સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સેક્સ વિષેના ૧૦ સવાલોના જવાબ

સેક્સ વિષેના ૧૦ સવાલોના જવાબ

સેક્સ વિષેના ૧૦ સવાલોના જવાબ

૧ આદમ અને હવાએ કરેલું પ્રથમ પાપ શું સેક્સને રજૂ કરે છે?

▪ જવાબ: ઘણા લોકો માને છે કે એદન બાગમાં મના કરેલું ફળ સેક્સ માણવાને રજૂ કરે છે. પણ બાઇબલ એવું શીખવતું નથી.

આનો વિચાર કરો: પ્રથમ સ્ત્રી હવાને બનાવ્યાં પહેલાં, ઈશ્વરે સૌથી પહેલા પુરુષ આદમને “ભલુંભૂંડું જાણવાના વૃક્ષનું” ફળ ખાવાની મના કરી હતી. (ઉત્પત્તિ ૨:૧૫-૧૮) આદમ એ સમયે એકલો જ હતો, એટલે એ ફળ જાતીય સંબંધ બાંધવાને દર્શાવતું ન હતું. વધુમાં, ઈશ્વરે આદમ અને હવાને આ આજ્ઞા આપી હતી: ‘સફળ થાઓ, વધો અને પૃથ્વીને ભરપૂર કરો.’ (ઉત્પત્તિ ૧:૨૮) હવે જરા વિચાર કરો: પ્રેમાળ ઈશ્વર પહેલાં “પૃથ્વીને ભરપૂર” કરવાની આજ્ઞા આપે, જેમાં જાતીય સંબંધ બાંધવો જરૂરી છે. પછી માણસ એ આજ્ઞા પાળે તો તેને મરણની સજા કરે. શું ઈશ્વર એવું કરી શકે? ના, કદીએ નહિ!—૧ યોહાન ૪:૮.

ઉપરાંત, હવાએ મના કરેલું “ફળ તોડીને ખાધું” ત્યારે તે એકલી જ હતી. પછી, ‘તેણે પોતાના વરને આપ્યું, ને તેણે ખાધું.’—ઉત્પત્તિ ૩:૬.

આદમ-હવાએ જાતીય સંબંધ બાંધ્યો અને બાળકોને જન્મ આપ્યાં ત્યારે, ઈશ્વરે તેઓને ઠપકો આપ્યો નહિ. (ઉત્પત્તિ ૪:૧, ૨) આનાથી સાફ ખબર પડે છે કે આદમ-હવાએ ખાધેલું ફળ સેક્સને દર્શાવતું ન હતું. એ તો ખરેખર એક ઝાડનું ફળ હતું.

૨ શું બાઇબલ સેક્સ માણવાની મના કરે છે?

▪ જવાબ: બાઇબલનું પહેલું પુસ્તક જણાવે છે કે ઈશ્વરે મનુષ્યોને ‘નર અને નારી’ ઉત્પન્‍ન કર્યાં. ઈશ્વરે બધું સરજન કરી લીધા પછી, એને “ઉત્તમોત્તમ” કહ્યું. (ઉત્પત્તિ ૧:૨૭, ૩૧) પછીથી ઈશ્વરે બાઇબલના એક લેખકને પતિઓને સલાહ આપવા પ્રેરણા આપી: ‘તારી જુવાનીની પત્નીમાં આનંદ માન. સર્વ પ્રસંગે તેનાં સ્તનોથી તું સંતોષ પામ.’ (નીતિવચનો ૫:૧૮, ૧૯) શું આ શબ્દો ક્યાંય એવો ઇશારો કરે છે કે બાઇબલ સેક્સ માણવાની મના કરે છે?

ઈશ્વરે મનુષ્યોને બાળકો પેદા કરવાની શક્તિ સાથે બનાવ્યા છે. ઉપરાંત ઈશ્વરે જાતીય અંગો બનાવ્યાં છે, જેના વડે પતિ-પત્ની એકબીજાને પોતાનો પ્રેમ અને લાગણી બતાવી શકે અને જાતીય સુખ માણી શકે. સેક્સ માણીને પતિ-પત્ની એકબીજાની શારીરિક અને લાગણીમય જરૂરિયાતો પૂરી કરી શકે છે.

૩ લગ્‍ન વિના પતિ-પત્નીની જેમ રહેવાની પરવાનગી શું બાઇબલ આપે છે?

▪ જવાબ: બાઇબલ સાફ જણાવે છે કે ‘ઈશ્વર, વ્યભિચારીઓનો ન્યાય કરશે.’ (હેબ્રી ૧૩:૪) ‘વ્યભિચાર’ શબ્દ માટે મૂળ ગ્રીકમાં પોર્નિયા શબ્દ છે. એનો ઘણો બહોળો અર્થ થાય છે. એમાં લગ્‍નસાથી સિવાયની કોઈ પણ વ્યક્તિના જાતીય અંગો સાથે છૂટછાટ લેવાનો સમાવેશ થાય છે. * તેથી પરણ્યા વગર જો સ્ત્રી-પુરુષ સાથે રહે તો એ ઈશ્વરની નજરમાં ખોટું છે, ભલેને તેઓ પછીથી પરણવાના હોય.

કોઈ પણ સ્ત્રી-પુરુષ ભલે એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હોય, પણ ઈશ્વર ચાહે છે કે તેઓ પરણ્યા પછી જ સેક્સ માણે. ઈશ્વરે આપણને પ્રેમનો ગુણ આપ્યો છે, કેમ કે ઈશ્વરનો મુખ્ય ગુણ પ્રેમ છે. એટલે આપણા ભલા માટે તે કહે છે કે પરણ્યા પછી જ સેક્સ માણવું જોઈએ. હવે પછીનો લેખ આ વિષે વધુ સમજણ આપશે.

૪ શું એક કરતાં વધુ પત્ની હોય તો ચાલે?

▪ જવાબ: પહેલાંના સમયમાં પુરુષો એક કરતાં વધુ પત્ની રાખતા. ઈશ્વરે અમુક સમય માટે એ ચલાવી લીધું હતું. (ઉત્પત્તિ ૪:૧૯; ૧૬:૧-૪; ૨૯:૧૮–૩૦:૨૪) પરંતુ વધારે પત્નીઓ રાખવાનો રિવાજ ઈશ્વરે શરૂ કર્યો ન હતો. તેમણે તો આદમને ફક્ત એક જ પત્ની આપી હતી.

યહોવાહે ઈસુને અધિકાર આપ્યો હતો કે તે એક જ લગ્‍નસાથી રાખવા વિષે લોકોને ફરીથી જણાવે. (યોહાન ૮:૨૮) લગ્‍નબંધન વિષે ઈસુને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું: “જેણે તેઓને ઉત્પન્‍ન કર્યાં તેણે તેઓને આરંભથી નરનારી ઉત્પન્‍ન કર્યાં, ને કહ્યું, કે તે કારણને લીધે માણસ પોતાનાં માબાપને મૂકીને પોતાની સ્ત્રીને વળગી રહેશે; અને બંને એક દેહ થશે.”—માત્થી ૧૯:૪, ૫.

પછીથી ઈસુના એક શિષ્યએ ઈશ્વરની પ્રેરણાથી આમ લખ્યું: “દરેક પુરુષને પોતાની પત્ની હોય અને દરેક સ્ત્રીને પોતાનો પતિ હોય.” (૧ કરિંથી ૭:૨, IBSI) બાઇબલ એ પણ જણાવે છે કે ખ્રિસ્તી મંડળમાં કોઈ પરિણીત પુરુષને ખાસ જવાબદારી આપવાની હોય તો, તે “એક સ્ત્રીનો વર” હોવો જોઈએ.—૧ તીમોથી ૩:૨, ૧૨.

૫ પતિ-પત્ની ગર્ભનિરોધક વાપરે એ ખોટું કહેવાય?

▪ જવાબ: ઈસુએ પોતાના અનુયાયીઓને બાળકો પેદા કરવાની આજ્ઞા આપી ન હતી. અરે ઈસુના શિષ્યોએ પણ એવી કોઈ સલાહ આપી નહિ. બાઇબલમાં ક્યાંય જણાવ્યું નથી કે બાળકો પેદા કરવા પર કાબૂ રાખવો ખોટું છે.

એટલા માટે પતિ-પત્નીએ જાતે નક્કી કરવાનું છે કે કુટુંબ વધારવું કે નહિ. તેમ જ, ક્યારે અને કેટલા બાળકો હોવા એ પણ નક્કી કરવું તેમના હાથમાં છે. ગર્ભ ન રહે એ માટે ગર્ભનિરોધક વાપરવાનું તેઓ નક્કી કરી શકે. પણ માત્ર એવા ગર્ભનિરોધક વાપરવા જોઈએ, જેનાથી કોઈ પણ રીતે ગર્ભપાત કે ભ્રૂણ હત્યા ન થાય. ગર્ભનિરોધક વાપરવાનો નિર્ણય અને જવાબદારી પતિ-પત્નીની છે. * તેઓના નિર્ણયનો કોઈએ ન્યાય કરવો નહિ.—રોમનો ૧૪:૪, ૧૦-૧૩.

૬ શું ગર્ભપાત કરાવવો ખોટું છે?

▪ જવાબ: ઈશ્વર જીવનને ખૂબ જ પવિત્ર ગણે છે. માતાના પેટમાં રહેલાં ગર્ભને પણ તે એક જીવ ગણે છે. (ગીતશાસ્ત્ર ૧૩૯:૧૬) ઈશ્વરે જણાવ્યું હતું કે માતાના પેટમાં રહેલાં બાળકને કોઈ ઈજા પહોંચાડે તો એનો ન્યાય કરવામાં આવશે. તેથી, ન જન્મેલા બાળકનો ગર્ભપાત કરાવવો એ ઈશ્વરની નજરમાં ખૂન છે.—નિર્ગમન ૨૦:૧૩; ૨૧:૨૨, ૨૩.

પણ બાળકના જન્મ વખતે માતાના જીવને જોખમ ઊભું થાય તો શું? એવા સંજોગોમાં માતા-પિતા નક્કી કરશે કે તેઓ માતાનો કે બાળકનો જીવને બચાવશે. *

૭ શું બાઇબલ છુટાછેડા લેવા માટે પરવાનગી આપે છે?

▪ જવાબ: બાઇબલ છુટાછેડા આપવાની પરવાનગી આપે છે, પરંતુ ફક્ત એક જ કારણથી. એ કારણ જણાવતા ઈસુએ કહ્યું: “વ્યભિચારના [લગ્‍ન બહારના સંબંધોના] કારણ વગર જે કોઈ પોતાની સ્ત્રીને મૂકી દઈને બીજીને પરણે, તે વ્યભિચાર કરે છે.”—માત્થી ૧૯:૯.

જે વ્યક્તિ લુચ્ચાઈથી કે અવિશ્વાસુ બનીને પોતાના સાથીને છુટાછેડા આપે છે, તેને ઈશ્વર ધિક્કારે છે. એમાંય જો વ્યક્તિ બીજા કોઈની સાથે રહેવાની ઇચ્છા માટે છુટાછેડા લે, તો ઈશ્વર ચોક્કસ તેની પાસેથી જવાબ માંગશે.—માલાખી ૨:૧૩-૧૬; માર્ક ૧૦:૯.

૮ શું સજાતીય સંબંધોને ઈશ્વર મંજૂરી આપે છે?

▪ જવાબ: બાઇબલ વ્યભિચારને ધિક્કારે છે. એમાં સજાતીય સંબંધો એટલે કે પુરુષ-પુરુષ અને સ્ત્રી-સ્ત્રી વચ્ચેના સંબંધો પણ આવી જાય છે. (રોમનો ૧:૨૬, ૨૭; ગલાતી ૫:૧૯-૨૧) બાઇબલમાં સાફ જોવા મળે છે કે ઈશ્વર આવી જીવનઢબને ધિક્કારે છે, પણ વ્યક્તિને નહિ. આપણે જાણીએ છીએ છે કે ‘ઈશ્વરે જગત પર એટલી પ્રીતિ કરી કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપ્યો, એ માટે કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે.’—યોહાન ૩:૧૬.

ખરું કે સાચા ખ્રિસ્તીઓ સજાતીય સંબંધોને ચલાવી લેતા નથી. પણ તેઓ એવા લોકોને નફરત કરતા નથી. તેઓ બાઇબલની સલાહ પાળીને દરેક પ્રકારના લોકો માટે દયા બતાવે છે. (માત્થી ૭:૧૨) આપણે બધાએ ‘દરેક પ્રકારના માણસોને માન’ આપીએ, એવું ઈશ્વર ચાહે છે.—૧ પીતર ૨:૧૭.

૯ ‘ફોન સેક્સ,’ ‘સેક્સટીંગ’ અને ‘સાઇબર સેક્સʼમાં કંઈ ખોટું છે?

▪ જવાબ: ‘ફોન સેક્સ’ એટલે ફોન પર સેક્સ વિષે અયોગ્ય રીતે વાતો કરવી અથવા ઉત્તેજક વાતો સાંભળવી. ‘સેક્સટીંગ’ એટલે જાતીય વાસના ઉશ્કેરે એવા સંદેશા કે ફોટા મોબાઈલ ફોન પર મોકલવા. ‘સાઇબર સેક્સʼમાં ઇંટરનેટ પર સેક્સ ઉત્તેજક ફોટો કે વીડિયો વગેરેની આપ-લે કરવાનો સમાવેશ થાય છે.

ખરું કે આજના સમયમાં આવા કામો વિષે બાઇબલ સ્પષ્ટ જણાવતું નથી. પણ બાઇબલ સાફ જણાવે છે કે, “વ્યભિચાર તથા સર્વ પ્રકારની મલિનતા અથવા લોભ, એઓનાં નામ સરખાં તમારે ન લેવાં, કેમ કે સંતોને એ જ શોભે છે; નિર્લજ્જ તથા મૂર્ખતાભરેલી વાત અથવા ઠઠ્ઠામશ્કરી તમારામાં ન થાય.” (એફેસી ૫:૩, ૪) ‘ફોન સેક્સ’ કે ‘સાઇબર સેક્સ’ વ્યક્તિના મનમાં સેક્સ વિષેના ખોટા વિચારો પેદા કરે છે. એનાથી વ્યક્તિ લગ્‍ન બહાર સેક્સ માણવા માટે ઉશ્કેરાય છે. પોતાની સેક્સની લાગણીને કાબૂમાં રાખવાને બદલે, આવી બાબતો વ્યક્તિને સ્વાર્થી બનીને પોતાની જ ઇચ્છા સંતોષવા ઉશ્કેરે છે.

૧૦ હસ્તમૈથુન વિષે બાઇબલ શું જણાવે છે?

▪ જવાબ: વ્યક્તિ પોતાના જાતીય અંગને પંપાળીને જાતીય ચરમ સુખ મેળવે એને હસ્તમૈથુન કહેવાય છે. એના વિષે બાઇબલમાં કંઈ સાફ જણાવ્યું નથી. પણ બાઇબલ ભારપૂર્વક જણાવે છે: ‘એ માટે પૃથ્વી પરના તમારા અવયવો, એટલે વ્યભિચાર, અશુદ્ધતા, ભૂંડી ઇચ્છાને મારી નાખો.’—કોલોસી ૩:૫.

હસ્તમૈથુન કરનારા સ્વાર્થી બનીને પોતાની વાસના સંતોષવાનો જ વિચાર ધરાવે છે. પરંતુ, જેઓ આ આદત છોડવા માટે સખત પ્રયત્નો કરે છે, તેઓને ઈશ્વર મદદ કરે છે. બાઇબલ ખાતરી આપે છે કે ઈશ્વર આપણને ‘સામાન્ય કરતાં વધુ શક્તિ’ આપશે.—૨ કોરીંથી ૪:૭; ફિલિપી ૪:૧૩. (w11-E 11/01)

[ફુટનોટ્‌સ]

^ પોર્નિયા એવી બાબતોને પણ દર્શાવે છે જે જાતીય અંગો બનાવવા પાછળ ઈશ્વરના હેતુ વિરુદ્ધ જતા હોય. જેમ કે લગ્‍નસાથી સિવાય બીજા કોઈની સાથે સેક્સ માણવું, સજાતીય સંબંધ અને પશુઓ જોડે શારીરિક સંબંધ.

^ નસબંધી વિષે બાઇબલ શું જણાવે છે, એ વિષે જાણવા જૂન ૧૫, ૧૯૯૯ના ચોકીબુરજના પાન ૨૭, ૨૮ ઉપર આપેલા “વાચકો તરફથી પ્રશ્નો” જુઓ.

^ બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રી ગર્ભપાત કરાવી શકે કે નહિ, એ વિષે વધુ માહિતી મેળવવા યહોવાહના સાક્ષીઓએ બહાર પાડેલ આ મૅગેઝિન જુઓ: સપ્ટેમ્બર ૮, ૧૯૯૩નું સજાગ બનો!, પાન ૧૦-૧૧.