સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આઝાદી આપનાર ઈશ્વરની ભક્તિ કરો

આઝાદી આપનાર ઈશ્વરની ભક્તિ કરો

આઝાદી આપનાર ઈશ્વરની ભક્તિ કરો

“આપણે ઈશ્વરની આજ્ઞાઓ પાળીએ, એ જ ઈશ્વર પરનો પ્રેમ છે; અને તેની આજ્ઞાઓ ભારે નથી.”—૧ યોહા. ૫:૩.

શું તમે જવાબ આપી શકશો?

ઈશ્વરના નિયમો આપણને બોજરૂપ લાગે એ માટે શેતાન કેવા પ્રયત્નો કરે છે?

શા માટે મિત્રોની પસંદગી કરવામાં બહુ જ ધ્યાન રાખવું જોઈએ?

આઝાદી આપનાર ઈશ્વરને વફાદાર રહેવા આપણને શું મદદ કરશે?

૧. યહોવા પોતાની સ્વતંત્રતા કેવી રીતે વાપરે છે? તેમણે આદમ-હવાને કેવી સ્વતંત્રતા આપી હતી?

 ફક્ત યહોવા પાસે જ પૂરેપૂરી સ્વતંત્રતા છે. છતાં પણ, તે એનો દુરુપયોગ કરતા નથી. પોતાના ભક્તો જે કંઈ કરે એના પર તે કાબૂ રાખવાનો પ્રયત્ન કરતા નથી. એના બદલે, તેઓને જાતે પસંદગી કરવાનો હક્ક આપ્યો છે, જેથી તેઓ પોતાની યોગ્ય ઇચ્છાઓ પૂરી કરી શકે. જેમ કે, ઈશ્વરે આદમ અને હવાને એક જ એવી આજ્ઞા આપી હતી, જે બંધન લાવતી હતી. તેમણે તેઓને “ભલુંભૂંડું જાણવાના વૃક્ષનું” ફળ ખાવાની મનાઈ કરી હતી. (ઉત. ૨:૧૭) પોતાના સરજનહારની ઇચ્છા પૂરી કરવા માટે તેઓ પાસે કેટલી બધી સ્વતંત્રતા હતી!

૨. આદમ અને હવાએ ઈશ્વર પાસેથી મળેલી સ્વતંત્રતા કેમ ગુમાવી દીધી?

ઈશ્વરે આદમ અને હવાને કેમ એટલી બધી આઝાદી આપી હતી? ઈશ્વરે તેઓને પોતાના સ્વરૂપમાં બનાવ્યા અને તેઓને અંતઃકરણ આપ્યું હતું. સરજનહાર માટેના પ્રેમને કારણે આદમ અને હવા જે ખરું છે એ કરે, એમ ઈશ્વર ચાહતા હતા. (ઉત. ૧:૨૭; રોમ. ૨:૧૫) પણ દુઃખની વાત છે કે આદમ-હવા પોતાના અજોડ સરજનહાર અને તેમણે આપેલી આઝાદીની કદર કરવામાં નિષ્ફળ ગયા. તેઓએ શેતાનની ખોટી સ્વતંત્રતા સ્વીકારીને, જાતે ખરું-ખોટું નક્કી કરવાનું પસંદ કર્યું. સાચી સ્વતંત્રતા મેળવવાને બદલે, તેઓએ પોતાને અને પોતાનાં આવનાર બાળકોને પાપની ગુલામીમાં વેચી દીધાં. એનાં ભયંકર પરિણામો આવ્યાં.—રોમ. ૫:૧૨.

૩, ૪. યહોવાનાં ધોરણો વિષે શેતાન આપણને કઈ રીતે છેતરવાનો પ્રયત્ન કરે છે?

જો શેતાન બે સંપૂર્ણ વ્યક્તિ અને ઘણા દૂતોને ઈશ્વરના રાજનો નકાર કરવા છેતરી શક્યો, તો તે આપણને પણ છેતરી શકે છે. તેની ચાલાકીઓ આજે પણ બદલાઈ નથી. તે આપણને ભમાવવાનો પ્રયત્ન કરે છે કે ઈશ્વરના નિયમો બોજરૂપ છે, જે આપણો આનંદ અને મજા છીનવી લે છે. (૧ યોહા. ૫:૩) જો આપણી આગળ આવા વિચારો વારંવાર આવે, તો એની આપણા પર ઘણી અસર પડી શકે છે. ૨૪ વર્ષના એક બહેન જેમણે વ્યભિચાર કર્યો હતો, તે જણાવે છે: ‘ખરાબ મિત્રોની મારા પર ઘણી જ અસર થતી. ખાસ કરીને મારા મિત્રો જે વિચારતા હતા એના કરતાં અલગ વિચારતા હું ડરતી.’ કદાચ તમે પણ મિત્રો પાસેથી આવું દબાણ અનુભવ્યું હશે.

અફસોસ કે અમુક વાર મંડળમાં પણ મિત્રોની ખરાબ અસરનું દબાણ આવી શકે. આપણા એક યુવાન ભાઈ જણાવે છે: ‘હું અમુક યુવાનોને જાણું છું, જેઓ યહોવાને ન ભજનાર વ્યક્તિના પ્રેમમાં પડીને, તેની સાથે હરે-ફરે છે (ડેટિંગ કરે છે). છેવટે, મને ખબર પડી કે હું એવા લોકો સાથે જેટલી વધારે સંગત રાખતો, એટલો હું વધારે તેઓના જેવો બનતો. ઈશ્વરની ભક્તિમાંથી મારો રસ ઊડી જવા લાગ્યો. સભાઓમાં જે શીખવવામાં આવતું એમાં મને મજા નʼતી આવતી અને પ્રચારમાં પણ કદીક જ જતો. એ ઇશારો હતો કે તેઓની સાથેની મિત્રતા મારે કાપી નાખવી જોઈએ. મેં એમ જ કર્યું.’ શું તમને ખબર છે કે મિત્રોની તમારા પર કેટલી બધી અસર થઈ શકે છે? આજે આપણને મદદ કરી શકે એવું બાઇબલનું એક ઉદાહરણ જોઈએ.—રોમ. ૧૫:૪.

તેઓના દિલ પર કાબૂ મેળવી લીધો

૫, ૬. આબ્શાલોમે લોકોને કેવી રીતે છેતર્યા અને શું તેની ચાલાકી કામ કરી ગઈ?

બાઇબલમાં એવા ઘણા લોકોનાં ઉદાહરણો છે, જેઓની બીજાઓ પર ખરાબ અસર પડી હતી. એમાંનું એક ઉદાહરણ, દાઊદ રાજાનો દીકરો આબ્શાલોમ છે. તે ઘણો દેખાવડો હતો. સમય જતાં, આબ્શાલોમના દિલમાં પણ શેતાનની જેમ સત્તાનો લોભ જાગ્યો. તે પોતાના પિતાની રાજગાદી પચાવી પાડવા માગતો હતો, જેના માટે તે હક્કદાર ન હતો. * રાજસત્તા પડાવી લેવા તેણે લુચ્ચાઈથી પ્રયાસ કર્યા. આબ્શાલોમે ઢોંગ કર્યો કે તેને ઈસ્રાએલી પ્રજા માટે બહુ ચિંતા છે. તેણે ધીરે ધીરે ચાલાકીથી પ્રજાના મનમાં ઠસાવ્યું કે તેઓને ન્યાય આપવાની રાજાને કંઈ પડી નથી. એદન બાગમાં શેતાને જેવું કર્યું હતું, એવું જ આબ્શાલોમે પણ કર્યું. તેણે તેઓનું ભલું ચાહનાર હોવાનો દેખાડો કર્યો અને પોતાના પિતાનું નામ બદનામ કર્યું.—૨ શમૂ. ૧૫:૧-૫.

શું આબ્શાલોમની ચાલાકી કામ કરી ગઈ? હા, અમુક હદે. બાઇબલ જણાવે છે કે “આબ્શાલોમે ઈસ્રાએલના માણસોનાં હૃદય” જીતી લીધાં. (૨ શમૂ. ૧૫:૬) આખરે, આબ્શાલોમના ઘમંડને લીધે તેની પડતી થઈ. દુઃખની વાત છે કે એના લીધે આબ્શાલોમ માર્યો ગયો. એની ચાલાકીમાં ફસાઈ ગયેલા હજારો ઈસ્રાએલીઓ પણ મરણ પામ્યા.—૨ શમૂ. ૧૮:૭, ૧૪-૧૭.

૭. આબ્શાલોમના કિસ્સામાંથી આપણે શું શીખી શકીએ? (પાન ૧૯ ઉપરનું ચિત્ર જુઓ.)

એ ઈસ્રાએલીઓ કેમ આસાનીથી છેતરાઈ ગયા? આબ્શાલોમે જે વચન આપ્યાં, એ કદાચ તેઓને ગમતાં હતાં. અથવા તેઓ તેના દેખાવથી અંજાઈ ગયા હોઈ શકે. કારણ કંઈ પણ હોય, એક વાત ચોક્કસ છે કે યહોવા અને તેમણે પસંદ કરેલા રાજા માટે તેઓની વફાદારીમાં ખોટ હતી. આજે, શેતાન ‘આબ્શાલોમ’ જેવા લોકો દ્વારા યહોવાના ભક્તોનાં દિલ કાબૂમાં કરી લેવાનો પ્રયત્ન કરે છે. તેઓ કદાચ કહેશે કે ‘યહોવાનાં ધોરણો બહુ કડક છે. જેઓ નિયમો પાળતા નથી, તેઓને જુઓ. તેઓ કેટલી મઝા કરે છે!’ શું તમે આવાં અધમ જૂઠાણાંને પારખશો અને ઈશ્વરને વફાદાર રહેશો? શું તમે પારખશો કે ફક્ત યહોવાનો ‘સંપૂર્ણ નિયમ’ એટલે કે ખ્રિસ્તનો નિયમ ખરી આઝાદી તરફ દોરી શકે છે? (યાકૂ. ૧:૨૫) જો તમારો જવાબ હા હોય, તો એ નિયમમાં આનંદ માણો અને તમારી ખ્રિસ્તી આઝાદીનો દુરુપયોગ કરવા કદી લલચાશો નહિ.—૧ પીતર ૨:૧૬ વાંચો.

૮. કયા અનુભવો બતાવે છે કે યહોવાનાં ધોરણો નકારવાથી આનંદ મળતો નથી?

શેતાન ખાસ કરીને યુવાનોને નિશાન બનાવે છે. ત્રીસેક વર્ષના એક ભાઈ તેમની યુવાનીનાં વર્ષો વિષે જણાવે છે: “યહોવાનાં ધોરણોને હું રક્ષણ નહિ પણ બંધન ગણતો.” પરિણામે, તેમણે વ્યભિચાર કર્યો. પણ એનાથી તેમને કોઈ આનંદ મળ્યો નહિ. તે જણાવે છે કે “એના લીધે ઘણાં વર્ષો સુધી મારું દિલ ડંખ્યું અને મને પસ્તાવો થયો.” એક બહેને પોતાની યુવાનીનાં વર્ષો યાદ કરતા લખ્યું: “વ્યભિચાર કર્યા પછી નિરાશા અને નકામાપણાની લાગણી થાય છે. ૧૯ વર્ષ પછી આજે પણ એ બનાવની ખરાબ યાદો આવતી જ રહે છે.” એક બહેન જણાવે છે: “હું જેઓને દિલથી ચાહું છું, તેઓને મારું વર્તન કેવું કચડી નાખે છે, એવો વિચાર મને અંદરોઅંદર ખાય જતો હતો. એનાથી યહોવાના સાથેના મારા સંબંધ પર બહુ અસર પડી. ખરેખર, યહોવાની કૃપા વગર જીવવું ભયંકર છે.” શેતાન ચાહતો નથી કે તમે પાપનાં આવાં પરિણામોનો વિચાર કરો.

૯. (ક) યહોવા, તેમના નિયમો અને સિદ્ધાંતો વિષે આપણને કેવું લાગે છે, એ જોવા કયા સવાલો મદદ કરી શકે? (ખ) શા માટે ઈશ્વરને સારી રીતે ઓળખવા જોઈએ?

કેટલા દુઃખની વાત છે કે સત્યમાં ઘણા યુવાનો અને અમુક મોટી ઉંમરનાને કડવા અનુભવો થયા છે. તેઓએ શીખવું પડ્યું કે ઈશ્વરના નિયમો તોડીને પાપ કરવાની મોટી કિંમત ચૂકવવી પડે છે! (ગલા. ૬:૭, ૮) એટલે પોતાને પૂછો: ‘શું હું શેતાનના ફાંદા એટલે કપટી ચાલાકીઓ પારખું છું?’ ‘શું હું યહોવાને મારા જિગરી દોસ્ત ગણું છું, જે હંમેશા સાચું કહે છે અને મારું ભલું ચાહે છે?’ ‘શું મને પૂરી ખાતરી છે કે મારા માટે જે સારું છે અને જેનાથી મને ખુશી મળશે એ કદીયે તે પાછું નહિ રાખે?’ (યશાયા ૪૮:૧૭, ૧૮ વાંચો.) આ સવાલોના દિલથી ‘હાʼમાં જવાબ આપવા માટે યહોવા વિષેના ઉપરછલ્લા જ્ઞાન કરતાં કંઈક વધારે કરવાની જરૂર પડશે. આપણે તેમને વધારે સારી રીતે ઓળખવાની જરૂર છે. એ પણ જાણીએ કે બાઇબલના સિદ્ધાંતો અને નિયમો તો તેમનો પ્રેમ બતાવે છે. એ આપણને બંધનમાં રાખવા માટે નથી.—ગીત. ૨૫:૧૪.

બુદ્ધિશાળી અને આજ્ઞાધીન દિલ માટે પ્રાર્થના કરો

૧૦. યુવાન રાજા સુલેમાનને અનુસરવા કેમ પ્રયત્ન કરવો જોઈએ?

૧૦ સુલેમાન હજુ તો યુવાન હતા ત્યારે, નમ્રતાથી પ્રાર્થના કરી: “હું તો કેવળ નાનું બાળક છું; કેમ બહાર જવું કે અંદર આવવું તે હું જાણતો નથી.” પછી, તેમણે યહોવાને વિનંતી કરી કે પોતાને બુદ્ધિશાળી અને આજ્ઞાધીન બનવા મદદ કરે. (૧ રાજા. ૩:૭-૯, ૧૨) તેમના દિલની પ્રાર્થનાનો યહોવાએ જવાબ આપ્યો. ભલે તમે યુવાન હો કે મોટી ઉંમરના, તે તમારી માટે પણ એમ જ કરશે. જોકે, યહોવા કોઈ ચમત્કારિક રીતે સમજણ અથવા બુદ્ધિ નહિ આપે. પણ જો ખંતથી બાઇબલનો અભ્યાસ કરીશું, પવિત્ર શક્તિ માટે પ્રાર્થના કરીશું અને મંડળમાં મળતા શિક્ષણનો પૂરેપૂરો લાભ ઉઠાવીશું, તો ચોક્કસ યહોવા આપણને બુદ્ધિશાળી બનાવશે. (યાકૂ. ૧:૫) આ રીતે યહોવા તેમના યુવાન ભક્તોને પણ બુદ્ધિશાળી બનાવે છે. અરે, જેઓ તેમની આજ્ઞાઓ માનતા નથી અને દુનિયાના કહેવાતા ‘જ્ઞાનીઓ તથા બુદ્ધિમાનો’ ગણાય છે, તેઓ કરતાં પણ બુદ્ધિશાળી બનાવશે!—લુક ૧૦:૨૧; ગીતશાસ્ત્ર ૧૧૯:૯૮-૧૦૦ વાંચો.

૧૧-૧૩. (ક) ગીતશાસ્ત્ર ૨૬:૪, નીતિવચનો ૧૩:૨૦ અને ૧ કોરીંથી ૧૫:૩૩માંથી કઈ મહત્ત્વની બાબતો શીખવા મળે છે? (ખ) બાઇબલના એ સિદ્ધાંતો તમે કેવી રીતે લાગુ પાડશો?

૧૧ બાઇબલનો અભ્યાસ અને જે વાંચીએ એના પર મનન કરવું મહત્ત્વનું છે, કેમ કે એનાથી આપણે યહોવાને સારી રીતે ઓળખી શકીએ છીએ. એ સમજવા ચાલો અમુક બાઇબલ કલમો જોઈએ. આપણે કેવી મિત્રતા પસંદ કરીશું, એ માટે દરેક કલમ મહત્ત્વનો સિદ્ધાંત ધરાવે છે: “દુરાચારી માણસોની સાથે હું બેઠો નથી; કપટીઓની સાથે હું વહેવાર રાખીશ નહિ.” (ગીત. ૨૬:૪) “જો તું જ્ઞાની પુરુષોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે, પણ જે મૂર્ખનો સાથી છે તેને નુકસાન થશે.” (નીતિ. ૧૩:૨૦) “દુષ્ટ સોબત સદાચરણને બગાડે છે.”—૧ કોરીં. ૧૫:૩૩.

૧૨ આ કલમોમાંથી આપણે કયો મહત્ત્વનો બોધપાઠ શીખી શકીએ છીએ? (૧) યહોવા ચાહે છે કે આપણે સમજદારીથી મિત્રો પસંદ કરીએ. તે આપણને અને તેમની સાથેના સંબંધને કોઈ નુકસાન ન થાય એવું ચાહે છે. (૨) આપણે જેવા લોકો સાથે સંગત કરીએ, એની આપણા ઉપર સારી કે ખરાબ અસર પડે છે; આ એક હકીકત છે. જે રીતે આ કલમો લખવામાં આવી છે એ બતાવે છે કે યહોવા આપણા દિલને અસર કરવા માંગે છે. કેવી રીતે? ધ્યાન આપો કે કોઈ પણ કલમ નિયમની જેમ નથી જણાવતી કે “તમારે આમ જ કરવું જોઈએ.” એના બદલે, એ હકીકત જણાવે છે. યહોવા આપણને કહી રહ્યા છે: ‘સત્ય આ છે, તમે શું કરશો? તમારા દિલમાં શું છે?’

૧૩ ઉપર જણાવેલી ત્રણ કલમો સનાતન સત્ય છે અને એ ઘણા સંજોગોમાં લાગુ પડે છે. એ સમજવા પોતાને આવા પ્રશ્નો પૂછો: હું કેવી રીતે એવા લોકો સાથે સંગત ન રાખું, જેઓ ‘કપટી’ છે? એવા કયા સંજોગો ઊભા થઈ શકે જ્યારે મારે એવા લોકોને હળવું-મળવું પડે? (નીતિ. ૩:૩૨; ૬:૧૨) એવા કયા “જ્ઞાની” લોકો છે, જેઓ સાથે હું મિત્રતા રાખું એવું યહોવા ચાહે છે? એવા કયા ‘મૂર્ખ’ લોકો છે, જેઓ સાથે હું સંગત ન રાખું એવું યહોવા ચાહે છે? (ગીત. ૧૧૧:૧૦; ૧૧૨:૧; નીતિ. ૧:૭) જો હું ખરાબ સંગત પસંદ કરીશ, તો મારું કયું ‘સદાચરણ’ એટલે કે સારું વર્તન બગડી જશે? શું ફક્ત દુનિયાના લોકોની સંગત જ ખરાબ સંગત હોય શકે? (૨ પીત. ૨:૧-૩) આ સવાલોના તમે કેવા જવાબ આપશો?

૧૪. ભક્તિની સાંજને તમે કેવી રીતે વધારે સારી બનાવી શકો?

૧૪ બાઇબલની એ ત્રણ કલમો પર વિચાર કર્યાં પછી તમે બીજું શું કરી શકો? કેમ નહિ કે એવી બીજી કલમો પર ધ્યાન આપો, જે તમને અને તમારા કુટુંબને અસર કરતી બાબતો પર ઈશ્વરના વિચારો જાણવા મદદ કરે. * માતા-પિતા, તમે આવા વિષયો પર કુટુંબ તરીકે ભક્તિની સાંજે ચર્ચા કરવાનો વિચાર કરો. એમ કરો ત્યારે, તમારો ધ્યેય શું હોવો જોઈએ? એ જ કે ઈશ્વરના નિયમો અને સિદ્ધાંતોમાં જોવા મળતા તેમના પ્રેમની કદર વધારવા કુટુંબના દરેક સભ્યને મદદ કરવી. (ગીત. ૧૧૯:૭૨) આવી રીતે અભ્યાસ કરવાથી દરેક કુટુંબ યહોવાની અને એકબીજાની નજીક આવશે.

૧૫. તમે બુદ્ધિશાળી અને આજ્ઞાધીન દિલ કેળવી રહ્યા છો, એ કઈ રીતે જાણી શકો?

૧૫ તમે બુદ્ધિશાળી અને આજ્ઞાધીન દિલ કેળવી રહ્યા છો, એ કઈ રીતે જાણી શકો? એક રીત છે, તમારા વિચારો પહેલાંના વિશ્વાસુ ભક્તોના વિચારો સાથે સરખાવી જુઓ. જેમ કે, રાજા દાઊદ. તેમણે લખ્યું: “હે મારા ઈશ્વર, તારી ઇચ્છા પ્રમાણે કરવાને હું રાજી છું; તારો નિયમ મારા હૃદયમાં છે.” (ગીત. ૪૦:૮) એવી જ રીતે, ગીતશાસ્ત્ર ૧૧૯ના લેખકે જણાવ્યું: ‘હું તારા નિયમ પર કેટલો બધો પ્રેમ રાખું છું! આખો દિવસ એનું જ મનન કરું છું.’ (ગીત. ૧૧૯:૯૭) આવો પ્રેમ આપોઆપ કેળવાય જતો નથી. પણ એ ઊંડો અભ્યાસ, પ્રાર્થના અને મનન કરવાથી કેળવાય છે. એ પ્રેમ ઈશ્વરના નિયમો પાળવાથી પોતાને મળેલા આશીર્વાદો જોવાથી પણ કેળવાય છે.—ગીત. ૩૪:૮.

આપણી સ્વતંત્રતા માટે લડત આપીએ

૧૬. જો આપણી સ્વતંત્રતા માટેની લડાઈ જીતવી હોય, તો શું યાદ રાખવું જોઈએ?

૧૬ ઇતિહાસમાં દેશોએ સ્વતંત્રતા માટે લોહીની નદીઓ વહેવડાવી છે. તો પછી, આપણે ઈશ્વરના નિયમોથી મળતી સ્વતંત્રતા માટે લડવા તૈયારી બતાવવી ન જોઈએ? યાદ રાખો કે તમારા દુશ્મનો ફક્ત શેતાન, આ દુનિયા અને એનું ઝેરી વલણ જ નથી. તમારે વારસામાં મળેલી ખામીઓ અને કપટી હૃદય સામે પણ લડવાનું છે. (યિર્મે. ૧૭:૯; એફે. ૨:૩) જોકે, યહોવાની મદદથી તમે આ લડાઈ જીતી શકો છો. ભલે તમે નાની કે મોટી જીત મેળવો, એના ઓછામાં ઓછા બે સારાં પરિણામો આવશે જ. પહેલું, તમે યહોવાના દિલને આનંદ પમાડશો. (નીતિ. ૨૭:૧૧) બીજું કે જ્યારે પણ તમે ‘સ્વતંત્રતાનો સંપૂર્ણ નિયમ’ પાળો છો, ત્યારે અહેસાસ કરો છો કે એ તમારા ભલા માટે છે. એટલે અનંતજીવનની રાહ પર ચાલવા વધારે ને વધારે મક્કમ બનો છો. સમય જતાં, તમે એવી અપાર આઝાદી અનુભવશો, જે યહોવાએ પોતાના ભક્તો માટે રાખેલી છે.—યાકૂ. ૧:૨૫; માથ. ૭:૧૩, ૧૪.

૧૭. ભૂલો થાય ત્યારે શા માટે નિરાશામાં ડૂબી જવું ન જોઈએ? યહોવા કેવી મદદ આપે છે?

૧૭ આપણામાંથી એવું કોઈ નથી જે ભૂલો કરતું ન હોય. (સભા. ૭:૨૦) એટલે, ભૂલ થઈ જાય ત્યારે નિરાશામાં ડૂબી જશો નહિ અથવા પોતાને નકામા ગણશો નહિ. જો તમે કોઈ ભૂલ કરો, તો એને સુધારવા જરૂરી પગલાં લો. જો એ માટે વડીલોની મદદ જરૂરી હોય, તો એ લેતા અચકાશો નહિ. યાકૂબે લખ્યું કે તેઓની ‘વિશ્વાસ સહિત કરેલી પ્રાર્થના માંદાને બચાવશે, ને પ્રભુ યહોવા તેને ઉઠાડશે; અને જો તેણે પાપ કર્યાં હશે, તો એ તેને માફ કરવામાં આવશે.’ (યાકૂ. ૫:૧૫) કદી ભૂલશો નહિ કે ઈશ્વર દયાના સાગર છે; તેમણે તમારામાં કંઈક સારું જોયું છે, એટલે જ તમને મંડળમાં ખેંચી લાવ્યા છે. (ગીતશાસ્ત્ર ૧૦૩:૮, ૯ વાંચો.) તમે યહોવાને પૂરા દિલથી ભજતા રહેવાનો પ્રયત્ન કરશો ત્યાં સુધી, તે હંમેશાં તમને મદદ કરશે.—૧ કાળ. ૨૮:૯.

૧૮. યોહાન ૧૭:૧૫માં જોવા મળતી ઈસુની પ્રાર્થના પ્રમાણે આપણે કેવી ખાતરી રાખી શકીએ?

૧૮ ઈસુએ પોતાના ૧૧ વિશ્વાસુ પ્રેરિતો સાથે છેલ્લી રાતે પ્રાર્થના કરી હતી. એમાં તેમણે ઊંડી લાગણી સાથે આમ કહ્યું હતું: “તમે દુષ્ટથી તેમનું રક્ષણ કરો તેવી વિનંતી કરું છું.” (યોહા. ૧૭:૧૫, કોમન લેંગ્વેજ) ઈસુને ફક્ત પોતાના પ્રેરિતો માટે જ નહિ, પરંતુ બધા જ શિષ્યોની ચિંતા હતી. એટલે, આપણે ખાતરી રાખી શકીએ કે ઈસુની પ્રાર્થનાના જવાબમાં, યહોવા આ સંકટના વખતોમાં આપણું રક્ષણ કરશે. ‘પ્રામાણિકપણાથી વર્તનાર માટે યહોવા ઢાલ છે. તે પોતાના ભક્તોના માર્ગનું રક્ષણ કરશે.’ (નીતિ. ૨:૭, ૮) હા, ખરાઈના માર્ગ પર મુશ્કેલીઓ તો આવવાની જ, પરંતુ એ જ માર્ગે અનંતજીવન અને ખરી આઝાદી મળે છે. (રોમ. ૮:૨૧) ચાલો, ધ્યાન રાખીએ કે કોઈ આપણને છેતરીને એ માર્ગથી ફંટાવી ન દે! (w12-E 07/15)

[ફુટનોટ્‌સ]

^ દાઊદની રાજગાદીનો વારસો મેળવનાર ‘સંતાન’ વિષેનું વચન, ઈશ્વરે આબ્શાલોમના જન્મ પછી આપ્યું હતું. એટલા માટે આબ્શાલોમને ખબર હોવી જોઈતી હતી કે યહોવાએ તેને દાઊદના રાજ્યના વારસ તરીકે પસંદ કર્યો નથી.—૨ શમૂ. ૩:૩; ૭:૧૨.

^ તમે આ કલમો ઉપર વિચાર કરી શકો: ૧ કોરીંથી ૧૩:૪-૮, જેમાં પાઊલ પ્રેમ વિષે વાત કરે છે. ગીતશાસ્ત્ર ૧૯:૭-૧૧, જેમાં યહોવાના નિયમોને આધીન રહેવાથી મળતા ઘણા આશીર્વાદો વિષે જણાવ્યું છે.

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૯ પર ચિત્રો]

આપણે કેવી રીતે ‘આબ્શાલોમ’ જેવા લોકોને પારખી શકીએ અને તેઓથી પોતાનું રક્ષણ કરી શકીએ?