સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરભક્તિમાં પ્રગતિ કરવા પુરુષોને મદદ કરો

ઈશ્વરભક્તિમાં પ્રગતિ કરવા પુરુષોને મદદ કરો

ઈશ્વરભક્તિમાં પ્રગતિ કરવા પુરુષોને મદદ કરો

“હવેથી તું [લોકોને] પકડનાર થશે.”—લુક ૫:૧૦.

૧, ૨. (ક) ઈસુનો સંદેશો સાંભળીને પુરુષોએ શું કર્યું? (ખ) આપણે આ લેખમાં શાની ચર્ચા કરીશું?

 ઈસુ અને તેમના શિષ્યો ગાલીલમાં પ્રચાર કરતા હતા. એક દિવસ તેઓ હોડીમાં બેસીને એકાંત જગ્યાએ આરામ કરવા ગયા. પણ લોકોનું ટોળું તેઓની પાછળ પાછળ ગયું. એ ટોળામાં “સ્ત્રી છોકરાં ઉપરાંત આશરે પાંચ હજાર પુરુષ હતા.” (માથ. ૧૪:૨૧) બીજા એક સમયે લોકો ઈસુ પાસે સાજા થવા અને તેમની વાતો સાંભળવા આવ્યા. તેઓમાં “સ્ત્રી છોકરાં ઉપરાંત ચાર હજાર પુરુષ હતા.” (માથ. ૧૫:૩૮) આ બતાવે છે કે એ લોકોમાંથી ઘણા પુરુષો ઈસુ પાસે આવ્યા, અને તેમના શિક્ષણમાં રસ બતાવ્યો. હકીકતમાં તો ઈસુ ચાહતા હતા કે હજી વધારે પુરુષો તેમની પાસે આવે. એટલે જ ચમત્કાર કરીને માછલીઓ પકડ્યા પછી ઈસુએ એક શિષ્યને કહ્યું: “હવેથી તું માણસો [અથવા, લોકોને] પકડનાર થશે.” (લુક ૫:૧૦) તેમના શિષ્યોએ હવે મનુષ્યોમાં પોતાની જાળ નાખવાની હતી અને આશા રાખવાની હતી કે વધારે પુરુષોને પકડે.

આજે પણ પુરુષો બાઇબલના સંદેશામાં રસ બતાવે છે, અને ખુશી ખુશી આપણી સાથે બાઇબલ અભ્યાસ કરે છે. (માથ. ૫:૩) જોકે ઘણા પુરુષો ઈશ્વરભક્તિમાં પ્રગતિ કરતા અચકાય છે. તેઓને મદદ કરવા શું કરી શકીએ? ખરું કે ઈસુએ પુરુષો માટે અલગ સંદેશો આપ્યો ન હતો. પણ તેમણે અમુક એવી બાબતો વિષે જણાવ્યું હતું, જેની પુરુષો ચિંતા કરતા હોય છે. ઈસુના દાખલાને અનુસરીને જોઈએ કે આપણે કઈ રીતે પુરુષોને આ ત્રણ બાબતોમાં મદદ કરી શકીએ. (૧) પૈસા કમાવાની ચિંતા (૨) બીજાઓ શું વિચારશે એની ચિંતા અને (૩) પોતે બીજાઓ જેટલું સારું નહિ કરી શકે એની ચિંતા.

પૈસા કમાવાની ચિંતા

૩, ૪. (ક) મોટા ભાગના પુરુષોને શાની ચિંતા હોય છે? (ખ) શા માટે અમુક પુરુષો પૈસા કમાવાને ઈશ્વરભક્તિની આગળ મૂકતા હોય છે?

એક શાસ્ત્રીએ ઈસુને કહ્યું “ઉપદેશક, તું જઈશ ત્યાં હું તારી પાછળ આવીશ.” પણ ઈસુએ તેને જણાવ્યું કે ‘માણસના દીકરાને માથું ટેકવવાને માટે પણ જગ્યા નથી.’ એ સાંભળીને તે કદાચ અચકાયો હશે, કારણ કે બાઇબલમાં ક્યાંય જોવા મળતું નથી કે તે ઈસુનો શિષ્ય બન્યો હોય. તેને કદાચ ચિંતા હતી કે પોતે શું ખાશે અને ક્યાં રહેશે.—માથ. ૮:૧૯, ૨૦.

પુરુષો મોટા ભાગે પૈસા કમાવાને ઈશ્વરભક્તિની આગળ મૂકતા હોય છે. ઉચ્ચ શિક્ષણ લેવું અને સારા પગારની નોકરી મેળવવી એ જ તેઓનો મુખ્ય ધ્યેય છે. બાઇબલનો અભ્યાસ કરવા અને ઈશ્વર સાથે સંબંધ કેળવવા કરતા નોકરી કરીને પૈસા કમાવા એ તેઓને મન વધારે જરૂરી છે. બાઇબલનું શિક્ષણ કદાચ તેઓને ગમે, પરંતુ “આ કાળની ચિંતાઓ તથા દોલતની માયા”માં તેઓ ફસાયેલા છે. (માર્ક ૪:૧૮, ૧૯) ચાલો, જોઈએ કે ઈસુએ કઈ રીતે પોતાના શિષ્યોને આવી ચિંતામાંથી બહાર આવવા મદદ કરી.

૫, ૬. જીવનમાં સૌથી મહત્ત્વનું કામ કયું છે એ નક્કી કરવા આંદ્રિયા, પીતર, યોહાન અને યાકૂબને ક્યાંથી મદદ મળી?

આંદ્રિયા અને સીમોન પીતર બંને ભાઈઓ ભેગાં મળીને માછીમારનો ધંધો કરતા હતા. એ જ ધંધો યોહાન, તેનો ભાઈ યાકૂબ અને તેઓના પિતા ઝબદી પણ કરતા હતા. તેઓનો ધંધો ઘણો સારો ચાલતો હતો, એટલે તેઓએ અમુક માણસો પણ રાખ્યા હતા. (માર્ક ૧:૧૬-૨૦) યોહાન બાપ્તિસ્મક પાસેથી જ્યારે આંદ્રિયા અને યોહાને પહેલી વાર ઈસુ વિષે જાણ્યું, ત્યારે તેઓને ખાતરી થઈ ગઈ કે ઈસુ જ મસીહા છે. આંદ્રિયા એ વિષે પોતાના ભાઈ પીતરને જણાવે છે. એવી જ રીતે યોહાન પણ ઈસુ વિષે પોતાના ભાઈ યાકૂબને જણાવે છે. (યોહા. ૧:૨૯, ૩૫-૪૧) ત્યાર બાદ અમુક મહિનાઓ સુધી તેઓએ ઈસુ સાથે ગાલીલ, યહુદા અને સમરૂનમાં પ્રચાર કર્યો. પરંતુ પછીથી પાછા પોતાના ધંધામાં લાગી ગયા. તેઓને ઈશ્વરભક્તિને લગતી બાબતોમાં રસ હતો, પણ એ જ તેઓના જીવનમાં પહેલા સ્થાને ન હતું.

અમુક સમય પછી પીતર અને આંદ્રિયાને ઈસુ પોતાની પાછળ આવવા આમંત્રણ આપે છે. ઈસુ તેઓને “માણસોને પકડનારા” બનાવવા માગે છે. ઈસુએ આમંત્રણ આપ્યું ત્યારે આ બંનેએ શું કર્યું? “તેઓ તરત જાળો મૂકીને તેની પાછળ ગયા.” યાકૂબ અને યોહાને પણ એવું જ કર્યું. ‘તેઓ તરત વહાણને તથા પોતાના પિતાને મૂકીને તેની પાછળ ગયા.’ (માથ. ૪:૧૮-૨૨) પૂરા સમયની સેવા સ્વીકારવા આ ભાઈઓને ક્યાંથી મદદ મળી? શું તેઓ લાગણીવશ થઈને ઈસુની પાછળ ગયા? ના, તેઓ લાગણીવશ થઈને ઈસુ પાછળ ગયા ન હતા. આગલા મહિનાઓમાં શિષ્યોએ ઈસુને સાંભળ્યા હતા, ચમત્કારો કરતા જોયા હતા અને જે ખરું છે એ કરવા માટે તેમનો ઉત્સાહ પણ જોયો હોત. તેઓએ એ પણ જોયું હતું કે ઈસુ જે શીખવતા હતા, એ લોકોને ખૂબ જ ગમતું હતું. પરિણામે તેઓનો યહોવાહમાં ભરોસો અને વિશ્વાસ મજબૂત થયો હશે.

૭. બાઇબલ વિદ્યાર્થીનો યહોવાહમાં ભરોસો મજબૂત થાય એ માટે આપણે શું કરી શકીએ?

આપણા બાઇબલ વિદ્યાર્થીનો વિશ્વાસ મજબૂત કરવા આપણે ઈસુને કઈ રીતે અનુસરી શકીએ? (નીતિ. ૩:૫, ૬) એ માટે આપણે સારી રીતે શીખવવું જોઈએ, જેથી તેને મદદ મળે. આપણે એ પર ભાર મૂકી શકીએ કે જો તે રાજ્યને જીવનમાં પ્રથમ રાખશે તો ઈશ્વર તેને પુષ્કળ આશીર્વાદો આપશે. (માલાખી ૩:૧૦; માત્થી ૬:૩૩ વાંચો.) આપણે અલગ અલગ કલમોમાંથી બતાવી શકીએ કે યહોવાહ પોતાના લોકોની કાળજી રાખે છે. એ પણ ભૂલવું ના જોઈએ કે આપણા પોતાના દાખલામાંથી પણ વ્યક્તિ શીખે છે. પોતાના અનુભવો જણાવીશું તો એનાથી વ્યક્તિ પર સારી અસર પડશે અને તેનો યહોવાહમાં ભરોસો મજબૂત થશે. તેને ઉત્તેજન મળે એવા અનુભવો સાહિત્યમાંથી વાંચી શકીએ. *

૮. (ક) બાઇબલ વિદ્યાર્થી પોતે યહોવાહના આશીર્વાદનો ‘અનુભવ કરે’ એ કેમ મહત્ત્વનું છે? (ખ) યહોવાહ ઉત્તમ છે એવો અનુભવ કરવા આપણે તેને કેવી રીતે મદદ કરી શકીએ?

બાઇબલ વિદ્યાર્થીનો વિશ્વાસ વધારવા તેને આપણા સાહિત્યમાંથી અનુભવ વાંચવા કહેવું કે સંભળાવવું જ પૂરતું નથી. યહોવાહના આશીર્વાદોનો વ્યક્તિએ પોતે અનુભવ કરવો પડશે. એક ઈશ્વરભક્તે લખ્યું: “અનુભવ કરો અને જુઓ કે યહોવાહ ઉત્તમ છે; જે માણસ તેના પર ભરોસો રાખે છે તેને ધન્ય છે.” (ગીત. ૩૪:૮) યહોવાહ ઉત્તમ છે એ પારખવા આપણે તેને કઈ રીતે મદદ કરી શકીએ? માની લો કે તેને પૈસાની તકલીફ છે, ઉપરાંત તેને ધૂમ્રપાન કરવાની, જુગાર રમવાની કે વધારે પડતો દારૂ પીવાની ખોટી આદત છે. (નીતિ. ૨૩:૨૦, ૨૧; ૨ કોરીં. ૭:૧; ૧ તીમો. ૬:૧૦) આવા સંજોગોમાં આપણે તેની ખરાબ આદતો રોકવા યહોવાહ પાસે મદદ માંગવા જણાવી શકીએ. જ્યારે તે ખરાબ આદતો છોડી દેશે ત્યારે અનુભવ કરી શકશે કે યહોવાહ કેટલા ઉત્તમ છે. પછી આપણે વ્યક્તિને યહોવાહની ભક્તિને જીવનમાં પ્રથમ રાખવા ઉત્તેજન આપી શકીએ. તેને નિયમિત રીતે બાઇબલ વાંચન અને મનન કરવા તેમ જ સભાની તૈયારી કરવા અને દરેક સભામાં હાજર રહેવા પણ જણાવીએ. યહોવાહ તેના પ્રયત્નોને આશીર્વાદ આપી રહ્યા છે, એનો તે અનુભવ કરશે ત્યારે તેનો વિશ્વાસ વધારે મજબૂત થશે. તે પૈસા જેવી બાબતો માટે પણ ખોટી ચિંતા નહિ કરે.

બીજાઓ શું વિચારશે એની ચિંતા

૯, ૧૦. (ક) નીકોદેમસ અને આરમથીઆના યુસફે કેમ છુપાવ્યું કે પોતે ઈસુના શિષ્ય છે? (ખ) શા માટે આજે અમુક પુરુષો ઈસુને અનુસરતા અચકાય છે?

બીજાઓ શું વિચારશે એવી ચિંતાને લીધે અમુક પુરુષો ઈસુને અનુસરતા અચકાતા હોય છે. દાખલા તરીકે નીકોદેમસ અને આરમથીઆના યુસફનો વિચાર કરો. તેઓ ઈસુના શિષ્યો છે, એ બાબત બીજાઓથી ખાનગી રાખે છે. તેઓને બીક હતી કે જો યહુદીઓ એ જાણશે તો તેઓ વિષે શું કહેશે. (યોહા. ૩:૧, ૨; ૧૯:૩૮) તેઓના ડરનું કારણ શું હતું? તે સમયના ધર્મગુરુઓ ઈસુની ખૂબ જ નફરત કરતા હતા. ઉપરાંત જો કોઈ ઈસુમાં વિશ્વાસ બતાવે, તો તેને સભાસ્થાનમાંથી કાઢી મૂકતા હતા.—યોહા. ૯:૨૨.

૧૦ અમુક જગ્યાઓમાં શા માટે પુરુષો ઈશ્વરમાં, બાઇબલમાં કે ધર્મમાં વધારે રસ બતાવતા અચકાય છે? કેમ કે સાથે કામ કરનારા, મિત્રો તેમ જ સગાં તેઓની મજાક ઉડાવી શકે અથવા કોઈક રીતે તેઓને તકલીફ આપી શકે. જ્યારે કે કેટલીકે જગ્યાએ તો ધર્મ બદલવાની વાત પણ જોખમકારક હોય છે. એમાંય જો વ્યક્તિ સેના, રાજકારણ કે સમાજમાં મોટી પદવી ધરાવતી હોય તો દબાણ વધારે હોય છે. જર્મનીમાં રહેતો એક પુરુષ કહે છે: ‘સાક્ષીઓ બાઇબલ વિષે જે શીખવે છે એ એકદમ સાચું છે. પણ જો હું આજે યહોવાહનો સાક્ષી બની જાવ તો, કાલે બધાને એની ખબર પડી જશે. પછી સાથે કામ કરનારા અને પડોશીઓ મારા વિષે કેવું વિચારશે! કુટુંબ સાથે જે ક્લબમાં જાઉં છું, ત્યાંના લોકો મારા વિષે કેવી વાતો કરશે! હું એ બધું સહન નહિ કરી શકું.’

૧૧. માણસોની બીક દૂર કરવા ઈસુએ કઈ રીતે શિષ્યોને મદદ કરી?

૧૧ ખરું કે ઈસુના પ્રેરિતો ડરપોક ન હતા, પણ તોય તેઓને માણસોની બીક હતી. (માર્ક ૧૪:૫૦, ૬૬-૭૨) લોકો તરફથી આવતા દબાણનો સામનો કરવા ઈસુએ શિષ્યોને કઈ રીતે મદદ કરી? પરીક્ષણનો સામનો કરવા તેમણે શિષ્યોને તૈયાર કર્યા. ઈસુએ કહ્યું: “માણસના દીકરાને લીધે માણસો તમારો દ્વેષ કરશે, તમને બહાર કાઢશે, તમને મહેણાં મારશે, અને તમારું નામ ભૂંડું માનીને કાઢી નાખશે, ત્યારે તમને ધન્ય છે.” (લુક ૬:૨૨) ઈસુએ પહેલેથી જ શિષ્યોને ચેતવ્યા હતા કે તેઓ પર તહોમત મૂકવામાં આવશે. તેઓ પર જે પણ સતાવણી આવશે, એ “માણસના દીકરાને લીધે” હશે. ઈસુએ એ પણ ખાતરી આપી કે તેઓ જ્યાં સુધી યહોવાહ પર ભરોસો રાખશે, ત્યાં સુધી યહોવાહ તેઓને મદદ અને શક્તિ આપશે. (લુક ૧૨:૪-૧૨) જેઓ યહોવાહની ભક્તિમાં નવા હતા તેઓને ઈસુએ પોતાના શિષ્યો સાથે હળવામળવા અને મિત્રો બનાવવા ઉત્તેજન આપ્યું.—માર્ક ૧૦:૨૯, ૩૦.

૧૨. માણસોની બીક દૂર કરવા આપણે કઈ રીતે વ્યક્તિને મદદ કરી શકીએ?

૧૨ બાઇબલ વિદ્યાર્થીને આપણે માણસોની બીક દૂર કરવા મદદ કરવી જોઈએ. મુશ્કેલ સંજોગો વિષે તેને પહેલેથી જ જણાવ્યું હશે, તો એવી મુશ્કેલી આવે ત્યારે એનો સામનો કરવો સહેલું બનશે. (યોહા. ૧૫:૧૯) દાખલા તરીકે, તેને પહેલેથી જ તૈયાર કરી શકાય કે સાથે કામ કરનારા કે મિત્રો તેની સાથે સહમત નહિ થાય અથવા સવાલ ઉઠાવશે. એવા સમયે કેવી રીતે બાઇબલમાંથી સાદો જવાબ આપવો, એ અગાઉથી જણાવી શકાય. આપણે પોતે તેના મિત્ર બની શકીએ. ઉપરાંત મંડળના ભાઈ-બહેનો સાથે ઓળખાણ કરાવી શકાય. ખાસ કરીને તેના જેવી તકલીફમાંથી પસાર થયા હોય એવા ભાઈ-બહેનો સાથે દોસ્તી કરાવી શકાય. સૌથી મહત્ત્વનું તો આપણે તેઓને નિયમિત રીતે દિલથી પ્રાર્થના કરતા શીખવવું જોઈએ. આમ કરવાથી તે યહોવાહને વધારે સારી રીતે ઓળખી શકશે, તેમ જ તેમને પોતાનો કિલ્લો અને ખડક બનાવી શકશે.—ગીતશાસ્ત્ર ૯૪:૨૧-૨૩; યાકૂબ ૪:૮ વાંચો.

બીજાઓ જેટલું સારું નહિ કરી શકે એની ચિંતા

૧૩. શા માટે અમુક પુરુષો સત્યમાં પ્રગતિ કરતા અચકાય છે?

૧૩ અમુકને લાગતું હોય છે કે તેઓ મંડળમાં બીજાઓ જેટલું સારું નહિ કરી શકે. કદાચ તેઓ ઓછું ભણેલા હોય, પોતાના વિચારો જણાવતા અચકાતા હોય અથવા શરમાળ હોય. કેટલાક પુરુષો લોકોની વચ્ચે પોતાની લાગણીઓ કે માન્યતા વ્યક્ત કરતા અચકાતા હોય છે. તેથી તેઓને બાઇબલનો અભ્યાસ કરવો, સભામાં જવાબ આપવો તેમ જ ઈશ્વરનો સંદેશ જણાવવો અઘરું લાગી શકે. એક ભાઈ જણાવે છે: ‘મારી યુવાનીમાં હું પ્રચાર કરતો ત્યારે તરત દરવાજા આગળ દોડી જતો. પછી હું બેલ વગાડવાનું નાટક કરતો અને કોઈ મને જુએ નહિ એ રીતે ચૂપચાપ પાછો ચાલ્યો જતો. ઘરે ઘરે જઈને સંદેશો જણાવવાના વિચારથી જ મને તાવ ચઢી જતો.’

૧૪. શા માટે ઈસુના શિષ્યો, ભૂત વળગેલા છોકરાને સાજો કરી શક્યા નહિ?

૧૪ વિચાર કરો કે જ્યારે ઈસુના શિષ્યો ભૂત વળગેલા એક છોકરાને સાજો કરી ન શક્યા ત્યારે તેઓને કેવું લાગ્યું હશે! એ છોકરાના પિતાએ ઈસુ પાસે આવીને કહ્યું: “પ્રભુ, મારા દીકરા પર દયા કર, કેમ કે તેને ફેફરાનું દરદ છે, ને તે ઘણો પીડાય છે; કેમ કે તે ઘણી વાર અગ્‍નિમાં, ને ઘણી વાર પાણીમાં પડી જાય છે. અને તેને હું તારા શિષ્યોની પાસે લાવ્યો હતો, પણ તેઓ તેને સાજો કરી ન શક્યા.” ઈસુએ એ છોકરાને સાજો કર્યો. શિષ્યો પૂછે છે કે ‘અમે કેમ એને કાઢી શક્યા નહિ?’ ત્યારે ઈસુએ “તેઓને કહ્યું, કે તમારા અવિશ્વાસને લીધે; કેમ કે હું તમને ખચીત કહું છું, કે તમને રાઈના દાણા જેટલો વિશ્વાસ હોય તો તમે આ પહાડને કહેશો, કે તું અહીંથી ત્યાં ખસી જા, ને તે ખસી જશે; અને તમને કંઈ અશક્ય થશે નહિ.” (માથ. ૧૭:૧૪-૨૦) પહાડ જેવી મુશ્કેલીઓનો સામનો કરવા યહોવાહમાં વિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી છે. પણ જો વ્યક્તિ પોતાની રીતે કંઈ કરવા જશે તો શું થશે? તે નિષ્ફળ જશે, અને પોતામાં વિશ્વાસ ગુમાવશે.

૧૫, ૧૬. બાઇબલ વિદ્યાર્થીને લાગે કે પોતે બીજાઓ જેટલી સારી રીતે ઈશ્વરની ભક્તિ નહિ કરી શકે, ત્યારે શું કરવું જોઈએ?

૧૫ જો બાઇબલ વિદ્યાર્થીને લાગે કે પોતે ઈશ્વરભક્તિમાં બીજાઓ જેટલું સારું નહિ કરી શકે, તો શું કરવું જોઈએ? આપણે તેને જણાવી શકીએ કે પોતા પર ધ્યાન આપવાને બદલે યહોવાહની ઇચ્છા પૂરી કરવા પર વધારે ધ્યાન આપે. એમ કરશે તો યહોવાહ ચોક્કસ તેને જોઈતી મદદ પૂરી પાડશે. પીતરે લખ્યું: ‘એ માટે ઈશ્વરના સમર્થ હાથ નીચે તમે પોતાને નમાવો કે તે તમને યોગ્ય સમયે ઉચ્ચપદે મૂકે. તમારી સર્વ ચિંતા તેના પર નાખો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે.’ (૧ પીત. ૫:૬, ૭) વ્યક્તિ યહોવાહ માટે પ્રેમ કેળવે અને તેમના માર્ગદર્શન પ્રમાણે કરે એવું ઉત્તેજન આપવું જોઈએ. એનો અર્થ એ થાય કે તે જે શીખે છે એના માટે પ્રેમ હોવો જોઈએ, અને ઈશ્વરની શક્તિ દ્વારા મળતા ગુણો કેળવવા જોઈએ. (ગલા. ૫:૨૨, ૨૩) પ્રાર્થના પણ તેના જીવનમાં ખૂબ જ મહત્ત્વની હોવી જોઈએ. (ફિલિ. ૪:૬, ૭) વધુમાં, કોઈ પણ સોંપણી પૂરી કરવા તે હિંમત અને શક્તિ માટે યહોવાહ પર આધાર રાખવો જોઈએ.—૨ તીમોથી ૧:૭, ૮ વાંચો.

૧૬ અમુક પુરુષોને કદાચ વાતચીત અને વાંચનમાં સુધારો કરવા મદદની જરૂર પડી શકે. તો બીજાઓને લાગે કે પોતે યહોવાહની ભક્તિ કરવા લાયક નથી, કેમ કે તેઓએ પહેલાં ખરાબ કામ કર્યા હતા. આ બંને કિસ્સાઓમાં જો આપણે પ્રેમ અને ધીરજ બતાવીશું, તો ઘણો ફાયદો થશે. ઈસુએ કહ્યું: ‘જેઓ સાજા છે તેઓને વૈદની જરૂર નથી, પણ જેઓ માંદા છે તેઓને છે.’—માથ. ૯:૧૨.

વધારે પુરુષોને સંદેશો જણાવો

૧૭, ૧૮. (ક) વધારે પુરુષોને સંદેશો જણાવવા આપણે શું કરવું જોઈએ? (ખ) હવે પછીના લેખમાં શાની ચર્ચા કરીશું?

૧૭ લોકોને સાચી ખુશી આપી શકે એવો સંદેશો ફક્ત બાઇબલમાં જ છે. આપણે પુરુષોને મદદ કરવા માગીએ છીએ, જેથી તેઓ એ સંદેશાને સ્વીકારે. (૨ તીમો. ૩:૧૬, ૧૭) તો પછી વધારે પુરુષોને સંદેશો જણાવવા શું કરવું જોઈએ? પ્રચારમાં વધારે સમય આપીએ. સાંજના સમયે, શનિ-રવિમાં બપોરે કે પછી રજાના દિવસે પ્રચારમાં જવાથી પુરુષો ઘરે મળી શકે. શક્ય હોય ત્યારે ઘરના પુરુષ સાથે વાત કરવા પૂછી શકીએ. યોગ્ય હોય એવા સમયે સાથે કામ કરતા પુરુષોને સંદેશો જણાવી શકીએ. મંડળની જે બહેનોના પતિ સત્યમાં નથી, તેઓ સાથે વાત કરી શકાય.

૧૮ આપણે ચાહીએ છીએ કે વધારેને વધારે લોકો સત્ય સ્વીકારે. જેઓ સત્ય શોધી રહ્યા છે, તેઓ ચોક્કસ આપણો સંદેશો સ્વીકારે છે. ચાલો આપણે જેઓ સત્યમાં રસ બતાવે છે, તેઓને ધીરજથી મદદ કરતા રહીએ. પરંતુ બાપ્તિસ્મા પામેલા ભાઈઓ મંડળમાં વધારે જવાબદારી ઉઠાવે એ માટે તેઓને કઈ રીતે મદદ કરી શકાય? હવે પછીનો લેખ આ સવાલનો જવાબ આપશે. (w11-E 11/15)

[ફુટનોટ]

^ યહોવાહના સાક્ષીઓએ બહાર પાડેલ યરબુક, ચોકીબુરજ અને સજાગ બનો!માં ભાઈ-બહેનોના અનુભવો જુઓ.

તમે કેવો જવાબ આપશો?

• યહોવાહની ભક્તિને જીવનમાં પ્રથમ રાખવા કઈ રીતે પુરુષોને મદદ કરી શકાય?

• સાથે કામ કરતા કે મિત્રોના દબાણનો સામનો કરવા કઈ રીતે બાઇબલ વિદ્યાર્થીને મદદ કરી શકાય?

• પોતે બીજાઓ જેટલું સારું નહિ કરી શકે, એવી લાગણીને દૂર કરવા વ્યક્તિને શું મદદ કરશે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૫ પર ચિત્ર]

પુરુષોને સંદેશો જણાવવા શું તમે દરેક તકનો ઉપયોગ કરો છો?

[પાન ૨૬ પર ચિત્ર]

બાઇબલ વિદ્યાર્થીને મુશ્કેલ સંજોગોનો સામનો કરવા કઈ રીતે તૈયાર કરી શકો?