ધીરજથી દોડીએ
ધીરજથી દોડીએ
‘આપણે માટે ઠરાવેલી શરતમાં ધીરજથી દોડીએ.’—હેબ્રી ૧૨:૧.
૧, ૨. પ્રેરિત પાઊલે ખ્રિસ્તી જીવનને શાની સાથે સરખાવ્યું?
દર વર્ષે અનેક જગ્યાઓમાં મેરેથોન દોડ યોજવામાં આવે છે. ઘણા એમાં ઈનામ જીતવાના હેતુથી ભાગ લે છે. તો ઘણા આ લાંબી દોડ પૂરી કરવાને જ મોટા ગર્વની વાત સમજે છે.
૨ બાઇબલમાં ખ્રિસ્તી જીવનને એક દોડ સાથે સરખાવ્યું છે. એ વિષે પ્રેરિત પાઊલે કોરીંથના ખ્રિસ્તીઓને પહેલા પત્રમાં લખ્યું: “શું તમે નથી જાણતા કે શરતમાં દોડનાર સર્વ તો ઈનામ મેળવવા દોડે છે, તોપણ એકને જ ઈનામ મળે છે? એમ દોડો કે તમને મળે.”—૧ કોરીં. ૯:૨૪.
૩. “એકને જ ઈનામ મળે છે” એમ કહીને પાઊલ શું કહેવા માંગતા હતા?
૩ શું પાઊલ એમ કહેવા માગતા હતા કે ફક્ત એક જ ખ્રિસ્તીને ઈનામ મળશે? ના, એવું ન હતું. કોરીંથના ખ્રિસ્તીઓ જાણતા હતા કે બધા દોડવીરો બરાબર તાલીમ લેતા. તેઓ પૂરા જોશથી દોડમાં ભાગ લેતા, જેથી જીતી શકે. પાઊલ ઇચ્છતા હતા કે મંડળના ભાઈ-બહેનો પણ જીવનનું ઈનામ મેળવવા એવો જ પ્રયત્ન કરે. જેઓ જીવનની દોડ પૂરી કરશે, તેઓ દરેકને કાયમી જીવનનું ઈનામ મળશે.
૪. જીવનની દોડમાં આપણે શું ધ્યાન રાખવું જોઈએ?
૪ આપણને કેટલું ઉત્તેજન મળે છે કે દોડ પૂરી કરવાથી ઈનામ મળશે. પણ પાઊલના એ શબ્દો ગંભીરતાથી લેવા જોઈએ. શા માટે? જો યહોવાહ ખુશ થાય એવું જીવન જીવીશું તો આપણને સ્વર્ગમાં કે પૃથ્વી પર હંમેશ માટે જીવવાનું ઈનામ મળશે. ખ્રિસ્તી જીવન જાણે એક લાંબી દોડ જેવું છે. એ દોડ મુશ્કેલ છે, અને રસ્તામાં ઘણા નડતરો રહેલા છે. તેમ જ ધ્યાન ભટકાવી દેનાર બાબતો છે. એ સિવાય બીજા ઘણા જોખમો રહેલા છે. (માથ. ૭:૧૩, ૧૪) દુઃખની વાત છે કે અમુક દોડવામાં ધીમા પડી ગયા છે, તો કેટલાક થાકીને બેસી ગયા છે. અરે અમુકે પડીને દોડવાનું છોડી દીધું છે. જીવનની દોડમાં ખાસ કરીને કયા ફાંદા અને જોખમો રહેલા છે? તમે એનાથી કેવી રીતે બચી શકો? દોડ પૂરી કરવા અને જીતવા તમે શું કરી શકો?
જીતવા માટે ધીરજ જરૂરી છે
૫. હેબ્રી ૧૨:૧માં પાઊલે દોડ વિષે શું જણાવ્યું હતું?
૫ પાઊલે યરૂશાલેમ અને યહુદાહમાં રહેતા હિબ્રૂ ખ્રિસ્તીઓને એક પત્ર લખ્યો. તેમણે ફરીથી દોડ અથવા હરીફાઈ માટેની રમતોનો ઉલ્લેખ કર્યો. (હેબ્રી ૧૨:૧ વાંચો.) પાઊલે બતાવ્યું કે આપણે દોડમાં કેમ ભાગ લેવો જોઈએ અને જીતવા શું કરવું જોઈએ. તેમણે હિબ્રૂ ખ્રિસ્તીઓને જે સલાહ આપી એમાંથી આપણે શું શીખી શકીએ એ જોઈશું. પણ એ પહેલાં આપણે જોઈએ કે શા માટે પાઊલે હિબ્રૂઓને પત્ર લખ્યો? તે ભાઈ-બહેનોને શું કરવા ઉત્તેજન આપતા હતા?
૬. ખ્રિસ્તીઓએ શું સહેવું પડ્યું?
૬ ખાસ કરીને યરૂશાલેમ અને યહુદાહમાં રહેતા ખ્રિસ્તીઓએ ઘણી મુશ્કેલીઓ અને સતાવણી સહન કરવી પડી. યહુદી ધર્મગુરુઓ લોકો પર હક જમાવતા હતા. તેઓ ખ્રિસ્તીઓ પર ઘણું દબાણ લાવતા હતા. પાઊલે પત્ર લખ્યો એના આશરે ૩૦ વર્ષ પહેલાં, યહુદી ધર્મગુરુઓએ ઈસુ પર રાજ્ય સામે બળવો કરનારનો આરોપ લગાવ્યો. આ રીતે ઈસુને ગુનેગાર ઠરાવીને મારી નાખ્યા હતા. અરે, તેઓએ વિરોધ ચાલુ જ રાખ્યો. પ્રેરિતોનાં કૃત્યો જણાવે છે કે ધર્મગુરુઓ ખ્રિસ્તીઓને વારંવાર ધમકી આપતા અને સતાવતા. ઈ.સ. ૩૩ના પેન્તેકોસ્તના ચમત્કારિક બનાવ પછી વધારે થવા માંડ્યું. એનાથી વિશ્વાસુ ખ્રિસ્તીઓનું જીવવું હરામ થઈ ગયું હતું.—પ્રે.કૃ. ૪:૧-૩; ૫:૧૭, ૧૮; ૬:૮-૧૨; ૭:૫૯; ૮:૧, ૩.
૭. પાઊલે જે ખ્રિસ્તીઓને લખ્યું તેઓની મુશ્કેલીનું બીજું કારણ શું હતું?
૭ એ ખ્રિસ્તીઓની મુશ્કેલીનું બીજું કારણ એ હતું કે યરૂશાલેમના વિનાશનો સમય પાસે હતો. ઈસુ ખ્રિસ્તે જણાવ્યું હતું કે અવિશ્વાસુ યહુદીઓનો નાશ થવાનો હતો. તેમણે શિષ્યોને એ પણ જણાવ્યું હતું કે વિનાશ પહેલાં કેવી ઘટનાઓ બનશે. બચવા માટે તેઓએ શું કરવું જોઈએ. (લુક ૨૧:૨૦-૨૨ વાંચો.) પછી ઈસુએ ચેતવણીમાં જણાવ્યું, “તમે પોતાના વિષે સાવધાન રહો, રખેને અતિશય ખાનપાનથી, તથા સંસારી ચિંતાથી તમારાં મન જડ થઈ જાય, જેથી તે દિવસ ફાંદાની પેઠે તમારા પર ઓચિંતો આવી પડે.”—લુક ૨૧:૩૪.
૮. શા માટે અમુક ખ્રિસ્તીઓ યહોવાહની ભક્તિમાં ધીમા પડી ગયા કે એને સાવ છોડી દીધી?
૮ ઈસુએ ચેતવણી આપી એના આશરે ૩૦ વર્ષ પછી પાઊલે હિબ્રૂ ભાઈ-બહેનોને પત્ર લખ્યો. એ ૩૦ વર્ષો દરમિયાન ખ્રિસ્તીઓની હાલત કેવી હતી? રોજિંદા જીવનની ચિંતાઓ અને દબાણને લીધે અમુકે યહોવાહ વિષે શીખવાનું છોડી દીધું. એટલે તેઓની ઈશ્વર સાથેની દોસ્તી તૂટી ગઈ. (હેબ્રી ૫:૧૧-૧૪) બીજા અમુકે વિચાર્યું કે ‘મોટા ભાગના યહુદીઓએ તો ઈશ્વરને સાવ છોડી દીધા નથી. તેઓ હજી પણ ઈશ્વરના કેટલાંક નિયમો પાળે છે. કેમ નહિ કે તેઓની જેમ જીવીએ!’ ઉપરાંત, કેટલાક ખ્રિસ્તીઓ મુસાના નિયમો અને યહુદી રીત-રિવાજો પાળવા મંડળના બીજાઓને દબાણ કરતા હતા. અમુકે તો તરત જ તેઓનું માની લીધું જ્યારે કે કેટલાંકે બીકના લીધે તેઓનું સાંભળવું પડ્યું. હિબ્રૂ મંડળ સાવધ રહી શકે અને ધીરજથી જીવનની દોડ પૂરી કરી શકે માટે પાઊલે શું કહ્યું?
૯, ૧૦. (ક) હેબ્રીના દસમાં અધ્યાયના છેલ્લા ભાગમાં પાઊલ કેવું ઉત્તેજન આપે છે? (ખ) શા માટે પાઊલે પ્રાચીન સમયના વિશ્વાસુ ભક્તો વિષે લખ્યું?
૯ ચાલો જોઈએ કે યહોવાહની પ્રેરણાથી પાઊલે હિબ્રૂ ખ્રિસ્તીઓને કઈ રીતે ઉત્તેજન આપ્યું. ૧૦માં અધ્યાયમાં પાઊલે બતાવ્યું કે નિયમ કરાર તો “જે સારી વસ્તુઓ થવાની હતી તેની પ્રતિછાયા” હતો. ઈસુએ ચૂકવેલી કિંમતનું મહત્ત્વ તેમણે પૂરેપૂરી રીતે સમજાવ્યું. એ અધ્યાયના છેલ્લા ભાગમાં પાઊલે કહ્યું: “દેવની ઇચ્છા પ્રમાણે વર્ત્યા પછી તમને વચનનું ફળ મળે, માટે તમારે ધીરજ રાખવાની જરૂર છે. કેમ કે જે આવવાનો છે, તે છેક થોડીવારમાં આવશે, તે વિલંબ કરશે નહિ.”—હેબ્રી ૧૦:૧, ૩૬, ૩૭.
૧૦ હેબ્રીના ૧૧મા અધ્યાયમાં પાઊલ જણાવે છે કે ખરી શ્રદ્ધાનો અર્થ શું છે. એ સમજાવવા તેમણે પ્રાચીન સમયના ઈશ્વરભક્તોના ઉદાહરણ આપ્યા. શું પાઊલનું ધ્યાન ફંટાઈ ગયું હતું, એટલે તેઓ વિષે જણાવ્યું? ના, જરાય નહિ. પાઊલ જાણતા હતા કે વિશ્વાસમાં ટકી રહેવા ખ્રિસ્તીઓને હિંમત અને ધીરજની જરૂર હતી. પ્રાચીન સમયના ઈશ્વરભક્તોના ઉદાહરણથી, હિબ્રૂ ખ્રિસ્તીઓને મુશ્કેલીઓ અને સતાવણી સહેવા મદદ મળવાની હતી. એ ઈશ્વરભક્તો વિષે જણાવ્યા પછી પાઊલે કહ્યું: “તો આપણી આસપાસ શાહેદોની એટલી મોટી વાદળારૂપ ભીડ છે, માટે આપણે પણ દરેક જાતનો બોજો તથા વળગી રહેનાર પાપ નાખી દઈએ, અને આપણે સારુ ઠરાવેલી શરતમાં ધીરજથી દોડીએ.”—હેબ્રી ૧૨:૧.
વાદળા જેવી ‘શાહેદોની મોટી ભીડ’
૧૧. ‘શાહેદોની મોટી ભીડ’ વિષે વિચારવાથી આપણને શું મદદ મળે છે?
૧૧ પાઊલે કહ્યું હતું કે પ્રાચીન સમયમાં થઈ ગયેલા ‘શાહેદો’ એટલે ભક્તોની આપણી આસપાસ વાદળા જેવી ‘મોટી ભીડ’ છે. તેઓ મરણ સુધી યહોવાહને વફાદાર રહ્યા હતા. તેઓનો દાખલો બતાવે છે કે કપરા સંજોગોમાં આપણે પણ યહોવાહને વફાદાર રહી શકીએ છીએ. આ ‘મોટી ભીડʼમાંના ભક્તો જાણે દોડવીર હતા, જેઓએ શરત પૂરી કરી હતી. તેઓનો દાખલો હાલના દોડવીરોને ઉત્તેજન આપે છે. કલ્પના કરો કે તમે શરતમાં છો અને અગાઉના જીતેલા દોડવીરો તમને ઉત્તેજન આપી રહ્યા છે. દોડ પૂરી કરવા શું તમે બનતું બધું નહિ કરો? એવી જ રીતે હિબ્રૂ ખ્રિસ્તીઓએ પ્રાચીન સમયના ઈશ્વરભક્તોના ઉદાહરણને યાદ કરવાની જરૂર હતી. તેઓના ઉદાહરણથી ખ્રિસ્તીઓને ‘ધીરજથી દોડ’ પૂરી કરવાની હિંમત મળી હોત. આપણે પણ તેઓની જેમ કરવું જોઈએ.
૧૨. પાઊલે જણાવેલા ઈશ્વરભક્તોના સંજોગો કેવી રીતે આપણા જેવા હતા?
૧૨ પાઊલે જે ઈશ્વરભક્તો વિષે જણાવ્યું, તેઓના સંજોગો પણ આપણા જેવા જ હતા. દાખલા તરીકે, નુહ એવા સમયમાં જીવી રહ્યા હતા જ્યારે દુષ્ટોનો જલદી જ નાશ થવાનો હતો. આપણે પણ એવા જ સંજોગોમાં જીવી રહ્યા છીએ. હવે ઈબ્રાહીમ અને સારાહનો વિચાર કરો. તેઓએ ભક્તિમાં વધારે કરવા અને યહોવાહનું વચન પૂરું થતું જોવા પોતાનો દેશ છોડવો પડ્યો. આપણને પણ ઉત્તેજન આપવામાં આવે છે કે પોતાની ઇચ્છાને બદલે યહોવાહની ભક્તિને જીવનમાં પ્રથમ રાખીએ. એમ કરીને યહોવાહના આશીર્વાદો મેળવીએ. મુસાએ વચનના દેશમાં જવા માટે જોખમકારક ઉજ્જડ વિસ્તારમાંથી મુસાફરી કરી. આપણે પણ આજની જોખમકારક દુનિયામાંથી નવી દુનિયા તરફ મુસાફરી કરી રહ્યા છીએ. આપણે જોઈ ગયા કે ઈશ્વરભક્તોએ ઘણું સહન કર્યું. જીવનમાં સફળતાની સાથે સાથે નિષ્ફળતા અનુભવી. તેઓમાં સારા ગુણોની સાથે નબળાઈઓ પણ હતી. ખરેખર તેઓના દાખલા પર મનન કરવાથી આપણને જ ફાયદો થશે.—રોમ. ૧૫:૪; ૧ કોરીં. ૧૦:૧૧.
પ્રાચીન ઈશ્વરભક્તો કેવી રીતે સફળ થયા?
૧૩. નુહને કેવાં અઘરાં કામ કરવા પડ્યા? તેમને શામાંથી મદદ મળી?
૧૩ યહોવાહના પ્રાચીન ભક્તો કેવી રીતે ધીરજ બતાવીને જીવનની દોડ જીત્યા? પાઊલે ઈશ્વરભક્ત નુહ વિષે જે લખ્યું એનો વિચાર કરો. (હેબ્રી ૧૧:૭ વાંચો.) યહોવાહે નુહને કહ્યું, ‘સર્વ જીવ જેમાં જીવનનો શ્વાસ છે, તેઓનો નાશ કરવા માટે હું પૃથ્વી પર જળપ્રલય લાવીશ.’ (ઉત. ૬:૧૭) આ ‘વાત હજી સુધી નુહના જોવામાં આવી ન હતી,’ કેમ કે જળપ્રલય ક્યારેય થયો ન હતો. છતાં નુહે એવું ન વિચાર્યું કે ‘જળપ્રલય થશે જ નહિ.’ શા માટે? કારણ કે તેમને ભરોસો હતો કે યહોવાહ જે કંઈ કહે, એ જરૂર કરશે. તેમને એવું ન લાગ્યું કે ‘યહોવાહે સોંપેલું કામ બહુ અઘરું છે.’ એના બદલે યહોવાહે જે કહ્યું ‘તે પ્રમાણે તેમણે કર્યું.’ (ઉત. ૬:૨૨) ‘તે પ્રમાણે’ કરવું કંઈ નાનુંસૂનું કામ ન હતું! નુહે વહાણ બાંધ્યું, પ્રાણીઓ ભેગા કર્યાં, વહાણમાં માણસો અને પ્રાણીઓ માટે ખાવાનું ભર્યું. લોકોને ચેતવ્યા અને પોતાના કુટુંબને યહોવાહ સાથે સંબંધ જાળવી રાખવા મદદ કરી. શ્રદ્ધા અને ધીરજ બતાવીને નુહે પોતાનું અને કુટુંબનું જીવન બચાવ્યું. યહોવાહે તેઓને ઘણા આશીર્વાદો આપ્યા.
૧૪. ઈબ્રાહીમ અને સારાહે શું કર્યું? એમાંથી આપણે શું શીખી શકીએ?
૧૪ પાઊલે જણાવ્યા મુજબ ‘આપણી આસપાસ શાહેદોની મોટી ભીડʼમાં ઈબ્રાહીમ અને સારાહ પણ આવી જાય છે. તેઓનું જીવન સાવ બદલાઈ ગયું જ્યારે તેઓએ ઉર છોડવું પડ્યું. તેઓને ખબર ન હતી કે ભાવિમાં શું થશે. તેમ છતાં, મુશ્કેલ સંજોગમાં પણ તેઓએ શ્રદ્ધા મક્કમ રાખી અને યહોવાહની આજ્ઞા પાળતા રહ્યા. તેઓએ આપણા માટે કેટલું સારું ઉદાહરણ બેસાડ્યું! યહોવાહની ભક્તિ માટે ઈબ્રાહીમ કંઈ પણ ભોગ આપવા તૈયાર હતા. એટલે તેમને ‘સર્વ વિશ્વાસીઓના પૂર્વજ’ કહેવામાં આવ્યા. (રોમ. ૪:૧૧) હિબ્રૂ ખ્રિસ્તીઓ ઈબ્રાહીમના જીવન વિષે ઘણું જાણતા હતા, એટલે પાઊલે તેમના વિષે ફક્ત અમુક જ મુદ્દાઓ જણાવ્યા. તેમ છતાં, તેમણે આ મહત્ત્વની બાબત જણાવી: “એ સઘળાં વિશ્વાસમાં મરણ પામ્યાં,” જેમાં ઈબ્રાહીમ અને તેમના કુટુંબનો પણ સમાવેશ થાય છે. ‘તેઓને વચનોનાં ફળ મળ્યાં નહિ, પણ વેગળેથી જોઈને એને આવકાર્યા, ને પોતા વિષે કબૂલ કર્યું કે અમે પૃથ્વી પર પરદેશી તથા પ્રવાસી છીએ.’ (હેબ્રી ૧૧:૧૩) યહોવાહમાં શ્રદ્ધા અને તેમની સાથેના સંબંધને લીધે તેઓ ધીરજથી દોડી શક્યા.
૧૫. મુસા કેવું જીવન જીવ્યા? શા માટે?
૧૫ ‘શાહેદોની મોટી ભીડʼમાં મુસાનો પણ સમાવેશ થાય છે. મુસાએ સુખ-સાહેબીને બદલે ‘ઈશ્વરના લોકોની સાથે દુઃખ ભોગવવાનું વિશેષ પસંદ કર્યું.’ એમ કરવા તેમને શામાંથી પ્રેરણા મળી? પાઊલે જણાવ્યું કે ‘જે ફળ મળવાનું હતું તે તરફ જ મુસાએ લક્ષ રાખ્યું. અદૃશ્યને જોતા હોય એમ તે અડગ રહ્યા.’ (હેબ્રી ૧૧:૨૪-૨૭ વાંચો.) મુસાનું ધ્યાન ‘પાપના ક્ષણિક સુખ’ તરફ ફંટાઈ ગયું નહિ. મુસા માટે ઈશ્વરના વચનો એટલા ખરા હતા, કે તેમણે જોરદાર રીતે હિંમત અને ધીરજ બતાવી. એટલે જ તે ઈસ્રાએલીઓને મિસરમાંથી લઈને છેક વચનના દેશ સુધી લઈ ગયા.
૧૬. મુસાને વચનના દેશમાં જવા ન મળ્યું, તોપણ તેમણે શું કર્યું?
૧૬ મુસાએ પણ ઈબ્રાહીમની જેમ ઈશ્વરનું વચન પૂરું થતા જોયું ન હતું. ઈસ્રાએલીઓ જ્યારે વચનના દેશમાં પ્રવેશવાના હતા ત્યારે ઈશ્વરે મુસાને કહ્યું: ‘તું તે દેશને દૂરથી જોશે; પણ જે દેશ હું ઈસ્રાએલપુત્રોને આપું છું તેમાં તું જવા પામશે નહિ.’ એનું કારણ શું હતું? મુસા અને હારુને ‘મરીબાહનાં પાણી પાસે ઈસ્રાએલ પુત્રોની મધ્યે ઈશ્વરનો અપરાધ કર્યો,’ કેમ કે ઈસ્રાએલી લોકોની ફરિયાદોથી તેઓ કંટાળી ગયા હતા. (પુન. ૩૨:૫૧, ૫૨) શું મુસા ગુસ્સે થયા કે નિરાશ થઈ ગયા કે વચનના દેશમાં નહિ જઈ શકે? ના. તેમણે લોકોને આશીર્વાદ આપ્યા અને અંતમાં કહ્યું: ‘હે ઈસ્રાએલ, તને ધન્ય છે; યહોવાહ જે તારી સહાયની ઢાલ તથા તારી ઉત્તમતાની તરવાર છે, તેનાથી તારણ પામેલી તારા જેવી પ્રજા બીજી કઈ છે!’—પુન. ૩૩:૨૯.
આપણા માટે બોધપાઠ
૧૭, ૧૮. (ક) જીવનની દોડમાં ‘શાહેદોની ભીડ’ પાસેથી આપણે શું શીખી શકીએ? (ખ) હવે પછીના લેખમાં શું જોઈશું?
૧૭ ‘શાહેદોની મોટી ભીડʼમાંથી આપણે થોડાંકના જીવન વિષે જોઈ ગયા. એમાંથી સાફ જોવા મળે છે કે દોડ પૂરી કરવા ઈશ્વર અને તેમના વચનો પર પૂરી શ્રદ્ધા રાખવી જોઈએ. (હેબ્રી ૧૧:૬) શ્રદ્ધા તો આપણા જીવનનો મુખ્ય ભાગ હોવી જોઈએ. જેઓ શ્રદ્ધા વગરના છે, તેઓ ભાવિ વિષે કંઈ સારું જોઈ શકતા નથી. પણ આપણે જોઈ શકીએ છીએ કે આવતી કાલ કેટલી સુંદર હશે! આપણે ‘અદૃશ્ય’ ઈશ્વરને મનની આંખોથી જોઈ શકીએ છીએ. તેથી ચાલો ધીરજથી દોડ પૂરી કરીએ.—૨ કોરીં. ૫:૭.
૧૮ આપણી દોડ સહેલી નથી. પરંતુ, આપણે એ દોડ ચોક્કસ પૂરી કરી શકીએ છીએ. હવે પછીના લેખમાં જોઈશું કે દોડ પૂરી કરવા બીજે ક્યાંથી મદદ મળી શકે. (w11-E 09/15)
તમે શું જવાબ આપશો?
• પાઊલે શા માટે પ્રાચીન વિશ્વાસુ ભક્તો વિષે ઘણું લખ્યું?
• ‘આપણી આસપાસ શાહેદોની મોટી ભીડ’ વિષે વિચારવાથી કઈ રીતે ધીરજથી દોડવા મદદ મળે છે?
• નુહ, ઈબ્રાહીમ, સારાહ અને મુસા જેવા વિશ્વાસુ ભક્તો પાસેથી તમને શું શીખવા મળ્યું?
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૨૨ પર ચિત્ર]
ઈબ્રાહીમ અને સારાહે રાજી-ખુશીથી ઉરનું એશઆરામી જીવન છોડી દીધું