સાચા ખ્રિસ્તી અને જવાબદાર નાગરિક બંને કઈ રીતે બની શકાય?
સાચા ખ્રિસ્તી અને જવાબદાર નાગરિક બંને કઈ રીતે બની શકાય?
ઈસુના સેવાકાર્યનાં બે મુખ્ય પાસાઓ કયાં હતાં? પહેલું, ઈસુએ વ્યક્તિના જીવનમાં ફેરફાર લાવવા કોશિશ કરી હતી, રાજકીય સંગઠનોમાં નહિ. દાખલા તરીકે, ધ્યાન આપો કે ઈસુએ પહાડ પરના ઉપદેશમાં શેના પર ભાર મૂક્યો હતો. નિમક અને પ્રકાશ જેવા બનવા વિષે વાત કરતા પહેલાં, ઈસુએ પોતાના સાંભળનારાઓને જણાવ્યું કે “જેઓ ઈશ્વર સાથે નાતો બાંધવા તરસે છે,” તેઓને સાચું સુખ મળે છે. (NW) તેમણે ઉમેર્યું કે ‘જેઓ નમ્ર છે, મનમાં શુદ્ધ છે અને શાંતિ કરાવનારાઓ છે, તેઓને ધન્ય છે.’ (માત્થી ૫:૧-૧૧) ઈસુએ પોતાના શિષ્યોને એ જોવા મદદ કરી કે પોતાના વિચારો અને લાગણીઓમાં કઈ રીતે સારા અને ખરાબ માટેનાં ઈશ્વરનાં ધોરણો પ્રમાણે ફેરફાર કરી શકે. એ પણ જોવા મદદ કરી કે ઈશ્વરને પૂરા દિલથી ભજવું કેમ મહત્ત્વનું છે.
બીજું, જ્યારે ઈસુએ દુઃખી મનુષ્યોને જોયા ત્યારે તેમને દયા આવી અને તેઓનાં દુઃખ દૂર કર્યાં. પણ, તેમણે એવો ધ્યેય ન રાખ્યો કે તે બધાં જ દુઃખ દૂર કરે. (માત્થી ૨૦:૩૦-૩૪) તેમણે બીમાર લોકોને સાજા કર્યા, છતાં પણ બીમારીઓ તો રહી. (લુક ૬:૧૭-૧૯) હેરાન થયેલા લોકોને તેમણે દિલાસો આપ્યો પણ અન્યાયને લીધે લોકોએ સહન તો કરતા રહેવું પડ્યું. તેમણે ભૂખ્યા લોકોને ખાવાનું આપ્યું, તોપણ દુકાળો તો આવતા જ રહ્યા.—માર્ક ૬:૪૧-૪૪.
લોકોનાં જીવનમાં ફેરફાર લાવવા અને દુઃખ ઓછાં કરવાં
ઈસુએ સંગઠનોમાં સુધારો લાવવા કે દુઃખ-તકલીફો મિટાવવા પર ધ્યાન આપ્યું નહિ. પણ લોકોને જીવનમાં ફેરફાર લાવવા મદદ કરી અને તેમની તકલીફો ઓછી કરવા પર ધ્યાન આપ્યું. શા માટે? ઈસુ જાણતા હતા કે ઈશ્વરે નક્કી કર્યું છે કે ભાવિમાં તેમનું રાજ્ય બધી જ માનવ સરકારોનો અંત લાવશે અને બધી જ દુઃખ-તકલીફો મિટાવી દેશે. (લુક ૪:૪૩; ૮:૧) એટલા જ માટે, એક વાર શિષ્યોએ ઈસુને અરજ કરી કે તે વધારે સમય લોકોને સાજા કરવામાં કાઢે, ત્યારે ઈસુએ તેઓને કહ્યું: “આપણે પાસેના ગામમાં જઈએ, કે હું ત્યાં પણ ઉપદેશ કરું; કેમ કે એ જ માટે હું આવ્યો છું.” (માર્ક ૧:૩૨-૩૮) ઈસુએ ઘણાને સાજા કર્યા, પણ તેમના મને પ્રચારકાર્ય અને ઈશ્વર વિષે શીખવવું વધારે મહત્ત્વનું હતું.
યહોવાના સાક્ષીઓ તેઓના પ્રચાર કાર્યમાં ઈસુ ખ્રિસ્તની જેમ કરવાનો પ્રયત્ન કરે છે. તેઓ લોકોનું દુઃખ ઓછું કરવા યોગ્ય મદદ આપે છે. પણ સાક્ષીઓ દુનિયામાં થતા બધા અન્યાય મિટાવવાનો પ્રયત્ન કરતા નથી. તેઓ માને છે કે ઈશ્વરનું રાજ્ય બધી જ દુઃખ-તકલીફો મિટાવી દેશે. (માત્થી ૬:૧૦) ઈસુની જેમ જ તેઓ રાજકીય સંગઠનોમાં ફેરફાર લાવવા નહિ, પણ લોકો જીવનમાં ફેરફાર કરે એ માટે મદદ કરવાનો પ્રયત્ન કરે છે. આ રીત યોગ્ય છે કેમ કે મનુષ્યની મુખ્ય તકલીફો રાજકારણને લગતી નથી, પણ તેઓના નીતિ-નિયમોને લગતી છે.
જવાબદાર નાગરિકો
યહોવાના સાક્ષીઓ માને છે કે સારા નાગરિક હોવું, એ તેઓની જવાબદારી છે. એટલે તેઓ સરકારની સત્તાને માન અને આદર આપે છે. તેઓ પોતાનાં સાહિત્ય અને પ્રચાર દ્વારા બીજાઓને સરકારના નિયમો પાળવા ઉત્તેજન આપે છે. પણ જ્યારે સરકારના કોઈ નિયમ સીધેસીધી રીતે ઈશ્વરની આજ્ઞાઓ વિરુદ્ધ હોય, ત્યારે તેઓ સરકારના એ નિયમ પાળતા નથી. તેઓ ‘માણસોના કરતાં ઈશ્વરનું વધારે માને’ છે.—પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૯; રોમનો ૧૩:૧-૭.
યહોવાના સાક્ષીઓ પોતાના વિસ્તારમાં દરેકને મળે છે અને બાઇબલનું શિક્ષણ મફત આપે છે. આ શિક્ષણને લીધે લાખો લોકોએ પોતાનાં જીવનમાં ફેરફાર કર્યા છે. દર વર્ષે સાક્ષીઓએ હજારો લોકોને ખોટી આદતો છોડવા મદદ કરી છે. જેમ કે, સિગારેટ પીવી, વધારે પડતો દારૂ પીવો, નશીલી વસ્તુનો ઉપયોગ કરવો, જુગાર રમવું અને જાતીય રીતે મન ફાવે એમ વર્તવું. જીવનમાં બાઇબલના સિદ્ધાંતો લાગુ પાડવાથી તેઓ નીતિ-નિયમો પાળનારા અને જવાબદાર નાગરિકો બન્યા છે.
એ ઉપરાંત, બાઇબલનું શિક્ષણ કુટુંબના સભ્યોને એકબીજા પ્રત્યે માન વધારવા મદદ કરે છે. જેમ કે, પતિ પોતાની પત્ની સાથે, માબાપ પોતાનાં બાળકો સાથે અને બાળકો એકબીજા સાથે સારી રીતે વાતચીત કરી શકે એવી મદદ કરે છે. આ રીતે વાતચીત કરવાથી કુટુંબની એકતા વધે છે. જો કુટુંબ સંપીલું હશે તો સમાજ પણ સંપીલો બનશે.
આ લેખો પર વિચાર કર્યા પછી, તમને લાગે છે કે જેઓ ધર્મ અને રાજકારણને ભેગું કરે છે, તેઓને બાઇબલ મંજૂરી આપે છે? ના, બિલકુલ નહિ. તો શું સાચા ખ્રિસ્તીઓ જવાબદાર નાગરિકો હોવા જોઈએ? હા, હોવા જોઈએ. કેવી રીતે તેઓ જવાબદાર નાગરિકો બની શકે? દુનિયામાં નિમક અને પ્રકાશ જેવા બનવાની ઈસુની સલાહ પાળીને બની શકે.
ઈસુએ આપેલી સલાહ પાળવાની કોશિશ કરવાથી તમને પોતાને અને કુટુંબને ઘણો ફાયદો થાય છે. સાથે સાથે, તમે જે સમાજમાં રહો છો એને પણ ઘણો ફાયદો થાય છે. તમારા સમાજમાં યહોવાના સાક્ષીઓ, લોકોને બાઇબલમાંથી શિક્ષણ આપે છે. તેઓ તમને ખુશીથી બાઇબલ વિષે વધારે શીખવશે. * (w12-E 05/01)
[ફુટનોટ]
^ તમે ચાહો તો, યહોવાના સાક્ષીઓનો સંપર્ક www.pr418.com પર કરી શકો છો.
[પાન ૭ પર બ્લર્બ]
ઈસુએ લોકોના જીવનમાં ફેરફાર લાવવા કોશિશ કરી હતી, રાજકીય સંગઠનોમાં નહિ!
[પાન ૮ પર બ્લર્બ]
યહોવાના સાક્ષીઓ માને છે કે સારા નાગરિકો હોવું, એ તેઓની જવાબદારી છે