સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘યહોવાહના નામ પર વિશ્વાસ રાખો’

‘યહોવાહના નામ પર વિશ્વાસ રાખો’

‘યહોવાહના નામ પર વિશ્વાસ રાખો’

‘હું નમ્ર અને ગરીબ લોકને રહેવા દઈશ, ને તેઓ યહોવાહના નામ પર વિશ્વાસ રાખશે.’—સફા. ૩:૧૨.

૧, ૨. મનુષ્યો પર જલદી જ કેવું તોફાન આવી પડશે?

 શું એવું બન્યું છે કે તમે ક્યાંક જઈ રહ્યા હોવ ને અચાનક વાવાઝોડું આવે કે કરા પડે? શું તમારે દોડીને કોઈ પુલ નીચે કે દુકાનના છાપરા નીચે આશરો લેવો પડ્યો છે? એમ કરીને વાવાઝોડાથી કે કરાથી તમને રક્ષણ મળી શકે છે. પણ જો ભારે તોફાન અને આંધીની આગાહી હોય, તો એ આશરો પૂરતો નહિ હોય, ખરું ને?

જોકે, આવાં મોટાં મોટાં તોફાનો કરતાં, એક જુદા જ પ્રકારનું તોફાન આવી રહ્યું છે. એમાં બધા જ મનુષ્યોનું જીવન જોખમમાં છે. એ “યહોવાહનો મહાન દિવસ” છે, જે જાણે કે ભયાનક વિનાશનો દિવસ છે. એની અસર સર્વ મનુષ્યોને થશે. પણ એમાંય આપણને આશરો મળી શકે છે. (સફાન્યાહ ૧:૧૪-૧૮ વાંચો.) જલદી જ આવી રહેલા “યહોવાહના કોપને દિવસે” કઈ રીતે રક્ષણ મળી શકે છે?

બાઇબલ જમાનાનાં તોફાનો

૩. ઈસ્રાએલના દસ કુળના રાજ્ય પર “આંધી” જેવું કયું તોફાન આવ્યું હતું?

યહોવાહના દિવસની શરૂઆત તેમને ભજતા નથી એવા બધા ધર્મોના વિનાશથી થશે. એવા સમયે આપણે કેવી રીતે રક્ષણ મેળવી શકીએ? એનો જવાબ મેળવવા યહોવાહના ભક્તોના ઇતિહાસમાં જઈએ. ઈશ્વરભક્ત યશાયાહ ઈસવીસન પૂર્વે આઠમી સદીમાં થઈ ગયા. ઈસ્રાએલનું દસ કુળનું રાજ્ય યહોવાહ વિરોધી થઈ ગયું હતું. તેઓ પર આવનાર યહોવાહના ન્યાયચુકાદાને યશાયાહે “આંધી” સાથે સરખાવ્યો, જેને કોઈ રોકી શકે એમ ન હતું. (યશાયાહ ૨૮:૧, ૨ વાંચો.) એ ભવિષ્યવચન ઈ.સ. પૂર્વે ૭૪૦માં પૂરું થયું. એ વખતે આશ્શૂરી સૈન્યે દસ કુળના રાજ્ય પર હુમલો કર્યો, જેમાં મુખ્ય એફ્રાઈમ હતું.

૪. ઈ.સ. પૂર્વે ૬૦૭માં યરૂશાલેમ પર “યહોવાહનો મહાન દિવસ” કઈ રીતે આવી પડ્યો?

એ પછી ઈ.સ. પૂર્વે ૬૦૭માં યરૂશાલેમ અને યહુદાહ રાજ્ય પર “યહોવાહનો મહાન દિવસ” આવી પડ્યો. યહુદાહના લોકો યહોવાહને બેવફા બનીને દુશ્મન થઈ બેઠા હતા. એ માટે તેઓનો ન્યાયચુકાદો થયો. બાબેલોનનો રાજા નબૂખાદનેસ્સાર યહુદાહ અને એની રાજધાની યરૂશાલેમ માટે ખતરો હતો. યહુદાહના લોકોએ મદદ માટે “જૂઠાણાનો આશ્રય” લીધો, એટલે કે ઇજિપ્ત સાથે કોલકરાર કરીને એની મદદ માંગી. પણ વિનાશક તોફાન જેવા બાબેલોનીઓના ઝપાટામાં એ “આશ્રય” પણ નાશ પામ્યો.—યશા. ૨૮:૧૪, ૧૭.

૫. યહોવાહના ભક્તોનું શું થશે જ્યારે તેમના વિરોધી બધા જ ધર્મોનો નાશ થશે?

યરૂશાલેમ પર આવી પડેલો યહોવાહનો એ મહાન દિવસ શું બતાવતો હતો? એ જ કે આપણા સમયમાં પણ ચર્ચો પર કેવો ન્યાયચુકાદો આવી પડશે, જેઓ યહોવાહનો માર્ગ છોડીને વિરોધી બની બેઠા છે. તેમ જ, “મોટું બાબેલોન” એટલે કે યહોવાહને ન માનનારા બધા જ ધર્મોનો પણ વિનાશ થશે. એ પછી શેતાનની દુનિયાની દુષ્ટતા જડમૂળથી કાઢી નાખવામાં આવશે. યહોવાહમાં ભરોસો રાખનારા ભક્તો, એક સંગઠન તરીકે બચી જશે.પ્રકટી. ૭:૧૪; ૧૮:૨, ૮; ૧૯:૧૯-૨૧.

યહોવાહ સાથેનો નાતો બધી રીતે રક્ષણ આપે છે

૬. યહોવાહના ભક્તો કઈ રીતે રક્ષણ મેળવી શકે છે?

હવે જલદી જ દુષ્ટતાનો અંત આવશે. એવા સમયે આપણે કઈ રીતે રક્ષણ મેળવી શકીએ? એ માટે યહોવાહ સાથેનો નાતો અતૂટ રાખીએ. ‘તેમના નામનું ચિંતન કરીએ,’ એટલે કે એનો વિચાર કરીને દિલથી માન આપીએ. પૂરી હોંશથી તેમની ભક્તિ કરીએ. (માલાખી ૩:૧૬-૧૮ વાંચો.) ખરું કે તેમના નામ વિષે ફક્ત વિચારવા કરતાં કંઈક વધારે કરવાની જરૂર છે. બાઇબલ જણાવે છે કે “જે કોઈ યહોવાહને નામે વિનંતી કરશે, તે તારણ પામશે.” (યોએ. ૨:૩૨) તારણ મેળવવું અને યહોવાહના નામે વિનંતી કરવી, એ બંને એકબીજા સાથે જોડાયેલા છે. નમ્ર દિલના ઘણા લોકો જોઈ શકે છે કે ‘ઈશ્વરના નામનું ચિંતન કરનારા’ તેમના સાક્ષીઓ કોણ છે અને કોણ નથી.

૭, ૮. પહેલી સદીમાં સાચા ખ્રિસ્તીઓનો કઈ રીતે બચાવ થયો હતો? યહોવાહના આજના ભક્તો વિષે શું?

ખરું કે યહોવાહના ભક્તો તેમની સાથેનો નાતો પાકો રાખીને તારણ મેળવશે. પરંતુ, તેઓને બીજા એક પ્રકારના રક્ષણનું પણ વચન આપવામાં આવ્યું છે. જેમ કે, છાસઠની સાલના બનાવનો વિચાર કરો. સેસ્તિઅસ ગેલસના હાથ નીચે રૂમી સૈન્ય યરૂશાલેમ પર ચઢી આવ્યું. ઈસુએ પહેલેથી જણાવ્યું હતું કે એ આફતના દિવસો “ઓછા કરાશે.” (માથ. ૨૪:૧૫, ૧૬, ૨૧, ૨૨) એ પ્રમાણે જ, રૂમી લશ્કર અચાનક શહેર છોડી ગયું. એના લીધે અમુક “માણસ” એટલે કે સાચા ખ્રિસ્તીઓ “બચી” ગયા. તેઓ શહેર અને આજુબાજુના વિસ્તારથી દૂર નાસી છૂટ્યા. અમુકે તો યરદન નદી પાર કરીને, પૂર્વ તરફ આવેલા પહાડોમાં આશરો લીધો.

ઈસુના એ શિષ્યો અને યહોવાહના આજના ભક્તો વચ્ચે ઘણી બાબતો સરખી છે. પહેલી સદીના ભક્તોએ બચી જવા આશરો શોધ્યો. આજના ભક્તો પણ એમ જ કરશે. ખરું કે આજના જમાનામાં તેઓ કોઈ એક જગ્યાએ નાસી નહિ જાય, કેમ કે યહોવાહના ભક્તો આખી દુનિયામાં જુદી જુદી જગ્યાએ રહે છે. સ્વર્ગમાં જવા ‘પસંદ કરાયેલા’ અને પૃથ્વી પર રહેનારા તેઓના સાથીઓ યહોવાહ અને તેમના અડગ સંગઠનમાં આશરો લે છે. એટલે તેઓ યહોવાહ વિરોધી ચર્ચોના વિનાશના સમયે બચી જશે.

૯. યહોવાહ નામ લોકો ભૂલી જાય એવા પ્રયત્નો કોણે કર્યા છે? દાખલો આપો.

જોકે, ચર્ચોના સંગઠનનો વિનાશ ચોક્કસ છે, કેમ કે તેઓએ લોકોને યહોવાહ અને તેમના સિદ્ધાંતો વિષે સત્ય શીખવ્યું નથી. તેઓએ યહોવાહ નામ માટે સખત નફરત બતાવી છે. ઈસવીસન પાંચસોથી પંદરસોની વચ્ચે યુરોપમાં ઈશ્વરનું નામ સારી રીતે જાણીતું હતું. એ નામ મોટે ભાગે ચાર હિબ્રૂ અક્ષરોમાં યહવહ (કે પછી જહવહ) લખાતું. એ નામ સિક્કાઓ પર, ઘરોના આગળના ભાગમાં, ઘણાં પુસ્તકો અને બાઇબલમાં જોવા મળતું. તેમ જ, અમુક કેથલિક અને પ્રોટેસ્ટંટ ચર્ચોમાં પણ દેખાતું. જોકે આજકાલ તો કહેવામાં આવે છે કે ઈશ્વરનું નામ બાઇબલના ભાષાંતરમાં અથવા બીજી કોઈ રીતે વાપરવું જ નહિ. જૂન ૨૯, ૨૦૦૮ની તારીખના એક સત્તાવાર પત્રમાં, રોમન કેથલિક ચર્ચે સલાહ આપી કે કોઈ પણ રીતે લખાયેલા એ ચાર હિબ્રૂ અક્ષરોને બદલે “પ્રભુ” લખવું. કેથલિક ચર્ચની સત્તા ગણાતા, વેટિકને જણાવ્યું કે ધાર્મિક સભાઓમાં ઈશ્વરનું નામ વાપરવું નહિ. ગીત-ભજનો અને પ્રાર્થનામાં પણ એ બોલવું નહિ. વળી, ચર્ચના કે બીજા ધર્મોના ગુરુઓએ પણ સાચા ઈશ્વરની ઓળખ કરોડો ભક્તોથી છુપાવી છે.

ઈશ્વરના નામને માન આપનારાનું રક્ષણ

૧૦. આજે ઈશ્વરના નામને કઈ રીતે માન આપવામાં આવે છે?

૧૦ યહોવાહના સાક્ષીઓ બીજા બધા ધર્મોથી એકદમ જુદા છે. તેઓ ઈશ્વરને યહોવાહ નામથી ઓળખે છે. એ નામને માન આપે છે અને એનો જયજયકાર કરે છે. એનાથી યહોવાહનું દિલ રાજી થાય છે અને તેમનામાં ભરોસો મૂકનારા લોકો પર ગર્વ થાય છે. એટલે તે પોતાના ભક્તોને આશીર્વાદ આપવા અને તેઓનું રક્ષણ કરવા બધું જ કરે છે. યહોવાહ ‘પોતાના પર ભરોસો રાખનારાઓને ઓળખે છે.’—નાહૂ. ૧:૭; પ્રે.કૃ. ૧૫:૧૪.

૧૧, ૧૨. જૂના જમાનાના યહુદાહમાં કોણ યહોવાહને વળગી રહ્યા હતા? આજના જમાનામાં કોણ યહોવાહની ભક્તિ કરે છે?

૧૧ જૂના જમાનામાં યહુદાહના મોટા ભાગના લોકો યહોવાહના વિરોધી બન્યા. છતાંય, યહુદાહના અમુક લોકોને “યહોવાહના નામ પર વિશ્વાસ” હતો. (સફાન્યાહ ૩:૧૨, ૧૩ વાંચો.) બેવફા યહુદાહને સજા કરવા, યહોવાહે બાબેલોનીઓને તેઓ પર જીત અપાવી. યહુદાહના લોકોને ગુલામ બનાવીને લઈ જવા દીધા. પણ યિર્મેયાહ, બારૂખ અને એબેદ-મેલેખ જેવા અમુકને બચાવી લીધા, કેમ કે તેઓ યહુદાહમાં રહીને પણ યહોવાહને વળગી રહ્યા હતા. બીજા અમુક લોકો ગુલામીમાં પણ યહોવાહની ભક્તિ કરતા રહ્યા. ઈ.સ. પૂર્વે ૫૩૯માં કોરેશના હાથ નીચે માદી-ઈરાનીઓએ બાબેલોન પર જીત મેળવી. જલદી જ કોરેશે હુકમ બહાર પાડ્યો કે બાકી રહેલા યહુદીઓ પોતાના વતન પાછા જઈ શકે.

૧૨ ઈશ્વરભક્ત સફાન્યાહે ભવિષ્ય ભાખ્યું હતું કે યહોવાહ પોતાના ભક્તોને બચાવશે. તે તેઓમાં હરખાશે. યહોવાહની ભક્તિ ફરીથી શરૂ કરવા લોકો પોતાના વતન પાછા જશે. (સફાન્યાહ ૩:૧૪-૧૭ વાંચો.) આપણા સમયમાં પણ આ સાચું પડ્યું છે. યહોવાહનું રાજ્ય સ્વર્ગમાં શરૂ થયું. એ પછી યહોવાહે સ્વર્ગમાં જનારા ભક્તોને બાઇબલ વિરોધી શિક્ષણના બંધનમાંથી આઝાદી આપી છે. તે આજે પણ તેઓને જોઈને રાજી થાય છે.

૧૩. આજે બધા દેશોમાંના લોકો કેવી આઝાદીનો અનુભવ કરી રહ્યા છે?

૧૩ પૃથ્વી પર અમર જીવનની આશા રાખનારા ભક્તો પણ યહોવાહ વિરોધી ધર્મોમાંથી નીકળી આવ્યા છે. બાઇબલ પ્રમાણે ન હોય એવાં ખોટાં શિક્ષણની જાળમાંથી તેઓ આઝાદ થયા છે. (પ્રકટી. ૧૮:૪) આજે સફાન્યાહ ૨:૩ના આ શબ્દો મોટા પ્રમાણમાં પૂરા થાય છે: ‘પૃથ્વીના નમ્ર માણસો, તમે યહોવાહને શોધો.’ બધા જ દેશના અને નાત-જાતના નમ્ર લોકો યહોવાહના નામમાં ભરોસો રાખીને આશરો લે છે, ભલે તેઓની આશા સ્વર્ગની હોય કે પૃથ્વીની.

ઈશ્વરનું નામ કંઈ જાદુઈ ચીજ નથી

૧૪, ૧૫. (ક) અમુકે રક્ષણ મેળવવા શાનો ઉપયોગ કર્યો છે? (ખ) આજે શાનો ઉપયોગ જાદુઈ ચીજ તરીકે ન કરવો જોઈએ?

૧૪ અમુક ઈસ્રાએલીઓ માનતા હતા કે યહોવાહના મંદિરને લીધે, દુશ્મનોથી તેઓનું રક્ષણ થશે. (યિર્મે. ૭:૧-૪) તેઓ પહેલાંના ઈસ્રાએલી લોકો પણ માનતા હતા કે તેઓ પાસે કરાર કોશ હોવાથી યુદ્ધમાં તેઓનું રક્ષણ થશે. (૧ શમૂ. ૪:૩, ૧૦, ૧૧) મહાન કોન્સ્ટન્ટાઈને યુદ્ધમાં પોતાના સૈનિકોનું રક્ષણ થાય, એવી આશાએ ઢાલ પર એક નિશાન દોર્યું. એ નિશાન ખાઈ અને રો ગ્રીક અક્ષરોનું બનેલું હતું, જે ગ્રીકમાં “ખ્રિસ્ત” શબ્દના પહેલા બે અક્ષરો હતા. ગુસ્તાવ એડોલ્ફ બીજો સ્વીડનનો રાજા હતો, જે યુરોપના હિંસક ધાર્મિક યુદ્ધમાં લડ્યો. પાન ૭ પર બતાવવામાં આવેલું બખ્તર તેણે પહેર્યું હતું, એવું માનવામાં આવે છે. ધ્યાનથી જુઓ કે એ બખ્તરના કોલર પર “ઇહોવા” નામ લખેલું હતું.

૧૫ અમુક ભક્તોને ખરાબ સ્વર્ગદૂતોથી પજવણી થઈ છે ત્યારે, યહોવાહનું નામ પોકારવાથી તેઓને મદદ મળી છે. તોપણ, યહોવાહના નામમાં આશરો મેળવવાનો અર્થ એવો નથી કે એને જાદુઈ નામ તરીકે વાપરીએ. અથવા તો એમાં જાણે દરરોજ રક્ષણ કરવાની કોઈ જાદુઈ શક્તિ હોય, એવું ગણીએ.

આજે રક્ષણ મેળવવું

૧૬. આજે આપણે કઈ રીતે રક્ષણ મેળવી શકીએ?

૧૬ આજે આપણે યહોવાહના સંગઠનનો ભાગ બનીને રક્ષણ મેળવી શકીએ છીએ. (ગીત. ૯૧:૧) દુનિયાનું વલણ એને ખતરો ઊભો કરી શકે છે. એના વિષે ‘વિશ્વાસુ અને શાણો ચાકર’ તેમ જ મંડળના વડીલો વારંવાર ચેતવણી આપે છે. (માથ. ૨૪:૪૫-૪૭; યશા. ૩૨:૧, ૨) વિચારો કે ધનસંપત્તિના જોખમ વિષે કેટલી ચેતવણી મળી છે અને એનાથી આપણું કેટલું રક્ષણ થયું છે. તેમ જ, યહોવાહની ભક્તિમાં ઠંડા પાડી દે એવા બેદરકાર વલણના જોખમ વિષે કેટલી વાર સલાહ મળી છે? યહોવાહ કહે છે કે “મૂર્ખોની બેદરકારી તેઓનો વિનાશ કરશે. પણ જે કોઈ મારું સાંભળશે તે સહીસલામત રહેશે, અને નુકસાન થવાના ભય વગર શાંતિમાં રહેશે.” (નીતિ. ૧:૩૨, ૩૩) આપણા વાણી, વર્તન અને વિચારો શુદ્ધ હશે તો, યહોવાહ સાથેનો નાતો જાળવી રાખીશું અને રક્ષણ મેળવીશું.

૧૭, ૧૮. યહોવાહમાં આશરો મેળવવા લાખો લોકોને શામાંથી મદદ મળી છે?

૧૭ ઈસુએ આજ્ઞા આપી કે આખી પૃથ્વી પર યહોવાહના રાજ્યની ખુશખબર ફેલાવો. વિશ્વાસુ ચાકર આપણને એ આજ્ઞા પાળવા કેટલું બધું ઉત્તેજન આપે છે! (માથ. ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦) સફાન્યાહ જણાવે છે કે યહોવાહના નામમાં રક્ષણ મેળવવા લોકોને શામાંથી મદદ મળશે. તેમના દ્વારા યહોવાહ કહે છે કે “તે વખતે હું પ્રજાઓને શુદ્ધ હોઠો આપીશ, જેથી તેઓ યહોવાહના નામની વિનંતી કરીને એકમતે તેની સેવા કરે.”—સફા. ૩:૯.

૧૮ ‘શુદ્ધ હોઠોનો’ શું અર્થ થાય? એ તો યહોવાહ અને તેમની ઇચ્છા વિષેનું સત્ય છે, જે બાઇબલમાં મળી આવે છે. લોકોને એ સત્ય જણાવવા આપણે યહોવાહના રાજ્યની ખરી સમજણ આપીએ છીએ અને બતાવીએ છીએ કે કઈ રીતે એ રાજ્ય તેમના નામને પવિત્ર મનાવશે. તેમ જ, આપણે જણાવીએ છીએ કે યહોવાહને જ વિશ્વ પર રાજ કરવાનો હક્ક છે. એ પણ જણાવીએ છીએ કે ઈશ્વરના ભક્તો અમર જીવશે અને આશીર્વાદોનો આનંદ માણશે. ઘણા ભક્તો એ સત્ય જણાવતા હોવાથી, ‘યહોવાહને નામે વિનંતી કરનારા’ અને ‘એકમતે તેમની સેવા કરનારાની’ સંખ્યા વધતી જાય છે. આજે દુનિયામાં લાખો લોકો યહોવાહમાં આશરો મેળવે છે!—ગીત. ૧:૧,.

૧૯, ૨૦. પહેલાંના જમાનામાં ‘જૂઠાણાના આશ્રયમાં’ ભરોસો મૂકનારાઓએ કેમ પસ્તાવું પડ્યું?

૧૯ આજે દુનિયામાં લોકોને અનેક મોટી મોટી મુશ્કેલીઓ છે. ઘણા લોકો અધીરા બનીને એના ઉકેલ માટે મનુષ્યોમાં કે રાજનીતિમાં ભરોસો મૂકે છે. પહેલાના જમાનામાં ઈસ્રાએલી લોકોએ પણ મદદની આશાએ આજુબાજુના દેશો સાથે દોસ્તી કરી હતી. તોપણ, તેઓને કોઈ મદદ મળી નહિ. એવી જ રીતે, આજે પણ કોઈ દેશો કે સંસ્થાઓ, અરે યૂનાઇટેડ નેશન્સ પણ આપણી તકલીફો પૂરેપૂરી દૂર કરી શકશે નહિ. તો પછી એવી સંસ્થાઓમાં ભરોસો મૂકવાનો કે તેઓને સાથ આપવાનો શું ફાયદો? બાઇબલના ભવિષ્યવચન એવી સંસ્થાઓને “જૂઠાણાનો આશ્રય” કહે છે. એ હકીકત છે, કેમ કે તેઓમાં ભરોસો મૂકનારાઓએ પસ્તાવું પડશે.—યશાયાહ ૨૮:૧૫, ૧૭ વાંચો.

૨૦ જલદી જ યહોવાહનો મહાન દિવસ ભયંકર તોફાનની જેમ, પૃથ્વી પર આવી પડશે. મનુષ્યોના કોઈ પણ પ્લાન રક્ષણ આપી શકશે નહિ, ભલે એ અણુશસ્ત્રોથી બચવાની જગ્યા હોય કે ધનદોલત હોય. યશાયાહ ૨૮:૧૭ કહે છે કે “જૂઠાણાનો આશ્રય કરાના તોફાનથી તણાઈ જશે, અને સંતાવાની જગા પર પાણી ફરી વળશે.”

૨૧. વર્ષ ૨૦૧૧ના વચન પ્રમાણે કરવાથી કેવા લાભ થશે?

૨૧ હમણાં અને ભાવિમાં આપણા ઈશ્વર, યહોવાહમાં આપણને આશરો અને રક્ષણ મળશે. સફાન્યાહ નામનો અર્થ થાય “યહોવાહ સંતાડી રાખે છે.” એ બતાવે છે કે આફત સમયે રક્ષણ આપનાર યહોવાહ જ છે, બીજું કોઈ નહિ. એટલે જ ૨૦૧૧ના વર્ષનું વચન આ છે: ‘યહોવાહના નામ પર વિશ્વાસ રાખો.’ (સફા. ૩:૧૨) હમણાં પણ આપણે યહોવાહ પર પૂરો ભરોસો રાખીને, તેમનામાં જ આશરો લેવો જોઈએ. (ગીત. ૯:૧૦) આપણે દરરોજ આ શબ્દો યાદ રાખીએ કે “યહોવાહનું નામ મજબૂત કિલ્લો છે; નેકીવાન તેમાં નાસી જઈને સહીસલામત રહે છે.”—નીતિ. ૧૮:૧૦. (w11-E 01/15)

તમને આ યાદ છે?

• હમણાં આપણે કઈ રીતે યહોવાહના નામમાં ભરોસો રાખી શકીએ?

• આપણે કેમ ‘જૂઠાણાના આશ્રયમાં’ ભરોસો રાખવો ન જોઈએ?

• ભાવિમાં આપણને કેવા રક્ષણની ખાતરી છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૪ પર બ્લર્બ]

વર્ષ ૨૦૧૧નું વચન આ છે: ‘યહોવાહના નામ પર વિશ્વાસ રાખો.’—સફાન્યાહ ૩:૧૨.

[પાન ૧૫ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

Thüringer Landesmuseum Heidecksburg Rudolstadt, Waffensammlung “Schwarzburger Zeughaus”