ગરીબો માટે ખુશખબર
ગરીબો માટે ખુશખબર
બાઇબલ જણાવે છે કે “દરિદ્રીને હંમેશાં ભૂલી જવામાં આવશે નહિ.” (ગીતશાસ્ત્ર ૯:૧૮) ઉપરાંત, ઈશ્વર વિષે જણાવ્યું છે કે “તું તારો હાથ ખોલીને સર્વ સજીવોની ઇચ્છાને તૃપ્ત કરે છે.” (ગીતશાસ્ત્ર ૧૪૫:૧૬) આ આશા કંઈ સપનું નથી. ઈશ્વર એવી મદદ પૂરી પાડી શકે છે, જેનાથી ગરીબી હટાવી શકાય. તો સવાલ થાય કે ગરીબ લોકોને શાની જરૂર છે?
આફ્રિકાના એક અર્થશાસ્ત્રી જણાવે છે કે ગરીબ દેશોને ‘એક સારા રાજાની જરૂર છે.’ એક એવી દયાળુ વ્યક્તિ જેની પાસે ગરીબી મિટાવવાની તાકાત હોય. એવી વ્યક્તિ જે આખી દુનિયા પર રાજ કરે અને બધા દેશોને બધું સરખે ભાગે વહેંચી આપે. આ રાજાએ પહેલા તો માણસોમાંથી સ્વાર્થ દૂર કરવો પડશે, કેમ કે એ જ ગરીબીનું મૂળ કારણ છે. આવો રાજા બનવા કોણ લાયક છે?
ઈશ્વરે મનુષ્યોને ખુશખબર જણાવવા ઈસુને મોકલ્યા. એ જવાબદારી વિષે જણાવતા ઈસુએ કહ્યું, ‘પ્રભુની શક્તિ મારા પર છે, કેમ કે દરિદ્રીઓ આગળ સુવાર્તા પ્રગટ કરવા માટે તેમણે મારો અભિષેક કર્યો છે.’—લુક ૪:૧૬-૧૮.
ખુશખબર શું છે?
ઈશ્વરે રાજા તરીકે ઈસુને પસંદ કર્યાં છે. આ સૌથી સારા સમાચાર છે. તે ગરીબીને મિટાવી શકે છે, એના ખાસ ત્રણ કારણો છે. (૧) તે દુનિયા પર રાજ કરી શકે છે, અને એ માટે તેમની પાસે શક્તિ પણ છે. (૨) તે ગરીબો સાથે દયાથી વર્તે છે, અને પોતાના પગલે ચાલનારને પણ એમ કરવા શીખવે છે. (૩) મનુષ્યનો સ્વાર્થી સ્વભાવ જે ગરીબીનું મૂળ કારણ છે, એને તે કાઢી શકે છે. ચાલો આ ખુશખબર વિષે વધારે માહિતી જોઈએ.
૧. આખી દુનિયા પર રાજ કરવાની ઈસુને સત્તા છે: ઈસુ વિષે બાઇબલ કહે છે, ‘તેમને સત્તા આપવામાં આવી, જેથી બધા લોકો, પ્રજાઓ તથા સર્વ ભાષાઓ બોલનાર માણસો તેમના તાબેદાર થાય.’ (દાનીયેલ ૭:૧૪) જો આખી દુનિયા પર એક જ રાજા હોય, તો મનુષ્યને કેવા ફાયદા થાય? કુદરતી ભંડારો માટે દેશો એકબીજા સાથે લડશે નહિ. બધાને સરખો ભાગ મળશે. ઈસુએ પોતે જણાવ્યું હતું કે આખી પૃથ્વી પર રાજ કરવાની તેમની પાસે શક્તિ છે. એટલે જ તે કહી શક્યા “આકાશમાં તથા પૃથ્વી પર સર્વ અધિકાર મને અપાયો છે.”—માત્થી ૨૮:૧૮.
૨. ગરીબો માટે ઈસુએ બતાવેલી દયા: ઈસુ પૃથ્વી પર હતા ત્યારે ગરીબો સાથે માયાળુ રીતે વર્ત્યા. ઉદાહરણ તરીકે, એક બીમાર સ્ત્રીને બાર વર્ષથી લોહીવા હતો. જરૂર તેને ગંભીર પાંડુરોગ (ઍનિમિયા) થયો હશે. સાજા થવા તેની પાસે જે હતું એ બધું ખર્ચી નાખ્યું હતું. નિયમ મુજબ, તે જેને અડકે તે પણ અશુદ્ધ કહેવાતું. તોપણ સાજા થવાની આશાએ તે ઈસુના વસ્ત્રને અડકી. એ જોઈને ઈસુને ખૂબ દયા આવી અને કહ્યું, “દીકરી, તારા વિશ્વાસે તને બચાવી છે; શાંતિએ જા, ને તારા દરદથી સાજી થા.”—માર્ક ૫:૨૫-૩૪.
ઈસુના શિક્ષણમાં એટલી તાકાત છે કે એનાથી લોકો પણ માયાળુ બનતા શીખે છે. દાખલા તરીકે, એક માણસે ઈસુને પૂછ્યું, ‘ઈશ્વરને ખુશ કરવા હું શું કરું?’ જોકે તે ઈશ્વરની ઇચ્છા જાણતો હતો કે પડોશીને પ્રેમ કરવો જોઈએ. તોપણ તેણે ઈસુને પૂછ્યું: “મારો પડોશી કોણ છે?”
તેનો જવાબ આપવા ઈસુએ એક વાર્તા કહી જે આજે પણ જાણીતી છે. એમાં એક માણસ યરૂશાલેમથી યરેખો જતો હોય છે. રસ્તામાં લૂંટારા તેને લૂંટીને “અધમૂઓ” કરીને જતા રહે છે. એક યાજક ત્યાંથી પસાર થયો અને તે બાજુમાંથી નીકળી ગયો. પછી લેવી આવ્યો તેણે પણ એવું જ કર્યું. પછી ‘એક સમરૂની માર્ગે ચાલતાં ચાલતાં જ્યાં તે પડ્યો હતો ત્યાં આવ્યો; અને તેને જોઈને સમરૂનીને કરુણા આવી.’ તેણે યહુદીના ઘા સાફ કર્યાં અને તેને ઉતારામાં લઈ ગયો. ઉતારાવાળાને તેની સંભાળ રાખવા માટે પૈસા આપ્યા. આ ઉદાહરણ જણાવ્યા પછી ઈસુએ પેલા માણસને પૂછ્યું, “તું શું ધારે છે, લૂંટારાના હાથમાં પડેલા માણસનો પડોશી એ ત્રણમાંનો કોણ ઠર્યો?” એ માણસે જવાબ આપ્યો કે “જેણે તેના પર દયા કરી તે.” પછી ઈસુએ જણાવ્યું કે “તું જઈને એ પ્રમાણે કર.”—જેઓ યહોવાહના સાક્ષી બને છે, તેઓ ઈસુનું શિક્ષણ દિલમાં ઉતારીને દયાળુ બને છે. આ દાખલાનો વિચાર કરો. લૅટ્વીઆની એક લેખિકા ૧૯૬૫ની આસપાસ પોટ્મા નામની જગ્યાએ જેલમાં હતા. તેમણે રશિયાની જેલમાં સ્ત્રીઓ (અંગ્રેજી) નામનું પુસ્તક લખ્યું છે. એમાં તેમણે જણાવ્યું, ‘હું બીમાર હતી ત્યારે યહોવાહના સાક્ષીઓએ મારી સારી સંભાળ રાખી હતી. આવી સારી સંભાળ વિષે મેં સપનામાં પણ વિચાર્યું ન હતું. તેઓ ધર્મ કે દેશના ભેદભાવ વગર દરેકને મદદ કરવાને પોતાની ફરજ ગણે છે.’
ઇક્વેડોરના એન્કોન ગામમાં કેટલાંક યહોવાહના સાક્ષીઓ બેકાર બની ગયા અને પૈસાની તંગીમાં આવી ગયા. સાથેના બીજા સાક્ષીઓએ તેઓને મદદ કરવાનું નક્કી કર્યું. એ માટે તેઓએ માછીમારોને ખાવાનું વેચવાનું નક્કી કર્યું. (જમણી બાજુનું ચિત્ર) મંડળના નાના-મોટા બધાએ એમાં સહકાર આપ્યો. તેઓ રાતે એક વાગે ખાવાનું બનાવતા, જેથી સવારે ચાર વાગ્યે પાછા ફરતાં માછીમારોને એ વેચી શકાય. એનાથી જે પૈસા મળતા એ દરેકને જરૂરિયાત મુજબ વહેંચી દેવામાં આવતા.
ઉપરના દાખલામાંથી જોઈ શકાય છે કે ઈસુનું શિક્ષણ લોકોનો સ્વભાવ બદલી શકે છે. એનાથી લોકોને મદદ કરવાની પ્રેરણા મળે છે.
૩. માણસોનો સ્વભાવ બદલવાની ઈસુની શક્તિ: આપણે જાણીએ છીએ કે મનુષ્યમાં સ્વાર્થ છે. એ ખરાબ વલણને બાઇબલ પાપ કહે છે. ઈશ્વરભક્ત પાઊલે લખ્યું, ‘મને એવો નિયમ માલૂમ પડે છે કે સારૂં કરવા હું ઇચ્છું છું ત્યારે ભૂંડું હાજર હોય છે. મને આ મરણના શરીરથી કોણ મુક્ત કરશે? ઈસુ ખ્રિસ્ત દ્વારા હું ઈશ્વરની ઉપકારસ્તુતિ કરૂં છું.’ (રૂમી ૭:૨૧-૨૫) તે જણાવે છે કે ઈશ્વર કેવી રીતે ઈસુ દ્વારા સ્વાર્થ જેવા ખરાબ ગુણો માણસોમાંથી દૂર કરશે, જે ગરીબીનું મુખ્ય કારણ છે.
યોહાન બાપ્તિસ્મકે ઈસુ વિષે કહ્યું, ‘જુઓ, ઈશ્વરનું હલવાન, જે જગતનું પાપ દૂર કરે છે!’ (યોહાન ૧:૨૯) જલદી જ, આખી દુનિયામાં ફક્ત એવી વ્યક્તિઓ હશે, જેઓ પાપથી મુક્ત હશે. તેઓમાં સ્વાર્થ જેવા કોઈ ખરાબ ગુણો નહિ હોય. (યશાયાહ ૧૧:૯) એ સમયે ઈસુ ગરીબીને જડમૂળથી કાઢી નાખશે.
એક દિવસ એવો આવશે જ્યારે કોઈ ગરીબ નહિ હોય. એ વિચારથી કેટલો દિલાસો મળે છે. બાઇબલ બતાવે છે, “સર્વ પોતપોતાના દ્રાક્ષાવેલા તળે તથા પોતપોતાની અંજીરી તળે બેસશે; અને કોઈ તેમને બીવડાવશે નહિ.” (મીખાહ ૪:૪) આ શબ્દો બતાવે છે કે એક સમયે બધા પાસે સંતોષી કામ હશે, અને સુખ-શાંતિમાં જીવશે. ગરીબી વગરની દુનિયાનો આનંદ માણી શકશે. એ સમયે લોકો યહોવાહને મહિમા આપશે. (w11-E 06/01)