સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરે આપેલા સ્વર્ગના દર્શનો

ઈશ્વરે આપેલા સ્વર્ગના દર્શનો

ઈશ્વરે આપેલા સ્વર્ગના દર્શનો

તમે આકાશમાં ધ્યાનથી જુઓ. ભલે ગમે એટલી વાર સુધી જુઓ, પણ કોઈ જોવા મળશે નહિ. ધ્યાનથી સાંભળશો તોપણ તેઓનો અવાજ સંભળાશે નહિ. તોપણ તમને ખાતરી છે કે ત્યાં કોઈ તો છે. એ દૂતો ખૂબ જ શક્તિશાળી ને બુદ્ધિશાળી છે. તેઓ દરેકને પોતાનું નામ છે. તેઓનું વ્યક્તિત્વ પણ જુદું જુદું છે. અમુક આપણું ભલું કરે છે, તો અમુક આપણને નુકસાન કરવા માંગે છે. ટૂંકમાં, તેઓ બધાનું ધ્યાન આપણા પર છે.

બાઇબલ જણાવે છે કે ઈશ્વર સ્વર્ગમાં રહે છે. તેમને પોતાનું એક અજોડ નામ છે. એ નામ તેમને માણસોએ બનાવેલા દેવોથી અલગ પાડે છે. તેમનું નામ યહોવાહ છે. (ગીતશાસ્ત્ર ૮૩:૧૮) એક ઈશ્વરભક્તે લખ્યું: “યહોવાહ મોટો અને બહુ સ્તુત્ય છે, સર્વ દેવો કરતાં તે ભયાવહ છે. લોકોના સર્વ દેવો મૂર્તિઓ જ છે; પણ યહોવાહે આકાશોને ઉત્પન્‍ન કર્યાં. સન્માન તથા મહિમા તેની સંમુખ છે; સામર્થ્ય તથા શોભા તેના પવિત્રસ્થાનમાં છે.”—ગીતશાસ્ત્ર ૯૬:૪-૬.

સાચા ઈશ્વર તરફથી મળેલા દર્શનો

બાઇબલ જણાવે છે કે ‘ઈશ્વરને કોઈ માણસે કદી જોયા નથી.’ (યોહાન ૧:૧૮) જેમ જન્મથી આંધળી વ્યક્તિ રંગોને સમજી શકતી નથી તેમ, ઈશ્વરનો દેખાવ અને તેમનો મહિમા આપણી સમજણની બહાર છે. પરંતુ એવું નથી કે ઈશ્વરને લઈને આપણે કંઈ સમજી ન શકીએ. એક સારો શિક્ષક અઘરો વિષય સમજાવવા શું કરે છે? વિદ્યાર્થીઓ સમજી શકે એ રીતે સહેલા શબ્દોમાં જણાવે છે. ઈશ્વરે પણ એમ જ કર્યું છે. જે વસ્તુ આપણે કદી જોઈ શકતા નથી એનું તેમણે એવી વસ્તુઓ દ્વારા બાઇબલમાં વર્ણન કર્યું છે જેને આપણે જોઈ-સમજી શકીએ. બાઇબલ સમયમાં યહોવાહ પોતાના વિશ્વાસુ ભક્તોને દર્શનો આપતા. એ દર્શનોની મદદથી સ્વર્ગ કેવું હશે એ સમજવા આપણને મદદ મળે છે. અને ત્યાં જેઓ રહે છે તેઓ સાથેનો આપણો સંબંધ પણ સમજી શકીએ છીએ.

દાખલા તરીકે, ઈશ્વરભક્ત હઝકીએલને એક દર્શન આપવામાં આવ્યું હતું. એમાં તે યહોવાહના મહિમાને અગ્‍નિ, ચળકાટ, નીલમના તેજ અને મેઘધનુષ્ય સાથે સરખાવે છે. ઈશ્વરભક્ત યોહાન બીજા એક દર્શનમાં યહોવાહને પોતાના રાજ્યાસન પર બેઠેલા જુએ છે. તે જણાવે છે કે ઈશ્વર ‘દેખાવમાં યાસપિસ પાષાણ તથા લાલ જેવા હતા.’ એ પણ જણાવે છે કે ‘રાજ્યાસનની આસપાસ એક મેઘધનુષ્ય હતું, જેનો દેખાવ લીલમ જેવો હતો.’ આવું વર્ણન બતાવે છે કે યહોવાહની હાજરી ખૂબ જ મહિમાવંત અને અતિસુંદર છે. એ દિલને અનેરો આનંદ અને શાંતિ આપે છે.—પ્રકટીકરણ ૪:૨, ૩; હઝકીએલ ૧:૨૬-૨૮.

યહોવાહે ઈશ્વરભક્ત દાનીયેલને પણ દર્શન આપ્યું હતું. એમાં દાનીયેલે જોયું કે ‘લાખો ને લાખો સ્વર્ગદૂતો યહોવાહની સામે ઊભા હતા.’ (દાનીયેલ ૭:૧૦) એ કેટલું અદ્‍ભુત દૃશ્ય હશે! દર્શનમાં એક સ્વર્ગદૂતને જોઈને પણ આપણે તો આભા બની જઈએ. તો જરા કલ્પના કરો, લાખો ને લાખો સ્વર્ગદૂતોને એક સાથે જોવા કેવી મોટી વાત કહેવાય!

બાઇબલમાં આશરે ૪૦૦ વખત સ્વર્ગદૂતોનો ઉલ્લેખ થયો છે. એમાં અમુક દૂતો શરાફ છે તો અમુક કરૂબ. એ ખિતાબો તેઓના દરજ્જાને બતાવે છે. બાઇબલમાં સ્વર્ગદૂત માટેના મૂળ ગ્રીક અને હેબ્રી શબ્દનો અર્થ થાય, “સંદેશવાહક.” સ્વર્ગદૂતો એકબીજા સાથે વાત કરી શકે છે. ભૂતકાળમાં તેઓએ મનુષ્યો સાથે પણ વાત કરી હતી. સ્વર્ગદૂતો પૃથ્વી પર જીવી ગયેલા કોઈ માણસો નથી. યહોવાહે સૌથી પહેલો મનુષ્ય બનાવ્યો એના ઘણા સમય પહેલાં સ્વર્ગદૂતોને બનાવ્યા હતા.—અયૂબ ૩૮:૪-૭.

દાનીયેલે સંદર્શનમાં જોયું કે લાખો ને લાખો દૂતો એક મહત્ત્વના પ્રસંગે ભેગા થયા છે. દાનીયેલે પછી જોયું કે ‘મનુષ્યપુત્ર જેવા એક પુરુષ’ યહોવાહના રાજ્યાસન પાસે આવ્યા. તેમને ‘સત્તા, મહિમા તથા રાજ્ય આપવામાં આવ્યાં, કે જેથી બધા લોકો, પ્રજાઓ તથા સર્વ ભાષાઓ બોલનાર માણસો તેમના તાબેદાર થાય.’ (દાનીયેલ ૭:૧૩, ૧૪) આ “મનુષ્યપુત્ર” સજીવન થયેલા ઈસુ છે. સ્વર્ગમાં તેમને ખૂબ જ મહત્ત્વની જવાબદારી સોંપાઈ છે. તેમને આ દુનિયા પર રાજ કરવાની સત્તા આપવામાં આવી છે. તેમનું રાજ્ય જલદી જ બધી માનવ સરકારોને દૂર કરશે. એ રાજ્ય સર્વ પ્રકારના રોગ, દુઃખ, જુલમ, ગરીબાઈ અને મરણને પણ હંમેશ માટે કાઢી નાખશે.—દાનીયેલ ૨:૪૪.

જ્યારે ઈસુ રાજગાદીએ બેઠા ત્યારે મનુષ્યનું ભલું ઇચ્છતા લાખો વિશ્વાસુ દૂતો ઘણા ખુશ થયા. પણ દુઃખની વાત છે કે સ્વર્ગમાં કંઈ બધા જ ખુશ થયા ન હતા.

ઈશ્વર અને મનુષ્યનો દુશ્મન

ઈશ્વરે માણસને બનાવ્યો ત્યારથી જ એક સ્વર્ગદૂત પોતાની ભક્તિ થાય એવી ઇચ્છા કરવા લાગ્યો. તેની ઇચ્છા એટલી પ્રબળ બની કે તે યહોવાહની વિરુદ્ધ ગયો. તે શેતાન બન્યો જેનો અર્થ થાય, ‘વિરોધ કરનાર.’ શેતાન જેવું દુષ્ટ બીજું કોઈ જ નથી. તે પ્રેમના સાગર યહોવાહની વિરુદ્ધ થયો છે. આ બંડમાં શેતાનની જોડે બીજા અમુક દૂતો પણ જોડાયા. તેઓ અપદૂતો કે ખરાબ દૂતો છે. બાઇબલ તેઓને ભૂત કે દુષ્ટ આત્મા પણ કહે છે, જેઓ મરી ગયેલાઓનો આત્મા હોવાનો ડોળ કરે છે. શેતાનની જેમ આ ખરાબ દૂતો પણ માણસોના દુશ્મન બન્યા છે. તેઓ આ દુનિયાને ઘણી હદે અસર કરે છે. એટલે જ આજે દુનિયામાં અન્યાય, બીમારી, ગરીબી, દુઃખ-તકલીફો અને યુદ્ધો ચાલી રહ્યા છે.

આવું હોવા છતાં, આજે ઘણા ધર્મના લોકો એવું માનતા જ નથી કે શેતાન છે. તેના વિષે વાત પણ કરતા નથી. શેતાન તેઓના જીવનને અસર કરે છે, એની પણ તેઓને કંઈ પડી નથી. બાઇબલનું એક પુસ્તક અયૂબ આપણને સમજણ આપે છે કે શેતાન કેવો ઘમંડી છે અને તેનો ઇરાદો શું છે. ત્યાં જણાવ્યું છે: “એક દિવસે દેવદૂતો યહોવાહની આગળ હાજર થયા, અને તેમની સાથે શેતાન પણ આવ્યો.” ત્યાં થયેલી વાતચીતમાં શેતાને એવો દાવો કર્યો કે ઈશ્વરે અયૂબને ઘણો આશીર્વાદ આપ્યો હોવાથી તે તેમની ભક્તિ કરે છે. શેતાન પોતાને સાચો ઠરાવવા અયૂબ પર ઘણી મુશ્કેલીઓ લાવે છે. અયૂબના મોટા ભાગના ઢોરઢાંક અને દસેદસ બાળકોને તે મારી નાંખે છે. પછી અયૂબ પર એવી બીમારી લાવે છે કે તેનું આખું શરીર પીડાદાયક ગૂમડાંઓથી ભરાઈ જાય છે. આ બધી આફતો લાવ્યા છતાં શેતાન તેના ઇરાદામાં સફળ થયો નહિ.—અયૂબ ૧:૬-૧૯; ૨:૭.

પરંતુ યહોવાહ શા માટે શેતાનને મન ફાવે તેમ કરવા દે છે? એની પાછળ ઘણાં કારણો છે. પણ યહોવાહ કંઈ તેને હંમેશ માટે ચલાવી નહિ લે. તે જલદી જ પગલા ભરશે અને શેતાનનું નામનિશાન મિટાવી દેશે. તેમણે એની શરૂઆત કરી દીધી છે. કઈ રીતે? પ્રકટીકરણનું પુસ્તક એક મહત્ત્વના બનાવનું વર્ણન કરે છે. એ બનાવ નજરે જોવો કોઈ પણ મનુષ્ય માટે અશક્ય છે. પણ ત્યારે શું બન્યું હતું એ વિષે આપણે પ્રકટીકરણના પુસ્તકમાંથી ઘણું જાણી શકીએ છીએ. ત્યાં આમ જણાવ્યું છે: “પછી આકાશમાં લડાઈ જાગી; મીખાએલ [સજીવન થયેલા ઈસુ] તથા તેના દૂતો અજગરની [શેતાનની] સાથે લડ્યા; અને અજગર તથા તેના દૂતો પણ લડ્યા; તોપણ તેઓ તેમને જીત્યા નહિ, ને તેઓને આકાશમાં ફરી સ્થાન મળ્યું નહિ. તે મોટા અજગરને બહાર નાખી દેવામાં આવ્યો, એટલે તે જૂનો સર્પ જે દુષ્ટાત્મા તથા શેતાન કહેવાય છે, જે આખા જગતને ભમાવે છે, તેને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો; અને તેની સાથે તેના દૂતોને પણ નાખી દેવામાં આવ્યા.”—પ્રકટીકરણ ૧૨:૭-૯.

આ શબ્દો પર ધ્યાન આપો કે શેતાન “આખા જગતને ભમાવે છે.” તે ધર્મમાં જૂઠાણું ફેલાવીને લોકોને યહોવાહ અને બાઇબલના શિક્ષણથી દૂર લઈ જવા માગે છે. એમાંનું એક જૂઠાણું એ છે કે દરેક વ્યક્તિ મરણ પછી પરલોકમાં જાય છે. આ વિષે લોકો ઘણું જુદું જુદું માને છે. દાખલા તરીકે, આફ્રિકા અને એશિયામાં લોકો માને છે કે મરણ પછી વ્યક્તિનો આત્મા તેઓના પૂર્વજો સાથે મળી જાય છે. અમુક એવું પણ માને છે કે મરણ પછી વ્યક્તિ નરકમાં રિબાય છે કે પછી પરગેટરીમાં (કૅથલિક માન્યતા પ્રમાણે આધ્યાત્મિક શુદ્ધિનું સ્થાન) જાય છે. આવું જૂઠું શિક્ષણ, મરણ પછી જીવન છે એવી માન્યતાને ટેકો આપે છે.

શું ગુજરી ગયેલા સ્વર્ગમાં જાય છે?

દુનિયા ફરતે કરોડો લોકો માને છે કે સારા લોકો સ્વર્ગમાં જાય છે. શું તેઓનું માનવું ખોટું છે? અમુક અંશે તેઓ સાચા છે. અમુક સારા લોકો જરૂર સ્વર્ગમાં જશે. પણ જે અબજો લોકો ગુજરી ગયા છે તેઓની સરખામણીમાં સ્વર્ગમાં જનારાઓની સંખ્યા ખૂબ નાની છે. બાઇબલ જણાવે છે કે ‘પૃથ્વી પરથી એક લાખ ચુમ્માળીસ હજારને ખરીદવામાં આવ્યા છે.’ તેઓ “યાજકો” તરીકે સેવા આપશે. ઈસુ ખ્રિસ્ત સાથે ઈશ્વરના રાજ્યનો ભાગ બનશે. પછી ‘રાજાઓ’ તરીકે તેઓ સ્વર્ગમાંથી પૃથ્વી પર સેવા આપશે. (પ્રકટીકરણ ૫:૯, ૧૦; ૧૪:૧,) એ રાજ્ય શેતાન અને તેના દુષ્ટ દૂતોનો અંત લાવી દેશે. પછી આ ધરતીને સુંદર બનાવી દેશે જ્યાં સુખ-શાંતિનો સૂરજ કદી આથમશે નહિ. જેઓ મરણ પામ્યા છે તેઓમાંથી મોટા ભાગના એ સમયે ફરી સજીવન થશે. તેઓને પણ સુંદર ધરતી પર હંમેશ માટે જીવવાનો મોકો મળશે.—લુક ૨૩:૪૩.

આ આખા લેખનો મુખ્ય વિચાર એ જ કે સ્વર્ગમાં સર્વોપરી ઈશ્વર યહોવાહ અને અસંખ્ય દૂતો રહે છે. યહોવાહે જ આખા વિશ્વનું સર્જન કર્યું છે. મોટા ભાગના સ્વર્ગદૂતો તેમની ખુશી ખુશી સેવા કરે છે. જ્યારે કે બીજા અમુક દૂતો શેતાનની વાતમાં આવીને યહોવાહ વિરુદ્ધ ગયા છે. તેઓ મનુષ્યોને ખોટે માર્ગે દોરી જાય છે. આપણે એ પણ જોયું કે પૃથ્વી પરથી અમુક ચોક્કસ સંખ્યામાં લોકોને “ખરીદવામાં” કે પસંદ કરવામાં આવ્યા છે, જેથી તેઓ સ્વર્ગમાં ખાસ જવાબદારી ઉપાડી શકે. આ બધું ધ્યાનમાં રાખતા ચાલો આપણે જોઈએ કે સ્વર્ગમાં કોને અને કેવી રીતે પ્રાર્થના કરી શકીએ. (w10-E 12/01)