સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું યહોવાહ તમને પોતાનાં ગણે છે?

શું યહોવાહ તમને પોતાનાં ગણે છે?

શું યહોવાહ તમને પોતાનાં ગણે છે?

‘જે પોતાનાં છે તેઓને યહોવાહ ઓળખે છે.’—૨ તીમો. ૨:૧૯.

૧, ૨. (ક) ઈસુના મને શું સૌથી મહત્ત્વનું હતું? (ખ) આપણે કેવા સવાલો પર વિચાર કરવો જોઈએ?

 એક ફરોશીએ ઈસુને પૂછ્યું: “નિયમશાસ્ત્રમાં સહુથી મોટી આજ્ઞા કઈ છે?” ઈસુએ તેને કહ્યું: ‘યહોવાહ તારા ઈશ્વર પર તું તારા પૂરા હૃદયથી, ને તારા પૂરા જીવથી, ને તારા પૂરા મનથી પ્રીતિ કર.’ (માથ. ૨૨:૩૫-૩૭) ઈસુએ આ શબ્દો પ્રમાણે જ કર્યું, કેમ કે તેમને પિતા યહોવાહ માટે ખૂબ જ પ્રેમ હતો. તે યહોવાહ આગળ સારું નામ બનાવવા માગતા હતા, એટલે આખું જીવન ઈશ્વરની ઇચ્છા પ્રમાણે જીવ્યા. તે મરણના થોડા સમય પહેલાં કહી શક્યા: ‘હું મારા પિતાની આજ્ઞાઓ પાળીને તેમના પ્રેમમાં રહું છું.’—યોહા. ૧૫:૧૦.

આજે ઘણા લોકો ઈશ્વરને પ્રેમ કરવાનો દાવો કરે છે. આપણે પણ એમ જ કહીએ છીએ. જોકે આપણે આ મહત્ત્વના સવાલો પર વિચાર કરવો જોઈએ: ‘મારા વિષે યહોવાહ શું વિચારે છે? શું તે મને ઓળખે છે? શું તે મને પોતાનો ગણે છે?’ (૨ તીમો. ૨:૧૯) વિશ્વના માલિક સાથે ગાઢ સંબંધ રાખવાનો આપણી પાસે કેટલો મોટો લહાવો છે!

૩. અમુકને કેમ એવું માનવું અઘરું લાગે છે કે યહોવાહ તેમને મિત્ર બનાવી શકે છે? એવા વિચારો દૂર કરવા તેઓને શું મદદ કરી શકે?

ઘણી વ્યક્તિઓ યહોવાહને ખૂબ ચાહે છે. પણ તેઓમાંના અમુકને એ માનવું અઘરું લાગે છે કે યહોવાહ તેમને મિત્ર બનાવી શકે છે. તેઓને લાગે છે કે પોતે સાવ નકામા છે. એટલે તેઓને સવાલ થાય છે કે ‘યહોવાહ તેઓને કઈ રીતે પોતાના ગણી શકે?’ પણ ખુશીની વાત છે કે યહોવાહ આપણી જેમ વિચારતા નથી. (૧ શમૂ. ૧૬:૭) પ્રેરિત પાઊલે સાથી ખ્રિસ્તીઓને લખ્યું હતું: ‘જો કોઈ ઈશ્વર પર પ્રેમ રાખે છે, તો ઈશ્વર તેને ઓળખે છે.’ (૧ કોરીં. ૮:૩) જો વ્યક્તિને ઈશ્વર માટે પ્રેમ હશે તો ઈશ્વર તેને ચોક્કસ ઓળખશે. જરા વિચારો: તમે આ મૅગેઝિન કેમ વાંચી રહ્યા છો? શા માટે તમે પૂરા તન-મનથી યહોવાહની ભક્તિ કરવા માગો છો? જો તમે સમર્પણ કર્યું હોય અને બાપ્તિસ્મા લીધું હોય, તો કેમ એ પગલાં ભર્યાં? બાઇબલ જણાવે છે કે યહોવાહ દરેકનું હૃદય તપાસે છે અને નેક લોકોને પોતાની તરફ ખેંચે છે. (હાગ્ગાય ૨:૭; યોહાન ૬:૪૪ વાંચો.) તેથી, કહી શકાય કે યહોવાહે તમને ખેંચ્યા છે એટલે જ તેમની ભક્તિ કરી શકો છો. જ્યાં સુધી વિશ્વાસુ રહીએ ત્યાં સુધી તે કદી આપણને છોડી દેશે નહિ. ઈશ્વર આપણને ખૂબ જ વહાલા અને કીમતી ગણે છે.—ગીત. ૯૪:૧૪.

૪. આપણે હંમેશાં શું યાદ રાખવું જોઈએ? શા માટે?

યહોવાહે આપણને પોતાની તરફ ખેંચ્યા છે, એટલે હંમેશાં તેમના પ્રેમની છાયામાં રહેવું મહત્ત્વનું છે. (યહુદા ૨૦, ૨૧ વાંચો.) એ માટે બાઇબલમાં જે લખ્યું છે એને હંમેશાં યાદ રાખવું જોઈએ. એમાં જણાવ્યું છે કે આપણે અજાણતા અથવા તો જાણીજોઈને ઈશ્વરથી દૂર જઈ શકીએ છીએ. (હેબ્રી ૨:૧; ૩:૧૨, ૧૩) દાખલા તરીકે, પાઊલે ૨ તીમોથી ૨:૧૯ના શબ્દો કહેતા પહેલાં હુમનાયસ અને ફીલેતસનો ઉલ્લેખ કર્યો. તેઓને યહોવાહ પોતાના ગણતા હતા. પણ પછીથી તેઓ સત્યથી દૂર ચાલ્યા ગયા. (૨ તીમો. ૨:૧૬-૧૮) ગલાતીઆના મંડળોમાંથી પણ અમુક ભાઈ-બહેનો ઈશ્વર અને સત્ય છોડીને જતા રહ્યા. (ગલા. ૪:૯) આપણે તેઓ જેવા ના બનીએ પણ યહોવાહ સાથેની મિત્રતાને કીમતી લહાવો ગણીએ.

૫. (ક) યહોવાહ કેવા ગુણોની કદર કરે છે? (ખ) આપણે શાની ચર્ચા કરીશું?

યહોવાહ આપણને સારી રીતે ઓળખે એવું ઇચ્છતા હોઈએ તો અમુક ગુણો કેળવવા જોઈએ. (ગીત. ૧૫:૧-૫; ૧ પીત. ૩:૪) જેમ કે વિશ્વાસ અને નમ્રતા. ચાલો આપણે બે વ્યક્તિઓનો વિચાર કરીએ, જેઓએ આ ગુણો બતાવ્યા હતા. યહોવાહ તેઓને ખૂબ જ વહાલા ગણતા હતા. આપણે એવી એક વ્યક્તિ વિષે પણ વાત કરીશું, જે માનતી હતી કે ઈશ્વર તેને ઓળખે છે. પણ પછીથી તે ઘમંડી બની ગઈ એટલે ઈશ્વરે તેનો નકાર કર્યો. આ દાખલાઓમાંથી આપણે મહત્ત્વનો બોધપાઠ લઈ શકીએ છીએ.

વિશ્વાસનો સારો દાખલો

૬. (ક) યહોવાહના વચનોમાં વિશ્વાસ હોવાથી ઈબ્રાહીમે શું કર્યું? (ખ) યહોવાહે ઈબ્રાહીમને કેવા ગણ્યા?

ઈબ્રાહીમે “યહોવાહ પર વિશ્વાસ કર્યો,” એ કારણથી તેમને ‘વિશ્વાસીઓના પૂર્વજ’ કહેવામાં આવ્યા. (ઉત. ૧૫:૬; રોમ. ૪:૧૧) ઈશ્વરમાં વિશ્વાસ હોવાથી તે પોતાનું ઘર, એશઆરામી જીવન અને મિત્રો છોડીને બીજા દેશમાં રહેવા ગયા. (ઉત. ૧૨:૧-૪; હેબ્રી ૧૧:૮-૧૦) વર્ષો પછી પણ ઈબ્રાહીમનો વિશ્વાસ મજબૂત હતો. એવું કેમ કહી શકીએ? યહોવાહે જ્યારે ઈબ્રાહીમને પોતાના દીકરા “ઈસ્હાકનું બલિદાન” આપવા કહ્યું ત્યારે ઈબ્રાહીમ એમ કરવા તૈયાર થઈ ગયા. (હેબ્રી ૧૧:૧૭-૧૯) યહોવાહના વચનોમાં ઈબ્રાહીમને પૂરો વિશ્વાસ હતો. એટલે જ તે યહોવાહની નજરમાં એક ખાસ વ્યક્તિ બન્યા. (ઉત્પત્તિ ૧૮:૧૯ વાંચો.) આ બતાવે છે કે યહોવાહે ઈબ્રાહીમને પોતાના મિત્ર ગણ્યા.—યાકૂ. ૨:૨૨, ૨૩.

૭. યહોવાહે ઈબ્રાહીમને કેવા વચનો આપ્યા હતા? ઈબ્રાહીમે ભલે એ વચનો પૂરા થતા ના જોયા છતાં તેમણે શું કર્યું?

યહોવાહે ઈબ્રાહીમને વચન આપ્યું હતું કે તેમના વંશજો વચનના દેશમાં રહેશે. તેમ જ તેઓની સંખ્યા ‘સમુદ્રના કાંઠાની રેતી જેટલી’ થશે. (ઉત. ૨૨:૧૭, ૧૮) જોકે ઈબ્રાહીમે આ વચનો પૂરા થતા ના જોયા, છતાં તેમણે મરતાં સુધી યહોવાહમાં દૃઢ વિશ્વાસ રાખ્યો. તેમને પૂરી ખાતરી હતી કે યહોવાહના વચનો અચૂક પૂરા થશે. સાચે જ, ઈબ્રાહીમે પોતાના જીવનથી બતાવી આપ્યું કે તેમને યહોવાહમાં પૂરો વિશ્વાસ હતો. (હેબ્રી ૧૧:૧૩ વાંચો.) શું યહોવાહ તમને પણ ઈબ્રાહીમની જેમ વિશ્વાસુ વ્યક્તિ ગણે છે?

ધીરજ રાખીને યહોવાહમાં વિશ્વાસ બતાવીએ

૮. વ્યક્તિઓની શું ઇચ્છાઓ હોય છે?

દરેક વ્યક્તિની અમુક ઇચ્છાઓ હોય છે. જેમ કે સારો જીવનસાથી મળે, બાળકો થાય તેમ જ સારી તંદુરસ્તી જળવાઈ રહે. આવી ઇચ્છાઓ રાખવામાં કઈ ખોટું નથી. પણ ઘણાની અમુક ઇચ્છાઓ પૂરી થતી નથી. શું તમારા કિસ્સામાં એવું બન્યું છે? એવા સંજોગોમાં જે રીતે વર્તીએ, એ બતાવે છે કે આપણામાં કેટલો વિશ્વાસ છે.

૯, ૧૦. (ક) અમુકે પોતાની ઇચ્છા પૂરી કરવા શું કર્યું છે? (ખ) યહોવાહના વચનો પૂરા થવા વિષે તમને કેવું લાગે છે?

જો આપણે યહોવાહના માર્ગદર્શન વિરુદ્ધ પોતાની ઇચ્છાઓ પૂરી કરીશું તો એ મૂર્ખામી કહેવાશે. અરે, યહોવાહ સાથેનો આપણો સંબંધ પણ તૂટી જશે. દાખલા તરીકે અમુકે એવી સારવાર પસંદ કરી છે, જે યહોવાહના માર્ગદર્શન વિરુદ્ધ છે. જ્યારે કે બીજાઓએ એવી નોકરી પસંદ કરી છે, જેનાથી કુટુંબ અને મંડળથી દૂર થઈ ગયા છે. તો અમુક, સત્યની બહારના વ્યક્તિઓના પ્રેમમાં પડ્યા છે. જો કોઈ એ પ્રમાણે કરે તો શું તે બતાવે છે કે પોતે યહોવાહનો મિત્ર રહેવા માગે છે? ઈશ્વરના વચનો પૂરાં થાય એ માટે જો ઈબ્રાહીમ અધીરા બની ગયા હોત, તો યહોવાહને કેવું લાગ્યું હોત? યહોવાહની રાહ જોવાને બદલે, જો ઈબ્રાહીમ ફરીથી ઠરીઠામ થઈ ગયા હોત અને પોતાનું નામ મોટું મનાવ્યું હોત તો શું બન્યું હોત? (વધુ માહિતી: ઉત્પત્તિ ૧૧:૪) શું યહોવાહે તેમને મિત્ર તરીકે ગણ્યા હોત?

૧૦ તમે કેવી ઇચ્છા પૂરી થતા જોવા માગો છો? શું તમને વિશ્વાસ છે કે યહોવાહ તમારી યોગ્ય ઇચ્છાઓને પૂરી કરશે? (ગીત. ૧૪૫:૧૬) ઈબ્રાહીમની જેમ, યહોવાહે આપેલું વચન કદાચ આપણે ઇચ્છીએ ત્યારે પૂરું ન થાય. તેમ છતાં, એ વચનોમાં વિશ્વાસ બતાવીએ અને એ પ્રમાણે જીવીએ ત્યારે યહોવાહ એની કદર કરે છે. એ પ્રમાણે કરવામાં આપણું જ ભલું છે.—હેબ્રી ૧૧:૬.

નમ્રતાનો અને ઘમંડનો દાખલો

૧૧. કોરાહને કેવા લહાવા મળ્યા હતા? એ શું બતાવતું હતું?

૧૧ યહોવાહની ગોઠવણ અને નિર્ણયને માન આપવાની બાબતમાં મુસા અને કોરાહ વચ્ચે મોટો તફાવત જોવા મળ્યો. તેઓ જે રીતે વર્ત્યા એનાથી સાબિત થયું કે યહોવાહે તેઓને કેવા ગણ્યા. કોરાહ, લેવી કુળના કહાથી કુટુંબમાંથી આવ્યો હતો. તેને ઘણા લહાવા મળ્યા હતા. જેમ કે, યહોવાહે ઈસ્રાએલીઓને રાતા સમુદ્રમાંથી બચાવ્યા એ જોવાનો લહાવો મળ્યો હશે. સિનાય પર્વત પાસે બંડખોર ઈસ્રાએલીઓનો યહોવાહે ન્યાય કર્યો ત્યારે કોરાહ યહોવાહના પક્ષમાં રહ્યો હશે. કરારકોશને એક જગ્યાએથી બીજે લઈ જવામાં પણ સાથ આપ્યો હશે. (નિર્ગ. ૩૨:૨૬-૨૯; ગણ. ૩:૩૦, ૩૧) તે ઘણા વર્ષો સુધી યહોવાહને વિશ્વાસુ રહ્યો હતો. એના લીધે જ ઘણા ઈસ્રાએલીઓ તેને માન આપતા હતા.

૧૨. પાન ૩૧માં બતાવ્યા પ્રમાણે કોરાહે શું કર્યું? એના લીધે યહોવાહ સાથેની મિત્રતાનું શું થયું?

૧૨ ઈસ્રાએલીઓ વચનના દેશ તરફ જઈ રહ્યા હતા, ત્યારે કોરાહનું મન બદલાવા લાગ્યું. તેને લાગ્યું કે ઈશ્વરે કરેલી આગેવાનોની ગોઠવણમાં કંઈક ખામી છે. એ ગોઠવણમાં ફેરફાર કરવા માટે બીજા ૨૫૦ માણસો કોરાહ સાથે જોડાયા. તેઓને લાગ્યું હશે કે ઈશ્વર સાથેનો તેઓનો સંબંધ બહુ મજબૂત છે. તેઓએ મુસા અને હારુનને કહ્યું: “આખી જમાતમાંના સર્વ પવિત્ર છે, ને યહોવાહ તેઓની મધ્યે છે.” (ગણ. ૧૬:૧-૩) તેઓએ પોતામાં વધારે પડતો ભરોસો મૂક્યો. કેવું ઘમંડી વલણ! મુસાએ તેઓને કહ્યું: ‘કોણ તેના છે એ યહોવાહ કાલે દેખાડશે.’ (ગણના ૧૬:૫ વાંચો.) બીજા દિવસના અંતે કોરાહ અને તેના સાથીઓમાંથી કોઈ બચ્યું નહિ.—ગણ. ૧૬:૩૧-૩૫.

૧૩, ૧૪. મુસાએ કયા સંજોગોમાં પોતાની નમ્રતા બતાવી?

૧૩ કોરાહથી સાવ અલગ, મુસા તો ‘પૃથ્વી પરના સર્વ લોક કરતાં નમ્ર હતા.’ (ગણ. ૧૨:૩) યહોવાહના માર્ગદર્શન પ્રમાણે કરવા તેમણે દૃઢ નિર્ણય કર્યો હતો. એ પ્રમાણે કરીને તેમણે નમ્રતા બતાવી. (નિર્ગ. ૭:૬; ૪૦:૧૬) મુસાએ યહોવાહની કામ કરવાની રીત પર શંકા ઉઠાવી હોય અથવા તેમના માર્ગદર્શનથી ચિડાઈ ગયા હોય એવું બહુ જોવા મળતું નથી. દાખલા તરીકે મંડપ બાંધવા યહોવાહે ઝીણામાં ઝીણી વિગતો આપી હતી. જેમ કે, દોરાનો રંગ કેવો હોવો જોઈએ, તંબુ માટેના કપડાંમાં કેટલાં નાકાં રાખવાં વગેરે વગેરે. (નિર્ગ. ૨૬:૧-૬) યહોવાહના સંગઠનમાં શું કોઈ આગેવાન તમને કોઈ કામ પૂરું કરવા ઝીણી-ઝીણી માહિતી આપે છે? એ માર્ગદર્શન આપે ત્યારે શું તમે ચિડાઈ જાવ છો? જોકે યહોવાહ તો સૌથી સારા આગેવાન છે. તે પોતાના સેવકોને જવાબદારી સોંપે છે, અને ભરોસો રાખે છે કે તેઓ એ પૂરી કરશે. જ્યારે તે ઝીણી-ઝીણી વિગતો આપે છે ત્યારે એ આપણા ભલા માટે જ હોય છે. યહોવાહે એવું માર્ગદર્શન આપ્યું ત્યારે મુસા ચિડાઈ ગયા નહિ. તેમણે એવું ન વિચાર્યું કે યહોવાહ તેમને બુદ્ધુ સમજીને માર્ગદર્શન આપ્યા કરે છે. અથવા પોતાની આવડતનો ઉપયોગ કરવા દેતા નથી. એને બદલે મુસાએ ખાતરી રાખી કે મંડપના કારીગરો ઈશ્વરની “સર્વ આજ્ઞા પ્રમાણે” કરે. (નિર્ગ. ૩૯:૩૨) સાચે જ મુસાએ કેટલી નમ્રતા બતાવી! મુસા જાણતા હતા કે યહોવાહ તો પોતાનું કામ પૂરું કરવા તેમનો એક સાધન તરીકે ઉપયોગ કરે છે.

૧૪ મુસા પાસે નિરાશ થવાના અમુક કારણો હતા ત્યારે પણ તેમણે નમ્રતા બતાવી. મુસા અને તેમના ભાઈ હારુને ઘણા વર્ષો સુધી ઈસ્રાએલીઓની કચકચ સહન કરી હતી. પણ એક વાર મુસાએ પોતાનો કાબૂ ગુમાવ્યો અને યહોવાહને મહિમા આપવાનું ચૂકી ગયા. પરિણામે યહોવાહે મુસાને જણાવ્યું કે તે લોકોને વચનના દેશમાં નહિ લઈ જઈ શકે. (ગણ. ૨૦:૨-૧૨) એ દેશમાં જવાની તો તે વર્ષોથી રાહ જોતા હતા. આવા સમયે મુસા કઈ રીતે વર્ત્યા? જરૂર તે નિરાશ થયા હશે, પણ તેમણે યહોવાહના નિર્ણયને નમ્રતાથી સ્વીકાર્યો. તે જાણતા હતા કે યહોવાહ ન્યાયી ઈશ્વર છે, અને કદી કોઈની સાથે અન્યાય કરતા નથી. (પુન. ૩:૨૫-૨૭; ૩૨:૪) આપણે મુસાનો વિચાર કરીએ તો ચોક્કસ કહી શકીએ કે યહોવાહે તેમને પોતાના મિત્ર ગણ્યા હશે.—નિર્ગમન ૩૩:૧૨, ૧૩ વાંચો.

યહોવાહની આજ્ઞા પાડવા નમ્રતા જરૂરી

૧૫. કોરાહના ઘમંડી વલણમાંથી આપણે શું બોધપાઠ લઈ શકીએ?

૧૫ યહોવાહના સંગઠન તરફથી કોઈ ફેરફાર કરવામાં આવે ત્યારે આપણે શું કરીએ છીએ? અથવા આગેવાની લેતા ભાઈઓ કોઈ નિર્ણય લે ત્યારે આપણને કેવું લાગે છે? જો એ દિલથી સ્વીકારીએ તો આપણે બતાવીએ છીએ કે યહોવાહના મિત્ર રહેવા માગીએ છીએ. કોરાહ અને તેના સાથીઓ વધારે પડતો આત્મવિશ્વાસ, ઘમંડ અને શ્રદ્ધાની ખામીને લીધે ઈશ્વરથી દૂર થઈ ગયા. કોરાહની નજરે તો મુસા ફક્ત એક વૃદ્ધ માણસ હતા, જે પ્રજાને નિયમો આપતા હતા. મુસા દ્વારા ખરેખર યહોવાહ પ્રજાને દોરી રહ્યા છે એ તે ભૂલી ગયો. આ કારણને લીધે યહોવાહ જેઓનો ઉપયોગ કરતા હતા તેઓને કોરાહ વફાદાર રહ્યો નહિ. કોરાહે યહોવાહ પર ભરોસો રાખ્યો હોત તો કેટલું સારું થાત! કોરાહે ઘમંડ રાખીને પોતાનું સારું નામ બગાડ્યું.

૧૬. કેવી બાબતોમાં મુસા જેવા નમ્ર બની શકીએ? નમ્ર બનીશું તો યહોવાહ આપણને કેવા ગણશે?

૧૬ આ અહેવાલમાંથી આજે વડીલો અને મંડળના બીજા ભાઈ-બહેનોને ચેતવણી મળે છે. જરૂરી ફેરફાર કરવા યહોવાહ પગલાં લેશે એવો ભરોસો રાખીએ. તેમ જ આગેવાનોના માર્ગદર્શન પ્રમાણે કરવા નમ્રતા જરૂરી છે. શું આપણે મુસા જેવી નમ્રતા બતાવીએ છીએ? શું આપણે આગેવાનોને માન આપીને તેઓના માર્ગદર્શનને સ્વીકારીએ છીએ? જ્યારે નિરાશ થઈ જઈએ, ત્યારે શું આપણે પોતાની લાગણીઓને કાબૂમાં રાખીએ છીએ? એમ કરીશું તો યહોવાહ આપણને પોતાના ગણશે. જો આપણે નમ્ર રહીશું અને ઈશ્વરનું કહ્યું કરીશું, તો તે આપણને કીમતી ગણશે.

યહોવાહ જાણે છે કે કોણ પોતાના છે

૧૭, ૧૮. યહોવાહ આપણને પોતાના ગણતા રહે, એ માટે શું કરવું જોઈએ?

૧૭ યહોવાહે જેઓને મિત્ર ગણ્યા છે, તેઓના દાખલા પર વિચાર કરવાથી આપણને ફાયદો થશે. ઈબ્રાહીમ અને મુસાએ પણ આપણી જેમ ભૂલો કરી હતી. પણ યહોવાહે તેઓને પોતાના ગણ્યા. જ્યારે કે કોરાહનો દાખલો બતાવે છે કે જો આપણે ધ્યાન નહિ રાખીએ તો યહોવાહથી દૂર જતા રહીશું. તે આપણને પોતાના ગણશે નહિ. ચાલો આપણે આ સવાલો પર વિચાર કરીએ: ‘મારા વિષે યહોવાહ શું વિચારે છે? બાઇબલના આ અહેવાલોમાંથી હું શું શીખી શકું?’

૧૮ જે લોકો યહોવાહને વિશ્વાસુ રહે છે તેઓને તે પોતાના ગણે છે. આ જાણીને આપણને ઘણું ઉત્તેજન મળે છે. જો આપણે વિશ્વાસ, નમ્રતા અને એના જેવા બીજા ગુણો કેળવતા રહીશું, તો યહોવાહની વધારે નજીક જઈ શકીશું. જો યહોવાહ આપણને ઓળખે અને પોતાના ગણે, તો એ બહુ મોટો લહાવો કહેવાય! એનાથી આજના જીવનમાં તો સંતોષ મળશે, ભાવિ પણ ઉજ્જવળ બનશે.—ગીત. ૩૭:૧૮. (w11-E 09/15)

તમે શું કહેશો?

• યહોવાહ આપણને પોતાના ગણે એનો અર્થ શું થાય?

• ઈબ્રાહીમના વિશ્વાસને અનુસરવા તમે શું કરશો?

• કોરાહ અને મુસાના દાખલામાંથી તમે શું શીખી શકો?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૯ પર ચિત્ર]

ઈબ્રાહીમની જેમ શું આપણને ભરોસો છે કે યહોવાહ પોતાના વચનો પૂરાં કરશે જ?

[પાન ૩૧ પર ચિત્ર]

કોરાહ ન નમ્ર રહ્યો ન માર્ગદર્શન સ્વીકાર્યું

[પાન ૩૨ પર ચિત્ર]

શું યહોવાહ જોઈ શકે છે કે તમે નમ્રતાથી માર્ગદર્શન સ્વીકારો છો?