સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વર સાથે પાકો નાતો બાંધીએ

‘મને તમારી તરફ પાછા આવવા દો’

‘મને તમારી તરફ પાછા આવવા દો’

શું તમે પહેલાં યહોવાની ભક્તિ કરતા હતા? શું તમે ફરીથી યહોવાની ભક્તિ કરવાનું વિચારો છો? પણ શું એવો ડર છે કે ઈશ્વર તમને ફરીથી સ્વીકારશે કે નહિ? જો એમ હોય તો, આ લેખ ખાસ તમને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. એટલે મન લગાવીને વાંચજો.

એક બહેનનો ઉછેર યહોવાના સાક્ષી કુટુંબમાં થયો હતો. પરંતુ, તેમણે યહોવાની ભક્તિ કરવાનું બંધ કરી દીધું હતું. પછી, તે કહે છે કે “મેં યહોવાને પ્રાર્થના કરી કે મને તમારી તરફ પાછી આવવા દો. મેં તમને જે દુઃખ પહોંચાડ્યું છે એ માટે મને માફ કરો.” શું તમને પણ આ બહેન જેવું લાગ્યું છે? શું કદી એમ વિચાર્યું છે કે ‘એક સમયે જેઓ ભક્તિ કરતા હતા, તેઓ વિષે ઈશ્વરને કેવું લાગે છે? શું ઈશ્વર તેઓને યાદ કરે છે? શું તે ચાહે છે કે તેઓ પાછા વળે?’ આ સવાલોના જવાબ મેળવવા ચાલો યિર્મેયાએ લખેલો એક કિસ્સો તપાસીએ. એમાંના જવાબ ચોક્કસ તમારા દિલને ઠંડક આપશે!—યિર્મેયા ૩૧:૧૮-૨૦ વાંચો.

યિર્મેયાના સમયના અમુક દાયકાઓ પહેલાં, એટલે કે ઈ.સ. પૂર્વે ૭૪૦માં યહોવાએ ૧૦ કુળના ઈસ્રાએલના રાજ્યને આશ્શૂરીઓના હાથમાં સોંપી દીધા. તેઓ ઈસ્રાએલીઓને ગુલામ બનાવીને લઈ ગયા. * યહોવાએ પોતાની એ પ્રજાને શિષ્ત આપવા માટે તેઓ પર એ આફત આવવા દીધી. કારણ કે એ લોકો ઘણાં ઘોર પાપોમાં ડૂબી ગયા હતા. તેમ જ, પ્રબોધકો દ્વારા મળતી ચેતવણી, તેઓ વારંવાર અવગણતા. (૨ રાજાઓ ૧૭:૫-૧૮) ઈસ્રાએલીઓ પોતાના ઈશ્વર અને દેશથી દૂર થઈ ગયા. તેઓએ ગુલામીમાં જઈને ઘણી તકલીફો વેઠી. શું એનાથી તેઓનું વલણ બદલાયું? શું યહોવા તેઓને ભૂલી ગયા? શું તેમણે ઈસ્રાએલીઓને કદી પાછા સ્વીકાર્યા?

“મેં પશ્ચાત્તાપ કર્યો”

ગુલામીમાં ગયા પછી એ પ્રજા ભાનમાં આવી અને પસ્તાવો કર્યો. તેઓએ દિલથી કરેલો પસ્તાવો યહોવાના ધ્યાન બહાર ગયો નહિ. ચાલો, જોઈએ કે ગુલામીમાં ગયેલી ઈસ્રાએલી પ્રજા કે જેને એફ્રાઈમ કહી છે, તેના વિષે યહોવાએ કેવી રીતે પોતાનું વલણ અને લાગણી બતાવ્યાં.

યહોવા જણાવે છે કે ‘ખચીત મેં એફ્રાઈમને વિલાપ કરતો સાંભળ્યો’ છે. (કલમ ૧૮) ઈસ્રાએલી પ્રજાએ પોતાના પાપી જીવનમાં કરેલો પસ્તાવો યહોવાએ સાંભળ્યો. આ કલમમાં વપરાયેલા “વિલાપ” શબ્દ વિષે એક નિષ્ણાત કહે છે કે એનો અર્થ ‘થથરવું કે હલવું’ થઈ શકે. તે પ્રજા વંઠી ગયેલા દીકરા જેવી હતી. દીકરાએ કરેલા પાપને કારણે તેના પર મુશ્કેલીઓ આવે છે. એના લીધે, તે પહેલાંનો સારો સમય મેળવવાની આશા રાખે છે. (લુક ૧૫:૧૧-૧૭) મુશ્કેલ સમયમાં તે પ્રજાએ શું કહ્યું?

‘તાલીમ આપ્યા વગરના વાછરડાની જેમ મને શિક્ષા થઈ છે.’ (કલમ ૧૮) લોકોએ કબૂલ્યું કે તેઓને શિષ્તની જરૂર હતી, કેમ કે તેઓ તાલીમ આપ્યા વગરના વાછરડાં જેવા હતાં. બાઇબલ પર લખાયેલું એક પુસ્તક એ લોકોની સરખામણી વાછરડાં જોડે કરે છે. એમાં જણાવ્યું છે કે ‘જો વાછરડાંએ પોતા પર રાખેલી ઝૂંસરીનો વિરોધ ન કર્યો હોત, તો એને આરી ઘોંચાત નહિ.’

“તું મને ફેરવ, એટલે હું ફરીશ; કેમ કે તું મારો ઈશ્વર યહોવા છે.” (કલમ ૧૮) એ લોકોના દિલ નમ્ર બન્યા અને તેઓએ ઈશ્વરને પોકાર કર્યો. પહેલાં તેઓ પોતાના પાપી કામોમાં ખોવાઈ ગયા હતા. પણ હવે તેઓ ઈશ્વરની કૃપા મેળવવા આજીજી કરે છે. બીજા એક બાઇબલમાં આ કલમનું ભાષાંતર આમ થયું છે: “મને તમારી તરફ પાછો વાળો.”—ઈઝી-ટુ-રીડ વર્ઝન.

‘મેં પશ્ચાત્તાપ કર્યો. મેં અપમાન સહ્યું અને મને શરમ લાગી.’ (કલમ ૧૯) ઈસ્રાએલીઓને દુઃખ થયું, કેમ કે તેઓએ પાપ કર્યું હતું. તેઓએ પોતાનો દોષ સ્વીકાર્યો અને કબૂલ્યું કે પોતે ગુનેગાર છે. તેઓ જાણે પોતાની છાતી કૂટતા હોય એમ શરમ અનુભવી અને પોતાને નાહિંમત થયેલા ગણ્યા.—લુક ૧૫:૧૮, ૧૯, ૨૧.

ઈસ્રાએલીઓએ પસ્તાવો કર્યો. પોતાની ભૂલો માટે તેઓ ખૂબ જ દિલગીર હતા. ઈશ્વર આગળ તેઓએ પોતાના દરેક પાપ કબૂલ્યાં અને ખોટા માર્ગેથી પાછા ફર્યા. તેઓનો પસ્તાવો જોઈને શું ઈશ્વરનું દિલ પીગળ્યું? શું ઈશ્વરે તેઓને પોતાની તરફ પાછા વળવા દીધાં?

“હું ખચીત તેના પર દયા કરીશ”

ઈસ્રાએલીઓ સાથે યહોવાનો એક ખાસ સંબંધ હતો. તેમણે કહ્યું ‘હું ઈસ્રાએલનો પિતા છું અને એફ્રાઈમ મારો મોટો દીકરો છે.’ (યિર્મેયા ૩૧:૯) ખરો પસ્તાવો કરનાર દીકરાને શું એક પ્રેમાળ પિતા પોતાની પાસે પાછો આવતા અટકાવી શકે? યહોવા કઈ રીતે પોતાના લોકોને પિતા જેવો પ્રેમ બતાવે છે, એની નોંધ લો.

“શું એફ્રાઈમ મારો લાડકો દીકરો છે? શું તે પ્રિય પુત્ર છે? કેમ કે જ્યારે જ્યારે હું તેની વિરુદ્ધ બોલું છું, ત્યારે ત્યારે તે મને ખરેખર યાદ આવે છે.” (કલમ ૨૦) કેટલા પ્રેમાળ શબ્દો? એક કડક પણ પ્રેમાળ પિતાની જેમ ઈશ્વર પોતાના બાળક “વિરુદ્ધ” બોલે છે. ઈશ્વર એક પિતાની જેમ વારંવાર પોતાના ભક્તોને પાપી કામોથી પાછા ફરવા ચેતવે છે. જ્યારે તેઓ બંડખોર બનીને ઈશ્વરનું કહ્યું સાંભળતા નથી, ત્યારે તે તેઓને ગુલામીમાં જવા દે છે. એમ કરીને તે જાણે તેઓને ઘર છોડવા કહે છે. ખરું કે તે શિક્ષા કરે છે, પણ પોતાના ભક્તોને ભૂલી જતાં નથી. અરે, તે કદી ભૂલી જ ન શકે! શું કોઈ પ્રેમાળ પિતા પોતાના બાળકને કદી ભૂલી જાય? તેથી, જ્યારે યહોવાએ જોયું કે પોતાના બાળકોએ ખરો પસ્તાવો કર્યો છે, ત્યારે તેમને કેવું લાગ્યું એ જુઓ.

“તેને માટે મારી આંતરડી કકડે છે. * હું ખચીત તેના પર દયા કરીશ.” (કલમ ૨૦) યહોવાને પોતાના બાળકો માટે ઊંડી લાગણી છે. તેઓનો ખરો પસ્તાવો યહોવાના દિલ સુધી પહોંચે છે. તે દિલથી ચાહે છે કે પોતાના બાળકો તેમની તરફ પાછા વળે. ઈસુએ આપેલા ઉડાઉ દીકરાના દાખલામાંના પિતાની જેમ, યહોવા પણ “દયા”થી પ્રેરાઈને પોતાના દીકરાને આવકારવા આતુર છે!—લુક ૧૫:૨૦.

‘યહોવા મને પાછા આવવા દો’

યિર્મેયા ૩૧:૧૮-૨૦ના શબ્દો બતાવે છે કે યહોવા કેટલા દયાળુ અને માયાળુ છે. ઈશ્વર એવા લોકોને ભૂલી જતાં નથી, જેઓ એક સમયે તેમની ભક્તિ કરતા હતા. તેઓ ફરીથી ઈશ્વરની ભક્તિ કરવા ચાહતા હોય તો શું? ઈશ્વર તેઓને “ક્ષમા કરવાને તત્પર” છે. (ગીતશાસ્ત્ર ૮૬:૫) જેઓ પસ્તાવો કરીને તેમના તરફ પાછા ફરે છે, તેઓથી તે કદી આંખ આડા કાન કરતા નથી. (ગીતશાસ્ત્ર ૫૧:૧૭) અરે, ઈશ્વર તો તેઓને ખુશી ખુશી આવકારે છે!—લુક ૧૫:૨૨-૨૪.

શરૂઆતમાં જે બહેન વિષે આપણે વાત કરી હતી, તે યહોવા તરફ પાછા વળવા પહેલ કરે છે. તે યહોવાના સાક્ષીઓના મંડળની મુલાકાત લે છે. તેમણે સૌથી પહેલાં તો નકામાપણાની ખોટી લાગણીઓ દૂર કરવાની હતી. તેમને લાગતું કે તે ‘ઈશ્વરની કૃપા પામવા લાયક નથી.’ પરંતુ, મંડળના વડીલોએ તેમને ઘણું ઉત્તેજન આપ્યું. તેમ જ, ઈશ્વરની ભક્તિમાં ફરી મક્કમ થવા ઘણી મદદ આપી. યહોવા માટે પૂરી કદર બતાવતા તે કહે છે કે ‘યહોવા પાસે પાછા આવવાથી મને ઘણી જ ખુશી મળી છે.’

જો તમે એક સમયે યહોવાની ભક્તિ કરતા હતા અને હવે ફરીથી કરવા ચાહો છો, તો અમે તમને યહોવાના સાક્ષીઓના મંડળમાં આવવા આવકારીએ છીએ. જ્યારે કોઈ વ્યક્તિ પસ્તાવો કરીને કહે કે ‘મને પાછા આવવા દો,’ ત્યારે યહોવા તેની સાથે ખૂબ દયાથી વર્તે છે. (w12-E 04/01)

[ફુટનોટ્‌સ]

^ સદીઓ પહેલાં, એટલે કે ઈ.સ. પૂર્વે ૯૯૭માં ઈસ્રાએલી પ્રજા બે રાજ્યોમાં વહેંચાઈ ગઈ. એક દક્ષિણનું રાજ્ય બન્યું, જેમાં બે કુળો હતા. એ રાજ્ય યહુદા તરીકે ઓળખાયું. બીજું રાજ્ય ઉત્તરમાં બન્યું, જેમાં દસ ઈસ્રાએલી કુળો હતા. એ રાજ્ય એફ્રાઈમ તરીકે પણ ઓળખાયું, કેમ કે એ ઈસ્રાએલનું સૌથી મોટું કુળ હતું.

^ બાઇબલ ભાષાંતરો માટેની એક માર્ગદર્શિકા “આંતરડી” વિષે આમ જણાવે છે: ‘યહુદીઓ માટે શરીરનો અંદરનો ભાગ તેઓની ઊંડી લાગણીઓ દર્શાવતો હતો.’