બાઇબલમાંથી શીખો
ઈશ્વરની નજીક જવા શું કરવું જોઈએ?
આ લેખમાં જે સવાલો છે એ તમને પણ થયા હશે, એના જવાબો બાઇબલમાંથી આપવામાં આવ્યા છે. યહોવાના સાક્ષીઓને આ વિષે તમારી સાથે વાત કરવાનું ગમશે.
૧. શું ઈશ્વર બધાની પ્રાર્થનાઓ સાંભળે છે?
યહોવા ઈશ્વર સર્વ જાતિના લોકોને પ્રાર્થના દ્વારા તેમની નજીક જવા આમંત્રણ આપે છે. (ગીતશાસ્ત્ર ૬૫:૨) જોકે, તે બધાની પ્રાર્થનાઓ સાંભળતા નથી. પ્રાચીન સમયના ઈસ્રાએલી લોકોનો વિચાર કરીએ. તેઓ ખોટાં કામોમાં ડૂબી જતાં ત્યારે, ઈશ્વર તેઓની પ્રાર્થના સાંભળતા નહિ. (યશાયા ૧:૧૫) કોઈ પણ પુરુષ પોતાની પત્નીને હેરાન કરે, તો તેની પ્રાર્થનાઓને પણ સાંભળવામાં નહિ આવે. (૧ પીતર ૩:૭) પરંતુ, ઘોર અપરાધી જો દિલથી પસ્તાવો કરે, તો ઈશ્વર તેની પ્રાર્થના જરૂર સાંભળે છે.—૨ કાળવૃત્તાંત ૩૩:૯-૧૩ વાંચો.
૨. આપણે પ્રાર્થના કેવી રીતે કરવી જોઈએ?
ઈશ્વરને પ્રાર્થના કરવી એ ભક્તિનો એક મહત્ત્વનો ભાગ અને લહાવો છે. આપણે ફક્ત યહોવાને જ પ્રાર્થના કરવી જોઈએ. (માથ્થી ૪:૧૦; ૬:૯) આપણને પાપનો વારસો મળ્યો છે, એટલે સીધેસીધા ઈશ્વરને પ્રાર્થના કરી શકતા નથી. એ કારણે, આપણે ઈસુના નામે યહોવાને પ્રાર્થના કરવી જોઈએ, કેમ કે ઈસુ “માર્ગ” છે. (યોહાન ૧૪:૬) યહોવા નથી ચાહતા કે આપણે રટેલી કે લખેલી પ્રાર્થના કરતા રહીએ. પણ, તે ચાહે છે કે આપણે દિલથી પ્રાર્થના કરીએ.—માથ્થી ૬:૭; ફિલિપી ૪:૬, ૭ વાંચો.
મનમાં કરેલી પ્રાર્થના પણ ઈશ્વર સાંભળે છે. (૧ શમૂએલ ૧:૧૨, ૧૩) યહોવા ઇચ્છે છે કે આપણે કોઈ પણ સંજોગોમાં તેમને પ્રાર્થના કરીએ. જેમ કે, દિવસની શરૂઆતમાં, જમતી વખતે અને દિવસના અંતે. તેમ જ, કોઈ મુશ્કેલીમાં હોઈએ ત્યારે પણ પ્રાર્થના કરીએ.—ગીતશાસ્ત્ર ૫૫:૨૨; માથ્થી ૧૫:૩૬ વાંચો.
૩. ખ્રિસ્તીઓ કેમ સભામાં ભેગા મળે છે?
આજે યહોવાની નજીક જવું સહેલું નથી. એનું કારણ કે ઘણા લોકો ઈશ્વરમાં માનતા નથી. અથવા તેમણે ભાવિ માટે આપેલાં સુખ-શાંતિ વિષેનાં વચનોની મજાક ઉડાવે છે. (૨ તીમોથી ૩:૧, ૪; ૨ પીતર ૩:૩, ૧૩) તેઓની અસર આપણને ન લાગે એ માટે આપણે યહોવાના બીજા ભક્તો સાથે સંગત રાખવી જોઈએ.—હિબ્રૂ ૧૦:૨૪, ૨૫ વાંચો.
યહોવાના ભક્તો સાથે સંગત રાખવાથી તમે પણ યહોવાની નજીક આવી શકો છો. યહોવાના સાક્ષીઓની સભાઓમાં જવાથી તમારી શ્રદ્ધા પણ વધશે.—રોમનો ૧:૧૧, ૧૨ વાંચો.
૪. ઈશ્વરની નજીક જવા તમે શું કરી શકો?
બાઇબલમાંથી જે શીખ્યા હો એના પર વિચાર કરવાથી તમે યહોવાની નજીક જઈ શકો છો. તેમ જ, ઈશ્વરનાં કામો, તેમના વચનો અને માર્ગદર્શન પર વિચાર કરો. જે શીખ્યા હો એના પર પ્રાર્થના કરો. એમ કરવાથી ઈશ્વરના જ્ઞાન અને પ્રેમ માટે તમારી કદર વધશે.—યહોશુઆ ૧:૮; ગીતશાસ્ત્ર ૧:૧-૩ વાંચો.
જો ઈશ્વર પર શ્રદ્ધા હશે તો તમે તેમની નજીક જઈ શકો. શ્રદ્ધાને શરીર સાથે સરખાવી શકાય. બધાને જીવન ટકાવી રાખવા ખોરાકની જરૂર પડે છે. એવી જ રીતે, પોતાની શ્રદ્ધા ટકાવી રાખવા ઈશ્વરનું શિક્ષણ લેવાની જરૂર છે.—૧ થેસ્સાલોનીકી ૫:૨૧; હિબ્રૂ ૧૧:૧, ૬ વાંચો.
૫. ઈશ્વરની નજીક જવાથી કેવા ફાયદા થાય છે?
યહોવા પોતાના ભક્તોની સંભાળ રાખે છે. પોતાના ભક્તોની શ્રદ્ધા અને સદા જીવવાની આશા કમજોર કરે એવી બાબતોથી તે રક્ષણ આપે છે. (ગીતશાસ્ત્ર ૯૧:૧, ૨, ૭-૧૦) તે એવી બાબતોથી ચેતવે છે, જેનાથી આપણી તબિયત બગડે અને સુખ છીનવાઈ જાય. યહોવા આપણને જીવનનો સૌથી સારો માર્ગ બતાવે છે.—ગીતશાસ્ત્ર ૭૩:૨૭, ૨૮; યાકૂબ ૪:૪, ૮ વાંચો. (w11-E 09/01)
વધારે માહિતી માટે, પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું સત્તરમું પ્રકરણ જુઓ. એ યહોવાના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.