સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરની શક્તિના માર્ગદર્શન પ્રમાણે કેમ ચાલવું જોઈએ?

ઈશ્વરની શક્તિના માર્ગદર્શન પ્રમાણે કેમ ચાલવું જોઈએ?

ઈશ્વરની શક્તિના માર્ગદર્શન પ્રમાણે કેમ ચાલવું જોઈએ?

‘તમે મારા ઈશ્વર છો. તમારી શક્તિ મને સાચા માર્ગોએ દોરી જાઓ.’—ગીત. ૧૪૩:૧૦, IBSI.

૧. સમજાવો કે કઈ રીતે એક અદૃશ્ય બળ, વ્યક્તિને માર્ગ બતાવી શકે છે?

 શુંતમે કદી હોકાયંત્ર (દિશાસૂચક કંપાસ) વાપર્યું છે? આ એક સાદું યંત્ર છે, જેમાં એક સોય હોય છે. એ સોય ઉત્તર દિશા બતાવે છે. પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ધ્રુવને લીધે પૃથ્વીની ફરતે અદૃશ્ય ચુંબકીય ક્ષેત્ર રચાઈ છે. આ અદૃશ્ય ચુંબકીય બળને આધારે હોકાયંત્રની સોય, ઉત્તર દિશા બતાવે છે. સદીઓથી મુસાફરોએ હોકાયંત્રની મદદથી દરિયાઈ માર્ગે કે જમીન માર્ગે દૂર દૂર દેશો સુધી પ્રવાસ કર્યો છે.

૨, ૩. (ક) અબજો વર્ષો પહેલાં યહોવાહે શાનો ઉપયોગ કર્યો હતો? (ખ) આપણે કેમ કહી શકીએ કે એ શક્તિ આજે આપણા જીવનને અસર કરે છે?

બીજું પણ એક બળ છે, જે આપણને માર્ગ બતાવે છે. એ કયું બળ છે? બાઇબલના પહેલા પુસ્તકમાં એનો ઉલ્લેખ થયો છે. અબજો વર્ષો પહેલાં યહોવાહે એનો ઉપયોગ કરીને બધું ઉત્પન્‍ન કર્યું હતું. ઉત્પત્તિનો અહેવાલ જણાવે છે: “પ્રારંભમાં ઈશ્વરે આકાશ અને પૃથ્વી સર્જ્યાં.” આપણે જાણીએ છીએ કે ઈશ્વરે પોતાની અજોડ શક્તિ દ્વારા આ બધું ઉત્પન્‍ન કર્યું હતું. બાઇબલનો અહેવાલ આગળ જણાવે છે કે ‘ઈશ્વરની શક્તિ આમતેમ ઘૂમતી હતી.’ (ઉત. ૧:૧, ૨, સંપૂર્ણ) આપણે કેટલા આભારી છીએ કે ઈશ્વરે પોતાની શક્તિ દ્વારા આપણને જીવન આપ્યું છે. ઉપરાંત આ શક્તિનો ઉપયોગ કરીને જ તેમણે વિશ્વની દરેક વસ્તુઓ બનાવી છે.—અયૂ. ૩૩:૪; ગીત. ૧૦૪:૩૦.

આપણને બનાવવા ઈશ્વરે આ શક્તિનો ઉપયોગ કર્યો હતો. પરંતુ શું એ શક્તિ આજે આપણા જીવનને અસર કરે છે? ઈશ્વરના દીકરા ઈસુ જાણતા હતા કે એ શક્તિ હજી પણ આપણને અસર કરે છે. એટલે જ તેમણે પોતાના શિષ્યોને કહ્યું: ‘શક્તિ તમને સર્વ સત્યમાં દોરી જશે.’ (યોહા. ૧૬:૧૩) આ શક્તિ શું છે? અને આપણે કેમ એનાથી દોરાવું જોઈએ?

ઈશ્વરની શક્તિ શું છે?

૪, ૫. (ક) ત્રૈક્યમાં માનનારા ઈશ્વરની શક્તિ વિષે શું ખોટી માન્યતા ધરાવે છે? (ખ) ઈશ્વરની શક્તિ શું છે, એ તમે કેવી રીતે સમજાવશો?

આપણને પ્રચારમાં એવા લોકો મળે છે, જેઓ ઈશ્વરની શક્તિ વિષે કંઈ જુદું જ માને છે. તેઓની માન્યતા બાઇબલથી સાવ અલગ છે. જેઓ ત્રૈક્યમાં માને છે તેઓ ઈશ્વરની શક્તિને એક વ્યક્તિ ગણે છે, જે ઈશ્વર સમાન છે. આ માન્યતા બાઇબલના સુમેળમાં નથી. (૧ કોરીં. ૮:૬) ત્રૈક્યની માન્યતા બાઇબલની વિરુદ્ધ છે એ સહેલાઈથી જોઈ શકાય છે.

ઈશ્વરની શક્તિ શું છે? ન્યૂ વર્લ્ડ ટ્રાંસલેશન ઑફ ધ હોલી સ્ક્રીપ્ચર્સ—વીથ રેફરન્સીસ બાઇબલમાં ઉત્પત્તિ ૧:૨ની ફૂટનોટ આમ જણાવે છે: “અહીં ‘રુઆખ’ જે હેબ્રી શબ્દ છે, એનો ‘શક્તિ’ તરીકે અનુવાદ થયો છે. પરંતુ એનો ‘પવન’ અથવા અદૃશ્ય બળ દર્શાવતા શબ્દો તરીકે પણ અનુવાદ થયો છે.” (વધુ માહિતી માટે એ જ બાઇબલમાં ઉત્પત્તિ ૩:૮; ૮:૧ની ફૂટનોટ જુઓ.) પવન અદૃશ્ય છે, પણ એની શક્તિની અસર જોઈ શકીએ છીએ. એવી જ રીતે આપણે ઈશ્વરની શક્તિને જોઈ શકતા નથી, પણ એની અસર જોઈ શકીએ છીએ. ઈશ્વર પોતાની આ શક્તિ મનુષ્ય પર અથવા કોઈ વસ્તુ પર વાપરીને પોતાની ઇચ્છા અનુસાર કરે છે. આ શક્તિ ઈશ્વર પાસેથી આવે છે, શું એવું માનવું અઘરું છે? ના, જરાય નહિ.—યશાયાહ ૪૦:૧૨, ૧૩ વાંચો.

૬. દાઊદે યહોવાહને કેવી આજીજી કરી હતી?

આપણને માર્ગદર્શન આપવા શું યહોવાહ આ શક્તિનો હજી પણ ઉપયોગ કરે છે? તેમણે દાઊદ રાજાને વચન આપ્યું હતું કે “કયે માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ તથા બતાવીશ.” (ગીત. ૩૨:૮) શું દાઊદને એની જરૂર હતી? હા, કેમ કે તેમણે યહોવાહને આજીજી કરી હતી: ‘તમારી ઇચ્છા પૂરી કરવા મારી મદદ કરો, તમે મારા ઈશ્વર છો. તમારી શક્તિ મને સાચા માર્ગોએ દોરી જાઓ.’ (ગીત. ૧૪૩:૧૦, IBSI) આપણામાં પણ દાઊદની જેમ ઈશ્વરની શક્તિથી દોરાવાની ઇચ્છા હોવી જોઈએ. શા માટે? ચાલો એના ચાર કારણો જોઈએ.

ખરો માર્ગ પસંદ કરવાની ખામી

૭, ૮. (ક) ઈશ્વરની મદદ વગર આપણે કેમ પોતાના પગલાં ગોઠવી શકતા નથી? (ખ) સમજાવો કે શા માટે આ દુષ્ટ દુનિયામાં ઈશ્વરના માર્ગદર્શનની જરૂર છે.

પહેલું કારણ એ છે કે આપણે પોતાની રીતે ખરો માર્ગ પસંદ કરી શકતા નથી. એટલે આપણને ઈશ્વરની શક્તિના માર્ગદર્શનની જરૂર છે. ‘માર્ગદર્શન’ આપવાનો અર્થ એ થાય કે વ્યક્તિને ખરો માર્ગ બતાવવો અથવા ખરી દિશા બતાવવી. જોકે આપણે આમ કરી શકતા નથી, કેમ કે યહોવાહે આપણને એવી ક્ષમતા આપી નથી. ઉપરાંત પાપી હોવાથી પોતાની રીતે કંઈ કરવા જઈએ તો ઘણી ભૂલો કરી બેસીએ છીએ. ઈશ્વરભક્ત યિર્મેયાહે કહ્યું: “ઓ પ્રભુ, હું જાણું છું કે માણસ પાસે એવી શક્તિ નથી કે તે પોતા માટે સાચો માર્ગ નક્કી કરે અને તે પ્રમાણે જીવનનું આયોજન કરે.” (યિર્મે. ૧૦:૨૩, IBSI) શા માટે નહિ? યહોવાહે એનું કારણ યિર્મેયાહ દ્વારા આપતા જણાવ્યું કે “હૃદય સહુથી કપટી છે, તે અતિશય ભૂંડું છે; તેને કોણ જાણી શકે?”—યિર્મે. ૧૭:૯; માથ. ૧૫:૧૯.

માની લો કે એક વ્યક્તિને જંગલ અથવા રણ પાર કરીને ક્યાંક જવાનું છે. જો તે કોઈ અનુભવી વ્યક્તિ અથવા હોકાયંત્ર સાથે ન લઈ જાય તો ચોક્કસ તે મૂર્ખામી કરે છે. આવા મુશ્કેલ સંજોગોમાંથી બહાર નીકળતા આવડતું ન હોય તો, એ પોતાનો જીવ જોખમમાં મૂકે છે. એવી જ રીતે, જે વ્યક્તિ ઈશ્વરના માર્ગદર્શન વગર પોતાની જાતે દુષ્ટ દુનિયામાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે, તો તે પોતાનું જીવન જોખમમાં મૂકે છે. જો આ દુષ્ટ દુનિયામાંથી આપણે બચવું હોય તો દાઊદની જેમ યહોવાહની મદદ માગીએ. દાઊદે કહ્યું: “મારાં પગલાં તારા માર્ગોમાં સ્થિર રહ્યાં છે, મારા પગ લપસી ગયા નથી.” (ગીત. ૧૭:૫; ૨૩:૩) આપણે કઈ રીતે ઈશ્વરનો માર્ગ શોધી શકીએ?

૯. પાન ૨૩ ઉપર બતાવ્યા પ્રમાણે ઈશ્વરની શક્તિ કઈ રીતે આપણને દોરી શકે?

જો આપણે નમ્ર હોઈશું અને યહોવાહ પર આધાર રાખીશું તો ચોક્કસ તે મદદ કરશે. તે આપણને પોતાની શક્તિ આપશે, જેથી માર્ગ પસંદ કરવા મદદ મળે. એ શક્તિ આપણને કઈ રીતે મદદ કરશે? ઈસુએ પોતાના શિષ્યોને જણાવ્યું: ‘સહાયક, એટલે ઈશ્વરની શક્તિ, જેને પિતા મારે નામે મોકલી દેશે, તે તમને બધું શીખવશે, અને મેં જે જે તમને કહ્યું તે બધું તમારા સ્મરણમાં લાવશે.’ (યોહા. ૧૪:૨૬) એ માટે શું કરવું જરૂરી છે? આપણે નિયમિત રીતે અને પ્રાર્થનાપૂર્વક બાઇબલનો અભ્યાસ કરીએ. ઈસુના શિક્ષણ પર ધ્યાન આપીએ. એમ કરીશું તો એ શક્તિ આપણને ઈશ્વરનું ઊંડું જ્ઞાન સમજવા મદદ કરશે. જેના દ્વારા આપણે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરી શકીશું. (૧ કોરીં. ૨:૧૦) જો અચાનક આપણા સંજોગો બદલાઈ જાય તો એવા સમયે પણ આ શક્તિ આપણને યોગ્ય દિશા બતાવશે. આ શક્તિ આપણને શીખી ગયેલા બાઇબલ સિદ્ધાંતોને યાદ દેવડાવશે. તેમ જ એ સિદ્ધાંતોને જીવનમાં કેવી રીતે લાગુ પાડવા એ માટે મદદ કરશે.

ઈસુ પવિત્ર શક્તિની દોરવણી પ્રમાણે ચાલ્યા

૧૦, ૧૧. ઈસુ શાની આશા રાખતા હતા? એ શક્તિએ તેમને કઈ રીતે મદદ કરી?

૧૦ ઈશ્વરની શક્તિનું માર્ગદર્શન સ્વીકારવાનું બીજું કારણ શું છે? એ જ કે ઈસુ પણ એના માર્ગદર્શન પ્રમાણે ચાલ્યા હતા. ઈસુ ધરતી પર હતા, ત્યારે તેમણે ઈશ્વરની શક્તિ મેળવવાની આશા રાખી. ઈસુ જાણતા હતા કે તેમના વિષે શું ભાખવામાં આવ્યું છે: ‘યહોવાહની શક્તિ તેમને સુબુદ્ધિ તથા સમજ, વિવેકબુદ્ધિ તથા પરાક્રમ, જ્ઞાન તથા સમજણ આપશે. તે યહોવાહના ભયમાં હરખાશે.’ (યશા. ૧૧:૨) ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમનું જીવન સહેલું ન હતું. એવા સંજોગોમાં તે ઈશ્વરની શક્તિનું માર્ગદર્શન સ્વીકારવા ખૂબ જ આતુર હતા.

૧૧ યહોવાહનું વચન સાચું પડ્યું. ઈસુના બાપ્તિસ્મા પછી તરત શું બન્યું હતું, એ વિષે લુકનો અહેવાલ જણાવે છે: ‘ઈસુ, ઈશ્વરની શક્તિથી ભરપૂર થઈને યરદનથી પાછા ફર્યા, ને અહીંતહીં રાનમાં દોરવાયા.’ (લુક ૪:૧) ત્યાં તેમણે ઉપવાસ કર્યો. પ્રાર્થના કરી તેમ જ મનન કર્યું. યહોવાહે ત્યાં તેમને માર્ગદર્શન આપ્યું હશે અને આગળ જતાં તેમની સાથે શું બનશે એ માટે તૈયાર કર્યા હશે. ઈશ્વરની શક્તિની અસર ઈસુના મન અને હૃદય પર થઈ. એ અસર તેમના વિચારો અને નિર્ણયોમાં દેખાય આવી. ઈસુ જાણતા હતા કે કોઈ પણ સંજોગોમાં શું કરવું. તેમણે પિતાની ઇચ્છા પ્રમાણે જ કર્યું.

૧૨. શા માટે આપણે ઈશ્વરની શક્તિનું માર્ગદર્શન માંગવું જોઈએ?

૧૨ ઈસુ સારી રીતે જાણતા હતા કે તેમના જીવન પર ઈશ્વરની શક્તિની કેટલી ઊંડી અસર થઈ છે. એટલે જ ઈસુએ પોતાના શિષ્યોને એ શક્તિ માંગવાનું અને એની દોરવણી પ્રમાણે ચાલવાનું મહત્ત્વ સમજાવ્યું. (લુક ૧૧:૯-૧૩ વાંચો.) ઈશ્વરની શક્તિની દોરવણી પ્રમાણે ચાલવું આપણા માટે કેમ જરૂરી છે? કેમ કે એ આપણા વિચારો બદલી શકે છે, તેમ જ ખ્રિસ્તના જેવું મન કેળવવા મદદ કરે છે. (રોમ. ૧૨:૨; ૧ કોરીં. ૨:૧૬) જો આપણે ઈશ્વરની શક્તિના માર્ગદર્શન પ્રમાણે ચાલીશું, તો ઈસુના જેવું વિચારી શકીશું અને તેમને અનુસરી શકીશું.—૧ પીત. ૨:૨૧.

દુન્યવી વલણ ગેરમાર્ગે દોરી શકે

૧૩. દુન્યવી વલણ શું છે? એ વલણ લોકોને શું કરવા ઉશ્કેરે છે?

૧૩ ઈશ્વરની શક્તિનું માર્ગદર્શન સ્વીકારવાનું ત્રીજું કારણ શું છે? જો આપણે એ માર્ગદર્શન નહિ સ્વીકારીએ તો દુનિયાનું વલણ આપણને ખોટે માર્ગે દોરી જશે. મોટા ભાગના લોકોને આજે દુનિયાના વલણની અસર થઈ છે. એ વલણ લોકોને ઈશ્વરની શક્તિથી મળતા ગુણોની વિરુદ્ધ હોય એવી બાબતો કરવા ઉશ્કેરે છે. એ વલણ લોકોને ઈસુના જેવું મન કેળવવા મદદ કરતું નથી. એને બદલે એ વલણ જગતના રાજા શેતાનના જેવું વિચારવા અને કરવા ઉશ્કેરે છે. (એફેસી ૨:૧-૩; તીતસ ૩:૩ વાંચો.) જો વ્યક્તિ એવા વલણની અસર હેઠળ આવી જશે અને ‘શરીરના કામો’ કરશે, તો તેને ‘ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહિ.’—ગલા. ૫:૧૯-૨૧.

૧૪, ૧૫. દુનિયાના વલણનો સામનો કરવા આપણે શું કરવું જોઈએ?

૧૪ દુનિયાના વલણનો સામનો કરવા યહોવાહ આપણને જોઈતી મદદ પૂરી પાડે છે. પ્રેરિત પાઊલે કહ્યું: ‘પ્રભુમાં તથા તેના સામર્થ્યના બળમાં શક્તિમાન થાઓ, કે તમે ભૂંડે દહાડે સામા થઈ શકો.’ (એફે. ૬:૧૦, ૧૩) શેતાન આપણને ગેરમાર્ગે દોરવા ઘણા પ્રયાસો કરે છે, પરંતુ યહોવાહ એનો સામનો કરવા આપણને શક્તિ આપે છે. (પ્રકટી. ૧૨:૯) શેતાન ઘણો શક્તિશાળી છે, એ કારણે આપણે પોતાની રીતે દુન્યવી વલણનો સામનો કરી શકતા નથી. પણ એનો અર્થ એ નથી કે આપણે એની સામે ટકી શકતા નથી. ઈશ્વરની શક્તિ એનાથી પણ વધારે શક્તિશાળી છે, જે આપણને ચોક્કસ મદદ પૂરી પાડે છે.

૧૫ પહેલી સદીમાં જે લોકોએ ઈસુને પગલે ચાલવાનું છોડી દીધું તેઓ વિષે પ્રેરિત પીતરે કહ્યું: “ખરો માર્ગ મૂકીને તેઓ અવળે માર્ગે ગયા છે.” (૨ પીત. ૨:૧૫) આપણે કેટલા આભારી છીએ કે ‘જગતનું વલણ નહિ, પણ જે શક્તિ ઈશ્વર તરફથી છે’ તે પામ્યા છીએ. (૧ કોરીં. ૨:૧૨) આપણે ઈશ્વરની શક્તિના માર્ગદર્શન પ્રમાણે ચાલવું જોઈએ. ઉપરાંત ભક્તિમાં મક્કમ રહેવા યહોવાહે જે ગોઠવણ કરી છે, એનો લાભ ઉઠાવવો જોઈએ. આમ કરવાથી આપણે ખરા માર્ગ પર ચાલતા રહી શકીશું. તેમ જ, આ દુષ્ટ જગતના વલણનો સારી રીતે સામનો કરી શકીશું.—ગલા. ૫:૧૬.

ઈશ્વરની શક્તિથી સારા ગુણો કેળવાય છે

૧૬. ઈશ્વરની શક્તિની મદદથી આપણે કેવા ગુણો કેળવી શકીએ છીએ?

૧૬ ઈશ્વરની શક્તિના માર્ગદર્શન પ્રમાણે ચાલવાનું ચોથું કારણ શું છે? એ કે એના દ્વારા આપણે સારા ગુણો કેળવી શકીએ છીએ. (ગલાતી ૫:૨૨, ૨૩ વાંચો.) આપણે બધા જ પ્રેમાળ, આનંદિત અને શાંતિ ચાહક બનવા માગીએ છીએ. તેમ જ સહનશીલ, માયાળુ અને ભલું કરનારા બનવા ચાહીએ છીએ. વિશ્વાસ, નમ્રતા અને સંયમ જેવા ગુણો કેળવવા ચાહીએ છીએ. આવા સારા ગુણોથી આપણને તો ફાયદો થશે જ, સાથે સાથે કુટુંબ અને મંડળને પણ ફાયદો થશે. આ બધા ગુણોની કેટલી જરૂર છે અને કેટલા પ્રમાણમાં કેળવવા જોઈએ, એની કોઈ હદ નથી. એટલે આવા ગુણો કેળવવા આપણે સખત મહેનત કરતા રહેવું જોઈએ.

૧૭. શું કરી શકીએ જેથી ઈશ્વરની શક્તિથી મળતા ગુણો વધારે કેળવી શકીએ?

૧૭ આ સવાલો પર વિચાર કરવો સારું રહેશે: શું આપણું વાણી-વર્તન બતાવે છે કે આપણે ઈશ્વરની દોરવણી પ્રમાણે ચાલીએ છીએ? શું આપણે ઈશ્વરની શક્તિથી મળતા ગુણો કેળવીએ છીએ? (૨ કોરીં. ૧૩:૫ક; ગલા. ૫:૨૫) જો આપણને લાગે કે અમુક ગુણો કેળવવાની જરૂર છે, તો શું કરી શકીએ? આપણે વધારે પ્રયત્ન કરીએ, જેથી ઈશ્વરની શક્તિના માર્ગદર્શન હેઠળ એ ગુણો કેળવી શકીએ. એ ગુણો કેળવવા આપણે બાઇબલ અને સંસ્થાના સાહિત્યનો ઊંડો અભ્યાસ કરવો જોઈએ. રોજબરોજના જીવનમાં આપણે એ ગુણો કેવી રીતે બતાવી શકીએ એનો વિચાર કરવો જોઈએ. પછી એ પ્રમાણે કરવા સખત મહેનત કરવી જોઈએ. * જ્યારે આપણે અને ભાઈ-બહેનો આ ગુણો કેળવીએ છીએ, ત્યારે એના બહુ સારા પરિણામ આવે છે. એનાથી જોઈ શકાય છે કે ઈશ્વર શક્તિના માર્ગદર્શન પ્રમાણે ચાલવું કેટલું મહત્ત્વનું છે.

ઈશ્વરની શક્તિને તમારા પર કામ કરવા દો

૧૮. ઈશ્વરની શક્તિના માર્ગદર્શન પ્રમાણે કરવામાં ઈસુએ જે દાખલો બેસાડ્યો, એમાંથી આપણે શું શીખી શકીએ?

૧૮ ઈશ્વરે જ્યારે વિશ્વ બનાવ્યું ત્યારે ઈસુએ એક “કુશળ કારીગર” તરીકે તેમને સાથ આપ્યો હતો. તેથી પૃથ્વીના ચુંબકીય બળ વિષે ઈસુ બધું જાણતા હતા. આજે એ બળના આધારે ચાલતા હોકાયંત્રનો ઉપયોગ કરીને લોકો મુસાફરી કરી શકે છે. (નીતિ. ૮:૩૦; યોહા. ૧:૩) પણ બાઇબલમાં એવો કોઈ ઉલ્લેખ નથી કે ઈસુએ પોતાનો રસ્તો નક્કી કરવા ચુંબકીય બળનો ઉપયોગ કર્યો હોય. બાઇબલ સાફ જણાવે છે કે ઈસુએ પોતાના જીવનમાં ઈશ્વરની શક્તિનો અનુભવ કર્યો હતો. ઈસુ એ શક્તિના માર્ગદર્શન પ્રમાણે જ ચાલ્યા. જ્યારે એ શક્તિએ તેમને કંઈક કરવા દોર્યા ત્યારે તેમણે એ પ્રમાણે જ કર્યું. (માર્ક ૧:૧૨, ૧૩; લુક ૪:૧૪) શું તમે પણ ઈસુની જેમ કરો છો?

૧૯. ઈશ્વરની શક્તિ આપણને દોરે એ માટે શું કરવું જોઈએ?

૧૯ ઈશ્વરની શક્તિ આજે પણ એવા લોકો પર કામ કરે છે, જેઓ એનો સ્વીકાર કરે છે અને એના માર્ગદર્શન પ્રમાણે ચાલે છે. એ શક્તિ તમારા પર કામ કરે અને તમને યોગ્ય માર્ગ પર દોરે એ માટે તમે શું કરી શકો? યહોવાહને સતત પ્રાર્થના કરો કે તે પોતાની શક્તિ આપે અને એના માર્ગદર્શન પ્રમાણે કરવા મદદ કરે. (એફેસી ૩:૧૪-૧૬ વાંચો.) પ્રાર્થનાના સુમેળમાં પગલાં ભરો. એ માટે ઈશ્વરની શક્તિથી લખાયેલા બાઇબલમાં સલાહ શોધો. (૨ તીમો. ૩:૧૬, ૧૭) એ સલાહ પાળો અને ઈશ્વરની શક્તિની દોરવણી પ્રમાણે કરો. પૂરો ભરોસો રાખો કે યહોવાહ તમને આ દુષ્ટ જગતમાંથી સારી રીતે દોરશે. (w11-E 12/15)

[ફુટનોટ]

^ ઈશ્વરની શક્તિ દ્વારા મળતા દરેક ગુણો વિષે વધારે માહિતી મેળવવા આ ચોકીબુરજ જુઓ: w૦૭ ૮/૧ ૧૬-૧૯; w૦૩ ૧/૧૫ ૧૧; w૦૨ ૧/૧૫ ૧૭; w૯૫ ૧/૧૫ ૧૬; w૦૧ ૧૧/૧ ૧૪-૧૪; w૦૩ ૭/૧ ૬; w૦૧ ૧/૧ ૧૭, ૨૨; w૦૩ ૪/૧ ૧૫, ૧૯-૨૦; w૦૩ ૧૦/૧૫ ૧૩, ૧૪

તમે શું શીખ્યા?

• ઈશ્વરની શક્તિ કઈ રીતે આપણા જીવનને અસર કરી શકે?

• ઈશ્વરની શક્તિના માર્ગદર્શન પ્રમાણે જીવવાના ચાર કારણો કયાં છે?

• ઈશ્વરની શક્તિ તમને યોગ્ય દિશામાં દોરે, એ માટે તમે શું કરી શકો?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૧ પર ચિત્ર]

ઈશ્વરની શક્તિએ ઈસુના જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો

[પાન ૨૩ પર ચિત્ર]

આપણને માર્ગદર્શન આપવા ઈશ્વરની શક્તિ દિલોદિમાગને અસર કરે છે