સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરે આપેલી લગ્‍નની ભેટ માટે શું તમે કદર બતાવો છો?

ઈશ્વરે આપેલી લગ્‍નની ભેટ માટે શું તમે કદર બતાવો છો?

ઈશ્વરે આપેલી લગ્‍નની ભેટ માટે શું તમે કદર બતાવો છો?

‘ઈશ્વર તમને વર મેળવવા અને તેની સાથે સુખી જીવન ગાળવા માટે મદદ કરે.’—રૂથ ૧:૯, ઈઝી-ટુ-રીડ વર્ઝન.

આનો જવાબ મેળવો:

આપણે કેવી રીતે કહી શકીએ કે પહેલાંના ઈશ્વરભક્તોએ લગ્‍નની ભેટ માટે કદર બતાવી હતી?

આપણે લગ્‍નસાથીની પસંદગી કરીએ ત્યારે યહોવા એની ફિકર કરે છે, એમ કેવી રીતે કહી શકાય?

બાઇબલની કઈ સલાહ પાળવાનો તમે વિચાર કર્યો છે?

૧. આદમને પત્ની મળી ત્યારે તેણે શું કહ્યું?

 “આ મારાં હાડકાંમાંનું હાડકું ને મારા માંસમાંનું માંસ છે. તે નારી કહેવાશે, કેમ કે તે નરમાંથી લીધેલી છે.” (ઉત. ૨:૨૩) ઈશ્વરે આદમને સુંદર પત્ની આપી હતી, એટલે તેણે બહુ ખુશ થઈને આ કવિતા કહી હતી. બાઇબલ જણાવે છે કે યહોવાએ આદમને ભર ઊંઘમાં નાખ્યો. પછી, તેની એક પાંસળી કાઢી લઈને એમાંથી સુંદર સ્ત્રી બનાવી. આદમે એ સ્ત્રીનું નામ હવા રાખ્યું. ઈશ્વરે તેઓને પતિ-પત્ની તરીકે સુખી લગ્‍નબંધનમાં જોડ્યાં. આદમની પત્ની તેના શરીરમાંથી બની હતી. એટલે, આજના કોઈ પણ પતિ-પત્ની કરતાં આદમ અને હવા એકબીજાની સૌથી વધારે નજીક હતા.

૨. શા માટે સ્ત્રી-પુરુષ એકબીજા માટે પ્રેમ અનુભવે છે?

યહોવાએ સ્ત્રી અને પુરુષને એવી રીતે બનાવ્યા છે કે તેઓ એકબીજાને પ્રેમ કરી શકે. આ પ્રેમ પતિ-પત્નીને એકબીજાની નજીક લાવે છે. મોટા ભાગના લોકો આશા રાખે છે કે જ્યારે તેઓ પરણે, ત્યારે તેઓનો પ્રેમ અમર રહે.

તેઓએ લગ્‍નને એક ભેટ ગણીને કદર બતાવી

૩. ઈસ્હાકને કઈ રીતે પત્ની મળી?

ઈબ્રાહીમને લગ્‍નની ગોઠવણ માટે ઊંડું માન હતું. એટલે ઇસ્હાક માટે પત્ની શોધવા તેમણે પોતાના સૌથી મોટા ચાકરને મેસોપોટેમિયા મોકલ્યા. આ ચાકરે યહોવાના માર્ગદર્શન માટે પ્રાર્થના કરી અને એના સારાં પરિણામો આવ્યાં. તેને રિબકા નામની એક સ્ત્રી મળી, જે ઈશ્વરનો ડર રાખતી હતી. પછી તે ઈસ્હાકની વહાલી પત્ની બની. યહોવાએ વચન આપ્યું એ પ્રમાણે રિબકાએ ઈબ્રાહીમનો વંશ ચાલુ રાખવા મહત્ત્વનો ભાગ ભજવ્યો. (ઉત. ૨૨:૧૮; ૨૪:૧૨-૧૪, ૬૭) આ દાખલો એ નથી બતાવતું કે આપણે કોઈના કીધા વગર છોકરા-છોકરીઓ માટે જોડી બનાવાનું કામ કરીએ. કેમ કે, આજકાલ ઘણા લોકો પોતાની મરજી પ્રમાણે લગ્‍નસાથી પસંદ કરવા માંગે છે. આ દાખલો એ પણ નથી બતાવતું કે સ્વર્ગમાં જોડીઓ બનતી હોય છે. પણ, જો વ્યક્તિ લગ્‍ન કરવાનું વિચારે, તો તે પ્રાર્થનામાં યહોવાની મદદ માંગી શકે. યહોવા જરૂર પોતાની શક્તિ દ્વારા તેને માર્ગદર્શન આપશે.—ગલા. ૫:૧૮, ૨૫.

૪, ૫. કેવી રીતે કહી શકાય કે શૂલ્લામી છોકરી અને ગોવાળિયો છોકરો એકબીજાને ચાહતા હતા?

પ્રાચીન ઈસ્રાએલમાં એક સુંદર શૂલ્લામી છોકરી હતી. તે ચાહતી ન હતી કે બીજાઓ તેને રાજા સુલેમાનની પત્ની બનવા દબાણ કરે. એટલે તેણે તેઓને કહ્યું: ‘ઓ યરૂશાલેમની યુવતીઓ, મને વચન આપો કે રાજા માટે તમે મારો પ્રેમ નહીં જગાડો.’ (ગી.ગી. ૮:૪, ઈઝી-ટુ-રીડ વર્ઝન) હકીકતમાં, શૂલ્લામી છોકરી એક ગોવાળિયા છોકરાના પ્રેમમાં હતી. એ છોકરી પોતાના પ્રેમીને કહે છે કે ‘હું ફક્ત મોટા મેદાનનું એક ગુલાબ છું.’ જવાબમાં પ્રેમી કહે છે: ‘જેમ કાંટાઓમાં ગુલાબ હોય છે, એમ તું કુમારિકાઓમાં મારી પ્રેમિકા છે.’ (ગી.ગી. ૨:૧, ૨) તેઓ એકબીજાના દીવાના હતા!

આ છોકરો-છોકરી પહેલેથી યહોવાને ગાઢ પ્રેમ કરતા હતા. એટલે, તેઓનું લગ્‍નબંધન મજબૂત બન્યું હોત. શૂલ્લામી છોકરીએ પોતાના પ્રેમીને કહ્યું: ‘મને તારા હૃદય પર મુદ્રા તરીકે અને તારા હાથ પર વીંટી તરીકે પહેરાવ, કેમ કે પ્રેમ મોત સમાન બળવાન છે. પ્રેમના ચમકારા અગ્‍નિના ચમકારા જેવા છે. ઘણાં પાણી પ્યારને હોલવી શકે નહિ, પૂર તેને ડુબાડી શકે નહિ.’ (ગી.ગી. ૮:૬, ૭) આ કેટલા સુંદર વિચારો છે! યહોવાના ભક્તો તરીકે શું આપણે પણ લગ્‍નસાથી પાસેથી આવી અપેક્ષા નથી રાખતાં?

તમારી પસંદગીની ઈશ્વરને ફિકર છે

૬, ૭. કેવી રીતે કહી શકીએ કે લગ્‍નસાથીની પસંદગી કરીએ ત્યારે યહોવા એની ફિકર કરે છે?

તમે પોતા માટે જીવનસાથીની પસંદગી કરો છો એની ફિકર યહોવા કરે છે. ઈસ્રાએલીઓને કનાની લોકો વિષે આ આજ્ઞા મળી હતી: ‘તમારે કનાનીઓ સાથે લગ્‍નવ્યવહાર રાખવો નહિ. તમારી દીકરીઓ તેઓના દીકરાઓને ન આપવી. તેમ જ, તેઓની દીકરીઓ તમારા દીકરાઓ સાથે પરણાવવી નહિ. કેમ કે, તેઓ તમારા દીકરાઓને મારા માર્ગમાંથી ભટકાવી દેશે, એ માટે કે તેઓ બીજા દેવ-દેવીઓની સેવા કરે. એમ કરશો તો યહોવા તમારા પર કોપાયમાન થશે અને તે જલદી તમારો નાશ કરશે.’ (પુન. ૭:૩, ૪) સદીઓ પછી પ્રબોધક એઝરાએ ઈસ્રાએલીઓને કહ્યું કે “તમે ઉલ્લંઘન કર્યું છે. પરદેશી સ્ત્રીઓ પરણીને ઈસ્રાએલનો અપરાધ વધાર્યો છે.” (એઝ. ૧૦:૧૦) પ્રેરિત પાઊલે પણ સાથી ખ્રિસ્તીઓને કહ્યું: ‘સ્ત્રી જ્યાં સુધી તેનો પતિ જીવે છે, ત્યાં સુધી તે બંધાએલી છે. પણ જો તેનો પતિ મરી ગયો હોય, તો જેને તે ઇચ્છે તેને પરણવાની તેને છૂટ છે; પણ ફક્ત પ્રભુમાં.’૧ કોરીં. ૭:૩૯.

બીજા ધર્મની વ્યક્તિ સાથે લગ્‍ન કરીને યહોવાનો એક ભક્ત તેમની આજ્ઞા તોડે છે. એઝરાના સમયમાં ઈસ્રાએલીઓ ‘બીજા ધર્મની સ્ત્રીઓને પરણીને’ યહોવાને વિશ્વાસુ રહ્યા નહિ. બાઇબલ સાફ બતાવે છે કે યહોવાના એક ભક્તે કોની સાથે લગ્‍ન કરવા જોઈએ. યહોવાના નિયમો પ્રમાણે ન કરવા કોઈ બહાના શોધવા એ ખોટું કહેવાશે. (એઝ. ૧૦:૧૦; ૨ કોરીં. ૬:૧૪, ૧૫) યહોવાની ભક્તિ કરતી ન હોય એવી વ્યક્તિ સાથે લગ્‍ન કરીને એક ખ્રિસ્તી સારો દાખલો બેસાડતો નથી. એમ કરીને તે લગ્‍નની કદર કરતો નથી, જે યહોવા તરફથી એક ભેટ છે. એમ કરવાથી તે મંડળમાં મળેલા લહાવાઓ ગુમાવી દેશે. એ ભૂલ કર્યા પછી જો તે પ્રાર્થનામાં આમ કહે કે ‘યહોવા મેં તમારી આજ્ઞા તોડી છે, પણ કૃપા કરીને મને આશીર્વાદ આપો,’ તો શું એ જરાય વાજબી કહેવાશે?

યહોવા જાણે છે કે સૌથી સારું શું છે

૮. લગ્‍ન વિષે ઈશ્વરનું માર્ગદર્શન આપણે કેમ સ્વીકારવું જોઈએ, એ સમજાવો.

જેણે એક મશીન બનાવ્યું હોય તેને ખબર હોય છે કે એ કેવી રીતે કામ કરે છે. જો એ મશીનને ફરીથી ખોલવાની અને જોડવાની જરૂર પડે, તો એના બનાવનાર સારી મદદ આપી શકશે. પરંતુ, જો આપણે પોતાની રીતે એ મશીનને ફીટ કરવા લાગી જઈશું, તો શું એનું સારું પરિણામ આવશે? કદાચ નહિ. બની શકે આપણાથી એ મશીન વધારે બગડી જાય અને ફરી કદાચ ચાલે પણ નહિ. એવી જ રીતે, જો આપણે ચાહતા હોઈએ કે લગ્‍નબંધન સુખી બને, તો આપણે એના બનાવનાર યહોવા પાસેથી માર્ગદર્શન સ્વીકારવું જોઈએ.

૯. યહોવાએ શા માટે લગ્‍નની ભેટ આપી?

મનુષ્ય અને લગ્‍ન વિષે યહોવા બધું જ જાણે છે. તેમણે જ માણસમાં જાતીય જરૂરિયાત મૂકી છે, જેથી તેઓ ‘સફળ થાય અને વધે.’ (ઉત. ૧:૨૮) એકલતાની લાગણીને યહોવા સારી રીતે સમજે છે. એટલે જ પ્રથમ સ્ત્રીને બનાવતાં પહેલા તેમણે કહ્યું હતું: ‘માણસ એકલો રહે એ સારું નથી. હું તેને યોગ્ય એક સહાયકારી બનાવીશ.’ (ઉત. ૨:૧૮) યહોવા ચાહે છે કે પતિ-પત્ની સદા સુખી રહે.—નીતિવચનો ૫:૧૫-૧૮ વાંચો.

૧૦. ખ્રિસ્તી યુગલ પોતાના અંગત જીવનમાં કઈ રીતે યહોવાને ખુશ કરી શકે?

૧૦ આદમ પાસેથી આખી માણસજાતમાં પાપ અને અપૂર્ણતા ઊતરી આવ્યાં છે. તેથી, આજનું કોઈ પણ લગ્‍ન સંપૂર્ણ નથી, એટલે કે એમાં મુશ્કેલીઓ તો આવવાની જ. પરંતુ, જો આપણે બાઇબલમાં આપેલા માર્ગદર્શન પ્રમાણે ચાલીશું, તો લગ્‍નબંધનથી ખરી ખુશી મળશે. એનું એક ઉદાહરણ પાઊલે લગ્‍નબંધન વિષે સરસ સલાહ આપી હતી એ છે. (૧ કોરીંથી ૭:૧-૫ વાંચો.) બાઇબલ એવી ફરજ પાડતું નથી કે યુગલે ફક્ત બાળકો પેદા કરવા જ જાતીય સંબંધો બાંધવા જોઈએ. એવા ગાઢ સંબંધથી લગ્‍નસાથી એકબીજાની તન-મનની જરૂરિયાતો પૂરી કરી શકે છે. પરંતુ, એમાં અયોગ્ય આચરણ ન આવી જાય એનું ધ્યાન રાખવું જોઈએ, કેમ કે એનાથી યહોવા નાખુશ થાય છે. ખ્રિસ્તી પતિ અને પત્નીએ જીવનના આ મહત્ત્વના પાસાને ખૂબ જ કોમળતાથી હાથ ધરવા જોઈએ. એમ કરીને તેઓ એકબીજા માટે ખરી લાગણી વ્યક્ત કરી શકે છે. યહોવા નાખુશ થાય એવા કામોથી પતિ-પત્નીએ દૂર રહેવું જોઈએ.

૧૧. રૂથે યહોવાની ઇચ્છા પ્રમાણે કર્યું એનાથી તેના કેવા આશીર્વાદ મળ્યા?

૧૧ લગ્‍નબંધન આનંદથી ભરેલું હોવું જોઈએ. એ બંધનને નિભાવવા ખાતર નિભાવવું ન જોઈએ. એક ખ્રિસ્તી ઘર આરામ અને શાંતિની જગ્યા હોવી જોઈએ. ચાલો, આશરે ત્રણ હજાર વર્ષ પહેલાં બનેલા એક કિસ્સાનો વિચાર કરીએ. વૃદ્ધ અને વિધવા નાઓમી પોતાની બે વિધવા વહુઓ ઓર્પાહ અને રૂથ સાથે મોઆબથી યહુદા જઈ રહ્યા હતા. પણ નાઓમીએ પોતાની યુવાન વહુઓને પાછા પોતાને દેશ મોઆબ જતા રહેવા કહ્યું. પરંતુ, રૂથ નાઓમી સાથે જ રહી અને સાચા ઈશ્વરને વળગી રહી. નાઓમીએ રૂથને ખાતરી આપતા કહ્યું: “ઈશ્વર યહોવાની પાંખો તળે આશ્રય લેવા તું આવી છે, તેનાથી તને પૂરો બદલો મળો.” (રૂથ ૧:૯; ૨:૧૨) ઈશ્વર તરફથી મળેલી લગ્‍નની ભેટ માટે રૂથે ઊંડું માન અને કદર બતાવ્યાં અને ઈશ્વરભક્ત બોઆઝ સાથે લગ્‍ન કર્યાં. જ્યારે રૂથને ઈશ્વરની નવી દુનિયામાં સજીવન કરવામાં આવશે, ત્યારે તેને એ જાણીને અપાર ખુશી થશે કે ઈસુ તેના વંશમાં આવ્યા હતા. (માથ. ૧:૧, ૫, ૬; લુક ૩:૨૩, ૩૨) સાચે જ, યહોવાની ઇચ્છા પ્રમાણે કરવાથી તેને કેટલો મોટો આશીર્વાદ મળ્યો!

સફળ લગ્‍ન માટે સુંદર સલાહ

૧૨. લગ્‍નબંધન વિષે સારી સલાહ ક્યાં મળી શકે?

૧૨ લગ્‍નની ગોઠવણ શરૂ કરનાર આપણને જણાવે છે કે લગ્‍નબંધન સુખી બનાવવા શું જરૂરી છે. ઈશ્વરને જેટલું ખબર છે એટલું માણસો જાણતા નથી. એટલે ઈશ્વરના શબ્દ બાઇબલમાં લગ્‍ન વિષે સૌથી સારી સલાહ આપેલી છે. એ સલાહ કદી ખોટી સાબિત થઈ નથી. એટલે લગ્‍ન વિષે સલાહ આપવી હોય, તો બાઇબલ પ્રમાણે જ આપવી જોઈએ. દાખલા તરીકે, પ્રેરિત પાઊલે ઈશ્વરના માર્ગદર્શનથી લખ્યું: ‘તમારામાંનો દરેક જેમ પોતાના પર તેમ પોતાની પત્ની પર પ્રેમ રાખે અને પત્ની પોતાના પતિનું માન રાખે.’ (એફે. ૫:૩૩) બાઇબલની આવી સલાહમાં એવું કંઈ નથી, જેને એક ખ્રિસ્તી વ્યક્તિ સમજી ન શકે. એટલે, સવાલ થાય કે શું પતિ-પત્ની યહોવાની એ સલાહ પાળશે? જો તેઓ લગ્‍નને એક ભેટ તરીકે કદર કરતા હશે, તો જરૂર પાળશે. *

૧૩. ૧ પીતર ૩:૭ની સલાહ ન પાળવાથી શું પરિણામ આવી શકે?

૧૩ એક ખ્રિસ્તી પતિએ પોતાની પત્ની સાથે પ્રેમાળ રીતે વર્તવું જોઈએ. પ્રેરિત પીતરે લખ્યું કે ‘પતિઓ, સ્ત્રીઓ નબળું પાત્ર છે એમ જાણીને, તેઓની સાથે સમજણપૂર્વક રહો. તેમ જ, તમે તેઓની સાથે જીવનની કૃપાના સહવારસ છો, એમ ગણીને તેઓને માન આપો, જેથી તમારી પ્રાર્થનાઓ અટકાવવામાં ન આવે.’ (૧ પીત. ૩:૭) યહોવાએ આપેલી સલાહ જો એક પતિ લાગુ નહિ પાડે, તો તેની પ્રાર્થનાઓ કદાચ સાંભળવામાં નહિ આવે. એના લીધે, એ યુગલ યહોવાની ભક્તિમાં સારું નહિ કરે શકે અને કદાચ ખરાબ પરિણામ પણ આવે. તેઓ વચ્ચે ઝઘડાઓ અને તણાવ વધશે. અરે, એકબીજા સાથે ક્રૂર રીતે પણ વર્તવા લાગે.

૧૪. એક પ્રેમાળ પત્નીની કુટુંબ પર કેવી અસર થઈ શકે?

૧૪ બાઇબલ અને પવિત્ર શક્તિના માર્ગદર્શન પ્રમાણે ચાલનારી પત્ની ઘણું કરી શકે છે. જેમ કે, તેનું ઘર સુખ-શાંતિ અને આનંદથી ભરેલું રહે છે. ઈશ્વરનો ડર રાખતા પતિ માટે સ્વાભાવિક છે કે તે પોતાની પત્નીને પ્રેમ કરે અને તેને દરેક રીતે રક્ષણ આપે. જો પત્ની પતિનો પ્રેમ મેળવવા ચાહતી હોય, તો તેણે પણ પ્રેમાળ બનવું જોઈએ. નીતિવચનો ૧૪:૧ કહે છે કે ‘દરેક સમજું સ્ત્રી પોતાના ઘરને સુખી બનાવે છે. પણ મૂર્ખ પોતાના જ હાથથી તેને તોડી પાડે છે.’ એક સમજુ અને પ્રેમાળ પત્ની પોતાના કુટુંબને સફળ થવા અને ખુશ થવા મોટું યોગદાન આપે છે. એમ કરીને તે ઈશ્વરે આપેલી લગ્‍નની ભેટ માટે કદર બતાવે છે.

૧૫. એફેસી ૫:૨૨-૨૫માં કઈ સલાહ જોવા મળે છે?

૧૫ ઈસુ મંડળની ખૂબ જ પ્રેમાળ સંભાળ રાખે છે. એટલે, પતિ અને પત્નીએ ઈસુના દાખલાને અનુસરીને લગ્‍નની ભેટ માટે કદર બતાવવી જોઈએ. (એફેસી ૫:૨૨-૨૫ વાંચો.) પતિ-પત્નીએ લગ્‍નજીવનમાં આ બાબતો આવવા દેવી ન જોઈએ: ઘમંડ, બાળકોની જેમ એકબીજા સાથે ન બોલવું અને બીજાં ખોટાં વર્તનો ટાળવાં જોઈએ. એને બદલે, તેઓએ એકબીજા માટે ખરો પ્રેમ બતાવવો જોઈએ. એમ કરવાથી તેઓ ઈશ્વરના આશીર્વાદો અનુભવી શકશે.

કોઈએ તેઓને છૂટા પાડવા નહિ

૧૬. કેમ અમુક ખ્રિસ્તીઓ અપરિણીત રહે છે?

૧૬ ખરું કે મોટા ભાગના લોકો જીવનના કોઈક સમયે લગ્‍ન કરવાનું વિચારતા હોય છે. પરંતુ, યહોવાના અમુક ભક્તો કુંવારા રહે છે, કેમ કે તેઓને યોગ્ય સાથી મળ્યો નથી હોતો. જ્યારે અમુક ભક્તોને લગ્‍ન કરવાની જરૂર લાગતી નથી. તેઓ એવા જીવનને ઈશ્વર તરફથી એક ભેટ ગણે છે. એવા ખ્રિસ્તીઓ યહોવાની સેવામાં ઘણું કરી શકે છે, કેમ કે તેઓને લગ્‍નમાં આવતા નડતરોનો સામનો કરવો નથી પડતો. ભલે આપણે કુંવારા જ રહીએ, પણ યહોવાના ધોરણો પ્રમાણે જીવીશું તો ચોક્કસ જીવનમાં ઘણો આનંદ મળશે.—માથ. ૧૯:૧૦-૧૨; ૧ કોરીં. ૭:૧, ૬, ૭, ૧૭.

૧૭. (ક) લગ્‍ન વિષે ઈસુના કયા શબ્દો આપણે મનમાં રાખવા જોઈએ? (ખ) એક ખ્રિસ્તીના મનમાં બીજા કોઈનો જીવનસાથી મેળવવાની ઇચ્છા જાગે તો, તરત જ તેણે શું કરવું જોઈએ?

૧૭ ભલે આપણે કુંવારા હોઈએ કે પરણેલા, આપણે ઈસુના આ શબ્દો હંમેશા મનમાં રાખવા જોઈએ: ‘શું તમે એમ નથી વાંચ્યું કે જેણે તેઓને ઉત્પન્‍ન કર્યાં તેણે તેઓને આરંભથી નરનારી ઉત્પન્‍ન કર્યાં હતાં અને કહ્યું હતું કે એ કારણને લીધે માણસ પોતાનાં માબાપને મૂકીને પોતાની સ્ત્રીને વળગી રહેશે અને બંને એક દેહ થશે. એટલે તેઓ હવેથી બે નથી, પણ એક દેહ છે. એ માટે ઈશ્વરે જેને જોડ્યું છે, તેને માણસે જુદું પાડવું નહિ.’ (માથ. ૧૯:૪-૬) કોઈ બીજાનો લગ્‍નસાથી મેળવવાની ઇચ્છા રાખવી એ મોટું પાપ છે. (પુન. ૫:૨૧) કોઈના મનમાં એવી ઇચ્છા જાગે તો, તરત એને જડમૂળથી કાઢી નાખવી જોઈએ. ભલે દુઃખ થાય તોપણ તેણે એવી સ્વાર્થી ઇચ્છાઓને જરા પણ વધવા દેવી ન જોઈએ. (માથ. ૫:૨૭-૩૦) ખોટા વિચારો અને પાપી ઇચ્છાઓ સામે પગલાં ભરવાં બહુ જરૂરી છે, કેમ કે ‘હૃદય સૌથી કપટી છે.’—યિર્મે. ૧૭:૯.

૧૮. ઈશ્વરે આપેલી લગ્‍નની ભેટ વિષે આપણને કેવું લાગવું જોઈએ?

૧૮ દુનિયામાં એવા ઘણાં લોકો છે, જેઓને ઈશ્વર વિષે અને તેમણે આપેલી લગ્‍નની સુંદર ભેટ વિષે કંઈ ખબર નથી. છતાં, તેઓ અમુક હદે લગ્‍નબંધનને માન આપે છે. તો પછી, યહોવાના એક સમર્પિત સેવક તરીકે લગ્‍નની ભેટની કદર કરવી એ આપણા માટે કેટલું જરૂરી છે! તેથી, ચાલો આનંદી ઈશ્વર યહોવાએ આપેલી દરેક બાબતોમાં આનંદ કરીએ અને લગ્‍નની ભેટ માટે તેમની કદર બતાવીએ. (w12-E 05/15)

[ફુટનોટ]

^ લગ્‍નબંધન વિષે વધારે માહિતી મેળવવા, ઈશ્વરના પ્રેમની છાયામાં રહો પુસ્તકનું ૧૦મુ અને ૧૧મુ પ્રકરણ જુઓ.

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૨ પર બ્લર્બ]

સફળ લગ્‍ન યહોવાને મહિમા આપે છે, કુટુંબમાં બધા માટે ઘણી ખુશી લાવે છે

[પાન ૧૧ પર ચિત્ર]

ઈશ્વરે આપેલી લગ્‍નની ભેટની રૂથે કદર કરી

[પાન ૧૩ પર ચિત્ર]

શું તમે યહોવાએ આપેલી લગ્‍નની ભેટ માટે કદર બતાવો છો?