સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વર કેમ દુઃખ-તકલીફો ચાલવા દે છે?

ઈશ્વર કેમ દુઃખ-તકલીફો ચાલવા દે છે?

બાઇબલમાંથી શીખો

ઈશ્વર કેમ દુઃખ-તકલીફો ચાલવા દે છે?

આ લેખમાં જે સવાલો છે એ કદાચ તમને પણ થયા હશે. એના જવાબો બાઇબલમાંથી આપવામાં આવ્યા છે. યહોવાહના સાક્ષીઓને આ વિષે તમારી સાથે વાત કરવાનું ગમશે.

૧. દુઃખ-તકલીફોની શરૂઆત કેવી રીતે થઈ?

ઈશ્વરે સ્વર્ગમાં દૂતોને બનાવ્યા હતા. પણ એમાંથી એક દૂત “સત્યમાં સ્થિર રહ્યો નહિ.” (યોહાન ૮:૪૪) તે પહેલી વાર જૂઠું બોલ્યો ત્યારથી પૃથ્વી પર દુઃખ-તકલીફોની શરૂઆત થઈ. એ ખરાબ દૂત શેતાન તરીકે ઓળખાયો. ઈશ્વરને જે ભક્તિ મળવી જોઈએ એની તે લાલચ કરવા લાગ્યો. શેતાન પ્રથમ સ્ત્રી હવા સામે જૂઠું બોલ્યો અને ઈશ્વરને બદલે પોતાનું માનવા કહ્યું. આદમ પણ તેઓની સાથે જોડાઈ ગયો અને ઈશ્વરની આજ્ઞા તોડી. આદમના આ ખોટા નિર્ણયને લીધે માણસ પર દુઃખ-તકલીફ અને મરણ આવ્યા.—ઉત્પત્તિ ૩:૧-૬, ૧૭-૧૯ વાંચો.

શેતાને જ્યારે હવાને ઈશ્વરની આજ્ઞા તોડવા ઉશ્કેરી ત્યારે તે ઈશ્વરના રાજ સામે બંડ કરતો હતો. આજે મોટા ભાગના લોકો શેતાનની સાથે જોડાઈને ઈશ્વરને રાજા તરીકે સ્વીકારતા નથી. આમ શેતાન “આ જગતનો અધિકારી” બન્યો છે.—યોહાન ૧૪:૩૦; પ્રકટીકરણ ૧૨:૯ વાંચો.

૨. શું ઈશ્વરના સર્જનમાં કોઈ ખામી હતી?

ઈશ્વરે માણસો અને સ્વર્ગદૂતોને બનાવ્યા ત્યારે તેઓમાં કોઈ જ ખામી ન હતી. તેઓ દરેક રીતે ઈશ્વરની આજ્ઞા પાળી શકે એ રીતે બનાવ્યા હતા. (પુનર્નિયમ ૩૨:૪, ૫) ઈશ્વરે આપણને ખરું કે ખોટું પસંદ કરવાની છૂટ આપી છે. એ છૂટના લીધે આપણે સારી પસંદગી કરીને ઈશ્વર માટે પ્રેમ બતાવી શકીએ છીએ.—યાકૂબ ૧:૧૩-૧૫; ૧ યોહાન ૫:૩ વાંચો.

૩. શા માટે ઈશ્વરે દુઃખ-તકલીફોને ચાલવા દીધા છે?

શા માટે યહોવાહે પોતાની સત્તા સામે ઉઠેલ બંડને અત્યાર સુધી ચાલવા દીધું છે? એટલા માટે કે લોકો જાણી શકે કે ઈશ્વરની મદદ વગર તેઓ સારી રીતે રાજ કરી શકતા નથી. (યિર્મેયાહ ૧૦:૨૩) એની સાબિતી માણસો આશરે ૬,૦૦૦ વર્ષોથી જોતા આવ્યા છે. તેઓએ જોયું છે કે માનવીય સરકાર યુદ્ધ, ગુના, અન્યાય અને બીમારીઓને દૂર કરી શકી નથી.—સભાશિક્ષક ૭:૨૯; ૮:૯; રોમનો ૯:૧૭ વાંચો.

એનાથી એકદમ ઊલટું જેઓ ઈશ્વરની સત્તાને સ્વીકારે છે, તેઓને લાભ થયો છે. (યશાયાહ ૪૮:૧૭, ૧૮) જલદી જ યહોવાહ આ સરકારોનો નાશ કરશે, પરંતુ જેઓ તેમને રાજા માને છે તેઓને બચાવી લેશે.—યશાયાહ ૨:૩, ૪; ૧૧:૯; દાનીયેલ ૨:૪૪ વાંચો.

૪. ઈશ્વરની ધીરજને લીધે આપણને કેવી તક મળી છે?

શેતાને દાવો કર્યો છે કે કોઈ પણ મનુષ્ય યહોવાહને વફાદાર નહિ રહે. જોકે ઈશ્વરની ધીરજને લીધે સર્વને એક તક મળી છે. એ તક છે કે તેઓ કોના રાજને સ્વીકારશે, ઈશ્વરના કે માણસોના. આપણે જે રીતે જીવીએ એનાથી સાબિત થશે કે આપણે કોના પક્ષમાં છીએ.—અયૂબ ૧:૮-૧૧; નીતિવચનો ૨૭:૧૧ વાંચો.

૫. ઈશ્વરને રાજા તરીકે સ્વીકારવા શું કરવું જોઈએ?

આપણે બાઇબલનો ઊંડો અભ્યાસ કરવો જોઈએ અને એ પ્રમાણે જીવવું જોઈએ. (યોહાન ૧૭:૧૭) ઉપરાંત આપણે ઈસુની જેમ રાજકારણ તેમ જ યુદ્ધમાં ભાગ લેવો ના જોઈએ.—યોહાન ૧૭:૧૪ વાંચો.

શેતાન, અનૈતિકતા તેમ જ નુકસાન કરતા રીત-રિવાજો પાળવા લોકોને ઉશ્કેરે છે. જ્યારે એ પ્રમાણે કરતા નથી ત્યારે મિત્રો તેમ જ સગા-વહાલા આપણી મજાક ઉડાવે કે વિરોધ કરે છે. (૧ પીતર ૪:૩, ૪) જોકે પસંદગી આપણા હાથમાં રહેલી છે. શું આપણે એવા લોકોની સંગત રાખીશું જેઓ ઈશ્વરને પ્રેમ કરે છે? શું આપણે ઈશ્વરના પ્રેમાળ માર્ગદર્શનને અનુસરીશું? જો એમ કરીશું તો શેતાનને જૂઠો સાબિત કરીશું, કેમ કે તેણે દાવો કર્યો છે કે કોઈ પણ માણસ ઈશ્વરનું કહ્યું કરશે નહિ.—૧ કોરીંથી ૬:૯, ૧૦; ૧૫:૩૩ વાંચો. (w11-E 05/01)

વધારે માહિતી માટે, આ પુસ્તકનું, પવિત્ર બાઇબલ શું શીખવે છે? અગિયારમું પ્રકરણ જુઓ. આ પુસ્તક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

[પાન ૨૨ પર ચિત્ર]

આદમે ખોટી પસંદગી કરી

[પાન ૨૩ પર ચિત્ર]

આપણી પસંદગી બતાવશે કે ઈશ્વરને રાજા તરીકે સ્વીકારીએ છીએ કે નહિ