સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

દુઃખ-તકલીફોનો સામનો કરવા શક્તિ મેળવીએ

દુઃખ-તકલીફોનો સામનો કરવા શક્તિ મેળવીએ

દુઃખ-તકલીફોનો સામનો કરવા શક્તિ મેળવીએ

“જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું બધું કરી શકું છું.”—ફિલિ. ૪:૧૩.

૧. શા માટે યહોવાહના ભક્તો પર ઘણી વાર દુઃખ-તકલીફો આવે છે?

 યહોવાહના ભક્તો પર ઘણી વાર દુઃખ-તકલીફો આવે છે. અમુક તકલીફો પોતાની ભૂલોને કારણે, તો અમુક આ દુષ્ટ દુનિયાને કારણે આવે છે. બીજી અમુક તકલીફો દુનિયાના લોકો યહોવાહના ભક્તોનો વિરોધ કરે એટલે આવે છે. (ઉત. ૩:૧૫) આજ સુધી ઈશ્વરે પોતાના ભક્તોને ધાર્મિક સતાવણી સહેવા મદદ કરી છે. સાથીદારો કે મિત્રોના દબાણ સામે દૃઢ રહેવા મદદ કરી છે. અનેક બીજા દુઃખ-તકલીફો સામે ટકી રહેવા મદદ કરી છે. આજે પણ ઈશ્વરની શક્તિ આપણને અનેક જાતના દુઃખ-તકલીફો સહેવા મદદ કરી શકે છે.

ધર્મો તરફથી આવતી સતાવણી

૨. બીજા ધર્મના લોકો શું કરવા કોશિશ કરે છે?

આપણી માન્યતાને લીધે બીજા ધર્મના લોકો આપણા પર સતાવણી લાવે છે. તેઓ આપણી માન્યતા તોડી પાડવા માગે છે. યહોવાહ વિષેનો સંદેશો ફેલાવતો અટકાવવા માગે છે. આપણો વિશ્વાસ તોડી નાખવા માગે છે. અમુક સતાવણી સીધે સીધી રીતે તો અમુક છૂપી રીતે આવી શકે. બાઇબલ કહે છે કે જે રીતે સિંહ અને સાપ હુમલો કરે એ રીતે શેતાન આપણા પર હુમલો કરવાની કોશિશ કરે છે.—ગીતશાસ્ત્ર ૯૧:૧૩ વાંચો.

૩. કઈ રીતે શેતાન સિંહની જેમ અને સાપની જેમ હુમલો કરે છે?

એક સિંહની જેમ શેતાન અમુક વાર સીધેસીધો હુમલો કરે છે. તે હિંસા દ્વારા, જેલમાં પુરાવીને કે પછી આપણા કામ પર પ્રતિબંધ મૂકાવીને સીધેસીધો હુમલો કરે છે. (ગીત. ૯૪:૨૦) ઘણી જગ્યાઓએ ધર્મગુરુઓ અથવા રાજનેતાઓએ હિંસક ટોળાને મોકલીને યહોવાહના ભક્તોને સતાવ્યા છે. યરબુકમાં ઘણા અનુભવો આપેલા છે જેમાં શેતાને એ રીતે હુમલો કરવા પ્રયત્ન કર્યો છે. આવી સતાવણીમાં અમુકનો વિશ્વાસ ડગી ગયો છે. અમુક વાર શેતાન સાપની જેમ છૂપી રીતે પણ હુમલો કરે છે. આપણે દુનિયાના રંગે રંગાઈ જઈએ એ માટે શેતાન આપણા મનમાં ઝેરી વિચારો ભરવા કોશિશ કરે છે. આવા પ્રકારના હુમલાથી શેતાન આપણી શ્રદ્ધાને કમજોર કરવા માગે છે કે તોડી નાખવા માગે છે. પણ ઈશ્વરની શક્તિથી આ બંને રીતોથી થતાં હુમલાનો આપણે સામનો કરી શકીએ છીએ.

૪, ૫. ભાવિમાં આવનાર સતાવણી માટે તૈયાર રહેવા શું કરવું જોઈએ? શા માટે? દાખલો આપો.

ભાવિમાં આવનાર સતાવણી માટે તૈયાર રહેવા શું કરવું જોઈએ? શું આપણે દરેક જાતની સતાવણી વિષે વિચાર્યા કરવું જોઈએ? ના. હકીકત એ છે કે આપણે જાણતા નથી કે ભાવિમાં કેવી સતાવણીઓ આવશે. જે બાબતો થવાની જ નથી એની ખોટી ચિંતા કરવાનો શું ફાયદો! તો પછી આપણે કંઈ રીતે તૈયાર રહી શકીએ? બાઇબલમાં આપેલા યહોવાહના ભક્તોના દાખલાનો વિચાર કરીએ. ઈસુના શિક્ષણ અને દાખલાઓ પર મનન કરીએ. આમ કરવાથી યહોવાહ માટેનો પ્રેમ વધશે. ઘણા ભાઈ-બહેનો એ પ્રેમને લીધે જીવનમાં આવતી દરેક કસોટીનો સારી રીતે સામનો કરી શક્યા છે.

મલાવીમાં રહેતી આપણી બે બહેનોનો વિચાર કરો. રાજકીય પક્ષના એક ટોળાએ આ બહેનોને તેઓના પક્ષનું કાર્ડ ખરીદવા દબાણ કર્યું. તેઓએ બહેનોને માર્યા, તેઓના કપડાં ફાડી નાખ્યા અને બળાત્કાર કરવાની ધમકી પણ આપી. અરે તેઓએ જૂઠું-જૂઠું કહ્યું કે ‘તમારા બેથેલના સભ્યોએ પણ આ કાર્ડ ખરીદ્યું છે.’ એ સાંભળીને બહેનોએ કહ્યું કે ‘અમે ફક્ત યહોવાહને જ ભજીએ છીએ. જો બેથેલના સભ્યોએ એ કાર્ડ ખરીદ્યું હોય તોપણ એનાથી અમને કોઈ ફરક પડતો નથી. ભલે તમે અમને મારી નાખો પણ અમે ડગવાના નથી!’ બહેનોએ હિંમતથી જે પગલું ભર્યું એ જોયા પછી ટોળાએ તેઓને છોડી દીધા.

૬, ૭. સતાવણીનો સામનો કરવા યહોવાહ કઈ રીતે મદદ પૂરી પાડે છે?

પાઊલે કહ્યું કે થેસ્સાલોનીકીના ભાઈ-બહેનોએ “ઘણી વિપત્તિઓ વેઠીને” ‘આનંદસહિત’ સંદેશો સ્વીકાર્યો હતો. (૧ થેસ્સા. ૧:૬) તેઓની જેમ આજે પણ ઘણા ભાઈ-બહેનો ઈશ્વરની શક્તિથી સતાવણીનો સામનો કર્યો છે. એકદમ કપરા સમયે તેઓને મનની શાંતિ મળી છે, જે ઈશ્વર દ્વારા મળી છે. (ગલા. ૫:૨૨) એ શાંતિને લીધે તેઓના મન અને હૃદયનું રક્ષણ થયું છે. હા, યહોવાહ પોતાની શક્તિથી પોતાના ભક્તોને સતાવણી સહેવા મદદ કરે છે. મુશ્કેલ સંજોગોમાં સારા નિર્ણય લેવા મદદ કરે છે. *

સખત સતાવણીમાં ઈશ્વરભક્તો જે રીતે પોતાના વિશ્વાસમાં અડગ રહે છે, એ જોઈને ઘણાને નવાઈ લાગે છે. તેઓ માને છે કે જાણે આપણી પાસે કોઈ દિવ્ય શક્તિ છે. હા, આપણને એ શક્તિ પરમેશ્વર તરફથી મળે છે. પીતર આપણને ખાતરી આપે છે કે ‘જો ખ્રિસ્તના નામને લીધે તમારી નિંદા થતી હોય, તો તમે સુખી છો; કેમ કે ઈશ્વરનો મહિમા તથા શક્તિ તમારા પર રહે છે.’ (૧ પીત. ૪:૧૪) ઈશ્વરના સિદ્ધાંતોને વળગી રહેવા આપણે સતાવણી વેઠવી પડે છે. એ સિદ્ધાંતોને વળગી રહેવાથી તેમની કૃપા મેળવીએ છીએ. (માથ. ૫:૧૦-૧૨; યોહા. ૧૫:૨૦) એ જાણીને આપણે કેટલા ખુશ છીએ!

સાથીદારો કે મિત્રો તરફથી દબાણ

૮. (ક) યહોશુઆ અને કાલેબને ક્યાંથી હિંમત મળી? (ખ) યહોશુઆ અને કાલેબના દાખલામાંથી આપણે શું શીખી શકીએ?

શેતાન સાપની જેમ છૂપી રીતે પણ હુમલો કરે છે. કઈ રીતે? સાથે ભણતા કે કામ કરતા લોકો તરફથી દબાણ લાવે છે. લોકો આપણી મજાક ઉડાવે, આપણા વિષે ખોટી વાતો ફેલાવે, કે પછી તેઓના ધોરણો આપણા પર થોપી બેસાડવા કોશિશ કરે છે. પણ યહોવાહની શક્તિથી આપણે એ દુન્યવી વલણનો સામનો કરી શકીએ છીએ. કનાનમાં ગયેલા જાસૂસોનો વિચાર કરો. એમાંના યહોશુઆ અને કાલેબે બીજાઓથી સાવ અલગ વલણ બતાવ્યું. એ માટે તેઓને હિંમત ક્યાંથી મળી? ઈશ્વરની શક્તિની મદદથી તેઓ એ વલણ બતાવી શક્યા.—ગણના ૧૩:૩૦; ૧૪:૬-૧૦, ૨૪ વાંચો.

૯. આપણે શા માટે ટોળા સાથે ભળી જતા નથી?

ધર્મગુરુઓએ ઈસુના શિષ્યો પર દબાણ કર્યું, ત્યારે તેઓ ઈશ્વરની શક્તિથી હિંમતવાન થયા. તેઓએ ધર્મગુરુઓનું માનવાને બદલે ઈશ્વરનું કહેવું માન્યું. (પ્રે.કૃ. ૪:૨૧, ૩૧; ૫:૨૯, ૩૨) સામાન્ય રીતે લોકો ટોળા સાથે ભળી જવા માગે છે, જેથી લોકોના વિરોધનો સામનો ન કરવો પડે. જ્યારે કે આપણે જે ખરું છે એ કરવા ટોળા સાથે ભળી જતા નથી. એમ કરવું હિંમત માગી લે છે. (૨ તીમો. ૧:૭) ઈશ્વરની શક્તિ મેળવીને આપણે એ કરી શકીએ છીએ. ચાલો એક દાખલો જોઈએ જેમાં મિત્ર તરફથી દબાણ આવે ત્યારે શું કરવું જોઈએ.

૧૦. કેટલાંક ભાઈ-બહેનો પર કેવી મૂંઝવણ આવી શકે?

૧૦ કેટલાંક યુવાનોને ખબર પડે કે તેના મિત્રએ બાઇબલના નીતિ-નિયમો તોડ્યા છે ત્યારે શું કરવું એ સૂઝતું નથી. તેને લાગે છે કે જો એ વિષે વડીલોને કહેશે તો મિત્રનો તેના પરથી ભરોસો ઊઠી જશે. તે મિત્રતા જાળવી રાખવા ચૂપ રહેશે. અમુક વખતે ખોટું કરનાર પણ મિત્રને પોતાનું પાપ છૂપાવવા દબાણ કરે છે. અમુક મોટાઓ પણ પોતાના મિત્રો કે કુટુંબીજનોએ કરેલા પાપ વિષે વડીલોને જણાવતા અચકાય છે. પણ આવી બાબત ઊભી થાય ત્યારે આપણે શું કરવું જોઈએ?

૧૧, ૧૨. મંડળના કોઈ ભાઈ કે બહેન તમને તેના પાપ છૂપાવી રાખવાનું કહે ત્યારે તમે શું કરશો? શા માટે?

૧૧ મંડળના બે યુવાન ભાઈઓનો વિચાર કરો. રીકીને ખબર પડે છે કે તેના મિત્ર ડેનીને પોર્નોગ્રાફી જોવાની આદત છે. તે ડેનીને કહે છે કે તે જે કરી રહ્યો છે એ ખોટું છે. પણ ડેની તેનું જરાય સાંભળતો નથી. રીકી એ વિષે વડીલો સાથે વાત કરવા કહે છે. પણ ડેની કહે છે કે ‘જો તું મારો ખરો દોસ્ત હોય તો કોઈને કંઈ કહીશ નહિ.’ શું રીકીએ બીવું જોઈએ કે વડીલોને કહેવાથી તેની મિત્રતા તૂટી જશે? તેને કદાચ ચિંતા થાય કે વડીલો કોનું સાંભળશે, મારું કે ડેનીનું? પણ જો રીકી ચૂપ રહેશે તો સારું ના કહેવાય. એમ કરવાથી તો ડેનીનો યહોવાહ સાથેનો સંબંધ તૂટી જશે. રીકીએ યાદ રાખવું જોઈએ કે “માણસની બીક ફાંદારૂપ છે; પણ જે કોઈ યહોવાહ પર ભરોસો રાખે છે તે સહીસલામત રહેશે.” (નીતિ. ૨૯:૨૫) રીકીએ, ડેની પાસે જઈને ફરીથી તેની ભૂલ વિષે પ્રેમથી સમજાવવું જોઈએ. એમ કરવા તેને ઘણી હિંમતની જરૂર પડશે. કદાચ આ વખતે ડેની તેની વાત સાંભળે. તેને ઉત્તેજન આપવું જોઈએ કે તે વડીલો સાથે વાત કરે. એ પણ કહી શકે કે જો તે અમુક સમયમાં નહિ કહે તો તે વડીલોને જણાવી દેશે.—લેવી. ૫:૧.

૧૨ જો તમે રીકીની જગ્યાએ હોવ તો કદાચ તમારો મિત્ર તમારા પ્રયત્નોની કદર ના કરે. પણ સમય જતાં તે સમજી શકે કે તમે તેનું ભલું જ ઇચ્છતા હતા. જો મિત્ર મદદ સ્વીકારે તો તે કદાચ હંમેશાં તમારી હિંમત અને વફાદારીની કદર કરશે. બીજી બાજુ એ પણ બને કે વડીલોને કહેવાને લીધે મિત્ર તમારી સાથે સંબંધ કાપી નાખે. ભલે મિત્ર ખુશ ના રહે પણ યહોવાહને ખુશ રાખવા એ સૌથી મહત્ત્વનું છે. જો યહોવાહને જીવનમાં પ્રથમ રાખીશું અને તેમને વફાદાર રહીશું, તો મંડળના ભાઈ-બહેનો આપણા ખરા મિત્રો બનશે. જો ખોટાં કામોને ચાલવા દઈશું તો આપણે શેતાનને મંડળમાં પગ પેસારો કરવા દઈશું. એનાથી યહોવાહને નારાજ કરીશું અને તેમની શક્તિનો નકાર કરીશું. પણ જો આપણે યહોવાહની શક્તિની દોરવણી પ્રમાણે ચાલીશું, તો આપણે મંડળને શુદ્ધ રાખી શકીશું.—એફે. ૪:૨૭, ૩૦.

અનેક જાતના દુઃખ-તકલીફો

૧૩. યહોવાહના ભક્તો પર કેવા દુઃખ-તકલીફો આવે છે? શા માટે?

૧૩ દુઃખ-તકલીફો અલગ અલગ રૂપે આવી શકે. એમાં પૈસાની તંગી ઊભી થાય, નોકરી છૂટી જાય કે કુદરતી આફતનો ભોગ બની જવાય. કદાચ પ્રિયજન ગુજરી જાય, કોઈ બીમારી આવી પડે કે પછી બીજી કોઈ તકલીફ ઊભી થાય. આપણે ‘સંકટના વખતોમાં’ જીવી રહ્યા હોવાથી વહેલા કે મોડા તકલીફો તો આવશે જ. (૨ તીમો. ૩:૧) એ આવે ત્યારે ગભરાવાની જરૂર નથી. ઈશ્વરની શક્તિ આપણને અનેક જાતના દુઃખ-તકલીફો સહેવા મદદ કરશે.

૧૪. મુસીબતો સહેવા અયૂબને શામાંથી મદદ મળી?

૧૪ અયૂબ પર એક પછી એક મુસીબત આવી પડી. તેમણે માલ-મિલકત, બાળકો અને મિત્રો ગુમાવ્યા. એટલું જ નહિ તેમણે સારી તંદુરસ્તી ગુમાવી. એટલું ઓછું હોય એમ તેમની પત્નીનો વિશ્વાસ પણ યહોવાહમાંથી ઊઠી ગયો. (અયૂ. ૧:૧૩-૧૯; ૨:૭-૯) જોકે અયૂબને તેમના મિત્ર અલીહૂ પાસેથી ઘણો દિલાસો મળ્યો. તે અયૂબને એ જ કહેવા માગતા હતા કે તેમણે ‘શાંત ઊભા રહીને ઈશ્વરનાં અદ્‍ભુત કાર્યોનો વિચાર કરવો’ જોઈએ. યહોવાહ પણ એવું જ ચાહતા હતા. (અયૂ. ૩૭:૧૪) અયૂબને મુસીબતો સહેવા શામાંથી મદદ મળી? યહોવાહે કરેલા અદ્‍ભૂત કામો પર મનન કરવાથી તેમને મદદ મળી. આપણે પણ એમ જ કરવું જોઈએ. (અયૂ. ૩૮:૧-૪૧; ૪૨:૧, ૨) કદાચ પોતાનો અનુભવ યાદ કરી શકીએ જેમાં યહોવાહે મદદ પૂરી પાડી હોય. ભલે ગમે તેવા દુઃખ-તકલીફો આવે કદી ન ભૂલીએ કે તે હજી પણ આપણી કાળજી રાખે છે.

૧૫. પાઊલને કસોટી સહેવા ક્યાંથી મદદ મળી?

૧૫ પાઊલે પોતાના અડગ વિશ્વાસને લીધે ઘણી મુસીબતો વેઠી. ઘણી વાર તેમનો જીવ પણ જોખમમાં આવી ગયો હતો. (૨ કોરીં. ૧૧:૨૩-૨૮) એવા સંજોગોમાં પાઊલ કઈ રીતે પોતાની લાગણીઓ પર કાબૂ રાખી શક્યા? યહોવાહમાં પૂરો ભરોસો અને પ્રાર્થના દ્વારા તે એમ કરી શક્યા. એવું લાગે છે કે આકરી કસોટીમાં તેમને મારી નાખવામાં આવ્યા હતા. એ પહેલાં તેમણે લખ્યું હતું કે ‘પ્રભુએ મારી સાથે રહીને મને બળ આપ્યું; કે જેથી મારી મારફતે સુવાર્તા પૂરી રીતે પ્રગટ થાય, અને સઘળા વિદેશીઓ તે સાંભળે; સિંહના મોંમાંથી મને બચાવી લીધો.’ (૨ તીમો. ૪:૧૭) પાઊલ, પોતાના અનુભવથી ભાઈ-બહેનોને ખાતરી અપાવી શક્યા કે “કશાની ચિંતા ન કરો.”—ફિલિપી ૪:૬, ૭, ૧૩ વાંચો.

૧૬, ૧૭ અનુભવ આપી જણાવો કે યહોવાહ આજે કઈ રીતે પોતાના ભક્તોને મદદ કરે છે.

૧૬ પાયોનિયર બહેન રોક્સાનાનો વિચાર કરો. યહોવાહ પોતાના ભક્તોની કાળજી રાખે છે એની તેને ખાતરી મળી છે. તેણે સંમેલનમાં જવા બૉસ પાસે રજા માગી. બૉસે ગુસ્સામાં કહ્યું કે ‘જો તું રજા લઈશ તો નોકરીથી હાથ ધોઈ નાખવા પડશે.’ તેણે ખૂબ પ્રાર્થના કરી કે તેની નોકરી જાય નહિ. ત્યાર પછી તેને મનની શાંતિ મળી. સંમેલન પછી સોમવારે જ્યારે તે કામે ગઈ ત્યારે બૉસે તેને નોકરીમાંથી પાણીચું આપી દીધું. તેની એ નોકરી ભલે ઓછા પગારની હતી પણ તેને એની ખૂબ જ જરૂર હતી. એનાથી તે કુટુંબનું ભરણ પોષણ કરી શકતી હતી. ઘરે પાછી જતી વખતે તે યહોવાહને પ્રાર્થના કરે છે. તે વિચારે છે કે સંમેલન દ્વારા જો યહોવાહ તેની ભક્તિની ભૂખ ભાંગી શકતા હોય, તો તે જરૂર તેના પેટની ભૂખ પણ ભાંગી શકશે. રસ્તે જતાં તેણે “જોઈએ છે” એવી જાહેરાત વાંચી. કોઈ ફૅક્ટરીમાં સીવવાના મશીન માટે અનુભવી ઑપરેટરની જરૂર હતી. તે ત્યાં અરજી કરે છે. મૅનેજરને ખબર પડે છે કે તેની પાસે કોઈ અનુભવ નથી, છતાં તેને એ કામ આપે છે. આ નોકરીમાં તેને પહેલાં કરતાં ડબલ પગાર મળવાનો હતો. તેને લાગ્યું કે તેની પ્રાર્થનાનો જવાબ મળ્યો છે. તેની માટે સૌથી મોટો આશીર્વાદ એ હતો કે તે સાથે કામ કરનારાને બાઇબલનો સંદેશો જણાવી શકી. તેઓમાંથી મૅનેજર મળીને પાંચ જણાએ બાપ્તિસ્મા લીધું.

૧૭ કોઈ વાર એવું લાગે કે આપણી પ્રાર્થના સાંભળવામાં આવતી નથી. અમુક વખતે એવું થાય કે આપણી પ્રાર્થનાઓનો જવાબ તરત મળતો નથી અથવા ધારતા હોય એ રીતે મળતો નથી. જોકે એની પાછળ પણ કોઈ સારું કારણ રહેલું છે. યહોવાહને એ કારણની ખબર છે પણ કદાચ આપણને એ ભવિષ્યમાં ખબર પડે. પણ આપણે એક વાતની ખાતરી રાખી શકીએ કે યહોવાહ પોતાના ભક્તોને ક્યારેય ભૂલી જતા નથી.—હેબ્રી ૬:૧૦.

સતાવણી અને લાલચનો સામનો કરવો

૧૮, ૧૯ (ક) આપણા પર સતાવણી અને લાલચો કેમ આવે છે? (ખ) આપણે કઈ રીતે સતાવણીનો સામનો કરી શકીએ?

૧૮ શેતાનની દુનિયાના લોકોને આપણે ગમતા નથી. (યોહા. ૧૫:૧૭-૧૯) એટલે આપણા પર લાલચો, નિરાશા, સતાવણી અને લોકો તરફથી દબાણ તો આવશે જ. તેમ છતાં, ઈશ્વરની શક્તિથી આપણે કોઈ પણ મુસીબતનો સામનો કરી શકીએ છીએ. સહન ન કરી શકીએ એટલી હદ સુધી યહોવાહ સતાવણી ચાલવા નહિ દે. (૧ કોરીં. ૧૦:૧૩) તે આપણને કદી ત્યજી દેશે નહિ. (હેબ્રી ૧૩:૫) જો આપણે બાઇબલના સિદ્ધાંત પ્રમાણે ચાલીશું તો આપણને રક્ષણ અને હિંમત મળશે. વધુમાં, જ્યારે ખાસ મદદની જરૂર પડે ત્યારે ઈશ્વરની શક્તિ આપણને મદદ કરવા ભાઈ-બહેનોને પ્રેરણા આપશે.

૧૯ ચાલો આપણે પ્રાર્થના અને બાઇબલના અભ્યાસથી ઈશ્વરની શક્તિ મેળવતા રહીએ. ‘આનંદસહિત, ધીરજથી અને સહનશીલ રહીને, તેના મહિમાના સામર્થ્ય પ્રમાણે શક્તિમાન થઈએ.’—કોલો. ૧:૧૧. (w11-E 01/15)

[ફુટનોટ્‌સ]

^ મે ૧, ૨૦૦૧નું ચોકીબુરજ પાન ૧૬ અને માર્ચ ૮, ૧૯૯૩નું સજાગ બનો! પાન ૨૦માંથી અનુભવો જુઓ.

તમે જવાબમાં શું કહેશો?

• સતાવણી માટે તૈયાર રહેવા શું કરવું જોઈએ?

• કોઈ મિત્ર તેના પાપ છૂપાવી રાખવાનું કહે ત્યારે તમે શું કરશો?

• અનેક જાતના દુઃખ-તકલીફોમાં તમે કેવો ભરોસો રાખી શકો?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૩૧ પર ચિત્ર]

યહોશુઆ અને કાલેબ પાસેથી આપણે શું શીખી શકીએ?

[પાન ૩૨ પર ચિત્ર]

ખોટું કામ કર્યું હોય એવા મિત્રને તમે કઈ રીતે મદદ કરી શકો?