પહેલી સદીમાં અને આજે ઈશ્વરની શક્તિનું માર્ગદર્શન
પહેલી સદીમાં અને આજે ઈશ્વરની શક્તિનું માર્ગદર્શન
‘એ સર્વ કરાવનાર પવિત્ર શક્તિ છે.’—૧ કોરીં. ૧૨:૧૧.
૧. આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?
પેન્તેકોસ્તના દિવસે અમુક રોમાંચક બનાવો બન્યા હતા. એ દિવસે વિશ્વાસુ ઈશ્વરભક્તો પર યહોવાહે પોતાની શક્તિ રેડી હતી. (પ્રે.કૃ. ૨:૧-૪) એ દિવસથી પોતાના લોકોને માર્ગદર્શન આપવા ઈશ્વરે અલગ રીતે પોતાની શક્તિનો ઉપયોગ કર્યો. આગલા લેખમાં આપણે પ્રથમ સદી પહેલાંના ઈશ્વરભક્તો વિષે જોઈ ગયા. એ ઈશ્વરભક્તોને પવિત્ર શક્તિએ મદદ કરી, જેથી ભક્તિમાં પોતાની જવાબદારી સારી રીતે ઉપાડી શકે. પ્રથમ સદીમાં ઈશ્વરની શક્તિએ કઈ અલગ રીતે કામ કર્યું? ઈશ્વરની શક્તિ આજે જે રીતે કામ કરે છે, એનાથી આપણને કઈ રીતે લાભ થાય છે? ચાલો જોઈએ.
‘હું પ્રભુની દાસી છું’
૨. મરિયમે કઈ રીતે ઈશ્વરની શક્તિની અસર જોઈ હતી?
૨ યરૂશાલેમના એક ઘરમાં ભેગાં મળેલા શિષ્યો પર પવિત્ર શક્તિ રેડવામાં આવી ત્યારે મરિયમ પણ ત્યાં હાજર હતી. (પ્રે.કૃ. ૧:૧૩, ૧૪) પરંતુ એ બનાવના આશરે ત્રીસેક વર્ષ પહેલાં તેમણે ઈશ્વરની શક્તિને પોતા પર અલગ રીતે કામ કરતા જોઈ હતી. મરિયમ હજી તો કુંવારી હતી ત્યારે યહોવાહે પોતાની ‘પવિત્ર શક્તિ’ દ્વારા ઈસુનું જીવન મરિયમના ગર્ભમાં મૂક્યું. (માથ. ૧:૨૦) આ રીતે યહોવાહે પોતાના દીકરાને સ્વર્ગમાંથી પૃથ્વી પર મોકલ્યા.
૩, ૪. મરિયમે કેવું વલણ બતાવ્યું? આપણે તેમને કઈ રીતે અનુસરી શકીએ?
૩ શા માટે યહોવાહે મરિયમને પસંદ કરી? દૂતે જ્યારે મરિયમને જણાવ્યું કે યહોવાહની ઇચ્છા શું છે ત્યારે “મરિયમે તેને કહ્યું, કે જો, હું પ્રભુની દાસી છું; તારા કહ્યા પ્રમાણે મને થાઓ.” (લુક ૧:૩૮) મરિયમે જે કહ્યું એ બતાવે છે કે તે નમ્ર હતી અને યહોવાહની ઇચ્છા પ્રમાણે કરવા ચાહતી હતી. મરિયમે એવો કોઈ સવાલ ન ઉઠાવ્યો કે તેને ગર્ભવતી જોઈને સમાજના લોકો શું કહેશે, અથવા તેમના થનાર પતિ સાથેના સંબંધનું શું થશે. પોતાને દાસી કહીને મરિયમે બતાવી આપ્યું કે તેમને યહોવાહમાં પૂરો ભરોસો છે.
૪ શું તમને કોઈક વાર એવું લાગ્યું છે કે ઈશ્વરની સેવામાં જવાબદારી ઉપાડી નહિ શકો? એવા સમયે આ સવાલો પોતાને પૂછી શકો: ‘શું હું એવો ભરોસો રાખું છું કે યહોવાહ પોતાની ઇચ્છાના સુમેળમાં બાબતોને થાળે પાડશે? યહોવાહે સોંપેલું કામ શું હું ખુશી ખુશી કરું છું?’ જો આપણે પૂરા દિલથી યહોવાહમાં ભરોસો મૂકીશું અને તેમને રાજા તરીકે સ્વીકારીશું, તો તે ચોક્કસ પવિત્ર શક્તિ આપશે.—પ્રે.કૃ. ૫:૩૨.
ઈશ્વરની શક્તિએ પીતરને મદદ કરી
૫. પેન્તેકોસ્ત ૩૩ પહેલાં કઈ રીતે ઈશ્વરની શક્તિએ પીતરને મદદ કરી?
૫ મરિયમની જેમ પીતરે પણ પેન્તેકોસ્ત ૩૩ની સાલ પહેલાં ઈશ્વરની શક્તિનો અનુભવ કર્યો હતો. ઈસુએ તેમને અને બીજા પ્રેરિતોને ભૂતો કાઢવાની શક્તિ આપી હતી. (માર્ક ૩:૧૪-૧૬) જોકે શાસ્ત્ર વધારે વિગતો આપતું નથી, પણ શક્ય છે કે પીતરે એ શક્તિનો ઉપયોગ કર્યો હશે. ઈસુએ જ્યારે પીતરને ગાલીલના સમુદ્ર પર ચાલવા કહ્યું, ત્યારે પણ ઈશ્વરની શક્તિથી પીતર પાણી પર ચાલી શક્યા. (માત્થી ૧૪:૨૫-૨૯ વાંચો.) દેખીતી રીતે જ પીતરે આવા મોટા કામો કરવા ઈશ્વરની શક્તિ પર આધાર રાખ્યો. પરંતુ જલદી જ એ શક્તિ પીતર અને બીજા શિષ્યો પર અલગ રીતે કામ કરવાની હતી.
૬. ઈશ્વરની શક્તિ દ્વારા પીતર, પેન્તેકોસ્ત ૩૩ દરમિયાન અને પછી શું કરી શક્યા?
૬ પેન્તેકોસ્ત ૩૩માં પીતર અને બીજાઓને ઈશ્વરની શક્તિએ અલગ અલગ ભાષાઓ બોલવાની ક્ષમતા આપી. એના દ્વારા તેઓ યરૂશાલેમમાં તહેવાર ઊજવવા આવેલા પરદેશીઓ સાથે વાત કરી શક્યા. પછી પીતરે ત્યાં ભેગા થયેલા ટોળાને સંદેશો જણાવ્યો. (પ્રે.કૃ. ૨:૧૪-૩૬) વિચાર કરો એક સમયે પીતર લોકો સાથે વાત કરતા ડરતા હતા. તો કોઈ વાર વગર વિચાર્યું બોલી જતા હતા. પરંતુ ઈશ્વરની શક્તિ મેળવ્યા બાદ તે હિંમતથી સંદેશો જણાવી શક્યા. સતાવણીનો ડર હોવા છતાં તે જરા પણ અચકાયા નહિ. (પ્રે.કૃ. ૪:૧૮-૨૦, ૩૧) ઈશ્વરે તેમને એ શક્તિ દ્વારા જ્ઞાન આપ્યું. (પ્રે.કૃ. ૫:૮, ૯) અને ઈશ્વરે તેમને સજીવન કરવાની શક્તિ પણ આપી.—પ્રે.કૃ. ૯:૪૦.
૭. પવિત્ર શક્તિથી પીતર અભિષિક્ત થયા પછી ઈસુના કયા શિક્ષણને સમજી શક્યા?
૭ પેન્તેકોસ્ત પહેલાં ઈસુએ શીખવેલા ઘણા સત્યો પીતર સમજી શક્યા હતા. (માથ. ૧૬:૧૬, ૧૭; યોહા. ૬:૬૮) પરંતુ અમુક શિક્ષણ એવું હતું જે પીતર સમજી શક્યા નહિ. દાખલા તરીકે, પીતર સમજી શક્યા નહિ કે ઈસુને સ્વર્ગદૂત તરીકે ત્રીજા દિવસે સજીવન કરવામાં આવશે. તેમ જ તેમનું રાજ્ય સ્વર્ગમાં હશે એ પણ પારખી ન શક્યા. (યોહા. ૨૦:૬-૧૦; પ્રે.કૃ. ૧:૬) પીતર એ પણ સમજી ન શક્યા કે કઈ રીતે મનુષ્ય સ્વર્ગીય શરીર ધારણ કરી શકે અને ત્યાંથી રાજ કરી શકે. પરંતુ જ્યારે તે પવિત્ર શક્તિથી અભિષિક્ત થયા અને તેમને સ્વર્ગની આશા મળી, પછી જ એ વિષયમાં ઈસુના શિક્ષણની પૂરી સમજણ મેળવી શક્યા.
૮. આજે અભિષિક્તો અને ‘બીજા ઘેટાં’ પાસે કેવું જ્ઞાન છે?
૮ ઈસુના શિષ્યો પર પવિત્ર શક્તિ આવી પછી જ તેઓ અમુક શિક્ષણ સમજી શક્યા. ગ્રીક શાસ્ત્રવચનો લખવા એ શક્તિએ અમુક લેખકોને પ્રેરણા આપી. એની મદદથી તેઓ યહોવાહના હેતુ વિષેનું ઊંડું સત્ય શાસ્ત્રમાં સારી રીતે સમજાવી શક્યા. (એફે. ૩:૮-૧૧, ૧૮) આજે અભિષિક્તો અને ‘બીજા ઘેટાંʼના સભ્યો સત્યનું એ જ્ઞાન લે છે, અને સારી રીતે સમજી શકે છે. (યોહા. ૧૦:૧૬) ઈશ્વરની શક્તિ આપણને બાઇબલમાંથી જે જ્ઞાન અને સમજણ પૂરી પાડે છે, એને શું આપણે કીમતી ગણીએ છીએ?
પાઊલ ‘પવિત્ર શક્તિથી ભરપૂર’ થયા
૯. ઈશ્વરની શક્તિની મદદથી પાઊલ શું કરી શક્યા?
૯ પેન્તેકોસ્ત ૩૩ના આશરે એકાદ વર્ષ પછી ઈશ્વરની શક્તિ શાઊલ ઉપર આવી, જે પછીથી પાઊલ તરીકે ઓળખાયા. એ શક્તિએ તેમને જે રીતે અસર કરી એનાથી આજે આપણને પણ ફાયદો થાય છે. એ શક્તિની પ્રેરણાથી પાઊલે બાઇબલના ૧૪ પુસ્તકો લખ્યાં. પીતરની જેમ પાઊલને પણ પવિત્ર શક્તિએ સમજણ આપી. તેથી પાઊલ સ્વર્ગમાંના અમર અને અવિનાશી જીવન વિષે સમજી શક્યા અને એ વિષે લખી શક્યા. ઈશ્વરની શક્તિની મદદથી પાઊલ લોકોને સાજા કરી શક્યા, ભૂતો કાઢી શક્યા અને સજીવન પણ કરી શક્યા. પરંતુ પાઊલને એ શક્તિ કોઈ ખાસ કામ માટે મળી હતી. આજે એ જ ખાસ કામ કરવા ઈશ્વરના બધા ભક્તો પવિત્ર શક્તિ મેળવે છે. જોકે તેઓ એ શક્તિ કોઈ ચમત્કારિક રીતે મેળવતા નથી.
૧૦. પવિત્ર શક્તિએ કઈ રીતે પાઊલને મદદ કરી?
૧૦ પાઊલ ‘પવિત્ર શક્તિથી ભરપૂર થઈને’ પોતાના વિરોધીઓ સામે હિંમતથી બોલ્યા. સૈપ્રસના રાજ્યપાલ પાઊલની વાતો સાંભળીને ખૂબ જ પ્રભાવિત થયા. બાઇબલ જણાવે છે કે રાજ્યપાલે “પ્રભુ વિષેના બોધથી વિસ્મય પામીને વિશ્વાસ કર્યો.” (પ્રે.કૃ. ૧૩:૮-૧૨) પાઊલ જાણતા હતા કે ઈશ્વરની શક્તિની મદદથી જ તે હિંમતથી સત્ય જણાવી શક્યા. (માથ. ૧૦:૨૦) તેમણે એફેસસના મંડળને પોતા માટે પ્રાર્થના કરવા કહ્યું, જેથી તેમને હિંમતથી “બોલવાની” શક્તિ મળે.—એફે. ૬:૧૮-૨૦.
૧૧. પાઊલને કઈ રીતે પવિત્ર શક્તિ દ્વારા માર્ગદર્શન મળ્યું?
૧૧ પવિત્ર શક્તિએ પાઊલને બોલવા હિંમત આપી, પરંતુ અમુક વખતે એ જ શક્તિએ તેમને બોલતા રોક્યા. મિશનરી સેવામાં તેમને એ શક્તિએ માર્ગદર્શન આપ્યું. (પ્રે.કૃ. ૧૩:૨; પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૬-૧૦ વાંચો.) આજે પણ યહોવાહ પ્રચાર કામને યોગ્ય દિશામાં આગળ ધપાવવા પવિત્ર શક્તિનો ઉપયોગ કરે છે. પાઊલની જેમ યહોવાહના બધા ભક્તો પૂરી હિંમતથી અને પૂરા ઉત્સાહથી સંદેશો જાહેર કરે છે. જોકે પાઊલના સમય કરતાં પવિત્ર શક્તિ આજે અલગ રીતે કામ કરે છે. પરંતુ આપણે ખાતરી રાખી શકીએ કે યહોવાહ એનો ઉપયોગ કરીને નમ્ર દિલના લોકો સુધી સંદેશો પહોંચાડે છે.—યોહા. ૬:૪૪.
“કાર્યો અનેક પ્રકારનાં”
૧૨-૧૪. શું બધા જ ઈશ્વરભક્તો પર પવિત્ર શક્તિ એકસરખી રીતે કામ કરે છે? સમજાવો.
૧૨ યહોવાહે પહેલી સદીના અભિષિક્તોને જે આશીર્વાદો આપ્યા હતા, એ વિષે વાંચવાથી આપણને ઘણું ઉત્તેજન મળે છે. પવિત્ર શક્તિએ તેઓને ખાસ ક્ષમતા કે “દાન” આપ્યા હતા. પાઊલે ઈશ્વરની પ્રેરણાથી કોરીંથ મંડળને એ દાનો વિષે આમ લખ્યું: ‘ઈશ્વર આપણને ઘણાં પ્રકારનાં કૃપાદાનો આપે છે, પણ એ સર્વ આપનાર પવિત્ર શક્તિ છે. ઈશ્વરની સેવા વિવિધ પ્રકારે થઈ શકે છે પણ પ્રભુ તો એક જ છે. કાર્યો અનેક પ્રકારનાં છે, પણ એ કરવાની પ્રેરણા આપનાર તો એક જ ઈશ્વર છે.’ (૧ કરિં. ૧૨:૪-૬, ૧૧, IBSI) હા, કોઈ ખાસ મકસદ પૂરો કરવા ઈશ્વરની શક્તિ અલગ અલગ ઈશ્વરભક્તો પર જુદી જુદી રીતે કામ કરે છે. સાચે જ, ઈશ્વરની શક્તિ “નાની ટોળી”ના સભ્યો અને “બીજાં ઘેટાં”ના લોકો મેળવી શકે છે. (લુક ૧૨:૩૨; યોહા. ૧૦:૧૬) જોકે મંડળના દરેક સભ્યો પર એ શક્તિ એકસરખી રીતે કામ કરતી નથી.
૧૩ દાખલા તરીકે, વડીલોની પસંદગી ઈશ્વરની શક્તિથી થાય છે. (પ્રે.કૃ. ૨૦:૨૮) પરંતુ ઈશ્વરની શક્તિથી પસંદ કરાયેલા બધાં જ અભિષિક્તો કંઈ મંડળમાં આગેવાની લેતા નથી. એનાથી આપણે શું તારણ કાઢી શકીએ? એ જ કે મંડળના સભ્યો પર ઈશ્વરની શક્તિ અલગ અલગ રીતે કામ કરે છે.
૧૪ પવિત્ર શક્તિથી અભિષિક્તોને ખાતરી મળે છે કે તેઓ ઈશ્વરના ‘દત્તકપુત્રો’ છે. આ એ જ શક્તિ છે જેનાથી ઈસુ સજીવન થયા હતા અને તેમને સ્વર્ગમાં અવિનાશી જીવન મળ્યું હતું. (રોમનો ૮:૧૧, ૧૫ વાંચો.) આ જ શક્તિ દ્વારા યહોવાહે આખું વિશ્વ બનાવ્યું છે. (ઉત. ૧:૧-૩) બસાલએલને મંડપમાં કામ કરવા યહોવાહે ખાસ આવડતો આપી, જે આ શક્તિ દ્વારા આપી હતી. શામશૂન પણ આ શક્તિથી જ પરાક્રમી કામો કરી શક્યા હતા. પીતર પણ આ જ શક્તિથી પાણી પર ચાલી શક્યા હતા. પરંતુ ઈશ્વરની શક્તિ મેળવવી અને ઈશ્વરની શક્તિથી અભિષિક્ત થવું આ બે બાબતોમાં ફરક છે. જેઓ અભિષિક્ત થાય છે તેઓ પર પવિત્ર શક્તિ ખાસ રીતે કામ કરે છે. યહોવાહ પોતે નક્કી કરે છે કે કોને પવિત્ર શક્તિથી અભિષિક્ત કરવા.
૧૫. શું પવિત્ર શક્તિથી અભિષિક્ત કરવાનું હંમેશ માટે ચાલતું રહેશે? સમજાવો.
૧૫ અભિષિક્તોની પસંદગી થઈ એના હજારો વર્ષ પહેલાંથી ઈશ્વરભક્તો પર આ શક્તિ જુદી રીતે કામ કરતી આવી છે. પેન્તેકોસ્ત ૩૩થી ઈશ્વરની શક્તિએ અભિષિક્ત કરવાનું શરૂ કર્યું હતું. જોકે એ કામ હંમેશા ચાલતું નહિ રહે, એક સમયે એ અટકી જશે. પણ ઈશ્વરભક્તો યહોવાહની ઇચ્છા પૂરી કરી શકે એ માટે પવિત્ર શક્તિની અસર કદી અટકશે નહિ.
૧૬. ઈશ્વર શક્તિની મદદથી આજે ઈશ્વરભક્તો શું કરે છે?
૧૬ પવિત્ર શક્તિની મદદથી યહોવાહના ભક્તો આજે શું કરી રહ્યા છે? પ્રકટીકરણ ૨૨:૧૭ કહે છે: ‘શક્તિ તથા કન્યા બંને કહે છે, કે આવ. જે સાંભળે છે તે એમ કહે કે આવ. અને જે તરસ્યો હોય તે આવે; જે ચાહે તે જીવનનું પાણી મફત લે.’ પવિત્ર શક્તિથી પ્રેરાઈને સાચા ભક્તો બધાને જીવન બચાવનારો સંદેશો આપે છે. એમાંથી “જે ચાહે તે” જીવનનું પાણી લઈ શકે છે. આ જીવન બચાવનાર કામમાં અભિષિક્તો આગેવાની લઈ રહ્યા છે. એ સંદેશો વધારે લોકો સુધી પહોંચાડવા બીજા ઘેટાંના સભ્યો પણ એમાં ભાગ લઈ રહ્યા છે. બંને વર્ગના લોકો ઈશ્વરની શક્તિના માર્ગદર્શન પ્રમાણે આ કામ કરે છે. તેઓએ ‘બાપ તથા દીકરા તથા પવિત્ર શક્તિને નામે’ બાપ્તિસ્મા લઈને યહોવાહને પોતાનું જીવન સમર્પિત કર્યું છે. (માથ. ૨૮:૧૯) તેઓ બધા જ પોતાના જીવનમાં ઈશ્વર શક્તિથી મળતા ગુણો બતાવે છે. (ગલા. ૫:૨૨, ૨૩) બીજા ઘેટાંના સભ્યો પણ અભિષિક્તોની જેમ ઈશ્વરની શક્તિની મદદ લે છે. એની મદદથી તેઓ ઈશ્વરની ઇચ્છા પ્રમાણેનું શુદ્ધ જીવન જીવવા પ્રયત્ન કરે છે.—૨ કોરીં. ૭:૧; પ્રકટી. ૭:૯, ૧૪.
ઈશ્વરની શક્તિ માગ્યા કરો
૧૭. આપણી પાસે ઈશ્વરની શક્તિ છે એ શાના આધારે કહી શકીએ?
૧૭ આપણે ‘પોતાની શક્તિથી નહિ પણ ઈશ્વર તરફથી’ મળતી શક્તિને આધારે જ તેમને વિશ્વાસુ રહી શકીએ છીએ. (૨ કરિં. ૪:૭, IBSI) ઈશ્વરને વિશ્વાસુ રહીશું તો જ આપણને આશીર્વાદ મળશે. પછી ભલે આપણી આશા સ્વર્ગની હોય કે પૃથ્વી પરની. પ્રચાર કરવાને લીધે કદાચ લોકો આપણી મજાક ઉડાવે. પણ યાદ રાખો, ‘જો ખ્રિસ્તના નામને લીધે તમારી નિંદા થતી હોય, તો તમે સુખી છો; કેમ કે ઈશ્વરની શક્તિ તથા મહિમા તમારા પર રહે છે.’—૧ પીત. ૪:૧૪.
૧૮, ૧૯. તમને મદદ કરવા યહોવાહ કઈ રીતે પોતાની શક્તિ વાપરે છે? આ વિષે તમે શું નિર્ણય કર્યો છે?
૧૮ જેઓ ખંતથી પવિત્ર શક્તિ માગે છે, તેઓને ઈશ્વર એ મફત આપે છે. એ શક્તિ મળવાથી તમારી આવડત વધશે, તેમ જ ભક્તિમાં બનતું બધું કરવાની ઇચ્છા પણ વધશે. ‘ઈશ્વર તમારા જીવનમાં કાર્ય કરી, તમને તેમની ઇચ્છાને આધીન થવાનું મન આપે છે, અને તેમની ઇચ્છા પૂર્ણ કરવા સહાય કરે છે.’ ઈશ્વર શક્તિની ભેટ આપણા માટે ખૂબ જ કીમતી છે. જો આપણે “જીવન આપનાર વચન” મજબૂત પકડી રાખીએ તેમ જ ‘આદરભાવ રાખીને તથા ડર રાખીને તેમને આધીન રહીશું તો ઉદ્ધાર પામીશું.’—ફિલિ. ૨:૧૨, ૧૩, ૧૬, IBSI.
૧૯ ચાલો આપણે યહોવાહની શક્તિમાં પૂરો ભરોસો મૂકીએ. યહોવાહે સોંપેલી જવાબદારી પૂરી કરવા સખત મહેનત કરીએ અને એમાં કુશળ બનીએ. એમ કરવા યહોવાહ પાસે મદદ માગીએ. (યાકૂ. ૧:૫) બાઇબલ સમજવા તે ચોક્કસ મદદ પૂરી પાડશે. જીવનની મુશ્કેલીઓનો સામનો કરવા અને ખુશખબર ફેલાવવા પણ મદદ પૂરી પાડશે. બાઇબલ જણાવે છે: “માગો, તો તમને આપવામાં આવશે; શોધો, તો તમને જડશે; ઠોકો, તો તમારે સારુ ઉઘાડવામાં આવશે.” આમાં ઈશ્વરની શક્તિ માગવાનો પણ સમાવેશ થાય છે. (લુક ૧૧:૯, ૧૩) પહેલાંના અને આજના ઘણા વિશ્વાસુ ઈશ્વરભક્તોને પવિત્ર શક્તિનું માર્ગદર્શન મળ્યું હતું. તેથી યહોવાહને આજીજી કરો કે તમે પણ એવા ઈશ્વરભક્તો જેવા બની શકો. (w11-E 12/15)
તમે સમજાવી શકો?
• મરિયમની જેમ આપણે કેવું વલણ બતાવવું જોઈએ જેથી આશીર્વાદો મેળવી શકીએ?
• ઈશ્વરની શક્તિએ પાઊલને કઈ રીતે માર્ગદર્શન આપ્યું?
• ઈશ્વરની શક્તિ કઈ રીતે આજે વિશ્વાસુ ભક્તોને માર્ગદર્શન આપે છે?
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૩૦ પર ચિત્ર]
ઈશ્વરની શક્તિની મદદથી પાઊલ હિંમતથી જાદુગર સામે બોલી શક્યા