સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘યહોવાહ મારો હિસ્સો છે’

‘યહોવાહ મારો હિસ્સો છે’

‘યહોવાહ મારો હિસ્સો છે’

“ઈસ્રાએલપુત્રો મધ્યે તારો ભાગ તથા તારું વતન હું જ છું.”—ગણ. ૧૮:૨૦.

૧, ૨. (ક) જમીનના હિસ્સામાંથી લેવીઓને શું મળ્યું? (ખ) યહોવાહે લેવીઓને શું ખાતરી આપી?

 ઈસ્રાએલી લોકોએ મોટા ભાગનો વચનનો દેશ જીતી લીધો. એ પછી યહોશુઆએ એ દેશને કુળો વચ્ચે વહેંચી આપવાનું વિચાર્યું. તેમણે પ્રમુખ યાજક એલઆઝાર અને દરેક કુળના પ્રમુખની સાથે મળીને એના ભાગ પાડ્યા. (ગણ. ૩૪:૧૩-૨૯) જોકે લેવી કુળને એ દેશમાં કોઈ હિસ્સો મળવાનો ન હતો. (યહો. ૧૪:૧-૫) શા માટે નહિ? શું તેઓને તરછોડી દેવામાં આવ્યા હતા?

ના. યહોવાહ જ એનો જવાબ આપે છે. તેમણે લેવીઓને વચન આપતા કહ્યું: “ઈસ્રાએલપુત્રો મધ્યે તારો ભાગ તથા તારું વતન હું જ છું.” (ગણ. ૧૮:૨૦) ‘તારો ભાગ હું જ છું,’ એમ કહીને યહોવાહે કેટલી જોરદાર ખાતરી આપી! જો યહોવાહ તમને આવું કહે તો તમને કેવું લાગે? તમને કદાચ થશે કે ‘શું યહોવાહ મારા જેવી વ્યક્તિને એમ કહી શકે?’ તમને એમ પણ થાય કે ‘શું યહોવાહ લેવીઓની જેમ આજે કોઈ પણ ખ્રિસ્તીના જીવનનો ભાગ બની શકે?’ આ સવાલોના જવાબો જાણવા મહત્ત્વના છે, કેમ કે એ તમને અને તમારા પ્રિયજનોને અસર કરે છે. તેથી ચાલો જોઈએ કે ‘તારો ભાગ હું જ છું’ એમ કહીને યહોવાહ શું કહેવા માંગતા હતા. એનાથી આપણને શું જાણવા મળશે? એ જ કે ભલે આપણી આશા સ્વર્ગની હોય કે ધરતી પરની, યહોવાહ આપણા જીવનનો ભાગ બની શકે છે.

યહોવાહે લેવીઓની સંભાળ રાખી

૩. યહોવાહ કઈ રીતે એ નિર્ણય પર આવ્યા કે લેવીઓ જ પૂરો સમય તેમની સેવા કરશે?

ઈશ્વરે ઈસ્રાએલીઓને નિયમ આપ્યો એ પહેલાં દરેક કુટુંબના વડા, પોતાના કુટુંબ માટે યાજક તરીકે સેવા કરતા. પણ નિયમ આપ્યો પછી યહોવાહે યાજકો અને તેઓના સહાયકોની ગોઠવણ કરી. યહોવાહે એ લોકોને લેવી કુળમાંથી પસંદ કર્યા, જેથી તેઓ મંડપમાં પૂરો સમય સેવા આપી શકે. યહોવાહ કઈ રીતે આ નિર્ણય પર આવ્યા? જ્યારે મિસરના પ્રથમજનિતોનો નાશ કર્યો ત્યારે તેમણે ઈસ્રાએલના પ્રથમજનિતોને પોતાને માટે ‘પવિત્ર કર્યાં.’ આ રીતે તેઓ યહોવાહની માલિકીના બન્યા. પણ પછીથી યહોવાહે મહત્ત્વનો ફેરફાર કર્યો: ‘સર્વ પ્રથમ જન્મેલાને બદલે ઈસ્રાએલીઓમાંથી મેં લેવીઓને લીધા છે’ જેથી તેઓ મારી સેવા કરે. પણ લેવીઓ કરતાં ઈસ્રાએલના બાકીના કુળના પ્રથમજનિત દીકરાની સંખ્યા વધારે હતી. એટલે યહોવાહે ગોઠવણ કરી કે વધારાની સંખ્યા માટે ઈસ્રાએલીઓ અમુક રકમ લેવીઓને ચૂકવે. (ગણ. ૩:૧૧-૧૩, ૪૧, ૪૬, ૪૭) એ ગોઠવણ પ્રમાણે થયા પછી લેવીઓએ ઈશ્વરની સેવા શરૂ કરી.

૪, ૫. (ક) લેવીઓને પસંદ કરવામાં આવ્યા ત્યારે, યહોવાહ કઈ રીતે તેઓના જીવનનો હિસ્સો બન્યા? (ખ) લેવીઓની જરૂરિયાતો પૂરી પાડવા ઈશ્વરે શું કર્યું?

લેવીઓને પસંદ કરવામાં આવ્યા ત્યારે, યહોવાહ કઈ રીતે તેઓના જીવનનો હિસ્સો બન્યા? યહોવાહે તેઓને જમીનનો કોઈ હિસ્સો આપવાને બદલે તેમની સેવા કરવાનો એક ખાસ લહાવો આપ્યો. “યહોવાહનું યાજકપદ” જ તેઓનો વારસો કે હિસ્સો હતું. (યહો. ૧૮:૭) જોકે ગણનાનો ૧૮મો અધ્યાય બતાવે છે કે તેઓને જીવન જરૂરી બાબતો હજી મળવાની હતી. (ગણના ૧૮:૧૯, ૨૧, ૨૪ વાંચો.) લેવીઓને પોતાની સેવા માટે ‘દશાંશ, વારસા તરીકે ઈસ્રાએલપુત્રોની પાસેથી’ મળવાનો હતો. એટલે કે તેઓને ઈસ્રાએલની ઊપજ અને ઢોરઢાંકનો દસમો ભાગ મળવાનો હતો. એમાંથી લેવીઓએ પણ “સર્વ ઉત્તમ” દસમો ભાગ, યાજકો માટે આપવાનો હતો. * (ગણ. ૧૮:૨૫-૨૯) ઈશ્વરની ભક્તિ માટે ઈસ્રાએલીઓ જે “પવિત્ર વસ્તુઓ” લાવતા, એ પણ યાજકોને મળતી હતી. આ ગોઠવણને લીધે યાજકોને પૂરો ભરોસો હતો કે યહોવાહ તેઓની જરૂરિયાતો ચોક્કસ પૂરી પાડશે.

એવું લાગે છે કે નિયમ પ્રમાણે ઈસ્રાએલી કુટુંબો સામાન્ય દસમો ભાગ ઉપરાંત, એક બીજો દસમો ભાગ અલગ રાખતા. દર વર્ષે પવિત્ર તહેવારોમાં ખાવા-પીવા અને આનંદ માણવા માટે એનો ઉપયોગ કરતા. (પુન. ૧૪:૨૨-૨૭) જોકે ઈસ્રાએલીઓ આ દસમો ભાગ, બીજી રીતે પણ વાપરતા. દર સાત વર્ષે ઈસ્રાએલીઓ સાબ્બાથનું વર્ષ ઊજવતા. એ સમયગાળામાં તેઓ ત્રીજા અને છઠ્ઠા વર્ષના અંતે એ દસમો ભાગ, ગરીબો અને લેવીઓને આપી દેતા. શા માટે આ ગોઠવણમાં લેવીઓનો પણ સમાવેશ થયો? કેમ કે ઈસ્રાએલમાં તેઓને કોઈ ‘ભાગ કે વારસો મળ્યો ન હતો.’—પુન. ૧૪:૨૮, ૨૯.

૬. લેવીઓને દેશનો કોઈ ભાગ મળ્યો ન હતો, તો પછી તેઓ ક્યાં રહેતા હતા?

તમને સવાલ થશે કે ‘લેવીઓને દેશનો કોઈ ભાગ મળ્યો ન હતો, તો તેઓ ક્યાં રહેતા હતા?’ યહોવાહે એની પણ ગોઠવણ કરી હતી. તેઓને ૪૮ શહેરો અને એની આસપાસની જમીનો આપી હતી. એમાં છ “આશ્રયનગરો” પણ આવી જતા હતા. (ગણ. ૩૫:૬-૮) તેઓ જ્યારે યહોવાહના મંડપમાં સેવા કરતા ન હોય, ત્યારે તેઓ પાસે રહેવાની જગ્યા હતી. આ બતાવે છે કે યહોવાહ પોતાની સેવા કરનારાની ચોક્કસ સંભાળ રાખે છે. યહોવાહને જીવનનો ભાગ બનાવવા લેવીઓએ શું કરવાનું હતું? તેઓએ પૂરો ભરોસો મૂકવાનો હતો કે પોતાની બધી જરૂરિયાતો પૂરી કરવા યહોવાહ પાસે શક્તિ છે, અને એમ કરવા તે ચાહે પણ છે.

૭. યહોવાહને જીવનનો હિસ્સા બનાવી રાખવા લેવીઓએ શું કરવાની જરૂર હતી?

એવો કોઈ નિયમ ન હતો કે વ્યક્તિ દસમો ભાગ ન આપે, તો તેને શિક્ષા કરવી. પણ જ્યારે લોકો વારંવાર દસમો ભાગ આપવાનું ચૂકી જતા, ત્યારે યાજકો અને લેવીઓ પર એની અસર થતી. એવું જ કંઈક નહેમ્યાહના દિવસોમાં બન્યું હતું. પરિણામે લેવીઓએ ખાસ સેવા છોડીને ખેતરોમાં કામ કરવા જવું પડ્યું. (નહેમ્યાહ ૧૩:૧૦ વાંચો.) આ સાફ બતાવે છે કે જ્યારે ઈસ્રાએલીઓ વિશ્વાસુ રહીને નિયમો પાળતા, ત્યારે લેવીઓની જરૂરિયાતો પૂરી થતી. તેમ જ યાજકો અને લેવીઓએ પણ વિશ્વાસ રાખવાનો હતો કે યહોવાહ તેઓની સંભાળ રાખશે.

અમુકે યહોવાહને પોતાનો હિસ્સો બનાવ્યા

૮. અમુક સમય માટે આસાફને કેવું લાગ્યું?

લેવીઓએ એક કુળ તરીકે યહોવાહને પોતાનો હિસ્સો બનાવ્યા હતા. અમુક લેવીઓએ વ્યક્તિગત રીતે પણ કહ્યું, “યહોવાહ મારો હિસ્સો છે.” તેઓનું કહેવું હતું કે ઈશ્વર સાથે તેઓનો સંબંધ ગાઢ છે અને તેમનામાં પૂરો ભરોસો છે. (યિ.વિ. ૩:૨૪) એમાંના એક લેવી, ગીતકાર અને ગાયક હતા. તેમને આપણે આસાફ કહીશું, કેમ કે આપણે જાણતા નથી કે તે આસાફ પોતે હતા કે તેમના કુટુંબના કોઈ સભ્ય હતા. * ગીતશાસ્ત્ર ૭૩માં જોવા મળે છે કે આસાફ (અથવા તેમના કોઈ વંશજ) દુષ્ટ લોકોની ઈર્ષા કરવા લાગ્યા. તે સમજી ન શક્યા કે શા માટે દુષ્ટો સુખ-સાહેબીમાં જીવે છે. તેમને એટલું બધું લાગી આવ્યું કે તે પોકારી ઊઠ્યા: ‘ખરેખર, મેં મારું હૃદય અમથું શુદ્ધ કર્યું છે, અને મેં મારા હાથ નકામા નિર્દોષ રાખ્યા છે.’ તે અમુક સમય માટે ભૂલી ગયા કે ભક્તિ કરવાનો તેમને એક ખાસ લહાવો મળ્યો છે. અરે એ પણ ભૂલી ગયા કે યહોવાહ તેમના જીવનનો એક હિસ્સો છે. ‘તે ઈશ્વરના પવિત્રસ્થાનમાં’ પાછા ગયા ત્યાર પછી જ ફરીથી ભક્તિમાં ઉત્સાહી બની શક્યા.—ગીત. ૭૩:૨, ૩, ૧૨, ૧૩, ૧૭.

૯, ૧૦. આસાફ શા માટે યહોવાહને પોતાનો “વારસો” કહી શક્યા?

તમને પણ કોઈ વાર આસાફ જેવું લાગ્યું હશે. કદાચ ભક્તિમાં મળેલા લહાવાને અમુક હદે ભૂલી ગયા હશો. કેવી રીતે સુખ-સાહેબી મેળવવી એનો વિચાર કર્યો હશે. પણ બાઇબલનો ઊંડો અભ્યાસ કરવાથી અને નિયમિત સભાઓમાં જવાથી તમને મદદ મળી. તમે બાબતોને ઈશ્વરની નજરે જોવા લાગ્યા. આસાફ ‘પવિત્રસ્થાનમાં’ પાછા ગયા પછી જ ઈશ્વરની નજરે બાબતોને જોવા લાગ્યા. તે સમજી શક્યા કે દુષ્ટોનું શું થશે. તેમણે પોતાને મળેલા આશીર્વાદોનો વિચાર કર્યો. તે જોઈ શક્યા કે યહોવાહ જાણે તેમનો જમણો હાથ પકડીને દોરી રહ્યા છે. એટલે જ તે યહોવાહને કહી શક્યા કે “પૃથ્વી પર મારો બીજો કોઈ પ્રિય નથી.” (ગીત. ૭૩:૨૩, ૨૫) પછી તેમણે કહ્યું કે યહોવાહ “મારો વારસો છે.” (ગીતશાસ્ત્ર ૭૩:૨૬ વાંચો.) ભલે આસાફનું ‘શરીર અને હૃદય નાશ પામ્યું,’ તોપણ યહોવાહ “સર્વકાળ” સુધી તેમનો વારસો રહેશે. આસાફને પૂરો ભરોસો હતો કે યહોવાહ પોતાના મિત્ર તરીકે હંમેશા તેમને યાદ રાખશે. તેમની સેવાને કદી ભૂલશે નહિ. (સભા ૭:૧) આસાફને આ વિચારથી ઘણો દિલાસો મળ્યો હશે. એટલે જ તેમણે ગાયું: “ઈશ્વર પાસે આવવું, તેમાં મારું કલ્યાણ છે; મેં પ્રભુ યહોવાહને મારો આશ્રય કર્યો છે.”—ગીત. ૭૩:૨૮.

૧૦ આસાફે જ્યારે કહ્યું કે યહોવાહ “મારો વારસો છે” ત્યારે તે ફક્ત લેવીઓને મળતી જીવન જરૂરી વસ્તુઓની વાત કરતા ન હતા. તે તો ભક્તિનો લહાવો અને વિશ્વના માલિક સાથેની મિત્રતા વિષે વાત કરતા હતા. (યાકૂ. ૨:૨૧-૨૩) એ મિત્રતા જાળવી રાખવા તેમણે યહોવાહમાં વિશ્વાસ રાખવાનો હતો. તેમ જ ભરોસો રાખવાનો હતો કે જો તે ઈશ્વરનું કહ્યું કરશે, તો ઘણા આશીર્વાદો મેળવશે. શું તમે પણ યહોવાહમાં એવો જ ભરોસો રાખો છો?

૧૧. યિર્મેયાહને કેવો સવાલ થયો? એનો કઈ રીતે જવાબ મળ્યો?

૧૧ યિર્મેયાહે પણ યહોવાહને પોતાનો હિસ્સો કહ્યા. ચાલો તેમના વિષે જોઈએ. તે એક લેવી હતા અને અનાથોથ નામના લેવીઓના શહેરમાં રહેતા હતા. આ શહેર યરૂશાલેમ પાસે આવેલું હતું. (યિર્મે. ૧:૧) એક સમયે તે પણ મૂંઝવણમાં પડી ગયા કે ‘શા માટે દુષ્ટો સુખી છે અને ન્યાયી વ્યક્તિને દુઃખ સહેવું પડે છે?’ (યિર્મે. ૧૨:૧) યરૂશાલેમ અને યહુદાહમાં જે બની રહ્યું હતું, એ જોઈને યિર્મેયાહે યહોવાહને ‘ફરિયાદ’ કરી. જોકે તે જાણતા હતા કે યહોવાહ ન્યાયી ઈશ્વર છે. યહોવાહે યિર્મેયાહની મૂંઝવણ દૂર કરી અને વિનાશનો સંદેશો જાહેર કરવા મોકલ્યા. પછી એ ભવિષ્યવાણી યહોવાહે સાચી પાડી. જે લોકોએ યહોવાહની ચેતવણી સાંભળી તેઓ બચી ગયા. પણ દુષ્ટ લોકોએ ચેતવણી ના સાંભળી એટલો તેઓનો નાશ થયો.—યિર્મે. ૨૧:૯.

૧૨, ૧૩. (ક) “યહોવાહ મારો હિસ્સો છે,” એવું યિર્મેયાહે કેમ કહ્યું? તેમણે કેવું વલણ બતાવ્યું? (ખ) શા માટે ઈસ્રાએલના બધા કુળોએ યિર્મેયાહની જેમ ‘આશા રાખવાની’ જરૂર હતી?

૧૨ જ્યારે યિર્મેયાહે દેશને તબાહ થયેલો જોયો ત્યારે તેમને લાગ્યું કે પોતે અંધકારમાં ચાલે છે. યહોવાહે જાણે તેમને ‘લાંબા કાળ માટે મૂએલાની જેમ’ બેસાડ્યા હોય એવું લાગ્યું. (યિ.વિ. ૧:૧, ૧૬; ૩:૬) તેમણે વંઠી ગયેલી પ્રજાને યહોવાહ તરફ પાછા ફરવા ચેતવ્યા હતા. પણ તેઓની દુષ્ટતા એટલી બધી વધી ગઈ હતી કે યહોવાહે યરૂશાલેમ અને યહુદાહનો નાશ કરવો પડ્યો. યિર્મેયાહનો કોઈ વાંક ન હતો, તોપણ દેશનો વિનાશ જોઈને તેમને ખૂબ જ દુઃખ થયું. એવા દુઃખી સંજોગોમાં પણ યિર્મેયાહે કહ્યું, “અમે નાશ પામ્યા નથી.” તેમણે યહોવાહની અપાર કૃપા વિષે કહ્યું કે એ “દર સવારે નવી થાય છે.” પછીથી તેમણે કહ્યું: “યહોવાહ મારો હિસ્સો છે.” એટલે યહોવાહના પ્રબોધક તરીકેનો તેમનો લહાવો ચાલુ રહ્યો.—યિર્મેયાહનો વિલાપ ૩:૨૨-૨૪ વાંચો.

૧૩ સિત્તેર વર્ષ સુધી ઈસ્રાએલીઓ ગુલામીમાં હતા. એ દરમિયાન તેઓનો દેશ ઉજ્જડ પડી રહ્યો. (યિર્મે. ૨૫:૧૧) પણ યિર્મેયાહને યહોવાહમાં ભરોસો હતો એટલે તેમણે કહ્યું, “યહોવાહ મારો હિસ્સો છે.” તેમણે ‘આશા રાખી’ કે ઈશ્વર જરૂર કોઈ પગલાં ભરશે. ઈસ્રાએલના બધા જ કુળોએ પોતાનો વારસો ગુમાવી દીધો હતો, એટલે તેઓએ પણ યિર્મેયાહની જેમ આશા રાખવાની જરૂર હતી. ફક્ત યહોવાહ જ તેઓનો આધાર હતા. સિત્તેર વર્ષો પછી ઈશ્વર તેઓને વતનમાં પાછા લાવ્યા. તેઓને ફરીથી યહોવાહની ભક્તિ કરવાનો મોકો મળ્યો.—૨ કાળ. ૩૬:૨૦-૨૩.

શું બીજાઓ પણ યહોવાહને પોતાનો વારસો બનાવી શકે?

૧૪, ૧૫. લેવીઓ સિવાય બીજા કોણે યહોવાહને પોતાનો વારસો બનાવ્યા? શા માટે?

૧૪ આસાફ અને યિર્મેયાહ બંને લેવી કુળના હતા. એટલે સવાલ થાય કે ‘શું ફક્ત લેવી કુળના લોકોને જ ઈશ્વરની સેવા કરવાનો લહાવો હતો?’ ના, એવું નથી. યુવાન દાઊદ, જે ઈસ્રાએલના રાજા બનવાના હતા, તેમણે પણ ઈશ્વરને ‘મારો વારસો’ કહ્યા. (ગીતશાસ્ત્ર ૧૪૨:૧, વાંચો.) દાઊદે જ્યારે ૧૪૨નું ગીત રચ્યું ત્યારે તે કોઈ મહેલ કે ઘરમાં રહેતા ન હતા. તે તો દુશ્મનોથી બચવા, ગુફામાં સંતાયેલા હતા. દાઊદ ઓછામાં ઓછી બે વખત ગુફામાં રહ્યા હતા. એક અદુલ્લામની નજીક અને બીજી એન-ગેદીના વેરાન જગ્યામાં. તે જ્યારે આમાંથી કોઈ એક ગુફામાં હતા ત્યારે ૧૪૨નું ગીત રચ્યું હશે.

૧૫ તે ગુફામાં સંતાઈ ગયા હતા, કેમ કે રાજા શાઊલ તેમને મારી નાખવા માગતા હતા. તે એવી ગુફામાં સંતાઈ ગયા જેથી કોઈ સહેલાઈથી તેમને શોધી ના શકે. (૧ શમૂ. ૨૨:૧,) આવી એકાંત જગ્યાઓમાં દાઊદને લાગ્યું હશે કે તેમની રક્ષા કરવા માટે કોઈ મિત્ર નથી. (ગીત. ૧૪૨:૪) આવા કપરાં સંજોગોમાં દાઊદે ઈશ્વરને આજીજી કરી.

૧૬, ૧૭. (ક) શા માટે દાઊદને એવું લાગ્યું હશે કે તેમને મદદ કરનાર કોઈ નથી? (ખ) દાઊદે કોની પાસે મદદ માંગી?

૧૬ ગીતશાસ્ત્ર ૧૪૨ રચ્યું ત્યાં સુધીમાં દાઊદને ખ્યાલ આવ્યો હશે કે પ્રમુખ યાજક અહીમેલેખનું શું થયું. જ્યારે દાઊદ, શાઊલથી નાસી રહ્યા હતા ત્યારે અહીમેલેખે અજાણતા જ દાઊદને મદદ કરી હતી. શાઊલને અહીમેલેખ પર એટલો ગુસ્સો આવ્યો કે તેને અને તેના કુટુંબને મારી નંખાવ્યું. (૧ શમૂ. ૨૨:૧૧, ૧૮, ૧૯) તેઓના મૃત્યુ માટે દાઊદે પોતાને જવાબદાર ગણ્યા. દાઊદને લાગ્યું કે જાણે તેમણે જ યાજકનું ખૂન કર્યું હોય. જો તમે દાઊદની જગ્યાએ હોત, તો શું તમે એ ખૂન પોતાના માથે લીધું હોત? એ ઓછું હોય એમ, શાઊલ તેમની પાછળ હાથ ધોઈને પડ્યો હતો.

૧૭ થોડા સમય પછી દાઊદને રાજા તરીકે અભિષિક્ત કરનાર પ્રબોધક શમૂએલનું અવસાન થયું. (૧ શમૂ. ૨૫:૧) એ સાંભળીને તો દાઊદને લાગ્યું કે જાણે તેમને મદદ કરનાર કોઈ જ નથી. પણ તે જાણતા હતા કે ચોક્કસ યહોવાહ પાસે મદદ માગી શકે છે. ખરું કે દાઊદ પાસે લેવીઓના જેવો લહાવો ન હતો, પણ તેમને બીજી એક સેવા માટે પસંદ કરવામાં આવ્યા હતા. તે સમય જતા ઈશ્વરના લોકો પર રાજ કરવાના હતા. (૧ શમૂ. ૧૬:૧, ૧૩) તેથી દાઊદ પોતાનું દિલ યહોવાહ આગળ ઠાલવી દે છે. તેમ જ ઈશ્વર પર પૂરો ભરોસો મૂકવાનું ચાલુ રાખે છે. જો ભક્તિમાં બનતું બધું જ કરશો તો તમે પણ યહોવાહમાં ભરોસો રાખી શકશો, અને તેમને પોતાનો વારસો બનાવી શકશો.

૧૮. આ લેખમાં જોઈ ગયેલા ઈશ્વરભક્તોએ કઈ રીતે બતાવ્યું કે યહોવાહ તેઓનો હિસ્સો છે?

૧૮ આપણે જોઈ ગયા કે કેટલાંક ઈશ્વરભક્તોએ યહોવાહને પોતાનો હિસ્સો બનાવ્યા. ઈશ્વરભક્તો માટે એનો શું અર્થ થતો હતો? એ જ કે ઈશ્વરભક્તિમાં મળેલા કામને તેઓએ એક લહાવો ગણ્યો. તેઓએ એ પણ ભરોસો રાખ્યો કે યહોવાહ તેઓની સંભાળ રાખશે. લેવીઓએ યહોવાહને પોતાના જીવનનો હિસ્સો બનાવ્યા. દાઊદ ભલે બીજા કુળના હતા, છતાં તેમણે યહોવાહને પોતાનો વારસો ગણ્યા. તેઓની જેમ આપણે યહોવાહને પોતાનો હિસ્સો કેવી રીતે બનાવી શકીએ? એ વિષે આપણે હવે પછીના લેખમાં જોઈશું. (w11-E 09/15)

[ફુટનોટ્‌સ]

^ યહોવાહે યાજકોની કઈ રીતે સંભાળ રાખી એ વિષે વધારે જાણવા, ઇન્સાઈટ ઓન ધ સ્ક્રીપ્ચર્સ, બીજો ગ્રંથ, પાન ૬૮૪ જુઓ.

^ આસાફ તો રાજા દાઊદના સમયમાં લેવીઓમાં મુખ્ય ગાયક હતા.—૧ કાળ. ૬:૩૧-૪૩.

તમે કેવો જવાબ આપશો?

• યહોવાહ કઈ રીતે લેવીઓનો હિસ્સો બન્યા?

• યહોવાહ પોતાના જીવનનો હિસ્સો છે એ બતાવવા આસાફ, યિર્મેયાહ અને દાઊદે શું કર્યું?

• ઈશ્વરને પોતાના જીવનનો હિસ્સો બનાવવા તમારે કેવો ગુણ કેળવવાની જરૂર છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૧ પર બ્લર્બ]

લેવીઓને દેશનો કોઈ હિસ્સો મળ્યો ન હતો. એને બદલે યહોવાહ તેઓનો હિસ્સો હતા, કેમ કે તેઓને ભક્તિ કરવાનો ખાસ લહાવો મળ્યો હતો

[પાન ૧૦ પર ચિત્ર]

યહોવાહ કઈ રીતે યાજકો અને લેવીઓનો હિસ્સો બન્યા?

[પાન ૧૨ પર ચિત્ર]

યહોવાહને જીવનનો હિસ્સો બનાવી રાખવા, આસાફને શામાંથી મદદ મળી?