સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરના વિશ્રામમાં પ્રવેશવા તમારે શું કરવું જોઈએ?

ઈશ્વરના વિશ્રામમાં પ્રવેશવા તમારે શું કરવું જોઈએ?

ઈશ્વરના વિશ્રામમાં પ્રવેશવા તમારે શું કરવું જોઈએ?

‘ઈશ્વરનો શબ્દ જીવંત તથા સમર્થ છે.’—હેબ્રી ૪:૧૨.

૧. યહોવાહના વિશ્રામમાં પ્રવેશવાની એક રીત કઈ છે? શા માટે અમુક વાર આજ્ઞા પાળવી અઘરી લાગી શકે?

 આગલા લેખમાં શીખ્યા કે યહોવાહના વિશ્રામમાં પ્રવેશવા તેમની આજ્ઞાઓ પાળવી જોઈએ અને સંસ્થાના માર્ગદર્શન પ્રમાણે ચાલવું જોઈએ. એ કરવાથી બતાવીએ છીએ કે યહોવાહનો હેતુ પૂરો કરવાની આપણી તમન્‍ના છે. પણ કોઈ વાર યહોવાહની આજ્ઞા પાળવી અઘરી લાગે. દાખલા તરીકે આપણને ગમતી હોય એવી બાબતો છોડવા વિષે યહોવાહ તરફથી માર્ગદર્શન મળે, ત્યારે એ પ્રમાણે કરવું સહેલું ના લાગે. એવા સમયે તમે શું કરશો? સારું એ છે કે આપણે “આજ્ઞા પાળવા તૈયાર રહીએ.” (યાકૂ. ૩:૧૭, NW) આ લેખમાં અમુક એવા સંજોગોની ચર્ચા કરીશું, જેનાથી પારખી શકીશું કે આપણે યહોવાહની આજ્ઞા પાળવા તૈયાર છીએ કે નહિ.

૨, ૩. યહોવાહને પસંદ પડે એ રીતે જીવવા શું કરતા રહેવું જોઈએ?

આપણે બાઇબલમાંથી શીખીએ કે જીવનમાં ફેરફાર કરવા પડશે, ત્યારે એ પ્રમાણે કરવા તૈયાર રહીએ. બાઇબલ કહે છે કે યહોવાહ જેઓને પોતાની સંસ્થામાં લાવે છે તેઓ “સર્વ પ્રજાઓની કીમતી વસ્તુઓ” છે. (હાગ્ગા. ૨:૭) એટલે કે જેઓ સત્ય અપનાવે છે તેઓ યહોવાહને મન કીમતી વસ્તુઓ છે. જોકે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો ત્યારે આપણામાંના મોટા ભાગના ખોટાં કામોમાં ફસાયેલાં હતાં. પણ યહોવાહ અને ઈસુના પ્રેમને લીધે આપણે જીવનમાં ફેરફાર કર્યા. આપણે તેઓને પસંદ પડે એવી રીતે જીવવા માગતા હતા. એટલે આપણે યહોવાહ પાસે પ્રાર્થનામાં મદદ માગી, અને એ પ્રમાણે કરવા કોશિશ કરી. ફેરફારો કરીને છેવટે બાપ્તિસ્મા લીધું અને યહોવાહની કૃપા મેળવી.—કોલોસી ૧:૯, ૧૦ વાંચો.

તોપણ આપણે ભૂલો કરીએ છીએ, એટલે હજુ પણ ફેરફાર કરતા રહેવાની જરૂર છે. જોકે યહોવાહની નજરે જે ખરું છે એ કરવા આપણે સખત પ્રયત્ન કરવો પડે છે. જો પ્રયત્ન કરીશું તો યહોવાહ જરૂર આશીર્વાદ આપશે.

જ્યારે ફેરફાર કરવાની જરૂર પડે

૪. ફેરફાર કરવાની જરૂર છે એ બતાવવા યહોવાહ કઈ ત્રણ રીત વાપરે છે?

સૌથી પહેલા તો આપણે એ જાણવાની જરૂર છે કે કેવા ફેરફાર કરવા જોઈએ. આપણે સ્વભાવમાં કે કાર્યોમાં ફેરફાર કરી શકીએ એ માટે યહોવાહ અલગ-અલગ રીતે મદદ પૂરી પાડે છે. મંડળમાં ટૉક દ્વારા કે સાહિત્યના લેખ દ્વારા આપણા ધ્યાન પર લાવી શકે. પણ કેટલીક વાર ટૉક કે લેખમાંથી ખ્યાલ ન આવે કે શું ફેરફાર કરવાની જરૂર છે. એવા સમયે મંડળના ભાઈ કે બહેનનો ઉપયોગ કરીને યહોવાહ પ્રેમથી આપણું ધ્યાન દોરી શકે.—ગલાતી ૬:૧ વાંચો.

૫. સલાહ મળે ત્યારે આપણે કોઈ વાર શું કરીએ છીએ? વડીલોએ શા માટે ભાઈ-બહેનોને મદદ કરવા પ્રયત્ન કરતા રહેવું જોઈએ?

દરેક મનુષ્ય ભૂલો કરે છે. એટલે જ્યારે કોઈ મનુષ્ય, ભલે પ્રેમ અને નમ્રતાથી સલાહ આપે તોપણ એ સ્વીકારવું અઘરું લાગે છે. પણ યહોવાહે વડીલોને આજ્ઞા આપી છે કે વ્યક્તિ ભૂલ કરે તો તેને ‘નમ્ર ભાવે ઠેકાણે લાવે.’ (ગલા. ૬:૧) આપણે તેઓની સલાહ સ્વીકારીએ છીએ ત્યારે યહોવાહની નજરે વધારે “કીમતી” બનીએ છીએ. પ્રાર્થનામાં ઘણી વાર કહેતા હોઈએ છીએ કે આપણે ભૂલો કરીએ છીએ. પણ જ્યારે વડીલ એ વિષે જણાવે ત્યારે એ માનવું અઘરું લાગે. આપણે કદાચ બહાનું કાઢીએ અથવા ભૂલને મામૂલી ગણીએ. કદાચ કહીએ કે સલાહ આપનારને આપણે ગમતા નથી. (૨ રાજા. ૫:૧૧) ગમતી ના હોય એવી સલાહ જો વડીલ આપે તો કદાચ આપણે ગુસ્સે થઈ શકીએ. દાખલા તરીકે વડીલ જણાવે કે તમારા કુટુંબની કોઈ વ્યક્તિ કંઈ ખોટું કરી રહી છે. અથવા કહે કે તમારો પહેરવેશ યોગ્ય નથી. કદાચ શરીરની સ્વચ્છતા વિષે કે મનોરંજનને લઈને સલાહ આપે. એવા સમયે કદાચ ગુસ્સામાં તમારાથી ન બોલવાનું બોલાઈ જાય. એના લીધે તમને તો દુઃખ થશે જ પણ સલાહ આપનાર ભાઈનેય દુઃખ થશે. પરંતુ જ્યારે ગુસ્સો ઉતરશે ત્યારે તમને ખ્યાલ આવશે કે એ સલાહ તમારા ભલા માટે છે.

૬. બાઇબલ કઈ રીતે આપણા ‘વિચારોને તથા ભાવનાઓને પારખે’ છે?

આ લેખની મુખ્ય કલમ હેબ્રી ૪:૧૨ જણાવે છે કે બાઇબલ “સમર્થ” છે. એટલે કે બાઇબલમાં લોકોના જીવન બદલવાની તાકાત છે. જેમ બાઇબલે આપણને બાપ્તિસ્મા પહેલાં મદદ કરી એમ પછી પણ મદદ કરે છે. પાઊલે હિબ્રૂ મંડળને કહ્યું, બાઇબલ આપણા ‘વિચારોને તથા ભાવનાઓને પારખનાર’ છે. (હેબ્રી ૪:૧૨) એ કઈ રીતે થાય છે? પહેલા તો આપણે ઈશ્વરની ઇચ્છા સમજવી જોઈએ. પછી આપણે જે રીતે વર્તીશું એ બતાવશે કે આપણા હૃદયમાં શું છે. આપણે જે રીતે વર્તીએ છીએ અને ખરેખર કેવા છીએ એમાં શું કોઈ વાર ફરક હોય છે? (માત્થી ૨૩:૨૭, ૨૮ વાંચો.) ચાલો અમુક સંજોગો જોઈએ જેમાં તમે કેવો નિર્ણય લેશો.

યહોવાહની સંસ્થા સાથે કદમ મિલાવીએ

૭, ૮. (ક) શા માટે કેટલાક હિબ્રૂ ખ્રિસ્તીઓ મુસાના અમુક નિયમોને વળગી રહેવા માગતા હતા? (ખ) શા પરથી કહી શકાય કે તેઓ યહોવાહની વિરુદ્ધ જતા હતા?

આપણામાંના ઘણા નીતિવચનો ૪:૧૮ના શબ્દો સારી રીતે જાણે છે: ‘સદાચારીનો માર્ગ સવારના પ્રકાશ જેવો છે, જે વધતો ને વધતો જાય છે.’ એટલે કે સમય વીતે એમ આપણી સમજ વધતી જાય છે કે યહોવાહ શું ચાહે છે. અને કઈ રીતે તેમને પસંદ પડે એવી ભક્તિ કરતા રહીએ.

આપણે શીખી ગયા કે ઈસુના મરણ પછી કેટલાંક હિબ્રૂ ખ્રિસ્તીઓ મુસાના અમુક નિયમોને વળગી રહેવા માંગતા હતા. (પ્રે.કૃ. ૨૧:૨૦) પાઊલે જણાવ્યું હતું કે તેઓએ મુસાનો નિયમ પાળવાની કોઈ જરૂર નથી, તોપણ કેટલાંકે નવા ફેરફાર સ્વીકાર્યા નહિ. (કોલો. ૨:૧૩-૧૫) કદાચ તેઓ એવું વિચારતા હતા કે નિયમશાસ્ત્રને વળગી રહેવાથી યહુદી લોકો વિરોધ નહિ કરે. પણ પાઊલે સાફ જણાવ્યું હતું કે જો હિબ્રૂ ખ્રિસ્તીઓ યહોવાહની ઇચ્છા વિરુદ્ધ જશે, તો ઈશ્વરના વિશ્રામમાં પ્રવેશી શકશે નહિ. * (હેબ્રી ૪:૧, ૨, ૬; હેબ્રી ૪:૧૧ વાંચો.) જો તેઓ યહોવાહની કૃપા ચાહતા હોય તો તેઓએ સ્વીકારવાની જરૂર હતી કે હવે યહોવાહ પોતાની ભક્તિ અલગ રીતે ચાહે છે.

૯. બાઇબલને લઈને નવી સમજણ મળે ત્યારે આપણને કેવું લાગવું જોઈએ?

વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકર વર્ગમાંથી અમુક ભાઈઓ નિયામક જૂથમાં છે. એ નિયામક જૂથ, ચાકર વર્ગને રજૂ કરે છે. કોઈક વાર તેઓ બાઇબલમાંથી નવી સમજણ આપે છે. આ બતાવે છે કે યહોવાહ તેઓ દ્વારા આપણને સત્ય શીખવે છે. એ સમજણ આપણે ખુશીથી સ્વીકારવી જોઈએ. જો તેઓને લાગે કે પહેલાંની સમજણમાં સુધારો કરવા અથવા એને સ્પષ્ટ કરવાની જરૂર છે, તો તેઓ એ કરતા અચકાતા નથી. તેઓ એવી ચિંતા નથી કરતા કે લોકો શું કહેશે. તેઓના મને સૌથી મહત્ત્વનું એ છે કે તેઓ ઈશ્વરની ઇચ્છા મુજબ સત્ય શીખવે. નવી સમજણ મળે ત્યારે તમને કેવું લાગે છે?—લુક ૫:૩૯ વાંચો.

૧૦, ૧૧. પ્રચાર કરવાની નવી રીત વિષે કહેવામાં આવ્યું ત્યારે કેટલાકે શું કર્યું? એમાંથી શું બોધપાઠ લઈ શકીએ?

૧૦ ચાલો બીજા એક ફેરફારનો વિચાર કરીએ. સો વર્ષ પહેલાં કેટલાક ભાઈઓ માનતા કે વાર્તાલાપ આપવાથી જ તેઓ યહોવાહ વિષે પ્રચાર કરી શકે છે. વાર્તાલાપ સાંભળીને લોકો તેઓની વાહ-વાહ કરતા એ તેઓને બહુ જ ગમતું. પણ પછીથી સમજણ મળી કે યહોવાહના ભક્તોએ ફક્ત વાર્તાલાપ આપવાથી જ નહિ, પણ બીજી રીતોએ યહોવાહ વિષે શીખવવું જોઈએ. યહોવાહ ચાહતા હતા કે તેમના ભક્તો ઘરે ઘરે જઈને અને બીજી રીતોથી તેમના વિષે જણાવે. અમુક ભાઈઓને એ માર્ગદર્શન ન ગમ્યું. તેઓના વાર્તાલાપથી બીજાઓને લાગતું કે તેઓ યહોવાહને પ્રેમ કરે છે અને તેમની આજ્ઞા પાળે છે. પણ આ ફેરફારથી જોવા મળ્યું કે તેઓના દિલમાં ખરેખર શું છે. ચોક્કસ યહોવાહ એવી વ્યક્તિઓથી ખુશ નહિ થયા હોય. આ ફેરફારને લીધે છેવટે અમુકે સંસ્થા છોડી દીધી.—માથ. ૧૦:૧-૬; પ્રે.કૃ. ૫:૪૨; ૨૦:૨૦.

૧૧ એ સમયે ઘણા ભાઈ-બહેનોને ઘરે ઘરે જઈને પ્રચાર કરવો શરૂઆતમાં અઘરું લાગતું હતું. તોપણ તેઓએ યહોવાહની સંસ્થાના માર્ગદર્શન પ્રમાણે કર્યું. સમય જતાં તેઓને ઘર ઘરનો પ્રચાર ફાવી ગયો. યહોવાહે તેઓની મહેનત પર ઘણા આશીર્વાદ વરસાવ્યા. જો તમને કોઈ નવી રીતે પ્રચાર કરવા કહે તો તમે શું કરશો? અઘરું લાગતું હોય તોપણ તમે એમ કરશો?

સગાં કે મિત્ર યહોવાહને છોડી દે ત્યારે

૧૨, ૧૩. (ક) શા માટે યહોવાહ આપણામાંથી “દુષ્ટને દૂર” કરવા કહે છે? (ખ) માબાપ માટે કયો સંજોગ અઘરો હોય શકે?

૧૨ આપણે જાણીએ છીએ કે યહોવાહને પસંદ પડે એવી ભક્તિ કરવા, બધી રીતે શુદ્ધ રહેવું જોઈએ. (તીતસ ૨:૧૪ વાંચો.) પણ કેટલાક સંજોગોમાં એ અઘરું લાગી શકે. એક સંજોગનો વિચાર કરો, જેમાં માબાપનો એકનો એક દીકરો સત્ય છોડે છે. તે યહોવાહ અને માબાપ સાથેના સંબંધને બદલે “પાપનું ક્ષણિક સુખ” પસંદ કરે છે. એટલે તેને મંડળમાંથી બહિષ્કૃત કરવામાં આવે છે.—હેબ્રી ૧૧:૨૫.

૧૩ આવું થાય ત્યારે માબાપ ઘણા દુઃખી થઈ જાય છે. તેઓ જાણે છે કે ‘જેઓ આપણા ભાઈ કહેવાય છે તેમાંનો જો કોઈ વ્યભિચારી, લોભી, મૂર્તિપૂજક, નિંદક, છાકટો કે જુલમી હોય, તો એવાની સોબત તમારે કરવી નહિ. એવાની સાથે બેસીને ખાવું પણ નહિ. તમે તમારામાંથી તે દુષ્ટને દૂર કરો.’ (૧ કોરીં. ૫:૧૧, ૧૩) “આપણા ભાઈ”માં કુટુંબીજનો પણ આવી જાય છે, ભલે એ સાથે રહેતા ન હોય. પણ પુત્ર પર ખૂબ જ પ્રેમ હોવાથી માબાપ કદાચ વિચારે કે ‘આપણા છોકરાને પાછો સત્યમાં લાવવા તેની જોડે વાત તો કરવી પડશે. એટલે આપણે તેની સાથે વાત કરવાનું બંધ નહિ કરીએ.’ *

૧૪, ૧૫. જો બહિષ્કૃત સંતાન સાથે વાત કરવાની થાય, તો માબાપે શું યાદ રાખવું જોઈએ?

૧૪ એ માબાપનું દુઃખ જોઈને આપણને પણ દુઃખ થાય. તેઓનો પુત્ર સારી પસંદગી કરી શક્યો હોત, પણ મંડળ અને માબાપ કરતાં તેને ખોટાં કામની વધારે પડી હતી. માબાપ તેને મદદ કરવા માંગતા હતા, પણ પસંદગી તો પુત્રના હાથમાં હતી. તેઓ કંઈ કરી શક્યા નહિ એટલે બહુ દુઃખી છે.

૧૫ આવી લાચાર હાલતમાં માબાપ શું કરશે? શું તેઓ યહોવાહની આજ્ઞા પાળશે? એ ખરું છે કે કુટુંબને લગતા કોઈ ખાસ કારણને લીધે પુત્ર સાથે વાત કરવી પડે. પણ શું માબાપે એવું ધારવું જોઈએ કે કુટુંબની દરેક બાબત વિષે પુત્ર સાથે વાત કરી શકાય? આ કિસ્સામાં નિર્ણય લેતા પહેલાં માબાપે યાદ રાખવું જોઈએ કે યહોવાહ શું કહે છે. તેઓએ ભૂલવું ન જોઈએ કે યહોવાહ પોતાના ભક્તોને શુદ્ધ રાખવા ચાહે છે. એટલે તેમણે મંડળમાંથી “દુષ્ટને દૂર” કરવાની આજ્ઞા આપી છે. યહોવાહ ચાહે છે કે બહિષ્કૃત વ્યક્તિ જરૂરી ફેરફાર કરે અને મંડળમાં પાછી આવે. માબાપ કઈ રીતે બતાવી શકે કે તેઓ પણ યહોવાહની જેમ વિચારે છે?

૧૬, ૧૭. હારૂનના દાખલામાંથી આપણને શું શીખવા મળે છે?

૧૬ મુસાના ભાઈ હારૂનનો વિચાર કરો. તેમના પુત્ર નાદાબ અને અબીહૂએ યહોવાહની આજ્ઞા વિરુદ્ધ ધૂપ ચઢાવ્યો. યહોવાહે અગ્‍નિથી તે બંનેનો નાશ કર્યો. વિચાર કરો કે હારૂન પર શું વીત્યું હશે! આ ઉપરાંત બીજી પણ એક બાબતના લીધે હારૂન અને તેમના કુટુંબના દુઃખમાં વધારો થયો. યહોવાહે હારૂન અને તેમના બીજા પુત્રોને શોક ન પાળવા કહ્યું. મુસા દ્વારા યહોવાહે કહ્યું: “તમારા માથાના વાળ છોડી નાખતા નહિ, ને તમારાં વસ્ત્રો ફાડતા નહિ, રખેને તમે માર્યા જાઓ, ને રખેને આખી જમાત પર તે કોપાયમાન થાય.” (લેવી. ૧૦:૧-૬) આમાંથી આપણને શીખવા મળે છે કે મંડળને છોડી દેનાર કુટુંબીજનો કરતાં, યહોવાહને વધારે પ્રેમ કરવો જોઈએ.

૧૭ આજે યહોવાહ આજ્ઞા ન પાળનારાનો તરત જ નાશ કરતા નથી. પણ તે પ્રેમ અને ધીરજ બતાવે છે. વ્યક્તિને ખોટાં કામો છોડી દેવાની તક આપે છે. પણ જો માબાપ, યહોવાહની આજ્ઞા અવગણીને વિચારે કે બહિષ્કૃત સંતાન સાથે વાત કરવામાં કંઈ વાંધો નથી, તો યહોવાહને કેવું લાગશે?

૧૮, ૧૯. જો યહોવાહને વળગી રહીએ, તો કુટુંબીજનોને કેવા આશીર્વાદો મળી શકે છે?

૧૮ અનેક બહિષ્કૃત વ્યક્તિઓ પાછા મંડળમાં આવ્યા છે. તેઓ કબૂલે છે કે મિત્રો અને કુટુંબીજનોએ યહોવાહને વળગી રહેવા તેઓ સાથે સંગત કાપી નાખી. એટલે તેઓ પાછા આવવા પ્રેરાયા છે. એક બહેનનો વિચાર કરો. તે વડીલને જણાવે છે કે ‘હું બહિષ્કૃત થઈ ત્યારે મારો ભાઈ યહોવાહને વળગી રહ્યો, પણ મારી સાથે કોઈ જાતનો વહેવાર ના રાખ્યો. એના લીધે મને મંડળમાં પાછા ફરવાનું મન થયું.’

૧૯ મિત્રો કે સગાંમાંથી કોઈ બહિષ્કૃત થાય ત્યારે આપણે શું કરવું જોઈએ? એવા સંજોગોમાં પણ યહોવાહને આધીન રહીએ. જોકે એ હંમેશાં સહેલું નહિ હોય, કેમ કે આપણને વારસામાં પાપ મળ્યું છે. પણ કદી ના ભૂલીએ કે યહોવાહ જે કંઈ કહે છે તે આપણા ભલા માટે જ છે.

‘ઈશ્વરનો શબ્દ જીવંત છે’

૨૦. કઈ બે રીતે હેબ્રી ૪:૧૨ સમજી શકાય? (ફૂટનોટ જુઓ)

૨૦ જ્યારે પાઊલે લખ્યું કે ‘ઈશ્વરનો શબ્દ જીવંત છે’ ત્યારે તે ફક્ત બાઇબલની જ વાત કરતા ન હતા. * (હેબ્રી ૪:૧૨) આ અધ્યાયની બીજી કલમો બતાવે છે કે તે યહોવાહે આપેલા વચનો વિષે વાત કરતા હતા. પાઊલ જણાવતા હતા કે યહોવાહના વચનો હંમેશા સાચા પડે છે. યહોવાહ કહે છે, “મેં જે ચાહ્યું છે તે કર્યા વિના, ને જે હેતુથી મેં તેને મોકલ્યું હતું તેમાં સફળ થયા વિના, તે ફોકટ મારી પાસે પાછું વળશે નહિ.” (યશા. ૫૫:૧૧) આપણે ચાહીએ એટલા જલદી યહોવાહના વચનો પૂરા ન થાય, તોપણ આપણે ધીરજ બતાવતા રહેવું જોઈએ. આપણે પૂરી ખાતરી રાખવી જોઈએ કે યહોવાહ જરૂર પોતાના વચનો પૂરાં કરશે.—યોહા. ૫:૧૭.

૨૧. હેબ્રી ૪:૧૨ કઈ રીતે વૃદ્ધ ભાઈ-બહેનોને યહોવાહની ભક્તિ કરતા રહેવા ઉત્તેજન આપે છે?

૨૧ “મોટી સભા”ના ઘણા ભાઈ-બહેનો વર્ષોથી યહોવાહની ભક્તિ કરી રહ્યા છે. (પ્રકટી. ૭:૯) તેઓ ધારતા હતા કે વૃદ્ધ થઈએ એ પહેલાં અંત આવી જશે. ભલે તેઓ વૃદ્ધ થઈ ગયા છે છતાં યહોવાહની સેવામાં બનતું બધું જ કરે છે. (ગીત. ૯૨:૧૪) તેઓ જાણે છે કે ‘ઈશ્વરનો શબ્દ જીવંત’ છે, એટલે યહોવાહ ચોક્કસ પોતાના વચનો પૂરાં કરશે. (હેબ્રી ૪:૧૨) તેઓને ખબર છે કે પૃથ્વી અને માણસો માટેનો હેતુ પૂરો કરવા યહોવાહ હજુ કામ કરી રહ્યા છે. યહોવાહને મન પોતાનો હેતુ ઘણો મહત્ત્વનો છે. જ્યારે આપણે બતાવીએ કે એ હેતુ આપણા માટે પણ મહત્ત્વનો છે, ત્યારે યહોવાહ ઘણા ખુશ થાય છે. સાતમા દિવસના વિશ્રામ દરમિયાન પોતાનો હેતુ પૂરો કરતા કોઈ યહોવાહને રોકી નહિ શકે. યહોવાહ જાણે છે કે તેમના ભક્તો એકતામાં તેમના હેતુ મુજબ જીવતા રહેશે. તમારા વિષે શું? શું તમે ઈશ્વરના વિશ્રામમાં પ્રવેશ્યા છો? (w11-E 07/15)

[ફુટનોટ્‌સ]

^ ઘણા યહુદી ધર્મ ગુરુઓ મુસાના નિયમશાસ્ત્રની ઝીણામાં ઝીણી વિગતોને વળગી રહેવાની કોશિશ કરતા હતા. પણ ઈશ્વરના હેતુ વિરુદ્ધ જઈને તેઓએ ઈસુને મસીહ તરીકે નકાર્યા.

^ “ઈશ્વરના પ્રેમની છાયામાં રહો” (અંગ્રેજી) પુસ્તકનું પાન ૨૦૭-૨૦૯ જુઓ.

^ આજે યહોવાહ બાઇબલ દ્વારા માર્ગદર્શન આપે છે. બાઇબલ આપણું જીવન બદલી શકે છે. હેબ્રી ૪:૧૨ જે કહે છે એ બાઇબલને પણ લાગુ પડે છે.

શું તમને યાદ છે?

• યહોવાહના વિશ્રામમાં પ્રવેશવા આપણે શું કરવું જોઈએ?

• યહોવાહની ઇચ્છા સમજ્યા પછી તેમને પસંદ પડે એવી ભક્તિ કરવા શું કરવું જોઈએ?

• યહોવાહનું કહ્યું કરવું ક્યારે મુશ્કેલ લાગી શકે? યહોવાહની આજ્ઞાઓ પાળવી કેમ જરૂરી છે?

• કઈ બે રીતે હેબ્રી ૪:૧૨ સમજી શકાય?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૩૧ પર ચિત્ર]

માબાપને માથે આભ તૂટી પડે છે