિરાશ થઈ ગયા છે? યહોવાહ કેવી ખાતરી આપે છે?

૧૭ આપણામાંથી અમુક શા માટે નિરાશ થઈ ગયા છે? કેમ કે તેઓએ ધાર્યું હતું એ પ્રમાણે અંત હજી આવ્યો નથી. (નીતિ. ૧૩:૧૨) જેઓને પણ આવું લાગે છે તેઓ હબાક્કૂક ૨:૩ના આ શબ્દોમાંથી ઉત્તેજન મેળવી શકે: “એ સંદર્શન હજી નીમેલા વખતને માટે છે, કેમ કે તે પૂર્ણ થવાને તલપાપડ કરી રહ્યું છે, તે ખોટું પડશે નહિ; જોકે તેને વિલંબ થાય, તોપણ તેની વાટ જો; કેમ કે તે નક્કી આવશે, તે વિલંબ કરશે નહિ.” યહોવાહ આપણને પૂરી ખાતરી આપે છે કે તે દુનિયાનો અંત સમયસર લાવશે!

૧૮. (ક) કેવા વચનોથી તમને બળ મળે છે? (ખ) હવે પછીના લેખમાં શાની ચર્ચા કરીશું?

૧૮ સાચે જ આપણે એ દિવસની રાહ જોઈએ છીએ જ્યારે થાક અને નિરાશા હશે જ નહિ. બધા ‘જુવાનીની સ્થિતિ’ પાછી મેળવશે. (અયૂ. ૩૩:૨૫) જોકે યહોવાહની ભક્તિમાં ભાગ લેવાથી અને તેમની શક્તિ મેળવવાથી હમણાં પણ આપણે બળવાન છીએ. (૨ કોરીં. ૪:૧૬; એફે. ૩:૧૬) ભાવિમાં આપણને ઘણા આશીર્વાદો મળવાના છે, એટલે ભક્તિમાં ધીમા ના પડીએ. ભલે ગમે તેટલી લાલચો કે પરીક્ષણો આવે, થાક કે નિરાશા અનુભવીએ આ બધું હંગામી છે. હમણાં તમારી તકલીફો દૂર કદાચ ન થાય, પણ નવી દુનિયામાં તો ચોક્કસ થશે જ. હવે પછીનો લેખ સમજાવશે કે કઈ રીતે ઈશ્વરની શક્તિ આપણને સતાવણી, સાથીદારો કે મિત્રો તરફથી દબાણ અને એવી બીજી તકલીફોનો સામનો કરવા મદદ કરે છે. (w11-E 01/15)

તમે કેવો જવાબ આપશો?

• બાઇબલ વાંચન આપણને કઈ રીતે મદદ કરે છે?

• પ્રાર્થના અને મનન કરવાથી કઈ રીતે મદદ મળે છે?

• નિરાશાનો સામનો કરવા તમે શું કરી શકો?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૭ પર ચિત્ર]

સભાઓ આપણને તાજગી આપે છે