સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈસુ શા માટે મરણ પામ્યા?

ઈસુ શા માટે મરણ પામ્યા?

‘માણસનો દીકરો ઘણાંને સારૂ પોતાનો જીવ આપવાને આવ્યો છે.’—માર્ક ૧૦:૪૫.

ઈસુ જાણતા હતા કે પૃથ્વી પર તેમનું જીવન કઈ શાંતિ ભર્યું નહિ હોય. તેમને ખબર હતી કે તે હજી જુવાનીમાં હશે ત્યારે જ તેમનું જીવન ટૂંકાવી નાખવામાં આવશે. તેમ છતાં, તે મરણનો સામનો કરવા તૈયાર હતા.

ઈસુના મરણને બાઇબલ ખૂબ જ મહત્ત્વ આપે છે. બાઇબલનો એક જ્ઞાનકોશ જણાવે છે કે ગ્રીક શાસ્ત્રવચનોમાં (નવા કરારમાં) ઈસુના મરણનો ૧૭૫ વખત સ્પષ્ટ ઉલ્લેખ થયો છે. શા માટે ઈસુએ સતાવણી સહીને મરવું પડ્યું? આ સવાલનો જવાબ જાણવો બહુ મહત્ત્વનો છે, કેમ કે ઈસુના મરણની આપણા પર ઊંડી અસર પડી શકે છે.

ઈસુ શાને માટે તૈયાર હતા?

ઈસુના મરણના એક વર્ષ પહેલાં તેમણે પોતા પર આવનાર સતાવણી અને મરણ વિષે શિષ્યોને અનેક વાર જણાવ્યું. છેલ્લું પાસ્ખા પર્વ ઉજવવા યરૂશાલેમ જઈ રહ્યા હતા ત્યારે તેમણે બાર શિષ્યોને કહ્યું: “માણસનો દીકરો મુખ્ય યાજકોને તથા શાસ્ત્રીઓને સોંપાશે; અને તેઓ તેના પર મરણદંડ ઠરાવશે, ને તેને વિદેશીઓને સોંપાશે; અને તેઓ તેની મશ્કરી કરશે, ને તેના પર થૂંકશે, ને તેને કોરડા મારશે, ને તેને મારી નાખશે.” * (માર્ક ૧૦:૩૩, ૩૪) ઈસુને કઈ રીતે ખબર હતી કે આ બધું થવાનું છે?

હેબ્રી શાસ્ત્રવચનોમાં ઘણી ભવિષ્યવાણી જણાવતી હતી કે ઈસુના જીવનનો અંત કેવી રીતે આવશે. ઈસુ એ કલમોને સારી રીતે જાણતા હતા. (લુક ૧૮:૩૧-૩૩) ચાલો અમુક કલમો જોઈએ જેમાં ભવિષ્યવાણી આપેલી છે. એ પણ જોઈએ કે એ કેવી રીતે પૂરી થઈ.

મસીહ વિષેની ભવિષ્યવાણી:

ઈસુમાં આ અને બીજી અનેક ભવિષ્યવાણીઓ પૂરી થઈ. તે પોતાની રીતે એ કદી પૂરી કરી શક્યા ન હોત. આ બધી ભવિષ્યવાણીઓ પૂરી થઈ એ સાબિતી આપે છે કે ઈશ્વરે તેમને મોકલ્યા હતા. *

પણ શા માટે ઈસુએ સતાવણી સહીને મરવું પડ્યું?

આરોપને ખોટો સાબિત કરવા ઈસુએ પોતાનો જીવ આપ્યો.

એદન બાગમાં ઈશ્વર ઉપર જે આરોપ મૂકવામાં આવ્યો હતો એ વિષે ઈસુ જાણતા હતા. બંડખોર દૂત શેતાનની વાતમાં આવી જઈને આદમ અને હવાએ ઈશ્વરની આજ્ઞા તોડી. આ રીતે તેઓએ શંકા કરી કે ઈશ્વર આપણા પર સારી રીતે રાજ કરે છે કે નહિ. તેઓએ જે પાપ કર્યું એનાથી એ પણ સવાલ ઊઠ્યો કે પરીક્ષણ હેઠળ શું કોઈ પણ મનુષ્યો ઈશ્વરને વળગી રહી શકશે કે કેમ.—ઉત્પત્તિ ૩:૧-૬; અયૂબ ૨:૧-૫.

આ સવાલોનો ઈસુએ સૌથી સારો જવાબ આપ્યો. ઈસુએ યહોવાહનું કહ્યું કરીને બતાવી આપ્યું કે યહોવાહનું રાજ સૌથી સારું છે. અરે તે “વધસ્તંભના મરણ” સુધી યહોવાહને આધીન રહ્યા. (ફિલિપી ૨:૮) ઈસુએ એ પણ સાબિત કરી આપ્યું કે ભલે ગમે તેવા પરીક્ષણો આવે, સંપૂર્ણ માણસ પૂરી રીતે યહોવાહને વફાદાર રહી શકે છે.

સર્વ મનુષ્યને બચાવવા ઈસુએ પોતાનો જીવ આપ્યો.

યશાયાહ પ્રબોધકે ભાખ્યું કે મસીહે સતાવણી વેઠીને મરણનું દુઃખ સહેવું પડશે, જેથી મનુષ્ય પાપમાંથી છુટકારો મેળવી શકે. (યશાયાહ ૫૩:૫, ૧૦) ઈસુ આ જાણતા હતા, એટલે તેમણે પોતાની ઇચ્છાથી ‘ઘણા લોકને માટે પોતાનો જીવ આપ્યો.’ (માત્થી ૨૦:૨૮) તેમના બલિદાનથી સર્વ લોકો માટે યહોવાહ સાથે સંબંધ બાંધવાનું શક્ય બન્યું. તેમ જ પાપ અને મરણમાંથી છૂટવાનો માર્ગ ખુલ્યો. આમ લોકોને હંમેશ માટે જીવવાની તક રહેલી છે. આવું જીવન આદમ અને હવાએ ગુમાવી દીધું હતું. *પ્રકટીકરણ ૨૧:૩, ૪.

તમે શું કરી શકો?

આ ચાર લેખોમાં આપણે જોયું કે ઈસુ વિષે બાઇબલ શું જણાવે છે. ખાસ કરીને તે ક્યાંથી આવ્યા, તે કેવું જીવન જીવ્યા અને કેમ મરણ પામ્યા. આમ, આપણને ઈસુ વિષે ઘણું શીખવા મળ્યું છે. તેમણે જણાવેલા સત્ય પ્રમાણે જીવવાથી ઘણા આશીર્વાદો મેળવી શકીએ છીએ. હમણાં સારું જીવન જીવી શકીએ છીએ અને ભાવિમાં હંમેશ માટે જીવવાની તક મળે છે. જો આપણે એવા આશીર્વાદો જોઈતા હોય તો શું કરવું જોઈએ?

ઈશ્વરના ‘એકાકીજનિત દીકરા’ ઈસુ દ્વારા આપણે “અનંતજીવન” મેળવી શકીએ છીએ. (યોહાન ૩:૧૬) જો તમને ઈસુ વિષે વધારે શીખવું હોય તો યહોવાહના સાક્ષીઓ તમને ખુશી ખુશી મદદ કરશે. (w11-E 04/01)

^ ઈસુએ પોતાને ઘણી વાર ‘માણસના દીકરા’ કહ્યા. (માત્થી ૮:૨૦) એ શબ્દો બતાવે છે કે તે પૂરી રીતે મનુષ્ય હતા. એ ઉપરાંત ઈસુ જ “મનુષ્યપુત્ર” છે જેના વિષે અનેક ભવિષ્યવાણીમાં ઉલ્લેખ થયો હતો.—દાનીયેલ ૭:૧૩, ૧૪.

^ ઈસુમાં જે ભવિષ્યવાણીઓ પૂરી થઈ એ વિષે વધુ જાણવા પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકના વધારે માહિતી ભાગમાં “ઈસુ મસીહ—જેમના વિષે ઈશ્વરે વચન આપ્યું હતું” જુઓ. આ પુસ્તક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

^ ઈસુએ આપેલા બલિદાન વિષે વધારે માહિતી મેળવવા પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું પાંચમું પ્રકરણ “ઈસુએ આપણા માટે જિંદગી કુરબાન કરી” જુઓ.