સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શાંતિ જાળવવા પ્રયત્ન કરતા રહો

શાંતિ જાળવવા પ્રયત્ન કરતા રહો

શાંતિ જાળવવા પ્રયત્ન કરતા રહો

‘જે બાબતો શાંતિકારક છે એવી બાબતોની પાછળ આપણે લાગુ રહીએ.’—રૂમી ૧૪:૧૯.

૧, ૨. યહોવાહના સાક્ષીઓ શા માટે એકબીજા સાથે શાંતિથી રહી શકે છે?

 આજે દુનિયામાં ભાગ્યે જ ક્યાંક શાંતિ હશે. અરે એક જ દેશમાં રહેતા હોય કે એક જ ભાષા બોલતા હોય તોપણ લોકોમાં શાંતિ નથી. એનું કારણ શું હોય શકે? કદાચ લોકોમાં અમીર-ગરીબ, ભણેલા-અભણ, જુદા ધર્મો તેમ જ અલગ-અલગ રાજકીય પક્ષોને લીધે ભાગલા પડેલા છે. એટલે તેઓ વચ્ચે શાંતિ નથી. જ્યારે કે યહોવાહના સાક્ષીઓ એકતા અને શાંતિમાં છે. તેઓ ‘સર્વ દેશોના, કુળના તથા ભાષાના’ લોકો છે, છતાં તેઓ મધ્યે શાંતિ છે.—પ્રકટી. ૭:૯.

એ શાંતિનું એક ખાસ કારણ એ છે કે આપણા પાપોને માટે ઈસુએ કુરબાની આપી. એમાં વિશ્વાસ મૂકવાથી આપણે “ઈશ્વર સાથે શાંતિપૂર્ણ સંબંધમાં આવીએ છીએ.” (રોમ. ૫:૧, IBSI; એફે. ૧:૭) ઉપરાંત યહોવાહ આપણને પવિત્ર શક્તિ આપે છે, જેની મદદથી શાંતિ જાળવી શકીએ છીએ. (ગલા. ૫:૨૨) બીજું એક કારણ એ છે કે આપણે આ “જગતના નથી.” (યોહા. ૧૫:૧૯) એટલે કે આપણે કોઈ પણ રીતે રાજકારણ કે યુદ્ધમાં ભાગ લેતા નથી. બાઇબલમાં જણાવ્યું છે એમ આપણે “પોતાની તરવારોને ટીપીને કોશો” બનાવી છે.—યશા. ૨:૪.

૩. યહોવાહના સાક્ષીઓ શાંતિને લીધે શું કરવા પ્રેરાય છે? આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

મંડળમાં જુદી જુદી જગ્યાના અને સંસ્કૃતિના લોકો હોય છે. તેમ છતાં તેઓ ‘એકબીજા પર પ્રેમ રાખે’ છે. (યોહા. ૧૫:૧૭) આપણી વચ્ચે જે શાંતિ છે એ એકબીજાને ઈજા કરતા અટકાવે છે. એ ઉપરાંત આપણને “બધાંઓનું, અને વિશેષે કરીને વિશ્વાસના કુટુંબનાં જે છે તેઓનું સારું” કરવા પ્રેરે છે. (ગલા. ૬:૧૦) ભાઈ-બહેનો અને યહોવાહ સાથે આપણે જે એકતા અને શાંતિનો આનંદ માણીએ છીએ એને બહુ કીમતી ગણવું જોઈએ. પણ શાંતિ જાળવી રાખવા શું કરવું જોઈએ? એ વિષે હવે આપણે જોઈશું.

જ્યારે “ભૂલ” થઈ જાય

૪. જો આપણાથી કોઈને ખોટું લાગી ગયું હોય તો મંડળની શાંતિ જાળવી રાખવા શું કરવું જોઈએ?

યાકૂબે લખ્યું: ‘આપણે બધા ઘણી બાબતમાં ભૂલ કરીએ છીએ. જો કોઈ બોલવામાં ભૂલ કરતો નથી, તો તે સંપૂર્ણ માણસ છે.’ (યાકૂ. ૩:૨) અમુક વખતે ભાઈ-બહેનો એકબીજા સાથે સહમત થતાં નથી એટલે અણબનાવ થાય છે. (ફિલિ. ૪:૨, ૩) જો અણબનાવ થયો હોય તો એને જલદી થાળે પાડવો જોઈએ, જેથી મંડળમાં શાંતિ જળવાઈ રહે. દાખલા તરીકે જો આપણાથી કોઈને ખોટું લાગી ગયું હોય, તો ઈસુની સલાહ પાળવી જોઈએ.—માત્થી ૫:૨૩, ૨૪ વાંચો.

૫. જ્યારે નાની વાતમાં કોઈ આપણને ખોટું લગાડે ત્યારે શું કરવું જોઈએ?

જો નાની વાતમાં કોઈ આપણને ખોટું લગાડે ત્યારે શું કરવું જોઈએ? શું એવી આશા રાખવી જોઈએ કે તે આપણી પાસે આવીને માફી માગે? ૧ કોરીંથી ૧૩:૫માં જણાવ્યું છે કે પ્રેમ, ભૂલોનો હિસાબ રાખતો નથી. કોઈ આપણને ખોટું લગાડે ત્યારે તેમને માફ કરવા જોઈએ, અને તેમની ભૂલોને ભૂલી જવી જોઈએ. આમ કરીને બતાવીએ છીએ કે આપણે શાંતિ જાળવી રાખવા ચાહીએ છીએ. (કોલોસી ૩:૧૩ વાંચો.) જ્યારે નાની બાબતોમાં અણબનાવ થાય, ત્યારે આ સલાહ પ્રમાણે કરવું સૌથી સારું છે. એનાથી ભાઈ-બહેનો સાથે શાંતિ જાળવી રાખવા મદદ મળશે અને મનની શાંતિ મળશે. બાઇબલમાં જણાવ્યું છે કે “અપરાધની દરગુજર કરવી એ તેનો મહિમા છે.”—નીતિ. ૧૯:૧૧.

૬. જો કોઈએ આપણી વિરુદ્ધ કંઈ કર્યુ હોય જેને ભૂલવું અઘરું લાગતું હોય, ત્યારે શું કરવું જોઈએ?

જો કોઈએ આપણી વિરુદ્ધ કંઈ ખોટું કર્યું હોય જેને ભૂલવું અઘરું લાગતું હોય, ત્યારે શું કરવું જોઈએ? સૌથી સારું રહેશે કે એ વિષે વાતો ના ફેલાવીએ, નહિતર મંડળની શાંતિ જોખમાશે. એવી બાબતોને શાંતિથી થાળે પાડવા શું કરવું જોઈએ? માત્થી ૧૮:૧૫ કહે છે, “જો તારો ભાઈ તારી વિરુદ્ધ અપરાધ કરે, તો જા, ને તેને એકાંતે લઈ જઈને તેનો દોષ તેને કહે; જો તે તારું સાંભળે, તો તેં તારા ભાઈને મેળવી લીધો છે.” જોકે માત્થી ૧૮:૧૫-૧૭માં ગંભીર પાપની વાત કરી છે, પરંતુ ૧૫મી કલમનો સિદ્ધાંત જીવનના બીજા સંજોગોમાં પણ લાગુ પડી શકે. જેની સાથે અણબનાવ થયો હોય, ફક્ત તેની સાથે જ એ વિષે વાત કરવી જોઈએ. નમ્રતાથી વાતચીત કરીને સુલેહ કરવા બનતા પ્રયત્ન કરવા જોઈએ. *

૭. શા માટે તકરારને જલદી થાળે પાડવી જોઈએ?

પાઊલે લખ્યું, “ગુસ્સે થાઓ, પણ પાપ ન કરો; તમારા ક્રોધ પર સૂર્યને આથમવા ન દો; અને શેતાનને સ્થાન ન આપો.” (એફે. ૪:૨૬, ૨૭) ઈસુએ કહ્યું, ‘જો કોઈ માણસ તારી વિરુદ્ધ ફરિયાદ કરે તો તેની સાથે જલદી સમાધાન કરી લે.’ (માથ. ૫:૨૫, કોમન લેંગ્વેજ) શાંતિ જાળવવા બને એટલા જલદી સુલેહ કરવી જોઈએ. એ કેમ જરૂરી છે? દાખલા તરીકે, શરીર પર નાનો ઘા થયો હોય અને જલદી કંઈ કરવામાં ના આવે તો એમાં ચેપ લાગી શકે. એવી જ રીતે જલદી સુલેહ કરવામાં ના આવે તો એ વાત ગંભીર બની શકે. ભાઈઓ સાથે થયેલ તકરારને થાળે પાડવામાં ઘમંડ, ઈર્ષા કે પૈસા આડે આવવા ના દો.—યાકૂ. ૪:૧-૬.

ઘણાને અસર કરતી તકરાર

૮, ૯. (ક) રોમના મંડળમાં શાને લીધે તકરાર થઈ હતી? (ખ) પાઊલે ત્યાંના ભાઈ-બહેનોને શું સલાહ આપી?

અમુક વખતે એવી તકરાર થઈ શકે, જે ઘણા ભાઈ-બહેનોને અસર કરી શકે. રોમના મંડળમાં પણ આવું જ કંઈક થયું હતું. યહુદી અને બીજી પ્રજામાંથી બનેલ ખ્રિસ્તીઓ વચ્ચે તકરાર થઈ હતી. અમુક ભાઈ-બહેનોનું અંત:કરણ નબળું હતું, એટલે એ તેઓને ઘણી બાબતો કરતા રોકતું હતું. જ્યારે કે બીજાઓનું અંતઃકરણ મક્કમ હતું, એટલે તેઓને લાગતું હતું કે પોતે ચઢિયાતા છે. આ રીતે મંડળના બધા સભ્યો એકબીજાનો ન્યાય કરતા હતા. હકીકતમાં તો, શું પસંદ કરવું એ દરેકની વ્યક્તિગત બાબત હતી. એટલે એ મંડળને પાઊલે સલાહ આપી.—રૂમી ૧૪:૧-૬.

જેઓનું અંતઃકરણ મક્કમ હતું, તેઓ સમજતા હતા કે ખ્રિસ્તીઓ હવે મુસાના નિયમ હેઠળ નથી. જ્યારે કે જેઓનું અંતઃકરણ નબળું હતું, તેઓ માનતા કે મુસાના નિયમ હેઠળ જે ખોરાક અશુદ્ધ છે, એ ખાવો ન જોઈએ. પાઊલે પહેલા મક્કમ અંતઃકરણવાળા લોકોને કહ્યું કે બીજા ભાઈઓને નીચા ના ગણવા જોઈએ. (રૂમી ૧૪:૨, ૧૦) એવા વલણથી નબળા અંતઃકરણવાળા લોકોને ઠોકર લાગી શકે. પાઊલે સલાહ આપી કે ‘ખાવાને કારણે ઈશ્વરનું કામ તોડી પાડો નહિ.’ તેમણે એ પણ ઉમેર્યું: ‘માંસ ન ખાવું, દ્રાક્ષારસ ન પીવો, અને બીજી જે કોઈ બાબતથી તારો ભાઈ ઠેસ ખાય, એ ન કરો.’ (રૂમી ૧૪:૧૪, ૧૫, ૨૦, ૨૧) બીજી બાજુ જેઓનું અંત:કરણ નબળું હતું, તેઓને પાઊલે કહ્યું કે જેઓના વિચારો અલગ છે તેઓનો ન્યાય ના કરે. (રૂમી ૧૪:૧૩) તેમણે કહ્યું, “તમારામાંના દરેક જણને કહું છું, કે પોતાને જેવો ગણવો જોઈએ, તે કરતાં વિશેષ ન ગણવો.” (રૂમી ૧૨:૩) આમ, અલગ-અલગ વિચારો ધરાવતા ભાઈઓને પાઊલે શિખામણ આપી. પછી તેમણે કહ્યું, “જે બાબતો શાંતિકારક છે તથા જે વડે આપણે એકબીજામાં સુધારોવધારો કરી શકીએ એવી બાબતોની પાછળ આપણે લાગુ રહેવું” જોઈએ.—રૂમી ૧૪:૧૯.

૧૦. રોમના ખ્રિસ્તીઓની જેમ, આજે મંડળમાં તકરાર થાય તો એને હલ કરવા શું કરવું જોઈએ?

૧૦ આપણે ખાતરી રાખી શકીએ કે રોમના મંડળે પાઊલની સલાહ સાંભળી હશે અને એ પ્રમાણે ફેરફાર કર્યા હશે. આપણે પણ નમ્રતાથી બાઇબલની સલાહ પાળવી જોઈએ, અને તકરારને પ્રેમથી હલ કરવી જોઈએ. જો મંડળમાં તકરાર થાય, તો એમાં સંકળાયેલા સર્વએ ફેરફાર કરવો જોઈએ. આમ કરવાથી તેઓ ‘એકબીજા સાથે શાંતિ’ રાખી શકશે.—માર્ક ૯:૫૦, IBSI.

વડીલો કઈ રીતે મદદ કરી શકે?

૧૧. જો કોઈ વ્યક્તિને પોતાની તકરાર વિષે વડીલ સાથે વાત કરવી હોય ત્યારે વડીલ શું કરી શકે?

૧૧ ધારો કે કોઈને કુટુંબના કે મંડળના સભ્ય સાથે અણબનાવ થયો છે. એ વિષે તે વડીલ સાથે વાત કરવા માગે છે. ત્યારે વડીલ શું કરી શકે? નીતિવચનો ૨૧:૧૩ કહે છે, “જે કોઈ ગરીબની બૂમ સાંભળીને પોતાના કાન બંધ કરે છે. તે પોતે પણ બૂમ પાડશે, પરંતુ તેનું સાંભળવામાં આવશે નહિ.” જો કોઈ વ્યક્તિ મદદ માગે અને વડીલ એ ન સાંભળે તો તે જાણે “પોતાના કાન બંધ કરે છે.” બીજી એક કલમ કહે છે, “જે પોતાનો દાવો પ્રથમ માંડે છે તે વાજબી દેખાય છે; પણ તેનો પ્રતિવાદી આવીને તેને ઉઘાડો પાડે છે.” (નીતિ. ૧૮:૧૭) વડીલે, વ્યક્તિનું પ્રેમથી સાંભળવું જોઈએ. પણ કોઈ નિર્ણય લેતા પહેલાં ખાતરી કરી લેવી જોઈએ કે પોતાની પાસે પૂરતી માહિતી છે કે નહિ. વ્યક્તિનું ધ્યાનથી સાંભળ્યા પછી વડીલ પૂછી શકે, ‘શું તેણે એ અણબનાવ વિષે સામેની વ્યક્તિ સાથે વાત કરી છે?’ વ્યક્તિ શાંતિ જાળવવા પગલાં ભરે એ માટે વડીલ બાઇબલમાંથી માર્ગદર્શન આપી શકે.

૧૨. ઉતાવળે નિર્ણય કેમ ના લેવો જોઈએ એ દાખલા આપીને સમજાવો.

૧૨ કોઈ એક જ વ્યક્તિનું સાંભળીને ઉતાવળે નિર્ણય લેવાથી ખરાબ પરિણામ આવી શકે. બાઇબલમાં આપેલા ત્રણ દાખલાનો વિચાર કરો. એમાં એક પોટીફારનો છે. તેની પત્નીએ ફરિયાદ કરી કે ‘યુસફે મારા પર બળાત્કાર કરવાની કોશિશ કરી છે.’ પોટીફારે એ સાચું માની લીધું અને ગુસ્સામાં યુસફને કેદમાં પૂરવાનો હુકમ આપી દીધો. (ઉત. ૩૯:૧૯, ૨૦) બીજો દાખલો દાઊદનો છે જે સીબાનું કહ્યું સાચું માની લે છે. સીબા કહે છે કે તેનો માલિક મફીબોશેથ તો દાઊદના દુશ્મનોને સાથ આપે છે. દાઊદ વગર વિચાર્યે તેને કહે છે, “જે સઘળું મફીબોશેથનું છે તે હવે તારું જ છે.” (૨ શમૂ. ૧૬:૪; ૧૯:૨૫-૨૭) ત્રીજો દાખલો આર્તાહશાસ્તા રાજાનો છે. યહુદીઓના દુશ્મનોએ રાજાના કાન ભર્યા કે યહુદીઓ યરૂશાલેમની દીવાલો ફરીથી બાંધીને તમારી વિરુદ્ધ બળવો કરવાના છે. રાજા આ જૂઠને સાચું માની લે છે, અને બાંધકામ અટકાવી દે છે. આ કારણને લીધે યહુદીઓએ મંદિર બાંધવાનું પડતું મૂકવું પડે છે. (એઝ. ૪:૧૧-૧૩, ૨૩, ૨૪) વડીલો, ખોટા નિર્ણયો ના લઈ બેસે એ માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ? તેઓએ તીમોથીને આપેલી પાઊલની સલાહ ધ્યાનમાં લેવી જોઈએ: હકીકત જાણ્યા વગર ઉતાવળે નિર્ણય ના લેવો જોઈએ.—૧ તીમોથી ૫:૨૧ વાંચો.

૧૩, ૧૪. (ક) જ્યારે બે વ્યક્તિ વચ્ચે તકરાર થઈ હોય ત્યારે આપણે શું ધ્યાનમાં રાખવું જોઈએ? (ખ) ભાઈઓ માટે સાચો ન્યાય કરવા વડીલોને શું મદદ કરશે?

૧૩ જ્યારે એવું લાગે કે તકરાર વિષેની બધી માહિતી મળી ગઈ છે, ત્યારે પણ બાઇબલની આ સલાહ ધ્યાનમાં રાખવી જોઈએ: “જો કોઈ એમ માને કે પોતાની પાસે બધા પ્રશ્નોના જવાબ છે તો તે પોતાનું અજ્ઞાન પ્રદર્શિત કરે છે.” (૧ કરિં. ૮:૨, IBSI) શું આપણે પૂરી રીતે જાણીએ છીએ કે તકરાર થવાના કારણો શું છે? જેઓ વચ્ચે અણબનાવ થયો છે, તેઓ વિષે બધું જાણીએ છીએ? આવા સમયે વડીલોએ સમજી-વિચારીને નિર્ણય લેવો જોઈએ. તેઓએ દરેક વાતને સાચી માની ના લેવી જોઈએ કે અફવાને આધારે ન્યાય ના કરવો જોઈએ. યહોવાહે ન્યાય કરવાનું કામ ઈસુને સોંપ્યું છે. ઈસુ ‘પોતાની આંખે જોયા પ્રમાણે ઇન્સાફ કરશે નહિ, ને પોતાના કાને સાંભળ્યા પ્રમાણે નિર્ણય કરશે નહિ.’ (યશા. ૧૧:૩, ૪) તે ઈશ્વરની શક્તિની દોરવણી પ્રમાણે ન્યાય કરે છે. વડીલોએ પણ ઈશ્વરની શક્તિના માર્ગદર્શન પ્રમાણે ન્યાય કરવો જોઈએ.

૧૪ વડીલોએ ભાઈઓ માટે ન્યાય કરતાં પહેલાં પ્રાર્થનામાં ઈશ્વરની મદદ માગવી જોઈએ. ઈશ્વરના ધોરણો પ્રમાણે નિર્ણય લેવા, બાઇબલ અને “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” દ્વારા મળતા સાહિત્યમાંથી માર્ગદર્શન શોધવું જોઈએ.—માથ. ૨૪:૪૫.

શું કોઈ પણ ભોગે શાંતિ જાળવવી જોઈએ?

૧૫. જો કોઈનાં મોટાં પાપ વિષે ખબર પડે તો એની જાણ વડીલોને ક્યારે કરવી જોઈએ?

૧૫ બાઇબલ ઉત્તેજન આપે છે કે બધાની સાથે હળીમળીને રહો. એ પણ કહે છે કે “જે જ્ઞાન ઉપરથી છે તે પ્રથમ તો નિર્મળ [પવિત્ર], પછી સલાહ [શાંતિ] કરાવનારું” છે. (યાકૂ. ૩:૧૭) બાઇબલ જણાવે છે કે પ્રથમ તો આપણે ઈશ્વરના પવિત્ર ધોરણોને વળગી રહેવું જોઈએ. અને તેમને ખુશ કરે એ રીતે જીવવું જોઈએ. જો કોઈએ મોટું પાપ કર્યું હોય અને તમને એની ખબર પડે તો શું કરવું જોઈએ? તમારે એ વ્યક્તિને એ પાપ વિષે વડીલોને જણાવવા ઉત્તેજન આપવું જોઈએ. (૧ કોરીં. ૬:૯, ૧૦; યાકૂ. ૫:૧૪-૧૬) જો તે એમ ન કરે, તો તમારે વડીલોને જાણ કરવી જોઈએ. જો તમે એવું વિચારો કે એ વ્યક્તિ સાથે શાંતિ રાખવા હું વડીલોને કંઈ નહિ કહું, તો તમે પણ એ પાપના ભાગીદાર થાવ છો.—લેવીય ૫:૧ વાંચો; નીતિ. ૨૯:૨૪.

૧૬. યેહૂએ રાજા યોરામ વિરુદ્ધ જે પગલું ભર્યું એમાંથી આપણે શું શીખી શકીએ?

૧૬ યેહૂને મન પાપી માણસ સાથે શાંતિ જાળવવા કરતાં ઈશ્વરનાં ધોરણોને વળગી રહેવું વધારે મહત્ત્વનું હતું. ઈશ્વરે આહાબના કુટુંબનો ન્યાય કરવા યેહૂને મોકલ્યો. દુષ્ટ રાજા યોરામ જે આહાબ અને ઇઝેબેલનો દીકરો હતો તે પોતાનો રથ લઈને યેહૂને મળવા ગયો. તેણે પૂછ્યું, ‘યેહૂ, શું શાંતિ છે?’ યેહૂએ જવાબ આપ્યો, “જ્યાં સુધી તારી મા ઇઝેબેલના વ્યભિચાર તથા એનાં જાદુકર્મ પુષ્કળ છે, ત્યાં સુધી શી શાંતિ હોય?” (૨ રાજા. ૯:૨૨) પછી યેહૂ પોતાના બાણથી યોરામને પતાવી દે છે. જો કોઈ પોતાના પાપનો પસ્તાવો ના કરે, તો વડીલોએ પણ યેહૂની જેમ કડક પગલાં લેવાં જોઈએ. પસ્તાવો ન કરનાર વ્યક્તિ સાથે શાંતિ જાળવી રાખવા વડીલોએ તેના કામને ચલાવી લેવું ન જોઈએ. તેઓએ એ વ્યક્તિને મંડળમાંથી દૂર કરવી જોઈએ. આમ કરશે તો જ આખું મંડળ ઈશ્વર સાથે એકતા અને શાંતિમાં રહી શકશે.—૧ કોરીં. ૫:૧, ૨, ૧૧-૧૩.

૧૭. શાંતિ જાળવી રાખવા બધા ભાઈ-બહેનોએ શું કરવું જોઈએ?

૧૭ મોટા ભાગે તકરાર ગંભીર ભૂલોને લીધે નહિ, પણ નાની-નાની બાબતોને લીધે થાય છે. તેથી એ સારું રહેશે કે આપણે પ્રેમ બતાવીએ અને બીજાએ કરેલી ભૂલોને ભૂલી જઈએ. બાઇબલ કહે છે, ‘દોષને ઢાંકનાર પ્રીતિ શોધે છે; પણ અમુક બાબત વિષે બોલ્યા કરનાર મિત્રોમાં અંતર પાડે છે.’ (નીતિ. ૧૭:૯) બાઇબલના કહ્યા પ્રમાણે કરીશું તો મંડળમાં શાંતિ જળવાઈ રહેશે. તેમ જ યહોવાહ સાથેની આપણી મિત્રતા અતૂટ રહેશે.—માથ. ૬:૧૪, ૧૫.

શાંતિ જાળવી રાખનારને આશીર્વાદ મળે છે

૧૮, ૧૯. શાંતિ જાળવી રાખવાથી આજે અને ભાવિમાં કેવા આશીર્વાદ મળશે?

૧૮ જ્યારે આપણે શાંતિ જાળવી રાખવા પ્રયત્ન કરીએ છીએ, ત્યારે ઈશ્વર આપણને આશીર્વાદ આપે છે. તેમની સાથે મિત્રતા મજબૂત થાય છે. બીજું કે મંડળની શાંતિ જાળવી રાખવા મદદ કરીએ છીએ. મંડળમાં શાંતિ જાળવી રાખવાથી આપણને પ્રચારમાં પણ મદદ મળે છે. “શાંતિની સુવાર્તા” પ્રગટ કરીએ ત્યારે લોકો સાથે પણ શાંતિ જાળવી રાખતા શીખીએ છીએ. (એફે. ૬:૧૫) આપણે ‘સર્વ માણસો પ્રત્યે માયાળુ અને સહનશીલ’ બનવું જોઈએ.—૨ તીમો. ૨:૨૪.

૧૯ શાંતિ જાળવી રાખવાના હાલના પ્રયત્નો આપણને ભાવિ માટે તૈયાર કરે છે. બાઇબલ કહે છે કે યહોવાહ “ન્યાયીઓ તથા અન્યાયીઓનું પુનરુત્થાન” કરશે. (પ્રે.કૃ. ૨૪:૧૫) એટલે કે જુદી જુદી જાતના કરોડો લોકોને ઈશ્વર સજીવન કરશે. જેમાં આખી દુનિયાના અને અલગ-અલગ સદીના લોકો હશે. અરે માનવ ઇતિહાસની શરૂઆત થઈ એ યુગના લોકો પણ હશે! (લુક ૧૧:૫૦, ૫૧) સજીવન થનાર આ બધા લોકોને શાંતિ વિષે શીખવવાનો આપણી પાસે સુંદર લહાવો હશે. આજે શાંતિ જાળવી રાખવાની જે તાલીમ મળી રહી છે, એ ભાવિમાં ઘણી કામમાં આવશે! (w11-E 08/15)

[ફુટનોટ]

^ કોઈ આપણી વિરુદ્ધ નિંદા કે છેતરપિંડી જેવા ગંભીર પાપ કરે, ત્યારે શું કરવું જોઈએ એ વિષે આ માહિતી જુઓ: ઑક્ટોબર ૧૫, ૧૯૯૯નું ચોકીબુરજ પાન ૧૭-૨૨.

તમે શું શીખ્યા?

• જો આપણે કોઈને ખોટું લગાડ્યું હોય, તો શાંતિ જાળવી રાખવા શું કરવું જોઈએ?

• જ્યારે કોઈએ આપણને ખોટું લગાડ્યું હોય, ત્યારે શાંતિ જાળવી રાખવા શું કરવું જોઈએ?

• જ્યારે બે વ્યક્તિઓ વચ્ચે તકરાર થઈ હોય ત્યારે શું ધ્યાનમાં રાખવું જોઈએ?

• વ્યક્તિ પાપનો પસ્તાવો ના કરે તો તેની જોડે શાંતિ જાળવવા કરતાં ઈશ્વરના ધોરણોને વળગી રહેવું કેમ વધારે મહત્ત્વનું છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૫ પર ચિત્રો]

જેઓ બીજાઓને દિલથી માફ કરે છે, એવા લોકોને યહોવાહ ચાહે છે