સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કુંવારાપણા અને લગ્‍ન વિષે સલાહ

કુંવારાપણા અને લગ્‍ન વિષે સલાહ

કુંવારાપણા અને લગ્‍ન વિષે સલાહ

‘આ હું તમને કહું છું, તમને ફાંદામાં નાખવાને માટે નહિ, પણ તમે યોગ્ય રીતે ચાલો અને એકાગ્ર ચિત્તે પ્રભુની સેવા કરો એ માટે કહું છું.’—૧ કોરીં. ૭:૩૫.

૧, ૨. શા માટે વ્યક્તિએ કુંવારાપણા અને લગ્‍ન વિષે બાઇબલની સલાહ શોધવી જોઈએ?

 સ્ત્રી અને પુરુષના સંબંધોની વાત આવે છે ત્યારે, લોકો ઘણી લાગણીઓ અનુભવે છે. જેમ કે, ક્યારેક આનંદ તો ક્યારેક નિરાશા, અથવા ક્યારેક ચિંતા. આવી લાગણીઓ થતી હોવાને લીધે આપણે ઈશ્વરનું માર્ગદર્શન લેવાની જરૂર છે. બીજાં પણ ઘણાં કારણો છે, જેને લીધે આપણને તેમના માર્ગદર્શનની જરૂર છે. દાખલા તરીકે, અમુક ભાઈ-બહેનો કુંવારા રહીને ખુશ છે. પણ તેઓને લાગે છે કે મિત્રો અને સગાંઓ લગ્‍ન કરવા દબાણ કરી રહ્યા છે. બીજા કેટલાકને લગ્‍ન કરવા છે, પણ યોગ્ય વ્યક્તિ હજુ મળી નથી. લગ્‍ન માટે હળતા-મળતા અમુક યુવક-યુવતીને પણ માર્ગદર્શનની જરૂર છે, જેથી લગ્‍નની જવાબદારી ઉપાડવા તૈયાર થઈ શકે. એ ઉપરાંત, કુંવારાઓએ અને પરણેલાઓએ વ્યભિચારના ફાંદાથી પોતાનું રક્ષણ કરવાની જરૂર છે.

ઉપરના સંજોગોને લીધે આપણી ખુશી છીનવાઈ શકે. અરે, યહોવાહ સાથેના આપણા સંબંધને પણ એ અસર કરી શકે. પહેલો કોરીંથી, સાતમા અધ્યાયમાં પ્રેરિત પાઊલે કુંવારાપણા અને લગ્‍ન વિષે આ સલાહ આપી છે: “તમે યોગ્ય રીતે ચાલો તથા એકાગ્ર ચિત્તે પ્રભુની સેવા કરો.” (૧ કોરીં. ૭:૩૫) મહત્ત્વના વિષયો પર પાઊલે આપેલી આ સલાહ તમને પણ મદદ કરશે. તે ઇચ્છતા હતા કે કુંવારા હોય કે પરણેલા, બધા ભાઈ-બહેનો યહોવાહને પૂરા દિલથી ભજે.

દરેકે પોતે મહત્ત્વનો નિર્ણય લેવો

૩, ૪. (ક) જ્યારે મિત્ર કે સગાં કોઈને લગ્‍ન કરવા દબાણ કરે તો કેવું પરિણામ આવી શકે? (ખ) લગ્‍ન કરવા કે નહિ, એ વિષેની પાઊલની સલાહથી આપણને કેવી મદદ મળે છે?

પહેલી સદીના યહુદીઓની જેમ, આજે પણ ઘણા સમાજમાં લગ્‍ન કરવું સૌથી વધારે મહત્ત્વનું છે. જો યુવાન છોકરાએ કે છોકરીએ અમુક ઉંમર પછી પણ લગ્‍ન ન કર્યા હોય, તો તેમના મિત્રો અને સગાં ચિંતા કરવા લાગે છે. તેઓ કદાચ તેમને સલાહ આપવા માંડશે. વાતવાતમાં કહી પણ દે કે ‘લગ્‍નસાથી શોધવા વધારે મહેનત કર.’ તેઓ કદાચ કોઈ તરફ ઇશારો કરી આપે. બે કુંવારી વ્યક્તિઓ એકબીજાને મળે એવી ગોઠવણ પણ કરે. આવા પ્રયત્નોને લીધે કેટલીક વાર શરમમાં મૂકાઈ જવાય છે, મિત્રતા તૂટી જાય છે અને લાગણીઓ દુભાય છે.

પાઊલે કદી પણ કોઈને લગ્‍ન કરવા કે કુંવારા રહેવા દબાણ કર્યું ન હતું. (૧ કોરીં. ૭:૭) પત્ની વગર યહોવાહની સેવા કરવામાં તે પોતે ખુશ હતા. પરંતુ બીજાઓ લગ્‍ન કરવા માંગતા હોય તો, તેઓના હકને પાઊલ હંમેશા માન આપતા. આજે પણ બધાને એ નક્કી કરવાનો હક છે કે પોતે કુંવારા રહેશે કે લગ્‍ન કરશે. બીજાઓએ તેઓને એ માટે દબાણ ન કરવું જોઈએ.

કુંવારાપણાના ફાયદા

૫, ૬. પાઊલે શા માટે કુંવારા રહેવા ઉત્તેજન આપ્યું?

કોરીંથીઓને લખેલા પત્રમાં પાઊલના શબ્દો આપણને એ સમજવા મદદ કરે છે કે કુંવારી વ્યક્તિઓ ઈશ્વરને વધારે સારી રીતે ભજી શકે છે. (૧ કોરીંથી ૭:૮ વાંચો.) કુંવારા રહે છે એવા અમુક કહેવાતા ખ્રિસ્તી ધર્મગુરુઓ, પરણેલાઓ કરતાં પોતાને ચઢિયાતા ગણે છે. પરંતુ પાઊલ એવા ન હતા. પોતે કુંવારા હતા છતાં પણ તેમણે પરણેલાઓને નીચા ન ગણ્યા. પાઊલે કુંવારાપણાનો જે ફાયદો જણાવ્યો, એનો આજે ઘણા કુંવારા ભાઈ-બહેનો આનંદ માણી રહ્યા છે. એ ફાયદો કયો છે?

કુંવારા ભાઈ-બહેનો યહોવાહની સેવામાં મળતી જવાબદારીને મોટા ભાગે સહેલાઈથી ઉપાડી લે છે, જે કદાચ પરણેલા ઉપાડી શકતા નથી. પાઊલને ‘વિદેશીઓના પ્રેરિત’ તરીકે ઓળખાવાનો ખાસ લહાવો મળ્યો હતો. (રોમ. ૧૧:૧૩) પ્રેરિતોનાં કૃત્યો તેરથી વીસ અધ્યાયો વાંચીએ તો, જોવા મળશે કે પાઊલે અને સાથી પ્રચારકોએ નવા વિસ્તારોમાં પ્રચાર કર્યો અને એક પછી એક નવાં મંડળો સ્થાપ્યા. એ સેવાકાર્યમાં તેમણે ઘણી સતાવણી અને મુશ્કેલીઓ વેઠી હતી, જેનો આપણામાંથી મોટા ભાગનાને અનુભવ કરવો પડતો નથી. (૨ કોરીં. ૧૧:૨૩-૨૭, ૩૨, ૩૩) પણ ઘણા લોકોને ઈશ્વરભક્ત બનવા મદદ કરવા પાઊલ ખુશીથી એ સહેવા તૈયાર હતા. (૧ થેસ્સા. ૧:૨-૭, ૯; ૨:૧૯) જો તે પરણેલા હોત કે તેમને બાળકો હોત તો આમ કરી શક્યા હોત? કદાચ નહિ.

૭. બે કુંવારી બહેનોનો દાખલો આપો કે જેમણે પોતાના સંજોગોનો ઉપયોગ ઈશ્વરના રાજ્યનો સંદેશો ફેલાવવા કર્યો છે.

ઘણા કુંવારા ભાઈ-બહેનો તેમના હાલના સંજોગોનો સારો ઉપયોગ કરીને વધારે પ્રચાર કરી રહ્યા છે. સારા અને લિબાનિયાનો વિચાર કરો. તેઓ કુંવારી છે અને બોલિવિયા દેશમાં પાયોનિયર છે. તેઓ જ્યાં ઘણાં વર્ષોથી પ્રચાર નથી થયો એવા ગામડામાં રહેવા ગઈ. એ ગામમાં વીજળી નથી. આ બહેનો જણાવે છે: ‘ગામમાં ટીવી કે રેડિયો ન હોવાથી લોકોને વાંચવું ખૂબ ગમે છે.’ કેટલાક લોકો હજી પણ યહોવાહના સાક્ષીઓનું જૂનું સાહિત્ય વાંચે છે જે હવે છપાતું પણ નથી. મોટે ભાગે દરેક ઘરે રસ ધરાવનાર લોકો મળતા હોવાથી, બહેનો બધો પ્રચારવિસ્તાર આવરી શકતી નથી. એક વૃદ્ધ સ્ત્રીએ તેઓને જણાવ્યું, “મોડા મોડાય યહોવાહના સાક્ષીઓ અમારા સુધી પહોંચી ગયા ખરા, એટલે ચોક્કસ હવે અંત નજીકમાં છે.” થોડા જ સમયમાં એ ગામમાં ઘણાએ સભામાં જવાનું શરૂ કર્યું.

૮, ૯. (ક) પાઊલે શા માટે એમ કહ્યું કે કુંવારા રહીને ઈશ્વરની ભક્તિ કરવી સારું છે? (ખ) કુંવારા રહીને યહોવાહની સેવા કરવામાં કેવા ફાયદા રહેલા છે?

ખરું કે પરણેલા ભાઈ-બહેનોએ પણ મુશ્કેલ હોય એવા વિસ્તારમાં પ્રચાર કર્યો છે અને એનું સારું પરિણામ આવ્યું છે. પરંતુ કુંવારાઓ જે જવાબદારી સહેલાઈથી ઉપાડી શકે છે, એ પરણેલા કે બાળકોવાળા ભાઈ-બહેનો માટે અઘરું બની શકે. પાઊલ જાણતા હતા કે ખુશખબર ફેલાવવાનું કામ હજી ઘણું બાકી છે. એટલે તેમણે મંડળોને પત્ર લખ્યો ત્યારે, તે ઇચ્છતા હતા કે તેમની જેમ બધા પ્રચાર કામનો આનંદ માણે. એટલે તેમણે કહ્યું કે કુંવારા રહીને યહોવાહની ભક્તિ કરવી વધારે સારું છે.

અમેરિકાની એક કુંવારી પાયોનિયર બહેન લખે છે: ‘કેટલાક લોકો માને છે કે કુંવારા લોકો ખુશ હોતા નથી. પણ મેં જોયું છે કે ખુશીનો આધાર યહોવાહ સાથેના સંબંધ પર રહેલો છે. કુંવારાપણું એક બલિદાન છે, છતાં જો એનો લાભ લો તો એક અદ્‍ભૂત ભેટ છે.’ તે આગળ જણાવે છે કે ‘કુંવારાપણું ખુશી મેળવવા માટે અડચણ નથી, પણ તે ખુશીને વધારે છે. મને ખબર છે કે યહોવાહ પોતાના પ્રેમની છાયામાંથી કોઈને દૂર રાખતા નથી, પછી ભલે વ્યક્તિ કુંવારી હોય કે પરણેલી.’ આ બહેન જ્યાં ખુશખબર જણાવવાની ખૂબ જરૂર છે એવા દેશમાં હવે ખુશીથી સેવા આપી રહી છે. જો તમે કુંવારા હોવ, તો શું બીજાઓને સત્ય વિષે શીખવવા વધારે કરી શકો? પછી તમે પણ અનુભવશો કે કુંવારાપણું એ ઈશ્વર તરફથી કીમતી ભેટ છે.

લગ્‍ન કરવા માંગતી કુંવારી વ્યક્તિઓ

૧૦, ૧૧. જેઓ લગ્‍ન કરવા ઇચ્છે છે પણ હજી યોગ્ય સાથી મળ્યું નથી તેઓને યહોવાહ કેવી રીતે મદદ કરે છે?

૧૦ કેટલોક સમય કુંવારા રહ્યા પછી, યહોવાહના ઘણા સેવકોએ લગ્‍ન માટે સાથી શોધવાનું નક્કી કર્યું છે. તેઓ જાણે છે કે પોતાને માર્ગદર્શનની જરૂર છે. એટલે તેઓ યોગ્ય સાથી શોધવા યહોવાહની મદદ માંગે છે.૧ કોરીંથી ૭:૩૬ વાંચો. *

૧૧ જો તમે યહોવાહને પૂરા દિલથી ભજતી કોઈ વ્યક્તિ સાથે લગ્‍ન કરવા ઇચ્છતા હોવ, તો પ્રાર્થનામાં એ વિષે જણાવતા રહો. (ફિલિ. ૪:૬, ૭) ભલે ગમે તેટલો સમય રાહ જોવી પડે, નિરાશ ન થાવ. પ્રેમાળ ઈશ્વર તમને મદદ કરશે એવો ભરોસો રાખો. તે તમને એ સંજોગો સહેવા મદદ કરશે.—હેબ્રી ૧૩:૬.

૧૨. જો કોઈ લગ્‍નનો પ્રસ્તાવ મૂકે, તો જવાબ આપતા પહેલાં શા માટે તમારે ધ્યાનથી વિચાર કરવો જોઈએ?

૧૨ પરણવા માંગતી વ્યક્તિને કદાચ એવી વ્યક્તિ તરફથી લગ્‍નનો પ્રસ્તાવ મળે, જે સત્યમાં મજબૂત નથી અથવા સત્યમાં નથી. જો તમારી સાથે એવું થાય તો શું? યાદ રાખો કે ખોટા જીવનસાથીની પસંદગીથી જે દુઃખ સહેવું પડે છે, એ કુંવારા હોવાને લીધે સહેવી પડતી એકલતાથી ઘણું વધારે હોય છે. તેમ જ, એક વાર લગ્‍ન થઈ ગયા પછી તમે આખી જિંદગી એક વ્યક્તિ સાથે બંધાઈ જાવ છો. તમે જે કંઈ નિર્ણય લેશો એની બાકીની જિંદગી પર અસર પડશે. (૧ કોરીં. ૭:૨૭) લગ્‍ન કરવાની ખાલી આ જ એક તક છે, એમ વિચારીને ગમે તેની સાથે પરણી ન જાવ. એમ કરશો તો પાછળથી પસ્તાવાનો વારો આવશે.૧ કોરીંથી ૭:૩૯ વાંચો.

લગ્‍નની વાસ્તવિકતા માટે તૈયાર રહો

૧૩-૧૫. લગ્‍ન પહેલાં યુવક-યુવતીએ કઈ મુશ્કેલીઓ વિષે વાત કરવી જોઈએ?

૧૩ પાઊલે યહોવાહની સેવામાં કુંવારા રહેવા ઉત્તેજન આપ્યું, પણ તેમણે જેઓ લગ્‍ન કરવા માંગે છે તેઓ કરતાં પોતાને ક્યારેય ઊંચા ગણ્યા ન હતા. એને બદલે, પાઊલે ઈશ્વર પ્રેરણાથી જે સલાહ આપી એ પતિ-પત્નીને લગ્‍નજીવનની વાસ્તવિકતાનો સામનો કરવા મદદ કરે છે. તેઓને કાયમ લગ્‍નજીવન ટકાવી રાખવા પણ મદદ કરે છે.

૧૪ પોતાનું ભાવિ લગ્‍નજીવન કેવું હશે એને લઈને કેટલાક યુગલોએ ઘણી આશાઓ બાંધી હોય છે. પણ તેઓએ પોતાના વિચારોમાં થોડા ફેરફાર કરવા પડી શકે. લગ્‍ન પહેલાં એકબીજાને ઓળખવા થોડો સમય સાથે વિતાવતા હોય ત્યારે, તેઓ એકબીજા માટે અગાઢ પ્રેમ અનુભવે છે. તેઓને લાગતું હશે કે એવો જ પ્રેમ જિંદગીભર ટકી રહેશે, લગ્‍નજીવન કાયમ મહેંકતું રહેશે. તેઓ આવા રંગીન સપનાઓ સાથે નવા જીવનની શરૂઆત કરે છે. એવું માને છે કે લગ્‍નજીવનમાં દુઃખ આવશે જ નહિ. આવું વિચારવું અવાસ્તવિક છે. એ ખરું છે કે પ્રેમની ક્ષણો જીવનમાં આનંદ લાવે છે, પણ એકલા એનાથી લગ્‍નજીવનમાં આવતી તકલીફો ગાયબ થઈ જતી નથી.૧ કોરીંથી ૭:૨૮ વાંચો. *

૧૫ જ્યારે જીવનસાથી મહત્ત્વના વિષયો પર અલગ વિચારો ધરાવતા હોય ત્યારે ઘણા નવા પરિણીત લોકો દંગ રહી જાય છે, અમુક તો નિરાશ થઈ જાય છે. એવી ઘણી બાબતો છે જેમાં તેઓના વિચાર અલગ પડે છે. જેમ કે, પૈસા કેવી રીતે વાપરશે; આનંદપ્રમોદ માટે શું કરશે; ક્યાં રહેશે અને પોતાના કુટુંબને ક્યારે ક્યારે મળવા જશે. તેમ જ, આપણા દરેકના સ્વભાવમાં કોઈ ખામી હોવાથી, અમુક વાર એનાથી લગ્‍નસાથીને ચીડ ચઢી શકે. લગ્‍ન પહેલાં એકબીજાને હળતા-મળતા હોય ત્યારે, કદાચ તેઓ વિચારે કે આવા વિષયો પર વાત કરવાની હમણાં જરૂર નથી. પણ જો તેઓ વાત નહિ કરે તો પછીથી મુશ્કેલીઓ ઊભી થશે. એટલા માટે પતિ-પત્ની લગ્‍ન પહેલાં એ મહત્ત્વના વિષયો પર વાત કરી લે એ અગત્યનું છે.

૧૬. લગ્‍નજીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરતી વખતે પતિ-પત્નીએ કેમ એક વિચારના થવું જોઈએ?

૧૬ લગ્‍નજીવનને સુખી બનાવવા પતિ-પત્નીએ સાથે મળીને મુશ્કેલીઓનો સામનો કરવો જોઈએ. બાળકોને કેવી શિસ્ત આપવી અને વૃદ્ધ માબાપની કેવી રીતે કાળજી રાખવી જેવી બાબતોમાં પતિ-પત્નીએ એક વિચારના થવું જોઈએ. દરેક કુટુંબમાં તકલીફો તો રહેવાની, પણ એના લીધે પતિ-પત્નીના સંબંધોમાં તિરાડ ન પડવી જોઈએ. બાઇબલની સલાહ પ્રમાણે જીવવાથી તેઓ ઘણી સમસ્યાઓને ઉકેલી શકશે, બાકીની સહન કરી શકશે અને ખુશી ખુશી સાથે રહી શકશે.—૧ કોરીં. ૭:૧૦, ૧૧.

૧૭. પતિ-પત્ની શા માટે “દુનિયાદારીની ચિંતા” રાખે છે?

૧૭ પાઊલે લગ્‍નની બીજી વાસ્તવિકતા ૧ કોરીંથી ૭:૩૨-૩૪માં જણાવી છે. (વાંચો.) પરણેલા લોકો “દુનિયાદારીની ચિંતા રાખે છે.” જેમ કે, ખોરાક, કપડાં, ઘર અને બીજી જરૂરી વસ્તુઓ. એનું કારણ શું છે? જ્યારે કુંવારા હોય, ત્યારે કદાચ કોઈ ભાઈ પ્રચારમાં રચ્યા-પચ્યા રહેતા હોય. પણ લગ્‍ન પછી, તેમણે પોતાનો અમુક સમય અને શક્તિ પત્નીની સંભાળ રાખવામાં આપવો પડે છે. એ જ બાબત પત્નીને પણ લાગુ પડે છે. યહોવાહ જાણે છે કે એ જરૂરી છે. તે એ પણ જાણે છે કે વ્યક્તિ કુંવારી હતી ત્યારે જે સમય અને શક્તિ તેમની સેવામાં આપતી હતી, એ લગ્‍ન પછી પૂરેપૂરી નહિ આપી શકે. તેણે હવે સમય અને શક્તિનો અમુક ભાગ લગ્‍નને સુખી બનાવવા આપવો પડશે.

૧૮. લગ્‍ન પછી કેટલાકે આનંદપ્રમોદના સમયને લઈને કેવા ફેરફાર કરવા પડી શકે?

૧૮ પરંતુ પતિ-પત્ની કુંવારા હતા ત્યારે આનંદપ્રમોદ માટે જે સમય વાપરતા હતા એના વિષે શું? તેઓ પરણ્યા પછી અમુક સમય અને શક્તિ યહોવાહની સેવાને બદલે લગ્‍નને મજબૂત બનાવવા વાપરે છે. એ જ રીતે, કુંવારા હતા ત્યારે, જે સમય અને શક્તિ આનંદપ્રમોદમાં વાપરતા હતા એમાંથી અમુક પોતાના લગ્‍નને મજબૂત બનાવવા આપવાની જરૂર છે. જો પતિ મિત્રો જોડે રમવામાં પહેલા જેટલો જ ડૂબેલો રહેશે તો પત્ની પર શું વિતશે? અથવા, જો પત્ની પોતાની સહેલીઓ સાથે મોજશોખ પૂરા કરવામાં ઘણો સમય આપતી રહેશે તો પતિને કેવું લાગશે? પોતાની અવગણના થઈ રહી છે એવું લાગવાથી લગ્‍નસાથી કદાચ એકલતા, દુઃખ અને પ્રેમની કમી અનુભવે. પણ આવું થતા ટાળી શકાય છે. કેવી રીતે? લગ્‍નને મજબૂત બનાવવા બનતા બધા પ્રયત્નો કરીને પતિ-પત્ની એ ટાળી શકે છે.—એફે. ૫:૩૧.

યહોવાહ ઇચ્છે છે કે આપણે નૈતિક રીતે શુદ્ધ રહીએ

૧૯, ૨૦. (ક) શા માટે પરિણીત લોકોએ અનૈતિકતાથી પોતાનું રક્ષણ કરવું જોઈએ? (ખ) લાંબો સમય પતિ-પત્ની એકબીજાથી અલગ રહે તો કેવું જોખમ આવી શકે છે?

૧૯ યહોવાહના ભક્તો બધી બાબતોમાં નૈતિક રીતે શુદ્ધ હોવા બનતું બધું કરે છે. ખોટા જાતીય સંબંધોથી બચવા માટે ઘણાએ લગ્‍ન કરી લીધા છે. પણ ફક્ત લગ્‍ન કરવાથી એવા સંબંધો સામે આપોઆપ રક્ષણ મળી જતું નથી. લગ્‍ન પછી પણ તેમણે આ વિષે ધ્યાન રાખવાની જરૂર છે. બાઇબલ જમાનામાં શહેર ફરતે દીવાલ હોવાથી એમાં વસતા લોકોનું રક્ષણ થતું હતું. પણ જો વ્યક્તિ શહેરના દરવાજાની બહાર જાય તો શું? તે લૂંટારા અને ગુનેગારોની ઝપટે ચડે તો, કદાચ લૂંટાઈ જાય કે જાનથી પણ હાથ ધોવા પડે. એવી જ રીતે, યહોવાહે લગ્‍નના નીતિ-નિયમો દ્વારા રક્ષણ પૂરું પાડ્યું છે. પરણેલાઓ એ નિયમો પાળીને એની હદમાં રહે તો, જરૂર અનૈતિકતાના ફાંદામાં પડવાથી બચી જશે.

૨૦ એ નીતિ-નિયમો વિષે પાઊલે ૧ કોરીંથી ૭:૨-૫માં જણાવ્યું છે. પતિ સાથે શરીર સંબંધ બાંધવાનો હક ફક્ત પત્નીનો જ છે. એવી જ રીતે, પત્ની સાથે એ સંબંધ બાંધવાનો હક ફક્ત પતિને જ છે. ઈશ્વરે જણાવ્યું છે કે પતિ-પત્નીએ એકબીજાની આ જરૂરિયાત પૂરી કરવાની “ફરજ બજાવવી” જોઈએ. પરંતુ, કેટલાક પતિ-પત્ની લાંબો સમય એકબીજા વગર કાઢે છે. જેમ કે, એકલા વેકેશન પર જવું, કામધંધાને લીધે બહારગામ જવું વગેરે. આમ તેઓ એકબીજા પ્રત્યેની “ફરજ બજાવતા” નથી. જરા વિચાર કરો, પોતાના પર કાબૂ ન રાખી શકવાને લીધે કોઈ વ્યક્તિ શેતાનના ફાંદામાં પડીને વ્યભિચાર કરી બેસે તો કેટલું દુઃખદ કહેવાય. જે કુટુંબના શિર લગ્‍નજીવનને જોખમમાં મૂક્યા વગર પોતાના કુટુંબની જરૂરિયાતો પૂરી પાડે છે, તેઓને યહોવાહ આશીર્વાદ આપે છે.—ગીત. ૩૭:૨૫.

બાઇબલની સલાહ પાળવાના ફાયદા

૨૧. (ક) કુંવારાપણા અને લગ્‍નને લગતા નિર્ણયો લેવા કેમ અઘરું છે? (ખ) પહેલો કોરીંથી, સાતમા અધ્યાયમાં આપેલી સલાહ કેવી રીતે મદદ કરે છે?

૨૧ વ્યક્તિ માટે જીવનમાં કુંવારાપણા અને લગ્‍નને લગતા નિર્ણયો લેવા બહુ અઘરું હોય છે. બધા લોકો અપૂર્ણ હોવાથી, એકબીજા સાથેના સંબંધોમાં ઘણી તકલીફો જોવા મળે છે. ખરું કે યહોવાહ પોતાના ભક્તોને આશીર્વાદ આપે છે, તોપણ જીવનમાં ઊભા થતા અમુક સંજોગોને લીધે કેટલાક ભક્તો નિરાશ થઈ જાય છે. જો તમે પહેલો કોરીંથી, સાતમા અધ્યાયમાં આપેલી સલાહ પ્રમાણે કરશો, તો ઘણી બધી મુશ્કેલીઓને ટાળી શકશો. ભલે કુંવારા હોવ કે પરણેલા, યહોવાહની નજરમાં તમે “સારું” કરી શકો છો. (૧ કોરીંથી ૭:૩૭, ૩૮ વાંચો.) * ઈશ્વરની કૃપા હોવી એ ખરેખર મોટો આશીર્વાદ છે. તમે એ હમણાં પામી શકો છો. અરે, ભાવિમાં પણ ઈશ્વરે વચન આપેલી નવી દુનિયામાં તેમની કૃપા પામી શકશો. એ નવી દુનિયામાં લોકો પર આજે જોવા મળતું દબાણ અને તકલીફો જરાય નહિ હોય! (w11-E 10/15)

[ફુટનોટ્‌સ]

^ “પણ કોઈને એમ લાગે કે કુંવારી અવસ્થામાં રહેવાથી તે પોતાની જાત પ્રત્યે યોગ્ય રીતે વર્તતો નથી અને તેની લગ્‍ન કરવાની ઉંમર ક્યારનીય થઈ ચૂકી હોવાથી તેણે લગ્‍ન કરી લેવું જોઈએ તો એમ કરવામાં કંઈ પાપ નથી. આવા લોકો ભલે લગ્‍ન કરે.”—૧ કોરીંથી ૭:૩૬, કોમન લેંગ્વેજ.

^ કૌટુંબિક સુખનું રહસ્ય પુસ્તકનું બીજું પ્રકરણ, ફકરા ૧૬-૧૯ જુઓ.

^ “પણ કોઈને લગ્‍ન કરવાની જરૂર ન હોય અને પોતાના નિર્ણયમાં દૃઢ હોય અને પોતાની ઇચ્છા વશમાં રાખી શકે તેમ હોવાથી કુંવારી અવસ્થામાં જ રહેવાનો મનથી સંકલ્પ કર્યો હોય તો તે સારું કરે છે. આમ, જે લગ્‍ન કરે છે તે સારું કરે છે અને જે લગ્‍ન નથી કરતો તે વધારે સારું કરે છે.”—૧ કોરીંથી ૭:૩૭, ૩૮, કોમન લેંગ્વેજ.

તમે કેવો જવાબ આપશો?

• કુંવારા લોકોને લગ્‍ન માટે આપણે કેમ દબાણ ન કરવું જોઈએ?

• કુંવારા રહીને તમારા સમયનો સૌથી સારો ઉપયોગ કેવી રીતે કરી શકો?

• પરણતા પહેલાં યુવક-યુવતી એકબીજાને હળતા-મળતા હોય ત્યારે, લગ્‍નજીવનની સમસ્યાઓ માટે કેવી રીતે તૈયાર રહી શકે?

• શા માટે પરિણીત લોકોએ અનૈતિકતાથી પોતાનું રક્ષણ કરવું જોઈએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૬ પર ચિત્રો]

પ્રચારમાં વધારે સમય આપતા કુંવારા ભાઈ-બહેનો ખુશ છે

[પાન ૧૮ પર ચિત્ર]

કેટલાકને લગ્‍ન પછી કેવા ફેરફારો કરવા પડી શકે?