સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સામાન્ય ફરિયાદોનો ઉકેલ

સામાન્ય ફરિયાદોનો ઉકેલ

સામાન્ય ફરિયાદોનો ઉકેલ

બાઇબલ એવું જણાવતું નથી કે પતિ-પત્ની વચ્ચે કોઈ તકરાર નહિ થાય. બાઇબલના એક લેખક પાઊલે ઈશ્વરની પ્રેરણાથી લખ્યું કે તેઓએ “દુઃખ” ભોગવવું પડશે. (૧ કોરીંથી ૭:૨૮) પણ અનુભવથી યુગલો એ દુઃખ કે મુશ્કેલીને ઓછી કરી શકે છે. એકબીજાને ખુશ કરી શકે છે. ચાલો હવે છ સામાન્ય ફરિયાદો જોઈએ, જે પતિ કે પત્નીને એકબીજા માટે હોય છે. એ પણ જોઈએ કે બાઇબલ સિદ્ધાંતોને લાગુ પાડવાથી કઈ રીતે મદદ મળે છે.

પહેલી ફરિયાદ:

“અમારી વચ્ચે અંતર વધી રહ્યું છે.”

બાઇબલ સિદ્ધાંત:

“જે સૌથી મહત્ત્વનું છે તે તમે પારખી લો.”​—ફિલિપી ૧:૧૦, NW.

તમારા માટે લગ્‍નજીવન સૌથી મહત્ત્વની બાબતોમાંનું એક છે. એના પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. એટલે તમારા લગ્‍નજીવન પર નજર નાખો અને જુઓ કે આ ફરિયાદનું મૂળ શું છે. રોજબરોજના કામોમાં એટલા ડૂબી ન જાવ કે સાથી માટે સમય કાઢી ન શકો. જોકે નોકરી અને બીજી જરૂરી બાબતોને લીધે હરવખત સાથે રહેવું શક્ય નથી. પણ ધ્યાન રાખો કે શોખ પાછળ અને મિત્રો સાથે વધારે સમય વેડફાય ન જાય.

જોકે અમુકને પોતાના સાથી જોડે સમય પસાર કરવો ન પડે માટે કામ પર કે શોખ પાછળ વધારે સમય ગાળે છે. આમ કરવાથી લગ્‍નબંધનમાં અંતર પડી જશે. આ રીતે તેઓ લગ્‍નજીવનને સુધારવાને બદલે મૂળ તકલીફથી દૂર ભાગે છે. જો તમારી વચ્ચે આવું કંઈ હોય તો એનું મૂળ કારણ શોધી કાઢો. પછી એનો હલ લાવો. જ્યારે તમે એકબીજા સાથે વધારે સમય પસાર કરશો, ત્યારે તમે બે નહિ પણ ‘એક થશો.’​—ઉત્પત્તિ ૨:૨૪.

અમુકે આ સલાહ કઈ રીતે લાગુ પાડી: એન્ડ્રુ * અને તાન્જી ઓસ્ટ્રેલિયામાં રહે છે. તેઓ દસ વર્ષથી પરણેલા છે. એન્ડ્રુ કહે છે, ‘હું જોઈ શકું છું કે નોકરી પર, દોસ્તો સાથે અને મનોરંજનમાં વધારે સમય ગાળવાથી લગ્‍નજીવનમાં ખતરો ઊભો થઈ શકે છે. એટલે હું અને તાન્જી વાતચીત કરવા અને દિલની લાગણીઓ જણાવવા સમય કાઢીએ છીએ.’

ડેવ અને જેન અમેરિકામાં રહે છે. તેઓ બાવીસ વર્ષથી પરણેલા છે. તેઓ સાંજે ઓછામાં ઓછો અડધો કલાક દિવસમાં થયેલા અનુભવો અને પોતાના વિચારો જણાવવા ગાળે છે. જેન કહે છે ‘આ એટલો મહત્ત્વનો સમય છે કે અમે બીજી કોઈ બાબતને આડે આવવા દેતા નથી.’

બીજી ફરિયાદ:

“લગ્‍નજીવનથી મને ખુશી મળતી નથી.”

બાઇબલ સિદ્ધાંત:

“કોઈએ માત્ર પોતાનું જ નહિ, પણ દરેકે બીજાનું હિત જોવું.”​—૧ કોરીંથી ૧૦:૨૪.

જે વ્યક્તિ ફક્ત પોતાનો જ વિચાર કરે તે લગ્‍નજીવનમાં ખુશ નહિ રહી શકે. ખુશી મેળવવા તે ભલેને બીજા લગ્‍ન કરે, તોપણ તે ખુશ નહિ થાય. લગ્‍નજીવન ત્યારે જ સુખી બને છે, જ્યારે વ્યક્તિ લેવા કરતાં આપવામાં વધારે ખુશી મેળવે. ઈસુએ પણ કહ્યું હતું કે “લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે.”​—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫.

અમુકે આ સલાહ કઈ રીતે લાગુ પાડી: મેક્સિકોમાં રહેતા મારિયા અને માર્ટિન ૩૯ વર્ષથી પરણેલા છે. તેઓના લગ્‍નજીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા. મારિયા એક દુઃખદ પ્રસંગને યાદ કરતા કહે છે, ‘અમારા વચ્ચે ઘણી ગરમા-ગરમી થઈ હતી. હું એવું કંઈક બોલી ગઈ જેનાથી માર્ટિનને બહુ જ ખોટું લાગ્યું. તે ખૂબ જ ગુસ્સે થઈ ગયો. મેં તેને સમજાવવા ઘણો પ્રયત્ન કર્યો કે હું એવું કહેવા માગતી ન હતી પણ ગુસ્સામાં બોલાય ગયું. પણ તે સાંભળવા તૈયાર ન હતો.’ માર્ટિન કહે છે ‘એ તુતુ-મેંમેં વખતે હું વિચારવા લાગ્યો કે અમે સાથે નહિ રહી શકીએ. મારે હવે લગ્‍ન ટકાવી રાખવાના પ્રયત્નો છોડી દેવા જોઈએ.’

માર્ટિન ચાહતો હતો કે મારિયા તેને માન આપે, જ્યારે કે મારિયા ઇચ્છતી હતી કે માર્ટિન તેની લાગણીઓને સમજે. બંનેમાંથી કોઈને પણ જે જોઈતું હતું એ મળતું ન હતું.

તેઓ કઈ રીતે આ તકરારનો અંત લાવ્યા? માર્ટિન કહે છે, ‘મેં ગુસ્સાને ઠંડો પડવા દીધો. એકબીજાને માન આપવાના અને નમ્ર બનવાના બાઇબલ સિદ્ધાંતને લાગુ પાડવાનો નિર્ણય કર્યો. એ લાગુ પાડવાથી અમે જોઈ શક્યા કે ભલે ગમે તેટલી વાર તકરાર થાય એનો હલ લાવી શકાય છે. ઈશ્વરને પ્રાર્થના કરવાથી અને બાઇબલમાં આપેલી સલાહને લાગુ પાડવાથી ઘણી મદદ મળે છે.’​​—યશાયાહ ૪૮:૧૭, ૧૮; એફેસી ૪:૩૧, ૩૨.

ત્રીજી ફરિયાદ:

‘મારા સાથી પોતાની ફરજ સારી રીતે નિભાવતા નથી.’

બાઇબલ સિદ્ધાંત:

‘દરેકને પોતપોતાનો હિસાબ ઈશ્વરને આપવો પડશે.’​—રૂમી ૧૪:૧૨.

કોઈ એક જ સાથી લગ્‍ન ટકાવવા મહેનત કરશે તો એ લગ્‍ન સારી રીતે ચાલશે નહિ. જો બંને પોતાની જવાબદારી સારી રીતે ન નિભાવે અને એકબીજાને દોષ આપ્યા કરે, તો વધારે તકલીફ ઊભી થશે.

તમારા સાથીએ શું કરવું જોઈએ એ જ વિચાર્યા કરશો તો તમે કદી ખુશ નહિ થાવ. મારો સાથી સારી રીતે જવાબદારી નિભાવતો નથી તો હું પણ નહિ નિભાવું, એવું વિચારશો તો ચોક્કસ દુઃખી થશો. બીજી બાજુ જો તમે સારા પતિ કે પત્ની બનવા પ્રયત્ન કરશો તો લગ્‍નજીવનમાં સુધારો થશે. (૧ પીતર ૩:૧-૩) સૌથી મહત્ત્વનું તો તમે ઈશ્વરને બતાવો છો કે લગ્‍નની ગોઠવણને તમે માન આપો છો. તમારા કામો દ્વારા તેમને ખુશ કરવા માગો છો.​—૧ પીતર ૨:૧૯.

અમુકે આ સલાહ કઈ રીતે લાગુ પાડી: કિમ અને તેના પતિ કોરિયામાં રહે છે. તેઓ ૩૮ વર્ષથી પરણેલા છે. કિમ કહે છે ‘અમુક વખતે મારા પતિ ગુસ્સે થઈ જાય છે, અને મારી સાથે બોલવાનું બંધ કરી દે છે. મને ખબર નથી પડતી કે તે શા માટે એમ કરે છે. મને લાગે છે કે મારા માટે તેમનો પ્રેમ ઓછો થઈ ગયો છે. તે શા માટે એવું ઇચ્છે છે કે હું તેને સમજું, જ્યારે કે તે મને સમજવાનો કોઈ પ્રયત્ન કરતો નથી.’

કિમ ચાહે તો જે અન્યાય થયો છે એના પર જ વિચાર કરી શકે. પોતાના પતિ સારી રીતે જવાબદારી નિભાવતા નથી એની જ ફરિયાદ કરી શકે. પણ તે એમ કરતી નથી. તે કહે છે, ‘એવી બાબતો પર વિચાર કરીને મોં ચઢાવવાને બદલે હું ઘરમાં શાંતિ જાળવવા પહેલ કરું છું. છેવટે અમે એ મુસીબતનો હલ લાવવા શાંતિથી વાત કરીએ છીએ.’​—યાકૂબ ૩:૧૮.

ચોથી ફરિયાદ:

‘મારી પત્ની મને આધીન રહેતી નથી.’

બાઇબલ સિદ્ધાંત:

“દરેક પુરુષનું શિર ખ્રિસ્ત છે; અને સ્ત્રીનું શિર પુરુષ છે.”​—૧ કોરીંથી ૧૧:૩.

જો પતિને લાગતું હોય કે તેની પત્ની તેને આધીન રહેતી નથી, તો તે શું કરી શકે? તેણે વિચારવું જોઈએ કે ‘શું હું ઈસુને શિર તરીકે આધીન રહું છું?’ તેણે ઈસુના દાખલામાંથી આધીન રહેતા શીખવું જોઈએ.

ઈશ્વરભક્ત પાઊલે લખ્યું ‘ખ્રિસ્તે મંડળી પર પ્રેમ રાખ્યો, અને તેની ખાતર પોતાનું સ્વાર્પણ કર્યું, તેમ પતિઓ, તમારી પત્નીઓ પર પ્રેમ રાખો.’ (એફેસી ૫:૨૫) ઈસુએ પોતાના શિષ્યો પર “ધણીપણું” કર્યું નહિ. (માર્ક ૧૦:૪૨-૪૪) તેમણે શિષ્યોને સાફ માર્ગદર્શન આપ્યું અને જરૂર પડી ત્યાં તેઓને સુધાર્યા. ઈસુ કદી પણ તેઓ સાથે કડક રીતે વર્ત્યા નહિ. તે હંમેશાં નમ્રતાથી અને તેઓની ક્ષમતા પ્રમાણે વર્ત્યા. (માત્થી ૧૧:૨૯, ૩૦; માર્ક ૬:૩૦, ૩૧; ૧૪:૩૭, ૩૮) તેમણે પોતા કરતાં શિષ્યોનો પહેલા વિચાર કર્યો.​—માત્થી ૨૦:૨૫-૨૮.

પતિએ આ સવાલો પર વિચાર કરવો જોઈએ. ‘શું મારા શિરપણામાં અને સ્ત્રીઓ સાથેના વ્યવહારમાં સમાજની અસર જોવા મળે છે? કે પછી હું બાઇબલની સલાહ અને એમાં આપેલા અનુભવો પ્રમાણે વર્તું છું?’ દાખલા તરીકે કોઈ સ્ત્રી પતિ સાથે સહમત ન હોવાથી પોતાના વિચારો માનથી પણ સાફ શબ્દોમાં જણાવે, તો તમે એ સ્ત્રી વિષે શું વિચારશો? ઈબ્રાહીમની પત્ની સારાહનો વિચાર કરો. એક આધીન પત્ની તરીકે બાઇબલમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. (૧ પીતર ૩:૧,) પણ જ્યારે ઈબ્રાહીમ કુટુંબ પર આવનાર જોખમને જોઈ શકતા ન હતા, ત્યારે સારાહે પોતાના વિચારો સાફ શબ્દોમાં જણાવ્યા હતા.​—ઉત્પત્તિ ૧૬:૫; ૨૧:૯-૧૨.

આવા સમયે ઈબ્રાહીમે કંઈ સારાહને ચૂપ કરી દીધી નહિ. તે કઠોર ન બન્યા. બાઇબલના સિદ્ધાંતો પ્રમાણે ચાલતા પતિઓએ ઈબ્રાહીમને અનુસરવું જોઈએ. તેઓએ કોઈ કામ કરવા પત્નીને ડરાવવી કે ધમકાવવી ન જોઈએ. પોતાના દરેક નિર્ણયમાં આધીન રહેવા તેના પર દબાણ કરવું ન જોઈએ. જો પતિ નમ્રતા અને દયાથી પોતાનું શિરપણું નિભાવશે તો ચોક્કસ પત્ની તેને માન આપશે.

અમુકે આ સલાહ કઈ રીતે લાગુ પાડી: ઇંગ્લૅંડમાં રહેતા જેમ્સ ૮ વર્ષથી પરણેલા છે. તે કહે છે, ‘હું કોઈ પણ મહત્ત્વનો નિર્ણય મારી પત્નીને પૂછ્યા વગર લેતો નથી. હું તેની જરૂરિયાતોનો પહેલા વિચાર કરું છું.’

અમેરિકામાં રહેતા જોર્જ ૫૯ વર્ષથી પરણેલા છે. તે કહે છે, ‘હું મારી પત્નીને નોકરાણીની જેમ ગણતો નથી. પણ તેને સમજદાર અને યોગ્ય સાથી ગણું છું.’​—નીતિવચનો ૩૧:૧૦.

પાંચમી ફરિયાદ:

“મારા પતિ આગેવાની લેતા નથી.”

બાઇબલ સિદ્ધાંત:

“દરેક ડાહી સ્ત્રી પોતાના ઘરની આબાદી વધારે છે; પણ મૂર્ખ પોતાના જ હાથથી તેને તોડી પાડે છે.”​—નીતિવચનો ૧૪:૧.

જો તમારા પતિ નિર્ણય લેવામાં કે આગેવાની લેવામાં પાછા પડતા હોય, તો તમારી પાસે આ ત્રણ પસંદગી છે. (૧) તમે હંમેશાં પતિને દોષ આપી શકો. (૨) શિરપણાનો હક છીનવી લઈ શકો. કે પછી (૩) તે જે પણ પ્રયત્ન કરે એના દિલથી વખાણ કરી શકો. જો તમે પહેલા બે મુદ્દા પસંદ કરશો તો તમે લગ્‍નને તોડી પાડો છો. પણ જો તમે ત્રીજા મુદ્દાને પસંદ કરશો, તો તમે લગ્‍નજીવનને બાંધશો અથવા મજબૂત કરશો.

ઘણા પતિઓ પ્રેમના કરતાં માનને મહત્ત્વનું ગણતા હોય છે. એટલે જો તમે પતિને માન આપો, આગેવાની લેવાના પ્રયત્નોની કદર કરો, તો ચોક્કસ તે જવાબદારી નિભાવવા આગળ આવશે. ખરું કે અમુક વખતે બંનેના વિચારો સરખા નહિ હોય, એ વખતે તમારે મતભેદોની ચર્ચા કરવી જોઈએ. (નીતિવચનો ૧૮:૧૩) એવા સમયે તમે જે શબ્દો વાપરો છો, એનાથી પણ તમારા લગ્‍નને આબાદ યા બરબાદ કરી શકો. (નીતિવચનો ૨૧:૯; ૨૭:૧૫) જો તમે પતિને માનથી તમારા વિચારો જણાવશો, તો તે આગેવાની લેતા અચકાશે નહિ.

અમુકે આ સલાહ કઈ રીતે લાગુ પાડી: અમેરિકામાં રહેતી મિશેલ ૩૦ વર્ષથી પરિણીત છે. તે કહે છે ‘મારો અને મારી બહેનનો ઉછેર પપ્પાની મદદ વગર મમ્મીએ કર્યો. તે ખૂબ જ હિંમતવાળી સ્ત્રી હતી. તે એકલા હાથે બધું કરતી હતી. મારો સ્વભાવ મમ્મી જેવો છે, એટલે મારે હંમેશાં આધીન રહેવા કોશિશ કરવી પડે છે. જેમ કે પહેલાં હું કોઈ નિર્ણય જાતે જ લઈ લેતી હતી, પણ હવે પતિને પૂછીને લઉં છું.’

ઓસ્ટ્રેલિયામાં રહેતી રેચલ ૨૧ વર્ષથી પરિણીત છે. તેના ઉછેરની અસર તેનામાં હતી. તે યાદ કરે છે, ‘મારી મમ્મી કદી પણ પપ્પાને આધીન રહેતી નહિ. વાતવાતમાં તેઓ વચ્ચે બોલાબોલી થઈ જતી. તેઓ એકબીજાને માન આપતા નહિ. મારા લગ્‍નની શરૂઆતના વર્ષોમાં હું મમ્મી જેવું જ કરતી. પણ જેમ વરસો પસાર થયા તેમ મેં જોયું કે માન આપવા વિષે બાઇબલના સિદ્ધાંત લાગુ પાડવા કેટલું મહત્ત્વનું છે. હવે હું અને માર્ક સુખેથી જીવીએ છીએ.’

છઠ્ઠી ફરિયાદ:

“મારા સાથીની અમુક કુટેવો હું સહી શકતી નથી.”

બાઇબલ સિદ્ધાંત:

“એકબીજાનું સહન કરો, ને જો કોઈને કોઈની સાથે કજિયો હોય તો તેને ક્ષમા કરો, જેમ ખ્રિસ્તે તમને ક્ષમા આપી તેમ તમે પણ કરો.”​—કોલોસી ૩:૧૩.

જ્યારે તમે ડેટિંગ કરતા હતા ત્યારે કદાચ સાથીની સારી આદતો પર એટલું ધ્યાન આપતા હતા કે કુટેવો દેખાતી ન હતી. તો શું તમે આજે પણ એવું ના કરી શકો? સાથીની કુટેવોને લીધે તમને ફરિયાદ કરવાનું મન થાય એ સમજી શકાય. પણ એમ કરતાં પહેલાં વિચારો કે ‘તેના કયા ગુણો પર વધારે ધ્યાન આપો છો, સારા કે ખરાબ?’

ઈસુએ જોરદાર ઉદાહરણ આપીને સમજાવ્યું કે શા માટે આપણે બીજાની ભૂલો ન જોવી જોઈએ. તેમણે કહ્યું, “તું તારી આંખમાંનો ભારોટિયો ધ્યાનમાં ન લાવતા તારા ભાઈની આંખમાંનું તણખલું શા માટે જુએ છે?” (માત્થી ૭:૩) તણખલું એ ઘાસની નાની સળી છે, પણ ભારોટિયો લાકડાનો મોટો થાંભલો છે. સામાન્ય રીતે એવો થાંભલો ઘરના છાપરાને ટેકો આપવા માટે વપરાય છે. આ ઉદાહરણથી ઈસુ શું શીખવવા માગતા હતા? એ જ કે “પહેલાં તું પોતાની જ આંખમાંથી ભારોટિયો કાઢ, અને ત્યાર પછી તારા ભાઈની આંખમાંથી તણખલું કાઢવાને તને સારી પેઠે સૂઝશે.”​—માત્થી ૭:૫.

આ ઉદાહરણની શરૂઆત કરતા ઈસુ કહે છે, “તમે કોઈને દોષિત ન ઠરાવો, એ માટે કે તમને કોઈ દોષિત ન ઠરાવે. કેમ કે જેમ તમે બીજાને દોષિત ઠરાવશો તેમ તેઓ તમને પણ દોષિત ઠરાવશે.” (માત્થી ૭:૧, ૨) ઈશ્વર તમારી ભારોટિયા જેવી ભૂલોને ન જુએ એવું ચાહતા હોવ તો, જરૂરી છે કે તમે સાથીની તણખલાં જેવી ભૂલોને ન જુઓ.​—માત્થી ૬:૧૪, ૧૫.

અમુકે આ સલાહ કઈ રીતે લાગુ પાડી: જેની અને સાયમન ઇંગ્લૅંડમાં રહે છે. તેઓ ૮ વર્ષથી પરણેલા છે. જેની કહે છે, ‘જ્યારે અમે ડેટિંગ કરતા હતા ત્યારે મારા પતિ છેલ્લી ઘડીએ ફટાફટ બધું કરી લેતા. એ મને ગમતું હતું. પણ હવે એ ટેવથી મને ગુસ્સો આવે છે. જોકે મને અહેસાસ થાય છે કે મારામાં પણ અમુક ખરાબ ટેવો છે. જેમ કે હું જે કહું એ પ્રમાણે જ બધું થવું જોઈએ. હવે હું અને સાયમન પ્રયત્ન કરીએ છીએ કે એકબીજાની ભૂલો ન જોઈએ.’

આગળ જોઈ ગયેલ મિશેલના પતિ કર્ટ કહે છે, ‘જો તમે સાથીની કુટેવો પર જ ધ્યાન આપશો, તો એ દિવસે દિવસે મોટી થતી હોય એવું લાગશે. એટલે હું મિશેલના એવા ગુણો જોઉં છું, જેના લીધે હું તેના પ્રેમમાં પડ્યો હતો.’

સફળતાનું રહસ્ય

આ અનુભવો બતાવે છે કે લગ્‍નમાં મુશ્કેલીઓ તો આવશે જ, પણ એવું નથી કે એનો હલ નથી. તો પછી લગ્‍નની સફળતાનું રહસ્ય શું છે? ઈશ્વર માટે પ્રેમ કેળવો અને બાઇબલમાં આપેલી સલાહને ખુશી ખુશી પાળો.

નાઇજીરિયામાં રહેતા એલેક્સ અને ઈતોહાન ૨૦ વર્ષથી પરણેલા છે. તેઓને લગ્‍નજીવનની સફળતાનું રહસ્ય મળી ગયું છે. એલેક્સ કહે છે, ‘બાઇબલના સિદ્ધાંતોને લાગુ પાડવાથી લગ્‍નમાં આવતી મોટા ભાગની મુસીબતોનો હલ લાવી શકાય છે.’ તેની પત્ની કહે છે, ‘અમે સમજ્યા છીએ કે નિયમિત રીતે સાથે પ્રાર્થના કરવી કેટલું મહત્ત્વનું છે. એકબીજા સાથે પ્રેમાળ અને સહનશીલ રહેવાની બાઇબલની સલાહ લાગુ પાડવી કેટલી જરૂરી છે. એ પ્રમાણે કરવાથી હવે અમારી વચ્ચે ઓછી તકરાર થાય છે.’

શું તમને વધારે જાણવું ગમશે કે કઈ રીતે બાઇબલમાં આપેલી સલાહને લાગુ પાડવાથી કુટુંબ સુખી બની શકે? જો એમ હોય તો યહોવાહના સાક્ષીઓ સાથે પવિત્ર બાઇબલ શું શીખવે છે? * પુસ્તકનાં પ્રકરણ ૧૪માંથી આ વિષે ચર્ચા કરી શકો. (w11-E 02/01)

[ફુટનોટ્‌સ]

^ અમુક નામ બદલ્યાં છે.

^ આ પુસ્તક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

[પાન ૪ પર ચિત્ર]

શું તમે એકબીજા માટે સમય કાઢો છો?

[પાન ૫ પર ચિત્ર]

શું હું પોતાને બદલે બીજાઓનો વિચાર કરું છું?

[પાન ૬ પર ચિત્ર]

તકરાર મિટાવવા શું હું પહેલ કરું છું?

[પાન ૭ પર ચિત્ર]

કોઈ નિર્ણય લેતા પહેલાં શું હું પત્નીનું મંતવ્ય લઉં છું?

[પાન ૯ પર ચિત્ર]

શું હું સાથીના સારા ગુણો જોઉં છું?