સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવા પોતાના લોકોને બચાવવાનું જાણે છે

યહોવા પોતાના લોકોને બચાવવાનું જાણે છે

યહોવા પોતાના લોકોને બચાવવાનું જાણે છે

‘યહોવા પોતાના ભક્તોને પરીક્ષણમાંથી છોડાવવાનું જાણે છે.’—૨ પીત. ૨:૯.

આપણે કેમ ભરોસો રાખી શકીએ કે યહોવા . . .

પોતાનો હેતુ પૂરા કરવાનો સમય જાણે છે?

પોતાની શક્તિથી ભક્તોને બચાવશે?

જાણે છે કે અંતના સમયે શું થશે?

૧. “મોટી વિપત્તિ” વખતે શું થશે?

 શેતાનની દુનિયા પર ઈશ્વરનો ન્યાયનો દિવસ અચાનક આવી પડશે. (૧ થેસ્સા. ૫:૨, ૩) “યહોવાનો મહાન દિવસ” આવશે ત્યારે દુનિયામાં બધી બાજુ અંધાધૂંધી ફેલાઈ જશે. (સફા. ૧:૧૪-૧૭) એ દિવસ મુશ્કેલીઓ અને તકલીફોથી ભરેલો હશે. એ સમય ‘જગતના આરંભથી લઈને હમણાં સુધી થયો નથી,’ એવો ત્રાસદાયક હશે.—માત્થી ૨૪:૨૧, ૨૨ વાંચો.

૨, ૩. (ક) “મોટી વિપત્તિ” વખતે ઈશ્વરના ભક્તો શાનો સામનો કરશે? (ખ) આવનાર મુશ્કેલ સમયનો વિશ્વાસથી સામનો કરવા શું મદદ કરશે?

“મોટી વિપત્તિ” પૂરી થવા આવશે એ સમયે ઈશ્વરના લોકોને નિશાન બનાવવામાં આવશે. “માગોગ દેશનો ગોગ” એટલે શેતાન પોતાની પૂરી તાકાત લગાવીને તેઓ પર હુમલો કરવા નીકળશે. એ વખતે ઈશ્વરના લોકો પર ‘દેશને ઢાંકી દેનાર વાદળની જેમ મહા સૈન્ય’ ચઢી આવશે. (હઝકી. ૩૮:૨, ૧૪-૧૬) ત્યારે યહોવાના લોકોને બચાવવા કોઈ પણ માનવીય સંસ્થા આગળ નહિ આવે, ફક્ત ઈશ્વર જ તેઓનો સહારો હશે. જ્યારે ઈશ્વરના ભક્તોને મિટાવી દેવા હુમલો થશે, ત્યારે એ ભક્તો કેવી રીતે વર્તશે?

શું આપણને વિશ્વાસ છે કે યહોવા આપણને મોટી વિપત્તિમાંથી બચાવી શકે છે અને બચાવવા ચાહે છે? પ્રેરિત પીતરે લખ્યું: ‘યહોવા પોતાના ભક્તોને પરીક્ષણમાંથી છોડાવવાનું જાણે છે અને અન્યાયીઓને ન્યાયકાળ સુધી શિક્ષાને માટે રાખી મૂકવાનું પણ તે જાણે છે.’ (૨ પીત. ૨:૯, ૧૦) ઇતિહાસમાં યહોવાએ પોતાના લોકોને જે રીતે બચાવ્યા હતા એના પર મનન કરવાથી આપણો વિશ્વાસ મક્કમ થાય છે. તેમ જ, આવનાર મુશ્કેલ સમયનો સામનો કરવા પણ મદદ મળે છે. ચાલો આપણે ત્રણ દાખલાઓ જોઈએ, જેમાં યહોવાએ પોતાના ભક્તોનો બચાવ કર્યો હતો.

જળપ્રલયમાંથી બચાવ

૪. પૂર આવે એ પહેલાં નુહે કેવાં કામ કરવાનાં હતાં?

સૌથી પહેલા, ચાલો નુહના સમયમાં આવેલા જળપ્રલયનો વિચાર કરીએ. જળપ્રલય આવે એ પહેલાં નુહે ઘણાં કામ કરવાનાં હતાં. જેમ કે, એક ગંજાવર વહાણ બાંધવાનું હતું. એમાં સલામત રીતે બધા પ્રાણીઓને લાવીને રાખવાના હતા. જોકે, ઉત્પત્તિનો અહેવાલ એમ જણાવતું નથી કે યહોવાએ પહેલાં વહાણ બાંધવા કહ્યું અને પછી પૂર લાવવાનું વિચાર્યું. તેમણે એમ ન વિચાર્યું કે ‘વહાણ બાંધવાના કામમાં જો વહેલું-મોડું થાય તો એ પ્રમાણે હું પૂર લાવવાની તારીખ નક્કી કરીશ.’ યહોવાએ તો નુહને વહાણ બાંધવા કહ્યું એના ઘણા સમય પહેલાં પૂર લાવવાનું નક્કી કર્યું હતું. આપણે એમ શાના પરથી કહી શકીએ?

૫. ઉત્પત્તિ ૬:૩ના અહેવાલ પ્રમાણે યહોવાએ કયો નિર્ણય લીધો? તેમણે ક્યારે એ નિર્ણય જાહેર કર્યો?

પૂર લાવવા વિષે યહોવાએ સ્વર્ગમાં પોતાનો નિર્ણય જાહેર કર્યો. ઉત્પત્તિ ૬:૩માં એ નિર્ણય જોવા મળે છે: ‘યહોવાએ કહ્યું કે હું માણસો સાથે સદા વાદ કરીશ નહિ, કેમ કે તે માંસનું છે; તેઓના દિવસ એક સો વીસ વર્ષ થશે.’ અહીંયા તે કંઈ મનુષ્યોની ઉંમર વિષે વાત કરતા ન હતા. તે તો ધરતી પરથી દુષ્ટ લોકોનો નાશ કરવાના પોતાના નિર્ણય વિષે જણાવતા હતા. * ઈ.સ. પૂર્વે ૨૩૭૦માં મોટા પૂરની શરૂઆત થઈ હતી. એ પરથી કહી શકાય કે યહોવાએ પોતાનો એ નિર્ણય ઈ.સ. પૂર્વે ૨૪૯૦માં કર્યો હશે. એ સમયે નુહ ૪૮૦ વર્ષના હતા. (ઉત. ૭:૬) આશરે ૨૦ વર્ષ પછી એટલે કે ઈ.સ. પૂર્વે ૨૪૭૦માં નુહના પહેલા દીકરાનો જન્મ થયો. (ઉત. ૫:૩૨) હવે પૂર આવવાને ૧૦૦ વર્ષ જ બાકી હતા, છતાં એ વિષે યહોવાએ નુહને કંઈ જણાવ્યું નહિ. એ સમયે નુહને ખબર ન હતી કે મનુષ્યોને બચાવવા તે ખૂબ મહત્ત્વનો ભાગ ભજવશે. નુહને એ વિષે જણાવતા પહેલાં યહોવાએ કેટલી રાહ જોઈ?

૬. નુહને વહાણ બાંધવાની આજ્ઞા યહોવાએ ક્યારે આપી?

યહોવાએ નુહને પોતાનો નિર્ણય ઘણા દાયકાઓ પછી જણાવ્યો. આપણે કેવી રીતે એમ કહી શકીએ? બાઇબલ જણાવે છે કે ઈશ્વરે નુહને વહાણ બાંધવાની આજ્ઞા આપી ત્યારે, તેમના દીકરાઓ મોટા થઈને પરણી પણ ગયા હતા. યહોવાએ નુહને કહ્યું કે ‘હું તારી સાથે મારો કરાર સ્થાપીશ; અને તું વહાણમાં આવ. તારી સાથે તારા દીકરાઓ, તારી વહુ અને તારા દીકરાઓની વહુઓ પણ આવે.’ (ઉત. ૬:૯-૧૮) એટલે શક્ય છે કે જ્યારે નુહને વહાણ બાંધવાનું કામ મળ્યું, ત્યારે પૂર આવવાને આશરે ૪૦ કે ૫૦ વર્ષ જ બાકી હતા.

૭. (ક) નુહ અને તેમના કુટુંબે કઈ રીતે પોતાની શ્રદ્ધા બતાવી? (ખ) પૂર ક્યારે આવશે એ વિષે યહોવાએ નુહને ક્યારે જણાવ્યું?

નુહ અને તેમનું કુટુંબ વહાણ બાંધતી વખતે વિચારતા હશે કે ઈશ્વર કઈ રીતે અને ક્યારે પોતાનો હેતુ પૂરો કરશે. તેઓને એની કંઈ ખબર ન હતી તોપણ, વહાણ બાંધવાનું ચાલું રાખ્યું. બાઇબલ જણાવે છે, “નુહે એમ જ કર્યું; ઈશ્વરે તેને જે સર્વ આજ્ઞા આપી હતી, તે પ્રમાણે તેણે કર્યું.” (ઉત. ૬:૨૨) પૂર આવવાને સાત દિવસ બાકી હતા ત્યારે, યહોવાએ જણાવ્યું કે તે ક્યારે પૂર લાવશે. બધા પ્રાણીઓને વહાણમાં ભેગા કરવા માટે નુહ અને તેમના કુટુંબ પાસે એ સમય પૂરતો હતો. એટલે જ્યારે ધોધમાર વરસાદ શરૂ થયો, ત્યારે બધી તૈયારીઓ પૂરી થઈ ગઈ હતી. એ પૂર ‘નુહના આયુષ્યના છસોમા વર્ષના બીજા મહિનાને સત્તરમે દિવસે’ આવ્યું.—ઉત. ૭:૧-૫, ૧૧.

૮. જળપ્રલયના બનાવમાંથી આપણને કેવી ખાતરી મળે છે?

જળપ્રલયનો બનાવ પુરાવા આપે છે કે યહોવા સમયના પાબંદ છે અને પોતાના લોકોને બચાવનાર છે. આજની દુષ્ટ દુનિયાના અંતની ઘડીઓ ગણાઈ રહી છે. તેથી આપણે પૂરી ખાતરી રાખી શકીએ કે યહોવાએ નક્કી કરેલી બાબતો, ‘એ જ દિવસે અને એ જ ઘડીએ’ થશે.—માથ. ૨૪:૩૬; હબાક્કૂક ૨:૩ વાંચો.

રાતા સમુદ્રમાંથી બચાવ

૯, ૧૦. યહોવાએ મિસરના લશ્કરને ફસાવવા કઈ રીતે પોતાના લોકોનો ઉપયોગ કર્યો?

અત્યાર સુધી આપણે જોયું કે પોતાનો હેતુ પૂરો કરવા યહોવા બનાવો પર પૂરું નિયંત્રણ રાખે છે. હવે આપણે બીજો એક દાખલો જોઈશું. એમાંથી પણ આપણે જોઈશું કે યહોવા પોતાના લોકોને છોડાવી શકે છે. તે પોતાની ઇચ્છા પૂરી કરવા પોતાની અપાર શક્તિનો ઉપયોગ કરે છે. ખરું કે યહોવાએ હંમેશા પોતાના ભક્તોને બચાવ્યા છે. પરંતુ, અમુક વખતે દુશ્મનોને ફાંદામાં ફસાવવા તેમણે પોતાના ભક્તોને જોખમકારક સંજોગોમાં રહેવા દીધા છે. યહોવાએ ઈસ્રાએલીઓને મિસરમાંથી છોડાવ્યા ત્યારે, એવું જ કંઈક બન્યું હતું.

૧૦ આશરે ૩૦ લાખ ઈસ્રાએલીઓ મિસરની ગુલામીમાંથી નીકળી આવ્યા હતા. યહોવાએ તેઓને મુસા દ્વારા એ રીતે દોર્યા જાણે ફારૂનને લાગ્યું કે પ્રજા ગૂંચવણમાં આમતેમ ફરી રહી છે. (નિર્ગમન ૧૪:૧-૪ વાંચો.) એ જોઈને ફારૂનથી રહેવાયું નહિ અને પોતાનું લશ્કર લઈને તેઓને રાતા સમુદ્ર આગળ ફસાવવા નીકળી પડ્યો. ઈસ્રાએલીઓને બચવાનો કોઈ જ માર્ગ દેખાતો ન હતો. (નિર્ગ. ૧૪:૫-૧૦) પરંતુ તેઓને કોઈ જોખમ ન હતું. કેમ? કારણ કે યહોવા તેઓ વતી પગલાં ભરવાના હતા.

૧૧, ૧૨. (ક) પોતાના લોકો માટે યહોવાએ કેવાં પગલાં ભર્યાં? (ખ) એના લીધે શું પરિણામ આવ્યું અને આ બનાવ યહોવા વિષે શું શીખવે છે?

૧૧ ઈસ્રાએલીઓને દોરવા યહોવાએ “મેઘસ્તંભ” રાખ્યો હતો. એ મેઘસ્તંભે ઈસ્રાએલીઓની પાછળ આવીને ફારુનના લશ્કરને અંધકારમાં નાંખી દીધાં. પરંતુ ઈસ્રાએલીઓ માટે એ જ સ્તંભ રાતના સમયે ચમત્કારિક રીતે અજવાળું આપતો. (નિર્ગમન ૧૪:૧૯, ૨૦ વાંચો.) પછી યહોવાએ પૂર્વમાંથી ફૂંકાતા પવન વડે સમુદ્રના બે ભાગલા પાડ્યા અને ‘સમુદ્રની જગ્યાએ કોરી જમીન કરી.’ બાઇબલ જણાવે છે કે “આખી રાત” પવન ફૂંકાયો હતો. પછી “ઈસ્રાએલ પુત્રો કોરી જમીન પર ચાલીને સમુદ્રની મધ્યે થઈને ગયા.” ફારુનના લશ્કરની સરખામણીમાં ઈસ્રાએલીઓ ઘણી ધીમી ગતિએ આગળ વધી રહ્યા હતા. છતાં, એ લશ્કર તેઓને પકડી પાડશે એવી કોઈ જ શક્યતા ન હતી, કેમ કે યહોવા ઈસ્રાએલીઓ વતી લડી રહ્યા હતા. યહોવાએ લશ્કરના ‘રથોનાં પૈડાં કાઢી નાખ્યાં, તેથી તેઓને એ ચલાવવા મુશ્કેલ થઈ પડ્યા.’—નિર્ગ. ૧૪:૨૧-૨૫.

૧૨ બધા ઈસ્રાએલીઓ સહીસલામત સામેના કિનારે પહોંચી ગયા. ત્યાર પછી યહોવાએ મુસાને કહ્યું કે “તારો હાથ સમુદ્ર તરફ લંબાવ, એ માટે કે મિસરીઓ પર, તેઓના રથો પર તથા તેઓના સવારો પર પાણી ફરી વળે.” મિસરના સૈનિકો પાણીથી બચવા કોશિશ કરતા હતા, ત્યારે ‘યહોવાએ તેઓને સમુદ્રની મધ્યે ડુબાડી દીધા.’ એટલે “તેઓમાંથી એક પણ બચ્યો નહિ.” (નિર્ગ. ૧૪:૨૬-૨૮) આ રીતે યહોવાએ બતાવી આપ્યું કે કોઈ પણ સંજોગોમાંથી તે પોતાના ભક્તોને છોડાવી શકે છે.

યરૂશાલેમના વિનાશમાંથી બચાવ

૧૩. ઈસુએ કયાં સૂચનો આપ્યાં? શિષ્યોને કયો સવાલ થયો હશે?

૧૩ હવે ત્રીજા દાખલામાં આપણે જોઈશું કે પહેલી સદીમાં રોમન સૈનિકોએ યરૂશાલેમ પર હુમલો કર્યો ત્યારે શું બન્યું હતું. એમાંથી જોવા મળશે કે પોતાનો હેતુ પૂરો કરવા કેવી બાબતો બનશે એ યહોવા સારી રીતે જાણે છે. યરૂશાલેમ અને યહુદા શહેરનો નાશ ઈ.સ. ૭૦માં થવાનો હતો. પરંતુ એ વિનાશમાંથી બચવા યહોવાએ પોતાના દીકરા ઈસુ દ્વારા ખ્રિસ્તીઓને અમુક સૂચનો આપ્યાં હતાં. ઈસુએ કહ્યું હતું: ‘એ માટે ઉજ્જડની અમંગળપણાની નિશાની જે વિષે દાનીયેલ પ્રબોધકે કહેલું છે, તેને જ્યારે તમે પવિત્ર જગાએ ઊભેલી જુઓ, ત્યારે જેઓ યહુદામાં હોય તેઓ પહાડો પર નાસી જાય.’ (માથ. ૨૪:૧૫, ૧૬) ઈસુના શિષ્યોને કઈ રીતે ખબર પડી હતી કે એ ભવિષ્યવાણી પૂરી થવા આવી છે?

૧૪. એવા કયા બનાવો બનવાથી ઈસુના શબ્દો સમજવા સાફ બન્યા?

૧૪ બનાવો બનતા ગયા તેમ તેમ ઈસુના શબ્દો સ્પષ્ટ થતા ગયા. ઈ.સ. ૬૬ની સાલમાં યરૂશાલેમની અંદર યહુદીઓએ બળવો કર્યો. એ યહુદી બળવો કરનારા “ઝેલોત્સ” નામથી ઓળખાતા હતા. તેઓનો બળવો બંધ કરવા રોમન અધિકારી સેસ્તિયસ ગેલસ સૈનિકો સાથે આવ્યો. એટલે બળવાખોરો યરૂશાલેમના મંદિરમાં છુપાઈ ગયા. પછી રોમન સૈનિકોએ મંદિરની દીવાલો તોડવાનું શરૂ કર્યું અને પોતાના મૂર્તિપૂજક ઝંડા મંદિરની દીવાલો સુધી લાવ્યા. એ બધું જોઈને એ સમયના ખ્રિસ્તીઓને ચોક્કસ ઈસુના શબ્દો યાદ આવ્યા હશે. તેઓ સમજી ગયા કે ‘અમંગળપણાʼની વસ્તુઓ ‘પવિત્ર જગ્યાʼએ ઊભી હતી. એટલે ઈસુના શિષ્યો માટે ‘પહાડો પર નાસી જવાનો’ એ જ સમય હતો. પણ તેઓ કઈ રીતે દુશ્મનોથી ઘેરાયેલા શહેરની બહાર નીકળી શકે? એવું કંઈક બન્યું જે તેઓએ ધાર્યું ન હતું.

૧૫, ૧૬. (ક) ઈસુએ કયું માર્ગદર્શન આપ્યું હતું અને ખ્રિસ્તીઓએ એમ કરવું કેમ જરૂરી હતું? (ખ) આપણો બચાવ શાના આધારે થશે?

૧૫ કોઈ ખાસ કારણ વિના સેસ્તિઅસ ગેલસે યરૂશાલેમ પરથી ઘેરો ઉઠાવી લીધો અને લશ્કર લઈને પાછો જતો રહ્યો. યહુદી બળવાખોરોએ તેઓનો પીછો કર્યો. રોમન સૈનિકો અને યહુદી બળવાખોરો શહેરની બહાર નીકળી ગયા ત્યારે, ઈસુના શિષ્યો પાસે હવે છટકી જવાનો મોકો હતો. ઈસુની ચેતવણી હતી કે ખ્રિસ્તીઓએ તરત જ શહેર છોડી દેવું અને પોતાની વસ્તુઓ લેવા મોડું કરવું નહિ. (માત્થી ૨૪:૧૭, ૧૮ વાંચો.) શું એટલી ઉતાવળ કરવી ખરેખર જરૂરી હતી? હા, કેમ કે થોડા જ દિવસોની અંદર યહુદી બળવાખોરો પાછા આવી ગયા. પછી તેઓએ યરૂશાલેમ અને યહુદાના લોકોને પોતાની સાથે બળવામાં જોડાવા દબાણ કર્યું. ઘણા યહુદી જૂથો વચ્ચે તકરાર થવા લાગી અને શહેરના સંજોગો ખૂબ જ ઝડપથી બગડી ગયા. એટલે યરૂશાલેમમાંથી નાસી જવું વધારે ને વધારે અઘરું બનતું ગયું. ઈ.સ. ૭૦માં જ્યારે રોમન સૈન્ય પાછું આવ્યું ત્યારે તો યરૂશાલેમમાંથી નીકળવું અશક્ય થઈ ગયું. (લુક ૧૯:૪૩) એ શહેરમાં હજી પણ જેઓ હતા તેઓ એમાં ફસાઈ ગયા. પરંતુ જેઓ ઈસુની સલાહ માનીને પહાડોમાં નાસી ગયા, તેઓ બચી ગયા. ત્યારે તેઓ જોઈ શક્યા કે યહોવા પોતાના લોકોને બચાવવાનું જાણે છે. હવે આ બનાવમાંથી આપણે શું શીખી શકીએ?

૧૬ મોટી વિપત્તિ વખતે બાઇબલમાંથી અને ઈશ્વરની સંસ્થા પાસેથી જે કંઈ માર્ગદર્શન મળે એને આપણે ધ્યાન આપીશું. દાખલા તરીકે, ઈસુએ પોતાના શિષ્યોને ‘પહાડ પર નાસી જવા’ કહ્યું હતું. એવી જ રીતે, આપણને પણ મોટી વિપત્તિ વખતે ‘નાસી જવા’ સૂચના મળશે. એ સૂચનો કેવાં હશે એ હમણાં આપણે ચોક્કસ રીતે જાણતા નથી. * પરંતુ આપણને પૂરી ખાતરી છે કે યહોવા યોગ્ય સમયે સ્પષ્ટ માર્ગદર્શન આપશે. ત્યારે જે માર્ગદર્શન મળશે એ પાળીશું તો જ બચી જઈશું. તેથી આ સવાલો પર વિચાર કરવો જોઈએ: ‘યહોવા હાલમાં પોતાના લોકોને જે માર્ગદર્શન આપે છે, એ શું હું પાળું છું? શું એ તરત પાળું છે કે પછી અચકાવું છું?’—યાકૂ. ૩:૧૭.

આપણને ભાવિ માટે દૃઢ કરવામાં આવ્યા છે

૧૭. હબાક્કૂકની ભવિષ્યવાણીમાંથી આપણને શું જાણવા મળે છે?

૧૭ આ લેખની શરૂઆતમાં આપણે ગોગના હુમલા વિષે વાત કરી હતી, એનો ફરીથી વિચાર કરીએ. એ વિષેની એક ભવિષ્યવાણીમાં હબાક્કૂકે કહ્યું હતું: ‘એ સાંભળીને મારા પેટમાં ધ્રાસકો પડ્યો. એ અવાજથી મારા હોઠ થથર્યા, મારાં હાડકાંમાં સડો પેઠો અને મારી જગાએ હું કાંપ્યો; જેથી જ્યારે લોકો પર હુમલો કરવાને તેઓ જથ્થાબંધ આવી પડે, ત્યારે હું એ સંકટ સમયે પણ ધીરજ રાખું.’ (હબા. ૩:૧૬) ઈશ્વરના લોકો પર હુમલો થશે એ સાંભળીને હબાક્કૂકના પેટમાં ધ્રાસકો પડ્યો, હોઠ થથર્યા અને બળ જતું રહ્યું. તેમનું એ વર્તન બતાવે છે કે જ્યારે ગોગ આપણી ઉપર તૂટી પડશે, ત્યારે આપણા સંજોગો કેટલા મુશ્કેલ હશે. પ્રબોધક હબાક્કૂક યહોવાના મહાન દિવસની શાંતિથી રાહ જોવા માંગતા હતા. તેમણે ભરોસો રાખ્યો કે યહોવા પોતાના લોકોને છોડાવી શકે છે. આપણે પણ એવો ભરોસો રાખીએ.—હબા. ૩:૧૮, ૧૯.

૧૮. (ક) આવનાર હુમલાથી આપણે કેમ ડરતા નથી? (ખ) આપણે આવતા લેખમાં શાની ચર્ચા કરીશું?

૧૮ આ ત્રણ દાખલાઓમાંથી આપણે સાફ જોયું કે યહોવાને ખબર છે કે પોતાના ભક્તોને કેવી રીતે બચાવવા. તેમના હેતુને પૂરો થતા કોઈ રોકી શકતું નથી. દુશ્મનો સામે તેમની જીત નક્કી છે. પરંતુ એ મહાન વિજયમાં ભાગીદાર થવા આપણે અંત સુધી વિશ્વાસુ રહેવું જોઈએ. આપણી શ્રદ્ધા અતૂટ રાખવા યહોવા કઈ રીતે મદદ કરે છે? એ વિષે આપણે આવતા લેખમાં જોઈશું. (w12-E 04/15)

[ફુટનોટ્‌સ]

^ મે ૧, ૧૯૯૯ના ચોકીબુરજનું પાન ૧૯ જુઓ.

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૪ પર ચિત્ર]

શું ઈસ્રાએલીઓ ખરેખર ફારુનના લશ્કરથી જોખમમાં હતાં?