સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ખરી આઝાદી મેળવવા શું તમે યહોવાનું માનશો?

ખરી આઝાદી મેળવવા શું તમે યહોવાનું માનશો?

ખરી આઝાદી મેળવવા શું તમે યહોવાનું માનશો?

‘સ્વતંત્ર કરનાર સંપૂર્ણ નિયમમાં નિહાળો.’—યાકૂ. ૧:૨૫.

તમે સમજાવશો?

કયો નિયમ ખરી આઝાદી તરફ લઈ જાય છે અને કોણ એ નિયમમાંથી લાભ પામે છે?

કેવી રીતે ખરી આઝાદી મેળવી શકાય?

જીવનના માર્ગ પર ચાલતા રહેનારા સર્વ માટે કઈ સ્વતંત્રતા રાહ જુએ છે?

૧, ૨. (ક) લોકોની આઝાદીનું શું થયું છે અને એનું કારણ શું છે? (ખ) યહોવાના ભક્તો માટે કેવી આઝાદી રહેલી છે?

 આપણે એવા સમયમાં જીવીએ છીએ, જેમાં લોકો વધારે ને વધારે સ્વાર્થી, હિંસા કરનારા અને નિયમ તોડનારા બની રહ્યા છે. (૨ તીમો. ૩:૧-૫) એટલે, સરકાર વધારે નિયમો બનાવે છે; પોલીસોને વધારે કાબેલ બનાવે છે; અને એવી રીતે કૅમેરા ગોઠવે છે, જેનાથી લોકોની હલચલ પર નજર રાખી શકાય. કેટલાક દેશોમાં લોકો પોતાની સલામતી માટે ઘરમાં અલાર્મ લગાવે છે; વધારાનાં તાળાં લગાવે છે; અને ઘર ફરતે એવી વાડ રાખે છે, જેને અડકવાથી કરંટ લાગે. તેમ જ, ઘણા લોકો બીકના માર્યા રાત્રે ઘરની બહાર નીકળતા નથી; અથવા દિવસ હોય કે રાત તેઓ પોતાનાં બાળકોને બહાર એકલાં રમવા દેતા નથી. આનાથી જોઈ શકીએ છીએ કે આપણી સ્વતંત્રતા ઓછી થઈ રહી છે અને મોટા ભાગે ઓછી થતી રહેશે.

એદન બાગમાં શેતાને દાવો કર્યો હતો કે યહોવાથી આઝાદ થઈને જ ખરી સ્વતંત્રતા મળશે. એ કેટલું ખરાબ અને ભયંકર જૂઠાણું સાબિત થયું છે! સાચે જ, લોકો ઈશ્વરના નીતિનિયમો અને ધોરણો નહિ પાળે તેમ, વધારે ને વધારે હેરાન થશે. દુનિયાની આ બગડતી હાલત યહોવાના ભક્તોને પણ અસર કરે છે. જોકે, આપણી પાસે આશા છે કે જલદી જ મનુષ્યો પાપ અને વિનાશની ગુલામીમાંથી આઝાદ થશે. તેમ જ, બાઇબલ જેને “ઈશ્વરનાં છોકરાંના મહિમાની સાથે રહેલી મુક્તિ” કહે છે, એનો તેઓ આનંદ માણશે. (રોમ. ૮:૨૧) એ આઝાદી માટે યહોવાએ પોતાના ભક્તોને તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે. કઈ રીતે?

૩. યહોવાએ આપણને કયો નિયમ આપ્યો છે? આપણે કયા પ્રશ્ન પર વિચાર કરીશું?

બાઇબલના એક લેખક યાકૂબે સ્વતંત્ર કરનાર કે ‘છૂટાપણાના સંપૂર્ણ નિયમ’ વિષે વાત કરી, એમાંથી આપણને એનો જવાબ મળે છે. (યાકૂબ ૧:૨૫ વાંચો.) એને બાઇબલનાં બીજાં ભાષાંતરો “આપણને મુક્ત કરતો નિયમ” (ધ ન્યૂ ઇંગ્લિશ બાઇબલ) અને “આઝાદીનો સંપૂર્ણ નિયમ” (ધ ન્યૂ અમેરિકન બાઇબલ) કહે છે. સામાન્ય રીતે, લોકો નિયમને ગુલામી સાથે જોડશે, આઝાદી સાથે નહિ. તો પછી, ‘સ્વતંત્ર કરનાર સંપૂર્ણ નિયમ’ એટલે શું અને કેવી રીતે એ આપણને આઝાદ કરે છે?

આઝાદ કરતો નિયમ

૪. ‘સ્વતંત્ર કરનાર સંપૂર્ણ નિયમ’ એટલે શું? કોને એનો લાભ મળે છે?

‘સ્વતંત્ર કરનાર સંપૂર્ણ નિયમ’ મુસાને આપેલો નિયમ નહોતો. એ તો પાપ ખુલ્લા પાડતો હતો. એ નિયમ ખ્રિસ્તમાં પરિપૂર્ણ થયો. (માથ. ૫:૧૭; ગલા. ૩:૧૯) તો પછી યાકૂબ કયા નિયમની વાત કરતા હતા? તે ‘ખ્રિસ્તના નિયમ’ વિષે કહેતા હતા, જે ‘વિશ્વાસના નિયમ’ અને “સ્વતંત્રતાના નિયમ” તરીકે પણ ઓળખાય છે. (ગલા. ૬:૨; રોમ. ૩:૨૭; યાકૂ. ૨:૧૨) તેથી, ‘સંપૂર્ણ નિયમ’ એ બધી જ બાબતો બતાવે છે, જે યહોવા આપણી પાસેથી ચાહે છે. એનાથી અભિષિક્ત ખ્રિસ્તીઓ અને “બીજાં ઘેટાં” એમ બંનેને લાભ મળે છે.—યોહા. ૧૦:૧૬.

૫. સ્વતંત્રતાનો નિયમ શા માટે ભારે નથી?

‘સંપૂર્ણ નિયમ’ ઘણા દેશોમાં જોવા મળતા અઘરા અને ભારે કાયદા-કાનૂન જેવો નથી. પરંતુ, એમાં તો સરળ આજ્ઞાઓ અને મૂળ સિદ્ધાંતો છે. (૧ યોહા. ૫:૩) ઈસુએ કહ્યું હતું કે ‘મારી ઝૂંસરી સહેલી છે અને મારો બોજો હલકો છે.’ (માથ. ૧૧:૨૯, ૩૦) વધુમાં, ‘સંપૂર્ણ નિયમʼને કાયદા કે સજાઓની લાંબી યાદીની જરૂર નથી. એ નિયમનો પાયો પ્રેમ છે અને એ શિલાપાટીઓ પર નહિ, પણ આપણા દિલોદિમાગમાં લખાયેલો છે.—હિબ્રૂ ૮:૬, ૧૦ વાંચો.

‘સંપૂર્ણ નિયમ’ આપણને કેવી રીતે મુક્ત કરે છે?

૬, ૭. યહોવાના નિયમો વિષે શું કહી શકાય? શા માટે સ્વતંત્રતાનો નિયમ આપણને આઝાદી આપે છે?

માણસજાત માટે યહોવાએ ઠરાવેલી હદ તેઓના જ લાભ અને સલામતી માટે છે. દાખલા તરીકે, ગુરુત્વાકર્ષણ જેવા કુદરતી નિયમોનો વિચાર કરો, જે શક્તિ અને પદાર્થ પર કાબૂ ધરાવે છે. એ નિયમો અત્યાચાર છે એવી લોકો ફરિયાદ કરતા નથી. એને બદલે, તેઓ એની કદર કરે છે અને સ્વીકારે છે કે એ તેઓના ભલા માટે મહત્ત્વના છે. એવી જ રીતે, ખ્રિસ્તના ‘સંપૂર્ણ નિયમʼમાં જોવા મળતા યહોવાના નીતિનિયમો આપણા ભલા માટે છે.

સ્વતંત્રતાનો નિયમ આપણું રક્ષણ કરે છે. વધુમાં, આપણને કોઈ નુકસાન વગર કે બીજાઓના હક્ક અને આઝાદી છીનવી લીધા વગર, એ નિયમ આપણી બધી જ સારી ઇચ્છાઓ સંતોષવા દે છે. તેથી, ખરી આઝાદી મેળવવા માટે યોગ્ય ઇચ્છાઓ કેળવીએ, જે યહોવાના સ્વભાવ અને ધોરણો પ્રમાણે હોય. બીજા શબ્દોમાં, યહોવા જેને ચાહે છે એને ચાહીએ અને નફરત કરે છે એને નફરત કરીએ. સ્વતંત્રતાનો નિયમ આપણને એ શીખવા મદદ કરે છે.—આમો. ૫:૧૫.

૮, ૯. જેઓ સ્વતંત્રતાના નિયમને વળગી રહે છે, તેઓને કેવા લાભ થાય છે? દાખલો આપો.

આપણે અપૂર્ણ હોવાને લીધે ખોટી ઇચ્છાઓ પર કાબૂ રાખવો મુશ્કેલ છે. તોપણ, સ્વતંત્રતાના નિયમને વફાદારીથી વળગી રહીએ છીએ ત્યારે, આપણને આઝાદ કરવાની એની શક્તિ હમણાં પણ અનુભવીએ છીએ. એ સમજવા એક દાખલો જોઈએ. જય નામના એક બાઇબલ વિદ્યાર્થીને ધૂમ્રપાન કરવાની આદત હતી. તે શીખ્યા કે તેમની આ આદતથી ઈશ્વર ખુશ થતા નથી. હવે તેમણે નિર્ણય લેવાનો હતો કે શું તે પોતાની ઇચ્છાઓને વળગી રહેશે કે યહોવા જે ચાહે છે એ કરશે? તેમને ધૂમ્રપાન કરવાની તલપ લાગતી તોપણ, તેમણે ઈશ્વરને ભજવાનું પસંદ કર્યું. આ આદત છોડી દીધા પછી તેમને કેવું લાગ્યું? તેમણે કહ્યું: “હું ખરી રીતે આઝાદ થયો અને મને ખૂબ ખુશી મળી.”

દુનિયાની સ્વતંત્રતા લોકોને પોતાની ઇચ્છાઓ પૂરી કરવાની છૂટ આપે છે. પરંતુ, જય અનુભવથી શીખ્યા કે હકીકતમાં એ લોકોને પાપના ગુલામ બનાવે છે. જેઓ ઈશ્વરનો સ્વતંત્રતાનો નિયમ પાળે છે અને તેમની દોરવણી પ્રમાણે ચાલવાનું પસંદ કરે છે, તેઓ આઝાદ થાય છે અને “જીવન તથા શાંતિ” મેળવી શકે છે. (રોમ. ૮:૫, ૬) પોતાને ગુલામ બનાવતી ખરાબ આદતોને છોડવા જયને ક્યાંથી મદદ મળી? તે પોતાની જાતે નહિ પણ ઈશ્વરની મદદથી એ કરી શક્યા. તેમણે કહ્યું કે ‘હું નિયમિત બાઇબલ અભ્યાસ કરતો, પવિત્ર શક્તિ માટે પ્રાર્થના કરતો. મંડળના ભાઈ-બહેનો પાસેથી મળતી પ્રેમાળ મદદ શોધતો.’ આ બધી જ ગોઠવણો સર્વને ખરી સ્વતંત્રતા મેળવવા મદદ કરી શકે. કેવી રીતે? ચાલો જોઈએ.

બાઇબલ ધ્યાનથી વાંચો

૧૦. બાઇબલ પ્રમાણે ‘નિહાળવું’ શબ્દનો શું અર્થ થાય?

૧૦ યાકૂબ ૧:૨૫ કહે છે: ‘જે સ્વતંત્રતાના સંપૂર્ણ નિયમમાં નિહાળીને જુએ છે, અને તેમાં રહે છે, તે પોતાના વ્યવહારમાં ધન્ય થશે.’ મૂળ ગ્રીક ભાષામાં ‘નિહાળવું’ શબ્દનો અર્થ ‘કશાકમાં જોવા આગળ નમવું’ થાય છે. એનો મતલબ કે ધ્યાનથી જોવાનો પ્રયત્ન કરવો. જો આપણે ચાહતા હોઈએ કે સ્વતંત્રતાનો નિયમ આપણા દિલોદિમાગને અસર કરે, તો આપણે ખંતથી બાઇબલનો અભ્યાસ કરીએ. તેમ જ, જે વાંચીએ એના પર પ્રાર્થનાપૂર્વક મનન કરીએ.—૧ તીમો. ૪:૧૫.

૧૧, ૧૨. (ક) સત્યને જીવનનો ભાગ બનાવવા પર ઈસુએ કેવી રીતે ભાર મૂક્યો? (ખ) ફકરામાં આપેલા દાખલા પ્રમાણે, ખાસ કરીને યુવાનોએ કયા જોખમથી દૂર રહેવું જોઈએ?

૧૧ એની સાથે સાથે, આપણે બાઇબલને લાગુ પાડતા ‘રહીએ’ અથવા એને લાગુ પાડવામાં ટકી રહીએ. આમ, સત્યને આપણા જીવનનો ભાગ બનાવીએ. ઈસુએ પોતાનામાં વિશ્વાસ મૂકનારા અમુક લોકોને આવું જ કહ્યું હતું: “જો તમે મારા વચનમાં રહો, તો ખરેખર તમે મારા શિષ્યો છો; અને તમે સત્યને જાણશો, અને સત્ય તમને મુક્ત કરશે.” (યોહા. ૮:૩૧, ૩૨) એક પુસ્તક કહે છે, “જાણશો” શબ્દનો અહીં એ મતલબ પણ થાય કે કદર કરવી; કારણ, ‘વ્યક્તિ જે જાણે છે એ ‘જાણવું’ તેના માટે કીમતી અથવા મહત્ત્વનું છે.’ એટલે, જ્યારે આપણે સત્યને જીવનનો ભાગ બનાવીએ છીએ, ત્યારે સત્યને પૂરેપૂરી રીતે જાણીએ છીએ. આમ, સાચે જ કહી શકીએ કે “ઈશ્વરનું વચન” આપણને “પ્રેરણા” આપે છે. એ આપણો સ્વભાવ એવી રીતે ઘડે છે કે આપણે વધારે સારી રીતે આપણા સ્વર્ગમાંના પિતાને અનુસરી શકીએ.—૧ થેસ્સા. ૨:૧૩.

૧૨ પોતાને પૂછો કે ‘શું હું સાચે જ બાઇબલનું સત્ય જાણું છું? શું એને મારા જીવનનો ભાગ બનાવ્યો છે? કે પછી હજી પણ હું દુનિયાની થોડી “સ્વતંત્રતા” માટે તડપું છું?’ ખ્રિસ્તી કુટુંબમાં ઉછરેલાં એક બહેને પોતાની યુવાનીના દિવસો વિષે આમ લખ્યું: “જ્યારે આપણે સત્યમાં ઉછર્યાં હોઈએ, ત્યારે એમ લાગે કે યહોવા આપણી સાથે જ છે. પણ મારા કિસ્સામાં ખરેખર મેં તેમને કદી ઓળખ્યા નહોતા. તે જેને નફરત કરે છે, એને નફરત કરતા હું કદી શીખી નહિ. મને કદી એવું નહોતું લાગતું કે હું જે કરું છું એનાથી તેમને ફરક પડે છે. મુશ્કેલીમાં પણ હું તેમની પાસે જતા કદી શીખી નહિ. હું પોતાની સમજણ પર આધાર રાખતી હતી, જે મૂર્ખામી હતી, કેમ કે હું કશું જ જાણતી નહોતી.” ખુશીની વાત છે કે પછીથી બહેનને ખબર પડી કે તેમના વિચારો ખોટા હતા અને તેમણે કેટલાક મોટા ફેરફારો કર્યા. તે નિયમિત પાયોનિયરીંગ પણ કરવા લાગ્યાં.

પવિત્ર શક્તિ તમને મુક્ત થવા મદદ કરશે

૧૩. કઈ રીતે ઈશ્વરની શક્તિ આપણને આઝાદ થવા મદદ કરે છે?

૧૩ બીજો કોરીંથી ૩:૧૭ જણાવે છે: ‘જ્યાં યહોવાની પવિત્ર શક્તિ છે, ત્યાં સ્વતંત્રતા છે.’ પવિત્ર શક્તિ કેવી રીતે આપણી આઝાદીમાં ભાગ ભજવે છે? બીજી બાબતોની સાથે સાથે એ આપણામાં આવા ગુણો કેળવે છે, જે આઝાદી માટે મહત્ત્વના છે: “પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ.” (ગલા. ૫:૨૨, ૨૩) આ ગુણો વગર, ખાસ તો પ્રેમ વગર કોઈ ખરા અર્થમાં આઝાદ થઈ શકે નહિ. આ હકીકત આજની દુનિયામાં એકદમ સાફ દેખાઈ આવે છે. પવિત્ર શક્તિનાં ફળ વિષે જણાવ્યા પછી, પ્રેરિત પાઊલે ઉમેર્યું કે “એવાંની વિરુદ્ધ કોઈ નિયમ નથી.” તેમના કહેવાનો અર્થ શું હતો? એવો કોઈ નિયમ નથી જે ઈશ્વરની શક્તિનાં ફળનો વિકાસ થતાં અટકાવી શકે. (ગલા. ૫:૧૮) યહોવા ચાહે છે કે આપણે ખ્રિસ્તના જેવા ગુણો સદા કેળવતા રહીએ અને કોઈ પણ બંધન વગર એ બતાવતા રહીએ.

૧૪. દુન્યવી વલણને આધીન થતા લોકોને કેવી રીતે દુનિયા ગુલામ બનાવી દે છે?

૧૪ જેઓ દુન્યવી વલણના પંજામાં છે, તેઓ કદાચ વિચારે કે પોતાની સ્વાર્થી ઇચ્છાઓ પૂરી કરી શકતા હોવાને લીધે પોતે આઝાદ છે. (૨ પીતર ૨:૧૮, ૧૯ વાંચો.) પરંતુ, હકીકત સાવ જુદી છે. દુનિયાના લોકોનાં વર્તન અને ઇચ્છાઓને કાબૂમાં રાખવા, સરકારોએ ઢગલાબંધ નિયમો બનાવવા જ પડે છે. પાઊલે કહ્યું: ‘નિયમ સારા માણસ માટે નહિ, પણ નિયમભંગ કરનારાઓ અને ગુનેગારો માટે છે.’ (૧ તિમો. ૧:૯, ૧૦, કોમન લેંગ્વેજ) એવા લોકો પાપના ગુલામ છે અને ‘દેહની વૃત્તિઓ,’ એટલે કે ખોટી ઇચ્છાઓ પૂરી કરવા દોરાય છે. શરીરની એ ખોટી ઇચ્છાઓ ક્રૂર માલિક જેવી છે. (એફે. ૨:૧-૩) એક રીતે જોઈએ તો, એ લોકો એવાં જીવડાં જેવાં છે, જેઓ મધના વાટકામાં ચાલ્યાં જાય છે. તેઓ પોતાની ભૂખ મિટાવવા જાય છે અને જલદી જ એમાં ફસાય જાય છે.—યાકૂ. ૧:૧૪, ૧૫.

ખ્રિસ્તી મંડળમાં આઝાદી

૧૫, ૧૬. મંડળ સાથે સંગત માણવી કેટલું મહત્ત્વનું છે? આપણે કેવી આઝાદીનો આનંદ માણીએ છીએ?

૧૫ જ્યારે તમે ખ્રિસ્તી મંડળના સભ્ય બન્યા, ત્યારે તમારે અરજી કરવી પડી ન હતી. એને બદલે, યહોવાએ ખેંચ્યા હોવાથી તમે મંડળમાં આવ્યા. (યોહા. ૬:૪૪) તેમણે શા માટે એમ કર્યું? શું યહોવાએ તમારામાં એક ધાર્મિક અને ઈશ્વરનો ડર રાખતી વ્યક્તિ જોઈ? તમે કદાચ કહેશો, “એમ હોય જ નહિ!” તો પછી ઈશ્વરે શું જોયું? તેમણે એવું એક હૃદય જોયું, જે તેમના સ્વતંત્રતાના નિયમ પાળે અને એની દોરવણીને આધીન થાય. યહોવાએ મંડળમાં તમને બાઇબલમાંથી શીખવીને તમારું હૃદય ઘડ્યું છે. ખોટી ધાર્મિક માન્યતાઓ અને અંધશ્રદ્ધાથી તમને મુક્ત કર્યા છે. તેમ જ, એ શીખવ્યું કે કેવી રીતે ખ્રિસ્ત જેવા ગુણો કેળવવા. (એફેસી ૪:૨૨-૨૪ વાંચો.) આમ, તમને એવા લોકો સાથે રહેવાની તક મળી છે, જેઓ એકલા જ ખરા અર્થમાં ‘સ્વતંત્ર’ છે.—યાકૂ. ૨:૧૨.

૧૬ આનો વિચાર કરો: યહોવાને દિલથી ચાહતા લોકો સાથે તમે હો ત્યારે, શું તમને બીક લાગે છે? શું તમે સતત પોતાની આસપાસ જોયા કરો છો? સભામાં આવેલા ભાઈ-બહેનો સાથે વાત કરતી વખતે, શું તમને ચિંતા રહે છે કે કોઈ તમારી વસ્તુઓ ચોરી જશે? ના, એવું નથી બનતું. તમે સલામતી અને આઝાદી અનુભવો છો. શું દુનિયાના કોઈ પ્રસંગમાં તમે એવું અનુભવો છો ખરા? કદાચ નહિ. જે સ્વતંત્રતા તમે ઈશ્વરના લોકો વચ્ચે અનુભવો છો, એ તો આવનાર આઝાદીની ઝલક છે.

“ઈશ્વરનાં છોકરાંના મહિમાની સાથે રહેલી મુક્તિ”

૧૭. માનવજાતિની આઝાદી કઈ રીતે ‘ઈશ્વરનાં છોકરાંના પ્રગટ થવા’ સાથે જોડાયેલી છે?

૧૭ યહોવા ધરતી પરના પોતાના ભક્તોને જે આઝાદી આપવાના છે, એ વિષે ચર્ચા કરતી વખતે પાઊલે લખ્યું: “સૃષ્ટિની ઉત્કંઠા ઈશ્વરનાં છોકરાંના પ્રગટ થવાની વાટ જોયાં કરે છે.” પછી, તેમણે ઉમેર્યું કે ‘એ એવી આશાથી સ્વાધીન થઈ કે સૃષ્ટિ પોતે પણ નાશના દાસત્વમાંથી મુક્ત થઈને ઈશ્વરનાં છોકરાંના મહિમાની સાથે રહેલી મુક્તિ પામે.’ (રોમ. ૮:૧૯-૨૧) “સૃષ્ટિ” માનવજાતિને દર્શાવે છે, જેઓ આ ધરતી પર જીવવાની આશા રાખે છે. તેઓ ઈશ્વરના અભિષિક્ત થયેલા દીકરાઓના ‘પ્રગટ થવાથી’ લાભ પામશે. એ પ્રગટ થવાની શરૂઆત ત્યારે થશે, જ્યારે સ્વર્ગમાં સજીવન થયેલા ‘છોકરાં’ ખ્રિસ્ત સાથે આ ધરતી પરથી દુષ્ટતા સાફ કરવામાં ભાગ લેશે. તેમ જ, તેઓ “મોટી સભા”ને સાચવીને નવી દુનિયામાં લઈ જશે.—પ્રકટી. ૭:૯, ૧૪.

૧૮. ઈશ્વરની આજ્ઞા પાળનારા મનુષ્યોની સ્વતંત્રતા કઈ રીતે વધતી જશે? છેવટે તેઓ કેવી સ્વતંત્રતાનો આનંદ માણશે?

૧૮ પછી, આઝાદ થયેલા મનુષ્યો તદ્દન નવી સ્વતંત્રતાનો અનુભવ કરશે. તેઓ શેતાન અને તેના દુષ્ટ દૂતોની અસરથી આઝાદ થશે. (પ્રકટી. ૨૦:૧-૩) એ સમયે કેટલી રાહત મળશે! એ પછી ખ્રિસ્તના ૧,૪૪,૦૦૦ સાથી રાજાઓ અને યાજકો, કેવી રીતે ઈસુના બલિદાનથી મળતા લાભો વાપરશે? જ્યાં સુધી આદમ તરફથી મળેલા પાપ અને અપૂર્ણતા સાવ ભૂંસાઈ ન જાય, ત્યાં સુધી તેઓ ધીરે ધીરે મનુષ્યોને આઝાદ કરતા જશે. (પ્રકટી. ૫:૯, ૧૦) મનુષ્યો કસોટીમાં પણ પોતાની વફાદારી સાબિત કર્યા પછી, યહોવાના મૂળ હેતુ પ્રમાણે મુક્તિ મેળવશે, જે “ઈશ્વરનાં છોકરાંના મહિમાની સાથે રહેલી મુક્તિ” છે. જરા વિચારો, ઈશ્વરની નજરમાં જે ખરું છે એ કરવા તમારે કદીયે ભારે લડત આપવી નહિ પડે! તમારાં તન-મનમાં કોઈ જ ખામી નહિ હોય અને તમે પૂરેપૂરી રીતે ઈશ્વરના ગુણો બતાવી શકશો!

૧૯. ખરી સ્વતંત્રતાના માર્ગે રહેવા માટે આપણે શું કરતા રહેવું જોઈએ?

૧૯ શું તમે “ઈશ્વરનાં છોકરાંના મહિમાની સાથે રહેલી મુક્તિ” પામવા આતુર છો? જો એમ હોય, તો તમારા દિલોદિમાગ પર ‘સ્વતંત્ર કરનાર સંપૂર્ણ નિયમની’ અસર થવા દો. એ માટે બાઇબલનો ખંતથી અભ્યાસ કરો. ઈશ્વરના સત્ય પ્રમાણે જીવો. ઈશ્વરની શક્તિ માટે પ્રાર્થના કરો. ખ્રિસ્તી મંડળનો અને યહોવા તરફથી મળતા શિક્ષણનો પૂરેપૂરો લાભ ઉઠાવો. જોજો, શેતાને એદન બાગમાં હવાને ભમાવી હતી તેમ, તમને ભમાવે નહિ કે ઈશ્વરનો માર્ગ તો વધારે પડતો કડક છે! ભૂલશો નહિ, શેતાન બહુ ચાલાક છે. પણ હવે પછીના લેખમાં જોઈશું તેમ ‘શેતાન આપણા પર ફાવી જાય’ એ જરૂરી નથી, “કેમ કે આપણે તેની યુક્તિઓથી અજાણ્યા નથી.”—૨ કોરીં. ૨:૧૧. (w12-E 07/15)

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૪ પર ચિત્રો]

શું હું હજી પણ દુનિયાની થોડીક “સ્વતંત્રતા” માટે તડપું છું?

[પાન ૧૪ પર ચિત્રો]

શું હું સત્ય પ્રમાણે જીવું છું?