લોકો મસીહની રાહ જોતા હતા
લોકો મસીહની રાહ જોતા હતા
“લોક મસીહની વાટ જોતા હતા, અને સર્વ યોહાન સંબંધી વિચાર કરતા હતા, કે એ ખ્રિસ્ત [મસીહ] હશે કે નહિ.”—લુક ૩:૧૫.
૧. ઘેટાંપાળકોની આગળ સ્વર્ગદૂતે શું જાહેર કર્યું?
રાતના સમયે ઘેટાંપાળકો ખેતરમાં ઘેટાંનું ધ્યાન રાખતા હતા. અચાનક એક સ્વર્ગદૂત ત્યાં દેખાયો, અને ચારેબાજુ પ્રકાશ ફેલાઈ ગયો. ઘેટાંપાળકો ગભરાઈ ગયા, પણ દૂતે તેઓને જાહેર કર્યું: ‘બીહો મા, હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું, અને તે સર્વ લોકોને માટે થશે. કેમ કે આજ તમારે સારુ એક તારનાર, એટલે ખ્રિસ્ત પ્રભુ, જન્મ્યો છે,’ જે મસીહ તરીકે ઓળખાશે. એ બાળકને નજીકના ગામમાં આવેલા ગભાણમાં રાખવામાં આવ્યું હતું. પછી એકાએક ઘણા દૂતો યહોવાહની સ્તુતિ કરીને કહેવા લાગ્યા, ‘પરમ ઊંચામાં ઈશ્વરને મહિમા થાઓ, તથા પૃથ્વી પર જે માણસો વિષે તે પ્રસન્ન છે, તેઓને શાંતિ થાઓ.’—લુક ૨:૮-૧૪.
૨. “મસીહ”નો અર્થ શું થાય? એને ઓળખવા શું કરવાની જરૂર હતી?
૨ ઘેટાંપાળકોને જરૂર સવાલ થયો હશે કે ‘શું આ જ મસીહ હશે?’ ઘેટાંપાળકોને ચોક્કસ ખબર હશે કે “મસીહ” એટલે પરમેશ્વરનો “અભિષિક્ત.” (નિર્ગ. ૨૯:૫-૭) પરંતુ, તેઓ કેવી રીતે બીજાઓને ખાતરી અપાવી શકે કે જે બાળક વિષે દૂતે કહ્યું એ જ યહોવાહે મોકલેલા મસીહ છે? એ માટે તેઓએ હિબ્રૂ શાસ્ત્રની ભવિષ્યવાણી તપાસવાની હતી, અને એને બાળકના જીવન અને કાર્ય સાથે સરખાવવાની હતી.
લોકો કેમ મસીહની રાહ જોતા હતા?
૩, ૪. દાનીયેલ ૯:૨૪, ૨૫ની ભવિષ્યવાણી કેવી રીતે પૂરી થઈ?
૩ એ બાળકના જન્મના ઘણા વર્ષો પછી યોહાન બાપ્તિસ્મકે પ્રચાર કામ શરૂ કર્યું. તેમના શબ્દો અને કામ પરથી કેટલાકને લાગ્યું કે તે જ મસીહ છે. (લુક ૩:૧૫ વાંચો.) શક્ય છે કે મસીહને લગતી “સિત્તેર અઠવાડિયા”ની ભવિષ્યવાણી અમુક લોકો પૂરી રીતે સમજ્યા હશે. એટલે તેઓ ધારી શક્યા કે મસીહ ક્યારે આવશે. ભવિષ્યવાણીનો અમુક ભાગ કહે છે: ‘યરૂશાલેમની મરામત કરવાનો તથા તેને ફરી બાંધવાનો હુકમ પ્રગટ થયાના વખતથી તે અભિષિક્ત સરદારના વખત સુધીમાં સાત અઠવાડિયા અને બાસઠ અઠવાડિયા વીતશે.’ (દાની. ૯:૨૪, ૨૫) ઘણા નિષ્ણાતો સહમત થાય છે કે અહીં એક અઠવાડિયું એ સાત વર્ષ લાંબું છે. દાખલા તરીકે એક બાઇબલ કહે છે, ‘સાતગણા સિત્તેર વર્ષ.’—કોમન લેંગ્વેજ.
૪ યહોવાહના ભક્તો જાણે છે કે દાનીયેલ ૯:૨૫માં જણાવેલ ૬૯ અઠવાડિયા, એ ૪૮૩ વર્ષો છે. એની શરૂઆત ઈ.સ. પૂર્વે ૪૫૫માં થઈ, જ્યારે ઈરાનના રાજા આર્તાહશાસ્તાએ નહેમ્યાહને યરૂશાલેમને ફરીથી બાંધવાનો હુકમ કર્યો. (નહે. ૨:૧-૮) એ અઠવાડિયાનો અંત ૪૮૩ વર્ષ પછી, ઈ.સ. ૨૯માં આવ્યો જ્યારે ઈસુએ બાપ્તિસ્મા લીધું. એ સમયે ઈસુને ઈશ્વરની શક્તિ દ્વારા મસીહ તરીકે અભિષિક્ત કરવામાં આવ્યા.—માથ. ૩:૧૩-૧૭. *
૫. આપણે કેવી ભવિષ્યવાણીઓ વિષે જોઈશું?
૫ ચાલો હવે બીજી કેટલીક મસીહ વિષેની ભવિષ્યવાણીઓ જોઈએ. એ ભવિષ્યવાણીઓ ઈસુના જન્મ, શરૂઆતનું જીવન અને પ્રચારકાર્યમાં પૂરી થઈ. એ તપાસવાથી બાઇબલ પર આપણો ભરોસો વધે છે. એનાથી પુરાવો મળે છે કે જે મસીહની વર્ષોથી રાહ જોવાતી હતી, એ ઈસુ જ છે.
મસીહના શરૂઆતના જીવન વિષેની ભવિષ્યવાણી
૬. ઉત્પત્તિ ૪૯:૧૦ની ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થઈ એ સમજાવો.
૬ મસીહ, ઈસ્રાએલના યહુદાહ કુળમાંથી આવશે. યહુદાહના કુળપિતા યાકૂબ હતા. તેમણે મરણ પથારીએ પોતાના દીકરાઓને આશીર્વાદ આપતા કહ્યું, “શીલોહ નહિ આવે ત્યાં સુધી યહુદાહમાંથી રાજદંડ ખસશે નહિ, ને તેના પગ મધ્યેથી અધિકારીની છડી જતી રહેશે નહિ; અને લોકો તેને આધીન રહેશે.” (ઉત. ૪૯:૧૦) ઘણા યહુદી નિષ્ણાતો માનતા હતા કે એ શબ્દો મસીહ વિષે લખાયા હશે. આપણે જાણીએ છીએ કે જેની પાસે રાજદંડ અને અધિકારની છડી હોય તેને રાજ કરવાનો અને હુકમ આપવાનો હક હોય છે. આ ભવિષ્યવાણી પ્રમાણે જેની પાસે રાજ કરવાનો હક છે, તે યહુદાહ કુળમાંથી આવશે. યહુદાહના પ્રથમ રાજા દાઊદ અને છેલ્લા રાજા સિદકીયાહ હતા. પણ યાકૂબના શબ્દો, સિદકીયાહ પછીના બીજા એક રાજા વિષે જણાવે છે. એ રાજાની સત્તા કાયમ માટે હશે. તે “શીલોહ” કહેવાશે જેનો અર્થ થાય, “જે હકદાર છે.” ઈશ્વરે રાજા સિદકીયાહને જણાવ્યું હતું કે ભાવિના એ રાજા પાસે પૂરેપૂરો હક છે. (હઝકી. ૨૧:૨૬, ૨૭) દાઊદના વંશજોમાં સિદકીયાહ પછી ફક્ત ઈસુ જ હતા જેમને રાજા બનાવવાનું વચન અપાયું હતું. ઈસુના જન્મ પહેલાં, ગાબ્રીએલ દૂતે મરિયમને કહ્યું હતું: ‘ઈશ્વર યહોવાહ તેને તેના પિતા દાઊદનું રાજ્યાસન આપશે. તે યાકૂબના ઘર પર સર્વકાળ રાજ કરશે, ને તેના રાજ્યનો અંત આવશે નહિ.’ (લુક ૧:૩૨, ૩૩) એટલે કહી શકીએ કે ઈસુ જ “શીલોહ” હતા, જે યહુદાહ કુળમાં દાઊદના વંશજ હતા.—માથ. ૧:૧-૩, ૬; લુક ૩:૨૩, ૩૧-૩૪.
૭. મસીહના જન્મ વિષેની ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થઈ?
૭ મસીહનો જન્મ બેથલેહેમમાં થશે. ઈશ્વરભક્ત મીખાહે લખ્યું હતું, “હે બેથલેહેમ એફ્રાથાહ, જોકે તું એટલું નાનું છે કે યહુદાહનાં ગોત્રોમાં તારી કંઈ ગણતરી નથી, તોપણ તારામાંથી મારે માટે એક એવો પુરુષ ઉત્પન્ન થશે કે જે ઈસ્રાએલમાં અધિકારી થવાનો છે; જેનો પ્રારંભ પુરાતન કાળથી, હા, અનાદિકાળથી છે.” (મીખા. ૫:૨) ભવિષ્યવાણી પ્રમાણે મસીહનો જન્મ યહુદાહના બેથલેહેમમાં થવો જોઈએ, જે પહેલાં કદાચ એફ્રાથાહ તરીકે ઓળખાતું હતું. જોકે ઈસુની માતા મરિયમ અને પાલક પિતા તો નાઝરેથમાં રહેતા હતા. પરંતુ નામ નોંધણી કરાવવાના રોમન હુકમને લીધે તેઓએ બેથલેહેમ જવું પડ્યું. ત્યાં ઈ.સ. પૂર્વે ૨માં ઈસુનો જન્મ થયો. (માથ. ૨:૧, ૫, ૬) ભાખ્યા પ્રમાણે જ આ ભવિષ્યવાણી પૂરી થઈ.
૮, ૯. મસીહના જન્મ અને પછીની ઘટનાઓ વિષે શું ભાખવામાં આવ્યું હતું?
૮ કુમારીના પેટે મસીહનો જન્મ થશે. (યશાયાહ વાંચો.) આ કલમ બતાવે છે કે “કુમારી” પુત્રને જન્મ આપશે. “કુમારી” કે કન્યા શબ્દ લગ્ન કર્યા પહેલાંની રિબકાહને પણ લાગુ પડતો હતો. ( ૭:૧૪ઉત. ૨૪:૧૬, ૪૩) ઈસુનો જન્મ થયો ત્યારે યશાયાહ ૭:૧૪ની ભવિષ્યવાણી પૂરી થઈ. એ વિષે ઈશ્વરની પ્રેરણાથી માત્થીએ લખ્યું હતું. એમાં તેમણે જે ગ્રીક શબ્દ વાપર્યો હતો એનો અર્થ “કુંવારી” થાય છે. માત્થી અને લુક જણાવે છે કે મરિયમ કુંવારી હતી અને ઈશ્વરની શક્તિથી તેને ગર્ભ રહ્યો હતો.—માથ. ૧:૧૮-૨૫; લુક ૧:૨૬-૩૫.
૯ મસીહના જન્મ પછી બાળકોની કતલ થશે. સદીઓ પહેલાં, મિસરમાં પણ આવું જ કંઈક થયું હતું. મિસરના ફારુને બધા હિબ્રૂ છોકરાઓને નાઈલ નદીમાં નાખવાનો હુકમ કર્યો હતો. (નિર્ગ. ૧:૨૨) ઈસુના સમયમાં પણ બાળકોની કતલ થઈ હતી. યિર્મેયાહ ૩૧:૧૫, ૧૬ કહે છે કે રાહેલ શોક કરશે અને રડશે, કેમ કે તેના બાળકોને “શત્રુના દેશમાં” લઈ જવામાં આવ્યા છે. તેનો વિલાપ દૂર આવેલા યરૂશાલેમની ઉત્તરમાં બિન્યામીનના પ્રદેશ, રામાહ સુધી સંભળાશે. માત્થી જણાવે છે કે જ્યારે રાજા હેરોદે બેથલેહેમ અને તેની પાસેના વિસ્તારમાં નાના છોકરાઓને મારી નાખવાનો હુકમ કર્યો, ત્યારે યિર્મેયાહની ભવિષ્યવાણી પૂરી થઈ. (માત્થી ૨:૧૬-૧૯ વાંચો.) એ સમયે કેવી રડારોળ થઈ હશે એનો વિચાર કરો!
૧૦. હોશીઆ ૧૧:૧ ઈસુમાં કઈ રીતે પૂરી થઈ?
૧૦ ઈસ્રાએલીઓની જેમ, મસીહને પણ મિસરમાંથી પાછા બોલાવવામાં આવશે. (હોશી. ૧૧:૧) હેરોદે બાળકોને મારવાનો હુકમ કર્યો એ પહેલાં સ્વર્ગદૂતે યુસફ અને મરિયમને કહ્યું કે ઈસુને લઈને મિસર જાય. ત્યાં તેઓ ‘હેરોદના મરણ સુધી રહ્યા, એ માટે કે ઈશ્વરે પ્રબોધકની મારફતે જે કહાવ્યું હતું તે પૂરું થાય, કે મિસરમાંથી મેં મારા દીકરાને બોલાવ્યો.’ (માથ. ૨:૧૩-૧૫) દેખીતું છે કે જન્મ અને શરૂઆતના જીવન વિષેની ભવિષ્યવાણી, ઈસુ પોતાની મેતે પૂરી કરી શક્યા ન હોત.
મસીહ સેવાકાર્ય શરૂ કરે છે
૧૧. યહોવાહના અભિષિક્ત માટે રસ્તો તૈયાર કરવા શું કરવામાં આવ્યું?
૧૧ ઈશ્વરના અભિષિક્ત માટે રસ્તો તૈયાર કરવામાં આવશે. માલાખીએ જણાવ્યું હતું કે આવનાર મસીહને લોકો સ્વીકારે એ માટે ‘એલીયાહ પ્રબોધક’ રસ્તો તૈયાર કરશે. (માલાખી ૪:૫, ૬ વાંચો.) ઈસુએ, યોહાન બાપ્તિસ્મકને “એલીયાહ” તરીકે ઓળખાવ્યા. (માથ. ૧૧:૧૨-૧૪) માર્કે જણાવ્યું કે યોહાને જે પ્રચારકામ કર્યું એનાથી યશાયાહના શબ્દો પૂરા થયા. (યશા. ૪૦:૩; માર્ક ૧:૧-૪) ઈસુએ યોહાનને રસ્તો તૈયાર કરવા મોકલ્યા ન હતા. પરંતુ એલીયાહની જેમ પ્રચાર કરવા ઈશ્વરે યોહાનને મોકલ્યા હતા. “એલીયાહ” વિષેની ભવિષ્યવાણી યહોવાહની ઇચ્છા મુજબ પૂરી થઈ, જેથી લોકો મસીહને સ્વીકારી શકે.
૧૨. કયા કામ દ્વારા મસીહની ઓળખ મળી?
૧૨ ઈશ્વરના સોંપેલા કામ દ્વારા મસીહની ઓળખ મળી. ઈસુ જ્યાં મોટા થયા હતા એ નાઝરેથના સભાસ્થાનમાં ગયા. ત્યાં તેમણે યશાયાહનો વીંટો વાંચ્યો અને પોતાને એ શબ્દો લાગુ પાડ્યા. એમાં લખ્યું હતું કે ‘ઈશ્વરની શક્તિ મારા પર છે, કેમ કે દરિદ્રીઓ આગળ સુવાર્તા પ્રગટ કરવા માટે તેણે મારો અભિષેક કર્યો છે; બંદીવાનોને છૂટકો તથા આંધળાઓને દૃષ્ટિ પામવાનું જાહેર કરવા, ઘાયલ થએલાઓને છોડાવવા, તથા પ્રભુનું માન્ય વરસ પ્રગટ કરવા માટે તેણે મને મોકલ્યો છે.’ ઈસુ પોતે જ મસીહ હતા એટલે કહી શક્યા: “આજ આ ધર્મલેખ તમારા સાંભળતાં પૂરો થયો છે.”—લુક ૪:૧૬-૨૧.
૧૩. ગાલીલમાં ઈસુના પ્રચારકાર્ય વિષે શું ભાખવામાં આવ્યું હતું?
૧૩ ગાલીલમાં મસીહના પ્રચારકાર્ય વિષેની ભવિષ્યવાણી. યશાયાહે કહ્યું, ‘ઝબુલૂન અને નફતાલીના પ્રદેશો અને ગાલીલ પ્રદેશના અંધકારમાં ચાલતા લોકોએ મહાન પ્રકાશ જોયો છે. ઘોર અંધકારમાં વસનારા પર પ્રકાશ ચમક્યો છે.’ (યશા. ૯:૧, ૨, કોમન લેંગ્વેજ) ઈસુએ પોતાના પ્રચારકાર્યની શરૂઆત ગાલીલના કાપરનાહુમથી કરી. ત્યાં ઝબુલૂન અને નફતાલીના લોકોને સત્યનો પ્રકાશ ફેલાવ્યો. (માથ. ૪:૧૨-૧૬) ગાલીલ પ્રદેશમાં જ ઈસુએ પહાડ પરનું પ્રખ્યાત પ્રવચન આપ્યું હતું. ત્યાં તેમણે ૧૨ પ્રેરિતોને પસંદ કર્યા હતા. એ વિસ્તારમાં પોતાનો પ્રથમ ચમત્કાર પણ કર્યો હતો. એટલું જ નહિ, સજીવન થયા પછી ૫૦૦ શિષ્યોને એ વિસ્તારમાં દેખાયા હતા. (માથ. ૫:૧–૭:૨૭; ૨૮:૧૬-૨૦; માર્ક ૩:૧૩, ૧૪; યોહા. ૨:૮-૧૧; ૧ કોરીં. ૧૫:૬) આમ તેમણે ‘ઝબુલૂન તથા નફતાલીના દેશમાં’ પ્રચાર કરીને યશાયાહની ભવિષ્યવાણી પૂરી કરી. આ ઉપરાંત તેમણે આખા ઈસ્રાએલમાં ફરીને પરમેશ્વરનો સંદેશો જણાવ્યો.
મસીહ વિષેની બીજી ભવિષ્યવાણીઓ
૧૪. ગીતશાસ્ત્ર ૭૮:૨ કઈ રીતે ઈસુએ પૂરી કરી?
૧૪ મસીહ, દૃષ્ટાંતો વાપરીને વાત કરશે. ઈશ્વરભક્ત આસાફે પોતાના ગીતમાં જણાવ્યું હતું: “હું દૃષ્ટાંત કહીને મારું મુખ ઉઘાડીશ.” (ગીત. ૭૮:૨) આપણે કઈ રીતે કહી શકીએ કે આ ભવિષ્યવચન ઈસુને લાગુ પડે છે? એની સાબિતી આપતા માત્થીએ જણાવ્યું હતું કે ઈસુએ ઈશ્વરના રાજ્ય વિષે શીખવવા રાઈનો દાણો અને ખમીરનું દૃષ્ટાંત વાપર્યું. પછી માત્થીએ કહ્યું, “દૃષ્ટાંત વગર તેણે તેઓને કંઈ કહ્યું નહિ; એ માટે કે પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય, કે હું મારું મોં ઉઘાડીને દૃષ્ટાંતો કહીશ, ને જગતનો પાયો નાખ્યાના વખતથી જે છાનાં રખાયા છે તે હું પ્રગટ કરીશ.” (માથ. ૧૩:૩૧-૩૫) લોકોને અસરકારક રીતે શીખવવા ઈસુ બોધકથા કે દૃષ્ટાંતો વાપરતા હતા.
૧૫. યશાયાહ ૫૩:૪ કઈ રીતે પૂરી થઈ?
૧૫ મસીહ, લોકોને સાજા કરશે. યશાયાહે કહ્યું: “ખચીત તેણે આપણાં દરદ માથે લીધાં છે, ને આપણાં દુઃખ વેઠ્યાં છે.” (યશા. ૫૩:૪) ઈસુએ પીતરની સાસુને સાજા કર્યા બાદ બીજાઓને પણ સાજા કર્યાં. એ વિષે માત્થી જણાવે છે, ‘યશાયાહ પ્રબોધકે કહેલું પૂરું થાય એ માટે તેણે પોતે આપણા મંદવાડ લીધા, ને આપણા રોગ ભોગવ્યા.’ (માથ. ૮:૧૪-૧૭) બાઇબલમાં બીજા ઘણા બનાવો છે જેમાં ઈસુએ લોકોને સાજા કર્યાં હતા.
૧૬. પ્રેરિત યોહાને કઈ રીતે બતાવ્યું કે યશાયાહ ૫૩:૧ની ભવિષ્યવાણી ઈસુમાં પૂરી થઈ?
૧૬ મસીહે ઘણી સારી બાબતો કરી, છતાં ઘણા લોકોએ તેમનામાં વિશ્વાસ કર્યો નહિ. (યશાયાહ ૫૩:૧ વાંચો.) આ ભવિષ્યવાણી પૂરી થઈ હતી એ બતાવવા પ્રેરિત યોહાને કહ્યું: ‘ઈસુએ આટલા બધા ચમત્કારો તેઓના દેખતાં કર્યા હતા, તોપણ તેઓએ તેના પર વિશ્વાસ કર્યો નહિ. યશાયાહ પ્રબોધકનું વચન પૂરું થાય કે હે યહોવાહ, અમને જે કહેવામાં આવ્યું છે તે કોણે માન્યું છે? અને યહોવાહનો ભુજ કોની આગળ પ્રગટ થયેલો છે?’ (યોહા. ૧૨:૩૭, ૩૮) પાઊલે સુવાર્તા જણાવી ત્યારે પણ બહુ ઓછા લોકોએ માન્યું કે ઈસુ જ મસીહ છે.—રૂમી ૧૦:૧૬, ૧૭.
૧૭. ગીતશાસ્ત્ર ૬૯:૪ની ભવિષ્યવાણી કેવી રીતે સાચી પડી?
૧૭ કારણ વગર મસીહને ધિક્કારવામાં આવશે. (ગીત. ૬૯:૪) યોહાને ઈસુના શબ્દો ટાંકતા લખ્યું, “જે કામો બીજા કોઈએ કર્યાં નથી, તે જો મેં તેઓ મધ્યે ન કર્યાં હોત, તો તેઓને પાપ ન લાગત; પણ હવે તેઓએ મને તથા મારા બાપને પણ જોયો છે, અને દ્વેષ રાખ્યો છે. પણ તેઓના નિયમશાસ્ત્રમાં લખેલું છે, કે તેઓએ વિનાકારણ મારા પર દ્વેષ રાખ્યો છે.” (યોહા. ૧૫:૨૪, ૨૫) અહીંયા “નિયમશાસ્ત્ર,” એટલે એ સમયે લોકો પાસે હયાત આખા શાસ્ત્રની વાત થાય છે. (યોહા. ૧૦:૩૪; ૧૨:૩૪) સુવાર્તાના ચાર પુસ્તકો જણાવે છે કે ઈસુને ધિક્કારવામાં આવ્યા, ખાસ કરીને યહુદી ધર્મગુરુઓ દ્વારા. ઈસુએ કહ્યું હતું: “જગત તમારો દ્વેષ કરી નથી શકતું પણ મારો તો તે દ્વેષ કરે છે; કેમ કે તે વિષે હું એવી શાહેદી આપું છું, કે તેનાં કામ ભૂંડાં છે.”—યોહા. ૭:૭.
૧૮. આપણે હવે પછીના લેખમાં શું જોઈશું?
૧૮ પ્રથમ સદીના શિષ્યોને પૂરી ખાતરી હતી કે ઈસુ જ મસીહ છે, કેમ કે હિબ્રૂ શાસ્ત્રવચનોની ભવિષ્યવાણી ઈસુમાં પૂરી થઈ હતી. (માથ. ૧૬:૧૬) આપણે જોઈ ગયા તેમ અમુક ભવિષ્યવાણીઓ ઈસુના શરૂઆતના જીવન અને પ્રચારકાર્યમાં પૂરી થઈ. હવે પછીના લેખમાં આપણે મસીહ વિષેની બીજી કેટલીક ભવિષ્યવાણીઓ જોઈશું. આપણે જો એની પર મનન અને પ્રાર્થના કરીશું તો ચોક્કસ આપણો વિશ્વાસ દૃઢ થશે. આપણે પૂરા ભરોસાથી કહી શકીશું કે યહોવાહે પસંદ કરેલા મસીહ, ઈસુ જ છે. (w11-E 08/15)
[ફુટનોટ]
^ “સિત્તેર અઠવાડિયા”ની વધુ સમજણ માટે દાનીયેલની ભવિષ્યવાણીને ધ્યાન આપો! પુસ્તકનું ૧૧મું પ્રકરણ જુઓ.
તમે કેવો જવાબ આપશો?
• ઈસુના જન્મ વિષે કઈ કઈ ભવિષ્યવાણી પૂરી થઈ?
• મસીહ માટે રસ્તો કેવી રીતે તૈયાર કરવામાં આવ્યો?
• યશાયાહના ૫૩માં અધ્યાયમાંથી કયા વચનો ઈસુમાં પૂરાં થયાં?
[અભ્યાસ પ્રશ્નો]