સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમે યહોવાહના માર્ગદર્શન પ્રમાણે ચાલશો?

શું તમે યહોવાહના માર્ગદર્શન પ્રમાણે ચાલશો?

શું તમે યહોવાહના માર્ગદર્શન પ્રમાણે ચાલશો?

“હું દરેક જૂઠા માર્ગને ધિક્કારૂં છું.”—ગીત. ૧૧૯:૧૨૮.

૧, ૨. (ક) મિત્રએ આપેલી કઈ ચેતવણી તમે ધ્યાનમાં લેશો? શા માટે? (ખ) યહોવાહ આપણને કેવી ચેતવણી આપે છે? શા માટે?

 ધારો કે તમને કોઈ જગ્યાએ જવું છે, પણ ખબર નથી કે કઈ રીતે જશો. તમે તમારા ખાસ મિત્રને પૂછો છો અને તે તમને માર્ગદર્શન આપે છે. સાથે સાથે તે ચેતવણી આપે છે કે ‘રસ્તા પરની નિશાની એકદમ સ્પષ્ટ નથી એટલે ખ્યાલ રાખજે કે એ તને ખોટી દિશામાં ના લઈ જાય. ઘણાં લોકો એ નિશાની મુજબ જઈને માર્ગથી ભટકી ગયા છે.’ તમારા મિત્રે જે સૂચનો અને ચેતવણી આપી, શું એના માટે તમે તેનો આભાર નહિ માનો! અમુક રીતે આપણે પણ એક મુસાફરીમાં છીએ. આપણી મંજિલ, સદા માટેનું સુખી જીવન છે. યહોવાહ આપણા ખાસ મિત્ર છે, જે મંજિલે પહોંચવા આપણને માર્ગદર્શન આપે છે. સાથે સાથે તે આપણને સત્યના માર્ગથી દૂર લઈ જતા જોખમોથી ચેતવે છે.—પુન. ૫:૩૨; યશા. ૩૦:૨૧.

આ અને પછીના લેખમાં આપણે અમુક જોખમો વિષે શીખીશું. યાદ રાખીએ કે યહોવાહ આપણા મિત્ર છે, અને ચાહે છે કે આપણે બધા હંમેશ માટેનું જીવન મેળવીએ. જીવનના માર્ગમાંથી ભટકી ના જઈએ એટલે તે આપણને ચેતવણી આપે છે. જ્યારે કોઈ ખરાબ નિર્ણયો લે અને ભટકી જાય ત્યારે યહોવાહને બહુ દુઃખ થાય છે. (હઝકી. ૩૩:૧૧) આ લેખમાં આપણે ખાસ કરીને ત્રણ જોખમો વિષે ચર્ચા કરીશું. પ્રથમ જોખમ, દુનિયાના લોકો પાસેથી આવે છે. બીજું, આપણી પોતાની ઇચ્છાઓને લીધે આવે છે. ત્રીજું, નકામી વસ્તુઓ પાછળ પડવાથી આવે છે. આપણે આ જોખમો વિષે જાણવાની જરૂર છે. એનાથી દૂર રહેવા યહોવાહ કઈ રીતે મદદ કરે છે એ જાણવાની જરૂર છે. એક બાઇબલ લેખક આ જોખમોથી સાવધ રહ્યા અને કહ્યું: “હું દરેક જૂઠા માર્ગને ધિક્કારૂં છું.” (ગીત. ૧૧૯:૧૨૮) યહોવાહથી દૂર લઈ જતા સર્વ માર્ગો તે ધિક્કારતા હતા. શું તમે પણ આવું જ વિચારો છો? ચાલો જોઈએ કે કઈ રીતે “દરેક જૂઠા માર્ગને” ધિક્કારી શકીએ.

દુનિયાના લોકો પાછળ ન ચાલો

૩. (ક) ખરો માર્ગ ખબર ન હોય, તો બીજા લોકોની પાછળ જવામાં શું જોખમ રહેલું છે? (ખ) નિર્ગમન ૨૩:૨માંથી કયો મહત્ત્વનો બોધપાઠ મળે છે?

કલ્પના કરો કે લાંબી મુસાફરી દરમિયાન તમારે બે માર્ગમાંથી કોઈ એક માર્ગ પસંદ કરવાનો છે. ઘણાં લોકો એક રસ્તા તરફ વળે છે, તો તમે પણ કદાચ તેઓની પાછળ જવા લાગો. પણ એમાં અનેક ખતરા હોય શકે. ભલે ઘણાં લોકો એ માર્ગ પસંદ કરે, પણ કદાચ તેઓ માર્ગથી ભટકી ગયા છે. એ તમને મંજિલથી દૂર લઈ જઈ શકે છે. આ દાખલા દ્વારા આપણે યહોવાહે ઈસ્રાએલીઓને આપેલા નિયમોને સારી રીતે સમજી શકીએ છીએ. એ લોકોમાં જેઓ ન્યાય કરતા અને જેઓ સાક્ષી આપતા તેઓને યહોવાહ ચેતવણી આપે છે કે ‘ઘણાઓનું અનુસરણ ન કરો.’ બીજાઓને ખુશ કરવા ખોટા નિર્ણયો ન લો. (નિર્ગમન ૨૩:૨ વાંચો.) આપણે બધા સહેલાઈથી એવું કંઈક કરી શકીએ છીએ. એટલે યહોવાહની ચેતવણી ફક્ત ન્યાયાધીશો અને સાક્ષી આપનારાને જ નહિ પણ બધાને લાગુ પડે છે.

૪, ૫. યહોશુઆ અને કાલેબ કેવા સંજોગમાં આવી પડ્યા? તેઓને ક્યાંથી હિંમત મળી?

જીવનના અનેક સંજોગોમાં આપણે બીજા લોકોની પાછળ જવા પ્રેરાઈ શકીએ. અચાનક એવા સંજોગો ઊભા થઈ શકે, જેમાં બીજા લોકોથી અલગ તરી આવવું અઘરું હોય શકે. યહોશુઆ અને કાલેબ કેવા સંજોગમાં આવી પડ્યા એનો વિચાર કરો. તેઓની સાથેના દસ જાસૂસોએ, વચનના દેશ વિષે ખરાબ સમાચાર આપ્યા. તેઓએ દાવો કર્યો કે ત્યાંના અમુક લોકો તો ખરાબ સ્વર્ગદૂતોથી થયેલા “મહાવીર” પુરુષોના વંશજો છે. (ઉત. ૬:૪) જોકે એ તો અશક્ય હતું, કેમ કે એ મહાવીર પુરુષોને બાળકો થયા જ ન હતા. એ બધા મહાવીરો તો જળપ્રલયમાં ડૂબીને નાશ પામ્યા હતા. પણ ઈસ્રાએલી લોકોએ એ ૧૦ જાસૂસોનું કહેવું માની લીધું. તેઓ ઈશ્વરમાં ભરોસો મૂકવાને બદલે માણસોના ખોટા વિચારોમાં ભરોસો મૂકવા લાગ્યા. આ કારણે મોટા ભાગના ઈસ્રાએલીઓ વચનના દેશમાં જઈ ના શક્યા. આવા અઘરા સંજોગમાં યહોશુઆ અને કાલેબે શું કર્યું?—ગણ. ૧૩:૨૫-૩૩.

યહોશુઆ અને કાલેબે ઘણાઓનું અનુસરણ કર્યું નહિ. ભલે ઈસ્રાએલીઓ સાંભળવા તૈયાર ન હતા, આ બે પુરુષોએ ડર્યા વગર હકીકતો જણાવી. ઈસ્રાએલીઓ તેઓને મારી નાખવા માંગતા હતા, છતાં તેઓ સાચું જ બોલ્યા. તેઓને આવી હિંમત ક્યાંથી મળી? યહોવાહમાં પૂરી શ્રદ્ધા મૂકવાથી. જ્યારે વ્યક્તિને પૂરી શ્રદ્ધા હોય ત્યારે તે માણસોને બદલે યહોવાહના વચનોમાં પૂરો ભરોસો મૂકે છે. આ બનાવના અમુક સમય પછી યહોશુઆ અને કાલેબે બીજાઓને પોતાની શ્રદ્ધા વિષે વાત કરી. તેઓએ જણાવ્યું કે યહોવાહ જે ધારે, તે જરૂર પૂરું કરે છે. (યહોશુઆ ૧૪:૬, ૮; ૨૩:૨, ૧૪ વાંચો.) તેઓ યહોવાહને ખૂબ ચાહતા હતા. એટલે તેઓને મન લોકોને ખુશ રાખવાને બદલે યહોવાહની ખુશી વધારે મહત્ત્વની હતી. તેઓ ટોળાંની પાછળ ચાલ્યા નહિ. આ રીતે યહોશુઆ અને કાલેબે આપણા માટે એક સારો દાખલો બેસાડ્યો.—ગણ. ૧૪:૧-૧૦.

૬. કેવી બાબતોમાં આપણે દુનિયાના લોકો પાછળ જઈ શકીએ?

શું કોઈ વાર તમને દુનિયાના લોકોની જેમ કરવાનું મન થયું છે? મોટા ભાગના લોકો યહોવાહને જરાય માન આપતા નથી. તેઓને યહોવાહના નિયમો મૂર્ખતા ભરેલા લાગે છે. સારું શું અને ખરાબ શું એ પોતે નક્કી કરે, અને પછી બીજાઓને એ પ્રમાણે કરવા દબાણ કરે છે. દાખલા તરીકે, તેઓ કહેશે કે ગંદા, હિંસક અને મેલીવિદ્યાથી ભરેલ ફિલ્મ, ટીવી પ્રોગ્રામ અને કૉમ્પ્યુટર ગેમ્સમાં કંઈ ખોટું નથી. (૨ તીમો. ૩:૧-૫) લોકો જે કહે અને કરે એ મુજબ શું તમે નક્કી કરશો કે તમારા કુટુંબ માટે કેવું મનોરંજન સારું છે? જો તમે એવો નિર્ણય લેશો તો તમે દુનિયાના લોકોની પાછળ ચાલો છો.

૭, ૮. (ક) સારા નિર્ણયો લેવા માટે શું કરવાની જરૂર છે? લિસ્ટ પર આધાર નહિ રાખવાથી આપણને કેવો મોકો મળે છે? (ખ) મંડળના યુવાનોના સારા દાખલા જોઈને તમે કેમ ખુશ થાવ છો?

સારા નિર્ણયો લેવા માટે યહોવાહે આપણને ખરું-ખોટું પારખવાની ક્ષમતા આપી છે. એ સારી રીતે પારખી શકીએ એ માટે આપણે ‘ઇંદ્રિયોને કેળવવાની’ જરૂર છે. (હેબ્રી ૫:૧૪) જો આપણે લોકોની પાછળ ચાલીશું તો અંતઃકરણને કેળવી નહિ શકીએ. ઘણી વખતે આપણે અંતઃકરણ પ્રમાણે નિર્ણયો લેવા પડે છે. દાખલા તરીકે, આપણે એવી અપેક્ષા ન રાખવી જોઈએ કે કોઈ આપણને કેવી ફિલ્મ, પુસ્તકો કે વેબસાઈટથી દૂર રહેવું એનું લિસ્ટ આપે. દુનિયા ઝડપથી બદલાઈ રહી હોવાથી એવું લિસ્ટ બનાવવું અશક્ય છે. (૧ કોરીં. ૭:૩૧) લિસ્ટ પર આધાર નહિ રાખવાથી આપણને કેવો મોકો મળે છે? આપણને બાઇબલના સિદ્ધાંતો પર વિચાર કરવાનો મોકો મળે છે. એ વિષે પ્રાર્થનામાં મદદ માગવાનો અને સિદ્ધાંતો મુજબ જાતે નિર્ણયો લેવાનો મોકો મળે છે.—એફે. ૫:૧૦.

જ્યારે આપણે બાઇબલ મુજબ નિર્ણયો લઈએ ત્યારે દુનિયાના લોકોને કદાચ નહિ ગમે. દાખલા તરીકે, આપણા યુવાનો પર સ્કૂલના યુવાનોની જેમ કરવાનું દબાણ આવતું હોય છે. (૧ પીત. ૪:૪) પણ મંડળના ઘણાં યુવાનો તેઓની પાછળ જતા નથી. તેઓ જ્યારે યહોશુઆ અને કાલેબ જેવી શ્રદ્ધા બતાવે છે, ત્યારે આપણે કેટલા ખુશ થઈએ છીએ!

‘તમારા અંત:કરણ તથા આંખો પાછળ ન ચાલો’

૯. (ક) મુસાફરી વખતે કોઈ પણ રસ્તો પસંદ કરવો કેમ જોખમી છે? (ખ) ઈસ્રાએલી લોકો માટે ગણના ૧૫:૩૭-૩૯માં આપેલો નિયમ કેમ મહત્ત્વનો હતો?

ચાલો બીજા એક જોખમ વિષે વાત કરીએ જે આપણી અંદરથી આવે છે. ધારો કે મંજિલે પહોંચવા તમારી પાસે નકશો છે. પણ એને બાજુએ મૂકીને તમને ગમતો રસ્તો પસંદ કરશો તો શું થશે? તમે કદીએ મંજિલે નહિ પહોંચો. આ દાખલો આપણને બીજો એક સિદ્ધાંત સમજવા મદદ કરે છે. એ સિદ્ધાંત, યહોવાહે ઈસ્રાએલી લોકોને એક નિયમ દ્વારા શીખવવા પ્રયત્ન કર્યો હતો. એ ગણના ૧૫:૩૭-૩૯માં જોવા મળે છે. (વાંચો.) ઘણાં લોકો સમજી શકતા નથી કે યહોવાહે કેમ ઈસ્રાએલીઓને પોતાના કપડાંની કોરે દોરાની કિનારી અને ભૂરા રંગની પટ્ટી લગાવવા કહ્યું. તમે જાણો છો કે આ નિયમ શા માટે મહત્ત્વનો હતો? એક કારણ એ હતું કે ઈસ્રાએલી લોકો, બીજી પ્રજાના લોકોથી અલગ દેખાય. જો તેઓ ખરેખર યહોવાહને ખુશ કરવા ચાહતા હોત તો ચોક્કસ બીજી પ્રજાના લોકોથી દૂર રહ્યા હોત. (લેવી. ૧૮:૨૪, ૨૫) આ નિયમ આપવા પાછળનું બીજું પણ એક કારણ હતું, જેના વિષે આપણે વધુ જોઈશું. એ પણ જોઈશું કે યહોવાહથી દૂર લઈ જતું બીજું એક જોખમ કયું છે.

૧૦. મનુષ્ય વિષે યહોવાહને શું ખબર છે?

૧૦ ઈસ્રાએલી લોકોને એ નિયમ આપવાનું કારણ શું હતું? યહોવાહે કહ્યું: ‘તમારૂં અંતઃકરણ તથા તમારી પોતાની આંખો કે જેઓની પાછળ વંઠી જવાની તમને ટેવ પડી છે, તેઓની પાછળ ન ચાલો.’ યહોવાહને ખબર છે કે આપણે આંખોથી જે જોઈએ છીએ, એ પ્રમાણે કરવા આપણું દિલ લલચાઈ શકે છે. એટલે તે ચેતવે છે: “હૃદય સહુથી કપટી છે, તે અતિશય ભૂંડું છે; તેને કોણ જાણી શકે?” (યિર્મે. ૧૭:૯) આ કારણે ઈસ્રાએલીઓને આંખો અને દિલની ઇચ્છા પાછળ ન ચાલવા ચેતવ્યા હતા. યહોવાહને ખબર હતી કે જો ઈસ્રાએલી લોકો આસપાસની પ્રજાઓને જોયા કરશે, તો તેઓને પણ એ લોકોની જેમ બનવાની ઇચ્છા થશે. શરૂશરૂમાં એ પ્રજાને જોતા રહેશે, પછી તેઓની જેમ વિચારવા લાગશે અને છેવટે તેઓની જેમ વર્તવા લાગશે.—નીતિ. ૧૩:૨૦.

૧૧. કઈ બાબતમાં આપણે પોતાની આંખો અને દિલ પાછળ ચાલવા લાગી શકીએ?

૧૧ આપણી આસપાસ એવી ઘણી બાબતો છે જે જોઈને આપણું દિલ પણ એમ કરવા લલચાય શકે. આપણે એવા જમાનામાં જીવીએ છીએ જેમાં વાસના સંતોષવી બહુ સહેલું બની ગયું છે. તો પછી ગણના ૧૫:૩૯માં જણાવેલ સિદ્ધાંત આપણને કઈ રીતે મદદ કરી શકે? કદાચ પહેરવેશની બાબતમાં એ સિદ્ધાંત લાગુ પાડી શકીએ. આજે લોકો એવા કપડાં પહેરે છે, જેનાથી જોનારાના મનમાં વાસના જાગે. એવા લોકો સ્કૂલમાં, નોકરી પર, અરે બધે જોવા મળે છે. જો આપણે ખ્યાલ નહિ રાખીએ તો તેઓની જેમ બનવા ચાહીશું. પોતાની આંખો અને દિલ પાછળ ચાલીને તેઓના જેવા કપડાં પહેરીશું.—રૂમી ૧૨:૧, ૨.

૧૨, ૧૩. (ક) જો કોઈ વાર ખરાબ બાબતો જોવાની ઇચ્છા થાય, તો શું કરવું જોઈએ? (ખ) બીજાઓ માટે અધમ વસ્તુ જેવા ના બનીએ માટે શું કરવું જોઈએ?

૧૨ આપણે પોતાની ઇચ્છાઓ પર કાબૂ રાખીએ એ બહુ મહત્ત્વનું છે. જે બૂરું છે એનાથી આપણી નજર ફેરવી લેવી જોઈએ. આ કિસ્સામાં અયૂબના દાખલામાંથી આપણને ઘણી મદદ મળી શકે. તેમણે પોતાની આંખો સાથે કરાર કર્યો હતો. તેમણે નિર્ણય કર્યો હતો કે પત્ની સિવાય બીજી કોઈ પણ સ્ત્રી માટે જાતીય ઇચ્છા જાગવા દેશે નહિ. (અયૂ. ૩૧:૧) રાજા દાઊદે પણ આવો જ કંઈક નિર્ણય લીધો હતો. તેમણે કહ્યું: “હું કંઈ અધમ [ખરાબ] વસ્તુ મારી દૃષ્ટિમાં રાખીશ નહિ.” (ગીત. ૧૦૧:૩) દાઊદની જેમ આપણે પણ સર્વ “અધમ વસ્તુ”થી નજર ફેરવી લેવી જોઈએ. એમાં શું આવી જઈ શકે? એવી કોઈ પણ બાબત જે યહોવાહ સાથેનો આપણો સંબંધ કાપી શકે. એમાં આંખોથી જોયેલી કોઈ પણ બાબત હોય શકે, જેનાથી દિલમાં ખોટી ઇચ્છા જાગે અને ખરાબ કામ કરવા લલચાવે.

૧૩ આપણા પહેરવેશથી પણ આપણે બીજાઓ માટે “અધમ વસ્તુ” જેવા બની શકીએ. ખ્યાલ નહિ રાખીએ તો આપણા દેખાવથી તેઓના મનમાં વાસના જાગી શકે. એટલે બાઇબલ ઉત્તેજન આપે છે કે આપણો પહેરવેશ કોઈને શરમાવે એવો નહિ, પણ મર્યાદા જળવાઈ રહે એવો હોવો જોઈએ. (૧ તીમો. ૨:૯) જો આપણે બીજાઓને માન આપીશું તો ઈશ્વરભક્તોને શોભે એવાં કપડાં પહેરીશું. (રૂમી ૧૫:૧, ૨) આજે પણ હજારો યુવાન ભાઈ-બહેનો પહેરવેશમાં એકદમ સારો દાખલો બેસાડે છે. તેઓ પોતાની આંખો અને દિલ પાછળ ચાલવાને બદલે યહોવાહને ખુશ કરવા ચાહે છે. એ જોઈને આપણને કેટલી ખુશી થાય છે.

‘નકામી વસ્તુઓ’ પાછળ ન ચાલો

૧૪. “નિરર્થક વસ્તુઓ” વિષે શમૂએલે કઈ ચેતવણી આપી?

૧૪ કલ્પના કરો કે તમે રણમાં મુસાફરી કરી રહ્યા છો. એ દરમિયાન તમને આગળ જાણે પાણી હોય એવું દેખાય છે. પણ એ તો ફક્ત ભ્રમ છે. પણ જો આ ભ્રમ પાછળ જશો તો તમે રણમાં ભૂલા પડી જઈને મરણ પામી શકો. યહોવાહ જાણે છે કે સપનામાં રાચવું કે ભ્રમમાં રહેવું કેટલું જોખમી છે. ઈસ્રાએલીઓ પણ માનવી રાજાના સપના જોવા લાગ્યા. એટલે તેઓએ યહોવાહને બદલે બીજી પ્રજાની જેમ રાજાની માંગણી કરી. આ એક મોટું પાપ હતું, કેમ કે એ માંગણીથી તેઓ યહોવાહને રાજા તરીકે નકારતા હતા. છેવટે યહોવાહે તેઓને એક માનવી રાજા આપ્યો. પણ એ પહેલાં પ્રબોધક શમૂએલ દ્વારા તેઓને ચેતવણી આપી કે “નિરર્થક વસ્તુઓ” પાછળ ન જાવ. એટલે કે એવી કોઈ નકામી બાબતોમાં ભરોસો ન મૂકો, જેનાથી કોઈ મદદ ન મળે.૧ શમૂએલ ૧૨:૨૧ વાંચો.

૧૫. ઈસ્રાએલીઓ કઈ રીતે ‘નકામી વસ્તુઓ’ પાછળ ચાલ્યા?

૧૫ બની શકે કે ઈસ્રાએલીઓ એવું વિચારતા હતા કે યહોવાહ કરતાં કોઈ માનવી રાજામાં વધારે ભરોસો મૂકી શકાય. જો તેઓ એવું વિચારતા હોય તો તેઓ જરૂર ‘નકામી વસ્તુઓ’ પાછળ ચાલતા હતા. આ એક નકામી વસ્તુમાં ભરોસો મૂકીને તેઓ સહેલાઈથી શેતાનની બીજી નકામી વાતોમાં ફસાઈ ગયા. દાખલા તરીકે, માનવી રાજાને લીધે ઈસ્રાએલીઓ મૂર્તિપૂજા કરવા લાગ્યા. આજે લોકો વિશ્વના રચનાર, ઈશ્વર યહોવાહને બદલે લાકડાં કે પથ્થરની મૂર્તિઓને પૂજે છે. તેઓ મૂર્તિને જોઈ શકે છે અડી શકે છે, એટલે લાગે છે કે એ તેઓને મદદ કરી શકે. પણ પાઊલે કહ્યું કે સર્વ મૂર્તિઓ “કંઈ જ નથી.” (૧ કોરીં. ૮:૪) મૂર્તિઓ ના તો જોઈ શકે, ના તો સાંભળી શકે, ના તો બોલી શકે. તો કઈ રીતે કોઈને મદદ કરી શકે! મૂર્તિ ખરેખર ‘નકામી વસ્તુ’ છે. જેઓ એનામાં ભરોસો મૂકે છે, તેઓ પણ “તેઓના જેવાં થશે.”—ગીત. ૧૧૫:૪-૮.

૧૬. (ક) આજે શેતાન કઈ રીતે લોકોને ‘નકામી વસ્તુઓ’ પાછળ દોરે છે? (ખ) યહોવાહની સરખાણીમાં કેમ કહી શકીએ કે પૈસા અને ધન-દોલત ‘નકામી વસ્તુઓ’ છે?

૧૬ શેતાન બહુ ચાલાક હોવાથી આજે પણ લોકોને ‘નકામી વસ્તુઓ’ પાછળ દોરે છે. તે લોકોના મનમાં ઘૂસાડે છે કે પૈસા, સારી નોકરી અને ચીજ-વસ્તુ મેળવવાથી જ સુખ-શાંતિ મળશે. ઘણાં લોકો શેતાનની આ જાળમાં ફસાઈ ગયા છે. તેઓ ધારે છે કે એનાથી બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે. પણ જ્યારે તેઓ બીમાર થાય, મંદી કે આફતમાં આવે ત્યારે શું એ બાબતો ખરેખર મદદ પૂરી પાડે છે? જ્યારે તેઓને લાગે કે જીવવાનો કોઈ હેતુ નથી ત્યારે ધન-દોલત કેટલું કામ આવે છે? શું એ જીવન વિષે તેઓના મહત્ત્વના પ્રશ્નોના જવાબ આપી શકે છે? જ્યારે તેઓ મોતના મોંમાં હોય ત્યારે શું એ બધી બાબતો તેઓને બચાવી શકે છે? જેઓ પૈસા અને ચીજ-વસ્તુઓમાં ભરોસો મૂકે છે, તેઓ જરૂર નિરાશ થાય છે. પૈસા અને ચીજ-વસ્તુઓ ખરો આનંદ આપી શકતા નથી. બીમારી કે મોતથી બચાવી શકતા નથી. એ બધું ‘નકામી વસ્તુઓ’ છે. (નીતિ. ૨૩:૪, ૫) પણ આપણે એકલા ખરા ઈશ્વર યહોવાહમાં ભરોસો મૂકી શકીએ છીએ. તેમની સાથે સંબંધ બાંધવાથી આપણને સુખ-શાંતિ મળશે, મુશ્કેલીઓમાં સહારો મળશે. તેમના ભક્ત બનવાનો આપણને કેટલો મોટો લહાવો મળ્યો છે! કદીએ આપણે તેમને છોડીને ‘નકામી વસ્તુઓ’ પાછળ ન જઈએ.

૧૭. આ લેખમાં જણાવેલી ચેતવણી પરથી તમે શું નક્કી કરશો?

૧૭ આપણે કેટલા ખુશ છીએ કે યહોવાહ આપણા મિત્ર છે. તે આપણને જીવનના માર્ગ પર ચાલવા મદદ કરે છે, જેથી હંમેશ માટેનું જીવન મેળવી શકીએ. જો તેમની ચેતવણી ધ્યાનમાં લઈશું તો હંમેશાં સુખ-ચેનમાં જીવી શકીશું. આ લેખમાં આપણે ત્રણ જોખમો વિષે શીખ્યા, જેના લીધે લોકો ગેરમાર્ગે દોરાય છે. પહેલું, દુનિયાના લોકો પાછળ ચાલવું. બીજું, આપણી પોતાની ઇચ્છાઓ પ્રમાણે કરવું અને ત્રીજું, ‘નકામી વસ્તુઓ’ પાછળ પડવું. હવે પછીના લેખમાં આપણે યહોવાહે આપેલી બીજી ત્રણ ચેતવણી વિષે જોઈશું. એનાથી આપણને ‘દરેક જૂઠા માર્ગને ધિક્કારવા’ મદદ મળશે.—ગીત. ૧૧૯:૧૨૮. (w11-E 07/15)

તમને શું લાગે છે?

તમે કઈ રીતે આ કલમોમાં આપેલા સિદ્ધાંતો લાગુ પાડી શકો?

નિર્ગમન ૨૩:૨

ગણના ૧૫:૩૭-૩૯

૧ શમૂએલ ૧૨:૨૧

ગીતશાસ્ત્ર ૧૧૯:૧૨૮

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૧ પર ચિત્ર]

શું તમને ક્યારેય દુનિયાના લોકો પાછળ ચાલવાનું મન થયું છે?

[પાન ૧૩ પર ચિત્ર]

પોતાની ઇચ્છા પ્રમાણે ચાલવું કેમ જોખમી છે?

[પાન ૧૪ પર ચિત્ર]

શું તમે ‘નકામી વસ્તુઓ’ પાછળ ચાલો છો?