પૂરા દિલથી યહોવાને અર્પણો ચઢાવીએ
“પ્રભુને માટે છે, એમ સમજીને જે કંઈ તમે કરો, તે સઘળું ખરા દિલથી કરો.”—કોલો. ૩:૨૩.
૧-૩. (ક) ઈસુએ પોતાના જીવનનું બલિદાન આપ્યું, એટલે શું આપણે યહોવાને બીજા કોઈ બલિદાનો કરવાની જરૂર નથી? સમજાવો. (ખ) બલિદાન આપવા વિષે આજે કયો સવાલ ઊભો થાય છે?
યહોવાએ પહેલી સદીમાં પોતાના ભક્તોને નવું માર્ગદર્શન આપ્યું. તેમણે જણાવ્યું કે ઈસુના બલિદાનને લીધે હવે તેઓએ મુસાનો નિયમ પાળવાની જરૂર નથી. (કોલો. ૨:૧૩, ૧૪) સદીઓથી યહુદીઓ પ્રાણીઓનાં બલિદાનો ચઢાવતાં હતાં. પણ ઈસુને લીધે હવે તેઓએ એ ચઢાવવાની જરૂર ન હતી. તેમ જ, એ બલિદાનોનું હવે કોઈ મૂલ્ય રહ્યું ન હતું. ઈસુ ‘ખ્રિસ્તની પાસે લાવવા માટે નિયમશાસ્ત્ર શિક્ષક’ હતો. એ હેતુ હવે પૂરો થયો હતો.—ગલા. ૩:૨૪.
૨ જોકે, ખ્રિસ્તીઓએ હવેથી બલિદાન આપવાની બાબતને સાવ ભૂલી જવાની ન હતી. પ્રેરિત પીતરે જણાવ્યું કે “ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરને પ્રસન્ન છે એ યજ્ઞો” અથવા બલિદાનો કરતા રહેવાની જરૂર છે. (૧ પીત. ૨:૫) પ્રેરિત પાઊલે પણ ચોખવટ કરી હતી કે દરેક ખ્રિસ્તીએ પોતાનું આખું જીવન યહોવાને “અર્પણ” કર્યું છે.—રોમ. ૧૨:૧.
૩ એટલે યહોવાને કંઈક આપીએ છીએ અથવા તો તેમના માટે કંઈક જતું કરીને આપણે તેમને અર્પણો ચઢાવીએ છીએ. આપણને ખબર છે કે ઈસ્રાએલીઓ કેવાં પ્રકારનાં બલિદાનો ચઢાવતાં હતાં. એના પરથી કેવી રીતે ખાતરી કરી શકીએ કે આપણાં બલિદાનો પણ યહોવા સ્વીકારશે?
રોજબરોજના જીવનમાં
૪. રોજિંદાં કામો વિષે આપણે શું યાદ રાખવાની જરૂર છે?
૪ કદાચ પ્રશ્ન થાય કે રોજિંદા જીવનમાં યહોવાને કેવી રીતે અર્પણ કરી શકીએ? ઘરનું કામ, નોકરી-ધંધો, સ્કૂલ, ખરીદી, વગેરે જેવી પ્રવૃત્તિઓ કઈ રીતે ઈશ્વર સાથેના આપણા સંબંધને લાગેવળગે? જો તમે યહોવાને પોતાનું જીવન સમર્પણ કર્યું હોય અથવા કરવાના હો, તો તમે જે વલણથી રોજિંદાં કામો કરો છો એનાથી યહોવા સાથેના તમારા સંબંધ પર અસર પડશે. આપણે ચોવીસે કલાક યહોવાના ભક્તો છીએ. એટલે બાઇબલના સિદ્ધાંતો જીવનની દરેક બાબતમાં લાગુ કરવા જોઈએ. પાઊલ આપણને અરજ કરે છે, “પ્રભુને માટે છે, એમ સમજીને જે કંઈ તમે કરો, તે સઘળું ખરા દિલથી કરો.”—કોલોસી ૩:૧૮-૨૪ વાંચો.
૫, ૬. આપણો પહેરવેશ અને વર્તન યોગ્ય છે કે નહિ એ નક્કી કરવા શું મદદ કરશે?
૫ આપણાં રોજિંદાં કામો એ કંઈ ભક્તિનો ભાગ નથી. તેમ છતાં, પાઊલે અરજ કરી કે આપણે યહોવા માટે “ખરા દિલથી” કામ કરીએ. આના પર વિચાર કરવાથી આપણે તપાસી શકીશું કે પોતે કેવું જીવન જીવીએ છીએ. એમ કઈ રીતે કરી શકીએ? શું હર વખત આપણો પહેરવેશ માનયોગ્ય હોય છે? શું આપણે સભ્યતાથી લોકો સાથે વર્તીએ છીએ? શું અમુક વખતે આપણા પહેરવેશ કે વર્તનથી ખુદને યહોવાના સાક્ષી કહેવડાવતા શરમ લાગે છે? એવું કદી ન થવું જોઈએ. આપણે કદી પણ એવું કોઈ કામ કરવા માંગતા નથી, જેના લીધે મહાન ઈશ્વર યહોવાના નામ પર દાગ લાગે.—યશા. ૪૩:૧૦; ૨ કોરીં. ૬:૩, ૪, ૯.
૬ ચાલો હવે જોઈએ કે કઈ રીતે યહોવા માટે “ખરા દિલથી” કામ કરવું, આપણા જીવનનાં ઘણાં પાસાઓને અસર કરે છે. એનો વિચાર કરીએ ત્યારે એ પણ ધ્યાનમાં રાખીએ કે ઈસ્રાએલીઓએ યહોવાને સૌથી ઉત્તમ બલિદાન આપવાનું હતું.—નિર્ગ. ૨૩:૧૯.
જીવન પર અસર
૭. સમર્પણ કરવામાં કઈ બાબતોનો સમાવેશ થાય છે?
૭ તમે પોતાનું જીવન યહોવાને સમર્પણ કર્યું ત્યારે કોઈ શરત મૂકી ન હતી, ખરું ને! તમે કહ્યું હતું કે જીવનનાં દરેક પાસાઓમાં જે પણ પસંદગી કરશો, એમાં યહોવાને પ્રથમ રાખશો. (હિબ્રૂ ૧૦:૭ વાંચો.) તમે લીધેલો એ નિર્ણય સારો હતો. તમે ચોક્કસ અનુભવ્યું હશે કે યહોવાની ઇચ્છા પારખીને એ પ્રમાણે કામ કરવાથી સારાં પરિણામો મળે છે. (યશા. ૪૮:૧૭, ૧૮) ઈશ્વરના લોકો આનંદી અને પવિત્ર છે, કેમ કે તેઓ ઈશ્વરના માર્ગદર્શન પ્રમાણે જીવે છે.—લેવી. ૧૧:૪૪; ૧ તીમો. ૧:૧૧.
૮. ઈસ્રાએલીઓએ ચઢાવેલાં બલિદાનો યહોવાની નજરમાં પવિત્ર હતાં, એ શું બતાવે છે?
૮ ઈસ્રાએલીઓ યહોવાને જે બલિદાનો ચઢાવતાં એ પવિત્ર ગણાતાં હતાં. (લેવી. ૬:૨૫; ૭:૧) “પવિત્રતા”ના વિચારને દર્શાવતો મૂળ હિબ્રૂ શબ્દ, ‘અલગ રહેવું’ અથવા ‘ફક્ત ઈશ્વર માટે,’ એવા વિચારને પણ દર્શાવે છે. આપણે જે અર્પણો ચઢાવીએ છીએ એને યહોવા સ્વીકારે એ માટે શું જરૂરી છે? આપણે કરેલા અર્પણમાં દુનિયાના વલણની કોઈ અસર ન હોવી જોઈએ. યહોવા જે બાબતોને નફરત કરે છે એવી બાબતોથી આપણે દૂર રહેવું જોઈએ. (૧ યોહાન ૨:૧૫-૧૭ વાંચો.) આનાથી સાફ જોવા મળે છે કે યહોવાની નજરે જે ખોટું હોય એમાં ભાગ લેવો નહિ અથવા એનાથી દૂર રહેવું. (યશા. ૨:૪; પ્રકટી. ૧૮:૪) એનો અર્થ એ પણ થાય કે અશુદ્ધ કે અનૈતિક બાબતો જોવી નહિ. તેમ જ એવી બાબતોનો વિચાર કરવો નહિ.—કોલો. ૩:૫, ૬.
૯. બીજાઓ માટે આપણું વર્તન કેમ મહત્ત્વનું છે?
૯ પાઊલે ભાઈ-બહેનોને અરજ કરી: “ઉપકાર કરવાનું તથા દાન વહેંચી આપવાનું તમે ભૂલો મા; કેમ કે એવા યજ્ઞોથી ઈશ્વર બહુ સંતુષ્ટ થાય છે.” (હિબ્રૂ ૧૩:૧૬) આ બતાવે છે કે જ્યારે આપણે સારું વર્તન અને કામ કરીએ છીએ, ત્યારે યહોવા એને સારા ‘યજ્ઞ’ કે અર્પણ તરીકે ગણે છે. લોકો માટેનો પ્રેમ સાચા ખ્રિસ્તીઓની મુખ્ય ઓળખ છે.—યોહા. ૧૩:૩૪, ૩૫; કોલો. ૧:૧૦.
ભક્તિમાં અર્પણ
૧૦, ૧૧. આપણા પ્રચાર કામ અને ભક્તિને યહોવા કેવું ગણે છે? એની આપણા પર કેવી અસર થાય છે?
૧૦ બીજાઓને મદદ કરવાની સૌથી સારી રીત કઈ છે? તેઓ આગળ આપણી “આશાની કબૂલાત” કરીએ. શું તમે દરેક તકનો ઉપયોગ કરીને ઈશ્વરનો સંદેશો જણાવો છો? પાઊલે આપણા મહત્ત્વના કામને ‘ઈશ્વરને સ્તુતિરૂપ યજ્ઞ, એટલે તેમનું નામ કબૂલ કરનારા હોઠોના ફળનું અર્પણ’ કહ્યું. (હિબ્રૂ ૧૦:૨૩; ૧૩:૧૫; હોશી. ૧૪:૨) રાજ્યનો સંદેશો જણાવવામાં આપણે કેટલો સમય આપીએ છીએ એનો વિચાર કરીએ. તેમ જ પોતાને પૂછીએ કે એમાં વધારે સારું કરવા હું શું કરી શકું? એ માટે સેવા સભાના ઘણા ભાગ આપણને મદદ કરશે. આપણે પ્રચારમાં જુદી જુદી રીતો વાપરીએ છીએ. ભલે ગમે તે રીતે હોય પણ હંમેશા યાદ રાખીએ કે એ આપણું “સ્તુતિરૂપ” અર્પણ છે. પ્રચારકાર્ય ભક્તિનો ભાગ હોવાથી આપણે સૌથી સારું અર્પણ આપીશું. ખરું કે આપણા દરેકના સંજોગો અલગ છે. પરંતુ, પ્રચાર કામમાં આપણે જેટલો સમય આપીશું એનાથી યહોવાની ભક્તિ માટેનું આપણું વલણ દેખાઈ આવશે.
૧૧ આપણે ખ્રિસ્તને અનુસરનારા હોવાથી નિયમિત રીતે એકલા કે ભેગા મળીને ભક્તિ કરવા સમય કાઢવો જ જોઈએ. યહોવા ચાહે છે કે આપણે એમ કરીએ. ખરું કે સાબ્બાથનો નિયમ આપણે પાળવો પડતો નથી. તેમ જ, તહેવાર ઉજવવા યરૂશાલેમની મુસાફરી કરવી પડતી નથી. પરંતુ એમાંથી આજે આપણે ઘણું શીખી શકીએ છીએ. યહોવા આજે પણ ઇચ્છે છે કે આપણે બિનજરૂરી કામમાં સમય ન વેડફીએ. એને બદલે એ સમયનો ઉપયોગ બાઇબલ અભ્યાસ માટે, પ્રાર્થના અને નિયમિત રીતે સભાઓમાં આવવા માટે વાપરીએ. કુટુંબમાં ભક્તિ કરવા માટે શિરે આગેવાની લેવી જોઈએ. (૧ થેસ્સા. ૫:૧૭; હિબ્રૂ ૧૦:૨૪, ૨૫) દરેકે ખુદને આ સવાલ પૂછવો જોઈએ: ‘ઈશ્વરને વધારે સારી રીતે ભજવા હું શું કરી શકું?’
૧૨. (ક) પ્રાચીન સમયની ભક્તિમાં ઉપયોગ થતા ધૂપને આજે શાની સાથે સરખાવી શકાય? (ખ) એ સરખામણી કઈ રીતે આપણી પ્રાર્થનાને અસર કરે છે?
૧૨ રાજા દાઊદે યહોવા માટે ગાયું કે “મારી પ્રાર્થના તારી સંમુખ ધૂપ જેવી થાઓ.” (ગીત. ૧૪૧:૨) થોડી વાર માટે તમારી પ્રાર્થનાનો વિચાર કરો. તમે કેટલી વખત પ્રાર્થના કરો છો અને એમાં શું કહો છો. પ્રકટીકરણનું પુસ્તક “સંતોની પ્રાર્થનાઓ,” “ધૂપ” સાથે સરખાવે છે. યહોવાની ઇચ્છા પ્રમાણે કરેલી પ્રાર્થનાઓ સુગંધ જેવી ગણાય છે. (પ્રકટી. ૫:૮) પ્રાચીન ઈસ્રાએલમાં યહોવાની વેદી પર નિયમિત રીતે ચઢાવવામાં આવતા ધૂપને ખૂબ જ કાળજીપૂર્વક બનાવવામાં આવતો. એ ધૂપ યહોવાના માર્ગદર્શન પ્રમાણે બનાવવામાં આવતો ત્યારે જ તે એનો સ્વીકાર કરતા. (નિર્ગ. ૩૦:૩૪-૩૭; લેવી. ૧૦:૧, ૨) જો આપણે યહોવાના માર્ગદર્શન અનુસાર પ્રાર્થના કરીએ તો ખાતરી રાખી શકીએ કે તે આપણી પ્રાર્થના સાંભળે છે.
આપો અને મેળવો
૧૩, ૧૪. (ક) ફિલિપી મંડળ અને એપાફ્રોદિતસે પાઊલ માટે શું કર્યું? એ વિષે પાઊલને કેવું લાગ્યું? (ખ) એપાફ્રોદિતસ અને ફિલિપી મંડળના દાખલાને આપણે કેવી રીતે અનુસરી શકીએ?
૧૩ દુનિયા ફરતે ચાલી રહેલા આપણા કામને ટેકો આપવા આપણે પૈસેટકે સહાય કરીએ છીએ. પછી ભલે એ દાન નાના હોય કે મોટા, એને અર્પણ સાથે સરખાવી શકાય. (માર્ક ૧૨:૪૧-૪૪) પહેલી સદીમાં ફિલિપી મંડળે એપાફ્રોદિતસને રોમ મોકલ્યા, જેથી તે પાઊલને મદદ કરી શકે. એ ભાઈ ફિલિપી મંડળની અમુક ભેટો પણ પોતાની સાથે લઈ જાય છે. ફિલિપી મંડળે પાઊલ માટે આ કંઈ પહેલી વાર ઉદારતા બતાવી ન હતી. તેઓ ચાહતા હતા કે પાઊલને પૈસેટકે કોઈ ચિંતા ન કરવી પડે અને પૂરો સમય પ્રચારમાં આપી શકે. પાઊલે એ ભેટોને કેવી ગણી? તેમણે એ ભેટોને ‘સુગંધીદાર ધૂપ, માન્ય અર્પણ અને ઈશ્વરને પ્રિય છે’ એમ ગણી. (ફિલિપી ૪:૧૫-૧૯ વાંચો.) ફિલિપીના ભાઈ-બહેનોએ જે દયા બતાવી એની પાઊલે ઘણી કદર કરી. યહોવાએ પણ તેઓની ઘણી કદર કરી.
૧૪ એવી જ રીતે, દુનિયા ફરતે ચાલી રહેલા સંસ્થાના કામ માટે, જે દાન આપણે આપીએ છીએ એની યહોવા ઘણી કદર કરે છે. તે આપણને વચન આપે છે કે જો આપણે તેમના રાજ્યને પ્રથમ મૂકીશું, તો આપણી ભક્તિની ભૂખ તે મિટાવશે. તેમ જ, જીવન-જરૂરી બાબતો પૂરી પાડશે.—માથ. ૬:૩૩; લુક ૬:૩૮.
તમે આભારી છો એમ બતાવો
૧૫. અમુક બાબતો કઈ છે જેના માટે આપણે યહોવાના આભારી છીએ?
૧૫ યહોવાનો આભાર માનવા આપણી પાસે અઢળક કારણો છે. તેમણે આપણને જીવનની ભેટ આપી છે. એ માટે આપણે તેમનો દરરોજ આભાર માનવો જોઈએ. રોટી, કપડાં અને મકાન જેવી જીવન-જરૂરિયાતો યહોવા પૂરી પાડે છે. જીવનનો હરેક શ્વાસ પૂરો પાડે છે. ખરા જ્ઞાનને આધારે બંધાયેલો આપણો વિશ્વાસ સુંદર આશા આપે છે. એટલે એ યોગ્ય છે કે આપણે યહોવાની ઉપાસના કરીએ. તેમની સ્તુતિ માટે અર્પણો ચઢાવીએ, કેમ કે તે આપણા ઈશ્વર છે અને તેમણે આપણા માટે ઘણું કર્યું છે.—પ્રકટીકરણ ૪:૧૧ વાંચો.
૧૬. ઈસુના બલિદાન માટે આપણે કેવી રીતે કદર બતાવી શકીએ?
૧૬ આગલા લેખમાં આપણે જોઈ ગયા કે ઈશ્વરે મનુષ્યોને ખૂબ જ કીમતી ભેટ આપી છે. એ છે ઈસુ ખ્રિસ્તનું બલિદાન. આ ભેટમાં ઈશ્વરનો આપણા માટે અપાર પ્રેમ દેખાઈ આવે છે. (૧ યોહા. ૪:૧૦) આપણે કેવી રીતે બતાવી શકીએ કે એની કદર કરીએ છીએ? પાઊલે કહ્યું, ‘ખ્રિસ્તની પ્રીતિ અમને ફરજ પાડે છે; કારણ કે અમે એવું ચોક્કસ સમજીએ છીએ, કે એક સર્વેને વાસ્તે મર્યા. જેઓ જીવે છે તેઓ હવેથી પોતાને અર્થે નહિ, પણ જે તેઓને વાસ્તે મર્યા તથા પાછા ઊઠ્યા તેમને અર્થે જીવે, માટે તે સર્વેને વાસ્તે મર્યા.’ (૨ કોરીં. ૫:૧૪, ૧૫) અહીં પાઊલ શું કહેતા હતા? ઈશ્વરે આપણા માટે જે કર્યું છે, એની કદર બતાવવા ઈશ્વર અને તેમના દીકરાને માન મળે એવું જીવન જીવીએ. તેઓને પ્રેમ અને કદર કેવી રીતે બતાવી શકીએ? તેઓની કદર કરવા આપણે તેમને આધીન રહીએ. પ્રચાર અને શિષ્યો બનાવવાનું કામ કરીએ.—૧ તીમો. ૨:૩, ૪; ૧ યોહા. ૫:૩.
૧૭, ૧૮. યહોવા માટે વધારે સ્તુતિરૂપ અર્પણો આપવા અમુકે શું કર્યું છે? દાખલો આપો.
૧૭ આપણે બધા ઈશ્વરને સ્તુતિરૂપ અર્પણ ચઢાવીએ છીએ. પણ શું એને વધારે સારી રીતે ચઢાવી શકીએ? યહોવાએ જે પણ સારી બાબતો પૂરી પાડી છે, એના પર ઘણા ભાઈ-બહેનોએ વિચાર કર્યો છે. એનાથી તેઓએ વધારે પ્રચાર કામ અને યહોવાના સંગઠનનાં બીજાં કામો કરવા જીવનમાં ફેરફારો કર્યા છે. ઘણા ભાઈ-બહેનો દર વર્ષે એક કે એથી વધુ મહિનાઓ સહાયક પાયોનિયરીંગ કરી શક્યા છે. જ્યારે કે બીજાઓ નિયમિત પાયોનિયરીંગ કરી શક્યા છે. અમુક ભાઈ-બહેનો ભક્તિ માટે બાંધકામ કરવાના કામમાં જોડાયા છે. આમ ભાઈ-બહેનોએ કદર બતાવી છે. આવાં કામો જો કદર બતાવવા અને આભાર માનવાના ઇરાદાથી કરવામાં આવે, તો યહોવા એને સ્વીકારે છે.
૧૮ ઘણા ભાઈ-બહેનોને યહોવા માટે ઊંડી કદર છે. એના લીધે તેઓ જીવનમાં ઘણા ફેરફારો કરવા પ્રેરાયા છે. મોરેના નામના બહેન પણ એમ કરવા પ્રેરાયા. તેમનો ઉછેર કૅથલિક ધર્મમાં થયો હતો. તેમણે ભક્તિને લગતા કેટલાક સવાલોના જવાબ મેળવવા ઘણી મહેનત કરી. એટલે એ સવાલોના જવાબ પહેલાં પોતાના ધર્મમાં શોધવાનો પ્રયાસ કર્યો. પછી એશિયાની ધાર્મિક ફિલસૂફીમાં પણ એના જવાબ શોધવાની કોશિશ કરી. પરંતુ તેમને ક્યાંય સંતોષભર્યા જવાબ મળ્યા નહિ. પછી તેમણે યહોવાના સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. ત્યારે તેમને પોતાના પ્રશ્નોના ખરા જવાબ મળ્યા. બાઇબલમાંથી તે જે શીખ્યા હતા એ માટે યહોવાની ઘણી કદર કરી. બાઇબલના શિક્ષણથી તેમને ઘણી ખુશી મળી. યહોવાનો આભાર માનવા તે પોતાની બધી જ શક્તિ તેમના કામમાં વાપરવા ચાહતા હતા. તેમણે બાપ્તિસ્મા લીધું અને તરત જ નિયમિત રીતે સહાયક પાયોનિયરીંગ કરવાનું શરૂ કર્યું. પછી જેવા તેમના સંજોગો અનુકૂળ બન્યા કે તરત તેમણે નિયમિત પાયોનિયરીંગ કરવાનું શરૂ કર્યું. આ વાતને હવે ત્રીસ વર્ષ થઈ ગયા છે અને હજી પણ મોરેના બહેન પૂરા સમયની સેવા આપી રહ્યા છે.
૧૯. કઈ રીતે તમે અર્પણોમાં વધારો કરી શકો?
૧૯ ખરું કે એવા ઘણા ભાઈ-બહેનો છે કે જેઓ પોતાના સંજોગોને લીધે પાયોનિયર બની શકતા નથી. પરંતુ, યહોવાની સેવામાં આપણે સર્વ તેમને માન્ય અર્પણો આપી શકીએ છીએ. આપણા વર્તનમાં હરવખત બાઇબલના સિદ્ધાંતો અમલમાં મૂકીએ અને યાદ રાખીએ કે આપણે યહોવાને રજૂ કરીએ છીએ. આપણા વિશ્વાસથી બતાવીએ કે યહોવાનો હેતુ જલદી જ પૂરો થશે. સારાં કાર્યોથી ખુશખબર ફેલાવવા મદદ કરીએ. ચાલો, યહોવાએ આપણા માટે જે કર્યું છે એ માટે દિલથી કદર બતાવીએ. તેમને પૂરા તન-મનથી અર્પણ ચઢાવતા રહીએ. (w12-E 01/15)
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૨૭ પર બ્લર્બ]
યહોવાની ભલાઈ પર વિચાર કરવાથી શું તમને સ્તુતિનાં અર્પણો વધારવાનું મન થાય છે?
[પાન ૨૫ પર ચિત્ર]
ખુશખબર જણાવવા શું તમે તક ઝડપી લો છો?