બાઇબલના વિચારો જાણવાની કેમ જરૂર છે?
બાઇબલના વિચારો જાણવાની કેમ જરૂર છે?
“દસ વર્ષની ઉંમરથી જ હું છોકરાઓ સાથે ફરવા લાગી ગઈ હતી. શરૂ શરૂમાં અમે એકબીજાનો હાથ પકડતા અને કિસ કરતા. સમય જતાં, અમે એકબીજાના અંગત ભાગોને અડવા લાગ્યા અને અલગ અલગ જાતીય હરકતો કરવા લાગ્યા. હું ૧૫ વર્ષની ઉંમરે જોબ પર લાગી ગઈ હતી. ત્યાં અનેક પુરુષોને મારી સાથે સેક્સ માણવું હતું. હું તેઓને બતાવવા ચાહતી હતી કે મને કોઈનો ડર નથી. હું તેઓ સાથે ભળી જવા માગતી હતી. એટલે તેઓ જે કરતા એ હું પણ કરતી. આમ હું વધારે પડતી સેક્સની બાબતોમાં ડૂબી ગઈ હતી.”—સારાહ, * ઑસ્ટ્રેલિયા.
તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે સારાહનો ઉછેર એક ધાર્મિક કુટુંબમાં થયો હતો. મમ્મી-પપ્પાએ તેનામાં બાઇબલના સંસ્કારો સિંચવા પ્રયત્નો કર્યા હતા, પણ તેણે ખોટો માર્ગ પસંદ કર્યો.
આજે ઘણા લોકો સારાહે પસંદ કરેલા માર્ગે ચાલે છે. એવા લોકો માને છે કે સેક્સ વિષેના બાઇબલના વિચારો જૂના અને નકામા છે. તો કેટલાક લોકોને એવું લાગે છે કે ધાર્મિક રહીને પણ મનફાવે એમ સેક્સ માણી શકાય.
તો પછી સેક્સ વિષે બાઇબલ જે શીખવે છે એ જાણવાથી અને એ પ્રમાણે જીવવાથી શું કોઈ ફાયદો થઈ શકે? એનો જવાબ મેળવવા આ માહિતી મદદ કરશે. બાઇબલ ‘ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે અને એનું શિક્ષણ બધાના ભલા માટે છે.’ (૨ તીમોથી ૩:૧૬) એટલે જો તમે માનતા હો કે ઈશ્વરે મનુષ્યોને બનાવ્યા છે અને બાઇબલ તેમની પ્રેરણાથી લખાયું છે, તો એમાં જે લખેલું છે એ તમારે જાણવું જ જોઈએ.
જોકે દુઃખની વાત છે કે આજે ઘણાને પૂરી સમજણ નથી કે સેક્સ વિષે બાઇબલ શું શીખવે છે. ચર્ચના ધર્મગુરુઓ પણ સેક્સ વિષે જુદું જુદું શીખવે છે અને દાવો કરે છે કે એ બાઇબલ આધારિત છે. એનાથી ચર્ચોમાં ભાગલા પડ્યા છે અને જુદા જુદા પંથો ઊભા થયા છે.
એટલે, કેમ નહિ કે બીજાનું માનવાને બદલે તમે જાતે જ થોડો સમય કાઢીને આ વિષય પર સંશોધન કરો. હવે પછીના લેખમાં દસ પ્રશ્નો જોઈશું, જે સામાન્ય રીતે લોકોને થતા હોય છે. એમાં સેક્સ વિષે બાઇબલ શું શીખવે છે, એ જાણવા મળશે. આ વિષય પરનો છેલ્લો લેખ બતાવશે કે આપણી પસંદગીથી શું ફરક પડે છે. (w11-E 11/01)
[ફુટનોટ]
^ નામ બદલ્યું છે.