સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘ઊંઘમાંથી ઊઠવા’ લોકોને મદદ કરો

‘ઊંઘમાંથી ઊઠવા’ લોકોને મદદ કરો

‘ઊંઘમાંથી ઊઠવા’ લોકોને મદદ કરો

“એ યાદ રાખો કે હમણાં તમારે ઊંઘમાંથી ઊઠવાની વેળા આવી ચૂકી છે.”—રોમ. ૧૩:૧૧.

તમે સમજાવી શકો?

ભક્તિની બાબતમાં આપણે સજાગ રહીએ એ કેમ મહત્ત્વનું છે?

શા માટે આપણે પ્રચારમાં સારા પારખનાર અને સાંભળનાર બનવું જોઈએ?

આપણે કેમ પ્રચાર કામમાં પ્રેમ અને આવડતથી વર્તવું જોઈએ?

૧, ૨. કયા અર્થમાં લોકોએ જાગવાની જરૂર છે?

 વાહન ચલાવતી વખતે આંખો ઘેરાઈ જવાથી કે ઊંઘી જવાથી દર વર્ષે હજારો લોકો અકસ્માતમાં મરી જાય છે. મોડા ઊઠવાથી કે નોકરી પર ઊંઘી જવાથી અનેક લોકો પોતાની નોકરી ગુમાવે છે. પરંતુ, જો વ્યક્તિ ભક્તિને લગતી બાબતોમાં ઊંઘી જાય, તો એનાં વધારે જોખમી પરિણામો આવી શકે. એટલે જ, બાઇબલ જણાવે છે કે જે ‘જાગૃત રહે છે તેને ધન્ય છે!’—પ્રકટી. ૧૬:૧૪-૧૬.

યહોવાનો મહાન દિવસ ખૂબ જ નજીક છે. પરંતુ, એ વિષે મોટા ભાગના લોકો ઊંઘમાં છે. ચર્ચના અમુક આગેવાનો પોતાના પંથના લોકોને ‘ઊંઘણશી’ કહીને બોલાવે છે. એટલે, સવાલ થાય કે ભક્તિને લગતી બાબતોમાં ઊંઘવું એટલે શું? સાચા ખ્રિસ્તીઓ તરીકે જાગતા રહેવું કેમ મહત્ત્વનું છે? આપણે કેવી રીતે બીજાઓને જગાડી શકીએ?

ભક્તિને લગતી બાબતોમાં જાગતા રહેવું એટલે શું?

૩. ભક્તિની બાબતોમાં ઊંઘનાર વ્યક્તિ શું કરતી હોઈ શકે?

વ્યક્તિ ઊંઘતી હોય ત્યારે બીજું કોઈ કામ કરતી નથી. જ્યારે કે જેઓ ભક્તિની બાબતોમાં ઊંઘે છે, તેઓ રોજિંદા કામોમાં ઘણા વ્યસ્ત હોઈ શકે, પણ યહોવાની ભક્તિમાં નહિ. તેઓ કદાચ ધનદોલત, માનમોભો, મોજશોખ અને રોજ-બ-રોજની ચિંતાઓ માટે ભાગદોડ કરતા હોઈ શકે. તેઓ એટલા વ્યસ્ત છે કે ઈશ્વરની ભક્તિ માટે બહુ કાંઈ વિચારતા નથી. પરંતુ, જેઓ યહોવાની ભક્તિ માટે સજાગ છે, તેઓ જાણે છે કે દુનિયાની બૂરાઈનો ‘છેલ્લો સમય’ ચાલી રહ્યો છે. તેથી, તેઓ ઈશ્વરની ઇચ્છા પૂરી કરવામાં વ્યસ્ત રહે છે.—૨ પીત. ૩:૩, ૪; લુક ૨૧:૩૪-૩૬.

૪. શા માટે ‘બીજાઓની જેમ આપણે ઊંઘવું’ ન જોઈએ?

પહેલો થેસ્સાલોનીકી ૫:૪-૮ વાંચો. પ્રેરિત પાઊલ અહીં સાથી ભાઈ-બહેનોને અરજ કરે છે કે ‘બીજાઓની જેમ આપણે ઊંઘીએ નહિ.’ તેમના કહેવાનો શું અર્થ હતો? તે કહેવા માંગતા હતા કે યહોવાના નીતિ-નિયમોને અવગણીએ નહિ. બીજું કે ભૂલીએ નહિ કે દુષ્ટ લોકોનો નાશ કરવાનો યહોવાનો સમય આવી ચૂક્યો છે. જો આપણે આ બે બાબતોમાં ધ્યાન નહિ રાખીએ તો આપણે ‘ઊંઘતા’ રહીશું. તેથી ચાલો સાવધ રહીએ કે દુન્યવી વલણ આપણને અસર ન કરે.

૫. જેઓ ભક્તિની બાબતોમાં ઊંઘે છે તેઓ કેવું વલણ બતાવે છે?

અમુક લોકો માને છે કે ઈશ્વર છે જ નહિ. તેઓ એવું પણ ધારે છે કે પોતાનાં કામોનો કોઈને હિસાબ આપવો નહિ પડે. (ગીત. ૫૩:૧) જ્યારે કે બીજા કેટલાક માને છે કે ઈશ્વરને આપણી કંઈ પડી નથી, એટલે ઈશ્વરની ભક્તિ કરવાનો કોઈ મતલબ નથી. તો અમુકને લાગે છે કે ચર્ચમાં જવાથી ઈશ્વરના મિત્ર બની શકાશે. આ બધા લોકો જાણે ભક્તિની બાબતોમાં ઊંઘે છે. તેઓએ જાગવાની જરૂર છે. આપણે તેઓને કઈ રીતે મદદ કરી શકીએ?

આપણે જાગતા રહેવું જોઈએ

૬. આપણે જાગતા રહેવા કેમ સખત પ્રયાસો કરવા જોઈએ?

બાઇબલ જણાવે છે કે જેઓ ભક્તિની બાબતમાં ઊંઘે છે, તેઓ “અંધકારનાં કામો” કરે છે. એ કામોમાં અતિશય મોજશોખ, નશો, વ્યભિચાર, અશ્લીલ વર્તન, ઝઘડા કે ઈર્ષાનો સમાવેશ થાય છે. (રોમનો ૧૩:૧૧-૧૪ વાંચો.) ખરું કે દુન્યવી વર્તનથી દૂર રહેવું સહેલું ન લાગે, છતાં આપણે પ્રયત્નો કરતા રહીએ. સજાગ રહેવું બહુ મહત્ત્વનું છે. જો વાહન ચલાવતી વખતે ડ્રાઇવર ધ્યાન ન રાખે તો ઊંઘમાં પડી જઈ શકે અને પોતાનો જીવ જોખમમાં મૂકી શકે. તેથી, ઈસુને પગલે ચાલવા માટે જાગતા રહેવું ખૂબ જરૂરી છે. એમ નહિ કરીએ તો કદાચ પોતાનો જીવ ગુમાવીશું!

૭. લોકોના વર્તનથી આપણામાંનું કોઈક કદાચ શું વિચારશે?

કદાચ આપણામાંનું કોઈક એમ વિચારે કે ‘લોકો ખુશખબર સ્વીકારતા નથી, તો પછી એ જાહેર કરવાનો શું ફાયદો?’ (નીતિ. ૬:૧૦, ૧૧) કદાચ આમ પણ વિચારે કે ‘જો કોઈ સાંભળતું જ ન હોય, તો શા માટે તેઓને સંદેશો જણાવવા મારી શક્તિ વાપરું?’ બની શકે કે હમણાં લોકોને ભક્તિની બાબતોમાં ખાસ રસ ન હોય. પરંતુ, આગળ જતાં તેઓના સંજોગો અને વર્તન બદલાઈ શકે. કદાચ અમુકને રસ જાગે અને સંદેશો સ્વીકારે પણ ખરા. એટલે આપણે સજાગ હોઈશું તો જ લોકોને મદદ કરી શકીશું. રાજ્યની ખુશખબર જણાવવા આપણે અલગ અલગ રીતો અપનાવીએ, જેથી લોકોને એમાં રસ જાગે. સજાગ રહેવા આપણે યાદ રાખવું જોઈએ કે પ્રચાર કામ કેટલું અગત્યનું છે.

પ્રચાર કામ કેમ મહત્ત્વનું છે?

૮. ઈશ્વરનો સંદેશો જણાવવો આપણા માટે કેમ ખૂબ જ મહત્ત્વનો છે?

હંમેશા યાદ રાખીએ કે ભલે લોકો રસ બતાવે કે ન બતાવે પ્રચાર કામથી યહોવાને મહિમા મળે છે. આપણે પ્રચાર કરીને ઈશ્વરનો હેતુ પૂરો કરવામાં મોટો ભાગ ભજવીએ છીએ. જેઓ ઈશ્વરના રાજ્યની ખુશખબર સ્વીકારતા નથી, તેઓનો ન્યાય કરવામાં આવશે. ખુશખબર વિષે લોકો કેવું વલણ બતાવે છે, એના આધારે તેઓનો ન્યાય થશે. (૨ થેસ્સા. ૧:૮, ૯) વધુમાં, જો આપણામાંથી કોઈ એવું વિચારે કે ઉત્સાહથી પ્રચાર કરવો જરૂરી નથી, કેમ કે ‘ન્યાયીઓ તથા અન્યાયીઓને સજીવન કરવામાં આવશે,’ તો એમ વિચારવું ખોટું છે. (પ્રે.કૃ. ૨૪:૧૫) બાઇબલમાંથી આપણે સમજીએ છીએ કે જેઓનો ‘બકરાં’ તરીકે ન્યાય કરવામાં આવશે, તેઓનો “સાર્વકાલિક” એટલે કે કાયમી નાશ થશે. પ્રચાર કામ દ્વારા ઈશ્વર દયા બતાવે છે. લોકો “સાર્વકાલિક” એટલે કે કાયમી “જીવનમાં” જઈ શકે, એ માટેનો માર્ગ તે ખોલે છે. (માથ. ૨૫:૩૨, ૪૧, ૪૬; રોમ. ૧૦:૧૩-૧૫) એટલે, જો આપણે લોકોને પ્રચાર નહિ કરીએ, તો કઈ રીતે તેઓને ઈશ્વરનો સંદેશો મળશે? કઈ રીતે તેઓ જીવન મેળવશે?

૯. ખુશખબર જણાવવાથી તમને અને બીજાઓને શું ફાયદો થયો છે?

ખુશખબર જણાવવાથી પોતાને પણ ફાયદો થાય છે. (૧ તીમોથી ૪:૧૬ વાંચો.) યહોવા અને તેમના રાજ્ય વિષે લોકોને જણાવવાથી તમારો વિશ્વાસ મજબૂત થયો હશે. યહોવા માટેનો પ્રેમ વધ્યો હશે. ખ્રિસ્તી ગુણો પણ કેળવવા મદદ મળી હશે. જ્યારે પ્રચાર કરીને યહોવામાં શ્રદ્ધા બતાવીએ છીએ, ત્યારે આપણને ખુશી મળે છે. આપણામાંથી ઘણાને બીજા લોકોને સત્ય શીખવવાનો લહાવો મળ્યો છે. તેઓ એ જોઈને બહુ ખુશ થયા છે કે ઈશ્વરે આપેલી શક્તિની મદદથી બાઇબલ વિદ્યાર્થીએ જીવનમાં સુધારા કર્યા છે.

પારખનાર બનો

૧૦, ૧૧. (ક) ઈસુ અને પાઊલે કઈ રીતે બતાવ્યું કે તેઓ સારા પારખનાર હતા? (ખ) પ્રચારમાં નાનીનાની બાબતો ધ્યાનમાં લેવાથી કઈ રીતે આપણો સંદેશો અસરકારક બની શકે એ સમજાવો.

૧૦ લોકો રાજ્યની ખુશખબરમાં રસ લે એ માટે અલગ અલગ રીતો અપનાવીએ. એક રીત છે કે આપણે પ્રચારમાં સારા પારખનાર બનીએ. એ માટે ઈસુએ સારો દાખલો બેસાડ્યો. તેમનામાં તન-મનની કોઈ ખામી ન હતી, એટલે તે લોકોને બહુ સારી રીતે પારખી શકતા. તે જાણી શકતા કે ગુસ્સે ભરાયેલા ફરોશીઓના મનમાં શું ચાલી રહ્યું છે. એક પાપી સ્ત્રી ખરો પસ્તાવો બતાવી રહી છે, એ તે સમજી શકતા. એક ગરીબ વિધવાએ ખુશીથી દાન આપ્યું, ત્યારે તેના મનની ઇચ્છા તે પારખી શકતા. (લુક ૭:૩૭-૫૦; ૨૧:૧-૪) દરેક વ્યક્તિની ઈશ્વર ભક્તિ માટેની ભૂખ તે પારખતા અને એ પ્રમાણે તેઓ સાથે વર્તતા. ખરું કે આપણે ઈસુ જેવા સંપૂર્ણ નથી, તોપણ તેમની જેમ પારખનાર બની શકીએ. એ માટે પ્રેરિત પાઊલનું ઉદાહરણ સરસ છે. તેમણે વિવિધ સમાજના લોકોના સંજોગો પારખ્યા અને તેઓને સંદેશો આપવા પોતાની રજૂઆત બદલી.—પ્રે.કૃ. ૧૭:૨૨, ૨૩, ૩૪; ૧ કોરીં. ૯:૧૯-૨૩.

૧૧ ઈસુ અને પાઊલની જેમ આપણે પણ લોકોની નાનીનાની બાબતો ધ્યાનમાં લેવી જોઈએ. એમ કરીને આપણે તેઓમાં સંદેશો સાંભળવા રસ જગાડી શકીશું. દાખલા તરીકે, કોઈ વ્યક્તિને મળો ત્યારે પારખવા પ્રયાસ કરો કે તે કયા સમાજમાંથી આવે છે, તેને શામાં રસ છે અને કુટુંબના કેવા સંજોગો છે. તમે કદાચ પારખી શકો કે તે વ્યક્તિ એ સમયે શું કરી રહી છે. એના પરથી તમે નમ્રતાથી તેમની સાથે વાતચીત શરૂ કરી શકો.

૧૨. પ્રચારમાં હોઈએ ત્યારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?

૧૨ એક સારો પારખનાર પોતાનું ધ્યાન બીજે ક્યાંય ભટકવા નહિ દે. પ્રચારમાં સાથે કામ કરતા ભાઈ કે બહેન જોડે વાતચીત કરવાથી એકબીજાને ઉત્તેજન મળી શકે. પરંતુ, યાદ રાખીએ કે પ્રચાર કામનો મુખ્ય હેતુ લોકોને સંદેશો જણાવવાનો છે. (સભા. ૩:૧, ૭) એટલે, આપણે એકથી બીજે ઘરે જઈએ ત્યારે એકબીજાની વાતોમાં ડૂબી જવાને બદલે સંદેશો જણાવવા સજાગ રહીએ. એવી બાબતોની વાતચીત કરીએ, જેથી રસ બતાવનાર વ્યક્તિને સારી સાક્ષી આપી શકીએ. એમ કરવાથી આપણું ધ્યાન પ્રચાર કરવાના હેતુ પર રહેશે. પ્રચારમાં હોઈએ ત્યારે મોબાઈલ ફોન ઘણો મદદરૂપ બની શકે. પરંતુ, ઘરમાલિક સાથે વાતચીત કરતી વખતે આપણો ફોન ખલેલ ન પહોંચાડે એનું ધ્યાન રાખીએ.

ઘરમાલિકમાં રસ બતાવો

૧૩, ૧૪. (ક) આપણે કેવી રીતે પારખી શકીએ કે ઘરમાલિકને શામાં રસ છે? (ખ) કેવી રીતે આપણા સંદેશામાં ઘરમાલિકનો રસ જગાડી શકીએ?

૧૩ પ્રચારમાં જે ભાઈ-બહેનો સજાગ હોય છે, તેઓ ઘરમાલિકનું ધ્યાનથી સાંભળે છે. પ્રચારમાં મળતા લોકો પોતાના મનની વાત જણાવે એ માટે આ પ્રશ્નો પર તમે વિચાર કરી શકો: શું તેઓ વિચારે છે કે શા માટે દુનિયામાં ઘણા બધા ધર્મો છે? પોતાના વિસ્તારમાં થયેલી હિંસા વિષે શું તેઓ ચિંતા કરે છે? શું નિષ્ફળ ગયેલી સરકારો વિષે તેઓ સવાલો ઉઠાવે છે? અમુક બીજી રીતે પણ તમે બાઇબલ વિષે લોકોમાં રસ જગાડી શકો. જેમ કે, ઈશ્વરે બનાવેલી સુંદર દુનિયા વિષે વાત કરી શકો. અથવા બાઇબલની સલાહ કેટલી ઉપયોગી છે એ વિષે કહી શકો. ભલે લોકો ગમે તે સમાજના હોય તેઓને પ્રાર્થના વિષે જાણવું હોય છે. અરે, અમુક નાસ્તિક લોકો પણ એ વિષે જાણવા માંગતા હોય છે. ઘણા લોકો પૂછે છે કે ‘શું ઈશ્વર મારી પ્રાર્થના સાંભળે છે?’ તો કેટલાકને એવો સવાલ થાય છે કે ‘ઈશ્વર કેવી પ્રાર્થનાઓ સાંભળે છે? શું તે બધાની પ્રાર્થના સાંભળે છે?’

૧૪ અનુભવી ભાઈ કે બહેન જે રીતે વાતચીત શરૂ કરે છે, એ ધ્યાનમાં લેવાથી આપણે ઘણું શીખી શકીએ. તમે જોયું હશે કે તેઓ કોઈની પૂછપરછ કે અંગત બાબતોમાં દખલગીરી કરતા નથી. તેઓ પોતાની બોલવાની રીત અને ચહેરાના હાવભાવથી બતાવે છે કે ઘરમાલિકના વિચારો સમજ્યા છે.—નીતિ. ૧૫:૧૩.

પ્રેમ અને આવડત

૧૫. પ્રચાર કરતી વખતે કેમ પ્રેમ બતાવવો જોઈએ?

૧૫ કોઈ તમને અચાનક ભરઊંઘમાંથી જગાડે તો શું તમને ગમશે? ઘણાને જરાય નહિ ગમે. પણ પ્રેમથી જગાડવામાં આવે તો કદાચ તમને બહુ વાંધો નહિ આવે. એવી જ રીતે ખુશખબર જણાવીને આપણે લોકોને ઊંઘમાંથી જગાડવા પ્રયાસ કરીએ છીએ. દાખલા તરીકે, જો કોઈ ઘરમાલિક ગુસ્સે થાય તો શું કરશો? તેમની લાગણી પારખો, તેમણે પોતાના વિચારો જણાવ્યા એ માટે આભાર માનો અને શાંતિથી જતા રહો. (નીતિ. ૧૫:૧; ૧૭:૧૪; ૨ તીમો. ૨:૨૪) તમે બતાવેલા પ્રેમથી કદાચ વ્યક્તિનું વલણ બદલાય. બની શકે કે બીજી વાર સાક્ષીઓ તેમને મળવા જાય ત્યારે તે સારી રીતે વર્તે.

૧૬, ૧૭. પ્રચારમાં ઘરમાલિકના સંજોગો પારખ્યા પછી શું કરી શકીએ?

૧૬ બીજા અમુક કિસ્સાઓમાં, આપણે ઘરમાલિકનો નિર્ણય બદલી શકીએ. દાખલા તરીકે, ઘરમાલિકને તમારી સાથે વાત ન કરવી હોય તો, કહેશે કે ‘મારે નથી સાંભળવું, મારો પોતાનો ધર્મ છે’ અથવા ‘મને રસ નથી.’ છતાં, આપણે આવડતથી અને પ્રેમથી સવાલ પૂછીશું તો, ઘરમાલિકને આપણા સંદેશામાં રસ જાગી શકે.—કોલોસી ૪:૬ વાંચો.

૧૭ ઘણી વખત આપણે એવા લોકોને મળીએ છીએ, જેઓ બહુ વ્યસ્ત હોય છે. એવા સમયે સારું રહેશે કે તેઓના સંજોગો સમજીને ત્યાંથી નીકળી જઈએ. જોકે, અમુક કિસ્સાઓમાં તમે સંજોગો પારખીને ટૂંકમાં સંદેશો જણાવી શકો. અમુક ભાઈ-બહેનો એક મિનિટની અંદર સારી સાક્ષી આપે છે. તેઓ ઘરમાલિકને બાઇબલમાંથી એક કલમ વાંચી સંભળાવે છે. પછી વિચાર કરવા માટે તેમને એક સવાલ પૂછે છે, જેનો જવાબ તેમને બીજી મુલાકાતમાં આપે છે. આવી ટૂંકી રજૂઆતથી અમુક વખતે ઘરમાલિકને રસ જાગ્યો છે અને વધુ વાત કરવા તૈયાર થયા છે. શું તમે પણ આવું કંઈ કરી શકો?

૧૮. તક મળે ત્યારે સારી રીતે સંદેશો જણાવવા તમે શું કરી શકો?

૧૮ રોજિંદા કામકાજમાં આપણે ઘણા લોકોને મળીએ છીએ. એટલે જો આપણે તક મળે ત્યારે સાક્ષી આપવા તૈયાર હોઈશું, તો તેઓમાં ખુશખબર માટે રસ જગાડી શકીશું. ઘણા ભાઈ-બહેનો પોતાના ખિસ્સા કે બેગમાં આપણું કેટલુંક સાહિત્ય રાખે છે. તેઓ બાઇબલની અમુક કલમો પણ યાદ રાખે છે, જેથી તક મળે ત્યારે જણાવી શકે. કદાચ તમે મંડળના સેવા નિરીક્ષક અથવા પાયોનિયરને વધારે સૂચનો માંગી શકો. કેવી રીતે તમે તૈયાર રહી શકો એ વિષે પણ પૂછી શકો.

સગાં-સંબંધીઓમાં રસ જગાડીએ

૧૯. સગાં-સંબંધીઓને સત્ય વિષે જણાવવા શા માટે પ્રયાસો કરતા રહેવું જોઈએ?

૧૯ આપણા સગાં-સંબંધીઓ સત્ય સ્વીકારે એવું આપણે ચાહીએ છીએ. (યહો. ૨:૧૩; પ્રે.કૃ. ૧૦:૨૪, ૪૮; ૧૬:૩૧, ૩૨) પરંતુ, જો આપણા પ્રયત્નો નિષ્ફળ ગયા હોય, તો ફરી વાર પ્રયત્નો કરતા જરા અચકાઈશું. કદાચ આપણને એવું લાગે કે તેઓના વિચારો બદલવા આપણે કાંઈ કહી કે કરી શકતા નથી. પરંતુ, આપણાં સગાં-સંબંધીના સંજોગો કે વિચારો બદલાઈ શકે. અથવા સત્ય સમજાવવાની આપણી આવડતમાં સુધારો થયો હોવાથી, કદાચ તેઓ સાંભળવા તૈયાર થઈ શકે.

૨૦. સગાં-સંબંધીઓ સાથે સમજી-વિચારીને વાત કરવી કેમ મહત્ત્વની છે?

૨૦ આપણે સગાં-સંબંધીઓની લાગણીઓની અવગણના ન કરવી જોઈએ. (રોમ. ૨:૪) પ્રચારમાં આપણે જે રીતે સમજી-વિચારીને વાત કરીએ, એ રીતે તેઓ જોડે પણ વાત કરવી જોઈએ. આપણે તેઓ સાથે પ્રેમ અને માનથી વર્તવું જોઈએ. તેઓને ભાષણ આપવાને બદલે જણાવીએ કે પોતાને સત્યથી કેટલો ફાયદો થયો છે. (એફે. ૪:૨૩, ૨૪) તમે કદાચ જણાવી શકો કે યહોવા ‘આપણા ભલા માટે શીખવે છે.’ (યશા. ૪૮:૧૭) તમે પોતાનો અનુભવ જણાવી શકો કે તમને એનાથી કેવો લાભ થયો છે. તમે ખરેખર ઈસુને પગલે ચાલો છો, એ તમારાં સગાં-સંબંધીઓ જોઈ શકતા હોવા જોઈએ.

૨૧, ૨૨. દાખલો આપી જણાવો કે સંબંધીઓને સત્ય જણાવવા સતત પ્રયાસો કરતા રહેવું કેમ મહત્ત્વનું છે.

૨૧ હાલમાં એક બહેને લખ્યું: ‘વાણી-વર્તનથી મેં હંમેશા મારા ૧૩ ભાઈ-બહેનોને સાક્ષી આપવા કોશિશ કરી. હું દર વર્ષે તેઓને પત્ર લખતી. તેમ છતાં, ૩૦ વર્ષ સુધી અમારા કુટુંબમાંથી હું એકલી જ યહોવાની સાક્ષી હતી.’

૨૨ બહેન આગળ જણાવે છે કે “એક દિવસે મેં મારાં મોટા બહેનને ફોન કર્યો, જે મારાથી ઘણા દૂર રહે છે. તેમણે મને કહ્યું કે ‘મારા પાદરીને બાઇબલ શીખવવા માટે મેં પૂછ્યું છે, પણ તે હજી સુધી આવ્યા નથી.’ પછી મેં કહ્યું: ‘તમને બાઇબલમાંથી શીખવવું મને બહુ ગમશે.’ તેમણે કહ્યું: ‘હા, ઠીક. પણ હમણાંથી જ તને કહું છું કે હું કદી યહોવાની સાક્ષી બનવાની નથી.’ મેં તેમને પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તક પોસ્ટ મારફતે મોકલ્યું. હું તેમને થોડા થોડા દિવસોએ ફોન કરતી રહી. પરંતુ, તેમણે હજી પુસ્તક ખોલીને જોયું પણ ન હતું. છેવટે, મેં તેમને એ પુસ્તક લેવા કહ્યું. પછી, એમાં આપેલી અમુક કલમો અમે વાંચી અને એના પર ચર્ચા કરી. આમ, અમે ફોન પર આશરે ૧૫ મિનિટ વાત કરી. અમારા એવા કેટલાક ફોન કોલ ચાલ્યા. પછી તે કહેવા લાગ્યાં કે ‘મને ૧૫ મિનિટ કરતાં વધારે બાઇબલ અભ્યાસ કરવો છે.’ ત્યાર પછી, અભ્યાસ માટે તે મને સામેથી ફોન કરવા લાગ્યાં. અમુક વખતે તો સવારના હું ઊઠું એ પહેલાં તેમનો ફોન આવી જતો. અમુક વાર તે દિવસમાં બે વાર ફોન કરતાં. એક વર્ષ પછી તેમણે બાપ્તિસ્મા લીધું અને એના પછીના વર્ષે પાયોનિયર તરીકે સેવા આપવા લાગ્યાં.”

૨૩. ભક્તિની બાબતમાં લોકોને જગાડતા આપણે કેમ થાકવું ન જોઈએ?

૨૩ ભક્તિને લગતી બાબતોમાં લોકોને જગાડવા આવડતની જરૂર છે. તેમ જ, એમ કરવા સતત પ્રયત્નો કરતા રહેવાની જરૂર છે. આજે પણ નમ્ર દિલના લોકો ખુશખબર સાંભળી સજાગ બને છે. દર મહિને આશરે ૨૦,૦૦૦ કરતાં વધારે લોકો બાપ્તિસ્મા લઈને યહોવાના સાક્ષીઓ બને છે. તેથી, ચાલો પાઊલે આર્ખીપસને આપેલી આ સલાહ આપણા દિલમાં ઊતારીએ: “પ્રભુમાં જે સેવા કરવાનું કામ તને સોંપવામાં આવ્યું છે, તે સંપૂર્ણ રીતે કરવાને તારે સાવધ રહેવું.” (કોલો. ૪:૧૭) હવે પછીનો લેખ આપણને એ જોવા મદદ કરશે કે શા માટે સમયનું અગત્ય સમજીને પ્રચાર કરવો જોઈએ. (w12-E 03/15)

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૩ પર બોક્સ]

જાગતા રહેવાની રીતો

▪ ઈશ્વરની ઇચ્છા પૂરી કરવામાં વ્યસ્ત રહો

▪ ‘અંધકારʼનાં કામો કરવાનું ટાળો

▪ ભક્તિમાં આપણને ધીમા પાડી દે એવાં જોખમોથી સાવધ રહો

▪ પ્રચારમાં લોકો વિષે સારું વિચારો

▪ લોકોને સંદેશો જણાવવાની અલગ અલગ રીતો અપનાવો

▪ સંદેશો જણાવવાનું મહત્ત્વ હંમેશા યાદ રાખો