૪ ઈશ્વર અન્યાયી છે શું એ સાચું છે?
૪ ઈશ્વર અન્યાયી છે શું એ સાચું છે?
તમે કદાચ સાંભળ્યું હશે: “આ દુનિયા ઈશ્વરની મુઠ્ઠીમાં છે. તેમની ઇચ્છા વગર એકેય પાંદડું હાલતું નથી. તેથી દુનિયામાં ચાલી રહેલ ભેદભાવ, અન્યાય અને ક્રૂરતા માટે ઈશ્વર જવાબદાર છે.”
બાઇબલ શું શીખવે છે: દુનિયામાં ચાલી રહેલા અન્યાય માટે ઈશ્વર જવાબદાર નથી. યહોવાહ વિષે બાઇબલ કહે છે: ‘તેમનું કામ સંપૂર્ણ છે; કેમ કે તેમના સર્વ માર્ગો ન્યાયી છે. વિશ્વાસુ તથા સત્ય ઈશ્વર, તે ન્યાયી તથા ખરા છે.’—પુનર્નિયમ ૩૨:૪.
ભલે લોકો ઈશ્વરનું કહ્યું કરે કે ન કરે, તે બધાને ઉદારતાથી આપે છે. દાખલા તરીકે, “તે પોતાના સૂરજને ભૂંડા તથા ભલા પર ઉગાવે છે, ને ન્યાયી તથા અન્યાયી પર વરસાદ વરસાવે છે.” (માત્થી ૫:૪૫) તે દરેક નાત-જાતના અને સમાજના લોકો સાથે ન્યાયથી વર્તે છે. એની સાબિતી આપણને પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૪, ૩૫માં જોવા મળે છે: ‘ઈશ્વર પક્ષપાતી નથી. પણ દરેક દેશમાં જે કોઈ તેમની બીક રાખે છે, ને ન્યાયીપણું કરે છે, તે તેમને માન્ય છે.’
તો પછી અન્યાય ફેલાવાનું કારણ શું છે? એ જ કે ઘણા લોકોએ ઈશ્વરના ન્યાયી ધોરણોને બદલે અન્યાયથી વર્તવાનું પસંદ કર્યું છે. (પુનર્નિયમ ૩૨:૫) વધુમાં બાઇબલ જણાવે છે કે ઈશ્વરે પોતાના દુશ્મન શેતાનને આ દુનિયા પર રાજ કરવાની પરવાનગી આપી છે. * (૧ યોહાન ૫:૧૯) પણ યહોવાહ જલદી જ અન્યાયનો અંત લાવશે. એ માટે તેમણે “શેતાનનાં કામનો નાશ” કરવાની ગોઠવણ કરી દીધી છે.—૧ યોહાન ૩:૮.
સત્ય જાણવાનો ફાયદો: દુનિયામાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર, ક્રૂરતા અને અન્યાય જોઈને કદાચ તમને સૂઝતું નહિ હોય કે શું કરવું. પણ એનું મૂળ કારણ જાણવાથી તમે સમજી શકશો કે કેમ એ બધું ચાલી રહ્યું છે, અને પૃથ્વીને સુધારવાના મનુષ્યના પ્રયત્નો કેમ નિષ્ફળ ગયા છે. (ગીતશાસ્ત્ર ૧૪૬:૩) તેથી આ દુનિયાને સુધારવા પ્રયત્ન કરવાનો કોઈ અર્થ નથી, કેમ કે એ ફેરફાર વધારે ટકવાનો નથી. એને બદલે જો ઈશ્વરના વચનોમાં ભરોસો મૂકીશું, તો ભાવિની સુંદર આશા મળશે.—પ્રકટીકરણ ૨૧:૩, ૪.
અન્યાયનું મૂળ ખબર હશે, તો આપણા પર તકલીફો આવે ત્યારે એ સહેવા મદદ મળશે. જ્યારે આપણી સાથે અન્યાય થાય ત્યારે હબાક્કૂકની જેમ આપણે પણ ઈશ્વરને પોકારી ઊઠીએ: “કાયદા અમલમાં આવતા નથી, અને વળી કદી અદલ ઇન્સાફ મળતો નથી.” (હબાક્કૂક ૧:૪) જોકે એવું કહેવા માટે ઈશ્વરે હબાક્કૂકને ધમકાવ્યા નહિ. એને બદલે ખાતરી અપાવી કે બાબતોને સુધારવા માટે તેમણે સમય નક્કી કર્યો છે. તેમ જ મુશ્કેલ સંજોગોમાં આનંદી રહેવા મદદ કરી. (હબાક્કૂક ૨:૨-૪; ૩:૧૭, ૧૮) એવી જ રીતે આપણે પણ ઈશ્વરના વચનમાં ભરોસો મૂકવો જોઈએ, કે તે જલદી જ અન્યાયને દૂર કરશે. એમ કરીશું તો આ અન્યાયી જગતમાં આપણને મનની શાંતિ મળશે. (w11-E 10/01)
[ફુટનોટ]
^ કઈ રીતે એક સ્વર્ગદૂત શેતાન બન્યો એ વિષે જાણવા, પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું ત્રીજું પ્રકરણ જુઓ.
[પાન ૭ પર બ્લર્બ]
અન્યાય અને દુઃખ-તકલીફો માટે શું ઈશ્વર જવાબદાર છે?
[પાન ૭ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
© Sven Torfinn/Panos Pictures